ગુજરાતી બાળવાર્તા સંપદા/હું ગણેશજીનો ઉંદર
ઈશ્વર પરમાર
હું તો ગણેશજીનો ઉંદર'
આપણે શંકર ભગવાનના મંદિરે ઘણી વખત જઈએ છીએ. શંકર ભગવાને એક ગામથી બીજે ગામ જવું હોય તો શાના પર બેસીને જાય - ખબર છે ? શંકર ભગવાનના દીકરા ગણેશજી. ગણેશજીને એક ગામથી બીજે ગામ જવું હોય તો શાના પર બેસીને જાય - જાણો છો ? ગણેશજી ઉંદર પર બેસે. આજે તમને ગણેશજીના ઉંદરની વાત સંભળાવું. એક વાર ગણેશજીને બહારગામ જવાનું થયું. ઉંદરભાઈને બોલાવીને કરી વાત કે આપણે બહારગામ જવું છે. ઉંદરભાઈ કહે : ‘ચાલો મહારાજ, બેસી જાઓ મારી પીઠ પર. અબઘડી તમે કહો તે ગામ પહોંચાડી દઉં.’ ગણેશજી તો ઉંદરભાઈની પીઠ પર બેઠા. ઉંદરભાઈ ચૂંચૂંચૂંચૂં કરતા જાય ને આજુબાજુ જોતા જાય. ઉંદરભાઈએ તો જરા વારમાં ગણેશજીને બીજે ગામ પહોંચાડી દીધા. ગણેશજીને એ ગામે આખો દિવસ રોકાવું’તું એટલે ઉંદરભાઈ કહે : ‘મહારાજ, હું આજુબાજુમાં જરા ફરી આવું. સાંજે પાછો આવી જઈશ. મને ફરવા જવાની રજા આપો ને !’ ગણેશજી કહે : ‘ભલે, ખુશીથી ફરી આવો. સાથે આ થેલી લેતા જાઓ. એમાં સાત લાડવા છે. તમને કામ લાગશે.’ લાડવાની થેલી પીઠે મૂકીને ઉંદરભાઈ તો ઊપડ્યા ફરવા. ચૂંચૂંચૂંચૂં કરતા જાય ને આજુબાજુ જોતા જાય. રસ્તામાં કોઈ ઘર પૂછે : ‘કોણ છો તમે ?’ તો કહે : ‘હું તો ગણેશજીનો ઉંદર ! ચૂંચૂંચૂં... હું તો ગણેશજીનો ઉંદર !’ ઉંદરભાઈ તો ગામની બહાર આવી ગયા. પાદરમાં એમણે જોયું તો એક ગલૂડિયું માથું હલાવી રડતું હતું. ગલૂડિયું એટલે કૂતરાનું બચ્ચું. ઉંદરભાઈએ એ ગલૂડિયાને પૂછ્યું, ‘ગલૂડિયાભાઈ, કેમ રડો છો ?’ ગલૂડિયું કહે : ‘મારી પાસે એક મીઠી પૂરી હતી. એ લઈને હું અહીં નિરાંતે જમવા આવ્યું. મને ખબર નહિ ને કાગડાભાઈ ક્યાંકથી ટપકી પડ્યા ને મારી મીઠી પૂરી લઈ ગયા !’ ઉંદરભાઈ કહે : ‘જુઓ ગલૂડિયાભાઈ, તમે રડશો તોય તમારી મીઠી પૂરી તો પાછી નહિ જ મળે. લો, આ એક લાડવો તમને આપું, લહેરથી જમો.’ ગલૂડિયાભાઈ તો ખુશખુશ. એ કહે : ‘તમે કોણ છો એ તો કહો.’ એટલે ઉંદરભાઈ કહે, ‘હું તો ગણેશજીનો ઉંદર ! ચૂંચૂંચૂં... હું તો ગણેશજીનો ઉંદર !’ ઉંદરભાઈ આગળ ચાલ્યા. ચૂંચૂંચૂં કરતા જાય ને આજુબાજુ જોતા જાય. રસ્તામાં કોઈ ખેતર પૂછે : ‘કોણ છો તમે ?’ તો કહે : ‘હું તો ગણેશજીનો ઉંદર ! ચૂંચૂંચૂં... હું તો ગણેશજીનો ઉંદર !’ ઉંદરભાઈ તો હવે જંગલ પાસે આવી ગયા. અહીં એમણે જોયું તો ઝાડ નીચે એક બોતડું ઊભુંઊભું રડતું હતું. બોતડું એટલે ઊંટનું બચ્ચું. બોતડાભાઈ તો પાછળ પગ પછાડતા જાય ને રડતા જાય. ઉંદરભાઈએ પાસે જઈને પૂછ્યું : ‘કેમ રડો છો, બોતડાભાઈ ?’ બોતડાભાઈ કહે : ‘હું આજે એકલું-એકલું ચરવા નીકળ્યું હતું. ચરતાં-ચરતાં આ ઝાડ પાસે જરા ઊંઘ આવી ગઈ. એટલી વારમાં તો કોઈ મારા આગલા પગ દોરડીથી બાંધી ગયું. હવે હું ચાલું કેમ ?’ ઉંદરભાઈ તો એને પગે બાંધેલું દોરડું કાતરવા મંડ્યા, ત્યાં ઝાડ ઉપરથી અવાજ આવ્યો : ‘કોણ છે ? દોરડું કાતરતા નહિ. મેં બાંધ્યું છે.’ ઉંદરભાઈએ ઉપર જોયું તો વાંદર ! એ કહે : ‘મેં જરા મજા કરવા બોતડાના પગ બાંધી દીધા છે. એ છોડશો નહિ. મારે હવે એની પૂંછડીની મજા કરવી છે.’ ઉંદરભાઈ કહે : ‘કોઈને હેરાન કરીને મજા ન કરાય. હું તો દોરડું કાતરીશ, કાતરીશ ને કાતરીશ.’ વાંદરું કહે : ‘કોણ છો તમે ?’ ‘હું તો ગણેશજીનો ઉંદર ! ચૂંચૂંચૂં...’ આમ કહીને ઉંદરભાઈએ તો દોરડું કાતરી નાખ્યું. બોતડાભાઈ રાજી થયા. ઉંદરભાઈએ એને બે લાડવા આપ્યા. એટલે તો વળી વધારે રાજી થયા. લાડવા જોઈને પેલા વાંદરાના મોંમાં પાણી આવી ગયું, પણ ઉંદરભાઈએ એને કંઈ ન આપ્યું. જે બીજાને પજવે એને કોણ લાડ કરે ? કોઈ ન કરે. વાંદરું તો મોં ચડાવીને બેઠું રહ્યું ને બોતડાભાઈ તો ભરબપોરે નાચતા-કૂદતા પોતાની મમ્મી પાસે દોડી ગયા. ઉંદરભાઈ પાસે હવે લાડવા રહ્યા ચાર. એની થેલી લઈને એ આગળ ચાલવા માંડ્યા. ચૂંચૂંચૂંચૂં કરતા જાય અને આજુબાજુ જોતા જાય. રસ્તામાં કોઈ ઝાડ પૂછે : ‘કોણ છો તમે ?’ તો કહે : ‘હું તો ગણેશજીનો ઉંદર ! ચૂંચૂંચૂં... હું તો ગણેશજીનો ઉંદર !’ ઉંદરભાઈ તો હવે જંગલની વચ્ચોવચ આવી ગયા. જોયું તો રસ્તાની વચમાં એક મદનિયું ઊભુંઊભું રડતું હતું. મદનિયું એટલે હાથીનું બચ્ચું. એને ઉંદરભાઈએ પૂછ્યું : ‘મદનિયાભાઈ, કેમ રડો છો ?’ મદનિયાભાઈ માંડ છાના રહીને કહે : ‘હું ખોવાઈ ગયું છું. મમ્મીને કહ્યા વગર એકલું-એકલું ફરવા નીકળ્યું’તું.’ ઉંદરભાઈ કહે : ‘તો હવે શું કરશો ?’ મદનિયાભાઈ કહે : ‘આ રસ્તો નદીએ જવાનો છે. એની મને ખબર છે. મારી મમ્મી સવારે આ રસ્તે આવશે, આવશે ને આવશે.’ ઉંદરભાઈ કહે : ‘તો સવાર સુધી અહીં જ રહેજો. જંગલમાં મમ્મીને શોધવા જશો તો અટવાઈ જશો. રાતે બીક નહિ લાગે ને ?’ ‘મને બીક નથી લાગતી, ભૂખ લાગે છે. હું ખાલી પેટે રાત કેમ કાઢું ?’ મદનિયાભાઈએ આમ કહ્યું એટલે ઉંદરભાઈએ પોતાની પીઠ પરની થેલીમાંથી મદનિયાભાઈને ત્રણ લાડવા આપ્યા. મદનિયાભાઈએ એક પછી એક લાડવા સૂંઢમાં લઈને મોંમાં પધરાવી દીધા. પછી કહે : ‘હોય તો હજુ એક લાડવો આપો ને !’ ઉંદરભાઈએ છેલ્લો સાતમો લાડવો મદનિયાભાઈને આપી દીધો. મદનિયાભાઈ તો ખુશખુશ. એ કહે : ‘કોણ છો તમે ? એ તો કહો.’ અને જવાબ મળ્યો : ‘હું તો ગણેશજીનો ઉંદર ! ચૂંચૂંચૂં... હું તો ગણેશજીનો ઉંદર !’ હવે તો સાાંજ થવા આવી. ગણેશજી પાસે પાછા પહોંચી જવાનો સમય થયો. ચાલીચાલીને થાકેલા ઉંદરભાઈને હવે તો કકડીને ભૂખ લાગી હતી. લાડવા તો ખલાસ થઈ ગયા હતા. એક ગલૂડિયાને, બે બોતડાને અને ચાર મદનિયાને આપી દીધેલા. ઉંદરભાઈ એ બધાની મજા સંભારતા જાય છે ને ચૂંચૂંચૂં કરતા જાય છે. ઉંદરભાઈ જંગલ-ખેતર ને પાદર વટાવીને આવી ગયા ગામમાં ગણેશજીની પાસે. ગણેશજી કહે : ‘મજામાં ને ? ક્યાં ફરી આવ્યા ઉંદરભાઈ ?’ ઉંદરભાઈએ તો ધીમા અવાજે બધી વાત કરી, એ વાત સાંભળીને, ગણેશજી તો ખૂબ જ રાજી થયા. એમણે ઉંદરભાઈને બીજા અગિયાર લાડવા આપ્યા. ઉંદરભાઈ તો એક જ લાડવો ખાઈને તાજામાજા થઈ ગયા. એટલે બાકીના દસ લાડવા એમણે શેરીમાં લઈ જઈને ભૂલકાંને વહેંચવા માંડ્યા. ભૂલકાં હોંશેહોંશે લાડવો લેતાં જાય, ને પૂછતાં જાય : ‘કોણ છો તમે ?’ તો કહે : ‘હું તો ગણેશજીનો ઉંદર ! ચૂંચૂંચૂં... હું તો ગણેશજીનો ઉંદર !’