ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/બગલો, સાપ અને નોળિયો

From Ekatra Wiki
Revision as of 01:10, 16 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બગલો, સાપ અને નોળિયો

‘કોઈ એક વનપ્રદેશમાં જેના ઉપર ઘણા બગલા રહેતા હતા એવું વડનું ઝાડ હતું. તેના કોટરમાં એક કાળો સાપ રહેતો હતો. જેમને પાંખો આવી ન હોય તેવાં બગલાનાં નાનાં બચ્ચાંને ખાઈને તે હંમેશા કાળ નિર્ગમન કરતો હતો. હવે પોતાનાં બચ્ચાંનું ભક્ષણ થવાથી જેને શોક થયો હતો એવો એક બગલો સરોવરના કિનારા ઉપર આવીને આંખો આંસુથી ભરાઈ ગયેલી હતી એવી દશામાં નીચું મુખ કરીને ઊભો રહ્યો હતો. તેની આ પ્રકારની ચેષ્ટા જોઈને એક કરચલો બોલ્યો, ‘મામા, શા માટે તમે આ પ્રમાણે રડો છો?’ તે બોલ્યો, ‘ભદ્ર! શું કરું? વૃક્ષના કોટરમાં વસતો સર્પ હું અભાગિયાનાં બાળકોે ખાઈ ગયો છે. તે દુઃખથી હું દુઃખી થયેલો છું. તો એ સાપના નાશનો કોઈ ઉપાય હોય તો મને કહે.’ તે સાંભળીને કરચલો વિચાર કરવા લાગ્યો, ‘આ બગલો તો અમારો સહજ શત્રુ છે. માટે તેને એવો સત્યામૃત — સાચોજૂઠો (ઉપરથી સાચો લાગે, પણ અંદર વિનાશકતાથી ભરેલો) ઉપદેશ આપું, જેથી બીજા સર્વે બગલાઓ પણ નાશ પામે. કહ્યું છે કે

માખણ જેવી વાણી કરીને અને હૃદયને નિર્દય બનાવીને શત્રુને એવો ઉપદેશ કરવો કે જેથી તે વંશ સહિત નાશ પામે.’

અને પછી તે બોલ્યો, ‘મામા! જો એમ છે તો નોળિયાના દરથી માંડીને સર્પની બખોલ સુધી માછલાંના માંસના ટુકડાઓ નાખો, જેથી નોળિયો તે માર્ગે જઈને એ દુષ્ટ સર્પનો નાશ કરી નાખશે.’ પછી એ પ્રમાણે કરવામાં આવ્યું, એટલે માછલાનું માંસ વેર્યું હતું તે માર્ગે જઈને નોળિયાએ તે કાળા સાપને મારી નાખ્યા પછી તે વૃક્ષ ઉપર રહેનારા સર્વે બગલાનુંપણ ધીરે ધીરે ભક્ષણ કર્યુંં.

તેથી અમે કહીએ છીએ કે બુદ્ધિશાળી મનુષ્યે ઉપાયનો તેમ જ અપાય(વિઘ્નો)નો વિચાર કરવો જોઈએ. મૂર્ખ બગલો જોતો રહ્યો અને નોળિયાએ બગલાઓને મારી નાખ્યાં.’