ગુજરાતી બાળવાર્તા સંપદા/બસ, હવે ઊડો !
બસ, હવે ઊડો !
લીમડાની એક ઊંચી ડાળે કાગડાનો માળો હતો. માળામાં બે બચ્ચાં મોટાં થતાં જતાં હતાં. કાગડો અને કાગડી બચ્ચાંનું ખૂબ જતન કરતાં હતાં અને એમને હરખભેર ઉછેરતાં હતાં. આખો દિવસ ભમી-ભટકીને કાગડો-કાગડી બચ્ચાં માટે ખાવાનું લઈ આવતાં. બચ્ચાંય રાહ જોઈને બેઠાં હોય; કાગડા-કાગડીને દૂરથી આવતાં જુએ એટલે કો કો કરતાં ચાંચ ફાડીને બેસે. હવે કાગડો-કાગડી બચ્ચાંને ઊડતાં શીખવે છે. એક મોટી ડાળ પર બેસીને કાગડો-કાગડી બચ્ચાંને માળામાંથી નીચે નાખે છે એટલે બચ્ચાં પાંખો ફફડાવવા લાગે છે. માંડમાંડ આવીને પાછાં ડાળ પર બેસે છે. ‘જુઓ, બચ્ચાં ! પાંખો પણ ખપ કરતાં વધારે નહિ ફફડાવતાં !’ કાગડીએ પછી કહ્યું, ‘ને થાક લાગે એટલે જરા પોરો ખાવો !’ બાજુમાં ટમેટાંની વાડી હતી. પાકાં પાકાં ટમેટાં મનને લલચાવે એવાં હતાં. કાગડો કહે, ‘જાઓ, પેલી વાડીમાંથી એકએક પાકું ટમેટું લઈ આવો.’ બચ્ચાં તો ઊડ્યાં, પણ ઊડ્યાં અને થોડી વારમાં જ પાછાં આવ્યાં. ‘કેમ એવાં ને એવાં પાછાં આવ્યાં ?’ કાગડીએ કહ્યું. ‘અરે બાપ રે ! ત્યાં તો કોઈ માણસ હાથ પહોળો કરીને લાકડી વીંઝતો ઊભો છે !’ બચ્ચાં તો હજી આ બોલતાંય ફફડતાં હતાં. ‘તમે બરાબર જોયું હતું ? ખાતરી તો કરવી હતી કે એ માણસ છે કે કોણ ?’ કાગડાએ કહ્યું, ‘એ છે ચાડિયો. પંખીઓને ગભરાવવા માટે ખેડૂતે એવી યુક્તિ કરી છે.’ બચ્ચાં કહે, ‘હા, હવે અમે સમજ્યાં. હવે નહિ ગભરાઈએ.’ ‘તો હવે આરામ કરો. અમે તમારા માટે ખાવાનું લઈ આવીએ. હવે ફરી કાલે સવારે બીજો પાઠ શીખવીશું.’ એમ કહીને કાગડો-કાગડી ઊડી ગયાં. બીજે દિવસે સવારમાં પાછા ફરી પાઠ શરૂ થયા. બચ્ચાંએ આજે ઊંચે ઊંચે ઊડવાનું શીખવાનું હતું. ‘બચ્ચાં, બરાબર ધ્યાન રાખજો. ઉપર ઉપર ઊડો પણ નજર નીચેથી ખસવી ન જોઈએ. ચાલો, ઊડો જોઈએ.’ કાગડાએ પાઠ શરૂ કર્યો. બચ્ચાં ઊડ્યાં. ઊડીને પાછાં ડાળ પર આવ્યાં. કાગડો કહે, ‘બોલો, તમે નીચે શું શું જોયું ?’ બચ્ચાં બેય ખૂબ ઉત્સાહમાં હતાં. ‘કહું, કહું,’ કરવા લાગ્યાં. કાગડી નાનાનું જરા વધારે જતન કરતી હતી. એણે નાનાને પૂછ્યું, ‘તું કહે, તેં શું જોયું ?’ પેલાં ખેતરમાં નાનાં નાનાં ઘણાં જીવડાં છે, પેલી વાડ પાસે દરમાં ઉંદર ભરાઈ ગયો છે. પણે છોકરાં ધીંગામસ્તી કરે છે...’ નાનાએ તો જોયું હતું તે બધું કહેવા માંડ્યું. ‘ખેતરમાં પેલો ખેડૂત ઊભો છે તે ન દેખાયો ?’ કાગડાએ મોટાને પૂછ્યું. ‘મેં એને જોયો હતો. વાંકો વળીને એ કંઈક કામ કરતો હતો.’ ‘માણસ એમ વાંકો થાય ત્યારે બરાબર ધ્યાન રાખવું. રસ્તામાં ઢેખાળા પડ્યા હોય તો ઉપાડીને તે તમારા તરફ ફેંકે. તમને વાગે.’ ‘એમ તો અમને દેખાય ને ? હાથમાં ઢેખાળો પકડે કે તરત અમે ઊડી જઈએ.’ મોટાએ ઉત્સાહમાં આવીને કહેવા માંડ્યું. નાનું બચ્ચું એ સાંભળતું હતું. તે હવે બોલી ઊઠ્યું, ‘પણ પહેલેથી જ ઢેખાળો લઈને પૂંઠ પાછળ સંતાડી રાખ્યો હોય તો ?’ ‘સરસ ! સરસ ! બસ, હવે ઊડો !’ કાગડો-કાગડી બેય બોલી ઊઠ્યાં, ‘તમને હવે આવો વિચાર આવે છે, આવો સંશય થાય છે, એટલે તમે જ તમારી કાળજી કરશો. તમારું એક પીછું પણ કોઈ ખેંચી શકશે નહિ. હવે તમે તમારે ઊડો ને મોજ કરો.’ કાગડાની નિશાળ પૂરી થઈ.