એક અજાણ્યા ગાંધીની આત્મકથા/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 08:37, 10 December 2023 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
અર્પણ

સ્મૃતિશેષ રતિભાઈને…
વડીલ વડલા સમા, પકડી હાથ દોર્યો મને.





The life so short, the craft so long to learn!
Hippocrates, Greek Physician, c. 460–c. 370 BC

The past is a foreign country: they do things differently there.
L.P. Hartley, The Go-Between,

Hamish Hamilton, 1970, p.17


ઋણ સ્વીકાર અને આભાર

દૂર અમેરિકામાં બેઠા ગુજરાતીમાં પુસ્તક લખવું તે સાહસભર્યું કામ છે, પણ એનાથીએ વધુ જોખમી કામ તો એને બહુધા ભૂલો વગર પ્રગટ કરવું તે છે. ઘણાં સહૃદયી મિત્રોએ આ કામમાં ઉદારભાવે મદદ કરી. સૌથી પ્રથમ તો સુજ્ઞ અને સુપ્રસિદ્ધ વિવેચક શિરીષ પંચાલે આ પુસ્તકની મૅન્યુસ્ક્રીપ્ટ ઝીણવટથી જોઈ અને સુધારાવધારાનાં અગત્યનાં સૂચનો કર્યા. કુશળ ભાષાશાસ્ત્રી બાબુ સુથારે પણ કેટલાંક ઉપયોગી સૂચનો કર્યાં. ઇમેજ પબ્લિકેશન્સના અપૂર્વ આશરની સૂક્ષ્મ પ્રકાશનસૂઝ અને ઉત્પલ ભાયાણીના ઉષ્માભર્યા સહકાર સિવાય આવી સુંદર રીતે આ પુસ્તક તૈયાર ન જ થઈ શકત. સ્વર્ગસ્થ મિત્ર અને ઇમેજના સંસ્થાપક કવિ સુરેશ દલાલની સુઘડ પબ્લિશિંગની ઉમદા પ્રણાલી એમણે જાળવી રાખી છે એ આનંદની વાત છે. જીવનની સંધ્યાનાં આ વર્ષોમાં મારી સાહિત્યિક અને અન્ય પ્રવૃત્તિઓમાં કવયિત્રી અને આત્મીય પન્ના નાયકનો જે સુખદ સહયોગ મને પ્રાપ્ત થયો છે તે મારું પરમ સદ્ભાગ્ય છે. આ બધાનો હું ઘણો આભારી છું, જો કે પુસ્તકમાં જે ક્ષતિઓ રહી ગઈ છે તેની જવાબદારી તો મારી જ છે.

નટવર ગાંધી
ઑક્ટોબર ૪, ૨૦૧૬, વૉશિંગ્ટન


All remembrance of things past is fiction and this fiction has been cut ruthlessly and people cut away just as most of the voyages are gone along with people that we cared for deeply. Only they knew certain things. Other people are not there as people are not there in life afterwards although, to themselves, they are always more there than anyone.

Ernest Hemingway, A Moveable Feast,
Scribner, 2009, p.229


Nothing is so difficult as not deceiving oneself.

Ludwig Wittgenstein, Culture and Values,

1980: Chicago, p.34


પ્રસ્તાવના

In the final analysis, the questions of why bad things happen to good people transmutes itself into some very different questions, no longer asking why something happened, but asking how we will respond, what we intend to do now that it happened.

Pierre Teilhard de Chardin

વૉશિંગ્ટનનું ટૅક્સ કૌભાંડ—મારા જીવનની મોટી કટોકટી

૨૦૦૭ના નવેમ્બર મહિનાની સાતમી તારીખને હું જિંદગીમાં ક્યારેય ભૂલવાનો નથી. મારા જીવનમાં, મારી કારકિર્દીમાં, એ દિવસે મોટો ધરતીકંપ થયેલો! હું ત્યારે અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનનો સી.એફ.ઓ એટલે કે ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસર હતો. એ દિવસે યુ.એસ. એટર્નીની ઑફિસમાં પ્રેસ કૉન્ફરન્સ હતી. વૉશિંગ્ટનના મેયર, એફ.બી.આઈ.ના અને શહેરના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. વૉશિંગ્ટન પોસ્ટના અને બીજાં છાપાંઓ તેમ જ ટીવીના ભરાડી રિપોર્ટરોથી ખીચોખીચ આખો હોલ ભરાઈ ગયો હતો. એ બધા અમારા આવવાની રાહ જોતા “માણસ ગંધાય માણસ ખાઉં” એમ કરતા અધીરા થઈને બેઠા હતા.

મારા હાથ નીચે જે ટૅક્સ ઑફિસ ચાલતી હતી એમાં પચાસ મીલિયન ડોલરનું કૌભાંડ થયું હતું. સી.એફ.ઓ. થયો એ પહેલાં ત્રણ વરસ હું વૉશિંગ્ટનનો ટૅક્સ કમિશનર હતો. જો કે આ કૌભાંડ લગભગ વીસેક વરસથી ચાલતું હતું. પણ મુદ્દાની વાત એ હતી કે જ્યારે ચોરી પકડાઈ ત્યારે હું સી.એફ.ઓ હતો, અને એ ચોરી કરનારા ટૅક્સ ઑફિસરો મારા હાથ નીચે કામ કરતા હતા. એમના ગેરવર્તનની જવાબદારી મારી.

મેં જ્યારે ટૅક્સ ઑફિસનું કામ હાથમાં લીધું ત્યારે એના કોઈ ઢંગધડા ન હતાં, બધું અસ્તવ્યસ્ત હતું, વૉશિંગ્ટનના લોકો એની ગેરવ્યવસ્થા અને અરાજકતાથી થાકી ગયા હતા. વર્ષોથી રીઢા થઈને બેસી ગયેલા કામચોર કર્મચારીઓનો કોઈ હિસાબ લેતું નહોતું. બોડી બામણીના ખેતર જેવી દશામાં ચાલતી એ ટૅક્સ ઑફિસમાં પ્રમાણમાં લાંચ રુશ્વત ઘણી હતી. ઑફિસમાં પ્રામાણિકતા, નૈતિક ખંત અને ખાનદાનીની આબોહવા (કલ્ચર) ઓછાં.

આવી રેઢિયાળ ઑફિસનાં સૂત્રો મેં હાથમાં લીધાં. એમાં સુધારાવધારા કર્યા, એનું તંત્ર વ્યવસ્થિત કર્યું, અને નવી કમ્પ્યૂટર સિસ્ટમ પણ દાખલ કરી. પછી લોકો કરવેરા ભરવા માંડ્યા. સરકારી સિલક વધવા માંડી. વૉલ સ્ટ્રીટમાં જ્યાં અમે દર વર્ષે બીલિયન ડોલરથી પણ વધુ બોન્ડ વેચવા જતા હતા, અને જ્યાં અમારી આબરૂના કાંકરા થયા હતા, ત્યાં હવે અમારી પ્રતિષ્ઠા વધવા લાગી. ધીમે ધીમે વૉશિંગ્ટનનું નાણાં ખાતું ઠેકાણે પડવા લાગ્યું.

આ પ્રગતિ જરૂર થઈ, પણ કેટલાક જૂના ખાઉધરા કર્મચારીઓએ નવી સિસ્ટમને દગો દીધો. એમણે વીસેક વરસથી ચાલતી એમની ચોરીની સ્કીમ કોઈ ઉપરી અધિકારીને ખબર ન પડે તેમ ચાલુ રાખી! આ સ્કીમ એવી કુશળતાથી ચાલતી હતી કે કોઈને ગંધ પણ ના આવી. છેવટે એફ.બી.આઈ.ના માણસો અને અમારા ઇન્ટર્નલ ઑડિટરોએ આ સ્કીમને પકડી પાડી. એ આખું કૌભાંડ બહાર આવ્યું. ટૅક્સ ઑફિસના એક વખતના ડાયરેક્ટર અને અત્યારના સી.એફ.ઓ. તરીકે એને માટે હું જવાબદાર ગણાયો!

આ પ્રેસ કૉન્ફરન્સમાં વૉશિંગ્ટનના રિપોર્ટરો મેયરને એક પછી એક એમ આકરા પ્રશ્નોથી પજવવા લાગ્યા. કહેતા હતા કે જુઓ તમારા હાથ નીચે કેવું મોટું કૌભાંડ થયું! એ વખતે હું મેયરની બાજુમાં જ પણ પાછળ ઊભો હતો. ત્યાંથી તુરત આગળ આવીને મેં કહ્યું કે આ બાબતમાં બધી જ જવાબદારી મારી છે. એમાં જે બદનામી થવી જોઈએ તે મારી થવી જોઈએ, મેયરની નહીં. જે કંઈ સવાલ પૂછવા હોય એ મને પૂછો. પછી તો એ પ્રેસ કૉન્ફરન્સનું ટારગેટ હું બની ગયો. બધા મારી ઉપર તૂટી પડ્યા. હવે ટીવી કેમેરાઓએ મારી પર મીટ માંડી. આંખને આંજી દેતી કેમેરાની એ લાઈટ્સ, હાથમાં રેકોર્ડિંગ મશીન લઈને ધક્કામુક્કી કરતા અનેક રિપોર્ટરો, ટોકિંગ પોઈન્ટ્સ અને નોટ્સ લઈને તમને તૈયાર કરતો સ્ટાફ–ક્લાસિક વૉશિંગ્ટન પ્રેસ કૉન્ફરન્સમાં જે બધું હોય તે અહીં હતું.

વૉશિંગ્ટનના મહત્ત્વાકાંક્ષી માણસોની જેમ મને પણ ઊંડે ઊંડે એવી ઇચ્છા હતી કે મારે માટે પ્રેસ કોન્ફરસ ભરાય, જેમાં મારી કોઈ મોટી નિમણૂક થઈ હોય અને હું આત્મવિશ્વાસથી સવાલજવાબ કરું. પણ આ કૉન્ફરન્સનો આશય સાવ જુદો હતો. આમાં તો હું જ હોળીનું નાળિયેર બન્યો અને મારો જ હુરિયો બોલાયો. આ બધું જોતાં મને એમ પણ થયું કે હવે વૉશિંગ્ટનમાં આપણા દિવસો ભરાઈ ગયા છે. અહીંની ફૅડરલ બ્યુરોક્રસીમાં અથવા પ્રાઈવેટ સેક્ટરમાં હજુ વધુ અગત્યની નોકરીઓ લેવાના મારા જે મનોરથ હતાં તે બધાં આ કોન્ફરસ પછી રોળાઈ ગયાં. હવે મારી જે નામોશી થવાની છે તે કારણે મને બીજે ક્યાંય નોકરી મળવાની પણ અશક્ય થઈ જશે.

વિધિની વિચિત્રતા તો જુઓ કે એ જ દિવસે સાંજે મને ગવર્નીંગ મૅગેઝિન તરફથી રાષ્ટ્રીય કક્ષાનો ‘પબ્લિક ઑફિશિયલ ઓફ ધી ઈયર’નો મોટો અવોર્ડ અપાવાનો હતો. વૉશિંગ્ટનની પ્રખ્યાત વિલર્ડ હોટેલમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં મારું સન્માન થવાનું હતું.1 મારી કારકિર્દીનું આ એક ઊંચું શિખર હતું. સમારંભ યોજાયો. મને અવોર્ડ અપાયો. ખૂબ વખાણ થયાં, પણ મને ખબર હતી કે બીજે જ દિવસે સવારે આ બધું રોળાઈ જવાનું છે. છાપામાં પહેલે પાને ટૅક્સ કૌભાંડના ખરાબ સમાચાર સિવાય બીજું કંઈ નહિ હોય, અને એવું જ થયું.

હું છાપે અને છાપરે ચડ્યો

બીજે દિવસે અને પછી મહિનાઓ સુધી વૉશિંગ્ટન પોસ્ટ અને બીજાં છાપાંઓમાં મારા ફોટા સાથે એ કૌભાંડના સમાચારો પહેલે પાને પ્રગટ થયા. 2કહેવામાં આવ્યું કે વૉશિંગ્ટનના ઇતિહાસમાં ક્યારેય પણ આવું મોટું કૌભાંડ થયું નથી. ત્યાર પછી તો મહિનાઓ સુધી મારી ઉપર કંઈક માછલાં ધોવાયાં. અમેરિકામાં છાપાંવાળા જ્યારે કોઈની પણ પાછળ પડે ત્યારે એનાં છોતરાં જડમૂળથી કાઢી નાખે. ભલભલાને જોતજોતાંમાં ભોંય ભેગા કરી દે!

વૉશિંગ્ટન પોસ્ટમાં તંત્રીલેખો સાથે મારું કાર્ટૂન પણ છપાયું!3 આવા બધા બદનામીના સમાચારો મહિનાઓ સુધી છાપાંઓમાં અને ટીવીમાં આવ્યા કર્યા. એ પ્રકરણના સંદર્ભમાં સિટી કાઉન્સિલ, બોર્ડ ઑફ ટ્રેડ, ચેમ્બર ઑફ કૉમર્સ, કમ્યુનિટી એસોશિઅન્સ, વૉલ સ્ટ્રીટ, કૉંગ્રેસ એમ અનેક જગ્યાએ મારે જુબાની આપવી પડી. આકરા સવાલોના જવાબ આપવા પડ્યા. આ કૌભાંડ કેમ થયું અને એને માટે કોણ કોણ જવાબદાર છે, તે બાબતની વ્યવસ્થિત તપાસ કરવા સિટી કાઉન્સિલે વૉશિંગ્ટનની એક મોટી લો ફર્મને જવાબદારી સોંપી.

અજાયબીની વાત તો એ છે કે આવડું મોટું કૌભાંડ થયા પછી પણ બીજાં સાત વરસ હું સી.એફ.ઓ. તરીકે ટકી રહ્યો! કૌભાંડ થયા પછી મારી ટર્મ પૂરી થયે બે વાર ફરી મારી નિમણૂંક થઈ. આમ હું ૨૦૧૩ સુધી હું સીએફઓ રહ્યો! ૨૦૧૩માં મેં જાતે જ રાજીનામું ન આપ્યું હોત તો બીજાં ચાર વરસ હજી હું એ હોદ્દા પર રહી શક્યો હોત. રાજીનામું આપ્યા પછી પણ મારે મેયરના કહેવાથી વધુ એક આખું વરસ એ જ હોદ્દા પર કામ કરવું પડેલું.

જો કે એ ૨૦૦૭ના નવેમ્બરના એ દિવસોમાં તો “ગાંધીને આ અગત્યના હોદ્દા ઉપરથી હમણાં ને હમણાં ખસેડો,” એવું ઘણે ઠેકાણેથી કહેવાયું હતું.4 એ દિવસોમાં વૉશિંગ્ટન બિઝનેસ જર્નલમાં ઓપિનિયન પોલ પણ લેવાયો કે ગાંધીએ સીએફઓ તરીકે રાજીનામું આપવું જોઈએ કે નહીં? જેમાં ૫૮% બિઝનેસ કમ્યુનિટીના લોકોએ કહ્યું કે હા, તેને રીઝાઇન કરવું જોઈએ, જ્યારે ૪૨% લોકોએ કહ્યું કે ના, ડિસ્ટ્રીકને હજી ગાંધીની જરૂર છે.5 મેં પોતે જ મેયરને કહ્યું કે હું આ કૌભાંડની જવાબદારી સ્વીકારું છું અને રાજીનામું આપવા તૈયાર છું. પણ મેયરે મારું રાજીનામું ન સ્વીકાર્યું. મને કહ્યું કે ટૅક્સ ઑફિસને સુધારવા માટે, એ ઑફિસની બ્યુરોક્રસીની સાફસૂફી કરવા માટે અમારે હજી તમારી જરૂર છે!

જે લો ફર્મને આ બધું તપાસ કરવાનું કામ સોપાયું હતું એનું પણ એમ જ કહેવું હતું કે ગાંધીની ઑફિસમાં એની નીચે હાથ કરતા માણસોએ આ ચોરી કરી છે, ગાંધીએ નહીં. આ સ્કૅન્ડલના મૂળમાં ટૅક્સ ઑફિસના કર્મચારીઓની બેદરકારી અને નૈતિક અંધતા છે.6 અગત્યના કૉંગ્રેસમેનો, બિઝનેસ સમુદાય, મજૂર મહાજન, મેયર પોતે, સિટી કાઉન્સિલ–એમ બધાનું માનવું એવું હતું કે ગાંધીએ ટૅક્સ ઑફિસને સુધારવામાં બહુ પ્રયત્નો કર્યા છે. એ જો સી.એફ.ઓ. તરીકે હજી રહે તો સુધારાનું કામ આગળ વધી શકે. વૉશિંગ્ટનને નાણાંકીય રીતે સદ્ધર બનાવવું હોય તો ગાંધીની હજી જરૂર છે. એમના સિવાય કોઈ વિકલ્પ અમને દેખાતો નથી.7 વધુમાં વૉલ સ્ટ્રીટમાં, ખાસ કરીને રેટિંગ એજન્સીઓમાં, એમ કહેવાયું કે આ સ્કૅન્ડલથી ડિસ્ટ્રીકના ક્રેડિટ રેટિંગ ઉપર કોઈ અસર નહીં આવે.8

વૉશિંગ્ટનની અર્થવ્યવસ્થા

એક શહેર તરીકે વૉશિંગ્ટનની હયાતી જ જુદી છે. એ અમેરિકાની રાજધાની તો ખરી જ. પણ સાથોસાથ એ અમેરિકાનાં મોટાં શહેરોમાંનું એક ગણાય. એને અમેરિકાના ફૅડરલ રાજ્યતંત્રથી જુદું રાખવામાં આવ્યું છે. એ રાજ્ય નહિ, પણ ‘ડિસ્ટ્રીક ઑફ કોલમ્બિયા, વૉશિંગ્ટન, ડી.સી.’ તરીકે ઓળખાવાય છે. એની અર્થવ્યવસ્થા અમેરિકાનાં પચાસ રાજ્યો કરતાં જુદી છે. વાયોમીંગ અને વર્મોન્ટ જેવાં કેટલાંક રાજ્યો કરતાં એની સાતેક લાખની વસતી વધારે અને એનું એ વખતનું લગભગ તેર બીલિયન ડોલરનું વાર્ષિક બજેટ અમેરિકાનાં કેટલાંક રાજ્યોનાં બજેટ કરતાં પણ મોટું, અને છતાં ડિસ્ટ્રીક રાજ્ય ન ગણાય, અને એના નાગરિકોને કૉંગ્રેસમાં પ્રતિનિધિત્વ ન મળે!

વૉશિંગ્ટનના રાજકારણ અને એની આર્થિક વ્યવસ્થાની જવાબદારી ફૅડરલ ગવર્નમેન્ટે, મુખ્યત્વે અહીંની કૉંગ્રેસે, એટલે કે અમેરિકાની ધારાસભાએ પોતાના હાથમાં રાખી છે. અમેરિકાના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે ‘ટૅક્સેશન વિધાઉટ રિપ્રેઝન્ટેશન’ (પ્રતિનિધિત્વ વગરના કરવેરા)નું સૂત્ર લઈને અમેરિકનો ઇંગ્લૅન્ડના રાજા સામે લડ્યા હતા. તે જ અમેરિકાની રાજધાનીના લોકોને આજે પણ એ મતાધિકાર નથી. જો કે આ નાગરિકોએ અહીંનો ટૅક્સ જરૂર આપવો પડે. એટલું જ નહિ, પણ ડિસ્ટ્રીકના નાગરિકો બીજાં બાવીસ રાજ્યો કરતાં વધુ ઇન્કમટૅક્સ ભરે!

રાજધાનીના નાગરિકોનું કહેવું છે કે અમે ફૅડરલ કરવેરા બરાબર ભરીએ છીએ, અમારા જુવાનો દેશની લડાઈઓમાં ફના થાય છે, બધા જ ફૅડરલ કાયદાઓ અમને લાગુ પડે છે, છતાં અમને મતાધિકાર નહિ? એ ન્યાય ક્યાંનો? આ બાબતનો ઊહાપોહ વારંવાર થાય છે. પણ એનું કાંઈ વળતું નથી. વૉશિંગ્ટનની વસતી ૧૯૬૦ના દાયકામાં સિત્તેર ટકા કાળી, શ્યામવર્ણી આફ્રિકન અમેરિકન હતી. તેથી રંગભેદ રાખવામાં આવે છે એવો દાવો કરવામાં આવ્યો. આ ચળવળને કારણે કૉંગ્રેસે છેવટે વૉશિંગ્ટનના નાગરિકોને પ્રમુખની ચૂંટણી માટેનો મર્યાદિત મતાધિકાર આપ્યો, અને સાથે સાથે સ્થાનિક રાજકારણ માટે હોમરૂલની વ્યવસ્થા કરી આપી. લોકો મેયર અને કાઉન્સિલની ચૂંટણી કરી શકે, પણ એમને કૉંગ્રેસમાં પ્રતિનિધિત્વ તો ન જ મળ્યું.

મુખ્યત્વે ગોરા લોકોની બહુમતિવાળી કૉંગ્રેસના નેતાઓ એમ માને કે જો વૉશિંગ્ટનને ડિસ્ટ્રીકને બદલે રાજ્ય ગણવામાં આવે અને એના નાગરિકોને પૂર્ણ મતાધિકાર મળે, તો એક રાજ્ય તરીકે અમેરિકાની સેનેટમાં બે સેનેટરો ઉમેરાય. અત્યારે સેનેટમાં એકેક રાજ્યના બે સેનેટરો ગણીને ૧૦૦ની સંખ્યા છે. ઘણા અગત્યના કાયદાઓ એકાદ બે મતને આધારે પસાર થાય છે. ડિસ્ટ્રીકના બે સેનેટરો કાળા, આફ્રિકન અમેરિકન હશે, અને બન્ને ડેમોક્રેટ હશે, એવા ભયે રીપબ્લીકન પાર્ટીના આગેવાનોનું એમ માનવું કે અત્યારે સેનેટનું જે પાવર બૅલેન્સ જળવાયું છે, તે ડેમોક્રેટ પક્ષ તરફ ઢળશે. સ્વાભાવિક રીતે જ રીપબ્લીકન પાર્ટીના નેતાઓને આ વાત ન પોસાય.

વધુમાં દરેક રાજ્યને બે સેનેટરો મોકલવાની વ્યવસ્થા એ નાનાં (વર્મોન્ટ જેવા) ને મોટાં (કેલિફોર્નિયા જેવા) રાજ્યો વચ્ચે બૅલેન્સ જાળવવા માટે યોજાઈ છે. આજે વૉશિંગ્ટનને રાજ્ય બનાવો અને કાલે એના જેવા જ ડિસ્ટ્રીક પોર્ટોરિકો પણ પોતાનું રાજ્ય માગે, તો પછી ક્યાં અટકવું? આ કારણે પચાસ રાજ્યો અને સો સેનેટરોમાં વધારો કરવામાં જબરી આનાકાની થાય છે. વધુમાં આજુબાજુનાં મેરીલેન્ડ અને વર્જીનિયા જેવાં રાજ્યોમાં વસતા (મુખ્યત્વે ગોરા) માણસો લાખોની સંખ્યામાં દરરોજ વૉશિંગ્ટનમાં ફૅડરલ ગવર્ન્મેન્ટ અને અન્ય ઠેકાણે નોકરીધંધો કરવા આવે છે, તે બધા ઉપર એક રાજ્ય તરીકે વૉશિંગ્ટન નવા કરવેરા લાદી શકે. એ જોખમ શા માટે ખેડવું?

વૉશિંગ્ટનને હંમેશ કૉંગ્રેસના અંકુશ નીચે રાખવું હોય તો એ એક રાજ્ય નહીં, પણ ડિસ્ટ્રીક રહે એવી વ્યવસ્થા એમેરિકાના બંધારણમાં કરવામાં આવી છે. ડિસ્ટ્રીકના નાગરિકોને કોઈ બીજા રાજ્યના નાગરિકોની જેમ મતાધિકાર અને હક્કો આપવા હોય તો બંધારણમાં સુધારાવધારા કરવા પડે, જે અહીં ખૂબ મુશ્કેલ છે. એટલે અત્યારે તો વૉશિંગ્ટનના નાગરિકોએ આ અન્યાય નીચી મૂંડીએ સહન કરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી.

માત્ર વૉશિંગ્ટનને રાજ્ય બનાવવાની બાબતમાં જ નહીં, પણ અમેરિકાની ઘણી બધી બાબતોમાં મૂળ તો આ ગોરા-કાળાનો રંગભેદ રહેલો છે. આ રંગભેદનું વિકરાળ સ્વરૂપ દેશના આંતર વિગ્રહ (સિવિલ વોર) માં ૧૮૬૦ના દાયકામાં પ્રગટ થયું હતું. છેલ્લાં બસો વરસમાં કાળા ગોરાના નાનાંમોટાં છમકલાં, હુલ્લડો અને ખૂનામરકી થતાં રહે છે. જે અમેરિકનો દુનિયા આખીની પચરંગી પ્રજાને પોતાનામાં સમાવી શક્યા છે, તે કોને ખબર પણ કેમ એના કાળા નાગરિકોને સમાવી શક્યા નથી. સમાજશાસ્ત્રીઓ માટે આ એક મોટો કોયડો છે. વૉશિંગ્ટન ફડચામાં ગયું!

૧૯૯૫માં વૉશિંગ્ટન ફડચામાં ગયું. વૉલ સ્ટ્રીટમાં એની આબરૂના કાંકરા થયા. કૉંગ્રેસે એના ચૂંટાયેલા રાજકર્તાઓ– મેયર અને કાઉન્સિલરો પાસેથી, નાણાંકીય બાબતોના બધા અધિકારો, અને સત્તાઓ ખૂંચવી લીધાં. એ કામગીરી સંભાળવા માટે કૉંગ્રેસે એક કંટ્રોલ બોર્ડ અને ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસરની (સી.એફ.ઓ.ની) નિમણૂંક કરી. વધુમાં કૉંગ્રેસે સી.એફ.ઓ.ને અસાધારણ અધિકારો, હક્કો, સ્વતંત્રતા અને સત્તા આપ્યાં. વૉશિંગ્ટનની બધી જ નાણાંકીય જવાબદારી સી.એફ.ઓ.ને સોંપી. આનો અર્થ એ પણ થયો કે નાણાંકીય બાબતમાં કંઈ પણ ગોલમાલ કે આઘાપાછી થાય તો એ બધું ઓળઘોળ થઈને સી.એફ.ઓને માથે આવે.

વૉશિંગ્ટનના રાજકારણમાં આ હોદ્દો ખૂબ અગત્યનો ગણાય. ભારતમાં જે હોદ્દો નાણાંપ્રધાનનો ગણાય એના જેવો જ. જોકે, ભારતના નાણાંપ્રધાન કરતાં આ સી.એફ.ઓ.ની જવાબદારી, સત્તા અને સ્વતંત્રતા વધારે. આપણે ત્યાં નાણાંપ્રધાનને વડાપ્રધાનના હાથ નીચે કામ કરવાનું અને એ જે કહે તે કરવાનું. વડાપ્રધાનની વિરુદ્ધ એ કશું ન કરી શકે. ભૂલેચૂકેય એવું કાંઈ કરે તો એને ગડગડિયું મળે.

વૉશિંગ્ટનનો સી.એફ.ઓ. ભલે મેયર અને કાઉન્સિલ સાથે કામ કરે, છતાં પોતાની સમજણ પ્રમાણે એ એમનાથી વિરુદ્ધ પણ જઈ શકે. એ પોતે જ પોતાનો બોસ. મેયર કે કાઉન્સિલ સી.એફ.ઓ.ને કૉંગ્રેસની અનુમતિ વગર રજા ન આપી શકે. મેયર અને કાઉન્સિલની ટર્મ ચાર વરસની હોવા છતાં સી.એફ.ઓ.ને પાંચ વરસની ટર્મ આપવાનું કૉંગ્રેસે નક્કી કર્યું, એનો પગાર પણ કૉંગ્રેસે જ નક્કી કરીને કહ્યું કે જે પગાર અમેરિકન પ્રમુખના કેબિનેટ મેમ્બરને મળે છે તે સી.એફ.ઓ.ને આપવો.

વૉશિંગ્ટનના આખાય રાજતંત્રમાં નાણાંકીય ક્ષેત્રે કામ કરતા ૧૨૦૦ જેટલા લોકોનો બધો જ સ્ટાફ એના હાથ નીચે. મેયર કે કાઉન્સિલ પણ આ સી.એફ.ઓ.ની અનુમતિ વગર નાણાંકીય બાબતમાં કશું જ ન કરી શકે. દર વર્ષે સી.એફ.ઓ. જ નક્કી કરે કે ટૅક્સની આવક કેટલી થશે અને જે આવક હોય એનાથી વધુ ખર્ચ ન થાય તે જોવાની જવાબદારી પણ એની જ. એ જ નક્કી કરે કે વૉલ સ્ટ્રીટમાં જઈને કેટલું દેણું કરવું અને એ દેણું બરાબર નિયમસર ભરાય તેની જવાબદારી પણ એની જ.

આવી અસાધારણ સત્તા અને જવાબદારીવાળી સી.એફ.ઓ.ની પોઝિશન ઊભી કરવાનો મૂળ આશય એ હતો કે વૉશિંગ્ટન ભવિષ્યમાં ક્યારેય ફડચામાં ન જાય અને એની નાણાંકીય સ્થિતિ હંમેશ સદ્ધર રહે. થયું પણ એવું જ. હું જ્યારે ૧૯૯૭માં વૉશિંગ્ટનમાં ટૅક્સ કમિશનર થયો ત્યારે સરકાર લગભગ ૫૦૦ મિલિયન ડોલરના ફડચામાં હતી. અને જ્યારે ૨૦૧૩માં સીએફઓના હોદ્દા પરથી છૂટો થયો ત્યારે એની સિલકમાં દોઢ બીલિયન ડોલર જમા હતા! આ મહાન પરિવર્તનનો ઘણો યશ વૉશિંગ્ટનના પહેલા સી.એફ.ઓ. એન્થની વિલિયમ્સને જાય છે.

ન્યૂ યૉર્ક, ફિલાડેલ્ફિયા જેવાં મોટાં શહેરોને પણ વૉશિંગ્ટનની જેમ નાણાંકીય મુશ્કેલીઓ પડી હતી. એમણે પણ મોટી ખાધ અનુભવી હતી. એ બધામાંથી કોઈ પણ વૉશિંગ્ટન જેટલી ઝડપથી નાણાંકીય સદ્ધરતા ફરી મેળવી શક્યું ન હતું. કંટ્રોલ બૉર્ડ અને સી.એફ.ઓ.આવ્યા પછી જ વૉશિંગ્ટનના બોન્ડ્ઝ ‘જંક’ કેટેગરીમાંથી ‘ટ્રીપલ એ’ કેટેગરી સુધી પહોંચ્યા હતા. વૉશિંગ્ટનની આવી નાણાંકીય સદ્ધરતા સિદ્ધ કરવામાં મેં જે ભાગ ભજવ્યો છે એનું મને ગૌરવ છે. મારી આ સિદ્ધિ માટે મને ખૂબ માન અને સન્માન મળ્યાં છે. અનેક પ્રકારના અવોર્ડ્ઝ અને માનપત્ર મળેલાં છે. પણ એ બધાંમાં સૌથી નોંધપાત્ર જો હોય તો એ કે મારા શાસન દરમિયાન આવડું મોટું કૌભાંડ થયું છતાં હું ત્યાં બીજાં સાત વરસ સી.એફ.ઓ તરીકે ટકી રહ્યો હતો. એ કેવી રીતે?

આ ઝંઝાવાતમાંથી હું કેવી રીતે બચ્યો?

હું જ્યારે જ્યારે કોઈ મોટી મુસીબતમાં ફસાઉં છું ત્યારે એ ઝંઝાવાતમાંથી હેમખેમ પસાર થવા માટે એક વાત ખાસ યાદ રાખું છું. ટૅક્સ ઑફિસના કૌભાંડના મોટા ઝંઝાવાતમાંથી બચવા માટે પણ મને એ વાત બહુ કામ લાગી હતી. એ વાત આ છે : ટૅક્સ ઑફિસને સંભાળવામાં, એના તંત્રની વ્યવસ્થા બરાબર ગોઠવવામાં મેં મારાથી શક્ય તેટલા બધા પ્રયત્નો કરેલા ખરા? અને જો આ પ્રશ્નનો જવાબ ‘હા’ હોય, એટલે કે મારાથી થતું હું બધું જ કરી છૂટ્યો હોઉં, તો ઓછામાં ઓછું મને તો શાંતિ અને ધરપત રહે કે મારાથી બનતું મેં બધું કર્યું, અને ન બનવા જેવું જે થયું તે મારા કાબૂ બહારની વાત હતી. હા, કૌભાંડ જરૂર થયું. એનો અર્થ એ થયો કે મેં જે સુધારાવધારાના પ્રયત્નો કર્યા હતા તે ઓછા પડ્યા, પરિણામે જે બન્યું એની જવાબદારી મેં સ્વીકારી લીધી.9 તમે જો તમારાથી થતું બધું જ કરી છૂટ્યા હો અને છતાં પણ જો તમે નિષ્ફળ જાવ અને એ નિષ્ફળતાની જવાબદારી સ્વીકારો, તો એનાથી વધુ તમારી જાત આગળ તમે કે બીજા શું માગી શકે?

યોગાનુયોગ થયું પણ એમ જ. અહીં વૉશિંગ્ટનના રાજકર્તાઓ ટૅક્સ ઑફિસને સુધારવાના મારા પ્રામાણિક પ્રયત્નો જોઈ શક્યા હતા. એ પ્રયત્નો દ્વારા જે ધરખમ સુધારા થયા હતા એ પણ સ્પષ્ટ હતા. એથી જ તો તે બધાએ કહ્યું કે મારે મારું સુધારાવધારાનું કામ ચાલુ રાખવું. મારા રાજીનામાનો અસ્વીકાર થયો. એટલું જ નહીં, પણ ઊલટાનું મને બીજાં સાત વરસ એ જ હોદ્દા પર કામ કામ કરવાની તક મળી.

આ કટોકટી આવી અને એમાંથી હું પસાર થઈ ગયો. પણ એમાંથી શું પાઠ ભણવાનો છે? આ સંદર્ભમાં પ્રારંભમાં મેં વિખ્યાત ફ્રેંચ ફિલોસોફર Pierre Teilhard de Chardinનું જે વિધાન મૂક્યું છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. એ કહે છે કે કોઈ સંનિષ્ઠ માણસ ઉપર મોટી ઉપાધિ આવી પડે છે ત્યારે આવું કેમ થયું એવો પ્રશ્ન પૂછવાને બદલે આવી પડેલ બલાને ટાળવા એણે શું કર્યું એ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ.

બીજી વાત એ છે કે જીવનમાં મુસીબતો તો આવ્યા જ કરવાની છે. એનાથી ગભરાઈએ તો જીવન કેમ જીવાય? અને જે લોકો કાંઠે ઊભા ઊભા તમાશો જુએ છે એ તો તમારી ટીકા કર્યા જ કરવાના છે. આમ કરો ને તેમ કરો એવી સુફિયાણી સલાહસૂચનાઓ પણ આપ્યા કરવાના. આમ કર્યું હોત તો વધુ સારું એવી વાતો પણ કરવાના. એ બધાથી ગભરાઈને આપણાથી હાથ થોડા ખંખેરી નખાય? કે જીવનમાંથી રાજીનામું થોડું અપાય? આ બાબતમાં અમેરિકાના પ્રેસિડેન્ટ થીઓડોર રુઝવેલ્ટનું એક વિધાન હું હંમેશ ધ્યાનમાં રાખું છું: “It is not the critic who counts: not the man who points out how the strong man stumbles or where the doer of deeds could have done better. The credit belongs to the man who is actually in the arena, whose face is marred by dust and sweat and blood, who strives valiantly, who errs and comes up short again and again, because there is no effort without error or shortcoming…”10

મારી દ્વિધા

આજે હું નિવૃત્ત થઈને બેઠો છું ત્યારે વિચાર આવે છે કે આ જિંદગીમાં હું ક્યાંથી નીકળ્યો અને ક્યાં પહોંચ્યો! મારી ગતિ અને પ્રગતિ એવી અને એટલી તો અણધારી નીવડી છે કે મારા જન્મ સમયે કુંડળીમાં જે કાંઈ લખાયું હશે અથવા જોષીએ જે કાંઈ ભવિષ્ય ભાખ્યું હશે તેમાંથી ભાગ્યે જ કંઈ સાચું પડ્યું હશે. ક્યાં અમારું ધૂળિયું ગામ જેમાં મારા જન્મ વખતે હજી ઈલેક્ટ્રીસિટી પણ આવી નહોતી અને જ્યાં પીવાનું અને નાવાધોવાનું પાણી નદીએથી લાવવું પડતું, અને ક્યાં વિશ્વની મહાન સત્તા અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન? ક્યાં મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં કરેલી અદના ગુમાસ્તાની નોકરી અને ક્યાં વૉશિંગ્ટનના પાવરફુલ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસરની પોઝિશન? ક્યાં મુંબઈમાં એક ઘોલકી શોધવા માટે અસહ્ય મુશ્કેલીઓ વચ્ચે કરેલો આંધળો રઝળપાટ અને ક્યાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અમારું વિશાળ ઘર અને એનું એકાદ એકરનું હરિયાળું બેક યાર્ડ? ક્યાં મારી મુંબઈની ગુલામગીરી અને ક્યાં અહીં ‘વૉશિંગ્ટોનિઅન ઑફ ધી ઈયર’ કે ‘મોસ્ટ પાવરફુલ વૉશિંગ્ટોનિઅન્સ’માં મારી ગણતરી? ક્યાં નાતની વીશીઓમાં જેમતેમ લુસલુસ ઊભડક ખાવાનું અને ક્યાં વ્હાઈટ હાઉસનું સ્ટેટ ડીનર? આવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ વચ્ચે થયેલી મારી અણધારી જીવનયાત્રાનું મને જ મોટું આશ્ચર્ય છે.

કોઈને પણ પૂછો તો કહેશે કે આ જીવનયાત્રા એક નીવડેલા અને સફળતા પામેલા માણસની છે. છતાં મને એમ કેમ થયા કરે છે કે મેં જિંદગી વેડફી છે? આજે જીવનસંધ્યાએ મને નિષ્ફળતાનો ડંખ કેમ સતત પજવે છે? દિવસ ને રાત આ જ વિચાર આવ્યા કરે છે કે મેં જિંદગીમાં શું ઉકાળ્યું? આ સમસ્યાના મૂળમાં છે બીજાઓ સાથે હંમેશ સરખામણી કર્યાં કરવાની મારી ખરાબ આદત. હું જ્યારે બીજા સિદ્ધહસ્ત લોકોની–લેખકો, વિચારકો, કવિઓ, ઉદ્યોગપતિઓ, નેતાઓ, સંશોધકો વગેરેની વાતો વાંચું સાંભળું છું ત્યારે ઈર્ષાથી સમસમી ઊઠું છું. થાય છે કે એ લોકોની સિદ્ધિઓની સરખામણી સામે મેં કાંઈ જ મેળવ્યું નથી. એક અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસની તીવ્ર અસંતોષવૃત્તિથી હું સતત પીડાઉં છું. જે મળ્યું છે તેનો સંતોષ અને આનંદ સાવ નથી એવું નથી, પણ એ ક્ષણિક જ હોય છે. તત્કાલ સંતોષની લાગણી અનુભવીને તરત મારું મન છટકીને જે નથી મળ્યું તે તરફ વળે છે અને નથી મળ્યાનું દુઃખ પેટ ચોળીને ઊભું કરે છે. અર્ધા ભરાયેલા પાણીના ગ્લાસને જોઉં છું તો મને ભરેલો ભાગ નથી દેખાતો, ખાલી ભાગ જ દેખાય છે! આ દ્વિધાનું મારે શું કરવું?

બધા લોકોને કંઈક અને કંઈક મહત્ત્વાકાંક્ષા હોય છે. એ મનુષ્ય સહજ છે. અને જો માણસ યથાશક્તિ પ્રયત્ન કરે અને ઈશ્વરકૃપા હોય તો એ ધારેલી ઇચ્છાઓ સફળ થવાની શક્યતા છે. મારી મહત્ત્વાકાંક્ષા કોઈ જુદા જ પ્રકારની છે. જે લોકો આદર્શ તરીકે મારા કલ્પનાવિશ્વમાં ઘર કરીને બેઠા છે તેમનો વિચાર કરું છું ત્યારે મને એમ થાય છે કે એ લોકો સુધી મારાથી આ ભવમાં તો પહોંચાય જ નહિ. રાજકીય ક્ષેત્રે નહેરુ, રુઝવેલ્ટ કે ચર્ચિલ; સાહિત્યમાં એડમંડ વિલ્સન, ટી એસ એલીએટ, ઉમાશંકર જોશી, સુરેશ જોષી, ચેખોવ, નેબોકોવ, કે નાયપોલ; ચિંતકોમાં વિટગનસ્ટાઈન કે વિલિયમ જેમ્સ જેવા જો મારા ખ્યાલમાં હોય તો હું એમને આ જિંદગીમાં કયારે પહોંચવાનો છું? મારા જીવનની આદર્શ વ્યક્તિ: ગાંધીજી

અને આ બધાં ઓછાં હોય તેમ મારા જીવનમાં કોઈ એક વ્યક્તિને આદર્શ તરીકે ઠેઠ કિશોરવયથી મેં માની હોય તો એ છે : ગાંધીજી! હાઈસ્કૂલમાં ગુજરાતી ગદ્યપદ્યના પાઠ્યપુસ્તકમાં ગાંધીજીની આત્મકથાનાં થોડાંક પ્રકરણ હું ભણ્યો હતો. એ મારો ગાંધીજીનો પહેલો પરિચય. એ પ્રકરણોમાં તેમના શરૂઆતના આફ્રિકાના દિવસોની, ખાસ કરીને ટ્રેનમાંથી તેમને ધક્કો મારી કાઢી મુકાયેલા અને સિગરામમાં એમની પર પડેલો સખત માર, ત્યાં તેમનો જે હુરિયો બોલાયેલો તે બધી વાતો હતી. નિરાડંબર અને સરળ ગુજરાતીમાં લખાયેલી આ વાતો મને એટલી તો ગમી કે દોડીને લાઇબ્રેરીમાં જઈ એમની આત્મકથા લઈ આવ્યો.

બસ, ત્યારથી મને ગાંધીજીનું ઘેલું લાગ્યું. એમણે જે પ્રામાણિકતાથી પોતાને વિશે લખ્યું હતું—એમના બાળલગ્ન, યૌવનસહજ જાતીય ઉત્સુકતા, ભીરુતા, લંડનમાં એમના ખાવાપહેરવાના હાસ્યાસ્પદ પ્રયોગો, મુંબઈમાં એમના વકીલ થવાના નિષ્ફળ પ્રયત્નો, દક્ષિણ આફ્રિકામાં પડેલી અસહ્ય હાડમારીઓ—આ બધી વાતો આત્મકથાને અત્યંત રસપ્રદ બનાવે છે, પરંતુ સાથે સાથે એ એમના ચારિત્ર્ય અને એમના નિત્ય પરિવર્તનશીલ જીવનની પણ ઝાંખી કરાવે છે. સરળ, નિખાલસ અને નિરાડંબર શૈલીમાં લખાયેલી આ આત્મકથા માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં, પણ વિશ્વસાહિત્યનું એક ઉત્તમ આત્મનિવેદન છે.

અને છતાં એમની આત્મકથા એમના જીવન અને ખાસ કરીને એમની મહત્તા સમજવા માટે ઉપયોગી નથી નીવડતી. એટલું જ નહીં પણ એ poor guide છે. આત્મકથા અને એમનાં બીજાં લખાણોમાં એમનું વલણ ‘મો સમ કૌન કુટિલ ખલ કામી’નું, સતત self-deprecatory જ રહ્યું છે. પોતે કેવા સામાન્ય હતા; કેવા બીકણ હતા; કેવા શરમાળ હતા; વિદ્યાર્થી તરીકે, વકીલ તરીકે જ્યાં જ્યાં એમણે હાથ અજમાવ્યો ત્યાં બધે જ શરૂઆતમાં કેવા પાછળ પડેલા; પુત્ર, પતિ અને પિતા તરીકે કેવા નિષ્ફળ નીવડ્યા–આવી જ પોતાની મર્યાદાઓની, ખામીઓની જ વાતો. ક્યાંય બણગાં ફૂંકવાની વાત નહીં. કોર્ટમાં પહેલો કેસ લડવા ઊભા થયા તો પગ ધ્રૂજવા લાગ્યા! એવું જ થયું કૉંગ્રેસના અધિવેશનમાં પહેલી વાર ઠરાવ રજૂ કરવા ઊભા થયા ત્યારે. કોઈ સાંભળે નહીં.

બીજા સમકાલીન ભારતીય નેતાઓ કેવા મહાન હતા એની ખાસ નોંધ કરે: ફિરોજશાહ મહેતા તો મુંબઈના ‘બેતાજ બાદશાહ, અને મુંબઈના સિંહ હતા…અને હિમાલય જેવા, લોકમાન્ય તિલક સમુદ્ર જેવા તો ગોખલે ગંગા જેવા.’ આ બધા અને બીજાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ જેમની મહત્તાનાં વખાણ કરતાં એમની જીભ સુકાતી નહોતી, તેમાંથી કોઈ પણ મારી દૃષ્ટિએ ગાંધીજીની કક્ષાના હતા નહીં. આમ કહેવામાં હું એ નેતાઓની મહત્તા સ્વીકારતો નથી એવું નથી, પણ એટલું જ કહેવાનું કે એમાંનું કોઈ પણ એમની કક્ષાનું ન હતું, એવી હતી ગાંધીજીની બહુમુખી પ્રતિભા અને મહાનતા.

છતાં એમણે પોતાના સામાન્ય દોષો કે ભૂલોને કેવું મોટું સ્વરૂપ આપ્યું હતું! પોતે ભૂલ કરે તો એ ‘પહાડ જેવડી ભૂલ’ હોય એમ વાત કરે! નાનપણમાં કિશોર સહજ એકાદ બીડી ફૂંકી કે થોડું માંસ ખાઈ લીધું કે થોડું ખોટું બોલ્યા, અથવા તો વેશ્યાવાડામાં એક આંટો માર્યો અને તે પણ સાવ નકામો—આવી ઝીણી ઝીણી વાતને એમણે ચોળીને ચીકણી કરી છે. એમાંય પિતાના મૃત્યુ સમયે એમની સાથે હોવાને બદલે પોતે પત્ની સાથે સૂતા હતા તેનો ડંખ તો એમને જિંદગીભર સતાવતો રહ્યો હતો. બિનકસરતી નબળું શરીર; ચોર, ભૂત અને સાપના ભયથી રાતે દીવા વગર અંધારામાં ન સૂઈ શકે એવો બીકણ સ્વભાવ, ભણવામાં સાવ સામાન્ય—આવું બધું ભોળાભાવે વાંચતા હું એમ માનતો થઈ ગયો કે આવો સાવ સામાન્ય માણસ જો મહાત્મા થઈ શકતો હોય તો હું શા માટે ન થઈ શકું?

ત્યારથી જ નક્કી કરેલું કે થવું તો ગાંધીજી જેવા થવું! ગાંધીજી મારું જિંદગીભરનું obsession રહ્યા છે. દેશમાં જાઉં અને જો હું અમદાવાદ ગયો હોઉં તો જરૂર સાબરમતી આશ્રમમાં આંટો મારું, અને દિલ્હી ગયો હોઉં તો રાજઘાટ પર. મારી દૃષ્ટિએ સ્વતંત્ર ભારતના આ સૌથી અગત્યનાં પવિત્ર તીર્થસ્થાનો છે. જતી જિંદગીએ જ્યારે હું કવિતા ભણી વળ્યો ત્યારે મારી ગાંધીભક્તિ મેં ચાર સૉનેટમાં વ્યક્ત કરી છે.11

બહુમુખી પ્રતિભા

ગાંધીજી કેવા મહાન હતા તે તો મને પરદેશમાં આવ્યા પછી સમજાયું. દેશમાંથી બહાર નીકળ્યા પછી ઘણું બધું ફરવાનું થયું છે, અમેરિકામાં તેમ જ દુનિયાના અનેક દેશોમાં. કોઈ પણ ઠેકાણે જાઉં, તક મળે તો બુકસ્ટોરમાં જરૂર આંટો મારું. જોઉં કે લોકો શું વાંચે છે, ખરીદે છે. બાયોગ્રાફીના સેક્શનમાં જોઉં તો ગાંધીજી વિશે સ્થાનિક ભાષામાં લખાયેલાં કે અનુવાદ થયેલાં પુસ્તકો, ખાસ તો એમની આત્મકથા જરૂર જોવા મળે. એમના વિશે અનેક ભાષાઓમાં કેટલું બધું લખાયું છે! છતાં ભાગ્યે જ એવું વરસ જાય કે પશ્ચિમમાં એમના વિશે કાંઈક અને કાંઈક નવું દળદાર પુસ્તક ન લખાયું હોય. શરમની વાત તો એ છે કે એમની માતૃભાષા ગુજરાતીમાં જ એમનું કોઈ આધારપૂર્ણ, પ્રમાણભૂત અને સમતોલ જીવનચરિત્ર હજી સુધી લખાયું નથી. જે લખાયું છે તેમાં મોટે ભાગે એમની પ્રમાણભાન વિનાની પ્રશસ્તિગાથા જ હોય છે. આવાં રેઢિયાળ જીવનચરિત્રોમાં મને આપણી યુનિવર્સિટીઓના સંશોધનનાં નીચાં ધોરણો દેખાય છે, અને સાથે સાથે આપણા પ્રૉફેસરોની સંશોધન પ્રત્યેની ઉદાસીનતા અને પાંડિત્ય કેળવવા માટે જરૂરી ઉદ્યમનો અભાવ પણ દેખાય છે.

વિદેશમાં, ખાસ કરીને અમેરિકામાં મારી અટક સાંભળતા તરત પ્રશ્ન પુછાય: તમે મહાત્માના કંઈ સગા થાવ કે? આજે મને અમેરિકા આવ્યે પચાસ વરસ થયાં. વિદેશવાસનાં આ વર્ષો દરમિયાન જે કાંઈ થોડી ઘણી મુશ્કેલી પડી તેની સરખામણી ગાંધીજીએ લંડન અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં જે હાડમારીઓ સહન કરી હતી તેની સાથે ન જ થઈ શકે. પરંતુ એમણે જે નીડરતા અને આત્મવિશ્વાસથી વિદેશવાસની હાડમારીઓનો સામનો કરેલ તે મારે માટે આજે પણ અજાયબીની વાત છે! ક્યાંથી આવી એ નીડરતા? એ આત્મવિશ્વાસ?

સ્વાતંત્ર્ય સંગ્રામમાં બોમ્બ ફેંકીને પકડાવાના ડરે ભાગીને સંતાઈ જતા ક્રાંતિકારીઓની હિંમતની વાત ઘણી વાર થાય છે. ત્યારે આ ભડવીર માણસ ભાગવાની વાત કરતો નથી. એ તો બ્રિટિશ રાજ્યને ચેલેન્જ આપીને કહેતા કે હું અહીંયા છું આવીને મને પકડી જાવ. કોર્ટમાં બ્રિટિશ જજને કહે છે કે હા, મેં જ બ્રિટિશ રાજ વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી છે, તમે મને જે જેલની સજા આપશો તે ખુશીથી ભોગવીશ. તમારો કાયદો કહે તેમ જ મને વધુ ને વધુ સજા કરો! દેશના રાજકારણમાં ગાંધીજી આવ્યા ત્યાં સુધી આપણા નેતાઓ દર વર્ષે ભરાતા કૉંગ્રેસના અધિવેશનમાં ભભકાદાર અંગ્રેજીમાં ભાષણો અને ઠરાવો કરીને સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલતા હતા! એમાંથી ભાગ્યે જ કોઈની ત્રેવડ હતી કે બ્રિટિશ સરકારના જુલમી વહીવટને સામે ચાલી પડકારે અને કહે કે તમારે જે કરવું હોય તે કરો, હું તમારી જેલથી ડરતો નથી. દેશની સ્વતંત્રતા માટે હું જેલમાં જવા તૈયાર છું. એ લડતમાં જો મરવું પડે તો હું મરવા તૈયાર છું. આવી ‘કરેંગે યા મરેંગે’ની ખુમારી એક વખતના આ બીકણ માણસમાં ક્યાંથી આવી? અને આવી ખુમારી બીજાં કેટલાં નેતાઓમાં હતી?

ગઈ સદીની શરૂઆતમાં જ્યારે યુરોપના ધુરંધર નેતાઓ પહેલા વિશ્વયુદ્ધના મહાન હિંસક મોરચાઓની મસલત કરી રહ્યા હતા ત્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાના અંધારા ખૂણામાં અહિંસક મોરચાનું આયોજન કરી રહ્યા હતા. અહીં જ એમણે organized nonviolent mass movement—સંગઠિત સામૂહિક પણ અહિંસક આંદોલનના શ્રી ગણેશ માંડ્યા. એ એમને કેવી રીતે સૂઝ્યું? અમેરિકાની સિવિલ રાઈટ્સ મુવમેન્ટ હોય કે, આરબ સ્પ્રિંગ હોય, કે બાલ્ટિક દેશોની સ્વતંત્રતા મેળવવાની ઝુંબેશ હોય—આખી દુનિયાના લોકો એ અહિંસક ચળવળનો દાખલો લઈને આજે જુલમગારોના ત્રાસમાંથી મુક્તિ પામે છે.

ગરીબમાં ગરીબ, દુઃખીમાં દુઃખી લોકોની સેવામાં એમણે જીવન ઓગાળી દીધું, તો આવી લોકસેવા કરવાની ધગશ એમને ક્યાંથી લાગી? આવું સમસંવેદન એમને કેવી રીતે મળ્યું? દેશના ગરીબોની વ્યથા સમજવા માટે એમની સાથે એ આત્મસાત થયા. માત્ર શબ્દોથી નહિ, પણ રોજબરોજના જીવનવ્યવહારમાં, ખાવા, પીવા અને પહેરવામાં. વાતો કરીને નહિ, પણ પોતાનું જીવનપરિવર્તન કરીને. અસ્પૃશ્યતાનિવારણ કરવું હોય તો ભંગીવાસમાં જઈને રહેવું પડે. ગ્રામોદ્ધાર કરવો હોય તો ગામડાંઓમાં જઈને ગામડિયાઓની સાથે જઈને રહેવું પડે. આમ દેશના દુઃખિયારાઓની પરિસ્થિતિનું એમનું જ્ઞાન એ પોથીમાંના રીંગણાનું નહીં, પણ જાત અનુભવનું હતું. એ કહેતા: “I do not know whether you have seen the world as it really is. For myself, I can say I perceive the world in its grim reality every moment.” (૧૯૧૮).

એમને એ પણ ખબર હતી કે દેશની ગરીબી હઠાવવી હોય તો એ કોઈ સ્લોગન કે વરદીની, કે પંચવર્ષીય યોજનાની વાત ન હતી. તે માટે તો ગરીબો વચ્ચે રહીને કામ કરવાની વાત હતી. આ એક બે દિવસ કે વરસ બે વરસની વાત ન હતી, એમાં તો જીવન અર્પી દેવું પડે, અપાર ધીરજ ધરવી પડે. કંઈક સવળાં પાસાં ન પડે તો હિમ્મત ન હરાય કે નિરાશ ન થવાય. એમણે બરાબર કહેલું કે : “I am not a quick despairer.” (૧૯૨૨) આવી નિરંતર સેવા કરવામાં જ એમણે એમના જીવનની સાર્થકતા જોઈ હતી: “For men like me, you have to measure them not by the rare moments of greatness in their lives, but by the amount of dust they collect on their feet in course of life’s journey.” (૧૯૪૭)

માત્ર રાજકારણ જ નહિ, પણ જીવનના એકેએક ક્ષેત્રમાં એમણે આખીયે જિંદગી સતત પ્રયોગ કર્યા કર્યા છે. સાચા અર્થમાં એ પ્રયોગખોર મહાત્મા હતા. ખોરાક, પોશાક, શિક્ષણ, આરોગ્ય, બાળ ઉછેર, સેક્સ, ગ્રામસેવા, ધર્મ, સાહિત્ય, અર્થશાસ્ત્ર–જીવનનું ભાગ્યે જ કોઈ એવું પાસું હશે કે જે વિશે એમણે વિચાર ન કર્યો હોય, કે એ બાબતમાં કંઈક એમણે અજમાવ્યું ન હોય કે જેમાં એમને કંઈક ને કંઈક કહેવાનું ન હોય. અને એ બધું કહેવામાં એમણે કોઈ સંકોચ નહોતો રાખ્યો. જીવનભર જેમ એ કાર્યરત રહ્યા હતા, તેમ એ કંઈ ને કંઈ લખતા પણ રહ્યા. એમના સમગ્ર લખાણના ગ્રંથોની સંખ્યા સો સુધી પહોંચી છે! આ માણસ શરમાળ હતો? “શરમાળપણું એ મારી ઢાલ” એમ કહેતો!

માટીમાંથી માનવ બનાવવાનો એમની પાસે જાદુ હતો. દેશનાં ગભરુ લોકો જે હંમેશ બ્રિટિશ રાજકર્તાઓથી ફડફડતાં હતાં તેમનો ભય એમણે દૂર કર્યો. કહ્યું કે કોઈથી ગભરાવાની જરૂર નથી. એટલું જ નહીં પણ બધા જ ત્રાસ કરનારા લોકો હતાં તેમની સામે શીંગડા ભરાવતા શીખવાડ્યું. દેશમાં અબળા ગણાતી સ્ત્રીઓને પણ એમણે ઘરમાંથી બહાર લાવી સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડી અને એમને જેલમાં જતી કરી! ગાંધીયુગમાં દેશને કેવા કેવા મહાન માણસો મળ્યા! અને માત્ર રાજકારણમાં જ નહીં, પણ જીવનના અનેક ક્ષેત્રે. અનેકવિધ લોકોસાથે વિધવિધ સંજોગોમાં કામ કરવું અને કરાવવું એ એમની અદ્ભુત ખૂબી હતી. એ એમને ક્યાંથી મળી? બલિદાન અને ત્યાગની અપેક્ષા જ્યારે એ બીજા પાસે રાખતા ત્યારે એ બાબતમાં તેમણે પોતાનું નામ પહેલું નોંધાવ્યું હોય જ.

એમના માનવ સંબંધો, એમની સેવાભાવના સર્વથા નિર્વ્યાજ હતાં. આઠેક દાયકાની જિંદગી પછી એ કયો દલ્લો મૂકી ગયા? સાબરમતી આશ્રમમાં એ મિલકત હજી એમને એમ પડી છે : રેંટિયો, ચપ્પલ, ચશ્માં, ડેસ્ક વગેરે નિત્ય જીવનની જૂજ જરૂરિયાતની વસ્તુઓ. ૧૯૪૭ના ઑગસ્ટની પંદરમીએ મુખ્યત્વે એમના જ નેતૃત્વ નીચે દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે એ ક્યાં હતા? રાજધાની દિલ્હીમાં સ્વતંત્રદિનની ઉજવણીમાં એ નહોતા પડ્યા, કે સ્વતંત્ર ભારતના પ્રમુખ કે વડા પ્રધાન થવાની તજવીજમાં નહોતા પડ્યા. એ તો બંગાળનાં કોમી હુલ્લડોમાં ફસાયેલા નિરાધાર લોકોની સેવામાં, એમને બચાવવામાં જાનના જોખમે પગપાળા ગામડે ગામડે ઘૂમતા હતા. આવો નિસ્વાર્થ ભાવ એમનામાં ક્યાંથી આવ્યો?

કહેવાય છે કે છેલ્લાં બેએક હજાર વર્ષમાં ગાંધીજી જેવો માણસ દુનિયાને જોવા મળ્યો નથી. મહાન વિજ્ઞાની આઇનસ્ટાઇને તો ત્યાં સુધી કહ્યું કે ભવિષ્યમાં લોકો એમ માનશે પણ નહિ કે આવો માણસ આ પૃથ્વી પર એક વાર સદેહે જીવ્યો હતો. સહજ જ પ્રશ્ન થાય કે આવી મહાન વિશ્વવિભૂતિને હું આદર્શ માનીને બેસું એનો અર્થ શો? એમના જેવા થવાનું મારું ગજું નથી એવું કહેવું પણ નિરર્થક છે. મને ખાત્રી છે કે આ ભવમાં તો હું ક્યારેય આ આદર્શ સુધી પહોંચવાનો નથી જ નથી. તો પછી જે અશક્ય છે તેને આદર્શ માનીને શા માટે બેસવું? મેથેમેટિક્સમાં Asymptotic—અનંતસ્પર્શીય—એવો એક કન્સેપ્ટ છે. એટલે કે પરિઘથી ફંટાયેલી એક લીટી બીજી એક લીટીને મળવા પ્રયત્ન કરે છે. ધીમે ધીમે એ નજીક આવે છે, પણ કદીયે એ બે લીટીઓ મળી શકતી નથી. છતાં મળવાનો એ પ્રયત્ન તો ચાલુ જ રહે છે. જીવનમાં આદર્શ રાખવાનું કામ આવું જ કંઈક છે. એ તો ધ્રુવતારક છે. ત્યાં પહોંચાય છે થોડું?

હું આ શા માટે આ લખું છું?

બલવંતરાય ઠાકોરની એક પંક્તિ છે : ‘નિશાન ચૂક માફ, કિન્તુ નહીં માફ નીચું કદી.’ કોઈ મને એમ ન કહી શકે કે મારું નિશાન નીચું છે! આખરે જીવનમાં આપણે કશુંક અગત્યનું મેળવવું હોય તો તેને માટે નિરંતર અસાધારણ પરિશ્રમ કરવો જોઈએ. માણસમાં ઈશ્વરદત્ત પ્રતિભા ભલે હોય પણ જો એ પ્રતિભાબીજની માવજત ન કરી હોય તો એ વિશિષ્ટતા અચૂક વેડફાઈ જવાની. મારામાં કોઈ ઈશ્વરદત્ત શક્તિ કે મેધાવી બુદ્ધિ તો નથી જ નથી, પરંતુ જે કોઈ થોડીઘણી છે તેની પણ મેં માવજત નથી કરી. એ જાળવણી માટે અસાધારણ પરિશ્રમપરાયણતા હોવી જોઈએ એ મારામાં નથી. છતાં આવા અસાધ્ય ધ્યેયની પાછળ પડી રહેવામાં હું મારા જીવનનો વિકાસ જોઉં છું. આ અનંતસ્પર્શીય આદર્શની પ્રાપ્તિની મથામણમાં જ હું જીવનની સાર્થકતા જોઉં છું.

મોટી નવાઈની વાત એ છે કે જીવનસંધ્યાએ જ્યારે આ લખી રહ્યો છું, ત્યારે પણ આ અસાધ્યતાની વાસ્તવિકતા હું સ્વીકારી શકતો નથી. હું હજી પણ જે લેઇટ બુમર મહાનુભાવોએ મોટી ઉંમરે સિદ્ધિઓ મેળવી છે તેમનો અભ્યાસ કર્યા કરું છું અને ઊંડે ઊંડે આશા રાખું છું કે કદાચ મારું પણ એવું થાય! ઘણો વખત આ બાબતમાં પશ્ચિમ જર્મનીના ભૂતપૂર્વ ચાન્સલર કોનરાડ એડીનાવર અને આપણા મોરારજી દેસાઈ જે બન્ને બહુ મોટી ઉંમરે પોતાના દેશના મુખ્ય સૂત્રધાર થયેલા એ મને બહુ કામે લાગતા! જો કે જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ આ યુક્તિ બહુ ચાલશે નહીં.

અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનને નાણાંકીય રીતે સધ્ધર બનાવવામાં એના સી.એફ.ઓ. તરીકે મેં જે ભાગ ભજવ્યો તે અહીંના ટીવી છાપાં ઉપરાંત દેશના ટીવી છાપાંમાં પણ ઓછુંવત્તું આવ્યું. આમ હું દેશમાં પણ ક્યારેક ક્યારેક છાપે ચડ્યો. મને ઘણી વાર પૂછવામાં આવે છે કે ડિસ્ટ્રીકની નાણાંકીય પરિસ્થિતિમાં જે ધરખમ ફેરફાર થયા એ કેવી રીતે થયા? “તમે જે કામ વૉશિંગ્ટનમાં કર્યું તે દેશમાં ન થઈ શકે? દેશની નાણાંકીય પરિસ્થિતિ કેવી રીતે સુધરે? તમે જે કામ કર્યું છે તે વિશે કેમ લખતા નથી?” એક ભારતીય ઈમિગ્રન્ટ પરદેશ, અને તેમાંય અમેરિકામાં જઈને આ કામ કેવી રીતે કરી શક્યો હશે તે કુતુહલના જવાબમાં પણ કઈંક અંશે આ આત્મકથા લખાઈ છે. તેથી જ તો અહીં મારા પ્રોફેશનલ જીવનની ગતિવિધિ વધુ છે. અંગત જીવનની મથામણો પ્રમાણમાં ઓછી છે. અને જે છે તે પણ પ્રોફેશનલ જીવનમાં અનિવાર્યતઃ અંતર્ગત હતી તે જ છે.

જન્ક બોન્ડના સ્ટેટસમાંથી વૉશિંગ્ટનનું AA and AAA સુધીના બોન્ડ રેટિંગ સુધી ઝડપથી પહોંચવું એ અમેરિકન મ્યુનિસિપલ ફાઈનાન્સ ક્ષેત્રે ખરેખર જ અસાધારણ ઘટના હતી. મારા પ્રોફેશનલ જીવનની એ એક મહાન ઘટના હતી. છતાં હું જ્યારે મારા જીવન વિશે વિચાર કરું છું ત્યારે થાય છે કે સોલોમન ગ્રંડીની12 સાધારણતાની પેલી વાત, મારી આજુબાજુના હજારો અને લાખો લોકોની જેમ મને પણ લાગુ પડે જ છે. ભલે ને મને મારા જીવનની આ સાધારણતા સ્વીકારવાનું આકરું લાગતું હોય, પણ હું મારી જાતને આજે પૂછું છું: કે ભાઈ, તેં ક્યો મોટો વાઘ માર્યો છે કે તું આત્મકથા લખવા બેઠો? તું ક્યાં મોટો ગાંધીજી કે ચર્ચિલ થઈને બેઠો છે કે લોકોને તારા જીવનમાં રસ હોય? આ પ્રશ્ન મને પણ સતાવે છે.

તો પછી હું શા માટે આ આત્મકથા લખવા બેઠો છું? મારા ભાવનાસૃષ્ટિના આદર્શો સુધી પહોંચું કે ન પહોંચું, તેની બીજાઓને ન પડી હોય તે હું સમજી શકું છું, પણ મને એ નિષ્ફળતાનો મોટો ડંખ રહ્યો છે. અને એ સમજવા હું પ્રયત્ન કરું છું. આત્મકથન એ આત્મશોધનનો જ એક પ્રકાર છે. હું તો ત્યાં સુધી કહું કે જ્યાં સુધી તમે લખો નહીં ત્યાં સુધી તમે શું વિચારો છો તે જાણવું મુશ્કેલ છે. એ દૃષ્ટિએ હું આ લખીને જાતને પામવાનો પ્રયત્ન કરું છું. કદાચ બીજું કાંઈ નહીં તો ઓછામાં ઓછું મારી નિષ્ફળતા વિશે જરૂર લખી શકું. માલ્કમ મગરીજ નામના એક બ્રિટિશ પત્રકારની આત્મકથાનું શીર્ષક છે, Chronicles of Wasted Time. એ પ્રમાણે આ મારી નિષ્ફળતાની રામકહાણી છે એમ માનો. ઉપરવાળો મને પૂછે એ પહેલાં મારે જ મારી જાતનો હિસાબ આપવો છે, કે ભાઈ તને જીવન જીવવાની જે ઉમદા તક મળી તેનું તેં શું કર્યું? આ જિંદગીમાં તેં શું ઉકાળ્યું? અને જીવનની પરીક્ષામાં હું જો નપાસ થયો તો કેમ થયો?

સાડા સાત દાયકાની આ જિંદગીની સફર પછી મારી સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા પણ ધૂંધળી બની ગઈ છે. હવે મને ખબર નથી પડતી કે કોને મહાન કહેવા અને કોને પામર? હવે કોઈને એવા લેબલ લગાડવા એ પણ મને યોગ્ય નથી લાગતું. એક વસ્તુની સ્પષ્ટતા જરૂર થઈ છે. જે લોકો એમ કહે છે કે એમની અસાધારણ સિદ્ધિઓ અને સફળતાઓ આપકમાઈની છે તો એ વાતમાં હું માત્ર એમની બડાશના બણગા જોઉં છું. ઊલટાનું આવા સફળ માણસની પાછળ હું એના જન્મ, કુટુમ્બ, સમાજ, ઉછેર, ભણતર, મિત્રો, જીવન સાથી, નસીબ, વગેરે વસ્તુઓ જોઉં છું. એનો અર્થ એ નથી કે વ્યક્તિગત બુદ્ધિ, પ્રયત્ન, ધગશ, પરિશ્રમ વગેરે જરૂરી નથી. કહેવાનું માત્ર એટલું જ કે જેને ઇંગ્લીશમાં આપણે ‘self-made man’ કહીએ છીએ તે વાત કપોલકલ્પિત છે!13

કોઈ પણ આત્મકથા આખરે તો જાત વિશેની જાહેરખબર જ હોય છે. લેખક ઢંઢેરો પીટાવીને ગામને કહે છે કે જુઓ હું કોણ છું, મેં શું શું કર્યું છે, વગેરે. એ દૃષ્ટિએ પ્રખ્યાત અમેરિકન કવિ એમિલી ડિકિન્સને (Emily Dickinson) જે ચેતવણી આપી છે તે વિચારવા જેવી છે :

How dreary—to be—Somebody! How public—like a Frog— To tell one’s name—the livelong June— To an admiring Bog!

આજે જીવનસંધ્યાએ બેઠો બેઠો હું વિચારું છું કે હું જીવન કેમ જીવ્યો, હું ક્યાં ક્યાં ભમ્યો, મેં શું શું જોયું, કોને કોને મળ્યો, કોણે કોણે મારો હાથ પકડ્યો, અને મેં કોના કોના હાથ પકડ્યા, કોને કોને મેં દુભવ્યા, કોને અન્યાય કર્યો, ક્યાંથી મને નિર્વ્યાજ પ્રેમ મળ્યો અને મેં કોને એવો જ પ્રેમ આપ્યો–આવી બધી વાત લખવી છે. જે ઠેકઠેકાણે, દેશ વિદેશમાં અનેક નોકરીઓ કરી છે, તેની જ વાત કરું તોય મને મારી ગતિવિધિનો ખ્યાલ આવે. વધુમાં મારી જિંદગીમાં જે બન્યું છે તે વાત જો હું સચ્ચાઈ અને પ્રામાણિકતાથી કરું તો એમાંથી કંઈક નક્કર નીપજે.

રોબર્ટ ફ્રોસ્ટની એક પ્રખ્યાત કવિતા ‘Road Not Taken’ની અંતિમ પંક્તિઓ છે : ‘Two roads diverged in a wood, and I­— I took the one less travelled by, and that has made all the difference.’ મારું કંઈક ઊંધું જ થયું છે. મેં જે રસ્તો પકડ્યો તે ચીલાચાલુ હતો, બધા જે રસ્તે જતા હતા તે બાજુ હું વળી ગયો. ભાગ્યે જ જ્યાં કોઈ જતું ત્યાં જવાનું જોખમ મેં નથી લીધું. એમ કેમ થયું? મેં એવા દાખલાઓ જોયા છે કે માણસ એકલો હિમાલયના પ્રવાસે નીકળી પડે અને છ મહિને પાછો આવે. એક મિત્ર મુંબઈથી હીચ હાઈકિંગ કરીને અફઘાનિસ્તાન પહોંચ્યા પછી ઘરે કાગળ લખીને જણાવ્યું કે અહીંથી હું યુરોપ જવાનો છું. આવું કોઈ સાહસ મેં કર્યું જ નથી. એમ કેમ?

હું સ્કૂલમાં હતો ત્યારે તોફાની છોકરાઓમાં મારી ગણતરી નહોતી થતી. ક્યારેય કોઈ છોકરીની છેડતી કરી હોય, નિશાળમાં માસ્તરનો હુરિયો બોલાવ્યો હોય, તોફાન કર્યાં હોય, મારામારી કરી હોય, ક્લાસમાં ગુટલી મારી ફિલ્મ જોવા ગયો હોઉં–એવું કશું જ મેં કર્યું નથી. અમેરિકનો જેને ‘messing around,’ કહે છે, એવું મેં કંઈ કર્યું જ નથી. ઊલટાનું મારી ગણતરી ડાહ્યાડમરા છોકરામાં થતી! પશ્ચિમના દેશોમાં જે વિશ્વયુદ્ધો થયાં તેમાં અસંખ્ય કિશોરો અને યુવાનો જોડાયેલા. સોળ, સત્તર વરસનો છોકરો લશ્કરમાં જોડાય અને દુનિયા ફરી આવે. પ્રખ્યાત નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વે જ્યારે ઇટલીમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે ગયેલા અને ઘવાયેલા ત્યારે તેની ઉંમર માત્ર અઢાર વરસની હતી! વિન્સ્ટન્ટ ચર્ચિલ પચીસના થયા એ પહેલા ક્યુબા, ઇન્ડિયા, સુદાન અને સાઉથ આફ્રિકાની લડાઈઓમાં ભાગ લઈ ચૂક્યા હતા. આપણા દેશમાં પણ ત્રીસી અને ચાલીસીના દાયકામાં ઉછરેલા કિશોરો અને યુવાનોને દેશની સ્વતંત્રતાની ઝુંબેશમાં જોડાવાની તક હતી. ખુદ મારા પિતાશ્રી જ કિશોરવયમાં જેલમાં જઈ આવેલા. લાઠીનો માર ખાઈ આવેલા. આવું કોઈ સાહસ કરવાની મારા જમાનાના કિશોરોને કોઈ તક મળી નથી, અને જો મળી હોય તો મેં તો લીધી જ નથી.

ઘરમાંથી મને જો ગિરનારના પર્યટનમાં જવાની પણ જો રજા ન મળતી હોય તો લશ્કરમાં જોડાવાની તો વાત ક્યાં કરવી? છોકરાઓને શિસ્ત મળે તે માટે એનસીસી અને એસીસીમાં જોડાવાની તક સ્કૂલમાં મળતી. એમાં છોકરાઓને યુનિફોર્મ મળે, કૂચ કરવા મળે, લાઠી કેમ ચલાવવી એની ટ્રેનિંગ મળે. મારે એમાં ખૂબ જોડાવું હતું, પણ ઘરેથી સ્પષ્ટ ના પાડી: આપણે એવા કોઈ લશ્કરનાં ધીંગાણાં કરવા નથી જવું! સ્કૂલના કેટલાક છોકરાઓને એ યુનિફોર્મમાં કૂચ કરતા જોઈ ઈર્ષાથી હું જલી જતો.

કૌટુંબિક પરિસ્થિતિ, બીજાઓ પ્રત્યેની પોતાની જવાબદારીનું ભાન, બીજાઓની મારા માટેની શું અપેક્ષાઓ છે, મારે માટે શું ધારશે એનો જ સતત ખ્યાલ કરીને મેં હંમેશ સરળ દેખાતો રસ્તો લીધો છે. એ સહીસલામતીવાળું પગલું ભરવામાં હું મારી ગભરુ મનોદશા જ જોઉં છું. કટોકટીના ટાણે લોકોની ઐસી તૈસી કરીને મન ફાવે તેમ કરવાની મારામાં હિમ્મત કોઈ દિવસ આવી નથી. જેમ કોઈ સાહસી લોકો બધું ફગાવીને ચાલી નીકળે અને મનનું ધાર્યું કરે છે તેવું મેં ક્યારેય કર્યું નથી. એમ કરવામાં સાહસ છે, જોખમ છે, પણ સાથે સાથે નવું અજમાવવાનું, નવી સીમાઓ ઓળંગવાનું અને નવી ક્ષિતિજો સુધી પહોંચવાનું excitement પણ છે જે મેં કદી અનુભવ્યું નથી.

જો કે આજે જે નથી કર્યું અને જે ગુમાવ્યું છે તેનો અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. આશય માત્ર છે સમજવાનો કે શા માટે હું જોખમ લેતો નથી. અલબત્ત, અહીં એક માણસની આપવીતીની વાત છે. આવી આત્મકથા વ્યક્તિના ગમા અણગમા અને પૂર્વગ્રહોથી રંગાયેલી હોય એ સ્વાભાવિક છે. સ્મૃતિ અને વિસ્મૃતિ

છતાં આ લખું છું તે કદાચ કોઈને ઉપયોગી નીવડી શકે, એવો છૂપો આશય પણ છે.

ગઈ સદીના વચલા દાયકાઓમાં દેશનાં નાનાં ગામોમાં તેમ મુંબઈ જેવા શહેરમાં સામાન્ય લોકો હાડમારીભર્યું જીવન કેમ જીવતા એનું અહીં વર્ણન કરવા પ્રયત્ન છે. સાસરે ગયેલી વહુ પિયરની વાત કરતા જેમ લાગણીશીલ કે રોમેન્ટિક બને છે, તેમ દેશ છોડીને વર્ષોથી પરદેશમાં વસતા લોકો વતનની વાતો કરતા આવી લાગણીઓ પ્રદર્શિત કરે છે. હું એવી લાગણીઓથી બચ્યો છું કે નહિ એ તો વાચકે જ નક્કી કરવાનું છે.

અહીં જે ઘટનાઓ રજૂ થઈ છે તેને થયે તો ભવ વીતી ગયો છે. મારા વતનમાં જ્યાં મારો જન્મ અને ઉછેર થયો, મુંબઈમાં જ્યાં જ્યાં મેં નોકરીઓ કરી, અને અમેરિકામાં મેં જ્યાં જ્યાં શરૂઆતમાં વસવાટ કર્યો–એ વિશેની વાતો પચાસ સાઠ વરસ જૂની છે. એ બધી હકીકતો પર, એ અનુભવો પર સ્મૃતિ-વિસ્મૃતિના કંઈક થરો લદાયેલાં છે. અહીં એ ઘટનાઓ, એ અનુભવોની વાત જરૂર છે, પણ એ બધું જેમ અને જેવી રીતે યાદ રહ્યું છે તે પ્રમાણે લખાયું છે. ક્યારેક સ્મૃતિ દગો દે છે, તો ક્યારેક એવું પણ બને છે કે જેમ કોઈ જૂના તામ્રપત્ર પર જે લખાયેલું હોય તે ભૂંસાઈ જાય છે, છતાં ઇતિહાસકાર એ કાળનો ઇતિહાસ તો લખે જ છે. એ ઇતિહાસમાં કેટલું સાચું માનવું એ પ્રશ્ન પણ ઊભો રહે છે. કોઈ પણ આત્મકથાનાત્મક લેખનમાં આવી મર્યાદા પણ રહે છે. માનસશાસ્ત્રીઓ આ પ્રકારના લેખનને palimpsest કહે છે. એવું લખાણ પણ અહીં હશે જ એમ હું માનું છું. અને છતાં વિખ્યાત મનોવિજ્ઞાની ઓલીવર સેક્સ કહે છે તેમ મોટે ભાગે આપણી સ્મૃતિઓ ભાગ્યે જ ખોટી પડતી હોય છે. હા, એ બધી સ્મૃતિઓ આપણા આત્મરંગે જરૂર રંગાયેલી હોય છે. અને જેમ જેમ પરિસ્થિતિ બદલાતી રહે છે તેમ તેમ એ રંગ બદલાતો રહે છે. છતાં આ સ્મૃતિઓ બનેલી ઘટનાઓને વફાદાર રહેતી હોય છે.14 આ આત્મકથનમાં કેટલીક જીવન્ત વ્યક્તિઓના નામ લખ્યા નથી અથવા તો ફેરવ્યા છે. છતાં હકીકતો અને બનેલા બનાવો વિશે સચ્ચાઈ અને પ્રમાણિકતા જાળવીને જ લખ્યું છે.

આ પ્રાસ્તાવિક નિવેદન પછી પણ જો વાચકમિત્રો ચેત્યા ન હોય અને આગળ વધવું હોય તો જરૂર આગળ વધે!