ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/દૃશ્યથી ધીમા સ્વરોને
Jump to navigation
Jump to search
દૃશ્યથી ધીમા સ્વરોને
દૃશ્યથી ધીમા સ્વરોને લાંબું અંતર પાર કરતાં, વાર તો લાગે જ ને!
આ ગઝલ વંચાઈ ગઈ, પણ આંસુઓને કાને પડતાં વાર તો લાગે જ ને!
રીસમાં ભીનાં થઈ બિડાઈ ગયેલાં નેણ એનાં, એમ તો ક્યાંથી ખૂલે?
બોજ ઝાકળનો લઈને, પાંખડીઓને ઊઘડતાં વાર તો લાગે જ ને!
પાંખડીઓને વકાસી, સૂર્યની સામે કમળ જોયા કરે છે ક્યારનું
જે છુપાવે મોં તિમિરથી, એને અજવાળું સમજતાં વાર તો લાગે જ ને!
ઊછળી-ઊછળીને ફોરાં, વારે વારે દઈ ટકોરા, બ્હાર બોલાવી રહ્યાં
ડોકિયું કાઢીને કૂંપળ એમ કહેતી હસતાં હસતાં, ‘વાર તો લાગે જ ને!’
હા, એ કહેતા તો હતા કે વાડીનું રખવાળું કરવા ટાંકણે આવી જઈશ
એક એક પતંગિયાની પાંખમાં રંગોળી પૂરતાં વાર તો લાગે જ ને!