ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/પહેલો વરસાદ
કાકાસાહેબ કાલેલકર
કાલે સાંજે વરસાદનું વાતાવરણ ખરેખરું જામ્યું હતું. જ્વાળામુખીના શિખરના દ્રોણમાં ધાતુઓનો રસ સીઝતો હોય તેમ આકાશમાંનાં વાદળાં ખદખદતાં હતાં. પ્રથમ બહુ ધીરે ધીરે ને પાછળથી ઝપાટાથી. વાદળાંને રંગ અસાધારણ સુંદર આવ્યો હતો પણ તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. કાળી સ્લેટમાં કોક કોક વખત લીલો રંગ મળેલો દેખાય છે તેની ઉપમા કદાચ આપી શકાય. ગોરા બાળકના શરીર ઉપર લીલા અને ભૂરા રંગનું મિશ્રિત એવું લાખું હોય છે તેનું સ્મરણ પણ આ વાદળાં જોતાં થાય. પણ ખરેખર તે રંગનું વર્ણન કરવા ભાષામાં પૂરતા શબ્દો જ નથી. અંગ્રેજીમાં ચટણીરંગ કરીને એક જાણીતો રંગ છે. ઇમારતોના પથ્થર માટે તથા ચોપડીનાં પૂંઠાં માટે તે રંગ પસંદ કરવામાં આવે છે, પણ સજલ મેઘોના તેજસ્વી શ્યામ વર્ણમાં લીલા રંગની જે સૂક્ષ્મ છટા કોક વાર દાખલ થાય છે તેની નરમાશ, કોમળતા અને મોહકતા બીજે ક્યાંય જોવા મળે નહીં. માત્ર યૌવનની કાન્તિ કે લાવણ્ય આ મેઘકાન્તિની કંઈક બરાબરી કરી શકે.
સાંજે વરસાદ પ્રથમ ધીરે ધીરે આવવા લાગ્યો. જમીનમાંથી માટીની સુવાસ ફેલાવા લાગી. પછી વરસાદ જોરથી શરૂ થયો. જમીન ઉપર પાણી વહેવા લાગ્યું. વાદળાં જેમ જેમ જાડાં થવા લાગ્યાં તેમ તેમ વીજળીને તેમાં રમવાની મજા પડવા લાગી. આકાશ કોણ જાણે ક્યાં સંતાઈ ગયું હતું! તેને મારીમચડીને તેનો ભૂકો કરી પોતાનો રંગ વધારે ઘેરો બનાવવા માટે આ વાદળાં તને હોઇયાં કરી ગયાં હોય એમ લાગતું હતું. માત્ર પશ્ચિમ તરફ થોડુંક આકાશ ટકી રહ્યું હતું ખરું. પણ વાદળાંએ પૂર્વમાં કરેલું જીવલેણ આક્રમણ જોતાં પશ્ચિમ તરફના આકાશનું ભવિષ્ય ઉજ્જ્વલ દેખાતું ન હતું. આવા હુમલા તો વાદળાંઓએ આકાશ ઉપર કેટલીય વાર કર્યાં હશે. અને દરેક વખતે એમ લાગે કે વાદળાંનો વિજય થઈ આકાશનો સમૂળ નાશ થયો. પણ આકાશ તે આકાશ. અલિપ્ત, શાંત અને અનન્ત! કોઈ પણ જાતનો પ્રતિકાર કે વિરોધ કર્યા સિવાય જ તે વિજયી થાય છે.
ખરું જોતાં અનંતકાળ અને અનંત આકાશ બંને એક જ છે. દિક્કાલનો ભેદ મનોગત જ છે. અનંતત્વમાં તેવો ભેદ હોઈ જ ન શકે. આનંત્યનો હેતુ તો અંતિમ ઐક્ય સાધવાનો જ હોય.
વરસાદને થયું કે ધ્વનિ જો બધે પ્રસરે છે, પ્રકાશ બધે ફેલાય છે, તો હું પણ આ માનવી કીટોના દરમાં શા માટે ન પેસું? દુર્વાસાની જેમ अयं अहं भोः કરીને એણે બેચાર ટીપાં અમારી ઓરડીમાં નાખ્યાં. અમે બહાદુરીથી પાછા હઠ્યા. સરસ્વતીનાં કમળો પાણીમાં રહ્યા છતાં પાણીથી અલિપ્ત રહી ભીંતાજાં નથી ખરાં, પણ સરસ્વતીનાં પુસ્તકોને એ કળા હજી પ્રાપ્ત થઈ નથી. તેમને તો દરવાજા પાસેથી ભગાડવાં એ જ ઇષ્ટ હતું, પુસ્તકોને દૂર ખૂણામાં મૂકી મનમાં કહ્યું ‘कठिण समय येतां कोण कामास येतो” એટલે કે કઠણ વખત આવી પડ્યે કોણ કામ આવે? ખૂણો (कोण) આવે ખરો! જોતજોતામાં વરસાદે હુમલો જોશમાં ચડાવ્યો, આખી ઓરડી તો એણે ભીની કરી મૂકી જ, પણ તદ્દન ભીંતે અડીને પાથરેલી પથારીને મળવા આવવાનું પણ તેને મન થઈ આવ્યું. મેં પણ કાંબળો ઓઢીને પ્રસન્ન મને તેનું સ્વાગત કર્યું. વર્ષાની શરૂઆતની આ પહેલી સલામીની કદર કરવાનું મન કોને ન થાય?
વરસાદ ગયો કે તરત જ પાથરણાના એક કકડાથી જમીન લૂછી લીધી અને સરકારના લેણદારની જેમ ઊમરા ઉપર ઓશીકું મૂકી નિરાંતે સૂઈ ગયો. તફાવત એટલો જ કે લેણદાર ઊમરાની બહારની બાજુએ પડી રહે છે જ્યારે હું તેની અંદરની બાજુએ સૂતો.
રાત્રે અગિયાર વાગ્યે ચાંદામામાનાં દર્શન થયાં. આકાશમાંનાં વાદળાં જરા વીખરાઈ ગયાં હતાં; પણ તેમનું જોર કંઈ ઘટ્યું ન હતું. પરોઢિયે માત્ર આકાશ હંમેશ મુજબ થોડાંક વાદળાંને રમાડતું હતું.
આજે એક વસ્તુ નજરે પડી. સવારે પૂર્વ તરફનાં વાદળાંમાં ફીકાશ આવે ત્યારે જ આકાશના રંગ દીપી નીકળે છે. આજે આકાશમાં લાલાશવાળી ગુલાબી છટા વિશેષ દેખાતી હતી. છટા વિના લાવણ્ય શોભી નીકળતું નથી. આજની સૌંદર્યતરલતા કંઈ વિશેષ હતી. ૨૩-૪-’૩૨