સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/વર્ણોની વ્યંજકતા

From Ekatra Wiki
Revision as of 14:37, 3 July 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search

વર્ણોની વ્યંજકતા

વર્ણોનું વ્યંજકત્વ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સ્વીકારે છે, પણ એ વિષયનું એનું નિરૂપણ આજે આપણને કદાચ પૂરતું સંતોષકારક ન લાગે અને એને આગળ લઈ જવાનું આવશ્યક લાગે. વર્ણોનો કાવ્યશાસ્ત્રે રસભાવવ્યંજકતા અથવા કહો કે રસભાવપોષકતાની દૃષ્ટિએ જ વિચાર કર્યો છે વ[1] અને માધુર્ય, ઓજસ, પ્રસાદ જેવા ગુણો રૂપે એની વ્યવસ્થા કરી સંતોષ માન્યો છે. અમુક પ્રકારની વર્ણરચના એણે માધુર્ય ગુણવાળી ગણી છે અને એની શૃંગાર વગેરે કેટલાક રસમાં ઉપકારકતા બતાવી છે, તો બીજા પ્રકારની વર્ણરચના એણે ઓજસવાળી ગણી છે અને એની વીર આદિ કેટલાક રસમાં ઉપકારકતા બતાવી છે. વર્ણોની આ ઘણી વ્યાપક પ્રકારની અસર છે આજના સાહિત્યમાં પણ એ સહેલાઈથી બતાવી શકાય – પણ અગત્યની વાત એ છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પણ જે-તે રસમાં જે-તે પ્રકારની વર્ણરચનાની અનિવાર્યતા બતાવતું નથી. એ હોય તો ઉપકારક થાય એટલું જ તાત્પર્ય છે. વળી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ગુણ – વિચારણામાં કેટલીક મુશ્કેલીઓ છે અને રામનારાયણ પાઠકે એનો નિર્દેશ કર્યો છે. આપણે માટે એની ચર્ચા અહીં પ્રસ્તુત નથી પણ વર્ણોની વ્યંજકતાની વાતને આધુનિક કાવ્યવિવેચનમાં વધુ નક્કર, વધુ સક્ષમ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ કે કેમ એ વિચારવું આપણે માટે પ્રસ્તુત છે. મને લાગે છે કે વર્ષોની વ્યંજકતાની વાત આપણે માટે અવશ્ય ઉપયોગી છે. વસ્તુતઃ આપણે ઘણું વર્ણરચનાપરક વિશ્લેષણ કરીએ છીએ તે વર્ણોની વ્યંજકતામાં જ સમાય. હું મારી રીતે વર્ણોની વ્યંજકતાનાં થોડાં ઉદાહરણો આપું. બળવંતરાય ઠાકોરના ‘ભણકારા’ની ‘તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મારી’ એ પંક્તિમાંના ‘પડે ઊપડે’ની વર્ણરચનામાં નાવની ઊંચી – નીચી ગતિ મૂર્ત થતી હોવાનું આપણા વિવેચનને લાગ્યું છે પણ તે કેવી રીતે તે બરાબર સમજાવી શકાયું નથી. વસ્તુતઃ અહીં ભાષાવિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો ‘એ’ ‘ઊ’ ‘એ’ એ જીભના ઉચ્ચ-નિમ્ન-ઉચ્ચ સ્થાનથી ઉચ્ચારાતા સ્વરની યોજના છે, જે ઊંચી – નીચી ગતિને મૂર્ત કરી શકે છે. આવું જ ઉદાહરણ બાલમુકુન્દ દવેના ‘નદીકાંઠે સૂર્યાસ્ત’ એ કાવ્યમાં મળે છે. એમાં એક પંક્તિ છે – ‘સરપ સરકે, મત્સ્યો કૂદે, હલે જલકાચબો’ ‘મત્સ્યો કૂદે’માં ઊછળતા મત્સ્યના ધ્વનિચિત્રનો આભાસ નથી થતો? જોઈ શકાય છે કે અહીં પણ ‘ઓ’ ‘ઊ’ ‘એ’ એવી ઉચ્ચ-નિમ્ન-ઉચ્ચ સ્વરની યોજના છે. ‘સરપ સળકે’ની વર્ણધ્વનિની રચનામાં પણ સર્પના સળકવાનો આભાસ આપણને થાય છે, પણ એ તો આપણી ભાષાનાં ‘સર(વું)’ અને ‘સળક(વું) એ ક્રિયાપદોને કારણે. જેમને આપણે રવાનુકારી તરીકે ઓળખાવીએ એવાં એ ક્રિયાપદો છે. ‘સરવું’ એના ધ્વનિથી જ સરવાની ક્રિયાનો બોધ કરાવે છે અને ‘સળકવું’ એના ધ્વનિથી જ સળવળાટનો બોધ કરાવે છે. ઉમાશંકર જોશીના ‘શૂરસંમેલન’ની નીચેની ચાર પંક્તિઓએ વર્ણ-રચનાની દૃષ્ટિએ તપાસવા જેવી છે :

મહા દળ દળાય, ને તુમુલ જુદ્ધ ગર્જી ઊઠે,
ફૂટે ગગન ચાટતો જટિલ ઝાળ જ્વાળામુખી.
ઘણા યુગથી ઘોરતો વિકટ કાળ ત્રાડી રૂઠે,
કરાલ ક્રૂર દંષ્ટ્રમાં ઝડપી વીર જાતો ભખી.

અહીં ઓજોગુણયુક્ત વર્ણનરચના છે અને એ નિરૂપિત ભયાનક રસને પુષ્ટ કરે છે એટલું તો સંસ્કૃત કાવ્યશાસ્ત્ર જરૂર કહે, પરંતુ વર્ણરચનાનું એથી આગળ વિશ્લેષણ એ ન કરે. આજે આપણે વધારે ચોક્કસ રીતે કહી શકીએ કે થડકારાવાળા કે પ્રકંપી ‘ળ’ ‘લ’ ને ‘૨’, મૂર્ધન્ય ‘ટ’ તથા સ્પર્શ-સંઘર્ષી ‘જ-ઝ’ આ બધા વર્ણધ્વનિઓનું આવર્તન તોડફોડભર્યા કઠોરકર્કશ યુદ્ધવાતાવરણને મૂર્ત કરવામાં અસાધારણ ફાળો આપે છે. આપણે એવું પણ નોંધીએ કે ‘મહા દળ દળાય’માં ‘આ’ ને ‘ળ’નાં આવર્તન એક મોટી ઘંટી ફરતી હોય એવો આછો અણસારો આપે છે અને ‘કરાલ ક્રૂર દંષ્ટ્ર’માં ‘ર’નું આવર્તન અને એમાંયે જોડાક્ષર રૂપે આવતો ‘૨’ જાણે કશુંક દાઢમાં ભચરડાતું હોય એવો ભાસ કરાવે છે.

એ જ રીતે,

આ અનિલની લહરે લહરે,
આ ગિરિગિરિઓની કુહરે,
કે મુખરિત નિઃશ્વાસો આ કોના
પ્રાણે કંપ જગાવે?

એ સ્નેહરશ્મિના ‘કોણ ફરી બોલાવે?’ની પંક્તિઓમાં પ્રકંપી ‘૨’નું પ્રચુર આવર્તન અનિલની ફરફર અને કંપના ભાવને ઉઠાવ આપે છે એમ આપણે કહીશું.

અને,

રે ‘જા મા! જા મા’ એવાં
આ ઘરઘરનાં સૌ નેવાં,
છલછલ થાતાં હીબકાં લેતાં
વચનો કેણ સુણાવે?

એ પંક્તિઓમાં અનુસ્વાર અને અનુનાસિકતાની પ્રચુરતા ટપકતાં નેવાં ને હીબકાંના ધ્વનિને પોષક નથી શું? જોઈ શકાય છે કે વર્ણરચનાને જે અર્થો વ્યક્ત કરતા આપણે અહીં બતાવ્યા છે એ કાવ્યવસ્તુગત અર્થો છે, ભાવ કે રસગત અર્થ નથી સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો એ વસ્તુધ્વનિ છે, રસધ્વનિ નથી. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર વર્ણરચનાને રસધ્વનિનો પ્રદેશ જ ગણે છે, વસ્તુધ્વનિનો નહીં. એનાથી આપણે અહીં આગળ ગયા છીએ એમ કહેવાય. વર્ણરચનાલક્ષી વિશ્લેષણમાં સાહસને ઘણો અવકાશ છે અને આપણા વિવેચનમાં એના દાખલા જડવા મુશ્કેલ નથી. વર્ણરચનાનું કેવળ છાપગ્રાહી વિવેચન થાય છે અને વર્ણરચના પર પોતાને ઇષ્ટ અર્થોનું આરોપણ કરવાનું બની જાય છે. વર્ણરચનાના વિશ્લેષણમૂલક વિવેચનમાં ઉચ્ચારશાસ્ત્રીય આધારો શોધવામાં આવે તો જ આ ભયસ્થાનોમાંથી બચી શકાય. છંદોલય પણ વર્ણરચનાની જેમ કાવ્યાર્થ કે કાવ્યભાવને ઉપકારક થઈ શકે છે. પણ એ નોંધવું જોઈએ કે, ધ્વનિકારની ધ્વનિવ્યવસ્થામાં એને સ્થાન નથી.


  1. ર્ણોની રસ-વ્યંજકતા એ આનંદવર્ધનના ધ્વનિભેદો માંહેનો એક ભેદ છે. પણ અભિનવગુપ્ત યોગ્ય રીતે સ્પષ્ટતા કરે છે કે વર્ણોથી રસાભિવ્યક્તિ થતી નથી, એ તો વિભાવાદિથી જ થાય છે. વર્ણોનું રસાસ્વાદમાં સહકારિત્વ હોય છે, સંગીતની પેઠે, (જુઓ ધ્વન્યાલોક, ૩.૪ તથા તે પરની લોચન-ટીકા)