સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/સંસ્કૃત કાવ્યશાસ્ત્રની મર્યાદા
સંસ્કૃત કાવ્યશાસ્ત્રની મર્યાદા
અને છતાં, ફરીને કહું કે, આજના આપણા સાહિત્યવિવેચનની સઘળી જરૂરિયાતો સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પૂરી પાડી દે એ કંઈ શક્ય નથી. કેટલાંક આધુનિક કવિકર્મો અને કાવ્યરૂપોને સમજાવવામાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર ઊણું ઊતરે અને આપણે અન્ય ઓજારોનો આશ્રય લેવાનો થાય એવું બને. સંસ્કૃત સાહિત્યના પણ સર્વ આવિર્ભાવોને આ કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતો વ્યાપે છે કે કેમ એ પ્રશ્ન છે. બાણ જેવાની ગદ્યકથાઓને રસ કે ધ્વનિના સિદ્ધાંતોથી ક્યાં સુધી સમજાવી શકાય એ પ્રશ્ન છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર રચનાપરક છે, કાવ્યમાં ધબકતા જીવનને અને કાવ્યના જીવનવાસ્તવ સાથેના સંબંધને એ વિચારતું નથી એવી ફરિયાદો છે અને એ ખોટી છે એવું કહેવાય એવું નથી. એટલે આજે કાવ્યવિવેચનની જે અનેક દિશાઓ ઊઘડી છે એને મુકાબલે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની મર્યાદા સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રને બદલે અંગ્રેજી રોમૅન્ટિક યુગની વિવેચનની શૈલીને વળગી રહેવામાં આજના ગુજરાતી વિવેચનની મોટી દિશાભૂલ છે એવું કહેનાર હરિવલ્લભ ભાયાણી પણ કાવ્યશાસ્ત્રની ઉપયોગિતા વિશેષે કરીને ઊર્મિકાવ્ય પૂરતી હોવાનું સૂચવે છે એ નોંધપાત્ર છે.