ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ચુનીલાલ વર્ધમાન શાહ

From Ekatra Wiki
Revision as of 02:04, 9 September 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચુનીલાલ વર્ધમાન શાહ |}} {{Poem2Open}} એઓ જ્ઞાતે દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન વણિક અને વઢવાણના વતની છે. તેમને જન્મ વઢવાણ શહેરમાં તા. ૨ જી મે ૧૮૮૭ના રોજ થયલો. પિતાનું નામ વર્ધમાન ફુલચંદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચુનીલાલ વર્ધમાન શાહ

એઓ જ્ઞાતે દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન વણિક અને વઢવાણના વતની છે. તેમને જન્મ વઢવાણ શહેરમાં તા. ૨ જી મે ૧૮૮૭ના રોજ થયલો. પિતાનું નામ વર્ધમાન ફુલચંદ શાહ અને માતુશ્રીનું નામ નાથીબાઈ છે. તેઓ સને ૧૯૦૩માં મેટ્રીક થયલા, તે પછી તરત પત્રકારિત્વ Journalismના ધંધામાં પડેલા. છેલ્લાં ૨૧ વર્ષથી તેઓ ‘પ્રજાબંધુ’ના ઉપતંત્રી છે; અને એક જવાબદાર અને કર્ત્તવ્યનિષ્ટ પત્રકાર તરીકે તેમણે સારી નામના પ્રાપ્ત કરેલી છે. ખાસ કરીને સદરહુ પત્રમાં ગયાં દસેક વર્ષથી દર પખવાડીએ સાહિત્યની ચર્ચા, “સાહિત્ય પ્રિય” એ સંજ્ઞા નીચે લખી, ગુજરાતી પત્રકારિત્વમાં એક નવું તત્ત્વ દાખલ કરવાનો એમને યશ ઘટે છે. એ સાહિત્ય ચર્ચામાંના અભિપ્રાય જેમ તટસ્થ અને ન્યાયી તેમ ગંભીર અને વિચારશીલ હોય છે; અને તે કારણે તે સાહિત્ય રસિકોમાં વિશેષ રસપૂર્વક અને હોંસથી વંચાય છે; એટલુંજ નહિ પણ અન્ય પત્રકારો અને લેખકોએ એ રીતિનું અનુકરણ કર્યું છે, તે એ કોલમને માટે પત્રના પ્રયોજકે ખચિત મગરૂરી લેવા જેવું છે. ‘પ્રજાબંધુ’ પત્રની સામાન્ય ખીલવણીમાં પણ તેમનો હિસ્સો મહત્ત્વનો છે.

એક પત્રકારનું જીવન અતિ વ્યવસાયી, શ્રમભર્યું અને દોડધામનું હોય છે; તેમ છતાં એઓ હમેશ પોતાનું વાચન અને અભ્યાસ આગળ વધારતા રહેલા છે. વળી વધારે સંતોષકારક એ છે કે જે કાંઈ ફાજલ વખત મળે તેનો નિયમિત રીતે સદુપયોગ કરીને તેઓ એમની લેખન પ્રવૃત્તિ ટકાવી રાખવા શક્તિમાન થયા છે.

નીચે નોંધેલી એમના ગ્રંથોની સૂચિ પરથી જોઈ શકાશે કે ગુજરાતી સાહિત્યમાં એમનો ફાળો, ખાસ કરીને ઐતિહાસિક વાર્તાઓમાં, ન્હાનોસુનો નથી તેમ અવગણાય એમ નથી. તે ઉપરાંત તેમની નવલિકાઓ, કેટલીક નવલકથાઓ અને નિબંધો હજી પુસ્તકાકારે પ્રકટ થયા વિનાના રહ્યા છે.

એમના ગ્રંથોની યાદી:

૩ અઢારમી સદીનું મહારાષ્ટ્ર સન ૧૯૧૦
[મરાઠી “અજીંક્ય તારા”ને આધારે]
૨ કાશ્મીર અને કેસરી સન ૧૯૦૮
[હિંદી “કાશ્મીર પતન”ને આધારે]
૯ ગુજરાતની ગર્જના અથવા હેમાચાર્યનું જીવનસૂત્ર સન ૧૯૧૭
૪ ધારાનગરીનો મુંજ સન ૧૯૧૧
[મરાઠી–‘અવિચારાચા પરિણામ’–ને આધારે]
૭ પાટણની પડતીનો પ્રારંભ [બંગાળીને આધારે] સન ૧૯૧૫
૧ પ્રમોદા અથવા દિલેર દિલારામ સન ૧૯૦૭
[હિન્દી–“હીરાબાઈ”ને આધારે]
૧૧ માયાવી મસ્તક યાને સાહસની પ્રતિમા ભા. ૧ થી ૩ સન ૧૯૨૩–૨૪
[રેનોલ્ડઝના Pope Joanનો અનુવાદ]
૧૦ મૂળરાજ સોલંકી સન ૧૯૨૦
૮ વસઇનો ઘેરો [મરાઠી–“વસઇચા વેઢા”–ને આધારે] સન ૧૯૧૬
૫ સિંધ ઉપર સ્વારી સન ૧૯૧૨
૬ સોમનાથનું શિવલિંગ સન ૧૯૧૩
૧૨ વિમળા સન ૧૯૦૫
૧૩ લતા અને લલિતા ભા. ૧ થી ૫ સન ૧૯૦૮ થી ૧૯૧૯
૧૪ સુધરેલી સંગીતા સન ૧૯૧૧
૧૫ ભાગ્યચક્રનો મહામંત્ર સન ૧૯૧૪
૧૬ નોકરીનો ઉમેદવાર સન ૧૯૧૫
૧૭ ન્યાયના ખૂનમાં નીતિ! સન ૧૯૧૬
૧૮ વિચિત્ર પ્રેમપંખિણી સન ૧૯૧૦
૧૯ ચાંપરાજ હાડો (નાટક) સન ૧૯૦૧
૨૦ કામરૂ દેશની કુટીલ કામિની સન ૧૯૦૯
[‘માયાવિની’ બંગાળી પરથી–ડિટેકટીવ નવલકથા]
૨૧ બંગ જાગૃતિ [મરાઠી પરથી–નાટક] સન ૧૯૦૯
૨૨ કર્ત્તવ્ય–કૌમુદી [મૂળ સંસ્કૃત પરનું વિવેચન] સન ૧૯૧૪
૨૩ ભક્તામર મંત્ર મહાત્મ્ય [હિંદી પરથી] સન ૧૯૧૫
૨૪ સુબોધક કથાપંચક સન ૧૯૧૬
૨૫ નવદંપતીને શિખામણ સન ૧૯૧૮
[બંગાળ ‘યુવક યુવતી’ને આધારે મ. જે. વ્યાસ સાથે]
૨૬ પિશાચ–મંદિર સન ૧૯૧૮–૧૯
[રેનોલ્ઝના 'Bronze statue'નો અનુવાદ]
૨૭ સવર્ણ–પ્રતિમા [ડિટેકટીવ નવલકથા] સન ૧૯૨૨
૨૮ સચિત્ર પ્રેતાત્મ વિદ્યા સન ૧૯૨૭
[Spiritualismના ગ્રંથોને આધારે]