કમલ વોરાનાં કાવ્યો/1 વાયકાઓ
એક
વા વાયો નહોતો
નળિયું ખસ્યું નહોતું
તે છતાંય કૂતરું તો ભસ્યું
એક પાછળ બીજું
બીજા ભેગાં બાર
બારમાં ભળ્યું ટોળું
ટોળું
પૂંછડાં પટપટાવતું એક સૂરે
કંઈ ભસ્યું કંઈ ભસ્યું કંઈ ભસ્યું
અને કરડ્યુંં
કરડી કરડી કરડીને
ફાડી ખાધું
પીધું
રાજ કીધું.
બે વા વાયો નળિયું ખસ્યું નહોતું. તે દેખીને કૂતરું ભસ્યું નહોતું ઊભા ઊભા પૂંછડી પટપટાવતું હતું એક પાછળ બીજું બીજા ભેગાં ચાર બારમાં ભળ્યું ટોળું ટોળું ઝનૂની ઝડપે પૂછડાં પટપટાવતું હતું વા વેગભર વાતો હતો. નહોતું ખસ્યું તે નળિયું ફંગોળાયું ગડગોથાં ખાતું ઠીકરાં થતું પછડાયું કૂતરાંનાં લમણાં પર લોહીલુહાણ ટોળું તેમ છતાં પટપટાતાં પૂંછડાંથી વામાં કંઈ વેગ કંઈ વેગ કંઈ વેગ ભરતું હતું.
ત્રણ વા વાયો નહોતો છતાં નળિયું ખસ્યું ને તે દેખીને કૂતરું ભસ્યું ભસતાં ભસતાં આગળપાછળ જોતું રહ્યું પણ બીજું કૂતરું આવ્યું નહીં. પાસે આવીને ઊભું નહીં ભસ્યું નહીં. એક કૂતરું એકલું એકલું બસૂરું ભસતું રહ્યું ભસતું રહ્યું ભસતું રહ્યું હાંફી ગયું ઢળી પડ્યું વા વાયો નહીં નહોતા વાતા વામાં નળિયું ઊડી ગયું...
ચાર વા વાયો નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભસ્યું નહીં. કૂતરું ભસ્યું નહીં? કારણ? કારણ કૂતરું હતું જ નહીં કૂતરું જ નહોતું? નહોતું હતી કેવળ નહોતું તે કૂતરું ભસ્યાની વાયકાઓ વાને ઘોડે ઊડતી કંઈ વાયકાઓ કંઈ વાયકાઓ કંઈ વાયકાઓ નળિયું ખસ્યું કે નળિયનું ન ખસ્યું તેની વાત તો વાયકાઓમાં હતી જ નહીં.
પાંચ એક એવીય વાયકા છે : વા વાતો નહોતો નળિયું નહોતું અને કૂતરું તો શું કૂતરાંનું પૂછડુંય નહોતું હતું એક ગામ ગામમાં હતું ગામના કોઈ નવરાનું નખ્ખોદ કોઈ ગાંડાનું ગપ્પું હતી કોઈ અવળાની અવળાઈ કોઈ ઘેલસફાની ઘેલાઈ અને ગામ આખામાં હતી વા વાયાની નળિયું ખસ્યાની કૂતરું ભસ્યાની કંઈ ધમાધમ કંઈ ધમાધમ કંઈ ધમાધમ
</poem>