આંગણે ટહુકે કોયલ/ધુંબડી સૈયરમાં રમે

From Ekatra Wiki
Revision as of 02:50, 22 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૫. લાલ લાલ જોગી

૬૩. ધુંબડી સૈયરમાં રમે


ધુંબડી સૈયરમાં રમે ધુંબડી કાળજની કોર ધુંબડી આંબાની છાંય ધુંબડી... ગા દોવાનો ગોણિયો ઉપર તાંબડી, ધુંબડ જાઈને કાજ ધુંબડી... ધોરાજીનો ઢોલિયો પાટી હીરની, ધુંબડ જાઈને કાજ ધુંબડી... શેરીએ રમે સૌને ગમે ધુંબડી સૈયરમાં રમે. ફળીએ રમે ફઈને ગમે ધુંબડી સૈયરમાં રમે. બારીએ રમે બાપને ગમે ધુંબડી સૈયરમાં રમે. મેડીએ રમે માને ગમે ધુંબડી સૈયરમાં રમે. બા’ર રમે બેનને ગમે ધુંબડી સૈયરમાં રમે.

સમાજ દીકરાનું મહાત્મ્યગાન કરે છે તો દીકરીને પણ હુલાવે-ફૂલાવે છે જ. દીકરાના જન્મ વખતે સાકર-પતાસાં વેંચાતાં પણ દીકરીના અવતરણથી આશ્વાસન લેતા. દીકરાનાં હાલરડાં ગવાતાં તો દીકરીનાં પણ ગીતો ગવાયાં જ છે! કેટલાંય કુટુંબોમાં પાંચ, છ, સાત દીકરીઓ હતી જ, હજુ પણ ઘણી જગ્યાએ હશે, ભલે એક દીકરાની આશામાં ઝાઝી દીકરીઓ આ દુનિયામાં આવી ગઈ હશે પણ સૌને એટલી તો ખબર છે જ કે ક્યાંક દીકરી જન્મશે તો જ આપણા ઘરમાં વહુ આવશે... ‘ધુંબડી સૈયરમાં રમે...’ બાલિકાનાં ગુણગાન ગાતું લોકગીત છે. એની રચના અસલ લોકગીત જેવી નથી પણ બાળગીત કે જોડકણા જેવી છે. ‘ધુંબડી’ એટલે નાનકડી દીકરી. ત્રણ-ચાર વર્ષની બાલિકા ડગુમગુ કરતી શેરીમાં જાય ને ત્યાં એની સમવયસ્ક સખીઓ સાથે રમતી હોય તો પરિજનોને કેવી રૂડી લાગે એનું હળવું ફૂલ ગીત છે. દીકરાને માડીજાયો, ઘરનો મોભ કહીને સ્વીકાર્યો છે એમ અહીં દીકરીને પણ ‘કાળજની કોર’ અને ‘આંબાની છાંય’ કહી છે એ બતાવે છે કે સમાજના એક વર્ગે પુત્રીને પણ સ્વીકૃત ગણી છે. દીકરી મોટી થશે, ગાય દોહતાં શીખશે એટલે એને માટે અત્યારથી જ મોટું દોણું કે ગોણિયું અને તાંબડી તૈયાર રાખ્યાં છે. એને માટે હીર જેવી રેશમી પાટીવાળો ધોરાજીનો ઢોલિયો પણ તૈયાર છે. ‘ધુંબડી’ શેરીમાં રમવા નીકળી તો પરિવારને ગમ્યું, ફળિયામાં રમતાં જોઈ તો એની ફોઈને આનંદ થયો, બારીમાં રમતી નિહાળી તો પિતા હરખાયા, મેડીએ રમતાં જોઈને માતા ઉલ્લાસ પામી-આમ, દીકરી ધીમે ધીમે મોટી થઈ રહી છે એનો આનંદ આખા ઘરમાં પ્રસરી ગયો છે. એક સમયે દીકરીને દૂધ પીતી કરવાનો કુરિવાજ હતો તો આજે અનેક કૂખ દીકરીની કબર બની રહી છે ત્યારે પુત્રીરત્નનો સ્વીકાર કરતું આ લોકગીત ‘આત્મજાવિરોધી’ માનસિકતાવાળા માતા-પિતાને સંદેશો આપી જાય છે.