ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/અંતે... - દીપક રાવલ.

From Ekatra Wiki
Revision as of 00:14, 5 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

।। અંતે ।।

દીપક રાવલ

મુક્ત દીર્ઘ કવિતા અનેક શક્યતાઓથી ભર્યોભર્યો કાવ્ય પ્રકાર છે. લગભગ પાંત્રીસેક વર્ષથી આ કાવ્યપ્રકારમાં વિભિન્ન કવિઓ દ્વારા કામ થતું રહ્યું છે. ઉમાશંકરે ‘છિન્નભિન્ન છું’થી આરંભ કર્યો ત્યારથી માંડીને આજ સુધી આ સમયગાળાના લગભગ બધા જ કવિઓએ આ કાવ્યપ્રકાર પર હાથ અજમાવ્યો છે તે જ એની મહત્તા દર્શાવે છે. પરંતુ તેમ છતાં આ કાવ્યપ્રકાર વિશે બહુ ચર્ચા નથી થઈ. અલબત્ત કેટલાંક કાવ્યો વિશે નોંધપાત્ર વિવેચનો મળે છે ખરાં પરંતુ કોઈ એકસૂત્રી અભ્યાસ થયો નથી તે આશ્ચર્ય પ્રેરે તેવી ઘટના છે. આવો પ્રયાસ આ લખનારે “મુક્ત દીર્ઘ કવિતા"ના રૂપે કર્યો છે. તેના જ અનુસંધાનમાં મુક્ત દીર્ઘ કવિતાનો ખ્યાલ સ્પષ્ટ બંને તેવા આશયથી અમે આ સંપાદન કરવા પ્રેરાયા છીએ. મુક્ત દીર્ઘ કવિતામાં રહેલી શક્યતાઓ, એમાં પ્રગટેલા વૈવિધ્યનો ખ્યાલ તો આ કૃતિઓ દ્વારા મળશે જ, સાથે સાથે આ કાવ્યપ્રકારમાં જે કામ થયું છે તેની આછી રૂપરેખા પણ મળશે. મુક્ત દીર્ઘ કવિતા સાહિત્યિક સ્વરૂપ છે કે કેમ એ પ્રશ્ન વારંવાર પુછાતો રહ્યો છે. આજે જ્યારે વિવેચને નિર્ધારિત કરેલી લગભગ દરેક સાહિત્યસ્વરૂપની સીમાઓ તૂટી રહી છે ત્યારે આ પ્રશ્ન કેટલો સાર્થક છે એવો પ્રશ્ન પણ થાય. કોઈપણ સાહિત્યસ્વરૂપની કાયમી વ્યાખ્યા આપવાનું શક્ય નથી અને એમાં ય મુક્ત દીર્ઘ કવિતા જેવા લવચિક કાવ્યપ્રકાર માટે તો ખાસ. આમ પણ સ્વરૂપોનો પ્રશ્ન મીમાંસકો માટે પહેલેથી જ મુશ્કેલ રહ્યો છે. સ્વરૂપ નક્કી કરવાનાં ધોરણો ૫ણ હજી સંદિગ્ધ જ રહ્યાં છે. ભિન્ન ભિન્ન સાહિત્યસ્વરૂપોની સીમારેખાઓ પણ લોપાતી જણાય છે. આ કારણે જ સુરેશ જોષીએ કહેલું કે “કોઈ પણ સાહિત્યસ્વરૂપની કેવળ કામચલાઉ વ્યાખ્યા જ આપી શકાય. કોઈ પણ સાહિત્ય સ્વરૂપની ત્રિકાલાબાધિત વ્યાખ્યા આપી શકાઈ હોય એવું આપણી જાણમાં નથી."૧ સર્જકચેતના કોઈ નિશ્ચિત ચોકઠામાં પુરાઈ રહે તે શક્ય નથી. અને આથી જ નવોન્મેષો પ્રગટ થતા રહે છે અને સાહિત્યના પ્રવાહને બદલતા રહે છે. મુક્ત દીર્ઘ કવિતા પણ આવો જ નવોન્મેષ છે અને એ આકારમાંથી મુક્ત થવાના પ્રયાસમાંથી જ પ્રગટ્યો છે. સિતાંશુ મહેતાએ યશવંત ત્રિવેદીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે “મારે માટે દીર્ઘતા તે આકાર અને અર્થની સુબધ્ધતાથી આરંભીને એક એનાર્કિસ્ટ-સરરિયલ આકારમુક્તિ તરફ જવાનું સાધન છે"૨ જે કાવ્યપ્રકાર આકારમુક્તિની ઝંખનામાંથી જ પ્રગટયો હોય તેનું સ્વરૂપ નક્કી કરવું એ તો નર્યું દુઃસાહસ જ છે. યુગબોધને ઝીલવા, તદ્દન નવી, મથી નાખતી અનુભૂતિને વ્યક્ત કરવા પરંપરાગત સ્વરૂપો અપર્યાપ્ત સિધ્ધ થયાં ત્યારે સર્જકને પોતાની અનુભૂતિને વ્યક્ત કરી શકે તેવી નવીન રચનારીતિની આવશ્યકતા જણાઈ. આ મથામણમાંથી મુક્ત દીર્ઘ કવિતાનો ઉદ્ભવ થયો. આ મુક્ત દીર્ઘ કવિતાને એક Poetic unit તરીકે જોઈ શકાય. મુક્ત દીર્ઘ કવિતાનું બાહ્યસ્વરૂપ નિશ્ચિત નથી. મુક્ત દીર્ઘ કવિતા એના આંતર સ્વરૂપને આધારે ટકે છે. અહીં કશું પૂર્વનિર્ધારિત નથી હોતું. સર્જનપક્રિયા દરમ્યાન જ કાવ્ય ઊઘડતું આવે છે. એ કારણે જ અહીં સ્વૈરતા, સ્વાયત્તતા, લવચિકતા અને મુક્તિ હોય છે. દરેક કાવ્યમાં દીર્ઘતાની વિભાવના પણ બદલાય છે. ક્યાંક વિવિધ લયાવર્તનોથી દીર્ઘકાવ્યને માટે અનિવાર્ય એવી ગતિમયતા પ્રાપ્ત થાય; લય, અર્થ, આકારના કૉલાજથી દીર્ઘતાનાં જુદાં જુદાં રૂપો પ્રગટે છે. આથી કાવ્યનો આકાર અહીં કાનથી પકડવો પડે છે. આ આકાર એ કૃતિનું organic form છે. વૃક્ષનો રસ જેમ શાખા-પ્રશાખામાં પ્રસરે તેમ પ્રાસ, અનુપ્રાસ, લય એમાં ગૂંથાતા જાય છે અને કાવ્ય ઊઘડે છે. આ આકાર પરિવર્તનશીલ છે. દરેક સર્જક પોતાની અભિવ્યક્તિ માટે પોતાના કથયિતવ્યને અનુકૂળ એવો આકાર સર્જવા મથે છે. આ કારણે જ નિત્યનૂતન અને પરિવર્તનશીલ મુક્ત દીર્ઘ કવિતાને કોઈ જડ ચોકઠામાં બેસાડવાનું શક્ય નથી. મુક્ત દીર્ઘ કવિતા આપણી પરંપરાગત દીર્ઘ કવિતામાંથી નથી ઊતરી આવી. મુક્ત દીર્ઘ કવિતાના પ્રાદુર્ભાવમાં એલિયટનાં "The waste land" અને એ પ્રકારનાં અન્ય અંગ્રેજી કાવ્યોનો પ્રભાવ સ્પષ્ટપણે રહેલો છે. લગભગ ૧૯૫૦-૫૫ સુધી ગુજરાતી કવિતામાં સંસિધ્ધ કાવ્યપ્રકારો વિશેષ રહ્યા. ત્યાં સુધી મુક્ત દીર્ઘ કવિતા જેવા organic કાવ્યપ્રકાર માટે અવકાશ નહોતો. ૧૯૪૦ પછી રાજેન્દ્ર પ્રહ્લાદમાં છંદ છોડવાનું વલણ દેખાય છે અને માત્રામેળમાં લાંબી-ટૂંકી પંક્તિઓ તેમજ અનિયમિત- લયસર્જનનું માહાત્મ્ય વધે છે. ન્હાનાલાલે પણ પોતાના એકાકી પ્રયત્નોથી કાવ્યસર્જનમાં અછાંદસની શક્યતાઓ તાગવાનો પ્રયાસ કર્યો હતો. આજની અછાંદસ રચનાઓ ન્હાનાલાલની પરિપાટીને આગળ ચલાવતી નથી. તેમ છતાં આજના અછાંદસમાં એમના પુરુષાર્થનો ફાળો રહ્યો જ છે તે નકારી શકાય તેમ નથી. અછાંદસ અભિવ્યક્તિનું નવપ્રસ્થાન ‘છિન્ન ભિન્ન છું’ કાવ્ય દ્વારા ઉમાશંકર કરી આપે છે અને એ કૃતિ મુક્ત દીર્ઘ કવિતાનું પ્રથમ સીમાચિહ્ન બની રહે છે. મુક્ત દીર્ઘ કવિતા માટે આ અછાંદસના માધ્યમની પ્રાપ્તિ એ મહત્ત્વની ઘટના સિધ્ધ થઈ. જેમને આધુનિક અનુભવ વ્યક્ત કરવામાં છંદનું નિશ્ચિત બંધારણ આડે આવતું હતું તેમને અછાંદસનું માધ્યમ ખૂબ જ અનુકૂળ જણાયું, આધુનિક માનવજીવનના દ્વન્દ્વમય અને તણાવપૂર્ણ સંવેદનોની અભિવ્યક્તિ માટે અને ભાષાની લયાત્મક શક્યતાઓ તપાસવાના પુરુષાર્થમાંથી મુક્ત દીર્ઘ કવિતાનો બળવાન ઉન્મેષ પ્રગટી આવ્યો છે. આ કારણે જ આખ્યાન અને ખંડકાવ્યો જેવાં આપણી પરંપરાનાં દીર્ઘ કાવ્યો સાથે સંકળાયેલી “જટાયું”, "બાહુક”, “શિખંડી” જેવી કૃતિઓને મુક્ત દીર્ઘ કવિતા સાથે મૂકવાનું ઉચિત નથી. મુક્ત દીર્ઘ કવિતા ગુજરાતી પરંપરાગત દીર્ઘ કવિતાથી અનેક રીતે જુદી પડે છે. સર્વપ્રથમ ભેદ તો આકારનો જ છે. આખ્યાન, ખંડકાવ્ય વગેરે દીર્ઘ કાવ્યો એ સંસિદ્ધ સ્વરૂપો છે. જ્યારે પ્રત્યેક મુક્ત દીર્ઘ કાવ્યનો આકાર જૂદો છે. મુક્ત દીર્ઘ કવિતામાં કશું પૂર્વનિશ્ચિત નથી. અહીં સર્જનમાં પ્રેરતી પ્રત્યેક ક્ષણ એક નવો પડકાર, નવું સાહસ છે. અહીં આકૃતિ લાદવામાં નથી આવતી એટલે કાવ્યાત્મક સંવેદન અને તેની આકૃતિ વચ્ચે સંવાદપૂર્ણ સંબંધ રચાવાની સંભાવના વિશેષ રહેલી છે. મુક્ત દીર્ધ કવિતામાં પ્રાસનું કાર્ય પણ બદલાય છે. પરંપરાગત કાવ્યોમાં પ્રાસના જે નિયમનો હતા તે અહીં નથી. પરંપરાગત લાંબાં કાવ્યોમાં પ્રાસ મુખ્યત્વે લયને દૃઢાવવાનું કાર્ય કરતા. મુક્ત દીર્ઘ કવિતામાં નિશ્ચિત પ્રકારની પ્રાસરચના નથી હોતી અને જ્યાં પ્રાસ મળતા હોય છે ત્યાં એ અર્થને દૃઢાવવાનું કાર્ય વિશેષરૂપે કરતા હોય છે. પરંપરાગત દીર્ઘ કાવ્યો મોટેભાગે કથા કે કથાંશ પર રચાતાં હતાં. મુક્ત દીર્ઘ કવિતા કથા અને સંરચનાના સંદર્ભમાં પણ પરંપરાગત દીર્ઘ કવિતાથી જુદી પડે છે. મુક્ત દીર્ઘ કવિતામાં મુખ્યત્વે વિચાર કેન્દ્રમાં છે. મુક્ત દીર્ઘ કવિતાએ કથાતત્ત્વને આધારે પ્રાપ્ત થતી દીર્ઘતાને બદલે વિશ્લેષણાત્મક, વૈચારિક આધાર પ્રાપ્ત કર્યો છે. કોઈ પાત્ર સર્જક યુગસંદર્ભથી અસ્પૃષ્ટ રહી શકે નહીં. આધુનિક સમયની મુક્ત દીર્ઘ કવિતા આધુનિક માનવના વૈચારિક ક્ષોભને અને તેને લીધે તથા તેના દ્વારા જન્મેલા ચિંતનને વ્યક્ત કરતી જણાય છે. આધુનિક કવિને એ પ્રતીતિ છે કે એ એક માનવીય સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આ સંકટપૂર્ણ પરિસ્થિતિ એને અનેક સ્તરે સ્પર્શે છે. મુક્ત દીર્ઘ કવિતા ભાષા અને રચનાવિધાનની દૃષ્ટિએ પૂર્વકાલીન લાંબાં કાવ્યો કરતાં જુદી રીતે વિકસી છે કેમ કે એના મૂળમાં આ વૈચારિક સંક્ષોભ રહેલો છે. “છિન્ન ભિન્ન છું"થી માંડીને લગભગ દરેક મુક્ત દીર્ઘ કાવ્યમાં બહુવિધ રીતે આ વૈચારિક બેચેની ઝીલાઈ છે. મુક્ત દીર્ઘ કવિતાના સર્જનનો આધાર જ વિચાર કે ચિંતનપ્રક્રિયા છે. આ વિચાર કે ચિંતન જયારે ભાષા સાથે જોડાય છે ત્યારે જ અભિવ્યક્તિ શક્ય બને છે. પ્રવર્તમાન વિષમ પરિસ્થિતિઓ અને તણાવની અભિવ્યક્તિ કેવળ સંવેદનાત્મક પરિવર્તનને આધારે સંભવ નથી. આ માટે સ્થિતિનો વૈચારિક સ્તરે સામનો કરવાનું અનિવાર્ય બની જાય છે. મુક્ત દીર્ઘ કવિતાનો કવિ કથાને સ્થાને વૈચારિક અને ભાવનાત્મક સંઘર્ષનો આધાર લે છે. એટલે કથા કહેવાને બદલે વૈચારિક સંઘર્ષને કેન્દ્રમાં મૂકે છે. કાવ્ય વિચારના સ્તરે, Unconcious creative facultyએ વિસ્તરે એટલે કાવ્યમાં અંકોડાનો મૂળ તંતુ સચવાયાનું ક્યારેક પમાતું નથી. વૈચારિક અને ભાવનાત્મક સંઘર્ષને કારણે મુક્ત દીર્ઘ કવિતાની ભાષાને એક વિશિષ્ટ પ્રકારની ગતિમયતા પ્રાપ્ત થાય છે, જે પરંપરાગત, સુનિશ્ચિત ધારણાઓના સંપૂર્ણ વિરોધમાં કાવ્યસૌંદર્યનો એક નવો અભિગમ ઊભો કરે છે. આ ગતિમયતા જ મુક્ત દીર્ઘ કવિતાને એકસૂત્રમાં બાંધે છે. આ રીતે મુક્ત દીર્ઘ કવિતાએ કથાતત્ત્વની મુક્તિ મેળવી વૈચારિક આધાર પ્રાપ્ત કર્યો. આ પ્રાપ્તિ સર્જકની પોતાના અનુભવ વિશેષને એના અતીત, સાંપ્રત અને અનાગતના બધા સંદર્ભોને જોડીને એક વ્યાપક અનુભવના રૂપમાં જોવાની આકાંક્ષામાં, એક સંવેદનખંડને સમગ્ર પરિવેશ સાથે જોડવાની મુશ્કેલ પ્રક્રિયામાં પરિણમી. ઉમાશંકર, સુરેશ જોષી, રાવજી, લાભશંકર ઠાકર, સિતાંશુ મહેતા, ઈન્દુ પુવાર, યજ્ઞેશ દવે વગેરેની કૃતિઓમાં આ તથ્ય સ્પષ્ટરૂપે પમાય છે. મુક્ત દીર્ઘ કવિતા પોતાની દીર્ઘતામાં પોતાનાં અંતઃતત્ત્વોને વિકાસનો પૂરતો અવસર આપે છે. સામાજિક જીવનની જટિલ સમસ્યાઓ, વૈચારિક સંક્ષોભની અભિવ્યક્તિ માટે વ્યાપક ફલક પ્રદાન કરે છે. કિટ્સે કહેલું તેમ "It is a place to wander in." પોતાને પ્રાપ્ત થયેલી દીર્ઘતામાં કવિ આત્મસંઘર્ષાત્મક સંવેદના અને વિશ્વદૃષ્ટિના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં માનવસંવેદનની વિશિષ્ટ અભિવ્યક્તિના નૂતન માર્ગની શોધ કરે છે. કાવ્યકૃતિને દીર્ઘતા સર્જનપ્રક્રિયા દરમ્યાન જ પ્રાપ્ત થાય છે. એ અહીં પરંપરાગત લાંબાં કાવ્યોની જેમ પૂર્વનિર્ધારિત નથી. આ પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતી દીર્ઘતા જ કવિની ધારક શક્તિની કસોટી કરે છે. વાસ્તવની દ્વન્દ્વાત્મક અનુભૂતિને વ્યક્ત કરવા અનેક સ્તરે વિકસતી વિશિષ્ટ સંવેદનાત્મક તેમજ વૈચારિક સંઘર્ષને પકડમાં લેતી રચના પ્રક્રિયા ટૂંકા કાવ્યમાં સંભવિત નથી. મુક્ત દીર્ઘ કવિતામાં પરિચિત લાગણીને બદલે અસ્તિત્વમૂલક પ્રશ્નોનું આલેખન સવિશેષ થાય છે. પહેલા ઝંખના, આશા, અભિલાષા, ભાવના કાવ્યોનાં કેન્દ્રમાં હતી જયારે મુક્ત દીર્ઘકવિતામાં એવું નથી. ઝંખના, આશા, ભાવના વગેરે આવે છે તો એનાં સ્વરૂપમાં ફેર પડ્યો છે અને એના આલેખનનો અભિગમ બદલાયો છે. વર્તમાન જીવનને લગતા તો ખરા જ, સાથે સાથે આદિમ અને પૌરાણિક પ્રશ્નોને પણ પકડમાં લેવા મુક્ત દીર્ઘ કવિતાનો કવિ મથે છે. જાતીયતા, નગ્નતા પ્રગલ્ભરૂપે, નૈતિક અભિગ્રહો વિના આ કાવ્યપ્રકારમાં આલેખાય છે. લાભશંકર ઠાકર "પ્રવાહણ” જેવા વિષય પર મુક્ત દીર્ઘ કાવ્ય રચે છે ! મૂમુર્ષા, વિરતિ, અસ્તિત્વની નિરર્થકતાનો ભાવ વગેરે નવાં જ પ્રતીકો, કલ્પનો દ્વારા નિરૂપાય છે. પ્રત્યેક મુક્ત દીર્ઘકવિતામાં અભિવ્યક્તિની ટેકનિક વિશિષ્ટ હોય છે. મુક્ત દીર્ઘ કવિતાના ખંડો ક્યારેક ઓછા કાવ્યાત્મક લાગે છતાં કાવ્યમાં ઊંડા ઊતરતાં જ એ સાર્થક લાગે, અણધાર્યું કંઈક જોડાયેલું પણ જણાય. કવિ જાણી કરીને આવી પ્રયુક્તિઓ કરે છે. એટલે મુક્ત દીર્ઘકવિતાની દીર્ઘતા કૃતિની અંદર પ્રવેશીએ તો જ પમાય. અહીં કેવળ પંક્તિઓની સ્થૂળ ગણતરીથી કામ ચાલતું નથી. દીર્ઘતા નક્કી કરવા ભાવકને સ્વવિવેકનો આધાર પણ લેવો પડે છે. મુક્ત દીર્ધ કવિતાના કવિ પાસે કથાનો આધાર નથી એટલે એનું સમગ્ર ધ્યાન ભાષા પર કેન્દ્રિત થાય છે. સંકુલ સંવેદનોની માવજત કરતું સુઘટ્ટ ભાષા પોત મુક્ત દીર્ઘ કાવ્ય માટે અનિવાર્ય છે. દરેક સર્જકને પોતાની આવશ્યકતા અનુસારનો લય ભાષા દ્વારા જ સર્જવાનો હોય છે. અનુકૂળ લયના પ્રાગટ્ય માટે અછાંદસની પ્રાપ્તિ મહત્ત્વપૂર્ણ થઈ પડી. અછાંદસ એટલે ગદ્ય એમ નહીં. યશવંત શુકલે યોગ્ય જ કહ્યું છે કે “અછાંદસ અને ગદ્ય વચ્ચે બે વેંતનું છેટું તો રહેવાનું જ. કાવ્યમાં પ્રયોજાયેલા લયના અપેક્ષિત સાતત્યને કારણે અને કવચિત્ અન્વયને કારણે એટલું અંતર પડતું અનુભવાય છે. બોલચાલના ગદ્યના અનિયમિત તાલલયને સ્થાને અછાંદસમાં ભાવને અનુરૂપ લયનો કવિ સહારો લે છે."3 આજના કવિની ભાષાને એના અનુભવજગત સાથે અપેક્ષાકૃત સીધો સંબંધ છે અને એટલે એને આ અછાંદસનું માધ્યમ વિશેષ અનુકૂળ છે. જો કે અછાંદસમાં કવિતા સિદ્ધ કરવી કઠણ છે. અછાંદસને ખપમાં લેનાર કવિમાં આત્મનિર્ભરતાનું ઊંડાણ ન હોય તો કાવ્ય નંદવાતાં વાર ન લાગે. દેખાદેખીથી મુક્ત દીર્ઘ કાવ્ય પર હાથ અજમાવનારાઓને હાથે આવાં કથળી ગયેલાં કાવ્યોનાં ઉદાહરણો પણ મળે છે. અછાંદસનું માધ્યમ મોકળાશ તો આપે છે પણ એ મોકળાશને સ્વીકારનારની જવાબદારી પણ વધી જાય છે. જયાં મુક્તિ હોય ત્યાં સજ્જતા અને સાવધાનીની વિશેષ જરૂર પડે છે. મુક્ત દીર્ઘ કવિતાના કવિને પોતાને અપેક્ષિત એવા લયની શોધ સતત કરવી પડે છે. અછાંદસના માધ્યમને ખપમાં લેતી વખતે એ સરળ ગદ્યમાં સરી ન પડે તે માટે કવિએ સાવધાની રાખવી પડે છે. મુક્ત દીર્ઘ કવિતા ભાષાદોર પર વધુ મદાર રાખે છે. અનેકવિધ લયસર્જન તરફ, ભાષાનાં નવાં પરિમાણો ઊભાં કરી આપવા તરફ તાકે છે. કવિ શબ્દના નવા અર્થધ્વનિ પ્રગટાવવા ચાહે છે તો ક્યારેક અન્-અર્થ સુધી પહોંચવા જાય છે. ક્યારેક કેવળ લયને આધારે જ કાવ્ય સર્જવા ચાહે છે. મુક્ત દીર્ઘ કવિતાનો કવિ સંવેદનને નિરૂપતી વખતે રમ્ય-કઠોર, પ્રાચીન-અર્વાચીન નાગરિક કે તળપદા કોઈપણ શબ્દસમૂહને પ્રયોજે છે. પોતાના અનુભવને વ્યક્ત કરવા, શબ્દોની સજીવતા, ઘનતા, અનિવાર્યતા પૂરેપૂરી ઉત્કટતાથી ઊપસી આવે એ દૃષ્ટિએ પોતીકો, કાર્યક્ષમ અને ગતિશીલ એવો લય પ્રગટાવવા મથે છે. ભાષાને એ એની બધીજ વિશેષતાઓ-મર્યાદાઓ સાથે સ્વીકારે છે અને પોતાના જમાનાને અનુરૂપ એવી ભાષા અવતારવા મથે છે. આ ગ્રંથમાં મુકવામાં આવેલા મુક્ત દીર્ઘકાવ્યોને તપાસીશું તો પમાશે કે ભાષાનાં કેવાં કેવાં અને કેટલાં અદ્ભુત રૂપ ઊતરી આવ્યાં છે. આ મુક્ત દીર્ઘ કાવ્યોને આસ્વાદતાં એક બીજી બાબત પણ તરત ધ્યાન ખેંચશે કે અગાઉની લાંબી કવિતાથી એનું ભાષાસ્તર તદ્દન ભિન્નપ્રકારનું છે. અહીં ભાષા અનુભૂતિના અંશ તરીકે આવે છે; કેવળ માધ્યમ કે ઉપાદાન બનીને નહીં. મુક્ત દીર્ઘ કવિતાનો કવિ પાંચેય ઈન્દ્રિયોથી ભાષાને પામવાનો પ્રયાસ કરે છે અને ભાષાકીય પુરુષાર્થથી કવિતાની ઈમારત બદલવા મથે છે. નાટ્યાત્મકતા એ મુક્ત દીર્ઘ કવિતાનો અનિવાર્ય ગુણ છે. મુક્ત દીર્ઘ કાવ્યમાં નાનાવિધ અનુભવોને, ગતિમયતાને પ્રસ્તુત કરવા નાટયાત્મકતા અનિવાર્ય છે. આ માટે કવિ ભાષાને અનેક સ્તરે પ્રયોજે છે. દીર્ઘ પટમાં વિસ્તરેલું કાવ્ય નાટ્યાત્મક્તાને કારણે જ એકસૂરિલું બનતું નથી. લગભગ દરેક મુક્ત દીર્ઘકાવ્ય સ્વગતોક્તિ કે એકોક્તિને રૂપે જ સર્જાયેલું છે. મુક્ત દીર્ઘ કાવ્યો પર સમૂહમાધ્યમોનો પ્રભાવ પણ જોઈ શકાય છે. સમૂહ માધ્યમોને કારણે સંવેદનમાં એકરૂપતા આવી છે. આ સમૂહમાધ્યમો કવિને સમગ્ર જગતની સંવેદનાઓ સાથે જોડી આપે છે. પરિણામે સર્જકચેતના વૈશ્વિક પ્રશ્નો સાથે જોડાય છે. પોતાના પ્રશ્નો તરફનો એનો દૃષ્ટિકોણ પણ બદલાય છે. આ સમૂહમાધ્યમોને પ્રભાવે અભિવ્યક્તિની કેટલીક નવી ટેક્નિક પણ મુક્ત દીર્ઘકવિતામાં જોવા મળે છે. યજ્ઞેશ દવે અને ઈન્દુ પુવાર જેવા કવિઓ તો આ માધ્યમો સાથે સક્રિય રીતે સંકળાયેલા છે અને એનાં રચનાતંત્રથી તેમજ કાર્યપદ્ધતિથી વાકેફ છે. એ કારણે એમનાં મુક્ત દીર્ઘ કાવ્યોને અભિવ્યક્તિની એક નવી દિશા સાંપડે છે. આ સમૂહમાધ્યમોની અસર ભાષાના ઉપયોગ પર પણ પડી છે. ચંદ્રકાન્ત ટોપીવાળાએ કહ્યું છે કે "આધુનિક યંત્રવિદ્યાના પરિણામ રૂપ વિકસેલાં સમૂહ માધ્યમોને કારણે ભાષાનો જેટલો જાહેર ઉપયોગ આજે થાય છે એટલો ભાગ્યે જ કોઈ યુગમાં થયો હશે (એટલે એનાથી અલિપ્ત રહેવું અસંભવ) આ સમૂહ માધ્યમો ઓછામાં ઓછા Noiseથી વધારે માહિતીનું પ્રત્યાયન કરવા મથે છે. જયારે એની સામે પડેલો કવિ વધારેમાં વધારે Noise પોતાની રચનામાં દાખલ કરી ઓછામાં ઓછું પ્રત્યાયન થાય, બલકે પ્રત્યાયન સિવાયના ભાષાના વિકલ્પોની ક્ષમતાઓ પ્રગટ થાય તેમ મથે છે ને એમ મથવામાં અત્યાર સુધી વિચાર, લાગણી, અનુભૂતિના કવચમાં સુરક્ષિત રહેલો કવિ જાહેરભાષાથી વિરુદ્ધની તદ્દન અંગત ભાષાને, ભાષાની સામે Antilanguage તૈયાર કરી રહ્યો છે”૪ ફિલ્મ, ટી.વી., રેડીયો, નાટક વગેરેની ખૂબીઓને મુક્ત દીર્ઘ કવિતાનો કવિ ખપમાં લે છે. આને કારણે આ કાવ્યપ્રકારને એક નવો જ આયામ સાંપડ્યો છે. મુક્ત દીર્ઘ કવિતા આધુનિક ગુજરાતી કવિતાનો નોંધપાત્ર કાવ્યપ્રકાર છે. મુક્ત દીર્ઘ કવિતા એડગર એલન પોએ નકારેલું કે, કલ્પેલું એવું ટૂંકાં કાવ્યોનું ગુચ્છ નથી. એમણે કરેલા વિધાનથી- A long poem is simply a flat confadiction in term-ચર્ચા જ હવે નિરર્થક છે કેમ કે ગુજરાતીમાં અને અન્ય ભાષાઓમાં પણ સફળ દીર્ઘ કાવ્યો છે જ. હા, એ સાચું છે કે સફળ મુક્ત દીર્ઘ કાવ્ય સર્જવું એ ખૂબ કઠિન કાર્ય છે. ડૉ. સુમન શાહે યોગ્ય જ કહ્યું છે કે "લાંબા ફલક પર પણ લાઘવ અને વ્યંજનાની અપરમ્પાર લીલાઓ સંભવિત છે. એવું સંકીર્ણ, બહુલ અને સંકુલ દીર્ઘ કાવ્યરૂપ કલાની કદાચ ધીંગી પ્રતીતિ, અનુભૂતિ કરાવે. ખરેખર તો એવું ખરું એકાદું દીર્ઘ કાવ્ય લખી બતાવવું તે કવિમાત્રની કસોટી છે"૫ મુક્ત દીર્ઘ કાવ્ય પ્રખર કવિપ્રતિભાની અપેક્ષા રાખે છે. શબ્દોના ખડકલા કરવાથી મુક્ત દીર્ઘ કાવ્ય રચાતું નથી. એ કારણે જ મોટાભાગના કવિઓ સિદ્ધહસ્ત થયા પછી જ, ટૂંકાં કાવ્યસ્વરૂપો સાથે કામ પાડ્યા પછી જ મુક્ત દીર્ઘ કાવ્યના સર્જન તરફ ગયા છે. જો કે એમાં યજ્ઞેશ દવે જેવો અપવાદ મળે છે. યજ્ઞેશ મુક્ત દીર્ઘ કાવ્યોના સર્જનથી જ ગુજરાતી કવિતામાં પ્રવેશ કરે છે. આ લેખમાં મુક્ત દીર્ઘ કવિતા અંગેના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી છે. "મુક્ત દીર્ઘ કવિતા”માં આ અને અન્ય મુદ્દાઓની ચર્ચા વિગતે કરવામાં આવી છે. સુજ્ઞ રસિકોને તે જોવા વિનંતી. આ સંપાદન તો મુક્ત દીર્ઘ કાવ્યોને એક સાથે મૂકી આપવાનો પ્રયાસ છે. આ પ્રકારનું આ પ્રથમ સંપાદન છે. આશા છે કે મુક્ત દીર્ઘ કવિતાની વિભાવના સ્પષ્ટ કરવામાં અને એના વિશે ચર્ચા જગાવવામાં આ સંપાદન નિમિત્ત બનશે.

સંદર્ભ —
(૧) ‘અષ્ટમોધ્યાય’ - સુરેશ જોશી પૃ. ૫૯
(૨) ‘ઈન્ટરવ્યૂઝ’ - યશવંત ત્રિવેદી પૃ. ૧૯૫
(૩) ‘કવિતા’ સપ્ટે-ઓક્ટો-’૭૮ યશવંત શુકલ.
(૪) ‘પ્રતિભાષાનું કવચ’ - ચંદ્રકાન્ત ટોપીવાળા.
(૫) ‘સન્નિધાન’ - સુમન શાહ - પૃ. ૬૬.

– દીપક રાવલ
તા. ૨૫-૫-૯૪
બુદ્ધ પૂર્ણિમા
ખેડબ્રહ્મા