અર્વાચીન કવિતા/કવિ નર્મદાશંકર લાલશંકર

From Ekatra Wiki
Revision as of 04:31, 8 July 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big>'''નર્મદાશંકર લાલશંકર'''</big><br> '''[૧૮૩૩ - ૧૮૮૬]'''</center> {{Poem2Open}} કેફ (૧૮૫૫), લલિતા (૧૮૫૭), સાહસ દેસાઈ (૧૮૫૮), વૈધવ્યચિત્ર (૧૮૫૯) સ્વતંત્રતા (૧૮૫૯), ગોપીગીત, રુક્મિણી હરણ (૧૮૬૦), ઋતુવર્ણન (૧૮૬૧), વજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નર્મદાશંકર લાલશંકર
[૧૮૩૩ - ૧૮૮૬]

કેફ (૧૮૫૫), લલિતા (૧૮૫૭), સાહસ દેસાઈ (૧૮૫૮), વૈધવ્યચિત્ર (૧૮૫૯) સ્વતંત્રતા (૧૮૫૯), ગોપીગીત, રુક્મિણી હરણ (૧૮૬૦), ઋતુવર્ણન (૧૮૬૧), વજેસંગ ને ચાંદબા (૧૮૬૧–૬૩), વનવર્ણન, પ્રવાસવર્ણન, શૂરવીરનાં લક્ષણો, નર્મટેકરી પરના વિચારો, જીવરાજ (૧૮૬૨), હિંદુઓની પડતી (૧૮૬૩–૬૬), અનુભવલહરી (૧૮૬૪), કુમુદચંદ્રપ્રેમપત્રિકા, રુદનરસિક, સૂરત (૧૮૬૫), વીરસિંહ (૧૮૬૭), અદ્દભુત યુદ્ધ (?), નર્મકવિતા (૧૮૬૬-૬૭). ગુજરાતી કવિતામાં અર્વાચીનતાનો શુદ્ધ આવિષ્કાર નર્મદથી શરૂ થાય છે. તે પોતાની કવિતાનો પ્રારંભ જૂની ઢબથી કરે છે. પરંતુ તેનો અભ્યાસ તેને સંસ્કૃત અને વિશેષ અંગ્રેજી સાહિત્યના પરિચયમાં મૂકી, તેની પાસે કવિતાની ભાવનામાં અને વિષયમાં નવાં અને મહાન પ્રસ્થાન કરાવે છે.

નર્મદની રસદૃષ્ટિ અને કળાશક્તિ

જૂની ઢબની, શબ્દ અને અર્થની ભાખારીતિની ચમત્કૃતિ તેને આકર્ષી શકતી નથી. જોકે દલપતરામની સાથે સરસાઈ જાળવવા તેણે આ બંનેને સિદ્ધ કરવા થોડાક પ્રયત્નો કરેલા, છતાં એ બંને બાબતમાં પોતાની અણઆવડતને કારણે, દલપતરામ જેટલી તાલીમને અભાવે, શ્રમ લેવાની બેપરવાઈને કારણે પણ વિશેષે કરીને તો ‘જોસ્સા’ની રસદૃષ્ટિ અનુસરવાના મહોત્સાહને કારણે બેમાંથી એકે ચમત્કૃતિને તેની રચનાઓમાં સ્થાન મળ્યું નથી. નર્મદ કવિતામાં રસની ચમત્કૃતિને જ પ્રથમ અને પરમ સ્થાન આપે છે એ કવિતાની ભાવનાની બાબતમાં તેનું મોટું પ્રસ્થાન છે. કવિતાના વિષયોમાં તેણે જૂના પ્રવાહને અનુસરવા ઉપરાંત ત્રણ નવા વિષયો આપ્યા : પ્રકૃતિ, પ્રીતિ, અને સ્વદેશપ્રેમ. આમ કવિતાક્ષેત્રમાં એક મોટા પ્રારંભકાર તરીકે નર્મદનું ઘણું મહત્ત્વ છે. નર્મદની કવિતાપ્રવૃત્તિની કરુણતા એ છે કે તેણે શબ્દઅર્થની ચમત્કૃતિઓનો નિષેધ તો સ્વીકાર્યો, પરંતુ રસની ચમત્કૃતિનો સાચો કીમિયો શો છે તે તેને કદી હાથ આવ્યું નહિ. નર્મદમાં વિચારશક્તિ છે, કળાનાં તત્ત્વોને બૌદ્ધિક પૃથક્કરણથી પકડવા મથે છે, પણ કળાનું સૂક્ષ્મ રસાયણ તેના સર્જનવાંછુ અંતઃકરણને ગમ્ય કે લભ્ય નથી થતું. તમામ પ્રાચીન કવિઓ કરતાં કળા અને રસની બાબતમાં તે પોતાની સરસાઈ જુએ છે તેનું કારણ તેનો મહાન અહંકાર નહિ, પણ કાવ્યના શબ્દાર્થ અને વસ્તુસામગ્રીનો વિન્યાસ વગેરે ક્યારે રસદ્યોતક બને, ક્યારે રસત્વને પ્રાપ્ત કરે તે સમજવાની પ્રાથમિક શક્તિનો જ તેનામાં રહેલો અભાવ છે. દલપતકવિતા જેમ આપણા સામાજિક જીવનના ઐતિહાસિક દસ્તાવેજ જેવી છે તેવી રીતે નર્મકવિતા કવિના એ કવિતાલેખન દરમિયાનના ચૌદ વરસના ગાળાના આંતરજીવનના અનુલેખ જેવી છે. નર્મદના વ્યક્તિત્વનું પહેલું અને મોટું લક્ષણ આત્મલક્ષિતા છે. નર્મદનાં પરલક્ષી કાવ્યોનું મૂળ પણ કોઈક ને કોઈક સ્વાનુભવમાં હોય છે. એટલે આખી નર્મકવિતા નર્મદના ભાવાવેગોનો, નિરાશા, આશા, ઉત્સાહ, મંદતા, વિષાદ વગેરેનો ગુજરાતી કવિતામાં અપૂર્વ એવો એક આલેખ આપે છે. નર્મદની કવિતામાં કાવ્યની રંગભૂમિ ઉપરના પ્રત્યક્ષ રસ કરતાં તેના નેપથ્યમાં ચાલતા વ્યાપારોનો રસ વિશેષ આકર્ષક છે. એ રીતે નર્મકવિતા કવિના મનોનેપથ્યની, તેની આત્મકથાના જેટલા જ મહત્ત્વવાળી નોંધપોથી છે.

નર્મકવિતાનો ઉદયાસ્ત કવિતા કહેવાનો, કવિતામાં જીવવાનો, કવિતાથી જગતને જીતવાનો, તથા કવિતાને પોતાનું જીવનસર્વસ્વ બનાવવાનો, પોતાના એકેએક સંવેદનની, વિષાદ અને ઉત્સાહ, પ્રણય અને વિરાગની તેને નિકટતમ સહચારી બનાવવાનો પ્રયત્ન નર્મદ જેટલો ભાગ્યે જ અન્ય કોઈએ કર્યો હશે. પરિણામે ઘણા અલ્પ કાળમાં તે દલપતરામ જેટલો અને ‘ઘણામાં ઘણું સામળ, પ્રેમાનંદ ને દયારામ તેની કવિતાના સંગ્રહના અર્ધ બરાબર’ જથો તે લખી નાખે છે. જેની સાથે સરસાઈના તેને કોડ હતા તે દલપતરામના જેટલું કાવ્ય તે લખે છે, એટલું જ નહિ પણ ગુજરાતના પ્રાચીન કવિઓની રીતે, તથા અંગ્રેજી અને સંસ્કૃતના કવિઓની રીતે, જે દ્વારા તે ગુજરાતી કવિતાને પ્રથમ અભિનવ પ્રસ્થાન કરાવે છે તે રીતે પણ પુષ્કળ કાવ્ય લખી, પોતાનાં પાંડિત્ય વિદ્યા જ્ઞાન ઇત્યાદિનું સાફલ્ય અનુભવે છે. આમ બહારના કવિઓની પ્રેરણા કરતાં યે તેનાં કાવ્યોનો વિશેષ સાચો ઉદ્‌ગમ તો તેની પ્રકૃતિ છે. એ પ્રકૃતિએ પોતાના આવિષ્કાર માટે જેટલો વખત કાવ્ય અનુકૂળ દેખાયું તેટલો વખત તેને વાપરીને પછી, જેટલા બળથી તેનો સ્વીકાર કર્યો હતો તેટલા જ બળથી તેનો ત્યાગ પણ કરી દીધો. પોતાની કવિતાના વ્યાપારની નિઃસારતા તેણે જ અનુભવી અને તેની હંમેશની નિખાલસ રીતે તેને જાહેર કરી કવિતાને સંકેલી લીધી, અથવા કહો કે આપોઆપ સંકેલાઈ ગઈ, તે ગુજરાતી કવિતાના ઇતિહાસમાં, તેણે કલમને ખોળે માથું મૂકયું એ ઘટનાના જેટલા જ મહત્ત્વવાળી ઘટના ગણાય. નર્મદની કવિતાનો કાળ ૧૮૫૫ અને ૧૮૬૭ની વચ્ચેનો રહેલો છે. ૧૮૬૭ પછીના લગભગ વીસ વરસના લાંબા ગાળામાં નર્મદે ઘણી ઓછી કવિતા લખી છે. એનાં કારણોમાં તેને પડવા માંડેલી પૈસાની ખૂબ તંગી, તેણે શરૂ કરેલી સંશોધન અને ઇતિહાસલેખનની વિશાળ પ્રવૃત્તિઓ અને તેનું પલટાતું જતું માનસ એ મુખ્ય છે. આર્થિક ભીડ છતાં તેની કવિતા તો ચાલુ રહી શકી હોત, કારણ કે આ પૂર્વે પણ કોઈ પ્રકારની ઊર્મિને કવિતામાં ઠાલવી દેવાને તે હંમેશાં તત્પર દેખાયો છે. પરંતુ આ ત્રીસ-પાંત્રીસ વરસના જીવનમાં તેને જીવન અને જગતનો જે અનુભવ થયો, અને તેણે સુધારક તરીકેના ધર્મનો જેને લીધે ત્યાગ કર્યો, એ બધું તેના આખા ઊર્મિતંત્રને પલટાવી નાખે તેવું હતું, અર્થાત્‌ જેવી રીતે તેને સુધારક તરીકેની પોતાની ભૂતકાળની વિચારણામાંથી વિશ્વાસ ઊઠી ગયો તેવી રીતે જ તેને ભૂતકાળમાં સેવેલી ઊર્મિઓ પ્રતિ પણ ઉદાસીનતા આવી ગઈ. જોકે તે જીવનના અંત સુધી ઊર્મિવશ, પૈસાને કારણે હમેશાં વ્યગ્ર અને રિબાતો રહે છે, પરંતુ એની એ ઊર્મિઓને કાવ્યમાં મૂકવામાં તેને કશું સારસ્ય દેખાતું નથી. પોતાની કવિતા વિશે તે હમેશાં ગર્વિષ્ઠ રહેલો છે તેમ છતાં તેની નિરર્થકતાનો એવો એકરાર પણ તેણે એક કાવ્યમાં કરેલો છે.* [1]

નર્મકવિતાના ત્રણ વિભાગ : પહેલો : પ્રાચીન પ્રણાલિનાં કાવ્યો

નર્મદનાં કાવ્યોને તેમના વિષયની દૃષ્ટિએ ત્રણ વિભાગમાં મૂકી શકાયઃ પ્રાચીન પ્રણાલિના વિષયો, દલપતરામના સંસારસુધારાના તથા વ્યાવહારિક પ્રકારના વિષયો, અને તેણે પોતે પ્રથમ વાર સ્પર્શેલા વિષયો. ગુજરાતી કવિતામાં શુદ્ધ આત્મલક્ષી કાવ્યો લખવાનું નર્મદથી શરૂ થાય છે, અને તેના લગભગ પ્રત્યેક કાવ્યની સાથે તેનું કંઈક ને કંઈક અંગત સંવેદન કે પ્રયોજન સંકળાયેલું છે, છતાં એમાંથી નર્યાં પરલક્ષી યાને વસ્તુલક્ષી કાવ્યો પણ બન્યાં છે. ઉપર નોંધેલા ત્રણ વિભાગોમાં બંને પ્રકારનાં કાવ્યો મળી આવે છે. નર્મદનાં કાવ્યોનું કાલાનુક્રમે નિરીક્ષણ કરવાથી તેનો શૈલીવિકાસ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. દલપતરામથી તદ્દન ઊલટી રીતે નર્મદ કાવ્યકળાની જરાકે તૈયારી વિના કાવ્યારંભ કરે છે. એ કાવ્યકળા કદી ય પૂર્ણતા તો ધારી શકતી નથી, પરંતુ તેના છંદ, ભાષા અને નિરૂપણ ક્રમે ક્રમે વધારે શુદ્ધ, પ્રૌઢ અને કંઈક શ્લિષ્ટ બનતાં જાય છે. કાવ્યસમગ્રની સુરેખતાની દૃષ્ટિ કે શક્તિ દલપતરામની પેઠે નર્મદ પણ અલ્પ જેવી જ ધરાવે છે. જોકે દલપતરામ તેમનાં મુક્તકોમાં કે ટૂંકાં ગીતો-પદો વગેરેમાં જેટલી સુરેખતા સાધી શકે છે તેટલી પણ નર્મદ સાધી શકતો નથી, છતાં આમાં ક્યાંક સુખદ અપવાદ મળી આવે છે. નર્મદે પ્રાચીન પ્રણાલિના વિષયો લઈને લખેલાં કાવ્યો તેમની કુલ સંખ્યાના ચોથા ભાગ જેટલાં (બસોથી વધારે પૃષ્ઠ) છે. નર્મદ અર્વાચીન કવિતાનો પ્રથમ કવિ ગણાય છે, પણ પ્રાચીન કવિતા સાથે તેણે જે અનુસંધાન જાળવેલું છે તે લક્ષમાં રાખવા જેવું છે. નર્મદ કાવ્ય લખવાની શરૂઆત કરે છે તે પણ જૂની રીતનાં ભજનો રૂપે. નર્મદનો જૂના કવિઓનો અભ્યાસ ખાસ નોંધપાત્ર છે. અને તેણે તેમના કરેલા વિવેચનમાંથી દલપતરામમાં કદી ન દેખાયેલો એવો કાવ્યતત્ત્વને સમજવાનો મોટા ભાગે સાચો અને પ્રશસ્ય કહેવાય તેવો ઉત્સાહભર્યો પ્રયત્ન જણાઈ આવે છે. નર્મદ આ રીતે આપણો પ્રથમ કવિવિવેચક પણ બને છે. એ વખતના રિવાજ પ્રમાણે નર્મદે ‘હિંદવી ભાખા’માં પણ લખ્યું છે, પણ તે ન જેવું જ છે. છૂટક પચીસેક પદોથી તેણે વિશેષ લખ્યું નથી, જેમાંથી એક ‘નીતિ પનઘટ મોહે જાને દે મૈયા’ કંઈક ધ્યાન ખેંચે તેવું છે. આ ભાષાનો નર્મદનો અભ્યાસ કે કાબૂ દલપતરામ જેટલો નથી.

જ્ઞાન-વૈરાગ્યનાં પદો

એણે જ્ઞાન વૈરાગ્ય નીતિ ઉપદેશ વગેરેનાં બસોએક છૂટક પદો લખેલાં છે. આ પદોમાં એણે જૂના રાહ તથા વિષયો લેવા છતાં એની શૈલી તો પોતાની લાક્ષણિક જ રહી છે. અને એ લાક્ષણિકતા તે જૂની ભાષામાં તળપદાપણું છતાં જે ઔચિત્ય અને સંવાદિતા હોય છે તેના લગભગ સાર્વત્રિક અભાવમાં જ છે; છતાં એનાં બીજાં કાવ્યોમાં જેટલી ક્લિષ્ટતા છે તે અહીં નથી. આ કાવ્યોમાં નર્મદે પોતાના ઘણા ભાવો સીધા આત્મલક્ષી રૂપે મૂકેલા છે, જે તેની વિષમ કરુણ સ્થિતિના સાચા ઉદ્‌ગારો છે. તેનાં ‘ટકટક જોયા કરવું બળદિયા’, ‘આ શા હાલ છે માહરા’ પદોમાં કેટલુંક બળ છે. ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’નું જાણીતું પદ પણ અહીં છે; જોકે એમાં ય રચનાનું બેડોળપણું તથા કવિની ટેઢાઈ તો છે જ. નર્મદે પોતાના પિતાને અંગે લખેલાં ચાર પદો સારાં છે. કેવળ પરલક્ષી પદો પણ આમાં ઘણાં છે. પણ એમાં મુકાયેલી નીતિમાં અનુભવનો કે દ્રષ્ટાનો રણકો નથી, તેમાંની ઈશ્વરભક્તિમાં સાચો ઉમળકો નથી. કેટલાક છૂટક ઉદ્‌ગારોમાં તેની ભાષા શ્લિષ્ટ બને છે. જેમકે,

જૂઠિ જુબાનીતણા સરકણા રાહ ૫ર
બેફિકર દોડતો આંહિ તાંહીં,
અદૃશ્ય હાથ તુજ ઝાલિ આણે મને
મોટિ સંભાળથી નીતિમાંહી.

આ સુરેખ કલ્પનાવાળી ઉક્તિ ચોથા ચરણમાં સાવ પ્રાકૃત થઈ જાય છે. આ ઉપદેશપ્રધાન વિષયમાં તેની સૌથી સારી કૃતિ ‘અનુભવલહરી’ છે. આમાં કવિએ અખાના છપ્પાની શૈલી લીધી છે, અને તેમાં કેટલીક વાર અખા જેવી ચોટ પણ સાધી છે. રચના સીધી છે, અને તેથી અસરકારક છે. કેટલાંક દૃષ્ટાંતો અખા જેવાં જ તેણે ઉપજાવ્યાં છે. જેમકે,

રે નર્મદ અંધારી રાત, તેને મળતી તારી જાત!
...સહૂ સગૂં, સારાનું ભાઈ, સુંઘે ન કો કરમાઈ જાઈ.
...ટૂંકી લાંબી રાત જ હોય, તો પણ વ્હાણૂં વાયૂં જોય

.

આ જ પ્રકારમાં બેસે તેવો તેનો એક બીજો નાનકડો કાવ્યગુચ્છ ‘નર્મ ટેકરી અને તે પર કરેલા વિચારમાંના કેટલાક’ એ નામનો છે. તેનું મહત્ત્વ અર્વાચીન કવિતાની રીતના વિચારપ્રધાન પ્રથમ કાવ્ય તરીકે વિશેષ ગણાય. નર્મદનાં આ કાવ્યોમાં જૂની જ્ઞાન-વૈરાગ્ય ઢબની રીતે જીવનની ભાવનાઓ અને સ્થિતિ વિશે કેટલુંક સાધારણ ચિંતન છે. પણ તેમાં ‘સુખ’ મથાળા હેઠળ કવિએ પોતાની સુખભાવનાનો જે ચિતાર આપ્યો છે તે કવિના મનોજગતનો એક અચ્છો આલેખ છે : કુદરત વાડી સારી ઘણી, તન ગાડી બે ધોડાતણી, કવિતા લાડી નર્મદ રાજ, ખરી મોજ કરતો તે આજ. કોઇ હોયે હાલે મસ્ત, કોઇ હોયે માલે મસ્ત, કોઇ હોયે ઇશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત. ખૂશામતિયા જેને નહીં, દુશ્મન ખોટા મિત્રો નહીં, રોગી ને લોભી જે નહીં, નર્મદ તે સુખિયો છે અહીં. – વર્ણનાત્મક કાવ્યો તેણે પ્રાચીન ઢબમાં કેવળ પરલક્ષી એવાં લાંબાં વર્ણનાત્મક કાવ્યો પણ લખ્યાં છે. જેમાં ‘ગોપીગીત’ ‘રુક્મિણીહરણ’ ‘વજેસંગ ને ચાંદબા’ તથા ‘અદ્‌ભુત યુદ્ધ’ આવે છે. ‘ગોપીગીત’ ભાગવતમાંની રાસપંચાધ્યાયીમાંથી થોડાક ભાગનો અનુવાદ છે, અને નર્મદના પ્રમાણમાં સારો કહેવાય તેવો છે. સંસ્કૃતમાંથી થયેલા ગુજરાતી અર્વાચીન અનુવાદોમાં આ કદાચ પહેલો હશે. ‘રુક્મિણીહરણ’ હરદાસની કથા માટે લખાયેલું નાનકડું આખ્યાન છે, પણ તેમાં જૂના વિષય સિવાય, બીજું કશું જૂનું નથી. તેમાં છંદો, કથાનકની રજૂઆત, ઉપમાઓ અને શબ્દો બધું જ કઢંગું છે. ગીતિ જેવા મુક્તકયોગ્ય છંદને વર્ણન માટે વાપર્યો છે. રુક્મિણીને બકરી અને કૃષ્ણને તેને ખાઈ જનાર સિંહની ઉપમા આપી કાવ્યની સમાપ્તિ કરી છે! ‘અદ્‌ભુત યુદ્ધ’ આ કરતાં વધારે ઢંગવાળું, રામરાવણના યુદ્ધને વિષય કરતું, મોટે ભાગે જૂની દેશી જેવા રોળાને મળતા ઢાળમાં લખેલું ઠીક ઠીક લાંબું કાવ્ય છે. પ્રેમાનંદની સાથે આની સરખામણી અશક્ય છે છતાં તેમાં નર્મદે સારી વર્ણનશક્તિ બતાવી છે. ‘શ્રી રામચંદ્રને જોઈ ચમૂસાગર ઊછળ્યા’ જેવી પંક્તિઓ પણ ક્યાંક મળે છે. ‘વજેસંગ અને ચાંદબા’ની વાર્તા સામળ શૈલીની ઠીકઠીક લાંબી વાર્તા છે. લગભગ સાત વરસ કવિતા કરવાના મહાવરા પછી આ લખાયેલી હોઈ તેની ભાષા ઘડાતી જતી લાગે છે, છતાં વાર્તાની એકે ખૂબી એમાં નથી. નર્મદને પહેલું તો વાર્તા કહેતાં જ આવડતી નથી. ટૂંકા કાવ્યમાં સાધારણ રચનાસૌષ્ઠવ જે જાળવી શકતો નથી, તે વાર્તા જેવા લાંબા પ્રબંધમાં બધાં અંગોપાંગને તથા તેમની રસપોષકતાને સપ્રમાણ રીતે ગૂંથી સાંકળી શકે તે બનવું અશક્ય છે. નર્મદનું એક મોટું લક્ષણ છે વિગતોની ઝીણવટ, પણ તે રસપોષક હોય તો જ કામની નીવડે. નર્મદની વિગતો મોટે ભાગે રસવિમુખ, અનાવશ્યક જેવી થઈ જાય છે. આ વાર્તામાં વસ્તુનો વણાટ પ્રારંભમાં થોડા ચમત્કાર ધારણ કરે છે, પણ અંત તદ્દન લૂલો બને છે. એમાં ગોઠવેલા પ્રપંચના કે ઉશ્કેરણીના પ્રસંગો કશીય અસર ઉપજાવી શકે તેમ નથી. તેમાંના સંવાદોમાં બળ નથી. ભાષા તદ્દન સુરતી ગોલાશાહી તળપદીપણાથી ઊભરાતી છે. કવિએ પોતાની પ્રિયાને વિજોગમાં દિલાસો આપવા લખેલી આ વાર્તામાં ઉપદેશાત્મક અંત પણ ઘણો છે. આ રીતે પ્રાચીન વિષયોમાં નર્મદનાં કાવ્યોમાં કવિની નબળાઈનું જ વિશેષ પ્રમાણ જોવા મળે છે. વિભાગ બીજો : સંસારસુધારાનાં કાવ્યો નર્મદની કવિતાનો બીજો વિભાગ, દલપતરામની પ્રણાલિના વિષયનો છે, જેની સંખ્યા પણ જોઈ ગયા તે વિભાગ જેટલી, કુલ કાવ્યોના ચોથા ભાગ જેટલી છે. નર્મદે જૂનાં ભજનોની ઢબે કવિતા લખવી શરૂ કરી છે, છતાં તેના પર પ્રત્યક્ષ અસર તો દલપતરામની જ પડેલી છે. ઘણો કાળ દલપતનું જોઈ જોઈને જ નર્મદ કાવ્ય કરે છે. દલપતની સાથે પોતાની સરસાઈ સિદ્ધ કરવા તે દલપતના વિષયો લઈને લખે છે, અને તેમાં સંસારસુધારાના તથા બીજા વ્યાવહારિક ડહાપણના બધા વિષયો આવે છે. પણ આ વિષયોની કવિતામાં તે દલપતને જીતી શકે તેમ નથી. નર્મદની લાક્ષણિકતા એના જોસ્સામાં છે, પણ લખાવટ તો દલપતની જ વધારે સારી છે. છતાં કેટલેક સ્થળે દલપત કરતાં પણ નર્મદ વધારે ચોટ સાધી જાય છે. દા.ત. શેરની મહાઆફતનાં કાવ્યો. એ જમાનાના દરેક કવિએ આ મહામારી વિશે લખ્યું છે. દલપતરામ પોતે તો એનો પૂરો ભોગ બનેલા. નર્મદનાં આ કાવ્યો તે અંગત રીતે અલિપ્ત હતો તે તટસ્થતાને લીધે કે તેના સિદ્ધ રોળાવૃત્તને લીધે વિશેષ બળવાન લાગે છે. તેનાં વર્ણનોમાં ઘણી તાદૃશતા પણ આવી છે. સહુ સપડાયાં તહાં જાય કો કોની વ્હારે? આ લીટી તો જાણે હ. હ. ધ્રુવે પોતાની ‘વિકરાળ કેસરી’માં પૂરેપૂરી અપનાવી લીધેલી લાગે છે. ‘શેર’ શબ્દ પર નર્મદે કરેલો શ્લેષ પણ બળવાન છે : બકરાં જેવા છેક થયા સટ્ટાના શેરો. શેરની પાયમાલીનું વર્ણન જોરદાર છે. પ્રાસની સ્વાભાવિકતા પણ અહીં ધ્યાન ખેંચે તેવી છે. શેખચલ્લિની પેઠે, હવામાં મહેલો બાંધ્યા, તે ક્યમ ઊભા રહે, કાગળો ઉડવા માંડયા. રુડી ફેંટનો બ્રૂમ, અરબ્બી રૂડા ઘોડા; ગયું વેચઇ સહુ હાલ, ગયા કહાં ધનના તોડા? ગયું સર્વ તે ક્યાંહ, સમ્યો શું પરપોટો રે, શું સપનાના ભોગ, જાગતાં લંગોટો રે. આ આફતમાં સપડાયેલા પોતાના મિત્ર પર કવિએ આશ્વાસન રૂપે લખી મોકલેલું, ‘ધીર ધર ધીર ધર ધીર ધર સિંહ મુજ, ધીર ધરવા થકી હીર રહેશે.’ એ લીટીથી શરૂ થતું પ્રભાતિયું સુંદર કહેવાય તેવું છે. આવા સામાજિક બનાવો વિશે બીજાની ફરમાસથી નર્મદે પણ દલપતરામ પેઠે ઘણું લખ્યું છે. ભવિષ્યમાં સ્વતંત્રતાનું બુલંદ ગાન ગાનારા આ કવિ વિક્ટોરિયા રાણીને માટે ‘દેશ મેં આનંદ ભયો, જે જે વિક્ટોરિયા’ શબ્દોથી જે સ્તુતિ કરે છે તે જરા વિનોદ ઉપજાવે તેવી છે. પણ કવિ વિક્ટોરિયા રાણીને પ્રિન્સ આલ્બર્ટના મૃત્યુ વખતે જે દિલાસો આપે છે તેમાં રાણીને પણ સાધારણ દુખિયારી સ્ત્રી તરીકે જે સંબોધે છે તે બહુ લાક્ષણિક છે : ‘ઓ રાણી દુઃખ તો ઘણું પણ શૂ કરીયે બાઈ? ઈશ્વર ઇચ્છા એવી ત્ય્હાં રહેવું ધીરજ સ્હાઈ.’ સ્ત્રીશિક્ષણ સંબંધી, ઘરસંસાર સંબંધી તથા સ્ત્રીઓને ગાવા માટે પણ દલપતની રીતિએ નર્મદે ગીતો લખ્યાં છે, પણ નર્મદમાં ગીતશક્તિ બહુ જ અલ્પ છે. આ ગીતોમાં સૃષ્ટિસૌંદર્યનાં વર્ણન કરતી કોઈક સુંદર પંક્તિઓ આવે છે, અને એ પ્રદેશમાં નર્મદની કલમ વધારે કળામય બની વિચરે છે. પણ તેની કેટલીક ગરબીઓમાં તે પોતાના જોસ્સામાં તથા ઉપદેશકપણામાં મસ્ત થઈ સામાજિક શિષ્ટતાને પણ કોરે મૂકી દે છે. દલપતનું જોઈને જ લખેલા માતાપિતાના સ્તવનમાં તેણે તેની લાક્ષણિકતા પ્રમાણે ઘણી વિગતો ભરી છે, જેમાંની ઘણીખરી કુત્સિત જેવી છે; તોય બેએક પંક્તિઓ વીણીને સંઘરવા જેવી છે : પ્રિતે ધાવતો ધાવિને મારિ માથું ...અરે છાતિ ને મૂછના વાળ તાણ્યા, તમે રીસ ને વેર લેશે ન આણ્યાં. આ પ્રકારનાં કાવ્યોમાં જેમાં નર્મદે દલપતની સામે સરસાઈનો એકરાર કર્યો છે તે સૌથી વધુ ઐતિહાસિક મહત્ત્વનું કાવ્ય ‘વૈધવ્યચિત્ર’ છે. આ કાવ્યે સમાજમાં હોહો મચાવી દીધી હતી એમ નવલરામ નોંધે છે. દલપતરામે પણ તેની કવિતાને સારી કહી છે, પણ તે અભિપ્રાય ઔપચારિક રીતનો જ લાગે છે. નર્મદની નબળાઈઓ તથા તેની કળાનાં તમામ અપલક્ષણો એમાં છે. કરુણ રસના વિભાવઅનુભાવ તરીકે તે જે વર્ણનો લે છે, જે વિગતો લે છે તે અત્યંત સ્થૂલ અને તદ્દન વિવેક વગરનાં છે. વિધવાઓની બાબતમાં તે વધારે વાસ્તવવાદી છે, વ્યભિચાર અનીતિને તે તે રૂપે સ્વીકારે છે, અને તેની જરૂર પણ કબૂલે છે! એટલું જ નહિ કાવ્યની નાયિકાની એ માટેની ઉત્સુકતા પણ વિગતવાર વર્ણવે છે! કદાચ આ બધાં લક્ષણોને લીધે પણ કાવ્યે હોહો મચાવી દીધી હોય! વિભાગ ત્રીજો : મૌલિક સર્જનો નર્મદનાં કાવ્યોનો ત્રીજો અને સૌથી મહત્ત્વનો વિભાગ તેની મારફતે ગુજરાતી કવિતામાં પ્રથમ વાર જ આલેખાયેલા નવા વિષયોનો અથવા તો નવા રૂપે આલેખાયેલા જૂના વિષયોનો છે. આ કાવ્યોનો જથો તેના કાવ્યસમસ્તના અર્ધ કરતાં ય વિશેષ છે. આ કાવ્યોના ત્રણ મુખ્ય પ્રકાર છે : પ્રીતિનાં કાવ્યો, કુદરતનાં કાવ્યો, અને સ્વતંત્રતાનાં કાવ્યો. આ ત્રણમાંથી છેલ્લા પ્રકારનાં કાવ્ય ગુજરાતીમાં પહેલી વાર નર્મદથી લખાવાં શરૂ થયાં. પરાપૂર્વથી લખાતાં આવેલાં પ્રેમ અને કુદરતનાં કાવ્યોમાંથી પ્રેમનાં કાવ્યોમાં નર્મદને હાથે આત્મલક્ષીપણું પ્રારંભાયું અને તે દિવસે દિવસે વિકસતું ગયું. પ્રકૃતિવર્ણનનાં કાવ્યોમાં નર્મદને હાથે એ પ્રગતિ થઈ કે તે પ્રબંધના સંદર્ભમાંથી મુક્ત બનીને તથા મુખ્ય રસને પોષક આનુષંગિક ગૌણ વિષય મટી સ્વતંત્ર કાવ્યવિષય બન્યાં. નર્મદને આ વિષયોનાં કાવ્ય લખવાની પ્રેરણા સંસ્કૃત અને અંગ્રેજીના અભ્યાસક્રમમાંથી મુખ્યત્વે મળી છે. જોકે, સ્વતંત્રતા જેવા વિષયમાં તો પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કથી તેનામાં જન્મેલી નવી ભાવનાઓ જાતે જ તેને કાવ્ય રચવામાં પ્રેરનાર બની છે. (૧) ઉદ્દભાવિત કાવ્યો અંગ્રેજી સાહિત્ય સાથેના પરિચયના સૌથી પ્રથમ પરિણામ રૂપે તેણે અંગ્રેજી કાવ્યો પરથી ઉદ્‌ભાવેલી બે વાર્તાઓ આવે છે : ‘લલિતા’ અને ‘સાહસ દેસાઈ’. બંને કાવ્યોમાં વાર્તાકથનની ખૂબ કચાશ છે. વિગતો તેના કાવ્યમાં હમેશાં બને છે તેમ ભરચક, છતાં વિવેક વગરની છે. કેટલીકમાં તો તેણે પોતાની ખાસિયતો જ પાત્રોમાં મૂકી દીધેલી છે. નર્મદને કેટલીક વાર વેગવાન કલ્પના આવે છે, પણ તેને માટે તે ભાષા મેળવી શકતો નથી. લલિતાના મૃત્યુ અંગે તે કરુણની પોષક ઘણી વિગતો લાવે છે, પણ તેમાં ચારુત્વ નથી લાવી શકતો. ‘દિપતિ ઘાઘરી ઘાટડી ઘણી, થઈ જ ઘાટડી ઠાઠડી તણી.’ જેવી પંક્તિમાં પ્રસંગના વિરોધમાંથી જન્મતી કરુણને પોષક કલ્પનાને તે આથી વિશેષ સારા શબ્દોમાં મૂકી શક્યો નથી. કરુણની નિષ્પત્તિ માટે છેવટે તો તેને આવા શબ્દોમાં જ રસનું શિખર દેખાય છે ! ‘હહહ હાહહા હંહહં અઅ, અઅઅ........’ આમાં રહેલી રસની ઉપહસનીયતા તેના સમકાલીનો પણ જોઈ શક્યા હતા. પોતાની કવિતામાં ઔચિત્યભંગનો સંભવ તેને પણ દેખાય છે, પણ પોતાની નવીન રીતિમાં મસ્ત રહેલો આ કવિ તે દૃષ્ટિને તદ્દન જુનવાણી કહી ઉવેખી નાખે છે. (ર) પ્રકૃતિનાં કાવ્યો નર્મદનાં પ્રકૃતિવર્ણનનાં કાવ્યોમાં ‘ઋતુવર્ણન’, ‘વનવર્ણન’, ‘પ્રવાસવર્ણન’ અને ‘ગ્રામ અને સૃષ્ટિસૌંદર્ય’નાં કાવ્યો આવે છે. આ કાવ્યોની રચના તેના કવનકાળના મધ્ય ભાગમાં થયેલી છે, અને તેનામાં જેટલી કંઈ કાવ્યશક્તિ હતી તે બધીનો આમાં શક્ય તેટલો ઉત્તમ નિયોગ જોવામાં આવે છે. ‘ઋતુવર્ણન’ તેણે ઘણી મહત્ત્વાકાંક્ષાથી લખેલું એક ઠીકઠીક લાંબું કાવ્ય છે. તે લખવા માટે તેને ‘ઋતુસંહાર’ તથા ટોમ્સનની ‘સીઝન્સ’માંથી વિચાર સૂઝેલા છે. છતાં તેનાં કુદરતનાં વર્ણનો તેના જાતઅનુભવનાં છે તથા મૂળથી આવી કવિતા લખવાનું પોતાને મન હતું એમ કહી તે પોતાની કલ્પનાની મૌલિકતા પણ સ્થાપવા ઇચ્છે છે. બીજું અથેતિ અક્ષરવૃત્તમાં લખાયેલા પ્રેમ-કાવ્ય તરીકે પણ આ કાવ્યનું મહત્ત્વ છે. નર્મદ પોતાની અલંકારરીતિ માટે સંસ્કૃતની સ્વચ્છંદી અને અશાસ્ત્રીય રીતિ કરતાં જે ઉચ્ચતાનો દાવો પણ કરે છે, જે જરાકે તથ્ય વગરનો છે. તેના અલંકારો જુદા છે, પણ તેથી વધુ ઉચ્ચ નથી બનતા; અને છેવટે ગ્રંથને પૂર્ણ કરવા તેણે સંસ્કૃત અને હિંદુસ્તાની ગ્રંથોની રીત પ્રમાણે કામશાસ્ત્રના રંગો પણ તેમાં ભેળવ્યા છે. તેમાં તેણે ઘણું ઉઘાડું લખેલું છે. છતાં પોતે અવિવેકી નથી, એવો એકરાર પણ કરેલો. એ સ્વીકારવા છતાં તેનામાં રસવિવેકની ઝાઝી દૃષ્ટિ દેખાતી નથી. તેણે યોજેલા પ્રેમના પ્રસંગો, વિભાવો-અનુભાવો અતિ સ્થૂલ છે, વિગતો ઘણી કુત્સિત છે. તેણે યોજેલી નવી ઉપમાઓમાં કશી ચારુતા નથી, સાદી સુરુચિ પણ નથી. આવા ખેડાયેલા વિષયમાં પણ તેની ભાષા ઘણી અણઘડ રહેલી છે. આ કાવ્યમાં જ્યાં તે કામશાસ્ત્રના રંગ વર્ણવવા છોડી, અલંકાર વગેરેનો મોહ દૂર કરી, નરી પ્રકૃતિના રંગો વર્ણવે છે ત્યારે તેની રચના, રા. વિ. પાઠક કહે છે તેમ, નર્યા પ્રસાદને બળે કાવ્યરૂપ લે છે. આનાં ઉદાહરણો ‘વનવર્ણન’ અને ‘પ્રવાસવર્ણન’માં વધારે પ્રમાણમાં મળે છે. તેના ‘ઋતુવર્ણન’ અંગે એક મહત્ત્વની વાત એ છે કે આપણી ઋતુઓમાં વર્ષાઋતુને સૌથી સરસ કહેનાર તે જ પહેલો વિવેચક છે. આપણી પ્રાચીન કવિતામાં પણ વર્ષાનાં વર્ણનો જ સૌથી વિશેષ પ્રમાણમાં તળપદા સૌંદર્યવાળાં છે. આ વર્ણનોમાં નર્મદની ચિત્રો ઊભાં કરવાની, રંગની, આકારની, અને ગતિની ખૂબી પકડીને આલેખવાની ખાસ શક્તિ દેખાઈ આવે છે. ‘સામે પારથિ આવતી તરિ કરી ધેનૂ ઉંચી ડોકથી’ જેવી એક જ પંક્તિમાં તે ખૂબ વિશાળ ચિત્ર તાદૃશ રીતે દોરી આપે છે. આવાં બીજાં ઘણાં ઉદાહરણો આ વિભાગોમાંથી મળી શકે તેમ છે. તેણે વર્ણનો માટે વાપરેલા છંદોમાં મન્દાક્રાન્તા, શિખરિણી, માલિનીનો પ્રયોગ બહુ સફળ છે, પણ તેમાં યે લાવણી અને કટાવના પ્રયોગ વિશેષ સામર્થ્યવાળા છે. કટાવનો ઉપયોગ નર્મદ પછી મણિલાલે તથા ગોવર્ધનરામે કર્યો છે. તે પછી ઘણા વખતે ત્રિભુવન વ્યાસે તેનો થોડોક ઉપયોગ કર્યો છે. આજના કવિઓએ આ છંદની વર્ણનક્ષમતા વિશેષ નાણી જોવા જેવી છે. વનવર્ણનમાં ચોમાસાનું વર્ણન લાક્ષણિક છે, જેમાંથી કેટલીક કડીઓને પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જગતની ઉચ્ચ પંક્તિઓમાં બેસી શકે તેવી ગણાવે છે. ‘કબીરવડ’ને લગભગ સર્વાંગસુંદરતા ધારણ કરતું કાવ્ય કહી શકાય. વિષયની ભવ્યતાએ કવિની અતંત્ર કલ્પનાને પણ અહીં કાવ્યમાં સીધી ગંભીર રીતે પ્રવૃત્ત કરી લાગે છે. ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ કહેવાય તેવી કેટલીક ઉત્પ્રેક્ષા આમાં છે. જેમકે, જટાની શોભાથી અતિશ શરમાઈ શિવ ઉઠયા. જટાને સંકેલી વડ તજી ગિરીએ જઈ રહ્યા. લાવણીમાં લખેલું ‘જગકર્તાની સ્તુતિ’ નર્મદનું એક વિરલ લાવણ્યમય કાવ્ય કહેવાય તેવું છે. (૩) પ્રેમનાં કાવ્યો નર્મદનો જીવનમંત્ર પ્રેમ-શૌર્ય હતો. એ જ બે ભાવોને તેણે કાવ્યમાં ખૂબ ગાયા છે. તેનું પ્રેમનું નિરૂપણ ઘણું સ્થૂળ છે, એટલું જ નહિ, તે જોસ્સાને નામે, કે મુક્ત શૃંગારને નામે કે પછી નવીનતાને નામે શારીરિક ગંદકી સુધી પહોંચી જાય છે. તે જે ઉઘાડું છે તે જનતાના અમુક વર્ગમાં અશિષ્ટ ગણાય છે એમ તે જાણે છે છતાં મોટે ભાગે તેની અભિમાની પ્રકૃતિને લીધે, તથા અંશતઃ ભાષાની શ્લીલતાના ઓછા આગ્રહી એવા તેના સુરત તરફના સમાજની અસરને લીધે, તે કવિતામાં કદી સ્પર્શાઈ ન હોય કે રસનો વિભાવ ન ગણાતી હોય તેવી વિગતો, અને તેય અતિ નિકૃષ્ટ ભાષામાં આલેખે છે. આ મહાપંકમાંથી ક્યાંક નાનકડા પંકજ જેવી પંક્તિઓ પ્રફુલ્લી ઊઠે છે. કલ્પનાની કુત્સિતતા તથા ભાષાનું ક્યાંક કઢંગાપણું બાદ કરતાં આ કાવ્યોમાં નર્મદ વધારે કાવ્યબળ બતાવે છે. ‘પ્રેમનીતિ’ના ૨૦૦ દોહરામાં તેનું છંદોબળ દેખાય છે. ઉપરાંત એની ઉક્તિઓમાં લાઘવ અને સચોટતા પણ દેખાતાં જાય છે. આ દોહરાઓમાં, સજન નેહ નીભાવવો ઘણો દોહ્યલો યાર, તરવો સાગર હોડકે, સુવું શસ્ત્ર પર ધાર, સહજ નેહ ત્હાં ભેદ શો, ભેદ તહાં શો નેહ, સજન નેહ શીતળ ઝરો, પણ કાચાને ચેહ. જેવી સુંદર ઘાટદાર મુક્તકો જેવી પંક્તિઓ પણ હાથ આવે છે. આ કાવ્યમાં ‘પ્યારી કવિતા’ અંગેના દોહરા કવિની આત્મકથા જેવા હોઈ ઘણા લાક્ષણિક છે. એનાં આત્મલક્ષી શૃંગારનાં કાવ્યોમાં મિલનનાં કાવ્યો કરતાં વિરહનાં કાવ્યો વધારે સારાં છે. નર્મદ આખરે જૂદાઈ જ, કહાં તે અને તૂં અરે, ...સલામ રે દિલદાર, યારની કબૂલ કરજે. જેવી પંક્તિઓ કવિના જીવનના કેટલાક દર્દભર્યા પ્રસંગોની સાક્ષી હોવા ઉપરાંત પોતે પણ દર્દભરી બની શકી છે. નર્મદે પ્રીતિનાં પરલક્ષી કાવ્યો પણ ઠીક ઠીક લખેલાં છે, જેમાં ‘કુમુદચંદ્રપ્રેમપત્રિકા’નું એક લાંબું વાર્તાત્મક કાવ્ય પણ છે. એ કાવ્યમાં હંમેશની કલાક્ષતિઓ મોજૂદ છતાં શૃંગારભાવની જમાવટ બીજાં પરલક્ષી કાવ્યોને મુકાબલે સારી છે. નર્મદનાં છૂટક પદોમાં દયારામના તળપદા મોહક લાલિત્યનું સ્મરણ કરાવે તેવી કેટલીક પંક્તિઓ ખરેખર સાનંદાશ્ચર્ય પ્રગટાવે છે. જેમકે, સખી, રૂઠ્યો છે આજ રસિક સામળો જો, હશે પાતળાના પેટમાં શો આમળો જો. સખી, ખાવા ધાયે છે ચંદન ખાટલો જો, નથી કો દિ રિસાયો તે સુંદર આટલો જો. ...હંઈડૂં હાર્યૂં તે ફરિ ના જીતે રે, પ્રીતમલાલ રસીકડા, ચિતડૂં ચોંટ્યું તે ફરિ ના ઉખડે રે, પ્રીતમલાલ રસીકડા. નર્મદે દલપતને અનુસરી રામસીતાનાં ગીતો પણ લખ્યાં છે. વિરહિણી સીતા રામને લંકામાં બોલાવે છે તે ગીત ખરેખર સુંદર બન્યું છે. તેમાં કશી અશ્લીલતા કે અટકચાળા નથી. તેમ જ તેનો પદબંધ પણ નર્મદ માટે ઘણો સુંદર કહેવાય તેવો છે. સીતા પત્રમાં લખે છે : ...કંટક દેશ ને કંટક રાજા, તેથી દુઃખી રામદારા, લંકા બળો ને તેની વાડી, હૈડે ઉડે છે અંગારા. કહાં છો જી ચંદન ગારા? રુડું અયોધ્યા લીલાભરપૂરું, ઉડે વસંત ફુવારા, બ્હાર ગુલાલ અબીલતણા શા, રંગનદીના ઓવારા, કહાં તે છે સુખદ વારા? ન.ક.પૃ. ૬૭૭ આ અને આવી બીજી પંક્તિઓ ઉપરથી જોઈ શકાય છે કે જો નર્મદે પોતાનાં કાવ્યોને વધુ ધીરજથી, શાંતિથી તથા કળાના સાચા વિવેકને સમજી લખ્યાં હોત તો તે જરૂર સારાં થઈ શકત. નર્મદનાં આ પ્રીતિકાવ્યોમાં આત્મલક્ષીપણાનું ખાસ લક્ષણ બાદ કરતાં બીજું રોચક તત્ત્વ બહુ થોડું રહે છે. તેનામાં પ્રીતિનો સાચો સ્વાનુભવી આવેશ છે અને તે સ્થૂળ કરતાંય કંઈ વિશેષ છે. તેનામાં સાચા સ્નેહની ઝંખના પણ દેખાય છે, પરંતુ તે પોતાનાં કાવ્યોમાં સ્થૂળદેહની સપાટીથી ઊંડે જઈ શક્યો નથી. (૪) સ્વતંત્રતાનાં કાવ્યો : ‘એપિક’ – મહાકાવ્યો નર્મદની કવિતાનો ઉત્તમાંશ છે તેનાં સ્વતંત્રતાનાં કાવ્યો. તેની કવિતાના બીજા કોઈ પ્રકાર કરતાં આ પ્રકારનાં કાવ્યોની સંખ્યા પણ એકંદરે સૌથી વધારે છે. આ વિષયનાં કાવ્યોના બે ભાગ પડે છે. લાંબાં સળંગ કાવ્યો અને છૂટક કાવ્યો. લાંબાં કાવ્યોમાં એનો શૌર્યભાવ કોઈ મહાકાવ્યનું રૂપ લેવા મથે છે. છૂટક કાવ્યોમાં તે જ ભાવ આસપાસની પરિસ્થિતિને સ્પર્શતો સ્વતંત્રતાના એક અભિનવ ઉદ્‌બોધનનું રૂપ લે છે. લાંબાં કાવ્યો કરતાં ટૂંકાં કાવ્યોમાં નર્મદને વધારે સફળતા મળેલી છે. આ વિષયનાં કાવ્યો લખતાં નર્મદમાં બે ભાવો એકીસાથે કામ કરે છેઃ કવિ તરીકેનો અને સેનાની તરીકેનો. તેનો કવિભાવ તેને મહાકાવ્યોના પ્રયત્ન તરફ ઘસડી જાય છે, સેનાનીભાવ તેને કેટલાંક જોરદાર પદો-ગીતો તરફ. વીરરસનું ‘એપિક’ મહાકાવ્ય રચવાના કોડ સેવનાર તરીકે નર્મદનું સ્થાન અર્વાચીન કવિતામાં પ્રથમ રહેશે. એ માટેના તેના ઉછાળા પણ ઓછા નથી. તેણે ‘એપિક’ રચવા માટે વિષયોની નોંધ, રસ વૃત્ત કથાનક વગેરેની ભારેભારે યોજનાઓ કરેલી. તે લખે છે, ‘એપિક લખવામાં નિરાંત, એકચિત્તવૃત્તિ તથા ઉલ્લાસની સાથે આ દેશના ઇતિહાસમાંથી લીધેલી એક સુરસ વાતમાંનો યોગ્ય નાયક જોઈએ, અને પછી એ લાંબો વિષય આડકથાઓથી શણગારીને એક વૃત્તમાં લખવો જોઈએ,’ પણ તેને એ કરુણ ભાન છે કે આમાંની મોટા ભાગની સામગ્રી તેની પાસે નથી. આવાં કેટલાંય લખાણો રદ કરીને ફાડી નાખ્યાનું તે નોંધે છે. એવા પ્રયત્નોમાંથી ત્રણ કાવ્યો બચી શકેલાં છે. આ ત્રણમાં સૌથી ટૂંકું ૯૦ પંક્તિનું ‘જીવરાજ’ સૌથી પ્રારંભનો પ્રયત્ન, એક એપિકના પ્રવેશક રૂપે છે. આમાં વાપરેલું ગીતિવૃત્ત આવા કાવ્ય માટે અનુકૂળ નથી તે તેણે ‘વીરસિંહ’ લખતી વેળા સ્વીકારેલું છે. આ કાવ્યમાં જીવરાજ રાજા રૈયતનો મુખ્ય દરોગો બની તેના ખજાનાનું રક્ષણ કરે છે અને તે રીતે ગુજરાતમાં નર્મદ ટ્રસ્ટીશિપનો પહેલો પુરસ્કર્તા બને છે. નર્મદ મોટે ભાગે બીજા વ્યવસાયમાં પડવાને લીધે તેનાં બીજાં બે ‘સદા જ અપૂર્ણ’ રહેલાં કાવ્યો ‘રુદનરસિક’ (૧૮૬૫) અને ‘વીરસિંહ’(૧૮૬૭) દરેક લગભગ ચારસો (૪૦૦) પંક્તિના ટુકડા છે. બંનેની પ્રસ્તાવનાઓ ખૂબ કીમતી છે. ‘રુદનરસિક’ના પ્રારંભના ૨૪ દોહરા ઐતિહાસિક મહત્ત્વના છે. તેમાં નર્મદે પોતાની કાવ્યદૃષ્ટિ મૂકેલી છે. ‘શૂન્ય વિચારી ચોર તે દલપત પ્રાસે વ્હાય’ એ પ્રખ્યાત પંક્તિ આ દોહરામાં જ છે. અને દલપત સામે પડકાર કરતો તે પોતાના સ્વરૂપનો પણ એકરાર કરે છે. ‘નાગો તે ફક્કડ કહો, કહો અનીતિમાન, હોય તેવું હું દાખવું, નથી શું મુજમાં સાન?’ અને પાછો ગર્વભેર પદનોંધમાં લખે છે : ‘હું શું વિવેક નથી સમજતો કે આ લખવું ને આ ન લખવું?’ આમ હોય તો નર્મદની વિવેકદૃષ્ટિ બેવડી ગુનેગાર બને છે. વળી કાવ્યરસનું સ્વરૂપ તે વર્ણવે છે : ‘ઉપર ઉપરનો રસ નહીં, રુદન હાસ્ય આશ્ચર્ય, હૃદયવેધુ જે સ્થાયિ તે દરસાવે કવિવર્ય.’ પરંતુ આ કવિવર્ય સ્થાયી હૃદયવેધુ રસ ક્યાંય નથી જ સર્જી શક્યા. નર્મદે આ ત્રણે કાવ્યોને રૂપકની રીતિએ લખેલાં છે. ‘રુદનરસિક’ વાર્તાની જમાવટ સારી કહેવાય તેવી છે. ‘વીરસિંહ’ અધૂરું છતાં અનેક રીતે મહત્ત્વનું છે. એની પ્રસ્તાવનામાં નર્મદે મહાકાવ્ય માટેના છંદ વિશે વિચારો મૂકી, વીરવૃત્ત યોજ્યું છે. તેને ફાવેલો રોળા છંદ પણ તેને મહાકાવ્ય માટે પૂરો પ્રૌઢ નથી લાગ્યો. વીરવૃત્ત એ એક જાતની લાવણી જ છે. એ વૃત્ત પણ તે બહુ સારું લખી શક્યો છે. આ કાવ્યની લાવણીમાં બળ પણ છે. કાવ્યની વાર્તામાં ખાસ કંઈ નથી. પરદેશી રાજના કેદખાનામાં પડેલા વીરસિંહ નાયકમાં નર્મદે પોતાનું જ આલેખન કર્યું છે. તેનું પરાધીનતાનું કલ્પાંત નર્મદનું પોતાનું સ્વતંત્રતા માટેનું જ કલ્પાંત છે. અને તે કાવ્યનો ઉત્તમ ભાગ છે. ઓ સ્વતંત્રતા જનદેવિ! રૂઠિ ગઈ ક્યાંહ! કોપનો તાપ! ખમે ક્યમ જંન? તું વિના પ્રાણિ નવ જિવે! કદિ જો જિવે! પ્રાણિ તે તને! બાકિ જડ મંન. હિંદુઓની પડતી ‘હિંદુઓની પડતી’ નર્મદનું સૌથી મોટું, લગભગ ૧૫૦૦ જેટલી પંક્તિનું એક સળંગ રોળાવૃત્તમાં લખાયેલું કાવ્ય છે. નર્મદ મહાકાવ્યનાં જે લક્ષણો સારી રીતે સમજ્યો છે તે નાયક, આડકથાઓ, વીરવૃત્તાંત વગેરે તત્ત્વો આમાં ન હોવા છતાં તેના મહાકાવ્યના કોડ આમાં થોડાઘણા છતાં પ્રશસ્ય રૂપે મૂર્ત થઈ શક્યા છે. તૂટક તૂટક કરીને ત્રણેક વરસમાં ત્રણ ભાગમાં નર્મદ આ કાવ્ય પૂરું કરી શક્યો છે, અને તેના જેવા અસ્થિર આવેશવાળા લેખક માટે આ ઘણું મોટું કામ કહેવાય. આ કાવ્યનો રોળા છંદ એ જ પ્રથમ તો નર્મદની ઘણી મોટી સિદ્ધિ છે. ચિંતન રજૂ કરવામાં, વર્ણનાત્મક પ્રસંગો માટે તથા વીર અને કરુણ બંને ગંભીર ભાવો માટે આ છંદ બહુ જ સફળ દેખાયો છે. અને મહાકાવ્યના છંદ માટે આ છંદ હજી પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે તેમ છે. બીજું નર્મદની શૈલી આ કાવ્યમાં શક્ય તેટલી પરિપક્વતાએ પહોંચેલી છે. ભાષામાં સફાઈ છે, ઉક્તિઓમાં સર્વત્ર પ્રશસ્ય કહેવાય તેવું અને ક્યાંક તો અસાધારણ એવું લાઘવ અને ચોટ છે. આ કાવ્યનો વિષય ઘણો મહત્ત્વનો છે. તેમાં સુધારાદિત્ય રાજા નર્મદ સેનાની દ્વારા વહેમ યવન સામે જંગ ખેડે છે તેની રૂપક રીતની વાર્તા છે. વળી આ કાવ્યમાં કવિએ. ઇતિહાસના તથા ધર્મના પોતાના અભ્યાસનો ઉપયોગ કરી હિંદુ જાતિના ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક જીવનપટ ઉપર જે વિહંગદૃષ્ટિ નાખી છે તે હજી પણ ગુજરાતી કવિતામાં અજોડ છે. આ જ કાવ્યમાં તેનું પ્રેમશૌર્યનું અપૂર્વ ગાન પણ આવે છે. કાવ્યની કેટલીક પંક્તિઓ ખરેખર વીરરસની ઉદ્‌બોધક બનેલી છે. તેનાં કલ્પના અને અલંકારોમાં બળ આવ્યું છે. વળી તેનો વિચાર કશાય અલંકાર વિના પણ સ્વયં બળવાન રીતે આલેખન પામી શક્યો છે. કેવળ વર્ણનોમાં પણ તેની કલમ બહુ શક્તિ દાખવી શકે છે. આના ઉદાહરણ રૂપે થોડીક પંક્તિઓ જોઈશું : ...વૈશ્ય ક્ષત્રિ બે જાત, રાજસંબંધે રહેતી; થઈ જવનથી લોપ, પ્હાડની થઈ ગઈ રેતી. ...પ્રેમ થકી જે શૌર્ય, શૌર્યથી પ્રેમ મચે છે, સ્વર્ગ મૃત્યુ પાતાળ, પ્રેમ શૌર્ય દીપે છે. ...અમર અમર જન તેહ, મથે જે દેશ અરથમાં, પ્રેમ શૌર્ય તે તેજ ખરૂં, લહું આ ભવરણમાં. ..ચળક ચળક તલવાર, એથિ શોભંતા પાળા, ગાજે સિંધૂ રાગ, રાજ રાજે કેસરિયો. ...મર્દ તેહનૂં નામ રડે નહિ ઘાવ લિધાથી, પડ્યો પડ્યો પણ કહે કહાડ શત્રુને હ્યાંથી. આ કૃતિમાં આખા ને આખા કાવ્યખંડો પણ એકસરખી ઉત્કૃષ્ટતાથી ભરેલા જોવામાં આવે છે. પ્રાસની નબળાઈ, શબ્દસામર્થ્યના વિવેકનો અભાવ તો હજી પણ નર્મદમાં છે જ, છતાં તેની કાવ્યકળા આમાં ઘણું જ નિર્મળ અને પ્રબળ રૂપ ધારી શકી છે. ૧૮૫૦થી ૧૮૮૭ સુધીની ગુજરાતી કવિતામાં સારામાં સારી કહેવાય તેવી પરલક્ષી કૃતિઓ બે થઈ છે : ‘વેનચરિત્ર’ અને ’હિંદુઓની પડતી’. સુધારાનું પુરાણ કહેવાતું, પદ્યની સફાઈવાળું છતાં શિથિલ કથાવસ્તુ પોતાને હાથે જ ‘સુધારાનું બાઇબલ’નું બિરુદ પામેલા ‘હિંદુઓની પડતી’ના પરમ ગાંભીર્યથી ભરેલા વિચારબળ તથા ભાવનાબળ આગળ તથા ઘડીક તો તેની શૈલીના સામર્થ્ય પાસે ફિક્કું પડી જતું લાગે છે. નર્મદનું પાંડિત્ય અને તેનો મહાન ઉન્નત આવેગ આ કાવ્યને એ સુધારાના જમાનાનું ઉત્તમ કાવ્ય બનાવે છે. ટૂંકી રચનાઓ નર્મદનાં આ વિષયનાં છૂટક કાવ્યો પણ ઘણાં મહત્ત્વનાં છે. કેટલાંક કવિની પ્રકૃતિમાં રહેલા શૌર્યના ઉન્નત આવેગના સાક્ષી રૂપે મહત્ત્વ ધરાવે છે, તો કેટલાંક આ વિષયનાં ઉત્તમ ઊર્મિકાવ્યો તરીકે મહત્ત્વનાં છે. ‘સ્વતંત્રતા’નું કાવ્ય લખતાં કવિ નોંધે છે કે ‘એ બે દાહાડા હું જબરા આવેશમાં હતો, ને મારી એક નાની ઓરડીમાં ભરાઈ રહ્યો હતો.’ નર્મદને હાથે નાનકડું હોય તોપણ સાદ્યંત સૌંદર્યવાળું કાવ્ય બનવું અસંભવિત જેવું જ છે. આમાંનાં ઘણાં પદો તે નિબંધ લખતો હોય તેવાં પણ છે, તોપણ કેટલાંકની માત્ર ટેકો પણ સુંદર બનેલી છે, કેટલાંકના ઉપાડમાં પણ બળ છે. કેટલાંકમાં ભજનની બાની પણ દેખાય છે. આનાં થોડાંક ઉદાહરણો જોઈશું : ઝટ ઝટ ચાલો જી, સમરાંગણમાં જી, રંગ મચાવવા જી. જસથી ઢળવા જી, જયને મહાલવા જી. ... ...ઉત્સાહે ઉત્સાહે શુભ સ્વતંત્રતાને ગાને ઉર પ્રફુલ્લ કરી અભિમાને, સમર રંગ રમવાને ધાયે, સુભટ સહુ ઉત્સાહે ઉત્સાહે. ...શંખનાદ સંભળાયે ભૈયા, શૂર પુરુષને તેડૂં હો ...થઈ મરણિયા ધસવું ભાઈ, થઈ મરણિયા ધસવું. ...ધિઃક ધિઃક દાસપણૂં દાસપણૂં; બળ્યું તમારૂં શાણપણૂં. ...ઝટ ડોળિ નાખો રે મનજળ થંભ થયેલું. આ દેશાભિમાનનાં ગીતોમાં નર્મદનો સૌથી ઉત્તમ કાવ્યગુચ્છ ગુજરાતને લગતાં કાવ્યોનો છે. ‘જય જય ગરવી ગુજરાત’ તો જાણીતું છે, પણ ‘કોની કોની છે ગુજરાત’ તથા ‘આપણે ગુજરાતી’ એ કાવ્યો હજી વધારે જાણીતાં થવાને યોગ્ય છે. ગુજરાતની અસ્મિતાનો પહેલો કાવ્યમય ઉદ્‌ગાર અહીં થયેલો છે. આ ગુચ્છમાં તેમ જ નર્મદના તમામ કૃતિસમૂહમાં કાવ્યબળે પ્રથમ આવી જાય તેવું કાવ્ય ‘સૂરત’ છે. આખું કાવ્ય, કેટલાક અપવાદ જેવા શબ્દો કે ઉક્તિઓ બાદ કરતાં, ભાવની તથા કળાની એકસરખી ઊંચાઈ પર ટકી રહે છે. તેમાંની કેટલીક ઉપમાઓ રુક્ષ જેવી છે છતાં તેની બીજી ઉપમાઓ કરતાં ઘણી સારી છે. આ ઘાયલ ભૂમિનું સ્તવન કરતું કાવ્ય ગુજરાતી કવિતામાં એક ઉત્તમ ઊર્મિક છે અને તેમાંની આ પંક્તિઓ ગુજરાતી કવિતાનો એક અપૂર્વ ભાવનામય ઉદ્‌ગાર છે : તાપી દક્ષિણ તટ, સુદત મુજ ઘાયલ ભૂમી, મને ઘણું અભિમાન, ભાંય તારી મેં ચૂમી. આ કાવ્યમાં નર્મદનું શૈલીવૈચિત્ર્ય, તેની અપક્વતા, તેની છંદઃક્ષતિઓ પણ એક જાતનું લાક્ષણિક રસત્વ ધારે છે, અને નર્મદની લાક્ષણિકતાનું એક અંગ બની જઈ કાવ્યના રસોદ્‌બોધમાં વિઘ્નરૂપ બનવાને બદલે પુષ્ટિરૂપ બને છે. સહેજ ફેરફારથી છંદઃશુદ્ધિ તથા ભાષાશુદ્ધિ આ પંક્તિઓમાં લાવી શકાય તેમ છે, છતાં નર્મદની એ સહેજ લથડતી બાની જ આપણને પ્રિયતર રહે તેમ છે.

  1. * (૧) તેનું તે શૂં રડૂં તેનું તે શૂં બકૂ, તેનું તે શૂં લવૂં રોજ તેવૂં.
    દુઃખ છે દુઃખ છે દુઃખ સંસારમાં સૂખ તો દિવસના સ્વપ્ન જેવૂં.
    વણ વસૂ આ સમે મૂંઝવાઉં ઘણો શૂં કરું ના સુઝે રોજ રોઊં,
    સારું થઈ જાઉં જો શઠ દિવાનો હવાં કે છૂટૂં મોતથી એ જ ચ્હાવૂં.
    નર્મકવિતા, પૃ. ૮૧૫ આ કાવ્યની રચનાસાલ નર્મકવિતામાં નથી આપેલી, પણ નર્મકવિતામાં એ છેવટના ભાગમાં મુકાયેલું છે, એટલે ૧૮૬૫-૬૭ના વિકટ ગાળામાં કે જ્યારે તેને મુંબઈ છોડી સૂરત રહેવા આવવું પડ્યું ત્યારે તે લખાયેલું હોવું જોઈએ. અત્યારે મળી શકતી સામગ્રી પ્રમાણે તેની કવિતાપ્રવૃત્તિના સમાપ્તિચિહ્ન તરીકે ગણી શકાય તેમ છે,
    (૨) “અરે! ખાપર્ડે, મને એ કવિતાઓ બિલકુલ ગમતી નથી. તું બિલકુલ એનું મારી પાસે નામ લઈશ નહિ.” નર્મદ ૧૮૮૩માં. (નર્મદ-શતાબ્દી ગ્રંથ, પૃ.૨૩૭)