અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પ્રમુખીય

From Ekatra Wiki
Revision as of 01:14, 3 January 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''પ્રમુખીય'''</big></big></center> {{Poem2Open}} પ્રથમ તો હું આનંદ વ્યક્ત કરું છું કે ‘અધીતઃ પ્રમુખીય પ્રવચનો’-નો ચોથો ભાગ મારા પ્રમુખીય કાર્યકાળમાં પ્રગટ કરવાનો મને અવસર મળ્યો. અહીં કુલ બાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રમુખીય

પ્રથમ તો હું આનંદ વ્યક્ત કરું છું કે ‘અધીતઃ પ્રમુખીય પ્રવચનો’-નો ચોથો ભાગ મારા પ્રમુખીય કાર્યકાળમાં પ્રગટ કરવાનો મને અવસર મળ્યો. અહીં કુલ બાર પ્રમુખોનાં તેર વક્તવ્યો ગ્રંથસ્થ થયાં છે. કોરોના કાળમાં ભરત મહેતા સતત બે વર્ષ સુધી પ્રમુખ રહ્યા, પરિણામે એમનાં બે વક્તવ્યો મળ્યાં. મણિલાલ હ. પટેલથી આરંભીને મારા સુધીના પ્રમુખોનાં વિષય-વક્તવ્યો તમે તપાસો, વિષય-વૈવિધ્ય તરત ધ્યાન ખેંચશે. મોટાભાગે જે તે પ્રમુખે એમના રસના. એમના ક્ષેત્રના વિષયને સહૃદયતાથી સ્પર્શી ગહનતાથી ખોલી-સમજાવી આપ્યો છે. જે તે વર્ષે પ્રગટ ‘અધીત’માં જે તે વર્ષના પ્રમુખનું વક્તવ્ય સંકલિત તો છે જ. પણ આ બધાં વક્તવ્યો એક સાથે એક જ સંપાદનમાં મળી રહે એ હેતુથી આ સંપાદન હાથ ધર્યું. એમાં વર્તમાન મંત્રીઓનો પણ હકારાત્મક સહકાર રહ્યો અને પૂર્વ પ્રમુખોની પણ સહમતિ સધાઈ એનો આનંદ વ્યક્ત કરું છું. આ પૂર્વેના પ્રમુખોનાં વક્તવ્યો અન્ય સંપાદનોમાં સંગ્રહિત થયા જ છે. યાદ રહે, ‘અધીત’ના પ્રાગટ્યનો આરંભ જ પ્રમુખીય પ્રવચનોના સંપાદનથી થયો! અત્યાર સુધીમાં કુલ ૪૬ ‘અધીત’ પ્રકાશિત થયાં છે. જેમાંનું પ્રથમ ‘અધીત’ ઈ.સ. ૧૯૭૪માં ગુજરાતીનો અધ્યાપક સંઘની રજતજયંતી વર્ષ નિમિત્તે પૂર્વેનાં ૨૫ પ્રમુખોનાં વક્તવ્યનું સંપાદન છે. પ્રથમ ‘અધીત’ના પ્રાગટ્ય ટાણે એના સંપાદકોને કલ્પના પણ નહીં હોય કે હવે પછી લગભગ દર વર્ષે ‘અધીત’ પ્રગટ થશે! આથી પ્રથમ ‘અધીત’ને ક્રમ નથી અપાયો! ઈ.સ. ૧૯૭૭માં પ્રગટ ‘અધીત-બે’-થી ‘અધીત’ને બે, ત્રણ, ચાર... એમ ક્રમ મળવા શરૂ થયા. આ ક્રમ આજે ૪૬ સુધી પહોંચ્યો છે! પ્રથમ ‘અધીત’ના ટાઈટલ પેજ પર ઉમાશંકર જોષીએ ડોલરરાય માંકડના શબ્દો ‘સ્વાધ્યાય-પ્રવચનમાં પ્રમાદ ન કરવો’ – ટાંકીને નોંધ્યું હતું કે આમાં ‘પ્રવચન’ શબ્દ પાછળ મૂકવામાં આવ્યો છે, ‘સ્વાધ્યાય’ની પછી. સ્વાધ્યાય કૂવામાં જેટલું હશે તેટલું પ્રવચન-હવાડામાં આવશે. પ્રવચન એ તો સ્વાધ્યાયની આડપેદાશરૂપ છે. પણ મોટી વાત તો नौ - આપણા બન્નેનું અધીત – આપણે બન્નેએ કરેલો અભ્યાસ તેજસ્વી નીવડો એમાં ‘બન્નેના’ અધીત અંગે સેવેલી દરકાર એ છે’ – આમ, અધ્યાપક માટે સ્વાધ્યાયનું મહત્ત્વ વિશેષ છે એ પ્રથમ ‘અધીત’માં પ્રારંભે જ સૂચવી આપ્યું છે. અહીં સંપાદિત બધાં પ્રમુખીય વક્તવ્યો આ સ્વાધ્યાયની નિપજ છે એનો આનંદ છે. ઈ.સ. ૨૦૧૧માં ગુજરાતીનો અધ્યાપક સંઘનું ૬૦મું અધિવેશન મણિલાલ હ. પટેલના પ્રમુખસ્થાને ખેડબ્રહ્મા કૉલેજમાં યોજાયું. એમનું વક્તવ્ય ‘અધીત-ચોત્રીસ’માં પ્રગટ થયું. ત્યારથી આરંભી, ૪-૫ માર્ચ, ૨૦૨૩ના દિવસોમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના આંગણે મારા પ્રમુખપણા હેઠળ બોતેરમું અધિવેશન યોજાયું. એમાં મેં આપેલા વક્તવ્ય સુધીનાં કુલ તેર વ્યાખ્યાનો અહીં સમાવિષ્ટ છે. એને આ રીતે ગ્રંથસ્થ થતાં જોઈ આનંદ અનુભવું છું. સંઘના આ કાર્યમાં સાથ આપનાર મંત્રીઓ, પૂર્વ પ્રમુખોને સહર્ષ સ્મરું છું. આ લેખો નવોદિત અધ્યાપક મિત્રોએ ટાઇપ કરી આપ્યા એનો હરખ પણ જતાવું છું અને ડિવાઈન પબ્લિકેશનના સૂત્રધાર ઉપરાંત ગુજરાતીના અધ્યાપક પ્રિય અમૃતભાઈ ચૌધરીએ એના પ્રકાશનની જવાબદારી સ્વીકારી એના પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું.

આણંદ
૧-૧-૨૦૨૪
ગુણવંત વ્યાસ
પ્રમુખ,
ગુજરાતીનો અધ્યાપક સંઘ