ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/વરદાન
(ગરુડની માતા વિનતા સર્પોની દાસી હતી. સર્પોએ ગરુડને કહ્યું, અમૃતકુંભ લઈ આવ, તો જ તારી માતાને મુક્ત કરીશું. ગરુડે સ્વર્ગ પર આક્રમણ કરી અમૃતકુંભ જીતી લીધો, પણ અમૃત પોતે ન પીધું. આથી પ્રસન્ન થયેલા શ્રી વિષ્ણુ બોલ્યા, ગરુડ, વરદાન માગી લે. – મહાભારત, આદિપર્વ)
૧.
(સર્પોએ અમૃતકુંભની માગણી કરી, ત્યારે)
(અનુષ્ટુપ)
ગર્જતા હાથિયા જેવો ઘોર ઘોષ કરી રહ્યો
ગરુડ, થરક્યાં પીંછાં, ચક્ષુઓ પિંગળાં થયાં
હજી તો પાંખને વીંઝી ના વીંઝી વ્યોમચારીએ
કંઠેથી દેવતાઓના ઊડી મંદારમાલિકા
મુકુટ કોઈના ધ્રૂજ્યા, ધ્રૂજ્યાં આસન કોઈનાં
થપાટ વાયુની વાગી, સૂર્ય રાણો થઈ ગયો
૨.
(ગરુડનું સુરલોક પર આક્રમણ)
(અનુષ્ટુપ)
વિસ્તાર્યો વિનતાસુતે દેહને દિગ્દિગંતમાં
ચિચિયારી કરી ચાંચે ચાંચે સૌ ચારુગાત્રને
ચીર્યા, ઉગમણે અસ્ત થવા આદિત્ય, દક્ષિણે
દોડ્યા દિક્પાલ ને દોડ્યા ગંધર્વો-યક્ષ-કિન્નરો
કવચ પરપોટાનું વાયુએ પહેરી લીધું
વરુણ છપનોછાનો છુપાયો જઈ છીપલે
અગ્નિને આગિયાઓએ પોતાની પાંખમાં લીધો
ચીરે બારેય મેહને
રોકશે કોણ એહને?
૩.
(ગરુડને અમૃતકુંભની પ્રાપ્તિ)
અમૃત લઈને અધીર
વિહંગરાજ તરસ્યા ઊડે રે
મંદાકિનીને તીર
વિહંગરાજ તરસ્યા ઊડે રે
(અનુષ્ટુપ)
શંખ, ચક્ર, ગદા, પદ્મ, શ્રી વિષ્ણુ ત્યાં હસી રહ્યા,
‘સાવ સામે સુધાપાત્ર, બિંદુમાત્ર લીધું નહીં?
મહાપંખ, મહાવીર, માગી લે વરદાન તું?’
વિનીત સ્વરથી એમ વદતો વિનતાસુત,
પ્રભુ, આજે તમે માગી લો, આપું વરદાન હું!’
૪.
(ગરુડનું વચન સાંભળતાંવેંત)
ઘિરી આઈ રે બદરિયા સાવન કી
ખિસકોલીએ ચણીબોરનાં વાવેતર કર્યાં
દો બીઘા જમીનમાં વીસ આની પાક થયો
રામજી શેઠે કેવટને આઠ આનીનો ભાગીદાર કર્યો
મરિયમે પોસ્ટ-ઑફિસમાં જઈને અલી ડોસાને પત્ર લખ્યો
પતંગિયાએ પુંકેસરની દાંડલી ફરતે મીંઢળ બાંધ્યું
પૃથ્વીને છાંયો આપવા પારેવાએ પાંખો ફેલાવી
(૨૦૧૪)