નવલકથાપરિચયકોશ/કાયર

From Ekatra Wiki
Revision as of 16:08, 15 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૮

‘કાયર’ : મોહમ્મદ માંકડ

– ચાર્મી જોષી

લેખક પરિચય : નામ : મોહમ્મદ વલીભાઈ માંકડ જન્મ : ૧૩/૦૨/૧૯૨૮ – અવસાન : ૦૫/૧૧/૨૦૨૨ વતન : પળિયાદ ગામ અભ્યાસ : બી.એ. વ્યવસાય : બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક, ગુજરાત રાજ્ય પબ્લિક સર્વિસ કમિશનર, અમદાવાદના પૂર્વ સભ્ય, ‘સંદેશ’, ‘સમકાલીન’ અને ‘જનસત્તા’માં કટાર લેખન. સાહિત્યિક પ્રદાન : નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, બાળ સાહિત્યકાર, સંપાદક, અનુવાદક, ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ. ઇનામ : ૧૯૯૬માં ‘ધુમ્મસ’ નવલકથાને જી. એમ. ત્રિપાઠી ફેલોશિપ, ૧૯૭૯માં સંસ્કાર એવૉર્ડ, ૧૯૯૬-૯૭માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નરસિંહ મહેતા એવૉર્ડ, ૧૯૮૭માં ગાંધીનગર દ્વારા શ્રી ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, ૨૦૦૬માં વડોદરા દ્વારા શ્રી ડાહ્યાભાઈ પટેલ સાહિત્યરત્ન સુવર્ણચંદ્રક, ૨૦૦૭માં અમદાવાદ દ્વારા રણજિતરામ સુવર્ણચંદ્રક, ૨૦૦૮માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર. મોહમ્મદ માંકડકૃત ‘કાયર’ નવલકથા પ્રથમ આવૃત્તિ : ૧૯૫૬ પ્રકાશન વર્ષ : નવેમ્બર ૧૯૭૧ નકલની સંખ્યા : ૧૨૫૦ પ્રત પ્રકાશક : આર. આર. શેઠની કંપની, મુંબઈ-૨, અમદાવાદ-૧ અવતરણઃ- I pray you, in your letters, When you shall these unlucky deeds relate, Speak of me as I am; nothing extenuate, Nor set down aught in maliceઃ Then, must you speak of on that loved, not wisely, but too weelઃ Of one not easily jealous, but, being wrought, Preplexed in the extreme. – Shakespear

‘કાયર’ નવલકથા એ મોહમ્મદ માંકડની પ્રથમ નવલકથા છે. આ નવલકથાનો નાયક ગિરધર ઇસેરિયા ગામમાં રહે છે અને ખેતી કરે છે. નવલકથાની શરૂઆતમાં ગિરધર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. ગિરધરના લગ્ન થયે વધુ સમય થયો નથી. તેની પત્નીનું નામ છે ચંપા. ટ્રેનની મુસાફરી દરમ્યાન રસ્તામાં એ પોતાના સુખી પરિવારનું સપનું જોવે છે, જેમાં એની પત્ની ચંપા અને બે-ત્રણ બાળકો છે. રાત પડી ગઈ છે અને બધા ટ્રેનમાં સૂઈ ગયા છે એવામાં એક મોટો અવાજ થયો, જાણે આંચકો ના લાગ્યો હોય! ટ્રેનનો એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બધાને બહુ ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં ગિરધરને કરોડરજ્જુમાં ઈજા પહોંચે છે. જેને કારણે એ નપુંસક બની જાય છે, જેની એને થોડા દિવસ પછી ખબર પડે છે. એને પોતાની પત્ની ચંપાનો સ્પર્શ ગમતો નથી. આ બાબતે ગિરધર જ્યારે ડૉક્ટર જોડે વાત કરવા જાય છે ત્યારે તેનો બાળપણનો મિત્ર મોહન પણ તેની સાથે જાય છે. ડૉક્ટર ગિરધરને જણાવે છે કે, એનો કોઈ જ ઇલાજ નથી. એ વાત મોહન સાંભળી જાય છે. મોહનને એમ લાગે છે કે, ગિરધરને કોઈ ચેપી રોગ થયો છે. અને એને ચંપાની ચિંતા થાય છે. ગિરધર નપુંસક એ વાત ચંપાને કરતા ગભરાય છે, એને ડર છે કે આ વાત જાણીને ચંપા એને છોડીને જતી રહેશે. ગામમાં ખબર પડશે તો તેની ઇજ્જત જશે. પછી એને થાય છે કે, ચંપાથી મારે છુપાવવું ના જોઈએ. ને હિંમત કરીને બતાવે છે. ગિરધર વિચારે છે એથી તદ્દન વિરોધમાં થાય છે. ચંપા ગિરધરની નાના બાળકની જેમ કાળજી રાખે છે. ગિરધર જાણે પોતાના જ શરીરનું અંગ હોય એમ સાચવે છે. ગિરધર નપુંસક બન્યો છે એનાથી ચંપાને કંઈ ફરક નથી પડ્યો. એણે ગિરધરને સાથ આપ્યો. આ સમયમાં ગૌરી એ જ ગામના છોકરા સાથે ભાગી જાય છે. ગૌરીના ભાગવાના સમાચાર સાંભળીને તો ગામ ઊંચું-નીચું થવા માંડ્યું. કોઈના ગળે વાત જ ના ઊતરે કે ગૌરી આવું કંઈ કરી શકે છે. આ સમાચાર સાંભળીને મોહનને મનમાં ક્યાંક એમ લાગે છે કે, ચંપા એક દિવસ જાતે તેની પાસે આવશે. ગૌરીના સમાચાર સાંભળીને ગિરધરને એમ વિચાર આવે છે કે, ચંપા પણ એને છોડીને જતી તો નહીં રહે? ગિરધરના મનમાં ચંપાને લઈને શંકા ઉત્પન્ન થાય છે. એક દિવસ ચંપા ગિરધરને બોલાવવા વાડીએ જાય છે ત્યારે ગિરધર એક ઝાડ નીચે સૂતો છે અને મોહન પણ ત્યાં જ છે. એક સાપ ગિરધરના પગ તરફ આગળ વધી રહ્યો છે. એ જોઈને ચંપા તરત જઈને સાપના મોં પર પગ મૂકી દબાવી દે છે. એ જોઈ ગિરધર તરત જ ચંપાને ભેટી પડે છે, જો ચંપા ના આવી હોત તો ગિરધર તો..., પણ ચંપા સમય રહેતાં બચાવી લે છે. ગિરધરના મનમાં જે શંકા ઊભી થઈ હતી તેના પર જાણે આ ઘટનાએ ઠંડું પાણી રેડાયું હોય એમ એ વિચાર શમી ગયો. ગિરધર અને ચંપાની વચ્ચે ખાસ કંઈ બદલાવ નહોતો થયો. ચંપાને મન ગિરધર બાળક જેમ જ હતો. પણ એક દિવસ જાગરણમાં ગામની બધી સ્ત્રીઓ વાતો કરે છે એમાં ગિરધરને ફરી ચંપા પર શંકા જાય છે કે, ચંપા પણ કોઈ બીજાને પસંદ તો નહીં કરવા લાગી! અને પછી ગિરધરની નજર ચંપાના વર્તન પર હોય છે. એ ક્યાં જાય છે? કોને મળે છે? એ બધી જ બાબત પર નજર રાખે છે. એક દિવસ એમ બને છે કે ગિરધર વાડીએ હોય છે અને ચંપા પણ ત્યાં જઈ ચડે છે. વાડીએ ગિરધર ક્યાંય દેખાતો નથી. મોહન એક ઝાડને ટેકો દઈને ઊભો છે. મોહનને કેટલાય દિવસથી ચંપા જોડે વાત કરવી હતી એટલે એના માટે આ સારી તક છે. વાડીમાં એમના બે સિવાય કોઈ હતું પણ નહીં. એટલે એ ચંપાને કહે છે કે, મારે કેટલા દિવસથી તમારી સાથે વાત કરવી છે, “હું તમારા માટે એક અલગ પ્રકારની લાગણી અનુભવું છું અને હું જાણું છું કે ગિરધરને કોઈ ચેપી રોગ થયો છે અને તમે એની સાથે ખુશ નથી એ વાત હું જાણું છું.” મોહન અને ચંપા વચ્ચે બીજી ઘણી વાત થાય છે. ચંપાને સમજદારીપૂર્વક જવાબ આપતી જોઈ મોહન કહે છે, તમે બહુ સમજદાર છો અને ચંપા એક ખૂબ સરસ વાત કહે છે, “માણસ બુદ્ધિને આધારે જીવતો નથી લાગણીથી જીવે છે.” મોહન અને ચંપા વાત કરે છે ત્યાં જુવારના ખેતરમાં થઈને ગિરધર આવે છે. ગિરધર મોહન અને ચંપાને સાથે જોઈને ત્યાં જ ઊભા રહીને તેમની વાત સાંભળે છે, પણ પવનના સૂસવાટામાં અવાજ કપાઈને આવે છે એટલે ચંપા અને મોહનની વાત સંભળાતી નથી. ચંપા મોહનને કહે છે... ચંપા : હું પણ તમને ચાહું છું, તમને ના પાડતા મને કેટલું દુઃખ થાય છે, એ તમને નહીં સમજાય, પણ ગિરધર મારો પતિ છે અને એને કોઈ ચેપી રોગ નથી. તમારા મિત્રની પત્ની હું એ બાબતે તમારે વિચાર કરવો જોઈએ. અને આ વાત ગિરધરને સંભળાય છે કે, ચંપા મોહનને ચાહે છે. આ સાંભળી એના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ. ગિરધરના મનમાં એક સવાલ ચાલે છે કે, કઈ ચંપા સાચી? સાપથી જીવ બચાવનાર કે મોહનને ચાહે છે એ? બે ત્રણ દિવસ પછી આજે ગામમાં ભારે વરસાદની આગાહી છે અને ગિરધર ખેતર જવા નીકળે છે. ચંપા ગિરધરને ના પડે છે કે, આજે ના જશો પણ ગિરધર કોઈનું માને નહીં. એ નીકળી ગયો. રસ્તામાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ શરૂ થતાં ચંપા ગિરધરની પાછળ દોડે છે, દોડતી ચંપાને શામુ રોકે છે. છતાં પણ ગિરધરની ચિંતામાં ચંપા એની પાછળ દોડી જાય છે. ભારે વરસાદના કારણે કશું દેખાતું નથી. ગિરધર વાડીમાં એક ઝાડને પકડી ઊભો રહી જાય છે અને ચંપા વરસાદમાં પલળતી વાડીએ પહોંચે છે. ત્યાં જઈને એ બેભાન થઈ જાય છે. વાડીએ કોઈ નથી, માત્ર એન્જિન રૂમમાં મોહન છે. એ ચંપાને જોઈને તરત દોડી આવે છે. વરસાદમાં પલળવાને કારણે ચંપાને ઠંડી ચડી જાય છે. મોહન તરત એને લઈને રૂમમાં જાય છે અને ત્યાં તાપણું કરે છે. જે દેહને મોહન છાતી સરસો ચાંપવા માંગતો હતો એ આજે એના હાથમાં છે. વરસાદ બંધ થતાં ગિરધરને ખબર પડે છે કે, એ હરિયાના ખેતરમાં છે. એ ફટાફટ ઘરે જાય છે. ઘરે જઈને ચંપાને શોધે છે. ચંપા ના મળતાં એ પોતાના ખેતરમાં આવે છે ત્યારે મોહન અને ચંપાને સાથે જોઈ જાય છે. મોહન અને ચંપાને જોઈને ગિરધરનો પિત્તો જાય છે. એ ખિસ્સામાંથી બંદૂક કાઢી ચંપા અને મોહન બંનેને મારી નાખે છે અને ત્યાં જ દાદર પર બેસી પડે છે. એટલામાં શામુ આવીને કહે છે કે, ભાભી કશે દેખાતાં નથી, વરસાદ શરૂ થયો ત્યારે તમને લેવા તમારી પાછળ નીકળેલાં અને હવે ક્યાં છે ખબર નહીં. આ સાંભળીને ગિરધર જાતે જ ગોળી મારીને મારી જાય છે. અહીં નવલકથા પૂર્ણ થાય છે. ગિરધરના શંકાશીલ સ્વભાવને કારણે ચંપા, મોહન અને ગિરધર – એમ ત્રણની જિંદગી બરબાદ થાય છે. નવલકથા વાચકને સતત પકડી રાખે છે. પરંતુ, આ નવલકથા તેના અંતના કારણે નબળી છે, વાસ્તવિકતાથી દૂર છે. એક પત્ની જેને ખ્યાલ છે કે, તેનો પતિ નપુંસક બન્યો છે. છતાં એની સાથે રહેવા તૈયાર થાય છે અને ગિરધરના મિત્રને ચાહતી હોવા છતાં એ એની પાસે જતી નથી રહેતી એવી ચંપાનું પાત્ર નવલકથાની દૃષ્ટિએ સારું છે. મોહન જે ગિરધરનો બાળપણનો ખૂબ સારો મિત્ર છે જેને ખબર પડે છે કે, પોતાનો મિત્ર બીમાર છે અને એ મિત્રની જ પત્ની તરફ આકર્ષાય છે. ગિરધરની સેવા ચંપા ખૂબ ધ્યાન રાખી કરે છે એવી પત્ની પર શંકા કરીને પોતાની પત્ની અને મિત્રને મારી નાખે છે એ, તેથી આ નવલકથા વાસ્તવિકતાથી દૂર લાગે છે.

ચાર્મી અક્ષયકુમાર જોષી
B.A., M.A., Ph.D. (Running)
મો. ૯૮૭૯૮૨૪૦૮૬
Email: joshicharmi૨૨@gmail.com