સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કવિકર્મની અનંતતાનું દિગ્દર્શન

Revision as of 16:27, 3 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)

કવિકર્મની અનંતતાનું દિગ્દર્શન

ધ્વનિના ભેદો-પ્રભેદોની કાવ્યશાસ્ત્રે ગૂંથેલી જાળ જોઈને એવો પ્રશ્ન થવાનો જરૂર સંભવ છે કે આ બધો કેવળ બૌદ્ધિક વ્યાયામ નથી શું? એની પ્રસ્તુતતા શું? વળી આનંદવર્ધન કહે છે કે આ તો દિગ્દર્શનમાત્ર છે. ધ્વનિનાં એના પોતાના પ્રભેદો, ગુણીભૂતવ્યંગ્ય અને અલંકારો સાથે મિશ્રણો થઈ શકે છે અને એ રીતે ધ્વનિના અસંખ્ય પ્રકારો અસ્તિત્વમાં આવે છે. (૩.૪૩) આવાં મિશ્રણોના નમૂના રૂપે એ થોડા દાખલા પણ આપે છે. પણ છેવટે તો આ કવિકર્મની અનંતતાનું દિગ્દર્શન છે. આનંદવર્ધન કહે છે કે આ ધ્વનિનિરૂપણની નિપુણતાથી સત્કવિઓ કાવ્યરચનાની ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે અને સહૃદયો કાવ્યનો ઉત્કૃષ્ટ અવબોધ કરે છે. (૩.૪૫) ધ્વનિનો માર્ગ કવિના પ્રતિભાગુણને અનન્તતા અર્પે છે. (૪.૧) કેમ કે ધ્વનિના એક યા બીજા પ્રકારના આશ્રયથી પુરાણા અર્થ એટલે કે વિષયવાળી કવિવાણી પણ નૂતનતા ધારણ કરે છે. [1] આનંદવર્ધન પોતાની આ વાત તુલનાત્મક દૃષ્ટાંતો લઈને સ્થાપિત કરે છે. વળી કહે છે કે આમ તો કાવ્યવિષયો જ અનંત છે કેમ કે જગતમાં દેશ, કાળ, અવસ્થા, સ્વરૂપ વગેરેના ભેદને કારણે વાચ્ય અર્થ પોતે જ અનંત રૂપે આપણી સમક્ષ આવે છે. (૪.૭) એમાં પાછો ઉક્તિવૈચિત્ર્ય અને રસાદિનો આશ્રય લેવામાં આવે તો કાવ્યાર્થોને એક જુદી જ અનંતતા પ્રાપ્ત થાય છે – એવી કે હજારોના હજારો બૃહસ્પતિઓ એને શબ્દબદ્ધ કરવાનો પ્રયત્ન કરે તોયે એ અનંતતા કદી ખૂટતી નથી. (૪.૮-૧૦) પ્રિયાના વિભ્રમોની પેઠે સુકવિવાણીના અર્થોને કોઈ સીમા નથી, એ કદી પુનરુક્ત થતા નથી. [2] આનંદવર્ધનની આ વાત કંઈ કાવ્યરસજ્ઞોના અનુભવ બહારની નથી. કન્યાવિદાય તો ભારતીય સમાજનો એક કેવો ચિરપરિચિત વિષય છે? પણ કાલિદાસ, બોટાદકર કે અનિલ જોશીને હાથે એ કેવાં નવાંનવાં રૂપ ધરે છે! એમાં દેશકાલઅવસ્થાદિના ભેદ તો છે જ – કાલિદાસમાં વનવાસિની ઋષિકન્યાની વિદાય છે, જ્યારે બોટાદકર તથા અનિલમાં એક સામાન્ય ગ્રામકન્યાની વિદાય છે. કાલિદાસ અને અનિલ કન્યાવિદાયની ઘટનાને જ પ્રત્યક્ષ રીતે આલેખે છે, જ્યારે બોટાદકર કન્યાવિદાય પછીની ક્ષણને પકડે છે. પણ આ ઉપરાંત અભિવ્યક્તિરીતિઓનો પણ મહત્ત્વનો ભેદ છે. કાલિદાસની નાટ્યકૃતિ છે, એમાં સ્વલ્પ કવિવર્ણન સાથે વિવિધ પાત્રોની ઉક્તિઓ રજૂ થાય છે, જ્યારે અનિલ કેવળ પરલક્ષી કવિનિરૂપણનો આશ્રય લે છે – પાત્રોદ્ગારને એમાં બિલકુલ સ્થાન નથી. બોટાદકરનું કાવ્ય માતાના મુખમાં મુકાયેલું છે – એમાં માતાની નજરે કન્યા આલેખાય છે અને માતાની લાગણીઓ અભિવ્યક્ત થાય છે. ધ્વનિસિદ્ધાંતમાં કવિપ્રૌઢોક્તિ અને કવિનિબદ્ધપાત્રપ્રૌઢોક્તિનો જે ભેદ કરવામાં આવ્યો છે અને આધુનિક વિવેચનમાં આપણે કથનકેન્દ્રની જે ચર્ચા કરીએ છીએ તે અહીં પ્રસ્તુત બને. હજુ આગળ જઈને વિચારીએ ત્યારે દેખાય છે કે કાલિદાસ અને બોટાદકરમાં ભાવસૃષ્ટિની અભિવ્યક્તિ અભિધાનિષ્ઠ છે, જ્યારે અનિલે લક્ષણાનો આશ્રય કરીને ચિરપરિચિત ભાવોની અપૂર્વ વેધકતા સિદ્ધ કરી છે. કાવ્યના અભ્યાસીઓને આમ તુલનાનો વિષય બનતી અને કવિકર્મની નૂતનતાનું દર્શન કરાવતી બહુસંખ્ય રચનાઓ યાદ આવશે. ધ્વનિસિદ્ધાંત આવા અખૂટ કવિકર્મના અનન્ય, અદ્ભુત ઉદ્ઘાટન સમો છે. આનંદવર્ધન એને કાવ્યોદ્યાનના કલ્પતરુ સમાન લેખવે છે [3]એમાં અતિશયોક્તિ નથી, પણ કલ્પવૃક્ષ જ. આપણે એની નીચે બેસીને ચિંતવન તો કરવાનું હોય છે. ધ્વનિસિદ્ધાંત બેઠો ને બેઠો આજે કામ આવી જાય એવું ન માની શકાય પણ અભ્યાસ અને ઊંડા વિચારથી કવિકર્મને પરખવાનાં ઘણાં ઉપયોગી સૂચનો આપણને એમાંથી મળશે એવો વિશ્વાસ એ આપણા મનમાં જરૂર જન્માવે છે.


  1. ૧૧. અતો હ્યન્યતમેનાપિ પ્રકારેણ વિભૂષિતાઃ ।
    વાણી નવત્વમાયાતિ પૂર્વાર્થાન્વયવત્યપિ ॥ ૪.૨ ||
  2. ૧૨. ન ચ તેષાં ઘટતે અવધિ ન ચ તે દૃશ્યન્તે કથમપિ પુનરુક્તાઃ ।
    યે વિભ્રમાઃ પ્રિયાણામર્થા વા સુકવિવાણીનામ્ ॥
    (૪.૭ વૃત્તિ)
  3. ૧૩. ઇત્યક્લિષ્ટરસાશ્રયોચિતગુણાલક્કારશોભાભૂતો
    યસ્માદ્વસ્તુ સમીહિતં સુકૃતિભિઃ સર્વ સમાસાદ્યતે ।
    કાવ્યાખ્યેઽખિલસૌખ્યધામ્નિ વિબુધોધ્યાતેધ્વનિદેશિતઃ
    સોઽયં કલ્પતરૂપમાનમહિમા ભોગ્યોઽસ્તુ ભવ્યાત્મનામ્ ॥
    (૪.૧૭ વૃત્તિ)