વનાંચલ/પ્રકરણ ૫

From Ekatra Wiki
Revision as of 14:45, 15 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


(૫)

મારા દાદાનું નામ જોઈતારામ પાઠક. દીકરીઓના વસ્તાર પછી માબાપને દીકરો જોઈએ તે ભગવાને આપ્યો, એટલે નામ પાડ્યું જોઈતારામ. જોઈતારામથી નાના બે ભાઈઓ : વસંતરામ અને જેઠારામ. કાલોલ(પંચમહાલ) અમારું અસલ વતન. દાદાનો સ્વભાવ પહેલેથી જ તીખો ને સાહસિક. કુટુંબમાં કશી ચડભડ થતાં પત્ની જીવકોરબા સાથે એમણે વતન છોડ્યું. એક ટોપલામાં થોડી ઘરવખરી લઈને ચાલી નીકળ્યા તે આવ્યા ગોઠ ગામની નજીક પાલ્લી ગામમાં. ઘૂસ્કો નામના એક કોતર ઉપર ખાતુ સદાનું ઘર, તેની બાજુમાં દાદાએ ઘર બાંધ્યું. પછી અમે જ્યારે યજમાનવૃત્તિ અર્થે પાલ્લી જઈએ ત્યારે દાદા એ જગા બતાવે. એમણે આપબળથી પાલ્લીની ને આજુબાજુનાં ગામોની યજમાનવૃત્તિ મેળવી, ને પાછળથી ગોઠમાં બ્રાહ્મણો સાથે આવીને રહ્યા. મારા બાપુ હિંમતલાલને દાદાના સસરા ભાઈજીભાઈની થોડી મિલકત મળી ને અમે ગોર ને જમીનદાર બન્યા.

દાદા પહેલેથી જ સાહસિક ને હિંમતબાજ. ખરાબોલા એવા કે કુટુંબના હિત-અહિતનો પણ વિચાર ન કરે. દાદાના બીજા દીકરા, મારા કાકા ધનસુખરામનો એક પુત્ર જરા દાધારંગો, માનસિક રીતે અવિકસિત. ન્યાતના એક ભાઈ એને જોવા ને એની સાથે પોતાની દીકરીનો વિવાહ કરવા ગોઠ આવ્યા. આગળથી અમને ખબર તે ઘરમાં વાત થયેલી ને દાદાએ સાંભળેલી. દાદાનું ગામમાંથી નીકળવું ને પેલા ભાઈનું ગામમાં પ્રવેશવું. ઝાંપે મળી ગયા. તરત દાદા બોલી ઊઠ્યા : ‘એનો વિવાહ શાનો કરવાનો, એ તો ગાંડિયો છે!’ વિવાહ ન થયો ને પછી ઘણાં વરસ સુધી મોટેરાં પૂછે ત્યારે મારા કાકાના એ દીકરા ભલુભાઈ કહેતા : ‘દાદાએ ઊંધું માર્યું, દાદાએ ઊંધું માર્યું.’

દાદાએ ૮૦ વર્ષનું નિરામય આયુષ્ય ભોગવ્યું. મરતાં સુધી તેઓ યજમાનવૃત્તિ અર્થે ચાર-પાંચ ગાઉનો પલ્લો રોજ કરે, ચશ્માં વગર શ્રીમદ્ભાગવત વાંચે. અફીણ, ચા ને છીંકણીનું એમને વ્યસન. પોતાના જીવનના પ્રસંગો તેઓ ક્યારેક વાર્તાકારની આકર્ષક શૈલીમાં કહે. એક વાર યુવાનીમાં તેઓ પાલ્લી ગામમાં રહેતા હતા ત્યારે રાતે એમણે મૃદંગ વાગતી સાંભળી. મૃદંગ કયા ગામમાં વાગતી હશે તે વિશે એમની અને એમના મિત્ર ખાતુ સદા વચ્ચે મતભેદ પડ્યો. તરત અજવાળી છડાં જેવી રાતના બંને નીકળી પડ્યા મૃદંગના અવાજની દિશામાં ને ત્યાંથી સાત ગાઉ દૂર આવેલા અલવા ગામે પહોંચ્યા; ભજનમાં ભાગ લીધો અને પરસાદનું કોપરું લઈને બગબગે તો પાછા પણ આવી ગયા! એક વાર વાડામાં ઘાસ કાપતાં એમને પગે કંઈક કરડ્યું હોય એવું લાગ્યું. તરત ઘરમાં આવી બળતા ચૂલામાંથી ધગધગતો કોલસો પકડી એમણે પગ ઉપર મૂકી દીધો. પૂછ્યું ત્યારે કહ્યું કે જાનવર કરડ્યું હોય એમ લાગ્યું એટલે ઉપાય કર્યો! પછી કહે કે અફીણ ખાનારને સાપનું ઝેર ન ચડે.

આસપાસનાં ગામોમાં ગોર તરીકે પ્રતિષ્ઠા સારી. પછી બાપુ મોટા થયા એટલે તેઓ પણ આ ધંધામાં દાદાને મદદ કરવા લાગ્યા. બાપુનું શરીર બહુ સારું નહિ, પણ આવડત ઘણી. હસમુખો સ્વભાવ, કલાકો સુધી હસે ને હસાવે. એક પ્રસંગ તેઓએ કહેલો તે બરાબર યાદ છે. મારા એક મામા દલપતરામ પુરાણી પણ ગજબના હસનાર, કવિતા કરે ને હાસ્યરસની શીઘ્ર રચનાઓમાં કુશળ. બાપુ પણ એવી પંક્તિઓ જોડે. એક વાર પરગામ કોઈ સગાનું મૃત્યુ થયેલું તે શોક કરવા જવાનું. કાલોલથી સાળો-બનેવી નીકળ્યા. બાર ગાઉને આખે રસ્તે એટલી ગમ્મત કરી, એટલું હાસ્ય કે મરનારને ઘેર આવતાં ઠૂઠવો મૂકવાને બદલે જોર જોરથી હસી પડ્યા ને એ હાસ્યને મોઢું ઢાંકી રુદનના અવાજ તરીકે ખપાવ્યું! રાજદરબારમાં મારા બાપુનો પ્રભાવ પડે; અમલદારો એમને પૂછે, ગૂંચવણિયા કામમાં એમની સલાહ લે. બારિયા રાજ્યમાં જ આવેલી એક ઠકરાતનું કારભારું એમણે મેળવેલું. પગાર વર્ષના ૨૫૦ રૂપિયા. પહાણીપત્રક કરવાનું ને વેરા ઉઘરાવી આપવાનું કામ. ઠાકોર ગુલાબસિંગને બાપુ માટે ઘણું માન. એમના દેખતાં ઠાકોર કે એમના ભાયાતો બીડી-હુક્કો ન પીએ, દારૂ પીધો હોય તો કદી સામે ન આવે. ઠાકોરનું ગામ સીમળિયા અમારા ગામથી દસ-બાર ગાઉ દૂર. ઘોડા ઉપર જંગલો વીંધીને જવાનું. બાપુ સીમળિયે ન હોય ત્યારે યજમાનવૃત્તિમાં દાદાને મદદ કરે. કોઈ કોઈ વાર એકસાથે બે-ત્રણ ગામમાં લગ્ન હોય ત્યારે રાતોરાત એક લગ્ન પતાવી બીજે ગામ જવું પડે. કન્યા પરણાવવાની હોય ત્યારે તો ગામડે જ રાત ગાળવી પડે. અમે દાદા સાથે જવાની હઠ કરીએ. કોઈ વાર દાદા હા પાડે. અમારા આનંદનો પાર ન રહે. સાંજે ઘેરથી નીકળીએ. દોઢ-બે ગાઉ ચાલીને ગામડે પહોંચીએ. દાદાને જોઈ યજમાનો ફાળિયું ઉતારે ને ‘પાયે લાગું મહારાજ; પગે લાગું ગોરદેવ’ કહીને નમે; દાદા ‘આશરવાદ’ ઉચ્ચારે. યજમાનને ઘેર ઉતારે ખાટલા ઢળાયા હોય, કોરી માટલી ભરીને મૂકવામાં આવી હોય. દાદાને સવારે વહેલા ઊઠીને ચા ને અફીણ જોઈએ; યજમાને બધી વ્યવસ્થા કરી હોય.

ગામનું એક ફળિયું છે. લગ્નની ધમાલ ચાલી રહી છે. રાવળિયા આવી ગયા છે. એમનાં ઢોલ, નગારી ને પિપૂડી ખીંટીએ ભેરવેલાં છે. સાંજના ઢોલ વાગે છે ને જુવાનડીઓ માટલીએ રમે છે. દરેકના હાથમાં એક એક માટલી હોય. પંદર-વીસ સ્ત્રીઓનું એક કૂંડાળું રચાય. વચ્ચે બૂચિયો રાવળ ને એનો બાપ મથુરિયો ઢોલ ને નગારી ગળે ભેરવીને ઊભા હોય. બાજુમાં મૂળજી ગાંયજો મશાલ ઝાલીને ઊભો હોય. ઢોલ-નગારી પર દાંડી પડે, ખાસ તાલમાં ઢોલ વાગે ને પેલા વર્તુળમાં જીવ આવે. સ્ત્રીઓ બે હાથે માટલી પકડીને ગોળ ગોળ ફરે. ઢોલનો એ ખાસ તાલ આજેય કાનને સંભળાય છે, હું કદાચ ત્યારે વગાડતો એમ આજેય વગાડી શકું, પણ શબ્દોમાં ઉતારવો અશક્ય છે. ઢોલના અવાજની ગતિ પ્રમાણે સ્ત્રીઓની ફરવાની ગતિ ધીમી-ઝડપી થાય, બે હાથે પકડેલી માટલીને એક વાર જમણા કાન સુધી ઉલાળે ને બીજી વાર ડાબા સુધી; હાથના સુંદર વળાંકો રચાય, ફરવાની ઝડપ ને એમાં રહેલો સંવાદ મોહક લાગે. સ્ત્રીઓના અંગમરોડ ને એમનો વેગ એક ઉન્માદનું વાતાવરણ રચે. ઢોલ પર દાંડિયાનો પ્રહાર ઝડપી બને તે સાથે આ માટલીએ રમનારીઓની ગતિ પણ વધે. પછી તો માટલી એક જ હાથમાં આવી જાય ને તેને ડાબી જમણી ઉલાળતી સ્ત્રીઓ જાણે ઊડતી હોય એવું લાગે. ઢોલી ને ફરનારીઓ એકતાન થઈ જાય. કોણ કોનામાં ઉત્સાહ ને ઉન્માદ પ્રેરે છે તે કળાય નહિ.

અમે પછી ઊંઘી જઈએ. દાદા વિધિ પતાવી ખાટલામાં પોઢે ત્યાં મધરાતે એકાએક હલચલ મચી રહે. ઝાંપે જાન આવી ગઈ છે; બળદની કોટે બાંધેલા ઘૂઘરાઓ રણકે છે, ઢોલ ઢબૂકે છે. દાદા ઊઠે છે ને અમે પણ આંખો ચોળતા ચોળતા સાથે જઈએ છીએ. પાથરણાં પથરાયાં છે. જાનૈયા ને કન્યાપક્ષના માણસોનું મિલન થાય છે. ‘આ રામરામ, આ રામરામ’નાં સત્કારવચનો ઉચ્ચારાય છે. વરરાજાની આંખો ઉજાગરાથી લાલ ને મેંશથી કાળી દેખાય છે. બાળલગ્નો થતાં એટલે વરરાજા બહુ મોટા ન હોય, અમારા જેવડાય હોય. માથે ફેંટો બાંધ્યો હોય, હાથમાં કટારી હોય ને પગમાં એક તોડો હોય. પતરાની એક ટ્રંકમાંથી વરના બાપ ને મામા કોથળી કાઢે, મૂળાનાં પતીકાં જેવા ખણખણતા રૂપિયાની. દાપાં ચૂકવાતાં હોય; ગામોટ ગોરને આલો, ગાંયજાને આલો, ભૂરસી દક્ષિણા લાવો. મહાદેવવાળા બાવાના ને રણછોડજીના પૂજારીના લાવો. ક્યારેક તકરાર પણ થાય; દારુ-તાડી પીને આવેલા હોય તો એલફેલ બોલે. સ્ત્રીઓ સામસામી ફટાણાં ગાય, ખુલ્લા કંઠે, બહુ હલકભરી રીતે નહિ, પણ ઉત્સાહ ને ઉમળકાથી. ગોરના મંત્રો, ઢોલ ને ગીતોની રમઝટમાં ડૂબી જાય. બૂચિયો રાવળ બૈરી બની નાચતો હોય ને એની આસપાસ મોટું ટોળું જામ્યું હોય. ‘રડ્યો બાયડીથીય રૂપાળો લાગે છે!’ કોઈ સ્ત્રી બોલી પડે. આ ગીત ઊપડ્યું :

ઊંચે ટેંબે કાબર વઈ છે કાબર કહે હું ભૂપતાની માશી.

‘ભૂપતા’ની જગાએ વળી સામા પક્ષની સ્ત્રીઓ બીજાનું નામ મૂકે ને એમ અનેક નામો સાથે આખરે આ પંક્તિઓ કોલાહલ બની જાય; ત્યાં બીજું ગીત ઊપડે :


છોરો કે’ દાડાનો પેણું પેણું કરતેલો મારે માંડવે આવીને ભેડ્ય ભાંગી ભોજઈના કે’ દાડાનો પેણું પેણું કરતેલો.

(છોકરો કેટલાય દિવસથી ‘પરણું પરણું’ કરતો હતો. મારે માંડવે આવીને એણે ભીડ ભાંગી.) બીજો પક્ષ ‘છોરી કે’ દાડાની પેણું પેણું કરતેલી’ કરીને જવાબ આપે. બગાસાં ખાતા અમે આ બધું જોઈ રહીએ, સાંભળીએ. પરણવાની વિધિ પતે ને કન્યાને વળાવાય. વિદાય આપતાં પિયરિયાં(પિયરની સ્ત્રીઓ) કન્યાને શિખામણ આપતું ગીત ગાય :

બરોબરીનાં રૈયે મોટાંનાં બેની બરોબરીનાં રૈયે.

(‘સાસરિયામાં સારી રીતે–લાજ-મરજાદથી રહીએ.') કોઈ વાર દાદાને બહુ મોડું થવાનું હોય ત્યારે અમને કોઈ યજમાનની સાથે ઘેર મોકલી દેવામાં આવે.

દાદા એમના યજમાનવૃત્તિના અનેક અનુભવો કહે. કુંભારની જ્ઞાતિમાં ત્યારે બહુ નાનાં છોકરાંને પરણાવી દેવામાં આવતાં. એક પ્રસંગે બે વેવાણો – વરની મા ને કન્યાની મા – વરકન્યાને ટોપલામાં મૂકી ફેરા ફરેલી – આપણી પવિત્ર સપ્તપદી, મંગળફેરાસ્તો! એક યજમાનને ઘેર મરણની ઉત્તરક્રિયા કરાવતાં બનેલો પ્રસંગ દાદાએ સંભળાવેલો તે આજેય યાદ છે. દાદાએ તો ગમ્મતના પ્રસંગ તરીકે એ કહેલો પણ મને ત્યારેય એમાં રહેલા કરુણનો તીવ્ર સ્પર્શ થયેલો. સરાવવાની ક્રિયા કરતાં પહેલાં સરાવનારને નાહવું પડે, નાહીને કોરું પોતિયું પહેરવું પડે. યજમાન સાત-આઠ વર્ષનો બાળક હતો. નાહીને એ પોતડી પહેરી સરાવવા બેઠો. ક્રિયા પૂરી થયા પછી ગોરદેવને પોતિયું કાઢી આપવાનું આવ્યું ત્યારે છોકરાએ હઠ લીધી : ‘છેટી(પોતડી) ના આલું, મારે પહેરવી છે, મને છેટી અલાવવાનાં હતાં તે કેમ અલાવતાં નથી?’ મોટેરાંએ સમજાવ્યો પણ એ ન માન્યો, રડી પડ્યો. છેવટે એક જણે ધોલ મારીને પોતડી ખેંચી લીધી. છોકરો ડૂસકાં ભરતો ભરતો મા પાસે ગયો. માએ એને પંપાળીને પોતાના પાસામાં લીધો, ગોળની કાંકરી આપીને રાજી કર્યો. વાત પૂરી થયા પછી મારાથી દાદાને પુછાઈ ગયેલું : ‘તે દાદા પોતડી એને આપી દીધી હોત તો? બિચારો નાગો ફરતો હશે. આપણે ઘેર ઘણાંય પોતિયાં છે.’ દાદાએ જવાબ આપેલો કે નહિ તે તો યાદ નથી. પણ જવાબ કલ્પવાનું અઘરું નથી. યજમાનવૃત્તિને ધંધા તરીકે સ્વીકારનાર દાદાને કદાચ આવું કશુંક કહેવાનું હોત : ‘ભૂખે મરતા કે ભૂખમરામાં જીવતા આ યજમાનો તરફ દયા બતાવીને એમ બધું છોડી દઈએ તો આપણે પણ ભૂખે મરવાનો વારો આવે.’ એમણે ગમે તે કહ્યું હોત, મારા મનમાં પેલા ‘છેટી’ માગતા નાગા છોકરાનું ચિત્ર આજેય એટલું જ તાજું છે. એ હવે મોટો થયો હશે, છેટી પહેરતો હશે; એનાં છોકરાંને છેટી પહેરવાની, આપણી ગાંધીની સરકારે હવે કોઈ વ્યવસ્થા કરી હશે કે?