ગુજરાતી બાળવાર્તા સંપદા/ડાઘિયાની પૂંછડી વાંકી

Revision as of 03:09, 13 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ડાઘિયાની પૂંછડી વાંકી

કૂતરાનું ગામ. એમાં એકલા કૂતરાઓ રહે. મોજમજા કરે. ગામમાં ધોળું ધોળું ને ગોળમટોળ ગલૂડિયું રહે. એનું નામ ડાઘિયો. ડાઘિયાને પોતાની વાંકી પૂંછડી ન ગમે. એને થાય : પૂંછડી સીધી રહેતી હોય તો કેવી સરસ લાગે. ડાઘિયો માને કહે : મા, મા, આ મારી પૂંછડી સીધી કરી આપને... મને વાંકી પૂંછડી જરાય ગમતી નથી. મા કહે : બેસ, બેસ, ડાહ્યા. પૂંછડી તે કાંઈ સીધી થતી હશે ? પછી ડાઘિયો બાપા પાસે જાય. બાપા તો ખિજાયા : અરે અક્કલના ઓથમીર, તારે પૂંછડી સીધી કરવી છે એમ ? વાંકી પૂંછડી ન ગમતી હોય તો કપાવી નાખ ને બાંડિયો બની જા. ડાઘિયો દોસ્તારને પૂછે : હેં, પૂંછડી સીધી કરી નાખવી હોય તો કેમ કરતાં કરાય ? દોસ્તાર તો હસી પડે. કહે : અરે, ડાઘિયાભાઈ, પૂંછડી સીધી કરવી હોય તો એની સાથે લાકડી બાંધી રાખ. ડાઘિયો પૂંછડીને લાકડી સાથે બાંધી જુએ, પણ એમ તે પૂંછડી સીધી થતી હશે ? પછી એને એક ઉપાય જડ્યો. પૂંછડીને સીધી કરીને ધૂળમાં દાબી રાખે. સાંજે બહાર કાઢીને જુએ, પણ પૂંછડી તો વાંકી ને વાંકી. અંતે એક દિવસ ડાઘિયો રડતો રડતો ભગવાન પાસે ગયો. ભગવાન પૂછવા લાગ્યા : કેમ ? તું કેમ રડે છે ? ડાઘિયો કહે : ભગવાન ! મને આ વાંકી પૂંછડી ગમતી નથી. મારે પૂંછડી સીધી કરવી છે. તમે સીધી કરી આપશો ? ભગવાન કહે : એમાં શું ? લાવ ને સીધી કરી આપું. એમ કહીને ભગવાને છૂ કરતી ફૂંક મારી તો પૂંછડી સીધી... ડાઘિયો પૂંછડીને જોઈને રાજી રાજી થઈ ગયો. એ તો આવ્યો ગામમાં. સૌને પૂંછડી દેખાડતો જાય ને હરખાતો જાય. પણ એની પૂંછડી જોઈને કોઈ રાજી ન થયું ને કોઈએ એને શાબાશીયે ન આપી. માને પૂંછડી દેખાડી તો મા ખિજાણી. બોલી : અરરર.... આ તેં શું કર્યું ? સીધી પૂંછડી સારી ન દેખાય. જા, જા... હતી તેવી કરાવી લાવ. ડાઘિયો બાપા પાસે ગયો. બાપ ઓટલે બેઠો બેઠો ઊંઘતો હતો. ડાઘિયાએ તેને જગાડ્યો તો તાડૂક્યો : શું છે હવે, નિરાંતે સૂવા દે ને... ડાઘિયો કહે : આ મારી પૂંછડી તો જુઓ.... કેવી સીધીસટ બની ગઈ છે... બાપે આંખ ખોલી જોયું. ડાઘિયાની સીધી પૂંછડી જોઈ તે બરાડ્યો : મૂરખ, તેં તો પૂંછડીનું સત્યાનાશ વાળી નાખ્યું. આવું ડહાપણ ડોળવાનું તને કહ્યું ’તું કોણે ? હમણાં ને હમણાં ઘરમાંથી ચાલ્યો જા... એમ કહી તેણે ડાઘિયાને ઘરની બહાર કાઢી મૂક્યો. ડાઘિયો રડતો રડતો તેના દોસ્ત ટૉમી પાસે ગયો. ટૉમીએ પણ કહી દીધું : મારી મા મને તારી સાથે રમવાની ના પાડે છે. જા ભાગ. તારે ને મારે આજથી કિટ્ટા... ડાઘિયાને કોઈ બોલાવે નહીં. ઘર પાસે ઊભો રહેવા દે નહીં. સૌ ભાગ અહીંથી એમ કહીને ભગાડે. ડાઘિયો આમથી તેમ રખડે. એને ખૂબ ખૂબ ભૂખ લાગી. પણ એને ખાવાનું કોણ આપે ? બધાં એને કાઢી મૂકતા હતાં. રસ્તે ચાલતાં સામે રાજાના સિપાઈ મળ્યા. તેણે ડાઘિયાની સીધી પૂંછડી જોઈ તેને પકડ્યો ને દોરડાથી બાંધી રાજા પાસે લઈ ગયા. કૂતરાના ગામમાં રાજા પણ કૂતરો. મોટી મોટી આંખોવાળો ને મોટી મોટી મૂછોવાળો. રાજાએ પૂછ્યું : આને કેમ પકડી લાવ્યા છો ? સિપાહી કહે : મહારાજ, આ આપણા ગામનો કૂતરો લાગતો નથી. આપણા ગામમાં સૌની પૂંછડી વાંકી છે. આની પૂંછડી સીધી છે. આ જરૂર કોઈ ચોર લાગે છે. ડાઘિયો રડી પડ્યો : મહારાજ, હું કાંઈ ચોર નથી. ભગવાને મારી પૂંછડી સીધી કરી આપી છે... રાજા ગુસ્સે થયો. બોલ્યો : તેં મારી રજા સિવાય તારી પૂંછડી ભગવાન પાસે સીધી કેમ કરાવી ? તને સજા કરું છું... એમ કહી તેણે સિપાહીઓને હુકમ કર્યો કે ગામના બધા કૂતરાને અહીં ભેગા કરો. ગામના કૂતરાઓ ભેગા થયા. રાજા બોલ્યો : આ સીધી પૂંછડીવાળા ડાઘિયાને સૌ જોરથી એક એક બચકું ભરો એટલે તેની અક્કલ ઠેકાણે આવે. ડાઘિયો રડી પડ્યો. કોઈને દયા આવી નહીં. સૌ તૂટી પડ્યા ને બચકાં ભરવા માંડ્યા. સૌ એક એક બચકું ભરીને ચાલ્યા ગયા. ડાઘિયો લોહીલુહાણ થઈ ગયો. એવું દુઃખે કે ચીસ પડાઈ જાય. પેટમાં ભૂખ પણ લાગી હતી. એનાથી ઊભાયે થવાતું નહોતું. એ તો હતો ત્યાં પડી રહ્યો. એક દિવસ... બે દિવસ... ત્રણ દિવસ... એમ કરતાં કરતાં સાત દિવસ વીતી ગયા. ડાઘિયાને ખાવાનું મળ્યું નહીં. બચકાં ભર્યાં હતાં એ બધાં પાક્યાં. ડાઘિયો સહેજ હાલીચાલીયે ન શકે. એ તો એકલો એકલો રડ્યા કરે. અંતે એક દિવસ માંડ માંડ ઊઠ્યો. ઊઠીને ભગવાન પાસે ગયો. ભગવાન કહે : વળી શું છે તારે ? ડાઘિયો રડી પડ્યો બોલ્યો : ભગવાન, મારી પૂંછડી હતી તેવી વાંકી બનાવી દ્યો. ભગવાન કહે : કેમ - કેમ ? ડાઘિયો કહે : મારી પૂંછડી સીધી છે તેથી સૌ મને કાઢી મૂકે છે. મારી સાથે કોઈ બોલતુંય નથી. ભગવાન બોલ્યા : ઠીક ત્યારે. લાવ તારી પૂંછડી વાંકી બનાવી આપું. એમ કહી છૂ કરતી ફૂંક મારી. ડાઘિયાની પૂંછડી વળી પાછી હતી તેવી વાંકી થઈ ગઈ. ડાઘિયો ઘેર ગયો. તેની વાંકી પૂંછડી જોઈ સૌ રાજી થયા. મા બોલી : વાહ, હવે તું ડાહ્યો. બાપા કહે : તું આવી ગયો ? હવે ફરી વાર પૂંછડી સીધી કરવાની મૂરખાઈ કરીશ મા. ટૉમી કહે : હવે તું મારો દોસ્ત, હવે હું તારી સાથે રમીશ. બધા રાજી રાજી થઈ ગયા. એક ડાઘિયો રાજી થયો નહીં. એને તો વાંકી પૂંછડી હજીય ગમતી નથી; પણ એ શું કરે ? તે કોને કહે ?