ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/પાંખડીઓ; ઉષા; સારથી – કવિ ન્હાનાલાલ

From Ekatra Wiki
Revision as of 16:12, 8 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘પાંખડીઓ’, ‘ઉષા’ અને ‘સારથી’, કવિ ન્હાનાલાલ
ન્હાનાલાલના વિલક્ષણ ગદ્યગ્રંથો


ભૂમિકા ન્હાનાલાલના કલ્પનાકેન્દ્રી ગદ્યલેખનનું રૂપ બહુ વિલક્ષણ છે. વાર્તાની નજીક જતાં પ્રસંગોર્મિકથન જેવાં લખાણોનો સંગ્રહ ‘પાંખડીઓ’ (૧૯૩૦) તથા નવલકથાની નિકટ જતી, ઊર્મિ-ભાવનાબહુલ કથાઓ ‘ઉષા’ (૧૯૧૮) અને ‘સારથી’ (૧૯૩૮) – સામાન્ય રીતે એમના ‘ગદ્યગ્રંથો’ તરીકે ઓળખાતાં રહ્યાં છે. આ ત્રણેનું સ્વરૂપ લવચિક અને ખુલ્લું છે. ન્હાનાલાલનાં ભાવ-વિચાર-વલણોની રીતે એ એમનાં નાટકો અને ખંડકાવ્યો સાથે કેટલીક સમાનતા બતાવે છે તો આ ગદ્યગ્રંથોની ઊર્મિકથનશૈલી અને એના અભિવ્યક્તિવળાંકો ન્હાનાલાલની ડોલનશૈલીમાં લખાયેલી કવિતા આદિ કૃતિઓ સાથે સમાન્તરતા દેખાડે છે. આમ છતાં આ ગદ્ય-સર્જનનું પોતાનું આગવું રૂપ પણ છે, ને સર્જક તરીકેની ન્હાનાલાલની કેટલીક વૈયક્તિક વિશેષતાઓ એ ધારણ કરે છે. ગુજરાતી વાર્તા અને નવલકથાના મુખ્ય પ્રવાહથી આ લખાણો ઠીકઠીક વેગળાં રહે છે એ પણ એની એક આગવી વિલક્ષણતા છે. તો, આજે આ કૃતિઓનો મહિમા કે પછી એની પ્રસ્તુતતા શાં છે? પહેલું મહત્ત્વનું તો એનું દસ્તાવેજી મૂલ્ય. ન્હાનાલાલના સમગ્ર સર્જનનો એ અભિન્ન અંશ છે, એના વિના ન્હાનાલાલની લેખક તરીકેની ઓળખ પૂરી થતી નથી. બીજું, એનું વાચન આજે સાદ્યંત રસપ્રદ કે ગ્રહણક્ષમ ન હોવા છતાં એમાં ન્હાનાલાલની સર્જકતાના ઉછાળની ને એના કમનીય વળાંકોની કેટલીક રેખાઓ પણ છે – રસ-વિસ્મય જગાડનાર અને પ્રસન્નકર. અલબત્ત, ધૂંધળી રહી જતી વિચાર-ભાવનાશીલતા અને ભરપૂર શબ્દાળુતા અનેક પાનાં સુધી પ્રસરેલી છે એથી પેલા આસ્વાદ્ય અંશો સુધી ધૃતિપૂર્વક જ પહોંચી શકાય એમ છે. કવિના આ અતિલાક્ષણિક વિશ્વને પામવાનો એ જ એક રસ્તો છે. એમના આ ત્રણે ગદ્યગ્રંથોને સમીક્ષિત રૂપે તપાસીએ, જેથી એના વિશેષો અને એની વિલક્ષણતાઓ નિકટતાથી ઉપસાવી શકાય.

‘પાંખડીઓ’ : ઊર્મિ-કથનની ઊડતી રંગીન રેખાઓ

આ ૧૭ સર્જનાત્મક લખાણોના સાહિત્ય-સ્વરૂપની ઓળખ ન્હાનાલાલે પોતે ન-કારો ઘૂંટી ઘૂંટીને આપી છે. પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે : ‘આ ફૂલો નથી, પાંખડીઓ છે; તેજ નથી, તેજઅણુઓ છે; યજ્ઞશિખાઓ નથી, સ્ફુલ્લિંગો છે.’ એટલે કે, એ પૂર્ણ-સળંગ ઘાટરૂપ નથી, એમાં સાતત્યને બદલે ઊડતી રેખાઓ છે – એવું કંઈક એમને કહેવું છે. આગળ કવિ લખે છે કે, ‘આ પ્રસંગો છે, આમને વાર્તાઓ કહેવીયે યોગ્ય નથી’ ત્યારે એમની સ્વરૂપ-અભિજ્ઞતા સમજાય છે. પણ ‘આ પ્રસંગો છે’ એટલું કહેવું પર્યાપ્ત નથી. પ્રસંગની આસપાસ અહીં રંગદર્શી વાતાવરણનો એક તેજપુંજ (ઑરા) છે. પણ સ્વરૂપની, કંઈક વધુ સ્પષ્ટ ઓળખ તો ન્હાનાલાલના આ વિધાનમાંથી મળે છે : ‘નવલકથાનાં આ પ્રકરણ નથી, આ નવલિકાઓય નથી, આ તો નવલનાં Lyrics છે.’ હા, કહેવાં હોય તો, આ નવલનાં લિરિક્સ છે એટલે કે ઊર્મિ-કથાનકો છે. જો કે ઊર્મિ-કથાનક કહેવાથી પણ જે થોડીક રેખાઓ બંધાય, તે પણ અહીં છે જ એવું નહીં કહી શકાય. લાગે છે કે, શું નથી એ જ સ્પષ્ટપણે કહી શકાય એમ છે – ન્હાનાલાલના ન-કારો વાજબી છે, સમજાય એવા છે. પરંતુ સ્વરૂપબદ્ધ (ને ક્યારેક રૂપબદ્ધ) ન થાય એ આસ્વાદ્ય ન જ હોય, એવું નથી. રૂઢ ઘાટ ન હોય ત્યારે વાચકને થોડીક કનડગત થાય ખરી (ને એ સિવાયની કનડગતો પણ અહીં છે!), પણ એમાંથી બહાર આવતા જવાય એમ એમ થોડાં રસસ્થાનો ઊઘડતાં, ને આસ્વાદાતાં જાય એવું અહીં બને છે. વળી, આસ્વાદ કરતાં તો અહીં અનુભવો વધારે થાય છે – જાતજાતની વિલક્ષણતાના અનુભવોમાંથી આપણે પસાર થઈએ છીએ. તો, એની મદદથી જ આ કૃતિઓનો – એના લક્ષણવિશેષોનો – પરિચય કરીએ. પ્રેમનું રંગદર્શી કથન મોટાભાગની કૃતિઓના કેન્દ્રમાં રહેલું છે. ને એ કથનના કેન્દ્રમાં નાયિકા છે – સ્ત્રીકેન્દ્રી સંવેદન અને વિચાર, આ કૃતિઓમાં સતત ઘૂંટાતાં રહ્યાં છે. પ્રથમવ્યક્તિ-કથનની કૃતિઓ ‘બોરસળીનો પંખો’, ‘સમર્પણ’, ‘હું તો નિરાશ થઈ’ વગેરેમાં નાયિકાના ઉદ્ગારો પ્રેમાલાપમાં, ભાવના-અભિવ્યક્તિમાં પ્રસરતા રહ્યા છે. પતિ-પત્નીના સંવાદો રૂપે આલેખાયેલી ‘વીજળીની વેલ’માં અને સર્વજ્ઞ કથનમાં આલેખાયેલી બીજી કેટલીક કૃતિઓમાં પણ નાયિકા-વિશ્વ પ્રતિભાવિત થતું રહ્યું છે. પ્રેમનાં દૃશ્યોના ને પ્રેમોપચારના આલેખનમાં ન્હાનાલાલના વિશેષો ધ્યાન ખેંચનારા છે. પહેલી જ કૃતિ ‘બોરસળીનો પંખો’નું આ ચિત્ર જોઈએ. મ્હોરની હું માળા ગૂંથતી હતી. ... એવેે મારા ખોળામાં ઓળો પડ્યો. જાણે ઊડતા ગરુડની છાયા. પાછું વાળીને જોઉં-ન જોઉં ત્યાં તો મારી નેત્રપાંદડીઓ ચંપાઈ. સફાળી હું બોલી ઊઠી : ‘નાથ’. આ પ્રકારની વાગ્મિતા પરિચિત દૃશ્યને પણ એક નવું રૂપ આપે છે. નાયકના, સંચાર વિનાના છતાં ઝડપી પ્રવેશને ‘જાણે ગરુડની છાયા’થી દૃશ્યાંકિત કરવાનું ન્હાનાલાલને જ સૂઝે એવું છે. રંગદર્શી આભા રચીને પ્રેમોપચાર આલેખતો એક બીજો ઉદ્ગાર – ‘સમર્પણ’ કૃતિનો – પણ નોંધવા જેવો છે : કોયલને ટહુકે હું જાગી ને મોરને ટહુકે નાથ જાગ્યા... હૈયા પર હૈયું પાથરી હું પડી હતી. નાથનાં કરતલની કમલ પાંદડીઓ દેહદેશને પંપાળતી, રોમાંચ જગાડતી, દેહમાંનાં રુધિર વધુ વેગે વહેવડાવતી હતી. અમને જીવનનાં ઘેન ચડ્યાં હતાં. આ સઘન ઇન્દ્રિયાનુરાગી આલેખનમાં ‘હૈયા પર હૈયું પાથરી’માં છે એવો ક્રિયાપદનો વિશિષ્ટ પ્રયોગ; ‘કરતલની કમલપાંદડીઓ’નો ધ્વનિરણકાર તથા ‘જીવનનાં ઘેન ચડ્યાં હતાં’ એવી વાગ્મિતા-છટા વાચક માટે વધુ આ-કર્ષક બની રહે છે અને, સંદર્ભથી છૂટું હોત તો ‘કોયલને ટહુકે હું જાગી ને મોરને ટહુકે નાથ જાગ્યા’ એવું વાક્ય રમૂજ જગાડનાર બન્યું હોત પરંતુ એ અહીં પેલી આભાના અંશ રૂપે રસપ્રદ બની રહે છે. પ્રાચીન-મધ્યકાલીન પરિચિત ઘટનાસંદર્ભને આલેખતું એક દૃશ્ય ‘વટેમાર્ગુ’માંથી જોઈએ : કૂવાકાંઠે એક સોહામણો વટેમાર્ગુ પનિહારીની નજરે ચડે છે. એને માટે પનિહારીને આ અનુરાગ જન્મે છે. પણ વટે-માર્ગુ તો ચાલતો થાય છે. પનિહારીની ઉત્કટતા આલેખતી ન્હાનાલાલની શબ્દાવલી કેવી ખેંચી રાખનારી છે ! : ‘આભની ઝાલર પાછળ એ સંતાયો ત્યાં સુધી એણે નિરખ્યાં જ કીધું. જાણે ચક્ષુનું એક જ અંગ એને રહ્યું હતું. ખરેખર! પન્થી તો ઊડતી પાંખનો પડછાયો છે! અલંકરણની, રૂપક-ઉત્પ્રેક્ષાની, ગૂંથણી વિના એમનું વાક્ય જાણે રચાતું નથી! પણ એ અલંકરણમાંની અરૂઢ વિલક્ષણતા રસ પમાડનારી હોય છે. કવિ-રીતિના આવા પ્રેમ-શૃંગાર-કથન ઉપરાંત ન્હાનાલાલની આ કૃતિઓમાં ચર્ચા-સંવાદ (ડિબેટ) પ્રકારની એક બીજી લાક્ષણિકતા ધ્યાનપાત્ર બને છે. તત્કાલીન સામાજિક-નૈતિક પ્રશ્નો-ઘટનાઓ અંગેનાં ન્હાનાલાલનાં પ્રતિભાવો અને પ્રતિક્રિયાઓ આ નિમિત્તે રજૂ થયાં છે. લેખકનો એક વિશેષ દૃષ્ટિકોણ એમાં ઊપસે છે ને એમાં ક્યાંક રમૂજ-કટાક્ષની ધાર વાળી અભિવ્યક્તિ પણ દેખાય છે. પરંતુ એ બધું જેટલું ભાવાશ્રિત કે ભાવનાશ્રિત રહે છે એટલું તર્કાશ્રિત રહેલું નથી. કોઈ પ્રસંગ-ઘટના-નિમિત્તે નિરૂપાતી એમની વિચારણાનું બલકે ભાવનાનું લહેરાતું, ક્યારેક પ્રસ્તારી ચિત્ર એમાં ઊપસે છે. પ્રસંગ-ઘટના ગૌણ બની રહે છે ને રસળતા નિબંધનું રૂપ એ પામે છે. કૃતિઓનાં શીર્ષકોમાં જ એ ચર્ચા-વિવાદ પ્રગટ થાય છે : ‘કુંવારો કે બ્રહ્મચારી?’, ‘અંજનશલાકા : અથવા : સતી કે સુંદરી?’ કૃતિના આરંભે જ, કટાક્ષના વળાંકવાળું એક ચિત્ર ઊપસે છે : ‘જો! પેલો પ્રમોદ : બ્રહ્મચારી છે,’ – બેત્રણ વિદ્યાર્થિણીઓ સંગાથે પ્રમોદને જતો જોઈને મ્હેં મારા મિત્રને ઓળખાવ્યો.’ મિત્રો વચ્ચેની વાતચીત પ્રમોદના ચરિત્રાલેખનમાં પરિણમે છે. આ છેલબટાઉ કોલેજિયન આપણને દ્વિરેફના મુકુન્દરાય જેવો લાગે : એ ટૅનિસ રમે છે, પોતાની વિલક્ષણતાઓથી ધ્યાન ખેંચે છે, કલાકાર ને બેફિકર હોવાનો દેખાવ કરે છે, છોકરીઓનો સંગ વધુ પસંદ કરે છે. એ કૉલેજમાં ખ્યાત છે. ન્હાનાલાલ એક લાક્ષણિક લસરકાથી એનુંં ચિત્ર ને ચરિત્ર આલેખી આપે છે એ જોવા જેવું છે : પ્રમોદની ગુણગાથાની ગઝલો ચકલાંનાં પીંછાં જેવી કૉલેજમાં ઊડતી થઈ. ‘ઇતિહાસના અક્ષરો’ આદિમાં, લેખકના પોતાના કૉલેજકાળમાં મિત્રો વચ્ચે થતી (હશે) એવી ચર્ચાઓ પ્રસંગલક્ષી સંવાદનું રૂપ પામી છે. બદ્ધ વિચારગ્રંથિઓ સામેનો ન્હાનાલાલનો અણગમો અહીં એક તીક્ષ્ણ સંવાદમાં વ્યક્ત થયો છે. પૂર્વવાદી પોતાની તરફદારી કરતાં કહે છે કે જે અહીં છે તે પશ્ચિમમાં નથી – ‘યુરોપ-અમેરિકામાં લખાયેલાં ઉપનિષદો કયાં?’ એને ઉત્તર મળે છે : ‘ઉપનિષદ નામ જ સાંભળ્યું છે કે છાપેલું પુસ્તક દીઠું છે?’ ન્હાનાલાલનો જાણીતો ભાવનાવાદ પણ આ સંવાદલક્ષી કૃતિઓમાં આકાર પામ્યો છે. ‘અંજનશલાકા : અથવાઃ સતી કે સુંદરી?’માં લેખકે ‘સતી’ સંજ્ઞા સાથે પુણ્ય-વિવેક અને ‘સુંદરી’ સંજ્ઞા સાથે કામ-સૌંદર્ય એવી ભાવના સાંકળીને વિચાર-સંવાદ બહેલાવ્યો છે. એનો નિષ્કર્ષ આ સંવાદ છે :

  • સંસારશાસ્ત્રની દૃષ્ટિએ મ્હને તો એક જ ભૂલ લાગે છે : પુણ્યભાવનાની પદભ્રષ્ટતા ને સૌંદર્યભાવનાથી સર્વોપરિતા.
  • સુંદરતા નહીં, ત્ય્હારે સર્વોપરી શું?
  • સૃષ્ટિમાં સર્વોપરી તે પુણ્ય ને પ્રભુ. એ લોપાય એવાં શિક્ષણ કે સંસાર ન હોય.

અને એ મિત્ર ઉકેલ કાઢે છે કે ‘પુરુષની આંખડીને અંજનશલાકા આંજવી જોઈએ – આંખનિર્મળી છાંટવી જોઈએ!’ ન્હાનાલાલનાં કાવ્યો-નાટકોમાં પણ ઉભરાતી રહેતી એમની આવી બે વિલક્ષણતાઓ – દેહસૌંદર્યનુંં ઇન્દ્રિયરાગી આલેખન અને પુણ્યભાવનાનો પક્ષપાત – અહીં છે, એ એમની જાણીતી પંક્તિ ‘પ્રભુએ બાંધી પાળ રસસાગરની પુણ્યથી’ની યાદ અપાવે છે. ન્હાનાલાલની આ કૃતિઓમાં દૃશ્યો-ઘટનાઓ કરતાં ઉદ્ગારોનો ભાર તેમજ પ્રસ્તાર વધુ છે. એમાં વિલક્ષણ વિચારલોક છે, એથી ય વધુ તો સ્વપ્નલોકનું ધુમ્મસ છે. વાચક સાદ્યંત પકડી શકે એવું કોઈ વિકસતું કથાબીજ નથી કે વાચકની પકડમાં આવે એવો પાત્રસંવેદનાનો પણ કોઈ સળંગ તાર નથી. એટલે ૧૦ પાનાંમાં વિસ્તરતી, ઉપશીર્ષકો વાળા છ ખંડોમાં વહેંચાયેલી, ‘વીસમી સદીની ગુજરાતણની એક ન્હાનકડી કાદંબરી’ તરીકે ઓળખાવેલી, ‘સતીનાં ચિતાલગ્ન’ નામની કૃતિ, કંઈક મધ્યકાલીન લાગે એવા, કથાવસ્તુના પાતળા કથાતંતુને વાગ્મિતાથી વિસ્તારે છે. અને એમની કોઈપણ અપદ્યાગદ્ય કૃતિ સાથે મૂકી શકાય એવી, પ્રેમ-લગ્ન-વૈધવ્ય-સતીત્વની આસપાસ ફરતી અતિબદ્ધ રચના બને છે. અન્ય કૃતિઓ પર પણ એની વધતી-ઓછી છાયા પડેલી છે. ન્હાનાલાલની શૈલીના કેટલાક વિશેષો અહીં પણ અલગ તરી આવે છે. એમની ‘ચિત્રદર્શનો’માંની, કેટલીક કૃતિઓના આરંભની જેમ અહીં પણ ‘વનની તે મહારાણી હતી. વનમાં હરિણી વિચરે એવી એ વિચરતી’ કે ‘મ્હોરની હું માળા ગૂંથતી હતી’ – એવા આરંભો છે. વાક્યાંશો સામસામે તોળાતા હોય એ પ્રકારની વાગ્મિતા પણ અહીં છે : તે દિવસે ઘામ વધારે હતો. ઉરમાં ને જગતમાં તે દિવસે ઘામ વધારે હતો.

(‘બોરસળીનો પંખો’)

ઉપર અંધારચંદરવા સમો અંધકારનો ચંદરવો લટકતો. (‘ઇતિહાસ અક્ષર’) ન્હાનાલાલે કેટલાક તત્સમ શબ્દોનું વિલક્ષણ તદ્ભવીકરણ કર્યું છે એમાં પણ એમની શૈલીની ખાસિયત ઊપસી રહે છે. નમણ(=નમન), વિદ્યાર્થિણી, અમેરિકણ (=અમેરિકન સ્ત્રી), વગેરે. કલ્પનાકેન્દ્રી ગદ્યમાં ન્હાનાલાલે પોતાની કવિ-સંવેદનાને, પોતાનાં કેટલાંક વિચારવલણોને, કેટલાંક પ્રસંગો-ચરિત્રોને કોઈ સ્વરૂપમાં બંધાય નહીં તેવી મુક્ત અને લહેરાતી રીતિ-પદ્ધતિએ આલેખી છે ને એમાં એમની સર્જકતાના કેટલાક ઉદ્રેકો ઝિલાયા છે એ – આ કૃતિઓની ઓળખ રચે છે. આ કૃતિઓ પૈકીની બે ‘વીણાના તાર’ અને ‘વ્રતવિહારિણી’ ન્હાનાલાલની વીસેકની વયે રચાયેલી. એ પછી, છેક એમની ૪૮-૫૦ની વયે – સર્જક તરીકે ન્હાનાલાલ પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હતા એ સમયે – બાકીની ૧૪-૧૫ કૃતિઓ રચાયેલી છે. ૧૯૨૫માં, પંદરેક દિવસમાં જ, એમાંની ૮-૧૦ કૃતિઓ એમણે લખેલી ને છદ્મનામે સામયિકોને મોકલેલી, ને ન છપાયેલી! – એ પણ નોંધપાત્ર છે. એટલે કે, એક પ્રકારની અજમાયશ તરીકે આ કૃતિઓ ઉદ્ભવેલી છે. ને કવિએ વાચકોને કહ્યું છે : ‘છલબલતી આ લગરીકશી જલલહરીઓમાં યે આવો ને પાય ભીંજવો’. ને એમાં જ કવિએ પોતાના આ સર્જન-પ્રયોગની કૃતાર્થતા જોઈ છે.


ઉષા : મૂર્ત-અમૂર્તની સંધિ પર ઊપસતો પ્રેમોદ્ગાર

ન્હાનાલાલની આ કૃતિ પણ એમની સર્જકતાના વિલક્ષણ અંશોની ગૂંથણીરૂપ છે. ગુજરાતી નવલકથાની મુખ્ય ધારા સાથે એનો કશો સંબંધ જોડી શકાય એમ નથી – કોઈ નવલકથાકાર (કે કોઈ નવલકથા)નો પ્રભાવ કે પ્રતિકાર એમાં જોઈ શકાય એમ નથી. સ્વરૂપ અને સંવેદન-આલેખન બંનેની રીતે એમાં અલગારીપણું છે, નરી આત્મલક્ષિતા છે. અલબત્ત, તારવી શકાય એવી કથા – એક પ્રેમકથા – તો આમાં છે જ, એ રીતે એને ‘નવલકથા’ કહી શકાય. ન્હાનાલાલ એની પ્રસ્તાવનામાં કહે છે કે, એ ‘માનવકથા’ છે. નાયકના ‘હું’-કથનરૂપે, પણ ઘટના બની ગયા પછીના સ્મરણરૂપે એ કહેવાઈ છે. ને એકધારી રીતે વાચકને થતા સંબોધનરૂપે એ વહેતી રહી છે – જાણે નાયકની જ નહીં, વાચક-શ્રોતાની પણ આ પ્રેમાનુભવ કથા છે. કથાના ‘ઉપોદ્ઘાત’ પ્રકરણનું પહેલું જ વાક્ય છે : વાંચનાર ! ત્હારે ત્હારી કથા વાંચવી ન હોય તો આ વાર્તા વાંચતો ના. (પૃ. ૧૩) પરંતુ આ નાયક વિલક્ષણ છે. પોતાની કથા કહેતાંકહેતાં એ પોતાના ભાવનાલોકમાં, વિચારલોકમાંય નિમજ્જન કરતો રહે છે. સ્નેહ‘કથા’ કહેતાંકહેતાં, એથી ય વધારે તો એ, સ્નેહ‘મીમાંસા’ કરતો રહે છે. છેલ્લેછેલ્લે એ વાચકને કહે પણ છે : ‘દેહ અને દેહીની રમમીમાંસાનું આ એક પ્રકરણ છે. (૧૭૦) એટલે બહુ ભાતીગળ રૂપ બંધાયું છે આ કથાનું. અલબત્ત, એમાં રસપ્રદતાના અંશો અને કવિની સર્જકતાના ચમકારા જરૂર દેખાય છે. આ પ્રેમકથા આમ તો પરિચિત રૂપની, વ્યાપક રૂપની કથા છે. લેખકે એના ઉપશીર્ષક દ્વારા પણ કહ્યું છે કે, એ ‘સૃજનજૂની વાર્તા’ છે. નર-નારીની પ્રેમકથા તો શાશ્વત છે પણ ‘ત્હેમાં વ્યક્તિભાવના ભિન્નભિન્ન રંગો છે.’ (૧૪) આ કથાનો એવો ભિન્ન રંગ કેવોક છે? આષાઢી પૂર્ણિમાએ, અગાશીમાં ઊભો ઊભો, ઘર નીચેના ચૉકમાં, ગરબાનૃત્ય કરતી બાલિકાઓમાં નાયક, નાયિકાનું પ્રથમ દર્શન કરે છે : ‘સહુ તારિકામાં જેમ ચંદ્રકલા તરી આવે છે તેમ તે સખીમંડલમાંથી તરી આવતી’ [...] ‘યૌવનનો [એ] ફુવારો હતી, ચંદ્રિકાનો ચંદનધોધ હતી!’ બીજે દિવસે સવારે એને તે પનિહારીરૂપે જુએ છે. લેખકે એક સંકેત મૂક્યો છે : સખી પૂછે છે : ‘ઉષા! ત્હારી રસહેલ ભરાઈ કે?’ ‘ના, મારી રસહેલ હજી અધૂરી છે.’ આટલીક કથામાં લેખકે ૪૦ પાનાં લીધાં છે – નાયિકાની સૌંદર્યપ્રશસ્તિમાં. ઉષા જેમાં ભણતી એ શાળાના વિકાસમાં નાયક રસ લેવા માંડે છે : ‘હું શીખવતો ને સુધારતો તેમ હું યે તે કન્યાશાળામાં ઘણું શીખતો ને સુધરતો. શાળાને દાન આપતા શ્રેષ્ઠીઓ આ પુત્ર (નાયક) ઈનામવિતરણ કરે છે ત્યાં, ઈનામ લેવા આવનાર ઉષા સાથે એની આંખો મળે છે : ‘ઉષાનાં નયન ન નમ્યાં, પણ મ્હારાં નયન નમી ગયાં. તે જગદંબાની જ્યોતિર્જ્વાલા ન ઝીલાઈ.’ પછી તો, નાયકની બહેન ચંદ્રિકાની એક બહેનપણી તરીકે ઉષા ઘરે પણ આવે છે : ‘ખરે બપોરે ચોકમાં ચંદ્રમા ચાલતો હતો.’ વગેરે. ‘વડમાલા જૂથ’ નામના પાંચમા પ્રકરણમાં કથા રસપ્રદ બને છે – રંગદર્શી સંવાદોમાં. મંદિર પાસેના એ એકાંત સ્થળે ‘ઉષા હસતીહસતી ઊઠી ને મ્હારા વાળમાં અંગુલિઓ પરોવી પંપાળવા લાગી. જાણે ડહાપણનાં તેલ સીંચતી હોય ને!’ ઉષાએ પછી કહ્ય્ું હતું : ‘જે અંતરમાં તે આંખમાં.’ ‘જન્માષ્ટમી’ પ્રકરણમાં સંબંધની સઘનતા આલેખાઈ છે – ઉત્ફુલ્લ ઉત્કટતાથી છતાં ન્હાનાલાલીય સંયતતાથી. ‘જન્માષ્ટમીની મધ્યરાત્રિએ, ચન્દ્રનું નાવડુું ક્ષિતિજ ઉપર તરતું આવ્યું ત્યારે, કૃષ્ણમંદિરની ફૂલવાડીમાં, દેવસુંદરી સમી ઉષાએ ને મ્હેં પરસ્પરને પ્હેલાં પ્રેમચુંબન કીધાં.’ – એ આવેગની તીવ્રતામાં ઇન્દ્રિયરાગ છલકી ઊઠે છે : ‘કટિપ્રાન્તથી સરતો મ્હારો હાથ ઉષાને કેશપાશે ચ્હડ્યો [...] ને ચન્દ્રિકાના રસાભિષેક સ્મરી સ્મરી ઉષાના મુખચંદ્રને અભિષેક કીધાં.’ ‘પ્રેમના પ્રથમ ચુંબનનો અમૃતપ્યાલો બેએક ઘડી ચસચસીને અમે પીધો.’ વીસેક પાનાંનું આ પ્રકરણ સૌંદર્યપ્રશસ્તિમાં પ્રસ્તરે છે ને, છેલ્લે, પ્રેમ-સંબંધની આ ક્ષણને નાયક ‘પ્રથમ પ્રેમચુમ્બનની પુણ્યક્ષણ’ કહે છે. અહીં તરત એમની જ પંક્તિ યાદ આવવાની : ‘પ્રભુએ બાંધી પાળ રસસાગરની પુણ્યથી.’ ‘શરત્પૂર્ણિમા’ નામનું આખું પ્રકણ (– વળી ૨૦ પાનાં –), અનેક ગીતપંક્તિઓ ગૂંથતું, નાયક-નાયિકાની રાસ-લીલાનું આલેખન બની રહે છે : ‘વિરાટ ઘૂમતો, ચન્દ્રિકા ઘૂમતી; હું ઘૂમતો, ને રાસમાં ઉષા ઘૂમતી.’ (૧૪૧) પછી કથામાં વળાંક આવે છે – પ્રકરણનું નામ છે ‘કૃષ્ણપક્ષ’. ઉષાના ભાઈને આ સંબંધ રુચતો નથી. ઉષા પર ઘરમાં નિયંત્રણ લદાય છે. એ એકલી બહાર જઈ શકતી નથી. વિયોગ! પણ આ કથાનાયકનું અનુભવકથન નહીં, સ્મરણકથન હોવાથી વિયોગનું વર્ણન જ અહીં મળે છે. ક્યારેક તો એ રમૂજની કક્ષાએ પહોંચી જાય છે. નાયક કહે છે ‘અમારો પ્રેમવિરહ અમ્મર કરવાના અભિલાષથી [...] કવિતા લખવાનો નિર્ણય મેં સુગમતાથી કર્યો. પણ મહાકાવ્ય આદરવું કે ખંડકાવ્ય?’ (૧૬૧) પછીના પ્રકરણ ‘એ ચિરકાળના ભેદ’માં પણ નાયક આ વિયોગકાળને ‘વિરહયુગ’ રૂપે મહિમાન્વિત (ગ્લોરિફાય) કર્યે જાય છે. આ પ્રકરણમાં વાચકને અનેકવાર સંબોધનો કરવામાં આવ્યાં છે! કથા વિયોગમાર્ગની ભેખડ સુધી આવી જાય છે : ઉષાને અન્યત્ર પરણાવવાના સમાચાર આવે છે : ‘ઉષા પરણે છે – એટલા જ ચંદ શબ્દોએ કાનના પડદા ચીરી નાખ્યા, મર્મસ્થાનને મૃત્યુબાણ માર્યાં ને આત્માને મૂર્ચ્છા ખવડાવી’ (૧૮૮). ઉષાને વળાવવાના સમાચાર પણ આવે છે ‘તે વસંતપંચમીની મધ્યરાત્રિએ ઉષા મ્હારા જીવનમાંથી સદાની આથમી લાગી’ (૧૯૪) પણ કથા વળી એક પલટો લે છે. ઉષાએ યુક્તિ કરી હોય છે – એણે પોતાને સ્થાને બીજી એક યુવતી લક્ષ્મીને ચૉરીમાં બેસાડી દીધી હોય છે! ઉષા સાથે જે લક્ષ્મીકાન્તનું લગ્ન ગોઠવાયું હતું એ લક્ષ્મીકાન્ત તો લક્ષ્મીને ચાહતો હતો! ચતુર ઉષા એક સાથે બે યુગલોનું કલ્યાણ કરે છે. ન્હાનાલાલે કથાના આ રહસ્ય (સસ્પેન્સ)ને ઠીકઠીક જાળવ્યું છે. ને વારતાની ઉત્સુકતા જગાડનારું આલેખન કર્યું છે. જો કે સંકેતો મૂક્યા વિના કવિ રહી શક્યા નથી. ‘સંજીવની’ પ્રકરણનો આરંભ આ રીતે થયો છે : ‘વાંચનાર! ચમત્કારમાં ત્હમે માનો છો? મ્હેં તો જીવનમાં ચમત્કાર જોયા ને અનુભવ્યા છે.’ (૧૮૫) પ્રકરણાંતે સંવાદ છે : ‘મેં કહ્યું – તું યે જબરી છો, ઉષા! દુનિયાના ડાહ્યાઓને ય થાપ દીધી.’ ‘ત્યારે શું એકે ચુમ્બેલી બીજાને પરણે?’ (૨૦૩) આપણને અહીં, જરાક જુદી રીતે, શરદબાબુની ‘પરિણીતા’ યાદ આવી જાય. પણ કવિ ન્હાનાલાલ કથા આગળ કંઈ કથા પૂરી કરે? હજુ છેલ્લું પ્રકરણ છે – ‘વિદાય’. એટલે કે વાચકથી વિદાય! ગોષ્ઠિ ચાલુ છે : ‘વાંચનાર! આવો અમારો કંઈક કથાવિસ્તાર છે’ (૨૦૬) ઉષા-પ્રશસ્તિની ને પ્રેમથી પરિણય સુધીની કથા લખ્યા પછી, ઊર્મિનાં જળ આછરી જતાં, વળી નાયક વાચકને પૂછે છે : ‘ને આમાં ત્હને કેટલુંક ઘેલા જેવું નથી લાગ્યું? આજ હું વાંચું છું ત્યારે મ્હનેય લાગે છે’ (૨૦૬) આ પણ રસમીમાંસા – પોતાની જ કથાની મીમાંસા! વાચકની પ્રિયતમા પણ એની રાહ જોતી હશે એવો ખ્યાલ આવે છે ત્યારે જ નાયક(ને ન્હાનાલાલ) વાચકને છૂટો કરે છે! નવલકથાનું છેલ્લું વાક્ય છે : ‘વાંચનાર! જા, ચન્દ્રમુખી ત્હારી ઉષા રસજીવનના અમૃતથાળવન્તી ત્હને વધાવવા ઊભી છે. ત્હારું કલ્યાણ હો [...] ભદ્ર કરો! ભદ્ર કરો!’ (૨૧૨). નાયક-વાચક-સંબંધ આવો અતિલાક્ષણિક છે! કથાનો આ દોર ન્હાનાલાલની વિલક્ષણ શૈલીના, વાગ્મિતાયુક્ત ઉદ્ગારો અને કથનોના, ઘણાં પાનાં સુધી લંબાતી ઊર્મિલ સ્નેહમીમાંસાના અને નાયિકા-પ્રશસ્તિના રંગદર્શી પટની વચ્ચે છુપાયેલો-ગુંથાયેલો રહે છે. એટલે વારંવાર આ નવલકથામાં કથાનું સાતત્ય ને એનો સૂર (ટોન) તૂટતાં કે અંતર્હિત થતાં રહે છે. વાચકને અનેકવાર સંબોધતો રહેતો કથાનાયક વળી વચ્ચેવચ્ચે પોતાના ભાવના-વિચાર-જગતમાં (અનેક પાનાં સુધી!) ડૂબકી લગાવતો રહે છે. એટલે ક્યાંક ક્યાંક કથાનો, ઇન્દ્રિયરાગી વર્ણનોનો રસ પામતો વાચક આ આત્મરાગી પ્રલંબ પટ કાપતાં ઘણીવાર થાકી જાય એવું પણ બનવાનું. નાયક (અને લેખક) એથી સભાન છે. એટલે કહે છે : ‘વાંચનાર! જરા ધીરજ રાખજે [...] રસયાત્રામાં થાક્યો તો નથીને?’ (૧૭૦) અને ‘સ્નેહની સમાધિની કથા કહેવી હજી અધૂરી છે. વાંચનાર! કંટાળ્યાં તો નથીને?’ (૧૮૦) ‘સરસ્વતીચંદ્ર’ કરતાં જુદી રીતે આ કથા – ‘ઉષા’ – વાચકને હંફાવે છે. ન્હાનાલાલની વિલક્ષણ સર્જકતાનો પરિચય એની લખાવટમાં, એમની શૈલીમાં ઊપસી રહે છે – ક્યાંક સૂત્રાત્મકતા છે, ક્યાંક વાગ્મિતા છે, ક્યાંક રંગદર્શી છટાઓ છે. એવાં ઘણાં દૃષ્ટાંતોમાંથી થોડાંક અહીં નમૂનાલેખે ધરી શકાય. (૧) સૂત્રાત્મક વિધાનો/અવતરણો : એમાં ન્હાનાલાલનાં રંગદર્શી વિચારવલણો ઊતર્યાં છે.

  • કાલનો મહાસાગર ગમે તેટલો મ્હોટો હોય ત્હો પણ ત્હેનો વિશાલ પગથાર
  • ઓળંગવા સ્મરણના પુલની એક કમાન બસ છે. (૧)
  • કૌમાર એટલે જીવનનું આંગણું, ઓરડો નહીં. (૨૨)
  • જગતને સુંદરીઓ જ સુંદર રાખશે તેટલું તે સુંદર રહેશે. (૫૦)
  • અડધું કહેવાથી અવનિમાં અનર્થ થાય છે એટલા આખું કહેવાથી થતા નથી. (૧૪૫)

(૨) હંમેશાં વિશિષ્ટ અલંકરણનો સહારો લેતી ન્હાનાલાલની શૈલીમાં કલ્પનાનું લાક્ષણિક પ્રવર્તન જોવા મળે છે જેમકે –

  • પંખિણી સરીખડી એમ ઉષા આવતી, અને મ્હારી કરડાળી ઉપર હીંચકા ખાઈ ગાઈ પાછી ઊડી જતી. મ્હારી ડાળીએ ડાળીએ યે નવઅંકુર ફૂટ્યા ને નવપલ્લવ આવ્યાં (૮૭)
  • પણ તે રાત્રિએ અમારા દેહના મહેલમાં સૂર્ય ઊગ્યો. (૧૧૩)
  • ખરે બપ્પોરે ચોકમાં ચન્દ્રમા ચાલતો હતો (૭૧)

(૩) વાગ્મિતાના વેગમાં ક્યાંક ન્હાનાલાલની શબ્દસમૃદ્ધિ તો ક્યારે સંદિગ્ધ કે હાસ્યાસ્પદ બનતી શબ્દાળુતા પ્રગટે છે. અભિવ્યક્તિની ન્હાનાલાલીય છટાનો પણ એ અનુભવ કરાવે છે :

  • હૃદયમંદિરમાં રસજ્ઞ રહસ્યભેદુ ભીતરિયા પૂજારીઓની ગોત્રવેલ સદા પલ્લવવંતી પાંગરતી જ છે, અને રસદેવતાની ઉપાસનાની અનન્તશિખ આરતીના કેટલાક દીવડા એ વેલના પ્રત્યેક પાંદડે ને પુષ્પે પ્રગટે છે. અનાદિઅનન્ત સૌન્દર્યપૂજનની આરતીની એવી એક શિખા પ્રગટાવવાનો આ યે એક પ્રયત્ન છે. (૯)
  • એવું કોઈ મનુષ્ય કોઈએ દીઠું છે કે જેના અંતરમાંથી વિષાદની બાષ્પ ન ઊછળી હોય? કે જેમાં નયનોમાંથી શોકનાં અશ્રુ ન વરસ્યાં હોય? દીઠું હોય તો દાખવો, ઓ દુનિયાના ડાહ્યા! એવું કોઈ માનવી! (૧૪૨)
  • જગતમાં વૈદ્યરત્નોએ દુકાનો ખોલી છે તે દેહનાં આરોગ્યની. આત્માના આરોગ્યની ઔષધિઓના સાચ્ચા ધન્વન્તરી ક્્ય્હારે અવતરશે? ઓ પ્રભો? (૧૪૪)

પ્રથમ મિલન-દર્શન-પ્રેમ-વિયોગ-પુનર્મિલન એવા પરિચિત ઘટકો વાળી બદ્ધ પ્રેમકથા અહીં હોવા છતાં નરી ઊર્મિલ સ્નેહમીમાંસામાં રાચતી, દેહ-મન-આત્મા-દ્વૈત-અદ્વૈત-બ્રહ્મવેલી-બ્રહ્મફૂલડાં એવા અમૂર્ત વિચારઘટકોના અસ્પષ્ટ અધ્યાસોમાં અટવાતી આ નવલકથા અતિબદ્ધ પણ છે. અને, એનો નાયક કહે છે એમ ‘મ્હને થાય છે કે અહોરાત્ર ને આયુષ્યના અંત સુધી ઉષાની આ કથા આલેખ્યાં જ કરું’ (૧૭૯) – એવી, લહેરાતા છેડાઓવાળી પણ છે. અલબત્ત, આકર્ષક ઇન્દ્રિયાનુરાગિતા; મૂર્ત-અમૂર્તની સંધિ પર વિહરતો એક ઉત્કંઠ, ઉત્કટ પ્રેમોદ્ગાર; ભાષાનું વિલક્ષણ રીતે રચાતું પોત ને શૈલીની વિવિધ છટાઓ – એ બધાથી આ કથાનો એક વિશિષ્ટ, એકદમ આગવો, સૌંદર્યલોક રચાય છે એ પણ એક પ્રાપ્તિ ગણાય.

સારથી : ઇતિહાસની આભા રચતો તરંગલોક

આ કથાના કેન્દ્રમાં ન્હાનાલાલનો એક ભાવનામંત્ર રહ્યો છે : ભારતવર્ષ જગત્સારથિ બનશે. ને એનો પાર્થ હશે બ્રિટન. આવું સ્વપ્ન આ પૂર્વે ઘણાં વર્ષોથી એમના ચિત્તમાં જાગેલું હતું. ‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી’ (૧૯૦૨, ૧૯૦૫, ૧૯૧૧)ના એક કાવ્ય (૧૯૦૫)માં કાવ્યનાયક હિંદ-બ્રિટાનિયાની સમાનતાનો અભિલાષ ઉચ્ચારતો અનુનય-પ્રશ્ન બ્રિટનના યુવરાજ સામે મૂકે છે : ‘હિંદ અને બ્રિટાનિયાને જમણા ને ડાબા નયન જેવાં ગણશોને?’ ૧૯૦૯માં ‘ઇન્દુકુમાર’ના પહેલા અંકમાં એક સૂત્રોદ્ગાર હતો : ‘પૂર્વપશ્ચિમનાં પલ્લાંની દાંડી ભારત છે.’ અને ન્હાનાલાલ આ અવતરણ ‘સારથી’ના મુખપૃષ્ઠ ઉપર મૂકે છે. હિંદ અને બ્રિટાનિયા શબ્દો તરત જ ઇચ્છારામ સૂ. દેસાઈની નવલકથા ‘હિંદ અને બ્રિટાનિયા’(૧૮૮૫)ની યાદ અપાવે છે. એ પ્રબંધાત્મક કથામાંય, અલબત્ત, મીમાંસા છે. હિંદદેવી અને બ્રિટાનિયા વચ્ચે ઉગ્ર વિવાદ થાય છે ને સ્વતંત્રતાદેવી એમને સમજાવીને સમાધાન કરે છે – એવી રૂપકાશ્રિત મીમાંસા એમાં રજૂ થઈ છે. એના કેન્દ્રમાં ‘સ્વાતંત્ર્ય’ની – અને એ રસ્તે સમાનતાની – આવશ્યકતાનો દૃઢ આગ્રહ છે. ઇચ્છારામે એને ગુજરાતીની ‘First Political Novel’ ગણાવી હતી. સંવાદોના રૂપમાં આલેખાયેલા આ કથાનકમાં ઇચ્છારામની નક્કર વિચારસરણી એક અભિલાષરૂપે ઊપસે છે. ન્હાનાલાલની નવલકથા ‘સારથી’ (૧૯૩૮)માં એ નવલકથાનું કોઈ અનુસંધાન નથી. ‘સરસ્વતીચંદ્ર’માં રજૂ થયેલો તર્કશીલ ભાવનાલોક (યુટોપિયા) પણ એમાં નથી. અહીં, અલબત્ત, ન્હાનાલાલની ઇતિહાસના અભ્યાસી તરીકેની સજ્જતા ક્યાંક અનુભવાય છે ને એમનાં કેટલાંક આગવાં નિરીક્ષણો તેમજ સંસ્કૃત-અંગ્રેજી કૃતિઓની એમની વાચનસમૃદ્ધિ પણ વરતાય છે પરંતુ એ બધું તર્કની પકડ વિનાનાં ઉદ્ગારો અને વર્ણનોમાં ફેલાતા તરંગલોકને હવાલે થાય છે. આ કથાની પ્રસ્તાવનામાં એમણે એક દૃષ્ટિકોણ મૂક્યો છે : ઇતિહાસદર્શન વાંચવાનો આ મ્હારો યત્કિંચિત્ વાર્તાયત્ન છે. (પૃ. ૫-૭) વળી, એમણે એકબે દાવા રજૂ કર્યા છે : ‘જગતઇતિહાસની આ મ્હારી કાળમીમાંસા છે.’ (૭) અને ‘વસ્તુતઃ ઇતિહાસમીમાંસાનો આ દર્શનગ્રંથ છે.’ (૯) – પણ એમાંના કોઈ સ્થાને એમનાથી પહોંચાયું નથી. ‘પ્રસ્તાવના’માં આ કૃતિના સ્વરૂપ અંગેનો એક મુદ્દો પણ એમણે ઉઠાવ્યો છે : ‘કોકને પ્રશ્ન થશે : આ ગ્રંથ તે વાર્તા કે મીમાંસા?’ એમણે પંચતંત્ર, મહાભારતનાં ઉપાખ્યાનો, લ મિઝરેબલ, અંકલ ટોમ્સ કૅબિન, વગેરે ‘મહાવાર્તાઓ, એક દૃષ્ટિએ તો મીમાંસાઓ જ છે. વાર્તાનો તો દેહ છે, મીમાંસા એમનો અંતર્યામી આત્મા છે’ (૧૯) – એવી દલીલ સામે ધરીને તારવ્યું છે કે ‘આ ગ્રંથ [‘સારથી’] પણ માત્ર વાર્તા નથી કે માત્ર મીમાંસા નથી’ (૧૯). પરંતુ ન્હાનાલાલ વાર્તા કે મીમાંસા બેમાંથી એકે પર પૂરા એકાગ્ર થઈ શક્યા નથી. આ કથાની પૃષ્ઠભૂમિ ને એનો વિષય તો બહુ રસપ્રદ છે. ૧૯૩૨માં લખેલી (ને ૧૯૩૮માં છપાયેલી) આ નવલકથામાં કવિએ ભાવિ બીજા વિશ્વયુદ્ધની કલ્પનાભૂમિ આલેખી છે. ૧૯૧૮માં, ખુવારી અને ધૂંધવાટ વચ્ચે, પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. એ પછીની, એ ધૂંધવાટને ઘેરો કરતી ને યુરોપ-એશિયાનાં વિવિધ રાષ્ટ્રોનાં પલટાતાં વલણો બતાવતી, ઘટનાઓ સૌની સામે હતી. ઇતિહાસના અભ્યાસી ને કલ્પનાશીલ સર્જક ન્હાનાલાલ એમાંથી તારવેલાં કેટલાંક નિરીક્ષણો ને અનુમાનેલાં કેટલાંક વલણોને મનમાં રાખીને બીજા વિશ્વયુદ્ધની રાજકીય-સાંસ્કૃતિક ગતિવિધિ ને પરિણામ આલેખે છે. એમણે કલ્પેલું વિશ્વયુદ્ધ પચાસના દાયકામાં – એમણે ડૅશ કરીને બતાવ્યું છે એમ ‘૧૯૫–’માં થાય છે. અહીં દેશ-દેશના મુત્સદ્દીઓ વચ્ચેની મંત્રણાઓ છે, વાર્તાલાપો છે. ભાષણો છે, ઘટનાઓનાં કેટલાંક ઝડપી ચિત્રો છે, પાત્રોએ ને લેખકે કરેલી મીમાંસાઓ ને વ્યક્ત કરેલી મનોકામનાઓ છે, ઊંચે સૂરે કરેલાં ભવિષ્યકથનો છે, ઉગ્ર રાજકીય ચર્ચાઓ પણ છે ને મૃદુલ પ્રેમાલાપો પણ છે. એ બધામાં ન્હાનાલાલની શૈલીવિલક્ષણતા નોંધપાત્ર બનતી રહે છે, ને એમની કલ્પનાશક્તિના કેટલાક સ્પૃહણીય ચમકારા પણ અનુભવાય છે. અહીં યુદ્ધવિષયક કથા તો છે, પણ યુદ્ધની – પહેલા વિશ્વયુદ્ધથી પણ વધારે ભયાનક હોવાની સંભાવનાવાળા બીજા વિશ્વયુદ્ધની – કોઈ વિભીષિકા નથી. સંદેશા ઝીલતાં વાયરલેસ સાધનોના ઉપયોગ-નિર્દેશો છે ને ક્યાંક કોઈ દેશ અદ્યતન યંત્રસામગ્રીથી પરાજિત થયો હોય એનો, રાજસત્તાધીશોને મળતા રહેતા યંત્ર-સંદેેશાઓ રૂપે, ઉલ્લેખ છે પણ ક્યાંય વિનાશનો ભયાવહ ચિતાર નથી. રાજખટપટોથી તેમજ યુદ્ધથી ફેલાતી માનવજીવનની અશાંતિ સામેના વિરોધ રૂપે ન્હાનાલાલ ‘આક્રમણનિષેધ’ની વાત કરે છે. ‘પ્રજાપ્રજાનું અનાક્રમણવ્રત એ જ જગત્સ્વાસ્થ્યની સાચી ઔષધિ છે’ એવું, ભલે આલંકારિક પણ સાચું તારણ એ કરે છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે યુદ્ધનાં આક્રમણો અને એનાં પરિણામોને સાક્ષાત્ કરાવતાં દૃશ્યાલેખનોમાં એમણે પોતાની સર્જકતાને કેમ પ્રવૃત્ત કરી નથી? એ કારણે આ કથામાં વિશ્વયુદ્ધનો કોઈ ચિત્તસ્પર્શ મળતો નથી. વાસ્તવનો અનુભવ કરાવતું કથાકારનું સર્જકકૌશલ પ્રતીત થતું નથી. આ બધાનું કારણ કદાચ એ છે કે ન્હાનાલાલને કથામાં કે ઇતિહાસમાં નહીં એટલો પોતે કરેલી ઇતિહાસમીમાંસામાં, એને સામે લાવતા ચર્ચા-વિવાદો(debates)માં રસ છે. એમનું લક્ષ્ય તો ‘નવયુગનો જગત્સારથિ ભારત છે’ એ અભિલાષ સુધી પહોંચવાનું છે. (અને નવલકથાનું એ અંતિમ વાક્ય છે.) જે તારણો દ્વારા લેખક આ લક્ષ્ય સુધી પહોંચવા ગયા છે એ કંઈક આવાં છે : ફ્રાન્સ, જર્મની, ઈટાલી પોતપોતાના કલહો-કુસંપોમાં પડેલાં છે; રશિયાનું વલણ બીજાંને દાસ બનાવવા તરફી છે; જાપાન પોતાની સર્વશ્રેષ્ઠતા ઊભી કરવામાં રાચે છે. બચે છે એક બ્રિટન, એનામાં કુનેહ છે ને શક્તિ છે, એક સાંસ્કૃતિક આકાંક્ષા છે, પણ (કદાચ એથી?) એ એકલું પડી ગયું છે. એ ભારત સાથે મૈત્રી રચે તો ભારતનેય ‘કાળસફરનો સંગાથી’ સાંપડે. ભારત પાસે સૌથી જૂની ને બલિષ્ઠ સંસ્કૃતિપરંપરા છે. એટલે એ સારથી થાય ને બ્રિટન ‘જગત-ઇતિહાસનો મહારથી.’ પોતાના આ ઇષ્ટાર્થને સાકાર કરવા માટે ન્હાનાલાલે એક વિશિષ્ટ રસપ્રદ પાત્રસૃષ્ટિ દાખલ કરી છે : કૈલાસી મહારાજ અને એ ‘કૈલાસીની જમાત.’ આ કલ્પના જાણે કે ન્હાનાલાલની આ નવલકથાની ધરી છે. એ જમાતીઓ જ જગતના સૌ દેશો(ના પ્રતિનિધિઓ)ની સામે રજૂ કરે છે વિશ્વની શાંતિ-સમન્વયનું મહત્ત્વ. બ્રિટનને પણ એ જ સમજાવે છે – ભારતનું સારથિત્વ. ન્હાનાલાલની રંગદર્શી કલ્પનાશક્તિએ બહુ ઠાઠથી આ પાત્રસૃષ્ટિને સાક્ષાત્ કરી છે! જુઓ : ‘કૈલાસી મહારાજ ગુફામાંથી નીસર્યા. [...] જ્યારે જ્યારે જગત્-ઉત્પાત કો જાગે છે ત્યારે કૈલાસી ગુફામાંથી નીસરે છે એ જમાત જાણતી, જમાતને થયું કે જગત-ઉત્પાત કો થવાનો છે.’ (૮૭) જગત્-ઉત્પાત એટલે બીજું વિશ્વયુદ્ધ. કૈલાસી જમાતનો વ્યાપ બહુ જ મોટો છે – એમની પ્રેરણા વિશ્વવ્યાપી છે : ‘કાલિદાસે શાકુંતલ લખ્યું, ભવભૂતિએ ઉત્તરરામચરિત લખ્યું,ડાન્ટેએ ડિવાઇન કોમેડી લખી, વેગ્નરે પર્સિફાલ લખ્યું, ઇપ્સને બ્રાન્ડ લખ્યું, ત્યારે ત્યારે કૈલાસીની જમાત એમને પ્રેરણાનો પંખો નાખતી.’ (૯૦) અદ્ભુત! એટલું જ નહીં, ‘મહર્ષિઓએ ઉષાસ્તોત્ર આરંભ્યાં, પુરુષસૂક્ત ઉચ્ચાર્યું, ગાયત્રીમંત્ર ઉદ્ગાર્યો[...] મનસુરે અનલહક પોકારી, ઈશુએ Sermons on the mountain સદ્બોધ્યું[...] ત્યારે ‘કૈલાસીઓ એમની જીભે વસતા.’ (૯૦) એટલે પછી એ વર્તમાન જગતના દેશોને ઉદ્બોધે અને એમને પ્રેરણા આપે તો એમાં નવાઈ શી! આ જમાતમાં બે યુગલો છે : વિધાત્રી-આત્મજિત અને પ્રેરણા-ધુરન્ધર. એમાં નાયિકાઓ પ્રબળ આત્મશક્તિવાળી છે ને જગતના મુત્સદ્દીઓ સાથે ઉગ્ર વાદો કરી શકે છે. સાંભળો : ‘વિધાત્રી ગાજી ઊઠી, ને દિશાદિશામાં ત્હેના પડઘા પડતા : ‘પ્રેસિડેન્ટ સાહેબ! યુરોપ-અમેરિકા વિરાટ સ્વરૂપ સામે કોણમાત્ર છે? સાગર પર તરતા પરપોટા : ક્ષણુજીવી, ક્ષણુરંગી, ક્ષણુપ્રફુલ્લ’(૬૭). અમેરિકન પ્રેસિડેન્ટ પણ એનાથી પ્રભાવિત થાય છે – ‘વિધાત્રી! કાળનો ચોપડો તો ત્હમને જ ઊકલે છે. કૈલાસીની જમાતને ધન્ય છે કે કાળલિપિ વાંચે છે. દુનિયાનાં અહોભાગ્ય છે કે એ જમાત જાગી છે.’ (૬૭) બ્રિટનના મહામંત્રી સાથે ચર્ચા કરતી, બલકે એમનામાં નવો સંદેશો સંક્રાન્ત કરતી પ્રેરણા પણ આવું જ પ્રભાવક પાત્ર છે : ‘આભગંભીર મુદ્રાએ, કાળગુફા ખોલતી હોય એમ, પ્રેરણા બોલી : ‘મૈત્રીનો કોલ લાવી છું – જોઈતો હોય તો. બ્રિટનને કપરો અવસરયોગ આવે છે. ઇતિહાસે ન દીઠેલો, કલ્પનાએ ન કલ્પેલો એવો. [...] એક પ્રશ્ન પૂછું છું – બ્રિટન હિંદની મૈત્રી વાંછે છે કે હિંદનો રાજદ્રોહ?’ ‘મહામંત્રીશ્વર તો ઠરી જ ગયા, જાણે હિમનું પૂતળું ઊભું. ઇતિહાસના અર્ક સમો કૈલાસિણીનો પ્રશ્ન હતો.’ ‘હિંદ પક્ષોપરનો પ્રશ્ન છે. સહુ રાજપક્ષોને પૂછીને ઉત્તર અપાય.’ ‘ભલે. મૂકજો, અઘરા પ્રશ્નો અભરાઈએ મૂકજો. પણ મોડું થાય ને મુહૂર્ત ન વીતે એટલું જોજો. બાઇબલમાંનો Too lateનો બોધપાઠ...’ ‘કાળને સીમા નથી ને Politicsમાં કોઈ Too late છે જ નહીં.’ ‘હવે મંત્રીશ્વરોને હાથ રાજરમત રહી નથી. કાલથી સેનાપતિઓને હાથે રાજરમત રમાશે. Politicsમાં નહીં હોય, રણસંગ્રામમાં Too late છે. અર્ધી સદીથી કૈલાસીઓએ કહ્યું છે. [...] હિંદ-બ્રિટનની મૈત્રી એ હિંદનો, બ્રિટનનો ને જગતનો કલ્યાણમંત્ર છે. [...] ક્લાઇવે શીખવેલું, ડેલહાઉસીએ શીખવેલું. કર્ઝને શીખવેલું [...] ભૂલી જાઓ; હ્યુમે શીખવેલું, રીપને શીખવેલું, મહારાણીએ શીખવેલું, ચેધામે-બર્કે શીખવેલું સંભારો. બ્રિટનના જીવનની જડીબુટ્ટી હિંદને હાથ છે.’ (૧૬૭) આ આખો સંવાદ ઉત્તેજક અને પકડવાળો છે. પાત્રોની તેજસ્વિતા, સંવાદોનું ધારદારપણું, ઉદ્ગારોની પ્રબળતા કથાનિરૂપણની રીતે પણ રસપ્રદ ને પ્રભાવક છે. પરંતુ ન્હાનાલાલનો ઇતિહાસ-દૃષ્ટિકોણ વિલક્ષણ છે – ઇતિહાસની વિગતોને એમણે આ રીતે ભાવનાને રસ્તે વાળી છે ને તર્કના, સંભવિતતાના, દોર વિનાનો તરંગલોક રચ્યો હોવાથી ગંભીર અસર ઊભી કરી શકાઈ નથી. નવલકથામાં કથાતંતુના સાતત્યનો અભાવ એ ન્હાનાલાલીય વિલક્ષણતા અહીં પણ છે. વિધાત્રી અને પ્રેરણા જગતના રાજપુરુષો સાથે ચર્ચા-મંત્રણાઓ પણ કરે છે ને બીજી તરફ એમના પ્રિયતમ નાયકો સાથે પ્રલંબ પ્રેમગોષ્ઠિ પણ કરે છે. પરાક્રમ અને પ્રેમનાં આવાં પરિમાણો ઘણી નવલકથાઓમાં સાથે આલેખાતાં હોય છે એ ખરું, પણ અહીં એ બધું જ તરંગકોટિએ વલયગતિએ ફેલાય છે ને શમી જાય છે. પ્રેમાલાપો પણ કોઈ સ્પર્શક્ષમતા ઊભી કરતા નથી! આ નવલકથામાં ન્હાનાલાલનો એક વિચાર-સ્ફુલ્લિંગ ‘અનાક્રમણ વ્રત’નો છે ને એ કંઈક ધ્યાન ખેંચનારો જણાય છે. એમનું નિરીક્ષણ છે કે ‘ઇતિહાસના મહાસંગ્રામો તત્ત્વતઃ સંસ્કૃતિઓના સંગ્રામો છે.’ અને એમનું તારણ છે (એમણે આ નવલકથાપૂર્વે, ‘શાહાનશાહ અકબરશાહ’ નાટકમાં પણ ઉદ્ગારેલું છે) કે, ‘સંસ્કૃતિઓના સંગ્રામોમાં જગત્કલ્યાણ નથી, સમન્વયમાં જગત્કલ્યાણ છે.’ એટલે ‘આક્રમણનિષેધ’ કે ‘અનાક્રમણ વ્રત’ની એમણે હિમાયત કરી છે. ‘વ્રત’ અને ‘અનાક્રમણ’ શબ્દો વાચકને ગાંધીજીના અહિંસાના વિચાર સુધી લઈ જાય છે પણ અહીં એનો કોઈ તંતુ ટકતો નથી (પ્રસ્તાવનામાં આની જિકર કરતાં, ન્હાનાલાલે અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટના આ પ્રકારના ઉચ્ચારણની વાત નોંધી છે પણ ક્યાંય ગાંધીજીનો નિર્દેશ નથી.) એમની ભાવનાશીલ પ્રકૃતિએ એક બીજું વિચારબિંદુ પણ અહીં મૂક્યું છે – League of Nations એ એમને અનુચિત શબ્દાવલી લાગે છે, એ કહે છે કે, ‘League of Humanity – માનવ્યસંઘ’ એ ઉચિત છે.’ પરંતુ આવા ઘણા વિચારબુદ્બુદો ઊઠીઊઠીને વિરમી જાય છે – કથાનો કે વિચાર-ચિંતનનો પુદ્ગલ રચવા લેખક રોકાતા નથી. બીજું, કંઈક ઊંચેથી, શિખરેથી ઉચ્ચારણો કરવાની એમની વિલક્ષણ લેખનરીતિ ને આલેખનરીતિ છે. પેલા કૈલાસીઓ કહે છે કે, ‘અમ શાસ્ત્રવાણી છે સૂત્રાત્મક. કૈલાસીની જમાત છે જગત્યાત્રિકોની. અમારે એક આંખે ઇતિહાસ નથી વાંચવાના. એવા ઇતિહાસ અધૂરા હોય, જગત્કલ્યાણક ન હોય.’ (૬૬). – એમ, ન્હાનાલાલનો ખ્યાલ તો ઊંચો ને આકર્ષક લાગે એવો છે. પરંતુ, એ અનુસાર ઇતિહાસનું જે બહુપરિમાણી દર્શન ઊપસવું જોઈએ એ ઊપસતું નથી – વાગ્મિતા ભરી એક રંગીન આભા સુધી જ આપણને એ પહોંચાડી શકે છે. અલબત્ત, ‘સારથી’ના ગદ્યથી ન્હાનાલાલે ગુજરાતી ગદ્યમાં એક નોખી ભાત જરૂર ઊપસાવી છે. ઘણુંખરું દુર્વાચ્યતાનો સામનો કરતા વાચકને ક્યાંક રસપ્રદ અલંકરણભરી શૈલીનો આસ્વાદ માણવા પણ મળે છે. આવાં ઠીકઠીક દૃષ્ટાન્તો આ નવલકથામાં પડ્યાં છે એમાંથી થોડાંક વાંચીએ : ‘અંજલિમાંથી અંગુલિઓ ફૂટે છે એવી કમળની પાંખડીઓ ફૂટતી. નયનમાંથી તેજકિરણો પ્રગટે છે એવાં પાંખડીપાંખડીમાંથી પરિમળકિરણો પ્રગટતાં.’ (૭૩) [વિધાત્રી-આત્મજિતનો પ્રેમોપચાર] ‘માનવવંશના મહાવૃક્ષને બે અબ્બજ પાંદડાં છે; ને વાયુ વાય ત્યારે પાંદડેપાંદડું મધુરવ ઝણકારે છે કે ઘોર ગજાવે છે.’ (૧૦૭) [માનવવસતી અને માનવમિજાજ] ભારત કહેતો કે, ‘દુનિયાનું આદ્ય પુરુષાતન હું છું , હેક્ટર કે એકીલીઝની પૂર્વે બે હજાર વર્ષે પાર્થ થયો હતો. નવખંડ પૃથ્વીના આઠ ખંડો જંગલી હતા ત્યારનો હું સંસ્કૃત છું. ગ્રીસ અને રોમ તો હતા મુજ યુધિષ્ઠિરના સહદેવ ને નકુલ. માનવવંશ મારગ ભૂલ્યો છે, ભારતવર્ષ જગતને ઇતિહાસમાર્ગે લાવશે.’ (૧૫૬) [ભારતપ્રશસ્તિમાં વાગ્મિતા રસપ્રદ છે] આજનો યુગ માગે છે જનક વિદેહીની જીવનમુક્તિ : માથે મુગટ, ને હૈયે વૈરાગ્ય. (૧૮૭) [મિથ દ્વારા લાક્ષણિક અર્થઘટન] એટલે ન્હાનાલાલની રંગદર્શિતાનું આ પણ એક રૂપ છે. જેને ઇતિહાસનું દર્શન કહે છે એ ઇતિહાસની આભા રચતો એમનો તરંગલોક છે – જે મુગ્ધતાથી એને એમણે જોયો છે એ જ મુગ્ધતાથી આલેખ્યો છે. કશું ઠરવા ન દેતો ભાવનાનો એ ઉષ્ણ આવેશ – એ ટૅમ્પરામેન્ટ – ન્હાનાલાલની સર્જકશક્તિ, કલ્પનાશક્તિ ને એમની ઊર્મિશીલતામાં વહી જતી વિચારશક્તિમાંથી જેટલું સંપડાવી શક્યો છે એટલું આપણને અહીં મળ્યું છે.

● ન્હાનાલાલના ગદ્યગ્રંથો : ૧, ૨ – સંકલન : રમણ સોની, ગુજરાત સાહિત્ય અકાદમી, ● ગાંધીનગર ૨૦૦૮-૨૦૦૯ – માં મૂકેલા પ્રાસ્તાવિક લેખો.