અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિહર ભટ્ટ/એક જ દે ચિનગારી

Revision as of 07:10, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> એક જ દે ચિનગારી મહાનલ! {{space}}{{space}}એક જ દે ચિનગારી, ચકમક લોઢું ઘસતાં ઘ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

એક જ દે ચિનગારી મહાનલ!
                  એક જ દે ચિનગારી,
ચકમક લોઢું ઘસતાં ઘસતાં
                  ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
         ન ફળી મહેનત મારી...          મહાનલ.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
         સળગી આભ-અટારી;
ના સળગી એક સગડી મારી,
         વાત વિપતની ભારી...          મહાનલ.

ઠંડીમાં મુજ કાયા થથરે,
         ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ! હું અધિક ન માગું,
         માગું એક ચિનગારી...          મહાનલ.

(હૃદયરંગ, ૧૯૩૪, પૃ. ૧૧)