ગુજરાતી બાળવાર્તા સંપદા/વાહ રે વાર્તા વાહ !
યોસેફ મેકવાન
વાહ રે વાર્તા વાહ !
એક હતી વાર્તા. તે એક દિવસ સુગંધ ઓઢી ફરવા નીકળી. ઘર પાસેની લોનમાં નાની હિના, શિવાની, નમ્રતા, પૂર્વી, રુચિર, સચિન, તરલ... બેઠાં બેઠાં અંતકડી રમતાં હતાં. વાર્તા ત્યાં આવી. એ શિવાનીની આંખમાં પેસી ગઈ એટલે શિવાનીએ અંતકડી અટકાવતાં તરત કહ્યું, ‘એ ચાલો, હું તમને વાર્તા કહું છું.’ બધાં આતુર થઈ સાંભળવા બેસી ગયાં. શિવાની બોલી, ‘એક હતું કબૂતર. એનું નામ કાબરિયું. કાબરિયું ખૂબ મિજાજી, ખૂબ ઘમંડી. એક દિવસ એ ચબૂતરે ચણ ચણતું હતું, ત્યાં બીજું અજાણ્યું કબૂતરેય આવ્યું.’ કાબરિયું કહે, ‘એ... તું અહીં ક્યાંથી આવ્યું ? ચલ હટ્ ! આ તો મારો ચબૂતરો છે. હમણાં મારા બીજા દોસ્તોય આવશે. તું ચણી જઈશ તો એમને ચણ નહીં મળે... ચણ... જતું રહે !’ પેલું કબૂતર કહે, ‘પણ ચણ તો આટલું બધું છે ને ?’ કાબરિયું ગુસ્સે ભરાયું, કહે, ‘સામે બોલે છે ?’ પેલું કબૂતર કહે, ‘જા હવે, ચબૂતરો તો માણસે બંધાવ્યો છે. તારા એકલાનો નથી. બધા માટે છે.’ કાબરિયાને વધુ ગુસ્સો ચઢ્યો. કાબરિયાને વધુ ગુસ્સો... ચઢ્યો.. ચઢ્યો... આટલું બે...ત્રણ...ચાર વાર બોલી શિવાની અટકી પડી. એકનું એક વાક્ય આમ બોલતી શિવાનીને તરલે કહ્યું, ‘એય... શિવાની, વાર્તા આગળ ચલાવ ને... કેમ એકનું એક વાક્ય હાંક્યે રાખે છે ?’ શિવાની હસી પડી... કહે, ‘વાર્તા ? વાર્તા તો મારામાંથી નીકળી ગઈ... કંઈ સૂઝતું નથી...’ ત્યાં સોના બોલી, ‘એ... વાર્તા મારામાં આવી ગઈ. હું કહું ?’ બધાં કહે, ‘હા... હા... કહે... પછી કબૂતરોનું શું થયું ?’ સોના કહે, ‘કાબરિયાને ગુસ્સો ચઢ્યો... ને એ પેલા કબૂતર પર તૂટી પડ્યું બન્ને પાંખથી.. ચાંચથી લડવા લાગ્યાં. તેમને આમ લડતાં જોઈ ત્યાં ફરતી કીડીની રાણીને ગુસ્સો ચઢ્યો. બન્નેને લડતાં અટકાવવા એ કાબરિયાને પગે ચઢી ગઈ ને ચટકી બરાબરની...’ તરલ અને પૂર્વી હસી પડ્યાં. ‘હેં... કીડીબેન ચટક્યાં ? કાબરિયાના પગે ! હા..હા... હા...’ પછી તરલે પૂર્વીને પગે ઝીણી ચૂંટી ખણીને કહ્યું, ‘એ આમ ચટક્યાં, કીડીબેન !’ પૂર્વી લડી પડી, ‘હાય... તરલિયા ! ચાંપલા !’ કહી તરલને બેત્રણ ટપલી મારી દીધી. તરલેય પૂર્વીને ટપલું માર્યું. સોના બોલી, ‘અરે ! તમે કાં ઝઘડો છો ?’ પૂર્વી કહે, ‘આ તરલિયે મને ચૂંટી ખણી.’ તરલે ફરી ટપલી મારી કહ્યું, ‘મને તરલિયો કેમ કહ્યું ?’ સોના બોલી, ‘તમે ઝઘડી લો પછી વાર્તા...’ નાનકડી હિના બોલી, ‘ના... ના દીદી, તમે વાર્તા કહો ને... મારે તો સાંભળવી છે.’ સોનાએ વાર્તા આગળ ચલાવી, ‘પછી ભઈ... કાબરિયા કબૂતરને કીડી ચટકી એટલે ઘૂ... ઘૂ... ઘૂ... કરી ઊડ્યું... ને જઈ બેઠું પેલી મમતાના ફ્લૅટની બાલ્કનીમાં... એને આવેલું જોઈ મમતા કહે, ‘કબૂતર... લે દાણા ખા..દાણા ખા...’ કહી ઘરમાં દાણા લેવા ગઈ... પણ કાબરિયું તો ઊડી ગયું !’ સોના થોડું અટકી એટલે હિના અને નમ્રતા બોલ્યાં, ‘દીદી, પછી...?’ સોના અટકતી અટકતી ત્રણ-ચાર વાર બોલી, ‘કાબરિયું ત્યાંથી ઊડી ગયું... કાબરિયું ત્યાંથી ઊડી ગયું... કાબરિયું....’ તરલ હસી પડ્યો. રુચિર અકળાયો. તરલ બોલ્યો, ‘એ... સોનાબેન પાસેથી વાર્તા ગઈ... વાર્તા ગઈ !’ બધાં હસી પડ્યાં. નાની હિનાથી રહેવાયું નહિ, બોલી, ‘અરે કોઈ વાર્તા કહો ને... પછી કાબરિયું ક્યાં ગયું ?’ પૂર્વીએ વાર્તા આગળ ચલાવતાં કહ્યું, ‘પછી કાબરિયું કબૂતર ઊડતું ઊડતું જતું હતું. ત્યાં રસ્તામાં તેને દેવચકલી મળી ગઈ. બન્ને એક ઝાડ પર બેઠાં...’ દેવચકલીએ કબૂતરને કહ્યું, ‘કાં રડે છે તું ?’ કાબરિયું કહે, ‘જો ને... મારો પગ...?’ દેવચકલીએ એનો પગ જોયો. એક પગ લાલઘૂમ થયેલો. દેવચકલી કહે, ‘ચલ... તળાવે... તળાવમાં પગ બોળીશ એટલે મટી જશે.. લાય બળે છે ને ?’ કબૂતર તો ઊડ્યું... દેવચકલી સાથે પહોંચ્યું તળાવે... ત્યાં તળાવમાં પગ બોળ્યા. એટલામાં એક માછલી આવી. માછલી કહે, ‘અરે... મારું તળાવ કેમ ડહોળે છે...?’ કાબરિયું કહે, ‘તળાવ કંઈ તારા એકલાનું છે ? જા જા હવે.’ ત્યાં મોટી માછલીએ કબૂતરનો પગ પકડ્યો. કાબરિયું પાંખો ફફડાવા લાગ્યું. એટલામાં ઉપરથી ઊડી જતાં બીજાં કબૂતરોએ જોયું. તેમને થયું, ‘આપણો કોઈ મિત્ર મુશ્કેલીમાં છે.’ તે બધાં સડડસટ્ નીચે ઊતરી આવ્યાં. એકસાથે છીછરા પાણીમાં ઊતર્યાં. તે માછલી ગભરાઈ ગઈ. પેલું કાબરિયું માછલીના મોંમાંથી છૂટી ગયું, ઊડ્યું. બીજાં કબૂતરોય ઊડ્યાં સાથે. પૂર્વી બોલતી જ રહી... બધાં કબૂતરો ઊડ્યાં. બધાં કબૂતરો ઊડ્યાં... હિના અને તરલ બોલ્યાં, ‘શું એકનું એક પાછું ચલાવ્યું.’ પૂર્વી કહે, ‘વાર્તા ગઈ... મારામાંથી વાર્તા ગઈ !’ તરલ કહે, ‘વાર્તા મારામાં આવી ગઈ. કહું ?’ બધાં કહે, ‘કહે ને ભઈલા... મજા પડે છે...!’ તરલ કહે, કાબરિયા કબૂતરે જોયું... તો આ તો પેલું કબૂતર જેની સાથે એ લડ્યું હતું તે ! એ જ કબૂતરે કાબરિયાને બચાવ્યું હતું...’ એને જોઈ કાબરિયું બોલ્યું, ‘અરે તું છે ?’ પેલું કબૂતર કહે, ‘વાહ ! તું હતું ? પેલી માછલીના મોંમાં ?’ થોડી વાર બંને એકબીજાને જોઈ રહ્યાં પછી બન્ને ભેટી પડ્યાં. તરલે વાર્તા પૂરી કરતાં કહ્યું, ‘પછી બન્ને વાતે વળગ્યાં. કહેવા લાગ્યાં, હવે આપણે ચણ માટે નહીં લડીએ. ચાલ, આ ખેતર, આ પાણી, આ ઝાડ, ફળ, ફૂલ... બધાં આપણાં છે. સંપીને તેમાં રહીશું.. ફરીશું... હરીશું... ચણ ચણીશું, તેમાં રહીશું... ફરીશું... ચણ બધાં ચણીશું... મારું તારું નહીં કરીએ...’ પછી તરલ હસી પડ્યો કહે, ‘અને... વાર્તા મારામાંથી ચાલી ગઈ... ગઈ !’ સચિન કહે, ‘વાહ રે વાર્તા વાહ !’