નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી બાલકથાનું વિવેચન

From Ekatra Wiki
Revision as of 23:52, 14 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૨

ગુજરાતી બાલકથાનું વિવેચન
શ્રદ્ધા ત્રિવેદી

આપણે સૌ જાણીએ છીએ કે બાળકનો વિકાસ કરવામાં બાલસાહિત્યનો અને તેમાંય બાલકથાઓનો ફાળો અત્યંત મહત્ત્વનો છે. આથી જ બાલકથાઓનું નિરીક્ષણ, પરીક્ષણ, સમીક્ષણ સતત ચાલતું રહેવું જોઈએ. બાલકથાનું વિવેચન થવું જોઈએ એમ કહીએ છીએ ત્યારે એ દ્વારા આપણને શું અભિપ્રેત છે? શા માટે તે જરૂરી છે? ને ગુજરાતી બાલકથાસાહિત્ય સંદર્ભે તે કેટલા પ્રમાણમાં થયું છે?-વગેરે બાબતોની થોડીક વાત કરવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો વિવેચન એટલે જે-તે સર્જાતા સાહિત્યની સ્વરૂપદૃષ્ટિએ, કલાદૃષ્ટિએ અને માનવજીવન પરની તેની અસરની દૃષ્ટિએ તટસ્થ વિદ્વાન અભ્યાસી દ્વારા કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહોથી મુક્ત રીતે થતી મુલવણી - એવું કંઈક આપણને અભિપ્રેત છે. એટલે કે વિવેચનની આ પ્રક્રિયામાં વિવેચકની સજ્જતા પણ મહત્ત્વની બાબત છે. છંદ કે લય આદિથી અજ્ઞાત વ્યક્તિ કાવ્યની મુલવણી કરે તો? અસ્વીકાર્ય જ બને. એ જ અર્થમાં અહીં એમ કહી શકાય કે બાલકથાઓનું વિવેચન કરનારમાં બાળકો પ્રત્યે અને બાલકથા પ્રત્યે ઊંડો રસ હોવો જોઈએ. એનામાં બાળકો પ્રત્યેની પ્રીતિ, બાળકોના સર્વાંગી ઘડતર માટેનો ઉત્સાહ અને તેમાંય ખાસ તો બાળકની ભાષા અને સાહિત્યની સૂઝસમજનો વિકાસ કરવા માટેની તાલાવેલી અનિવાર્ય છે. એ ઉપરાંત એનામાં શિષ્ટ સાહિત્યને મૂલવવાનાં જે કોઈ ધોરણો તથા જે કાંઈ સજ્જતા જોઈએ તે તો હોવાં જ જોઈએ. બાળકોના સાહિત્યને મૂલવવામાં ઘણી મોટી સાહિત્યિક અને સાંસારિક જવાબદારી રહેલી છે. બીજી રીતે કહીએ તો જે વિવેચક જીવન અને કલાની ગહન અને સંકુલ પરિસ્થિતિઓને સમ્યગ્ રીતે જોઈ કે સમજી શકતો નથી તે બાલકથાસાહિત્યના વિવેચન માટે અનધિકારી છે. કદાચ એથી જ બાલકથાનું વિવેચન કરવાની પ્રવૃત્તિ આપણે ત્યાં પ્રમાણમાં ઓછી થઈ છે. પણ આ વિવેચના થવી જરૂરી છે, અને તે બે રીતે. એક તો બાલકથાનો પરિચય સમાજને કરાવવા માટે આપણે ત્યાં કેટલું બાલકથાસાહિત્ય છે, તેનો પણ વાલીઓ, શિક્ષકો, સમાજને ખ્યાલ નથી. આમ પરિચયલક્ષી રીતે જરૂરી છે. તો બીજું, કૃતિમાં કયાં સારાં તત્ત્વો છે, ક્યાં વાર્તાની ખૂબી છે, જેતે કૃતિ શા માટે ઉત્તમ કક્ષાની છે - વગેરે બાબતો વિવેચકે સ્પષ્ટ બતાવવાની છે. અર્થાત્ કૃતિની કથા, કૃતિમાંની ગુણવત્તા, કૃતિમાંની વિશેષતાનો ખ્યાલ વાચકને - બાળકને આપવાનું કામ પણ વિવેચનાનું છે, અલબત્ત, અહીં જ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે વિવેચન સમતાયુક્ત -રાગદ્વેષથી પર હોવું જોઈએ, સાહિત્યના હિતને - બાલઘડતરના હિતને ધ્યાનમાં રાખી થવું જોઈએ. જો તેમ ના થાય ને માત્ર ટીકા-રૂપે થાય તોય તે નિરર્થક અને ‘અહો રૂપમ્ અહો ધ્વનિઃ’ - રીતે થાય તોય અર્થશૂન્ય. એટલે કે બાલકથાનું વિવેચન એ બાલકથાના ઉત્કર્ષ માટેની રચનાત્મક પ્રવૃત્તિ છે, ખંડનાત્મક નહીં. અને તેથી જ એ પ્રવૃત્તિના વ્યાપ-વિસ્તાર અને ઊંડાણની આપણને અપેક્ષા રહે છે. ગુજરાતી સાહિત્યમાં સામાન્ય એક એવો સૂર સંભળાય છે કે અહીં બાલસાહિત્ય એ જાણે કે વિવેચનનો વિષય જ નથી. વિવેચકો દ્વારા તેની ઉપેક્ષા જ થતી રહી છે. જોકે હવે થોડીક સજાગતા આવી છે. છતાંય સિદ્ધાંતચર્ચા કે કૃતિચર્ચા ખાસ થઈ નથી. આ સંદર્ભે બાલસાહિત્યના એક આલોચક શ્રી યશવંત દોશીએ ઈ. સ. ૧૯૬૮માં જે વાત રજૂ કરી હતી તે જોઈએ: “બાલસાહિત્ય જાણે વિવેચનનો વિષય જ નથી એવું સામાન્યપણે માની લેવામાં આવ્યું જણાય છે. આ પરિસ્થિતિથી બે પ્રકારે નુકસાન થયું છે. એક તો સારી વિવેચનાત્મક સમીક્ષાઓનો લાભ બાલસાહિત્યના લેખકોને મળ્યો નથી… બીજું નુકસાન એ થયું છે કે બાલસાહિત્ય વિશેની સિદ્ધાંતચર્ચાના અભાવે તેને લગતા કોઈ સિદ્ધાંતો સ્થપાયા નથી. આવા સિદ્ધાંતો કંઈ સોએ સો ટકા સ્વીકાર્ય સિદ્ધાંતો નથી હોતા અને એમાં અનેક મતભેદ રહે છે તે તો સ્વીકારીએ જ છીએ. ગિજુભાઈએ બાલસાહિત્યને મુખ્યત્વે બાલશિક્ષણની દૃષ્ટિએ જોયું. ખરી ખોટ રહી સાહિત્યની દૃષ્ટિએ બાલસાહિત્યના સિદ્ધાંતો ઘડવાની, વિચારવાની, ચર્ચવાની. એ ખોટનાં પરિણામ આજે પ્રગટ થઈ રહેલા થોકબંધ બાલસાહિત્યમાં દેખાય છે. સાહિત્યની દૃષ્ટિએ આ વસ્તુ તપાસવા જેવી છે એ જાણે કોઈ સ્વીકારતું જ નથી.” એ જ રીતે છઠ્ઠા દાયકાના મધ્યભાગમાં બાલસાહિત્યની ગુણવત્તાની કંગાળ સ્થિતિ જોઈ શ્રી ઉમાશંકર જોશીએ આક્રોશપૂર્વક કહેલું કે “આજે જ્યારે કેળવણીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આપણાં બાળકો માટેનું જે સાહિત્ય - જે ધોધમાર સાહિત્ય આપણે ત્યાં આજે પ્રગટી રહ્યું છે તેમાં જો હું મારા કથનમાં ખરાબ ન ગણાઈ જઉં તો કહી દઉં કે મોટા ભાગનું બાલસાહિત્ય એ બાળવા જેવું જ હોય છે… એક મોટી નવલકથા જેટલી સહેલાઈથી લખી શકાય એટલી સહેલાઈથી બાળકો માટે ઉત્તમ કથા લખવી મુશ્કેલ છે… પણ એક વાત ચોક્કસ છે કે બાળકોનાં મન તંદુરસ્ત ન બનાવે એવું માલ વગરનું બાલસાહિત્ય આજે જે ધોધમાર રીતે વરસી રહ્યું છે તે પ્રવાહને આપણે હવે રોકીશું નહીં તો તે આપણાં બાળકોને - આપણી ભાવિ પેઢીને બગાડશે અને એ હકીકત આપણે આપણી ભાવિ પેઢીનો દ્રોહ કર્યા જેવી ગણાશે.” વાત તો સાચી. પણ પ્રશ્ન અહીં જ છે. ગિજુભાઈને જે ખૂંચ્યું તેના ઉપાયરૂપે તેમણે શક્ય તેટલું પોતાના જીવનમાં કર્યું, બાદમાં, આવી ફરિયાદો કરનારા કેટલાઓએ સક્રિય રીતે તેમાંની ઊણપો દૂર કરવા પ્રયત્ન કર્યો? ગુજરાતીમાં ઉત્તમ બાલસાહિત્ય નથી, મૌલિક પ્રતિભા નથી, એને માટે જોઈએ તેવું વાતાવરણ નથી, આર્થિક વળતર પણ ઓછું-આવાં-આવાં અનેક પરિબળો વિશે શ્રી યશવન્ત મહેતા અને રતિલાલ નાયકે તથા હરીશ નાયકે સ્પષ્ટ રજૂઆતો કરી જ છે. હવે પરિસ્થિતિ તો આ જ છે. ને છતાંય કંઈક વિચારવાનું તો છે જ - પડશે જ. આ માટે થોડું પાછા પગલે જઈને જ આખી વાત જોવી - સમજવી પડશે. ૧૯૨૦માં મળેલી છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે વિદ્યાગૌરી નીલકંઠે બાલસાહિત્યની અછતની ચિંતા વ્યક્ત કરેલી. પંદર વરસ બાદ એકદમ પરિસ્થિતિ બદલાઈ ગઈ ને તે એટલે સુધી કે ૧૯૩૫માં લાઠીમાં જે પરિષદ મળી તેમાં ત્રિભુવન વ્યાસને કહેવું પડ્યું કે “સાંપ્રત સમયમાં અષાઢી વરસાદની હેલીની પેઠે બાલસાહિત્ય વરસી રહ્યું છે.” વળી આ સાહિત્ય બાળકો માટે ઇષ્ટ નથી એમ પણ ઘણા લોકો માનતા, છતાંય “કોઈ પણ પ્રમાણભૂત વ્યક્તિનો 'સબૂર' સૂચવતો હાથ ઊંચો સરખો થયો જણાતો નથી. ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને બાલસાહિત્યનો પ્રદેશ રખેવાળ વગરના રેઢા ખેતર જેવો દેખાય છે. તેને માટે વિદ્વાન, અપક્ષપાતી સમતોલ માનસનો, સમર્થ અને કડક ટીકાકાર સ્વ. નવલરામભાઈ પ્રતિનો જરૂરી છે.” ટૂંકમાં ૧૯૨૦થી ’૪૦ સુધીનો ગાળો જે બાલસાહિત્યમાં સુવર્ણયુગ સમાન છે તે વખતે પણ તેને યોગ્ય વિવેચક મળ્યો નથી તે બાબત તો નોંધાઈ જ છે ને તે ખૂંચે તેથી જ છે. તો ૧૯૬૨માં શ્રી વલ્લભદાસ અક્કડે જણાવેલું કે બાલસાહિત્યમાં વિવેચનના અભાવે તે ફાલ્યું, તે વધ્યું તો ખરું, પણ તે અમુક અંશે એક અબુધ, બૌદ્ધિક વિકાસ વિનાનું છતાં શરીરે માતેલા પ્રાણી જેવું થતું ગયું. - આમ જણાવી વિવેચનની અનિવાર્યતા તેમણે જણાવી. અલબત્ત, આ સાથે જ તે અંગે શું-શું કરી શકાય તે પણ તેમણે વિચાર્યું છે. જેમ કે સાહિત્ય પરિષદમાં ખાસ બાલસાહિત્યના વિભાગની શરૂઆત કરવી જોઈએ. તે અંગે સંમેલન ભરાવાં જોઈએ. સાહિત્યિક સંસ્થાઓ દ્વારા બાલસાહિત્યનાં વિવેચનોનાં પ્રકાશનો થવાં જોઈએ. દૈનિકો અને સામયિકોમાં બાલસાહિત્યનું વિવેચન થવું જોઈએ. અને આપણે જાણીએ છીએ કે આજે તે વખત કરતાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ગુજરાતી બાલકથાસાહિત્ય સંદર્ભે વિચારીએ તો શું ખરેખર બાલકથાસાહિત્યનું વિવેચન થયું જ નથી? રમેશ પારેખની બે પંક્તિઓ છે :

“આજ વરસાદ નથી એમ ન કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીનાં ન થયાં.”

કહેવાનો ભાવાર્થ એ જ છે કે એવું તો નથી થયું ને કે વિવેચન થયું હોય ને આપણે તે પામ્યાં ન હોઈએ? કારણ, ૧૯૭૦થી ’૮૦ સિવાયનાં વર્ષોની ૧૯૩૩થી શરૂ થઈ લગભગ બધી જ ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહીઓમાં બાલસાહિત્ય વિશે અલગ રીતે તટસ્થતાથી વિચારણા થઈ છે. સાહિત્ય પરિષદનાં સંમેલનોમાં અવારનવાર બહુ સૂક્ષ્મતાથી - ઊંડાણથી બાલસાહિત્ય અંગે વિચારાયું છે. એટલે વિવેચન થયું જ નથી એમ તો નથી. અલબત્ત, જે થયું છે તે સંતોષકારક ન કહેવાય, તો સામે પક્ષે આપણે એ પણ જોવું જોઈએ કે જે વિવેચન થયું છે તે આપણે બરોબર વાંચ્યું છે? એ વાંચીને તે વિશે વિચાર્યું છે? જો પોતાના સર્જનના દોષ બતાવાયા હોય તો પછીથી સર્જાતા સર્જન વખતે તેનું પુનરાવર્તન કરવાનું ટાળ્યું છે? કે પછી પોતે પોતાની મસ્તીમાં જ વિહર્યાં છીએ? બાલકથા કેવી જોઈએ તે વિશે ગિજુભાઈએ ‘વાર્તાનું શાસ્ત્ર' આપ્યું છે. કાર્યવાહીમાં ચર્ચા થઈ છે. પરિષદના અહેવાલોમાં નિબંધો લખાયા છે. 'ગ્રંથ' અને 'પરબ'ના વિશેષાંકોમાં પણ સૈદ્ધાંતિક ચર્ચાઓ થઈ છે. મૂળશંકર ભટ્ટ, મોહનભાઈ જેવાઓએ વિગતે વાતો કરી છે. ભારતીબહેન ઝવેરીએ તો તારસ્વરે ઘણી રજૂઆત કરી છે. “ગ્રંથ”માં યશવંત દોશીએ ઘણાં પુસ્તકો વિશે લખાવ્યું છે. ‘પરબ'માં અલબત્ત, થોડા સમય માટે, પણ શ્રી ચંદ્રકાન્ત શેઠે બાલકિશોરસાહિત્યનું વિવેચન કરાવ્યું હતું. આ બધાં લખાણો દરમ્યાન ઘણું કામ થયું છે. એ બધાંને ધ્યાનમાં રાખીને ઊણપો દૂર કરવા આપણે લેખનમાં પ્રયત્ન કર્યો છે? નવા યુગના બાળકને લક્ષમાં રાખી આપણે ઉત્તમ સર્જવાનો પ્રયત્ન કર્યો છે? બાલસાહિત્ય સર્જતી વખતે આપણી પાસે કયું લક્ષ્ય હોય છે? એવું તો નથી થયું ને કે આપણે જાતતપાસમાં ઊણાં ઊતર્યાં હોઈએ? મોહનભાઈએ પરિસંવાદો યોજ્યા, પરિષદે - ખાસ તો શ્રી કુમારપાળ દેસાઈએ ખૂબ સક્રિય રહી પરિસંવાદ યોજ્યો, માર્ગદર્શન મળી રહે તેવાં પુસ્તકોનું પ્રકાશન કર્યું. વળી આવાં બધાં નિમિત્તે યશવન્ત મહેતા અને રતિલાલ નાયકે પાયાની વસ્તુઓ તરફ આપણું ધ્યાન દોર્યું છે. પણ પછી? એક જ દાખલો લઈએ. ગિજુભાઈ પિતા બન્યા એ કંઈ જગતની પહેલી ઘટના નહોતી. પણ પિતા તરીકે પોતાના સંતાનને કેવી કેળવણી મળવી જોઈએ તે અંગે સજાગતા - સક્રિયતા માત્ર તેમણે જ દાખવી. બાલસાહિત્ય તો ઘણાં લખે છે. પણ પોતે જે લખે છે તેનો હેતુ, પ્રક્રિયા, પરિણામ - આ બધાં અંગે વિચારે છે કેટલાં? એટલે એમ લાગે છે કે લેખકે જ જાગૃત થવાની જરૂર છે. અલબત્ત, યશવન્ત મહેતાએ એક સ્થળે કહ્યું છે તેમ બાલસાહિત્યના ક્ષેત્રે અનેક અવરોધનારાં પરિબળો છે. તેમાં તેને આર્થિક વળતર ઓછું મળે છે તેથી બાલસાહિત્યનો લેખક ઉચ્ચ કલાકીય સર્જન કરવાના દૃષ્ટિબિંદુને બદલે વ્યાપ વધારવાના મોહમાં બહુ જ માનવસહજ રીતે ખેંચાય છે. તેથી લેખકને સંપૂર્ણ દોષિત ઠરાવવાની જરૂર નથી. આમાં સમાજની જાગૃતિ જ મોટો ફાળો આપી શકે. પણ વ્યવસાયી માતાપિતા આજના સમૂહમાધ્યમના જમાનામાં બાળકોને કોઈ પણ પુસ્તક આપી દઈ પોતે છૂટી પડે છે–એટલે જ લેખકની જવાબદારી વધી જાય છે. બાકી જુઓ તો ગુજરાતીમાં બાલસાહિત્યમાં વિવેચનનો અભાવ જ છે એવું નથી. એ જ રીતે તેના તરફ સંપૂર્ણપણે ઓરમાયું વર્તન દાખવવામાં આવ્યું છે એમ પણ નથી, કારણ કે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહીઓ લખનારાઓ કેવા વિદ્વાન હતા અને છે તે આપણે સહુ જાણીએ છીએ. સર્વશ્રી જ્યોતીન્દ્ર દવે, નવલરામ જ. ત્રિવેદી, ડોલરરાય માંકડ, અનંતરાય રાવળ, મંજુલાલ મજમુદાર, વિ. ૨. ત્રિવેદી, વિ. મ. ભટ્ટ, રવિશંકર મ. જોષી, યશવંત શુક્લ, સુંદરજી બેટાઈ, હસમુખલાલ કાજી, ઉપેન્દ્ર પંડ્યા, ઈ. ૨. દવે, ૨. ચી. શાહ, ચંદ્રકાન્ત મહેતા અને મધુસૂદન પારેખ જેવાઓનો આમાં ફાળો છે. આ કાર્યવાહીઓમાં બાલસાહિત્યને અલગ સ્થાન મળ્યું જ છે. વળી સ્વરૂપ-દૃષ્ટિએ અલગ રીતે વાતો થઈ છે તેમજ સમગ્રતયા બાલસાહિત્યનું ચિત્ર પણ રજૂ થયું છે. તે જ રીતે જે-તે પુસ્તક બાલભોગ્ય છે કે કિશોરભોગ્ય તે પણ નોંધાયું છે. આ વિદ્વાનોએ ભાષા-સ્વરૂપ આદિ સંદર્ભે ઘણી ઝીણવટથી ચર્ચાઓ કરી છે. કૃતિ સારી હોય તો તેની પ્રશંસા કરી છે અને ટીકા કરવાયોગ્ય કૃતિની ટીકા પણ કરી છે. પૂરી સ્વસ્થતાથી અને તટસ્થતાથી બાલકથાના હિતમાં જ જે-તે વિચારણા કરી છે. થોડાંક ઉદાહરણોથી આ વાત સ્પષ્ટ કરીશું. ઈ. સ. ૧૯૩૩ની કાર્યવાહીમાં વિ. મ. ભટ્ટ જણાવે છે કે “બાલવાર્તામાં બાલવાર્તાકારોએ મોટે ભાગે કંઠસ્થ સાહિત્યનો જ માત્ર સહારો લીધો છે. પણ લાંબા ઉપયોગથી તે ખાણ હવે લગભગ પૂરેપૂરી ખણાઈ છે, તેથી હવે વધુ ખોદાશે તો સોનાને બદલે કચરો જ નીકળવાનો સંભવ છે.” એ જ રીતે તેમણે એક સૂચન કર્યું છે કે “અંગ્રેજીમાં ભાષાના મુખ્ય-મુખ્ય શિષ્ટ ગ્રંથોને સંક્ષિપ્ત કરી બાલભોગ્ય રૂપમાં રજૂ કરનારી ગ્રંથાવલિઓ આપણે જોઈએ છીએ તેવી ગુજરાતી શિષ્ટ ગ્રંથો માટે યોજાય તો વધુ ઉપકારક થઈ પડશે.” આ સૂચનનીયે ષષ્ટિપૂર્તિ થઈ ગઈ. પણ એ સૂચનની આપણને કેટલી ખબર ને આચરણ તો ક્યાં? કેટલું? જ્યોતીન્દ્ર દવે નોંધે છે: “બાલસાહિત્યનાં પુસ્તકો વિશે લખતાં પહેલાં બાળકો માટે નહિ, પરંતુ કિશોરો માટે યોજાયેલું “અરુણનું અદ્ભુત સ્વપ્ન’ (સૌ. હંસા મહેતા) પહેલું ધ્યાન ખેંચે છે.” પછી આ પુસ્તક વિશે પંદરેક લીટીમાં તે નોંધ આપી અંતે લખે છે: “કિશોરો માટેના આપણા સાહિત્યમાં આ પુસ્તક નિર્વિવાદ રીતે પહેલું સ્થાન લેશે.” તો જોઈ શકાય છે કે કાર્યવાહીમાં પ્રારંભથી જ અનેક રીતે ચર્ચા થઈ છે. આ સંદર્ભમાં જ અન્ય વિદ્વાનોએ જે કહ્યું છે તે પણ જોઈશું, જેથી બાલકથાસાહિત્યનું વિવેચન નથી જ થયું એવી આપણી માન્યતાને બદલવી પડશે. નવલરામે તો એટલે સુધી કહ્યું છે કે આપણે ત્યાં કવિઓનો સુકાળ છે, પણ વિવેચકોનો દુકાળ છે. હવે જો પ્રૌઢ સાહિત્યમાં પણ વિવેચકો ઓછા હોય તો બાલસાહિત્યમાં પણ તેમજ હોય તે સ્વાભાવિક છે. શ્રી ડોલરરાય માંકડે તો બાલનવલ અને બાલનવલિકા એવા વિભાગો પાડી જણાવ્યું છે કે જેની અંદર એક જ વાર્તા પ્રકરણોમાં વહેંચાઈને ૩૦-૪૦ કે તેથી વધુ પાનાં સુધી પહોંચતી હોય તેને બાલનવલ કહી શકીએ. બાકીની ટૂંકી વાતોને બાલવાર્તા કહેવાય. તે પછી બાલવાર્તાના પ્રકારો પણ પાડ્યા છે. એ જ રીતે બાલકથાની શૈલી સંદર્ભે પણ ઊંડાણથી ચર્ચા કરી છે. ભાષાસંદર્ભે શ્રી રાવળસાહેબે બાળકોની માનસિક અને બૌદ્ધિક કક્ષાને ધ્યાનમાં રાખી પ્રયોજવાની વાત કરી છે. તો વિ. ૨. ત્રિવેદી અને વ્રજરાય દેસાઈએ બાલસાહિત્યનું મૂલ્યાંકન કેળવણીની નજરે થવું જોઈએ એવો મત રજૂ કર્યો છે. કૃતિવિષયક પણ ચર્ચાઓ કરી છે. કોઈ પુસ્તક વિશે યશવંત શુક્લ નોંધે છે: “અનુસ્વારો અને જોડણીની ભૂલો તેમજ બહુસંખ્ય ભાષાદોષો ચીવટ રાખી હોત તો ટાળી શકાત.” તો મસ્ત ફકીર કૃત ‘ઉંદરમામા’ની પ્રશંસા કરી છે અને કહ્યું છે: “ઉંદરનાં પરાક્રમો અને યોજનાઓમાં માનુષી તત્ત્વ છે, એ તો રસમાં અભિવૃદ્ધિ કરે છે. ઉંદર અને માનવી બન્ને વિશે કંઈ ને કંઈ કહી છૂટતી આ સુંદર વાર્તા વાંચ્યા વિના કોઈ બાળક રહી ના જવું જોઈએ.” તો ‘દહીંવડા’માંની દશ ટૂંકી વાર્તાઓ વિશે સુંદરજી બેટાઈ જણાવે છે કે “વડાં પરિપક્વ થયાં નથી ને દહીં તથા રાઈ બરોબર ચઢ્યાં નથી.” એ જ રીતે ‘ચોખવટથી વાત કરજો’ વિશે લખ્યું છે: “હાસ્યરસની નિષ્પત્તિના અતિ ઉત્સાહમાં પ્રમાણભાન અનેક ઠેકાણે ગુમાવ્યું છે ને પરિણામે ખરો હાસ્ય બહુધા અનિષ્પન્ન રહ્યો છે.” ગુજરાતી સાહિત્યના અવિસ્મરણીય પાત્ર બકોર પટેલની વાતો સંદર્ભે જે ચર્ચા થઈ છે તે જોઈએ. “બકોર પટેલની કેટલીક વાતોમાં અશક્યતાનો ધ્વનિ રહેલો છે તે છતાં સમગ્ર દૃષ્ટિએ જોઈએ તો ‘બકોર પટેલ’ બાળકોને વ્યવહારકુશળ બનાવવામાં ફાળો આપે છે.” હસમુખલાલ કાજી એ આ રીતે મૂલવે છે. તો રાવળસાહેબ લખે છે: “અડવાનાં પરાક્રમની જૂની વાતોના જ તત્ત્વને આમ નવી રીતે ચાલુ રાખી બાળકોને ગમ્મત આપતી આ વાર્તામાળાની સફળતાનો જશ લખાણ અને ચિત્રો અર્ધોઅર્ધ વહેંચી લઈ શકે તેમ છે.” આમ ચિત્રની અગત્ય પણ દર્શાવી છે. ૨. ચી. શાહે તો દરેક કૃતિ પર ઠીકઠીક લંબાણથી નોંધો લખી છે. દરેકનો પરિચય આપ્યો છે ને સાથે જરૂર લાગી છે ત્યાં ટીકા પણ કરી છે, દા. ત. શ્રીકાંત ત્રિવેદીની ‘અટંકી વીરો’ વિશે લખે છે: “આમાં અડગ શૌર્ય, વીરતા, પરાક્રમ, ટેક વગેરે દર્શાવનાર ઐતિહાસિક વ્યક્તિઓની આઠ પ્રેરક કથાઓ આપવામાં આવી છે… કથાઓ રોચક રીતે કહેવાઈ છે. છતાં એનું વસ્તુ જેટલું સચોટ છે તેટલું તેનું નિરૂપણ સચોટ નથી. ‘બહેનને ખાતર’ વાર્તા વધુ પડતા બિનજરૂરી લંબાણને કારણે ઇતિહાસ જેવી વધારે બની ગઈ છે.” ચંદ્રકાન્ત મહેતા જીવરામ જોષીએ આપેલ મિયાં ફૂસકીના પાત્રની, તેની લોકપ્રિયતાની વાત કર્યા પછી લખે છે, “…પણ જીવરામ જોષીની કૃતિઓમાં પથરાટ ઘણો હોય છે, જે વાર્તાકલાને બાધક નીવડે છે. લેખક ઝીણું-ઝીણું કાંત્યા કરે છે, જેથી કૃતિઓમાંથી ઊપજતો આનંદ સાદ્યન્ત જળવાઈ રહેતો નથી.” આમ સમીક્ષકોએ જે લાગ્યું છે તે સ્પષ્ટ કહ્યું છે. અલબત્ત, મિયાં ફૂસકી, બકોર પટેલ બંને બાલખ્યાત પાત્રો છે. વળી જીવરામ જોષીની લોકપ્રિયતા - બાલપ્રિયતાનાં આપણે સહુ સાક્ષી છીએ. કદાચ વાતચીતિયા ભાષામાં જ કથાનક રજૂ કરવું એ એમની વિશેષતા છે અને કથાનકની સંવાદાત્મક રજૂઆતમાં જ માનવસ્વભાવની કેટલીક વિચિત્રતા અને સંકુલતા વિશદતાથી તે રજૂ કરે છે તે પણ નોંધપાત્ર બાબત છે. યશવન્ત મહેતાની જ બે શ્રેણીઓ સંદર્ભે જે વાત મુકાઈ છે તે જોઈએ. મધુસૂદન પારેખે તેમણે સંપાદિત કરેલી પંચતંત્રની વાતોની ખૂબ પ્રશંસા કરી છે અને અભિનંદન આપ્યાં છે, તો તેમની જ 'અપંગ નહિ અશક્ત’ વિશે લખ્યું છે: “પુસ્તકનું શીર્ષક મૂંઝવણમાં મૂકે તેવું છે. એમાં કોઈક ને કોઈક શારીરિક ખોડવાળાં મહાન ગણાયેલાં પુરુષો અને સ્ત્રીઓનાં પરાક્રમની કથા છે… એમના પુરુષાર્થનું પ્રેરણાત્મક ચિત્ર આપીને તેમને અશક્ત કહેવાનું કઈ રીતે યોગ્ય ગણાય?” આ જ રીતે પરિષદના અહેવાલો - નિબંધોમાં પણ જોવા મળે છે. જેમ કે નવમી પરિષદ - અહેવાલસંગ્રહમાં વલ્લભદાસ અક્કડે હંસા મહેતાની ‘બાલવાર્તાવલિ'નાં ભરપેટ વખાણ કર્યાં છે અને લખ્યું છે: ‘બાલસાહિત્યમાં નવીન પહેલ કરે છે અને બાલસાહિત્યના માર્ગસૂચક સ્તંભનું માન ખાટી જાય છે.” કહેવાનો ભાવાર્થ તો એટલો જ છે કે જે-જે કૃતિઓની જે-જે કારણોસર પ્રશંસા થઈ છે તેને ધ્યાનમાં રાખી બાલસાહિત્યનું સર્જન થાય તો તે બધી રીતે બધાંના હિતમાં જ હશે. અને જે કારણોસર જે કૃતિની ટીકા કરવામાં આવી હોય તેનો લેખક તો પોતાની બીજી કૃતિમાં તેનું પુનરાવર્તન ન જ કરે. સાથે જ બીજા લેખકો પણ બાલકથાના સર્જન વખતે એ બધું ધ્યાનમાં રાખે તો આપોઆપ બાલકથાની કક્ષા ઊંચી જ જાય. હવે રહી સાંપ્રત સાહિત્યના વિવેચનની વાત. આ બાબતે અસંતોષ રહે. વ્યાપ ખૂબ વધ્યો છે ને વિવેચન નહિવત્ થયું છે. આગળ જોયું તેમ ‘પરબ'માં શેઠસાહેબે ખાસ બાળ-કિશોર-સાહિત્યનું વિવેચન કરાવેલું. ‘ગ્રંથ’માં ટૂંકાં અવલોકનો થયાં છે. ‘બુદ્ધિપ્રકાશ’માં ક્યારેક થાય છે. ને કાર્યવાહી વહેલી-મોડી બહાર પડે છે - પણ તેણે તો પોતાની પરંપરા ચાલુ રાખી છે. બાકી દરેક સામયિકમાં નિયમિત તેનું વિવેચન થવું જોઈએ જે થતું નથી. મેં મારા શોધનિબંધમાં બાલકથાસાહિત્યને બાલમાનસની અપેક્ષા, બાલમાનસનું ઘડતર અને કલાના એક પ્રકાર તરીકે મૂલવવા યત્કિંચિત્ પ્રયત્ન કર્યો છે. છતાંય શ્રી યશવંત શુક્લે કહેલું તેવું દૃષ્ટિબિંદુ વિશેષ રહ્યું છે - કાર્યવાહીઓના સમીક્ષકોના સંદર્ભમાં કે “સમીક્ષકોએ બાલસાહિત્યને ઉત્તેજન આપવાનો પોતાનો ધર્મ સમજીને તેની બહુવિધ ન્યૂનતાને જતી કરી છે તેમાં ઉપેક્ષા નથી પણ સમભાવપૂર્વક સંયમ છે.” - ને છતાંય જોઈ શકાય છે કે જ્યાં જે લાગ્યું ત્યાં સીધેસીધું સ્પષ્ટ જણાવ્યું પણ છે – તો શું આ બધાંને આપણે વિવેચન નહીં ગણીએ? આમ, બાલસાહિત્ય તરફ માત્ર ધૃતરાષ્ટ્રભાવ જ રખાયો છે તેવું નથી. અલબત્ત, તેની સતત જે રીતે ચિંતા થવી જોઈએ, સતત તેનું સમીક્ષણ થવું જોઈએ, તેનો જે રીતે પુરસ્કાર થવો જોઈએ તે થતું નથી. ખરેખર તો દરેકે દરેક કૃતિની પરીક્ષા થવી જોઈએ. દરેક સાહિત્યિક સામયિકમાં પ્રૌઢ સાહિત્યનાં પુસ્તકોના પરિચયનો જેમ વિભાગ હોય છે અને વિવેચનલેખો હોય છે તેમાં સાથે જ બાલસાહિત્યનો પણ સમાવેશ થવો જોઈએ. આ અંગે આપણે જ પ્રયત્ન કરવો પડશે. બાલસાહિત્ય અકાદમીની સ્થાપના જ ખૂબ આનંદદાયક ઘટના છે. કદાચ બાલકથાસાહિત્યના - બાલસાહિત્યના સાચા ઉદ્ધાર માટે જ તે નિર્માઈ હશે. શુદ્ધ સાચા બાલસાહિત્યમાં તે જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. બાકી હાલ તો અન્ય સાહિત્યિક સામયિકોને આ અંગે જણાવી શકાય. પરિષદ, સાહિત્ય અકાદમી, પાઠ્યપુસ્તક મંડળ આમાં કાંઈક કરી શકે. હાલ તો આપણે જાતે જ આત્મપરીક્ષણ કરી માત્ર સાચી શુદ્ધ બાલકથાઓને બાળક પાસે મૂકીએ તેટલું આપણા હાથમાં છે. શ્રી ત્રિભુવન વ્યાસે એક વાર કહેલું તે આજે આપણે ધ્યાનમાં રાખવા જેવું છે: “બાલસાહિત્ય થોડું હોય તેની ચિંતા શા માટે? થોડું પણ સત્ત્વશાળી હશે તો બાળકો તેને હજાર વાર વાંચ્યા પછી પણ છોડશે નહીં. સાચા સાહિત્યની અસર તલસ્પર્શી અને ચિરસ્થાયી હોવી જોઈએ. છીછરા વધુ વિસ્તાર કરતાં અલ્પવિસ્તૃત ઊંડાણનું મૂલ્ય અધિક છે.” જગતની ઉત્તમ કૃતિઓ હાન્સ ઍન્ડરસનની વાર્તાઓ, શરદબાબુની - રવીન્દ્રનાથની વાતો આ બધાંનો અનુભવ યાદ કરવા જેવો છે. સારી કૃતિઓ વારંવાર વાંચવી ગમે છે. સારી ફિલ્મો વારંવાર જોવી ગમે છે ને દરેક વખતે કંઈક નવી ખૂબી આપણને જોવા મળે છે. દરેક વખતે નવો આનંદ પામીએ છીએ. એ જ ન્યાયે બાલકથાને જોઈએ તો સારી બાલકથાઓ સતત આનંદ આપ્યા જ કરે. આ ત્રિભુવન વ્યાસની આ વાત ગાંઠે બાંધવા જેવી છે. એટલે જે આપણા હાથમાં છે તે તેટલું કરીશું તોય બાલકથાઓની કક્ષા સુધરશે. અને આ બાલસાહિત્ય અકાદમીના નિમિત્તે આટલું જાગ્યા છીએ તેથી આ ક્ષેત્રે વધુ ઉજ્જ્વળ ભાવિ જ દેખાય છે. ગુજરાત પણ એવી બાલકથાઓ આપશે, જેની ગુજરાત બહાર પણ નોંધ લેવાશે.


બાલકથા સાહિત્ય : એક ઝલક, પૃ.૪૩-૪૫,૨૦૦૮