ગુજરાતી અંગત નિબંધો/વાટ જોતું ઊભું છે આકાશ
વાટ જોતું ઊભું છે આકાશ – રમણીક સોમેશ્વર
એક નાનકડું પંખી આવી ગયું છે બારી વાટે મારા ઓરડામાં. નાનકડું. રૂપકડું. જાણે હવાનું બનેલું હોય એવું. અરે, આને તો પાસેના સરગવાના વૃક્ષ પર જોયેલું. મજાનો માળો બાંધીને અંદર બેઠેલું. નાનકડી ચાંચથી આકાશને ફોલતું. સરગવાની ડાળી પર ઝૂલતું. ફરરર દઈ આકાશમાં આંટો મારી આવતું. આ પંખી ભૂલું પડ્યું છે મારા ઓરડામાં. ઓરડામાં તો છે પુસ્તકોના ઢગલા. ભેજભરી દીવાલો. ઊડવા જાય છે ને દીવાલો પર અથડાય છે. હું ઊભો થઈ, હળવે રહી પંખો બંધ કરું છું. અહીંતહીં અથડાતું એ પંખાના પાંખડા પર બેસી જાય છે. ઊડવા મથે છે તો ઉપર આકાશને બદલે છત. પુસ્તકોને ઢાંકી બેઠેલા કબાટના કાચ સાથે ઘડીકમાં અથડાય. પાછું ફરરર કરતુંક બેસી જાય પંખાની પાંખે. ભયાવહ નજરે પંખીને તાકતો હું પંખી બની જાઉં છું. દીવાલો મને ઘેરી વળે છે. ક્યાં છે મારું સરગવાનું સુગંધભીનું વૃક્ષ? ક્યાં છે માળો? ક્યાં છે મારી પાંખોમાં ભરાયેલું આકાશ, ઝાડ પરનાં મારાં સાથીઓ, પાંદડાઓ વચ્ચે રમતો તડકો, મુક્ત હવા – ક્યાં છે? ક્યાં? ભૂલો પડ્યો છું દીવાલોના પ્રદેશમાં! માથે છત. ગૂંગળામણ. અથડામણ. પંખીના ખોળિયામાં હું ઝાઝું રહી શકતો નથી. ફરી આવી જાઉં છું ટેબલ પાસેની ખુરશી પર. ઓહ! મને કળ વળતી નથી. મૂંઝાયેલું – શ્વેતકંઠ, નાનીનાની ભયભીત આંખોથી તાક્યા કરે છે ચોમેર. હળવેકથી ઊભો થઈ બધી જ બારીઓ ખોલી નાખું છું. બારણું તો ખુલ્લું જ છે. મનોમન હું કહું છું – ભાઈ પંખી, ચાલ્યું જા, ચાલ્યું જા તારા આકાશમાં. નીકળી જા બારીમાંથી બહાર...પણ એ ક્યાં સમજે છે મારી ભાષા! અને એની ભાષા તો મને આવડતી નથી. થોડી વાર પૂતળાની જેમ બેસી રહું છું ખુરશી પર નિષ્પલક. થાય છે, મારો સંચાર કદાચ એને ભયભીત કરતો હોય. મારું અહીં હોવું એને કનડતું હોય. પછી ચુપકીદીથી નીકળી જાઉં છું ઓરડાની બહાર. અને થોડી વારે આવીને જોઉં છું તો પંખીએ એનો માર્ગ શોધી લીધો હોય છે... આવી ચડ્યો છું હુંય આ પંખીની જેમ કોઈ અજાણ્યા ઓરડામાં. આકાશમાં ફેલાઈ જવા પાંખ પ્રસારું છું ને છત સાથે અથડાઉં છું. અડખેપડખે પાર વિનાની ભીંતો. અરે, કોઈ તો બારી ખોલો. ના, તમારો બતાવ્યો માર્ગ મને નહીં ફાવે. શોધી લેવા દો મને એકલાને મારો માર્ગ. બહાર આકાશ મારી વાટ જોતું ઊભું છે.
[‘કરચલિયાળું તળાવ’,૨૦૨૩]