નારીસંપદાઃ નાટક/તાકધીનાધીન

From Ekatra Wiki
Revision as of 02:56, 16 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તાક્ધીનાધીન

નાટક 'તાકધીનાધીન' (શાળામાં ભજવી શકાય એવું કિશોરો માટેનું નાટક) - લતા હિરાણી

1. આ નાટકમાં કિશોરીની સમસ્યાઓ, ખાસ કરીને - શાળામાં વિષયોની પસંદગી, માર્ક્સની મગજમારી, હોમવર્ક, સ્કૂલ, મોબાઈલ, એડમિશન, જન્મદિવસની ઉજવણીમાં અતિરેક વગેરે- એમનાં તોફાન મસ્તી વચ્ચે વણી લીધાં છે. એટલે નાટકનું શીર્ષક એવું આપ્યું છે. ગુજરાતી વાર્તાઓનાં અમર પાત્રો, વાર્તાઓ/ગીતો. રૂઢિપ્રયોગોથી બાળકો પરિચિત થાય એ પણ એક હેતુ છે. ટૂંકમાં મજાક-મસ્તી કરતાં કરતાં બાળઉછેર અને બાળકોને લગતી બીજી સમસ્યાઓ અને થોડી માહિતી પીરસવાનો પ્રયાસ છે.
2. આજનાં બાળકો સહજતાથી વાપરે છે એવા અંગ્રેજી શબ્દો રાખ્યા છે. જેથી તેઓને ભજવવાની મજા આવે.
3. આ દ્વિઅંકી નાટક છે.
4. અંક 1 માં સ્થળ એક જ અને અલગ એલગ સમય પ્રમાણે, પાત્રો બદલાય એમ દૃશ્ય 1,2,3 રાખ્યા છે.
5. અંક 2 માં સ્થળ બદલાય છે અને દૃશ્ય 1,2 છે. સળંગ દૃશ્ય 1 થી 5 છે.
6. લગભગ દોઢ કલાકમાં ભજવી શકાય એવું નાટક છે.

પાત્રો - વય
1. આદિ - 12
2. અનાદિ - 12 (આદિ-અનાદિ ટ્વીન્સ છે)
3. જયેશ - આદિના પપ્પા - 43
4. ઇલા - આદિની મમ્મી - 40
5. ગુંજન - (મિત્ર) - 12
6. નિત્યા (મિત્ર) - 12 (નિત્યા-નવ્યા ટ્વીન્સ)
7. નવ્યા (મિત્ર) - 12
8. આર્યન (મિત્ર) –14
9. નીલેશ (ગુંજનના પપ્પા) - 42
10 નીલા (ગુંજનની મમ્મી) - 38

આ આખા ગીતની એક એક કડી (વાર્તા પ્રમાણે) દરેક દૃશ્યને અંતે મૂકી છે. અહીં આખું એકસાથે આપ્યું છે.

આદિ મોટો અડૂકિયો ને દડૂકિયો છે પાજી
બેય મળીને બબાલ કરતાં, કોઈ ન થાતું કાજી
શ્રાવણ ગાજે, પીલૂ પાકે, ભેંસ ખાતી ભાજી
બોલો તાક્ધીનાધીન, તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી.....

ચોપડીઓ નોટોના ઢગલા, દફતર છે કે બોરી
સુપરમેનની રાડ પડે, આ મણકા નાખે તોડી
હોય બિલાડી જાડી તોયે કેમની પહેરે સાડી!
બોલો તાક્ધીનાધીન, તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી..........

સ્કૂલે ટ્યુશન તમે જ જાજો, મમ્મી લેસન કરતી
ખબર પડે કે કેવા મગ ને કેવી ખીચડી ચડતી!
એકડો રહેશે સળેખડો ને બગડો જાશે ભાગી
બોલો તાક્ધીનાધીન, તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી.....

લવલી લાગે સ્માર્ટફોન ને લવલી 4G, 5G
તોયે કાં આ મમ્મી-પપ્પા જાય ન રીઝી રીઝી
છેલ-છબો ને છકો-મકો તો થઈ જાય રાજી રાજી
બોલો તાક્ધીનાધીન, તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી......

અડૂક બીવર, બબાલ દડૂક, ઉંદર સાથે સહી જી
મોટા મોટા દાંતો ઉપર નદીઓ આખી વહી જી
હું ને ગુંજન કાતરિયામાં પેઠા, નાઠા, ભઈ જી
બોલો તાક્ધીનાધીન તાક્ધીનાધીન તાક્ધીનાધીન હાજી ....


તાક્ધીનાધીન

અંક 1 દૃશ્ય 1

આ દૃશ્યનાં પાત્રો : બાળકો - આદિ, અનાદિ, (બંને ટ્વીન્સ છે) ગુંજન, જયેશ (પપ્પા), ઇલા (મમ્મી)
સ્થળ - આદિના ઘરનો ડ્રોઈંગ રૂમ સમય - સવારનો
(આદિ, અનાદિ અને ગુંજન આવે છે. પરદા પાછળથી ગીત વાગે છે)
‘તો બોલો તાક્ધીનાધીન, તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી'
આદિ : (સોફા ઉપર લાંબા પગ કરીને) હાશ, હવે શાંતિ!
અનાદિ : અલ્યા, આપણે હમણાં ત્રણ દિવસની રજા સાથે આવે છે.....
આદિ : એટલે તો કહું છું, હા.....શ.
અનાદિ : આજે થયો મંગળવાર… ને રજાઓ છે શુક્ર, શનિ ને રવિ...
ગુંજન : હમ્મ.. (નાટક કરતો હોય એમ) પણ... પણ.. પણ....
આદિ : મને તો શાંતિ જ છે.. નો પણ ને બણ....
અનાદિ : હા, બોસને જલસા પણ અમારે હોમવર્કના ઢગલા છે.
આદિ : ટાઇમસર કરી લેતો હોય તો! અઅઅ.... લેટ મી થિંક.... મારી પાસે એક આઇડીયા છે.
ગુંજન : જ્યારે હોય ત્યારે આ બકબક કરે છે, લેટ મી થિંક... જાણે મોટો પ્રાઈમ મિનિસ્ટર ન હોય!
અનાદિ : તને ખબર છે ગુંજન ! આદિ નાનો હતો ને ત્યારે એને અંગૂઠો ચૂસવાની બહુ ટેવ હતી. છોડે જ નહીં. એમાં મમ્મીએ એક જોરદાર આઇડીયા કરેલો, બોલ!
ગુંજન : શું?
અનાદિ : મમ્મીએ એને સાવ ઢીલી ચડ્ડી પહેરાવી. ઊતરી જાય એવી. ઇલાસ્ટીક સાવ ઢીલું. ભાઈ ચડ્ડી પકડે કે અંગૂઠો ચૂસે? બિચારાને બેય હાથે ચડ્ડી ચડાવ—ચડાવ કરવી પડે. એમાં અંગૂઠો ભુલાઈ ગયો ! હા.. હા.. (એ અને ગુંજન હસે છે.)
આદિ : (ગુસ્સામાં) બકબક બંધ કર. (અનાદિ સામે હાથ ઉગામે છે. અનાદિ વધારે જોરથી હસે છે)
ગુંજન : હમ્મમ... લાગે છે કે પછી આદિના કેટલાય દિવસ 'આ ચડ્ડી કેમ ઊતરતી નથી!’ એ વિચારવામાં ગયા હશે.’ એમાં આ બંદો વિચારવે ચડી ગયો! 'લેટ મી થિંક' (ચાળા પાડતો) (અનાદિ ને ગુંજન બેય જોરથી હસે છે)
આદિ : (ગુંજન તરફ હાથ કરીને) તારા મેથ્સમાં કેવા હાલ છે? કાલે સરે શું કહ્યું હતું? બોલું અહીં?
અનાદિ : અહીં આપણે ત્રણ છીએ અને ત્રણેયને ખબર છે....
આદિ : તારાં મમ્મી-પપ્પા સામે જો, તારી કેવી ચડ્ડી ઉતારું છું!
ગુંજન : અત્યારે વાંક આનો છે. હું તો ખાલી હસ્યો. આવું બોલે તો હસવું ન આવે?
અનાદિ : છોડ યાર, બિચારો મેથ્સમાં આમેય હેરાન થાય છે. એના ઘરે કહીશ તો વળી ધોલાઈ થશે!
આદિ : મને એ નથી સમજાતું કે કોઈને કોઈ વિષય ન આવડે તો ન આવડે. એમાં શું? કાંઈ બધાને બધું આવડે જ, એવું થોડું છે?
અનાદિ : ગુંજનિયા, તારા પપ્પાને પૂછજે, એનું મેથ્સ કેવું હતું?
ગુંજન : અરે, એ તો સાયન્સમાં ફેઇલ થતા’તા એટલે પછી દાદાજીએ કોમર્સ લેવડાવેલું!
આદિ : હમ્મ કહેવું પડે! તારા પપ્પાએ આવું ટોપ સિક્રેટ તને કહ્યું ! બહુ કહેવાય !
ગુંજન — છોડ યાર, કહેતા હશે કોઈ દી’? આ તો એકવાર એ ને મમ્મી વાત કરતાં હતા ને હું સાંભળી ગયેલો !
અનાદિ : એમ કર.. તું રોજ પ્રાર્થના (પ્રેયર) કર.
ગુંજન : જા જા... તને નખરાં સૂઝે છે!
અનાદિ : અરે સાચું કહું છું, તું પ્રેયર કર કે “હે મેથ્સ, હવે તું મોટું થા યાર, તારા સમ્સ તું જાતે જ સોલ્વ કરી લે!”
આદિ : એમ તો મનેય હિસ્ટ્રીમાં જરાય મજા નથી આવતી. એટલે એમાં માકર્સ પણ બહુ નથી આવતા.
અનાદિ : ભલે સાયન્સ જેવા નહીં. તોય તને એમાં સારા માકર્સ તો આવે છે. એલા, આ મમ્મી-પપ્પા માટે કોઈ ક્લાસ હોવા જોઈએ જે એમને શીખવાડે કે છોકરાઓને જેમાં મજા આવતી હોય એ ભણવા દેવું ને બધામાં ટોપ કરે એવો ત્રાસ નહીં કરવાનો.
ગુંજન : હમમમ.. કોઈને મેથ્સ ગમે તો કોઈને સાયન્સ ગમે, જેને લેન્ગ્વેજ ગમતી હોય એની મેથ્સમાં ટપ્પી ન પડે તો એ એનો વાંક નથી.
આદિ : મેં સાંભળ્યું છે હો, કે સારાં મમ્મી-પપ્પા કેમ બનાય એના ક્લાસ ચાલે છે! અને તેય આપણા શહેરમાં!
અનાદિ : સાચે જ? તો આપણાં મમ્મી-પપ્પાને એમાં મોકલી દો. ફી આપણે ભરી દઈશું. પોકેટમનીમાંથી! (હસે છે) આ 'ટકા લાવો, ટકા લાવો’... તો બંધ થાય!
આદિ : ધોનીને એના પપ્પાએ ફરજિયાત સંગીત શીખવાડ્યું હોત તો!
ગુંજન : પપ્પાને જ પહેલાં આવડવું જોઈએ ને!
આદિ : એ જુદી વાત થઈ, પણ ધોનીને પરાણે સંગીત શીખવાડ્યું હોત તો એનું ક્રિકેટ સાવ સુકાઈ ગયું હોત.
અનાદિ : પેલું મૂવી છે ને ! મમ્મીની સાથે ફરજિયાત જોવાઈ ગયું તું… 'તારે જમીં પર'.... બાકી સુપર્બ હો!
ગુંજન : ચલ, ચલ... ટોપીક બદલ...
આદિ : અને મારો ગ્રેટ આઈડિયા.......
અનાદિ : ગ્રેટ બાબાને નમસ્કાર. તું હવે થીંક્યા કર. અમે જઈએ છીએ ગુંજન ના ઘરે, આઈસક્રીમ ખાવા....
આદિ : હું યે આવું છું.
અનાદિ : તો પછી થીંકશે કોણ?
આદિ : એય ચૂપ ! (ઊભો થતાં થતાં) ગુંજનિયા આ તારાં જ પરાક્રમ છે!
ગુંજન : મારાં શેનાં? આ તારી ‘ટેવ' છે. (ટેવ શબ્દ પર ભાર મૂકતાં)
આદિ : તારાં જ.. તું જ અનાદિને ચડાવે છે! ને બીજી વાત એ કે વિચારવું એ સારી ટેવ છે, સમજ્યો? મારી મમ્મી કહે છે.
ગુંજન : તે એમણે અનાદિને નથી કહ્યું? હા હા હા (હસે છે)
આદિ : યાર તુંય પાછળ પડી જાય છે. મમ્મી તો જે કહે એ બેયને કહે ને! જે માને એને લાગુ પડે!
અનાદિ : મમ્માનો ચમચો છે એ!
ગુંજન : ઓકે ઓકે કૂલ ડાઉન.... બાબાઆદિ, થીંકવાનું કામ તમારું ને વાંચવાનું કામેય તમારું, ચલ! અમને જવા દે!
આદિ : એ તો હું કરીશ જ, ને આઈસક્રીમ ખાવાનું કામેય મારું! સમજ્યા! મને મૂકીને જાવ તો ખરા!
અનાદિ : (એને પીઠ પર ધબ્બો મારી હાથ પકડી ખેંચે છે) ચાલ હવે, બકબક બંધ કર...
ગુંજન : હેય ચલ સાંભળી જ લઈએ!
અનાદિ : શું?
ગુંજન : આ બિચારા આદિનો (ભાર મૂકતાં) ગ્રેટ આઈડીયા!
આદિ : મારો મૂડ ખતમ થઈ ગયો. હવે પહેલાં આઈસક્રીમ પછી વાત!
ગુંજન : યે હુઈ ન બાત!
અનાદિ : (મમ્મીને આવતાં જોઈને, ધીમેથી) સાવધાન
(મમ્મી અંદર આવે છે)
મમ્મી : શું બબાલ ચાલે છે?
અનાદિ : આદિ ઈઝ અ બબાલમેન.
આદિ : મારે હવે કાંઈ નથી કહેવું!
અનાદિ : એય એક બબાલ છે!
મમ્મી : ઓહો, સુપરમેન પણ હાજર છે! (ગુંજન ખુશ થઈ જાય છે) પછી શું બાકી હોય! હવે તો જલસા છે ભૈ.... ચલ દડૂક, શું કરવાના છો હવે?
અનાદિ (ગુસ્સાથી) : મમ્મી; પહેલાં તું પાછું ખેંચ, પાછું ખેંચ!
મમ્મી (હસવું આવે છે પણ ગંભીર થવાનું નાટક કરતાં) : શું પાછું ખેંચું દડૂક?
અનાદિ (ગુસ્સાથી) : તને ખબર છે હું શું કહું છું! અમને જરાય નથી ગમતું તોય!
મમ્મી – અરે બેટા, તમને લાડથી અડૂક-દડૂક કહું એમાં કાંઈ ખરાબ થોડું છે!
આદિ – એલા, છોડને યાર...
અનાદિ : મેં કહ્યું તું ને ! કહ્યું તું ને, કે આ મમ્મીનો ચમચો છે!
આદિ : એવું નથી. મનેય નથી ગમતું પણ મમ્મીને ક્યારેક કહેવાની મજા આવે છે, તો ચલાવી લેવાનું વળી!
ગુંજન : (ચાળા પાડતા) હા, હા... ચલાવી લેવાનું,
અનાદિ - મોટો જોયો ન હોય તો ચલાવવાવાળો....
 (મમ્મી હસે છે.)
અનાદિ : જો પાછો આ ગુંજનિયો ક્યારેક સ્કૂલમાંય બોલી દે છે!
આદિ : મેં શું કહ્યું, છોડ યાર... (કહેતો ખુરશી પર બેસી જાય છે અને એક પુસ્તક હાથમાં લઈને જુએ છે, ગુંજન બારી પાસે જાય છે)
અનાદિ (આદિની સામે જોઈને) : તને ગમતું હોય તો તને ભલે સો વાર કહે, અરે અડૂક શું! ભલે ને, વંદો, ઉંદર જે કહે પણ મને નથી ગમતું તે નથી જ ગમતું.... (ઊંચા અને સત્તાવાહી સ્વરમાં) મને દડૂક નહીં કહેવાનું, નહીં કહેવાનું ને નહીં જ કહેવાનું.
(ગુંજન ગંભીર થઈ જાય છે ને એક ખૂણામાં પડેલ બોલ આમતેમ ફેરવીને જુએ છે. પપ્પા હસતાં હસતાં અંદર આવે છે.)
પપ્પા : સમજું છું, બાબા સમજું છું, ને મેં બધું સાંભળ્યું હો! તને દડૂક નહીં કહેવાનું, નહીં કહેવાનું ને નહીં જ કહેવાનું અને આદિનેય અડૂક કહેવાનું બંધ. બંધ એટલે બંધ, (હસે છે) નો આર્ગ્યુમેન્ટ!
અનાદિ (ગુસ્સાથી પગ પછાડતાં) : આવું તો તમે કેટલીવાર બોલ્યા!
પપ્પા : વાહ, લાગે છે હવે મોટો થતો જાય છે!
અનાદિ : પપ્પા, મોટો થતો જાય છે, નહીં, (દરેક શબ્દ પર ભાર મૂકીને) મોટો થઈ ગયો.
મમ્મી : હા, હવે અનાદિ એની ચોપડી બંધ કરતો થયો છે! મોટો થઈ જ ગયો!
ગુંજન : એટલે?
(આદિને બહુ હસવું આવે છે....)
મમ્મી : એ નાનો હતો ત્યારે એના ટેબલ પર ચોપડી ખુલ્લી જ રાખે! હું સફાઈ કરવા જાઉં ને કહું કે ચોપડી તો બંધ કરતો જા!
પપ્પા : તો આ ગ્રેટ બોયનો જવાબ એ હોય કે “શું બંધ કરે? પાછી કાલે ખોલવાની જ છે ને!"
(બધા હસે છે.)
પપ્પા : એ મોટો થશે ને કદાચ સવારે વોક માટે જશે તો લિફ્ટ ચોક્કસ માગશે!
(હસાહસી)
ગુંજન : અંકલ, સ્કૂલમાં હવે અમે મોટા છીએ.
પપ્પા (અનાદિ સામે જોઈને) : ઓકે ઓકે... સમજી ગયા! પણ અમારી વાત સમજીશ તું? અમે નાના હતા ત્યારે વાર્તાઓ બહુ વાંચતાં ને એમાં અડૂકિયા-દડૂકિયાની, મિયાંફૂસકી ને તભા ભટ્ટની વાર્તાઓ અમને બહુ ગમતી.
(આદિ મમ્મીની સામે ડોકી હલાવે છે, જાણે એ બધું સમજતો હોય! ગુંજન અંકલ તરફ આશ્ચર્યથી જોવા માંડે છે.)
મમ્મી : ને મને તો છેલ-છબો, સોટી-પોઠીની વાર્તાઓ પણ એટલી જ ગમતી. અમારે વખતે તમારા જેવા ભણવાના ભાર નહોતા ને અમે આ બધી વાર્તાઓ ખૂબ વાંચતાં.
પપ્પા : અરે, અમે તો પરણ્યા પછીયે, હું ને તારી મમ્મી અડૂકિયા-દડૂકિયાની વાર્તાઓ વાંચતા બોલ!
અનાદિ : તે એમાં અમારો વાંક?
(પપ્પા ખડખડાટ હસે છે.)
આદિ (હસતાં હસતાં) - હા. આપણો વાંક એ કે આપણે ટ્વીન્સ જન્મ્યા!
પપ્પા : હાસ્તો, તમારો જ વાંક, તમે એ વાર્તાઓ વાંચી હોત તો આમ ચિડાત નહીં.
(હવે ગુંજનનેય હસવું આવે છે.)
ગુંજન : અંકલ મને એ બુક આપો ને!
અનાદિ (ગુંજનનો કોલર પકડતાં) – તારી તો... દોઢા!
મમ્મી : છોડ છોડ એને... ચલો, વાત પૂરી. હવે અમે તમને અડૂક-દડૂક નહીં કહીએ ઓકે!
આદિ : પાક્કું?
પપ્પા (નાટક કરતાં) - હા બાબા, અમને માફ કરો. આ તો અમે લાડમાં તમારાં નામ 'અડૂક-દડૂક' રાખેલાં અને ત્યારે તો તમનેય બહુ મજા આવતી, એમાં ટેવ પડી ગઈ. હવે તમે (ભાર દઈને, મોટેથી) મોટ્ટા થઈ ગયા ને! એટલે ન કહેવાય હો!
અનાદિ : માફ કિયા જાયેગા પણ હવે ભૂલ નહીં થવી જોઈએ.
મમ્મી : બેટા મને તમારા એ નામથી બોલાવવાની મજા આવે છે, એટલે આજે બોલી, બાકી હું કે તારા પપ્પા હવે એ નામ ક્યાં બોલીએ છીએ? જૂની ટેવ પ્રમાણે ક્યારેક ભૂલથી (આ બંને શબ્દો છૂટા પાડી, એના પર ભાર દઈને) બોલાઈ જાય તો ચલાવી લેવાનું! એમાં ચિડાવા જેવું કશું છે જ નહીં અમારા વ્હાલા બચ્ચાઓ!
પપ્પા : એમ તો અડૂકિયા-દડૂકિયાના પરાક્રમની વાર્તા તમનેય સાંભળવાની મજા આવતી જ ને!
ગુંજન : એ વાર્તા એકવાર મનેય કહેજો ને અંકલ!
અનાદિ : જોજે, પછી અમે તને સુપરમેનને બદલે 'સોટી' કહેશું!
આદિ : તો તો આરિકાને ‘પોઠી' જ કહેવું પડે! મમ્મીને મજા આવે ‘સોટી ને પોઠી'…. હા હા હા હા
ગુંજન : હમ્મ (આદિની વાત પર ધ્યાન આપ્યા વગર ને એની સ્ટાઇલમાં) લેટ મી થિંક!
મમ્મી : અરે, તમારે સ્કૂલે નથી જવાનું? આ સવાર સવારમાં લઈને બેઠા છો તે!
અનાદિ : ઓકે મોમ… રીલેક્સ
પપ્પા : અને આ ગીત તો તમને હજી ગમે છે!
આદિ : બોલો તાક્ધીનાધીન...
બધા : બોલો તાક્ધીનાધીન
(આ ગીત વાગે છે અથવા સૌ સાથે ગાય છે… બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે...)
આદિ મોટો અડૂકિયો ને દડૂકિયો છે પાજી
બેય મળીને બબાલ કરતાં, કોઈ ન થાતું કાજી
શ્રાવણ ગાજે, પીલૂ પાકે, ભેંસ ખાતી ભાજી
બોલો તાક્ધીનાધીન તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી..... (3)

અંક 1 દૃશ્ય 2

(આ દૃશ્યનાં પાત્રો – આદિ, અનાદિ, ગુંજન, નિત્યા, આર્યન, જયેશ (પપ્પા), ઇલા મમ્મી)
સ્થળ - આદિના ઘરનો ડ્રોઇંગ રૂમ સમય - સાંજનો)
આદિ : ભૈ ત્રણ દિવસની રજા મળે છે. શાંતિ રાખો ને!
અનાદિ - તારે શાંતિ છે. બુકવોર્મ !
આદિ : આ બુકવોર્મને ગુજરાતીમાં શું કહેવાય ખબર છે?
અનાદિ - ચોપડીનો કીડો ! ને કીડા ચોપડી ખાઈ પણ જાય! સારું છે તું બુકને ખાતો નથી!
આદિ : ડોબા, ચોપડી ખાય એને ઊધઈ કહેવાય.
અનાદિ : તે એય કીડામાં જ આવે ને! (હસતાં હસતાં) ઉંદરમાં નહીં....
આદિ-દડૂકિયા, હું તને ફટકારીશ હોં!
અનાદિ : ને દડૂકિયા કહ્યું એટલે પહેલાં તારે માર ખાવો પડશે.
આદિ : ચલ કેન્સલ કેન્સલ… ગુસ્સા થૂંક દો! વૈસે શુરુઆત તુમ્હીને કી થી… પર જાને દો... બચ્ચા હૈ....
ગુંજન : યે ઉંદર ઉંદર ક્યા હૈ?
અનાદિ : અરે, પરમદિવસે જ આદિ એવો ઊછળ્યો હતો! જે ઉંદરથી ડરે ને એને બચ્ચું કહેવાય.
આદિ : બાય ધ વે, હું કાંઈ ડરતો નથી!
અનાદિ : દેખા જાયેગા...
આદિ : એટલે?
અનાદિ : કંઈ નહીં. કંઈ નહીં... (જરા રહીને) અરે, યાદ આવ્યું, તને મિંયાંફૂસકી કહી શકાય ખરું... એ નામ તારા માટે એકદમ બરાબર છે...
(આદિ એને મારવા દોડે છે ત્યાં પપ્પા આવી જાય છે.)
પપ્પા : આ શું કરો છો! હજી હમણાં જ કહેતા હતા “અમે તો મોટ્ટા થઈ ગયા"
આદિ : આ ભૂતને તમે કહેશો કાંઈ? એક તો એનું ઢગલોએક હોમવર્ક બાકી છે ને તોય એ કામ કરવાને બદલે મારી પાછળ પડ્યો છે!
અનાદિ : પપ્પા તમે જ કહો, આટલું હોમવર્ક કાંઈ અપાતું હશે? અમારે રજાના દિવસે મજા કરવી હોય કે નહીં! એક બાજુ સ્કૂલ ને બીજી બાજુ ટયુશન! બધા મચી જ પડ્યા છે અમારી પાછળ! ખબર નથી પડતી, અમે માણસ છીએ કે ગધેડા!
આદિ : એ તો સ્કૂલબેગ માટે કહી શકાય; સ્કૂલનો સ્ટુડન્ટ જાણે ગધેડો!
(મમ્મી દાખલ થાય છે.)
પપ્પા : ગધેડો ભારવહન પ્રાણી ખરું! પણ એ તો સ્કૂલની બુક્સ ને નોટ્સ એટલી હોય એટલે ઉપાડવી જ પડે ને.
મમ્મી : છોકરાઓ સાચા છે. એમની સ્કૂલબેગ તો મારાથીયે નથી ઊંચકાતી. આ માટે કાંઈક કરવું જોઈએ.
પપ્પા : શું કરવાનું? આખા ગામના છોકરાઓ ઉપાડે છે, આપણાં છોકરાં કાંઈ નવાઈ નથી કરતાં!
મમ્મી : કોઈકે તો વિરોધ કરવો જોઈએ ને? છાપામાં વાંચ્યું’તું કે છોકરાંઓને મણકામાં તકલીફ થઈ જાય છે.
પપ્પા : આપણાં છોકરાઓને તો કાંઈ નથી થયું ને!
મમ્મી : આજે નથી થયું, કાલે થાય પણ ખરું.. ને આમ ન વિચારાય!
પપ્પા : હા, તમે પકડો ઝંડા ને પછી સ્કૂલમાં છોકરાઓને પડશે દંડા!
મમ્મી : બધાં જ એવું વિચારીને બેસી રહે તો કેમ ચાલે?
આદિ : રહેવા દે મમ્મી, તારી પિપૂડી કોઈ નથી સાંભળવાનું!
અનાદિ : એમ કરીએ. આપણે બધાં છોકરાંઓને ભેગાં કરીએ ને એક અઅઅ...... પેલું શું કહે છે, શું કહે છે એને?
મમ્મી : આંદોલન
અનાદિ : હા, એ જ, આંદોલન કરીએ... મોરચો બનાવીએ…
આદિ : પછી?
ગુજન : (અચાનક આવે છે) હેં શું કહ્યું?
આદિ : લો, આ આવી ગયો... મોરચો ઉપાડનારો!
ગુંજન : ફરી બોલ ને!
આદિ : એ તને પછી સમજાવશે. અત્યારે તો તારે અનાદિને ખભે ઉપાડી લેવાનો...
ગુંજન : જા, જા ડાહ્યો થા મા.....
અનાદિ : આદિ, આમ તું બધી બાબતમાં સિરીયસ હોય છે ને આજે હું કાંઈક સીરિયસ વાત કરું છું તો મારી ઉડાવે છે.
મમ્મી : હા, ભઈ અનાદિની વાત બધા ધ્યાનથી સાંભળો.
પપ્પા : હા, તો તું શું કહેતો હતો?
અનાદિ – એમ કે આપણે આંદોલન કરીએ. પપ્પા, તમે એમાં નહીં હો! ખાલી અમે અમારા ફ્રેન્ડ્ઝને ભેગા કરીએ. એ બીજા છોકરાંઓને લાવે. અમે આ હેવી સ્કૂલબેગ માટે આંદોલન કરીએ.
આદિ : પછી?
અનાદિ : ને એમાં અમે બધા મિનિસ્ટર માટે ફરજિયાત કરશું...
આદિ : તું જરા ગડબડ કરે છે હો!
અનાદિ : એટલે કે એક એપ્લીકેશન આપશું કે (જોરથી) બધા મિનિસ્ટરોએ ફરજિયાત ..…
ગુંજન : હમ... આગળ બોલો નેતાજી
અનાદિ : બધા મિનિસ્ટરોએ ફરજિયાત પોતાની બેગ ઊંચકીને ઓફિસે જવાનું, જેમાં કમ સે કમ વીસ મિનિટ ચાલવાનું ફરજિયાત હોય.
ગુંજન : ને આપણી સ્કૂલબેગ કરતાં એમાં પાંચ કિલો વજન વધારે હોવું જોઈએ.
અનાદિ : યસ, સહી બોલા.... આપણા કરતાં એમની તાકાત વધારે જ હોય!
આદિ : હા હા... યે પહેલી બાર ગુંજનને કુછ સહી બોલા!
ગુંજન : હમ તો સહી હી બોલતા હૈ, તુમ્હારે ભેજે મેં કુછ ગડબડ હૈ!
(આદિ-અનાદિ જોરથી અને મમ્મી પપ્પા હળવું હસે છે ....)
આદિ : પ્રધાનો બિચારા એમનું પેટ ઉપાડશે કે દફતર! હા હા હા
અનાદિ : એલા હોમવર્કનો પોઈન્ટ તો બાકી રહ્યો! એમાંય ત્રાસ કાંઈ ઓછો નથી!
ગુંજન : આપણે તો એમાંય બાળમજૂર છીએ યાર...
જયેશ : એમ કરો, આ એક આઇડિયાને સકસેસ જવા દો. પછી હોમવર્કનું ઉપાડજો.
ગુંજન : કેવું લાગે હેં, બધા પ્રધાનો આપણી જેમ હેવી બેગ લઈને જતા હોય! હા હા હા.. (એકદમ ચમકીને) આદિ, તારા નવા આઇડિયાનું શું થયું?
અનાદિ : અરે! એ તો પાછું ભુલાઈ ગયું. (આદિ તરફ હાથ કરીને) આ ભેજામાં જબરા જબરા આઇડિયા આવતા હોય છે. એ હમણાં અમે એને પૂછતા જ હતા ત્યાં ગડબડ! બોલ ને આદિડા! શું નવો પ્લાન છે?
આદિ : નહીં કહું, તને તો નહીં જ કહું. જ્યારે હોય ત્યારે મારી ઉતાર ઉતાર કર્યે રાખે છે.
અનાદિ : મમ્મી તને ખબર છે? કહે ને!
(ડોરબેલ વાગે છે. મમ્મી બારણું ખોલવા જાય છે. ડ્રોઇંગરૂમમાં નિત્યા અને આર્યન આવે છે.)
અનાદિ : હાય ટપકી, તું આવી ગઈ ને સાથે આયર્નમેન પણ હાજર! (આરિકાનું મોઢું બગડી જાય છે)
આદિ : જો આરિકા, અનાદિ તને ટપકી કહે છે એ ગમે છે તને? બોલ બોલ એને!
નિત્યા : મને આવડે છે એને દડૂકિયો કહેતા!
(બેય ચૂપ થઈ જાય છે. મમ્મી આવે છે.)

મમ્મી : મને એ નથી સમજાતું કે તમે ગુંજનને સુપરમેન ને આર્યનને આર્યનમેન કહો તો એમાં તો કોઈને ખોટું નથી લાગતું તો પછી આપણાં જૂનાં અમર બાળપાત્રો સામે વાંધો કેમ?
પપ્પા : બસ એ જ કે એમણે એ વાંચ્યાં નથી.
આર્યન : એવુંય નથી અંકલ, પણ આ સુપરમેન અને આર્યનમેનના પરાક્રમો તો તમે જુઓ!
પપ્પા : તો શું તું એમ માને છે કે અમે આ કાર્ટૂન નેટવર્ક નહીં જોતાં હોઈએ!
આર્યન : એમ તો નહીં પણ અંકલ...
મમ્મી : તમેય સોટી-પોઠીનાં પરાક્રમ વાંચ્યાં નથી.
આદિ : ખાખરાની ખિસકોલી, સાકરનો સ્વાદ શું જાણે?
મમ્મી : વાહ, તને આ રૂઢિપ્રયોગ યાદ રહી ગયો! કહેવું પડે!
આદિ : આવું તો કેટલુંય યાદ છે. તું આખો દિવસ સંભળાવતી હોય છે ને !
અનાદિ : ચાલો, ચાલો... મમ્મીની ભાષામાં કહું તો (ભાર દઈને) ચર્ચા ખોટે પાટે ચડી ગઈ. મૂળ વાત આ હોમવર્કના હિમાલયની હતી.
આર્યન : એમાં તું સાચો છે.
નિત્યા : (ખભા ઉછાળતાં) નો ઓપ્શન મેન
મમ્મી : મેનવાળી, તું આ ખભાથી બોલવાનું બંધ કર !
અનાદિ : આ છોકરીઓ બહુ સ્ટાઇલમાં બોલે ને!
નિત્યા : (મોં કટાણું થઈ જાય છે) આંટી, વ્હાય?
મમ્મી : બેટા, આપણે ગુજરાતી છીએ. ઘરમાં ગુજરાતી બોલીએ છીએ. તને આવડે છે તો ગુજરાતીમાં બોલ ને દીકરા! એ સાંભળવું મીઠું લાગે. ઠીક છે કોઈક શબ્દો અંગ્રેજીમાં આવી જાય. એ તો અમારાથીયે થાય છે...
પપ્પા : પરદેશમાં આપણાં લોકો, છોકરાઓ આપણી ભાષા ભૂલી ન જાય એટલે ગુજરાતીના ક્લાસ કરાવે છે બોલો!
આર્યન : ઓકે નિત્યા તું ટ્રાય કરજે. અમારી સ્કૂલમાંય એટલું જ હોમવર્ક આપે છે.
નિત્યા : પહોંચાતું જ નથી. હા !
મમ્મી : વાહ, આ કેવું સારું લાગે!
(નિત્યા હસે છે.)
મમ્મી : ચાલો આપણે હવે બહાર જવાનું છે. આ છોકરાઓ ભલે મસ્તી કરતાં.
પપ્પા : તો અમે જઈએ કે રહીએ?
બધા : અરે જાઓ જાઓ...
(મમ્મી-પપ્પા જાય છે.)
અનાદિ : ચલ જલ્દી, આદિડા તારો નવો પ્લાન કહે...,
આદિ : હમ્મ
અનાદિ : હવે ભાવ ખાધા વગર બોલ ને ફટાફટ !
નિત્યા : આદિના પ્લાન હોય તો સુપર્બ !
આદિ : એ તો એવું છે ને કે મને મન થયું... કે... (અટકી જાય છે)
અનાદિ : હા તો, મન થયું કે...
આદિ : કે.... (જોરથી) હું એક બુક લખું!
આર્યન : ક્યા બાત હૈ આદિ! હવે તું મારી લાઇનમાં આવ્યો ખરો!
આદિ : ના, તારા કરતાં આગળ! (જોરથી હસે છે) તેં બુક બનાવી એકેય?
આર્યન : આદિ, મારી બુક તૈયાર છે.... તને બતાવી નથી!
અનાદિ : (ટેબલ પર મુઠ્ઠી પછાડીને) અબ હમ ભી એક બુક લિખેગા!
આદિ: પહેલાં વાંચ તો ખરો!
અનાદિ : તારો આઇડિયા જબ્બર હો! તું બુક લખીશ પછી તું તો ઓથર, ઓહ લેખક બની જાઈશ.. લોકો તારા ઓટોગ્રાફ લેવા આવશે! તું લેકચરો આપીશ! વાહ વાહ, તારો તો વટ પડશે ભઈ! ને મારા ભાવ વધી જશે. હું કોણ? ઓથર આદિ પરીખનો ભાઈ! ચલ એ વાત પર આઈસક્રીમ હો જાય!
ગુંજન : તો બોલો, તાક્ધીનાધીન!
બધા: બોલો, તાક્ધીનાધીન

(બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે ને સૌ સાથે ગાય છે.)

ચોપડીઓ નોટોના ઢગલા, દફતર છે કે બોરી
સુપરમેનની રાડ પડે, આ મણકા નાખે તોડી
હોય બિલાડી જાડી તોયે કેમની પહેરે સાડી
બોલો તાક્ધીનાધીન, તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી (3)

(પડદો પડે છે. પાછળ આ ગીત વાગતું રહે છે.)

અંક 1 દૃશ્ય 3

આ દૃશ્યના પાત્રો આદિ, અનાદિ, જયેશ-ઈલા, ગંજન, નિલેશ-નીલા, (નિલેશ-નીલા ગુંજનના મમ્મી-પપ્પા છે)
સ્થળ – આદિના ઘરનો ડ્રોઈંગ રૂમ. સોફા પર મમ્મી (ઈલા) પપ્પા (જયેશ) બેઠા છે.
સમય – રાતના નવેક વાગ્યાનો

જયેશ : આ છોકરાઓ ક્યાં ગયા છે?
ઈલા : ત્યારે તમને કહ્યું તો ખરું. બધા ગુંજનને ત્યાં ગયા છે. રજાના ત્રણ દિવસ આવે છે એટલે પ્લાનીંગ કરવા.
જયેશ : સારું સારું.
ઈલા : ભેગા થઈને કરશે કાંઈક નવી ધમાલ!
જયેશ : તને કાંઈ વિચાર નથી આવતો?
ઈલા : શેનો વિચાર ?
જયેશ : મને તો ચિંતા થાય છે યાર. હમણાં બે વર્ષમાં બેયનું એકસાથે બોર્ડ આવશે. ટ્યુશન ને બધા જ ખર્ચા વધશે. ઉપરથી નવા એડમિશનની બબાલ.
ઈલા : ચિંતા કર્યે શું વળે? એના સમયે રસ્તો નીકળી જશે. ઉપરવાળો બેઠો છે ને!
જયેશ : તારે તો જ્યારે હોય ત્યારે ઉપરવાળો! આપણે વિચારવું તો પડે ને!
ઈલા : તે વિચારવાની કોણ ના પાડે છે? હું તો કહું છું ચિંતા ન કરો.
જયેશ : મુશ્કેલી એ છે કે ભગવાને બધું ડહાપણ તને એકલીને આપી દીધું છે!
ઈલા : (હસે છે) ચાલો. સ્વીકાર્યું તો ખરું!
જયેશ : હસ મા. જરા ગંભીર થા. આ મોટો પ્રશ્ન છે. વળી આપણે તો એકસાથે બે!
ઈલા : બેય જન્મ્યા ત્યારે આપણે કેવાં ખુશ થતાં હતાં! વાહ, ભગવાને એકસાથે કામ પૂરું કરી નાખ્યું!
જયેશ : ને હવે એકસાથે ઉપાધિ!
ઈલા : એ તો એમ કહો કે આપણા છોકરાંઓ બેય ડાહ્યા છે. સીધા છે. બાકી લોકોને જુઓ, છોકરાઓ કેવી કેવી બબાલો કરતાં હોય છે! આપણે તો પ્રમાણમાં ઘણી શાંતિ છે.
જયેશ : ભાઈ, નીવડે વખાણ... આમ હાળાં ટ્વીન્સ છે પણ બેયના ગુણ અવળા છે......
ઈલા : અવળા એટલે?
જયેશ : લે તનેય જાણે ખબર ન હોય! બેય પૂર્વ પશ્ચિમ છે એમ કહું છું!
ઈલા : એને અવળા ન કહેવાય. એ નેગેટીવ શબ્દ છે.
જયેશ છાશમાંથી માખણ કાઢવાનું રહેવા દે!
ઈલા : બેમાંથી એકેયમાં ચિંતા કરવા જેવું કાંઈ નથી. પાડ માનો ભગવાનનો! લોકોના છોકરાંઓ કેવા કેવા ખર્ચા કરાવતા હોય છે! આ તો બિચારા ના પાડીએ તો માની જાય છે.
જયેશ : અડૂકિયાની મને ખાસ ચિંતા નથી. એ બરાબર ભણે છે. આમ જ રહ્યું તો એનું ગોઠવાઈ જશે. મને ચિંતા પેલાની છે. એ જરાય ગંભીર નથી.
ઈલા : આપ નામદાર અડૂક-દડૂક બોલવાનું બંધ કરો. તમારા કુંવરો રિસાઈ જાય છે. એમાં જ બબાલો થાય છે.
જયેશ : સાચું કહ્યું. હવે છોકરાઓની મરજી જોવી પડે. પણ સાંભળ, આ એમના ટ્યુશન ને પછી એમની કોલેજોના ડોનેશનનું શું કરીશું? આદિ તો સમજ્યા પણ અનાદિનો ભરોસો નહીં.... જ્યારે હોય ત્યારે છોકરમત છોકરમત ને છોકરમત!
ઈલા: તે હોય જ ને! હજી એની ઉંમર છે......
જયેશ : પણ લાખો રૂપિયાના ડોનેશન! બાપ રે, મારી તો મતિ મૂંઝાઇ જાય છે.
ઈલા : તમને તો ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ!
જયેશ : તને કાંઈ વિચાર આવતો નથી ને મને ક્યારેક રાતે ઊંઘ ઊડી જાય છે. આજકાલ ડોનેશનના પૈસા વગર ક્યાંય પત્તો ખાતો નથી. આપણે રહ્યા નોકરિયાત માણસ! કેમનું કરશું?
ઈલા : જુઓ, છોકરાઓના રીઝલ્ટ શું આવે એના પર બધો આધાર છે. બેંકમાં લોન ક્યાં નથી મળતી? ને હજી વાર છે. મહેરબાની કરીને મને ન ડરાવો. મારો હરિ છે હજાર હાથવાળો....!
(ડોરબેલ વાગે છે. પપ્પા ઊઠીને બારણું ખોલવા જાય છે. બાજુવાળા નિલેશભાઈ ને નીલાબહેન પ્રવેશે છે.)
ઈલા : આવો આવો નીલાબહેન.... તમારી જરૂર જ હતી!
નિલેશ : લો, કરો વાત! અમે તો બસ આમ જમીને આંટો મારવા નીકળ્યાં હતાં તે થયું તમે ઘરમાં હો તો મળતા જઈએ... બોલો બોલો શું કામ હતું?
જયેશ : અરે, આ તો અમથી… કામ શું હોય! પણ તમે આવ્યાં તે સારું જ કર્યું. બેસો બેસો, આરામથી બેસો.... (ઈલા પાણી લેવા રસોડામાં જાય છે.)
નીલા : કાંઈક નવીન લાગે છે.... ઈલાબહેન અમથાં ન બોલે!
(નીલા ગાય છે : છાનું રે છપનું કૈં થાય નૈ થાય નૈ, ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નૈ....)
જયેશ : ભાભી તમે જોરથી ને જલસાથી ગાઓ… સારું ગાઓ છો. બાકી તમે માનો એવું તો કાંઈ નથી હો!
નિલેશ : જોયા જાણ્યા વગર તુંય શું મચી પડી છો!
નીલા : લે, ખુશ થવાનું એક કારણ મળે એ સારું નહીં?
જયેશ : પણ કારણ હોવું તો જોઈએ ને!
નીલા : બસ આ કારણ... હવે દુઃખી થઈએ ચલો.....
નિલેશ : મૂળ કારણ એ કે નીલાને ગાવાનું બહાનું મળવું જોઈએ...
ઈલા (રસોડામાંથી જ, મોટા અવાજે) : ચા લેશો કે કોફી?
નીલા : (મોટા અવાજે) કાંઈ નહીં ઈલાબહેન, કોઈ ધમાલ ન કરો. જમીને જ ઊઠ્યા.
નિલેશ : રહેવા દો એ બધું. તમે આવીને બેસો પહેલાં. અમે થોડી વાર બેસીને નીકળી જાશું.
(ઈલા પાણી લઈને આવે છે. આપે છે.)
ઈલા : તે નીકળવાનું તો હોય જ. મને ખબર છે તમે રોકાવા નથી આવ્યાં પણ કાંઈક તો લેવું જ પડે. મેં ચા મૂકી જ દીધી.
નીલા : સારું સારું. હવે બેસો.
નિલેશ – મને થયું કે જરા વાત કરીએ. સારું છે આપણે પાડોશમાં રહીએ છીએ ને છોકરાંઓ સાથે ભણે છે. હમણાં હમણાં મને બહુ ચિંતા થાય છે.
જયેશ : લ્યો ત્યારે અમારીય કાંઈક એવી જ વાત હતી. હમણાં કૉલેજ આવીને ઊભી રહેશે. એડમિશનની બબાલ ને ડોનેશનના ઢગલા ક્યાંથી લાવશું?
નિલેશ : આ છે ને, આપણે નીરવ-માલ્યા થઈ જઈએ!
નીલા : હવે માલ્યાનો છાલ છોડો ને મુદ્દાની વાત કરો મહેરબાન!
નિલેશ : અમારી તો અત્યારની ચિંતા છે. બે વરસ પછી તો જોયું જશે!
ઈલા : ભાઈ, હવે મગનું નામ મરી પાડો ને! શેની ચિંતા છે?
નિલેશ : એ કે અઠવાડિયા પછી ગુંજનિયાનો જન્મદિન આવે છે.. તે..…
જયેશ : લે, એ તો હરખાવાની વાત છે. એમાં ચિંતા શેની?
નીલા : અરે, જન્મદિન તો સમજ્યા પણ આજકાલ આ બર્થડે બંપ્સની ફેશન ચાલી છે ને એની ચિંતા!
ઈલા : અરે. એનો તો ત્રાસ થઈ ગયો છે. છોકરાઓ નવું કરે એ સમજ્યા પણ આવું નવું?
નીલા : અરે, રમે, મસ્તી કરે, ધમાલ કરે એ બધાને પહોંચાય પણ સાવ આમ? જેટલામો બર્થડે હોય એટલી લાતો વારાફરતી બધા છોકરાઓ મારે! છોકરો અધમૂઓ થઈ જાય! બર્થડેની ઉજવણી હોય, આને ઉજવણી કહેવાય?
જયેશ : આ લોકો હવે લિમિટ ચૂકતા જાય છે.
નીલા : હું તો આ મારવાની રમતની જ વિરોધી છું. લિમિટની વાત પછી આવે. આ તે કાંઈ રમત કહેવાય?
ઈલા : સાચી વાત છે નીલાબહેન, આવા સારા દિવસે અરે, કોઈ પણ દિવસે પોતાના બાળકને આમ માર ખાતા કેમ જોઈ શકાય?
નિલેશ: હમણાં છાપામાં હતું કે એક છોકરાને એના જન્મદિન પર એના દોસ્તોએ એટલી લાતો મારી કે એને મણકામાં ફ્રેકચર થઈ ગયું ને હોસ્પીટલમાં દાખલ કરવો પડ્યો!
ઈલા : હા, અમેય વાંચ્યું'તું ને ત્યારની ચિંતા થાય છે કે જન્મદિવસ ભલે ઊજવે પણ આમ એમને એકલા તો નહીં જ છોડી દઈએ. અમારે વળી એ શાંતિ કે બેવ છોકરાઓની સાથે આવે એટલે પોતાના ભાઈને વધારે પડતું થાય તો ધ્યાન રહે જ.
નિલેશ : અમારે શ્રી હજી નાની છે. ગુંજન એને સાથેય ન લઈ જાય! ને જાય તોય એવડી છોકરી ધ્યાનેય શું રાખવાની? ઊલટું આવું જુએ તો ગભરાઈ જાય!
જયેશ : સાચી વાત. અમારે તો હજી વાર છે પણ તોય મેં તો નક્કી કર્યું છે કે આ વખતે બેયને સ્ટ્રીક્લી કહી દેવાનું કે એકબીજાનું ધ્યાન રાખે અને આ બમ્પીવાળું તો નહીં જ.
નીલા : આ લોકોનું કાંઈ કહેવાય નહીં. એવે વખતે તો ગાંડા થઈ ગયા હોય ને પાછા કહેશે અમે તો મસ્તી કરીએ છીએ.
ઈલા : જે હોય તે, નીલાબહેન તમે ગુંજનની પાર્ટીમાં નજર રાખજો જ. છોકરાઓને એકલા ન મૂકશો.
નીલા : ચાલો, અમે જઈએ. હજી શ્રીનો પ્રોજેક્ટ પતાવવાનો છે. બે દિવસમાં સ્કૂલમાં સબમીટ કરવાનો છે.
ઈલા : આ જુદો ત્રાસ છે. આટલા નાના છોકરાઓને પ્રોજેકટ એવા આપે કે માબાપે જ કરી આપવા પડે!
નિલેશ : આ વખતે શ્રીનો પ્રોજેકટ છે, એના જેટલા જન્મદિવસ ઊજવ્યા હોય એના, ને મમ્મી-પપ્પા, દાદા-દાદી, નાના-નાની, ટૂંકમાં ફેમિલી મેમ્બર્સ બધાના જન્મદિવસ કે બીજી કોઈ ઉજવણીના ફોટાની કોપી ચોંટાડી એની એક બુક બનાવવાની.
જયેશ : છ વરસનું છોકરું આ ક્યાંથી કરી શકે?
નિલેશ : ને નીલા છેલ્લા ત્રણ દિવસથી તો શોધીને ફોટા ભેગા કરે છે. આજે હું પેનડ્રાઈવમાં લઈને કલર પ્રિન્ટ કરાવી આવ્યો. હવે અમે બે દિવસ બેસીને એને ગોઠવીને કલર પેપર પર ચોંટાડીશું પછી એનું સ્પાઇરલ બાઇન્ડીંગ કરાવી એના ઉપર સુશોભન કરવાનું છે. અમારી પૂરા અઠવાડિયાની મહેનત છે.
ઈલા : બધે આવું જ છે. સ્કૂલો આરામથી પ્રોજેકટ આપી દે - ‘કરશે માબાપો'
નીલા : આઇડિયા સારો પણ છોકરાંઓ કરી શકે એવા પ્રોજેકટ જ આપવા જોઈએ. શ્રીની સ્કૂલમાં એક છોકરીની મમ્મી બહારથી પૈસા આપીને પ્રોજેક્ટ કરાવે છે, બોલો! પછી એનો પ્રોજેકટ પહેલો આવે ને વખણાય!
નિલેશ : ખબર નથી પડતી, આ ફરીફાઈ ને દેખાદેખી ક્યાં જઈને પહોંચશે! આમાં છોકરાઓને ય સહન કરવું પડે છે. જેનાં માબાપ આમ પૈસા ન ખરચી શકે તો પાછળ રહી જાય!
ઈલા : ને સૌને એમ જ થાય કે મારું બાળક તો આગળ હોવું જોઈએ!
નિલેશ – છોકરાઓના ભોગ લાગ્યા છે!
જયેશ : ખરું છે, અમે તો બે વરસ પછીની ચિંતા કરતાં હતાં ત્યાં તમે તો આજની ચિંતા પર આવી ગયાં...
ઈલા : પેલું (એ જ ટોનમાં બોલવું) 'આજની વાર્તા' જેવું. હવે આપણે વાલીઓએ 'આજની ચિંતા' ઉપર એક યુટ્યુબ ચેનલ શરૂ કરવી પડશે.
જયેશ: તારી તકલીફ જ આ છે. કાં ભગવાન કાં મજાક!
નિલેશ : એ સારું છે જયેશભાઈ! ઈલાબેનની વાતમાં દમ છે. આ છોકરાઓના ઉપાડા એટલા વધ્યા છે અને નથી તો શિક્ષકો આપણું સાંભળતા કે નથી મેનેજમેન્ટ! સૌને પોતાના નોકરીધંધા સાચવવાની ચિંતા છે. છોકરાઓના ભણતર જાય ભાડમાં!
નીલા : અને આ તો બેસ્ટ આઇડિયા છે જયેશભાઈ, આજકાલ મીડિયાથી જ જે કરવું હોય એ કરી શકાય અને પાછું પરિણામ મળે!
નિકેશ : આ જ્યારથી ફેસબુક શીખી ગઈ છે ને, ત્યારથી એ આપણા કાન પકડે છે હોં!
નીલા : ગુરુ કોણ છે?
જયેશ : હા, હા, ખબર છે બધી!
(ઈલાબહેન ને નીલાબહેન સામસામે તાલી આપે છે.)
નીલા : ઈલાબેન આમ હળવા રહે ને હળવા કરે એ તો તમારે આશીર્વાદ કહેવાય જયેશભાઈ! બાકી આવી હજાર મુસીબતો છે. વિચારી વિચારીને ઝટ ઊકલી જવાય!
ઈલા : આ તમે ક્યાં ઊકલવા પર ચડ્યા? હજી બહુ વાર છે. આપણે ગુંજનનાં પોયરાં જોઈને જવાનું છે.
નીલા : એ તો ઠીક પણ ઈલાબેન, કાલે આપણે બેસીને પેલું યુ ટ્યુબવાળો પ્લાન કરીએ. એ કરવા જેવું કામ છે.… તમારો આઇડિયા જોરદાર છે.
ઈલા : આ બાબત પર એક ફેસબુક પેજ બનાવી શકાય. લોકોનો એટલો રિસ્પોન્સ મળશે ને! જો ને પેલું 'મી ટુ’વાળું કેવું ચાલ્યું તું!
જયેશ : તે શું કાંદા કાઢી લીધા સ્ત્રીઓએ?
ઈલા : છોડો એ તમને નહીં સમજાય! કેટલાય ફફડી ગયા હશે.
નિલેશ – એ વાત જવા દો પણ આ સ્કૂલની ફરિયાદો બાબતે ઈલાભાભીએ કહ્યું એમ કરવા જેવું ખરું. લોકો બોલતા ન હોય પણ બધાને આપણી જેમ ઉકળાટ તો હશે જ!
જયેશ : 'આજની ચિંતા!’
નિલેશ : પછી તો આ બેય વાલીઓમાં છવાઈ જશે. પ્રશ્નોનો પાર નથી, એમાં આમના જેવા નેતા મળે..
જયેશ : એક ગાશે, બીજું વગાડશે.……….
ઈલા : તમે ભલે મજાક કરો, પણ કરવા જેવું કામ છે ને એકવાર જો શરૂ કરશું તો પાછું વાળીને જોવાના નથી, સમજી લો! આખા શિક્ષણવિભાગે ને પ્રધાનોએ અમને સાંભળવા પડશે.
નીલા : બિચારાં છોકરાંઓનું કોઈકે તો તાણવું પડે!
જયેશ : મમ્મીઓની તાણ'!
(બારણાં ધબધબે છે.)
જયેશ : લો આવ્યા તમારા બિચારાઓ
ઈલા : એમની મિટિંગ પતી ગઈ...
નીલા : આપણે તો હજી અધ્ધર લટકીએ છીએ...
ઈલા : હોય ! યુ ટ્યુબ પર આપણી એન્ટ્રી થઈ ગઈ સમજો! ને ફેસબુકેય ધમધમાવીએ.... . (ઈલા એ બારણું ખોલ્યું ને મસ્તી કરતાં આદિ, અનાદિ ને ગુંજન ત્રણેય અંદર.)
આદિ: ઓહ તો અહીંયાં પણ મિટિંગ ચાલે છે. વાહ!
અનાદિ : આપણાં ગુણગાન ગવાતાં હશે, ઓર ક્યા?
નીલા : અરે તમારા જન્મદિવસની ઉજવણીનું પ્લાનિંગ કરતાં હતાં.
ગુંજન : વાહ... તમે ચારેય મળીને?
નીલા : હાસ્તો ! કેમ ન કરાય?
આદિ : અરે આંટી, એવું થોડું હોય? તમે ચારેય મળીને કરો તો તો ગુંજનની બર્થડે જાય બમ્પર!
નીલા : શું બોલ્યો?
આદિ : એટલે કે એની બર્થડે સુપર્બ જાય!
નીલા : તો ઠીક.
અનાદિ : હવે એ તો કહો કે શું પ્લાન કર્યું?
ઈલા : પહેલાં એ કહો કે તમે ત્રણેય આ રજાઓનું પ્લાનિંગ કરવાના હતા, એનું શું કર્યું?
અનાદિ : એ સિક્રેટ!
નીલા : તો અમારુંય સિક્રેટ!
ઈલા : રાખો સિક્રેટ! અમને શું ફેર પડે છે!
નીલા : ચાલો, જે હોય તે ફટાફટ કહી દો. અમારે હજી ઘણું કામ બાકી છે!
જયેશ : તને ખબર છે આદિ, તારી મમ્મી ને આ નીલામાસી મળીને હવે યુટ્યુબ ચેનલ શરૂ કરવાનાં છે !
("ઓહ નો" કહેતાં ત્રણેય માથાં પકડીને બેસી જાય છે.)
અનાદિ : મમ્મા, અમારા માટે કાંઈક તો બાકી રાખો!
ગુંજન : એ તો બધી વાતો છે. કશું નથી થવાનું.
ઈલા : હમેં ચેલેન્જ મત દો!
ગુંજન : ના આંટી, હું તો મારી મમ્મી માટે કહું છું. પપ્પા, પહેલાં એ બોલો કે મારી આ બર્થડે પર મને મોબાઈલ આપવાના છો ને! તમે ક્યારના કહો છો!
નિલેશ : વિચારશું.
ગુંજન : શું વિચારશું? હજી કેટલું વિચારવાનું? દર વખતે નેક્સ્ટ યર, નેક્સ્ટ યર કર્યા કરો છો.
નિલેશ : દીકરા હજી તું ટીંડોરામાંથી રિંગણું થયો છે… શેનું દર વરસે? હજી તો તને તેર પૂરાં થશે. હજી ટાઈમ નથી થયો. મોબાઈલ લેવાનો.
ગુંજન :પપ્પા અમારા અડધા ક્લાસ પાસે મોબાઇલ છે!
નિલેશ : ને અડધા પાસે નથી, એ યાદ રાખ!
ગુંજન : મને ખબર હતી, તમે એ જ જોવાના છો.
નિલેશ : ને સ્કૂલમાં લાવવા દે છે? આ આદિ અનાદિ પાસે છે મોબાઈલ?
ગુંજન : મને આપો એટલે એમનેય મળશે!
ઈલા : આપણે અત્યારે વાત શેની થતી હતી, તમારા ત્રણ દિવસના પ્લાનિંગની....!
ગુંજન : તમે તો શરૂ કર્યું હતું, બર્થડે સેલિબ્રેશનનું!
અનાદિ : પણ આ મોબાઈલ ચેપ્ટર પૂરું થઈ જવા દે ને મમ્મી!
જયેશ : હું બધું સમજું છું દીકરા! તમારું બીટવીન્સ ધ લાઇન...
અનાદિ : કેટલું સરસ પપ્પા! તમે આવું સમજી જાવ ધેન વી આર સો લકી!
જયેશ : બટ.... બટ... નો… નો મારે બધું ડબલ લેવું પડે એટલે વિચારવું જ પડે!
અનાદિ : વ્હાય? વ્હાય? પપ્પા!
ઈલા : શાંતિ શાંતિ ... અત્યારે વાત, ગુંજનના બર્થડેની ચાલે છે...
નિલેશ – ચલો આપણે બાકીનું ઘરે જઈને પતાવીએ.....
નીલા : કેટલું સારું છે કે આપણે મોબાઈલ આવ્યા પહેલાં ભણી લીધું ને મેગી આવ્યા પહેલાં મોટાં થઈ ગયાં!
ગુંજન : હા, તમારો જમાનો સોનાનો હતો ને અમારો....
આદિ : સેમસંગનો!
અનાદિ : અલ્યા એપલ બોલવું’તું ને!
આદિ: વ્યાજબી, વ્યાજબી ...
(બધા હસે છે...)
આવજો આવજો - નિલેશ-નીલા-ગુંજન જાય છે...
(હળવું સંગીત વાગે છે...)
આદિ : હા, તો પપ્પા મોબાઇલનું શું વિચાર્યું?
જયેશ : એલા, બર્થડે ગુંજનની છે. એના માટે વાત ચાલતી હતી. તમારે કૂદવાની જરૂર નથી...
અનાદિ : વાત એમ નથી પપ્પા, વાત ઇક્વાલિટીની છે. ગુંજન પાસે મોબાઈલ હોય ને અમારી પાસે ન હોય તો તમને શરમ ન આવે?
ઈલા : શાની શરમ અલ્યા દોઢડાહ્યા?
અનાદિ : દોઢડાહ્યા નહીં, મમ્મી કહો કે ફુલ્લી સમજદાર!
જયેશ : પહેલાં ફુલ્લી માર્ક્સ લઈને બતાવો.
અનાદિ : બસ, આવીને વાત માકર્સ પર! યે જીના ભી કોઈ જીના હૈ!
ઈલા : બેટા હજી મોબાઇલને વાર છે...
અનાદિ : આમ તો અમે બુઢ્ઢા થઈ જશું!
આદિ : બેટા, હજી જવાન થવાનું બાકી છે!
અનાદિ : ત્યારે તો બાઇક જોઈશે!
આદિ : અને એમાં ય આ (અનાદિ તરફ હાથ લંબાવીને) ટ્વીન્સ નડશે..
અનાદિ : તારે એટલી ઉતાવળ શું હતી? બે ચાર વરસ મોડો આવ્યો હોત તો શું બગડી જવાનું હતું!
આદિ : મારોય એ જ સવાલ છે, ઉપરવાળાને!
જયેશ : બસ હો, હવે બહુ થયું.... અને બાઈકની તમારે જરૂર શી છે? મમ્મીનું એકટીવા છે. જૂનું સ્કૂટી પણ પડ્યું છે, સારી હાલતમાં. મારે તો મારુતિ છે. બાકી ભગવાને બે પગ શું કામ આપ્યા છે?
અનાદિ : પપ્પા, એક કીક મારવા ને બીજો ટેકો આપવા......
ઈલા : (ગુસ્સે થઈને) ચૂપ!
આદિ – સોરી મમ્મી. આ ગાંડા તરફથી સોરી. પણ ભઈલા, એ વિચાર કે એક્ઝામ વખતે હું તને કેવો કામ લાગું છું? હોમવર્ક જલ્દી પતાવવું હોય, સર પાસેથી રજા લેવી હોય ત્યારે તારે મારા વિના ચાલે છે?
અનાદિ : યસ, બેટા લેકિન કભી હમારે ભી દિન આયેંગે... દિખા દેંગે તુમકો!
ઈલા : અને ત્યાં સુધીમાં મોબાઈલ મળી જશે....
જયેશ : એમ થઈ શકે. તમને સાદો મોબાઈલ અપાવીએ. સ્કૂલમાં તો આમેય મનાઈ છે. ઘરે હો ત્યારે વાત કરવા માટે વપરાય!
અનાદિ : આટલી બધી મહેરબાની ન કરશો પરમ પૂજ્ય પિતાજી… અમે મોબાઈલ વગરના જ સારા છીએ. આબરૂના.... પેલું તું શું બોલે છે મમ્મી?
ઈલા  : (હસતાં હસતાં) આબરૂના કાંકરા!
આદિ  : હા, ને ઈજ્જતના ધજાગરા!
ઈલા : વાહ મારા દીકરાનું નોલેજ વધી ગયું હો!
જયેશ : મારે એકસાથે બબ્બે મોબાઈલ લેવા પડે.... સ્માર્ટ ફોન ન પોસાય.
અનાદિ : અમે ટ્વીન્સ કેવા નડ્યા! હે… ભ ગ વા ન... તને શું સૂઝ્યું?
આદિ : એમ કરો પપ્પા.. એક જ સ્માર્ટફોન લો. પેલાને તો વાતો જ કરવી હોય, જરૂર પડ્યે હું એને આપીશ. મારે ગૂગલ કરવું હોય, એટલે હું રાખીશ.... આખિર ફોન ફોન હોતા હૈ....
(અનાદિ આદિને મારવા જાય છે.... ઈલા રોકતી નથી, હસે છે.....)
જયેશ : હવે મોબાઈલની વાત પૂરી. એ થશે જ્યારે થવાનું હશે ત્યારે....આપણે મૂળ વાત પર આવીએ. કહો. શું કરવાના છો આ ત્રણ દિવસમાં?
અનાદિ : જે થાય એ, પણ ત્રણ ત્રણ દિવસ હોમવર્ક? નો નો! ભલે એ પછી આખી રાત જાગવું પડે!
આદિ : તો પછી આજની રાત જ જાગી લે ને!
ઈલા : આઇડિયા ખોટો નથી! જો હોમવર્ક અત્યારથી અપાઈ ગયું હોય તો!
અનાદિ : લાવી, લાવી… આઇડિયા માસ્ટર
ઈલા : ચલો હવે ફટાફટ કહી દો. જો રજાના ત્રણ દિવસનું પ્લાનિંગ કર્યું હોય તો! પછી કહેતા નહીં કે ના પાડી! અમારે પણ વિચારવાનું છે, તમે જાહેર કરો પછી.
આદિ : મમ્મી એક દિવસ અમે પિકનિક પર જવાનું વિચારીએ છીએ.
અનાદિ : અમે બે, ગુંજન, નિત્યા, નવ્યા ને આર્યન - ટોટલ પીપલ સિક્સ!
જયેશ : ટોટલ બચ્ચાં સિક્સ!
આદિ : સારું, તમારા માટે બચ્ચાં! એક દિવસ પિકનીક, એક દિવસ કોઈ એકના ઘરે ધમાલ મસ્તી કરીશું અથવા સાયન્સ સીટી જઈશું ને એક દિવસ તો આ બધાને હોમવર્ક માટે જોઈશે ને!
જયેશ : નિત્યા-નવ્યાને મંજૂરી મળી ગઈ?
આદિ:નિત્યા-નવ્યા બેય સાથે હશે ને અમારી સાથે ગુંજન, આર્યન સિવાય બીજું કોઈ નહીં હોય તો એના પપ્પા હા પાડશે એવું નિત્યા કહેતી હતી.
જયેશ : જોયું આ નિત્યા-નવ્યાને ટ્વીન્સનો ફાયદો!
ઈલા : આ આપણે બધા બાજુ બાજુમાં રહીએ છીએ એનોય ફાયદો.
જયેશ : ક્યાં જશો?
અનાદિ : અત્યારે તો ગાંધીનગરના પ્રકૃતિઉદ્યાનનું વિચારીએ છીએ… સવારથી સાંજ બીજે ક્યાં જવાય? નાઈટઆઉટ માટે જો તમે હા પાડો તો બીજું વિચારીએ...
ઈલા : ના, હમણાં આટલું બસ છે.
આદિ : હવે મારે મારી બુક વિશે વિચારવાનું છે.
ઈલા : શું કહ્યું બેટા?
અનાદિ : આ તારો ડાહ્યો દીકરો એક બુક લખવાનો છે!
ઈલા : અરે વાહ, વેરી ગુડ આઇડિયા....
અનાદિ : એ ઓથર થઈ જશે ને હું એનો એડવાઇઝર!
આદિ : અલ્યા ઓથરને એડવાઇઝરની જરૂર ન પડે!
ઈલા : ગુડ લક બેટા. કાંઈક મનમાં તો હશે ને!
આદિ : હા, મારે એનીમલ્સ વિશે લખવું છે. પપ્પા તમારું લેપટોપ હમણાં મને આપશો ને? મારે ગૂગલ પર ઘણું સર્ચ કરવાનું છે.
જયેશ : હા, તું આવું સરસ કામ કરતો હોય તો મારે લેપટોપ તો આપવું જ પડે ને! આમેય તું સાંજે જ જોઈ શકે ને! હું ઘરે આવું પછી લેજે.
ઈલા : એ વાત પર તાક્ધીનાધીન...
આદિ-અનાદિ - પપ્પા સાંભળો આ મમ્મીનું ગીત
(સૌ સાથે ગાય છે.)
સ્કૂલે ટયુશન તમે જ જાજો, મમ્મી લેશન કરતી
ખબર પડે કે કેવા મગ ને કેવી ખીચડી ચડતી!
એકડો રહેશે સળેખડો ને બગડો જાશે ભાગી
બોલો તાક્ધીનાધીન તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી....

લવલી લાગે સ્માર્ટફોન ને લવલી 4G, 5G
તોયે કાં આ મમ્મી-પપ્પા જાય ન રીઝી રીઝી
છેલ-છબો ને છકો-મકો તો થઈ જાય રાજી રાજી
બોલો તાક્ધીનાધીન, તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી....

બોલો તાક્ધીનાધીન, તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી..…
બોલો તાક્ધીનાધીન, તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી......

(સૌ સુવા માટે જાય છે.) (હળવું સંગીત)

અંક 2 દૃશ્ય 1 (સળંગ દૃશ્ય 4)

આ દૃશ્યના પાત્રો - આદિ, અનાદિ, ગુંજન, આર્યન, નિત્યા ને નવ્યા
સ્થળ - જાહેર ઉદ્યાન

શેતરંજી પથરાયેલી છે. આદિ, આર્યન, નિત્યા, નવ્યા શેતરંજી પર બેઠાં છે. બાજુમાં બેટ, રેકેટ, શટલકોક, ફૂટબોલ બધું આડુંઅવળું પડ્યું છે. બધાં પાણીની બોટલો ગટગટાવે છે. અનાદિ ને ગુંજન ઊભા છે ને પાણી પીવે છે.
આદિ : હાશ, મજા આવી હો! બહુ મજા આવી.
ગુંજન : પિકનિકની તો મજા જ આવે ને!
આદિ: અલ્યા આમ ઊભા ઊભા પાણી ન પીવાય. બેસીને પી.
ગુંજન : તારું શું જાય છે?
આદિ : મારું કંઈ નથી જતું પણ ઊભા ઊભા પાણી ન પીવાય એવું મમ્મી કહે છે. અનાદિ તુંય બેસ!
ગુંજન : (હસે છે) આ પિકનિકમાંય મમ્મીને ભેગી લઈને આવ્યો છે.
અનાદિ : ભલે, હું મમ્મીનું એટલું નથી માનતો પણ એ જે કહે છે એ સાચું કહે છે હોં!
નિત્યા : તે તું કેમ નથી માનતો?
અનાદિ : બસ, તોફાન કરવાની મજા આવે એટલે....
આદિ : પછી મમ્મી ધમકાવે કોને?
(ગુંજન, અનાદિ બેસી જાય છે.)
ગુંજન : જરા લાઈફમાં થ્રીલ રહે!
નિત્યા : તમને તો મોબાઈલ નથી મળ્યો, એ સારું જ છે.
ગુંજન : અહીંયા મોબાઈલની વાત ક્યાં આવી?
નવ્યા : જો ને, આ છોકરાઓ મોબાઈલ ગેમ્સ બહુ રમે છે ને મારી ફ્રેન્ડ કહેતી હતી કે અમુક ગેઈમ બહુ ખતરનાક છે.
અનાદિ : તે શું તું એમ માને છે કે મોબાઈલ હોત તો અમેય ગમે તે રમતા હોત!
નિત્યા : મે બી..
અનાદિ : જો, એક વાત સાંભળી લે. મસ્તીતોફાન એક વાત છે પણ અમુક બાબતોમાં હું મારી મમ્મીનું માનું જ. સમજી?
આદિ : સાચી વાત છે. (હસે છે) આ તો અમે એકબીજાની ખોટ પૂરી દઈએ છીએ. મમ્મીને કંપલીટ ફીલ કરાવીએ!
ગુંજન : ને મારી મમ્મી પાછી ઈલામાસીની જ વાત માને એટલે મારેય માનવી પડે સમજ્યા!
નવ્યા : ઓહ, વેરી ગુડ બોય!
અનાદિ:બોય નહીં, બોય્ઝ કહે!
નિત્યા : માન ગયે ઉસ્તાદ! અરે, આર્યન તું કેમ ચૂપ બેઠો છો?
અનાદિ : ફિલ્ડીંગ ભરી ભરીને થાક્યો હશે બિચારો.
આદિ : એમ તો આપણે બધાંય થાક્યાં છીએ....
ગુંજન : તું ચૂપ કેમ છે, આર્યન ?
આર્યન : ચૂપ નહીં. બસ તમને સાંભળું છું. બધાએ બોલવું એવું થોડું જ છે? ન બોલ્યામાં નવ ગુણ.
નવ્યા : નવ જ કેમ, નવ્વાણુ કેમ નહીં!
આદિ : એટલા માટે હશે કે આપણી કહેવતમાં એવું આવે છે....
આર્યન : મહાભારતમાં એવું આવે છે શિશુપાલના નવસો નવ્વાણુ ગુના ભગવાને માફ કર્યા ને પછી એનું માથું ઉડાવી દીધું!
નિત્યા : ઑ માય ગોડ!
નવ્યા : અમને તો આવી ખબર જ નથી!
નિત્યા : અમે દાદા-દાદી સાથે નથી રહ્યાં ને! નહીંતર આવી બધી વાર્તાઓ સાંભળવા મળત!
આર્યન : કહેવતમાં આના વિરુદ્ધનીયે વાત છે!
આદિ : બોલે તેના બોર વેચાય!
અનાદિ : આ મમ્મીનો પઢાવેલો પોપટ છે!
નિત્યા : જબરી છે આપણી ભાષા!
અનાદિ : સવાલ જ નથી...
ગુંજન : સવારના નવ વાગ્યાના રમીએ છીએ. આ એક થવા આવ્યો… ખબર જ ન પડી....
આર્યન : સારું છે આજે વાદળાં છે, તડકો નથી. નહીંતર આટલું બધું ન રમાત.
અનાદિ : આ મમ્મી-પપ્પાએ નાઈટઆઉટની હા પાડી હોત તો! કેવી મજા આવત!
નિત્યા : હવે જમી લેશું?
અનાદિ: ઑ ગોડ, આવીને પહેલાં નાસ્તો કર્યો ને હવે ક્રિકેટ પત્યું ત્યાં જમવાનું!
ગુંજન : તને એકને જ ખાવાનું નથી યાદ આવતું. અહીં પેટમાં બિલાડાં બોલે છે.
અનાદિ : બિલાડાં નહીં, ઉંદર કહે!
આદિ : હવે જમવાનો ટાઈમ થયો છે હો!
ગુંજન : એય, એ ઉંદરની સ્ટોરી પછી!
નિત્યા : એ શું વળી?
ગુંજન : કહ્યું ને પછી!
નવ્યા : મને તો બહુ ભૂખ લાગી છે!
આર્યન : બહાર આવીને મજા કરવાની હોય. જલસા કરવાના, મન પડે એ કરવાનું.
આદિ : ચલો, પહેલાં બધાં પ્રાર્થના કરો...
નિત્યા : ઓય, ચંબુ ! આ સ્કૂલ નથી ...
આદિ : અરે, તમે આ પ્રાર્થના કરીને ખુશ થઈ જશો!
નવ્યા : શેની પ્રાર્થના?
આદિ : મહાન માણસો પૃથ્વી પર ખૂબ અવતરે એના માટેની પ્રાર્થના...
ગુંજન : તો?
આદિ : ત્રણસો પાંસઠે દિવસ મહાપુરુષો જન્મેલા હોવા જોઈએ. તો આમ રજાઓ મળે!
(બધા ખૂબ હસે છે.)
નિત્યા : ને બધા ફેસ્ટીવલ્સ બોનસમાં!
નવ્યા : તો રજાઓ નકામી જાય. એક દિવસે બે તહેવાર હોય તોય રજા તો એક જ થાય ને!
અનાદિ : પણ મજા ડબલ કરવાની!
આર્યન : ઓય શેખચલ્લીઓ! આવી પ્રાર્થનાનો કોઈ મતલબ નથી. એવું થાય તોય એનો લાભ આપણને ક્યાં મળવાનો બચ્ચુ !
આદિ : કાંઈ નહીં, આપણાં બચ્ચાઓને તો મળશે!
આર્યન : ના. એનાંય બચ્ચાઓને! હજી તારી પ્રાર્થનાથી એવા લોકો અવતરશે, પછી મહાન કામો કરશે. પાછી ગુજરી જશે. પછી કાંઈક રજાનો મેળ પડે!
નિત્યા : ચાલો, આપણી પ્રાર્થના કોઈકને તો ફળે!
(બધાં ફરી જોરથી હસે છે...)
નવ્યા : (હસતાં હસતાં) આનો ઘણો ‘વિકાસ' થયો! બચ્ચા સુધી પહોંચી ગયો!..
અનાદિ : નવ્યા, તું અહીં ખૂબ વોક લેજે. જરા વજન ઓછું થાય. હજી આપણે રમવાના તો ખરા જ ને આપણે જે ખાવાનું લાવ્યા છીએ એમાંથી તું સલાડ જ ખાજે... આદિનો આજે ‘વિકાસ ડે' ને તારો 'ડાયેટિંગ ડે!’
નવ્યા : હાલી નીકળ્યો છે તે! હું કાંઈ સલાડ ખાવા અહીં આવી છું? મારી મમ્મીએ ઘણો શ્રીખંડ આપ્યો છે. એમાંથી તારા ભાગનોય હું ખાઈશ બસ!
ગુંજન : અનાદિ, તારી 370 પાછી ખેંચી લે! અત્યારે તો બધાના 'સારા દિવસો' છે!
અનાદિ : અલ્યા, ‘સારા દિવસો'નો અર્થ બીજોય થાય, ખબર છે? છોકરીઓને એવું ન કહેવાય ગધેડા! (વળી બધા ખડખડાટ હસે છે.)
આદિ : ચલો, આપણે 'સારા દિવસો'ને બદલે ‘મજ્જાની લાઈફ' રાખીએ ...
અનાદિ : સુધાર સુધાર, લાઈફ નહીં મજાનો ડે!
આર્યન : બાય ધ વે નવ્યા. અનાદિ સાચું કહે છે. તારા માટે સલાડ બેસ્ટ.
નવ્યા : પહેલી વાત તો એ કે મારે કોઈ ડાયેટીંગ બાયેટીંગ કરવું નથી સમજ્યા? ને બીજી વાત એ કે આજે હું શ્રીખંડ પેટ ભરીને ખાવાની છું.
અનાદિ : સાચી વાત નવ્યા, કોઈ મિનિંગ નથી સલાડનો! જો ને, ભેંસ ઘાસફૂસ જ ખાય ને ચાલ્યાય કરે, એનું વજન ઊતરે છે?
(નવ્યા ઊઠીને અનાદિને મારવા જાય છે. બધા હો હો કરતાં ખૂબ હસે છે....)
નિત્યા : મમ્મી કહે છે, નવ્યાને જિમ જોઈન કરાવવું છે!
અનાદિ : એવી કાંઈ જાડી નથી નવ્યા! મારી મમ્મી પાસે આવીને યોગ શીખી જા.
નિત્યા : યોગાના કલાસ ભરી શકાય.
આર્યન : યોગા નહીં, યોગ બોલ!
નિત્યા : યોગા જ કહેવાય. અમારી સ્કૂલમાં ટીચર પણ યોગા બોલે છે.
આર્યન : એ તો અંગ્રેજોને રામ કે કૃષ્ણ બોલતા નહોતું આવડતું એટલે જેમ રામા ને કૃષ્ના કહેતા એવું જ યોગાનું. આપણને તો આવડે છે. આપણે શું કામ યોગા બોલવું!
આદિ : પોઈન્ટ ટુ બી નોટેડ!
આદિ : ચલો ચલો, પિરિયડ પૂરો (ટીચરની જેમ ભારમાં અને સ્ટાઇલમાં) હવે આપણે જમી લઈએ.
અનાદિ : (આદિની જેમ જ બોલે) સૌ પ્રથમ આપણે નીચે છાપાં પાથરીશું!
આર્યન : અને પછી છાપાં ઊડવા દઈ ઊભા ઊભા ખાઈશું!
(હસાહસી)
નવ્યા : આ તમારી મસ્તી પૂરી થશે? મને ભૂખ લાગી છે. હું હમણાં મારા ડબા ખોલીને ખાઈ લઉં છું. તમારે જેમ કરવું હોય એમ કરો!
અનાદિ : યસ મમ્મી, હવે મસ્તી બંધ ઓકે!
(બધા નાસ્તો કાઢે છે ને ગોળ ફરતા બેસી ખાવાનું શરૂ કરે છે.)
અનાદિ : આદિ ગભરાતો નહીં હો, અહીં ઉંદર નહીં હોય!
નિત્યા : એય ખાતી વખતે ઉંદરની વાત ક્યાં કાઢે છે?
આદિ : હું જરાય ગભરાતો નથી...
ગુંજન  : ભૂલી જા... હવે અહીં આપણે જલસા કરવાના છે.
નવ્યા : હવે કહી દે, જે હોય એ....
ગુંજન  : એ સ્ટોરી છે... પણ આદિ ચિડાશે… પછી કાલે કહીશ..
નિત્યા : ના, કહે ને! હજી તો આપણી પાસે ઘણો ટાઈમ છે. આદિ ચિડાઈ લે પછી મનાવવાનોય ટાઈમ છે.
અનાદિ : ના. એમ તો આદિ સ્ટેબલ છે. મમ્મીનો ડાહ્યો દીકરો ખરો ને!
આદિ : ડાહ્યો હોઉં કે ના હોઉં, સ્ટેબલ તો સો વાર!
આર્યન : બોલને....
અનાદિ : એમાં એવું થયું કે થોડાક દિવસ પહેલાં આદિના બેડ પાસે એક મોટો ઉંદર નીકળ્યો.
આર્યન : સો વ્હોટ?
અનાદિ : ના. એમ તો કાંઈ નહીં.... પણ આદિ આ જોઈને એવો ડરી ગયો… હા હા હl હા...
નવ્યા : તો હવે ખબર પડી. તુંય ફૂસકી છો! અને મને કહેતો હતો!
ગુંજન : તમારા બેયનાં નામ અમે કેવા સરસ રાખ્યાં હતાં!
અનાદિ : ટપકી ને ફૂસકી !
નવ્યા : અમનેય ખબર છે તમારાં નામ અડૂક ને દડૂક છે!
આદિ : એ તો અમારાં મમ્મી-પપ્પાને પેલી અડૂકિયા-દડૂકિયાની સ્ટોરી બહુ ગમતી ને એટલે!
નિત્યા : એટલે તમે અમારાં મમ્મી પપ્પાનો રોલ કર્યો એમ ને!
અનાદિ : અલ્યા આદિડા, ટપકી-ફૂસકીની કોઈ સ્ટોરી છે?
આદિ : ફૂસકીની છે ને! મીંયાં ફૂસકી ને તભા ભટ્ટ! બાકી નિત્યા તો ગમે ત્યારે ટપકી પડે ને એટલે!
નિત્યા : (આદિની સામે હાથ લંબાવીને) હવે તુંય ફૂસકી, તુંય ફૂસકી!
આદિ : એમ તો અનાદિને વંદાથીય બહુ બીક લાગે!
નિત્યા : વંદો? બાપ રે, એનાથી તો મનેય બીક લાગે! એટલે…… ચીતરી ચડે!
નવ્યા : રાઇટ! મી ટુ!
આદિ : પણ પછી શું થયું ખબર છે?
અનાદિ : પછી શું થાય? આદિ રૂમમાંથી ભાગી ગયો...
નિત્યા : ઘેટ્સ ગ્રેટ. હું પણ આવું જ કરું.
નવ્યા : ઉંદરની વાત કાઢીને તમે ખાવાની મજા બગાડી નાખી.
આર્યન : તું ક્યારેય ચાઈના ન જતી નહીંતર તને રેસ્ટોરન્ટમાં કોઈ ચીનો બાજુમાં ઉંદર ખાતો મળશે.
નિત્યા : ખબર છે ખબર છે હવે, તારું નોલેજ તારી પાસે રાખ.
આર્યન : આમેય હવે આ ગૂગલમાવડી ને વોટ્સએપબાપાના આશીર્વાદથી… બધાને બધી ખબર હોય!
નવ્યા : ફેસબુકદેવીનેય યાદ કરો બાળકો!
આદિ : મારી મમ્મી તો આખો દિવસ ફેસબુક પર કવિતાઓ જ વાંચતી હોય!
આર્યન : હજી આપણે તો સારું છે. મમ્મી ભલે ફેસબુક પર હોય. આપણું બધુ કામ તો સાચવે છે, બાકી ફેસબુક ને વોટ્સએપ પાછળ હવે મમ્મીઓને કીચનમાં જવાનો ટાઈમ હોતો નથી… એમાં તો ઝોમેટો ને સ્વીગીઓના ધંધા ધમધોકાર ચાલે છે!
નિત્યા : બાય ધ વે, એ ફૂડ બહુ ટેસ્ટી હોય છે હો!
અનાદિ : હા, એની ટેવ પડી જાય પછી આપણાં રોટલી શાક ભાવે નહીં!
ગુંજન : મને તો ડોમિનોઝ પિત્ઝા બહુ ભાવે... પણ મમ્મીનો નિયમ – મહિનામાં એક કે બે વાર જ ...
અનાદિ : મમ્મીઓનો ત્રાસ છે....
આદિ : વચ્ચે મમ્મીને એક વીક માટે મામાને ઘરે જવું પડ્યું હતું ત્યારે ખબર છે ને! સૌથી પહેલો તું જ ત્રાસી ગયો હતો!
ગુંજન : મમ્મીની રાઉન્ડ ધ કલોક સર્વિસ તો જોઈએ હો!
આદિ : અને રોટલી શાક પણ જોઈએ...
નિત્યા : ચલો ક્યાં સુધી બેઠા રહીશું? આ ડિશો ફેંકો ડસ્ટબીનમાં ને હવે રમીએ.
(જમવાનું પતી ગયું. બધા ડબ્બાઓ ઠેકાણે કરે છે.)
આર્યન : તમને ખબર છે ઉંદર જેવું જ એક બીજું પ્રાણી છે, બીવર.
આદિ : તેં વાંચ્યું છે? તો તું એની વાત કર ને! ઇન્ટરેસ્ટીંગ! કોઈને બીવરની વાત સાંભળવી છે?
ગુંજન : સાંભળવું તો છે પણ કથા લાંબી નહીં ચાલે ને?
નવ્યા : ને પછી શીરાનો પ્રસાદ મળશે ને?
બધા હસે છે.
આર્યન : ચાલો, જલ્દી પતાવીશ. તમને બીવરની વાત કહું.
આદિ : બોલ, બોલ...
(બધા શાંતિથી ધ્યાન દઈને બેસી ગયા.)
આદિ : આર્યનની સ્ટોરીમાં એનીમલ ને સાયન્સ આવે જ...
નિત્યા : તે તું શું સમજે છે? એ રાજા-રાણીની સ્ટોરી કરે?
ગુંજન : હા, પેલી પરીઓના દેશની ને.....
નવ્યા : શાંતિ રાખો ને! મારે બીવરની સ્ટોરી સાંભળવી છે.
આર્યન : હવે એ રાજકુમાર ને પરીઓને છોડો. બીવરસે નાતા જોડો... બહુ ઇન્ટરેસ્ટીંગ છે! મેં જે બુક તૈયાર કરી છે એ આના પર. હું ગૂગલ કરતો હતો ત્યાં આ જરા મોટો ઉંદર મળી ગયો!
અનાદિ : વાહ...
આર્યન : એનું નામ બીવર. ખાસ્સું ઉંદર જેવું પણ આપણા ઉંદરથી મોટી સાઇઝનો ઉંદર!
નવ્યા : અચ્છા પણ મેં તો કદી જોયો નથી!
આર્યન : તે ક્યાંથી જોયો હોય? આપણા ઇંડિયામાં એ નથી થતા! અમેરિકામાં હોય!
અનાદિ : વાહ તો હવે ઉંદર પણ અમેરિકા જવા માંડ્યા! અમેરિકાના ભાવ ઘટી ગયા ને આપણા ઇંડિયન ઉંદરડાના ભાવ વધી ગયા!
આદિ : એ તો જે સમજ એ. પણ આપણા ઇન્ડિયાના ભાવ જોરદાર વધવાના છે એ લખી રાખજે....
અનાદિ : સવાલ જ નથી!
નિત્યા : ચલ, ચલ, પેલી મોટા ઉંદરડાની વાત કર.
આર્યન : એય, મોટો ઉંદરડો નહીં, એનું નામ બીવર સમજી?
નવ્યા : હવે આર્યનને બોલવા દેશો કોઈ?
આદિ : હમ્મ તમારે જરા કોન્સન્ટ્રેટ થવું પડે! આમ વચ્ચે ચકચક કરશો તો એને મજા નહીં આવે!
અનાદિ : બોલ બોલ, નો ઇન્સ્ટ્રક્શન!
આર્યન : તો બીવર અમેરિકાનું એનીમલ! મજજાની વાત એ કે એ બિલ્ડર બીવર તરીકે પણ ઓળખાય!
ગુંજન : અચ્છા? એ શું બાંધે માળો?
આર્યન : તું ધારે તો તારું ઘરેય બાંધી દે!
ગુંજન : બહુ ફેંક મા!
આર્યન : પણ નદીમાં હો!
આદિ : અરે હા, મેંય એ ગૂગલ પર વાંચ્યું હતું હો! અત્યારે યાદ આવે છે. એ જંગલી પ્રાણીઓથી બચવા પોતાનું ઘર નદીની વચ્ચે પાણીની અંદર બાંધે...
આર્યન : હા... એ જ, લાંબો બંધ બાંધે ને એમાં એનું ઘર બનાવે!
નિત્યા : વાઉ, ઈંટ્રેસ્ટીંગ !
નવ્યા : એમાં બાકોરાં રાખતા હશે ને આવવા-જવા માટે!
આર્યન : બાફે છે હો તું તો! બાકોરા રાખે તો અંદર પાણી ન ભરાઈ જાય? જો આ ફોટો હું સાથે લાવ્યો છું! ક્યાંય એકેય બાકોરું ન દેખાય! (કહેતા પોતાની બેગપેકમાંથી એક ગોળ વાળેલો મોટો ફોટો કાઢે છે)
નવ્યા : તો પછી એ અંદર ક્યાંથી જાય?
આર્યન : એ જ તો ખૂબી છે ને! બેય કિનારે બેય બાજુ લાંબા બોગદાં બનાવે જે કોઈને દેખાય નહીં અને બીવરભાઈ કે બીવરબાઈ મજાથી અંદર આવે જાય! અને એક બાજુ દુશ્મન દેખાય તો બીજી બાજુથી નાસી જાય!
ગુંજન : ગ્રેટ!
નિત્યા : બિચારો આવડા લાંબા બંધ બાંધીને થાકી ન જાય!
આર્યન : ના. એને ભગવાને એવા દાંત આપ્યા છે કે એ સતત વધતા જ રહે. જો એ કાપ્યા ન કરે તો એને જ મુશ્કેલી થઈ જાય!
નવ્યા : શું કાપ્યા રાખે? એના નાખ?
(બધા જોરથી હસે છે.)
આર્યન : અરે, ચક્કર! લાકડાં કાપે લાકડાં! એટલે એના દાંત ઘસાતા રહે. વધે નહીં! એની પાસે સોળ દાંત ચાવવા માટે અને ચાર મોટા રાક્ષસી દાંત હોય જેનાથી એ ઝાડનાં મોટાં મોટાં થડ ફટાફટ કાપી નાખે!
નિત્યા : ઝાડનાં થડ કાપી નાખે? એના કરતાં જંગલમાં તો નીચે કેટલાંય ડાળખાં પડ્યાં હોય એ વાપરતા હોય તો !
આર્યન : ના, એટલાથી એનું કામ ન થાય. આ જો ફોટામાં. આવડા મોટા બંધ ડાળખાંથી બને?
અનાદિ : પણ જોવામાં તો એ નાનકડું લાગે છે, મોટું ઝાડ એ કેવી રીતે કાપી શકે?
આર્યન : એ જ તો ખૂબી છે ને! એ નાના પગોથી ઝાડ પકડી રાખે ને પેલા રાક્ષસી દાંતોથી કરવતની જેમ થડ ઘડીકમાં કાપી નાખે!
નિત્યા : ઓહ નો!
નવ્યા : સારું છે, એ એટલે જ ઇંડિયામાં નથી! આપણે તો ‘સેવ ટ્રી'ની મુવમેન્ટ ચલાવવી પડે છે.
ગુંજન : ઇંડિયામાં હોય તો જંગલો સાફ!
આર્યન : એવું નથી યાર....આ વાત પૂરી થાય એટલે એનું કહું… એ એની પૂંછડીનું સ્ટૂલ બનાવી એની ઉપર બેસી જાય! ને પછી જલસાથી ઝાડ કાપે! મી. એન્ડ મિસીસ બીવર મળીને પાંચ મિનિટમાં એક આખું ઝાડ જમીનદોસ્ત કરી નાખે, બોલ! બહુ મોટું ઝાડ કે બહુ જાડું થડ હોય તો વધુમાં વધુ પંદર મિનિટ!
આદિ:પછી?
આર્યન : ને તું કહેતી હતી ને કે જંગલો સાફ કરે ! હકીકતે એ જંગલો સાફ પણ કરે અને વધારે પણ ખરાં!
નિત્યા : ઝાડ કાપીને?
આર્યન : તું સમજ યાર, દરેક પ્રાણીને ભગવાને કુદરતને જાળવવાનું કામ સોંપ્યું છે. કુદરત મોટી કારીગર છે. બીવર નદી પર બંધ બાંધીને એના પ્રવાહને ધીમો પાડી દે એટલે નદીની માટી પાણી સાથે તણાઈ ન જાય. કાંઠા વધારે ગીચ બને. કેમ કે ત્યાં વધારે વૃક્ષો ઊગે. બીવરે જે ઝાડ કાપ્યાં હોય એનું સાટું વળી જાય સમજ્યા? જે પાણી વહી ન જાય એ દૂર સુધી ફેલાય ને આસપાસનાં ગામોમાં પાણી મળે. ત્યાં પણ વનસ્પતિ વધે.
ગુંજન : અરે વાહ આર્યન, તું તો આદિની મમ્મી જેવું ગુજરાતી બોલ્યો! (ચાળા પાડીને) વનસ્પતિ ! વાહ ભૈ વાહ!
આર્યન : મારી મમ્મી પણ ગુજરાતી માટે વધારે ધ્યાન આપે છે સમજ્યો! એમાં મને ટેવ પડી છે.
ગુંજન : મમ્મીઝ ધ ગ્રેટ
આર્યન : હજી એક વાત છે. ગાઢ જંગલોમાં સૂર્યપ્રકાશ ન પહોંચે એટલે ઘાસ-વેલા વગેરે ન ઊગે. જંગલોમાં જે પ્રાણીઓ વેજીટેરિયન છે એમને ઘાસ-વેલાની બહુ જરૂર હોય. બીવર ઝાડ તોડી પાડે એટલે ત્યાં જમીન ખુલ્લી થાય, તડકો આવે અને બીજી નાની વનસ્પતિ ઊગે! અને બીજાં પ્રાણીઓ જીવે.
આદિ : વાહ તારી બુક મસ્ત બનવાની.
આર્યન : ને છેલ્લી વાત. કેનેડાની સરકાર આખી બીવર ફોજ રાખે છે, જ્યાં જ્યાં જંગલ વધારવું હોય ત્યાં એ હેલિકોપ્ટરમાંથી પેરાશૂટથી બીવરનો વરસાદ વરસાવી દે! બસ પછી જુઓ મજા... જંગલ જ જંગલ !
આદિ : એક સવાલ! આ બીવર બ્રીજ બનાવે કેવી રીતે? આમ તો ટચૂકડું જ કહેવાય!
આર્યન : એ ઝાડ કાપે. મોટાં લાકડાં ખેંચી નદીના તળિયે પહોંચાડે. એના પર ભારે પથ્થરો ગબડાવી સ્થિર કરે, જેથી પાણીમાં તણાઈ ન જાય. પછી નાની નાની ડાળખીઓને એકબીજામાં પરોવી સાંકળ જેવું બનાવે. સમજો જેમ સુગરી માળો બનાવે ને એમ!
નિત્યા : બાપ રે! આવડું બીવર આવું જબરું કામ કરે!
નવ્યા : એ પેટ એનીમલ ખરું? ઘરમાં રખાય?
આર્યન : પછી જો પાંજરું ખુલ્લુ રહી ગયું તો કલાકમાં આખા ઘરનું લાકડાનું ફર્નિચર સાફ થઈ જાય! એ કાંઈ અક્કલથી કામ થોડું કરે! એને તો બસ જે કુદરતે શીખવાડયું એ કર્યે રાખે ને કુદરતનું કામ એ કે પર્યાવરણ સચવાય ને બીવરના દાંત ન વધે! આ પુલ બુલ તો સાઈડ ઈફેક્ટ!
ગુંજન : જબરું છે ભૈ!
નિત્યા : ને અહીંયાં જો બહાર નીકળી જાય તો એલિસબ્રીજનું આવી બને!
આદિ : ના. બિચારાના ભોગ લાગ્યા છે કે અમદાવાદ આવે! સાબરમતીને બેય કાંઠે સિમેન્ટ કોંક્રીટના જંગલમાં બિચારા મરી જ જાય!
અનાદિ : આ બીવરોને પ્રધાનોના બંગલામાં મૂકી દેવા જોઈએ. બહારનાં મોટાં મોટાં ગાર્ડનોમાં પેટ ભરશે ને અંદર મોંઘાદાટ ફર્નિચરનો ભુક્કો બોલાવી દેશે!
આદિ: લાગે છે આપણી ટોળી પ્રધાનોની પાછળ પડી ગઈ છે!
નવ્યા:ચાલો, હવે બીવર બબાલ ઓવર. આર્યન ને આદિએ તો અહીં ક્લાસ શરૂ કરી દીધા...
ગુંજન : હા, ભૈ, હવે આ નોલેજને બંધથી બાંધો!
આદિ : ભૈ, અમારી મમ્મીના ગુજરાતી ટીચિંગ માટે હો જાય તાલિયાં..…
આર્યન : હાસ્તો
બધાં નાચતાં નાચતાં ગાય છે.
અડૂક બીવર, બબાલ દડૂક. ઉંદર સાથે સહી જી.
મોટા મોટા દાંતો ઉપર નદીઓ આખી વહી જી
હું ને ગુંજન કાતરિયામાં પેઠા, નાઠા, ભઈ જી
બોલો તાક્ધીનાધીન તાક્ધીનાધીન તાક્ધીનાધીન હાજી ...

બોલો તાક્ધીનાધીન તાક્ધીનાધીન તાક્ધીનાધીન હાજી ....
બોલો તાક્ધીનાધીન તાક્ધીનાધીન તાક્ધીનાધીન હાજી ....

અંક 2 દૃશ્ય 2 (સળંગ દૃશ્ય 5)


સ્થળ : ગાર્ડન, સમય : સાંજ

આર્યન : દિવસ ક્યાં પૂરો થઈ ગયો ખબર પણ ન પડી!
નવ્યા : એ તો એવું જ. આપણે કેટલા વખતે આમ આખો દિવસ સાથે રહ્યા!
આદિ : આમ ક્યારેક એકાદ દિવસ તો પિકનિક કરી જ શકાય.
નિત્યા : આ બાજુમાં આપણો જ કચરો ઊડતો લાગે છે!
ગુંજન : ચપટી વગાડ જોઈએ! હમણાં સાફ!
આર્યન : એમ નહીં, ઝાઝા હાથ રળિયામણા, આપણે બધાં લાગી પડીએ. કચરો તો ખાસ્સો ઊડે છે.
આદિ : આમ તો બધું ભેગું કરીને બીનમાં નાખી દીધું હતું! આ શું ઊડ્યું?
ગુંજન : બધો આપણો નથી. બીજા લોકોનોય છે.
અનાદિ : કાંઈ નહીં, લઈ લે. આપણી જગ્યા આપણે સાફ રાખીએ. સરકાર એકલી કેટલું કરશે?
નિત્યા : કમ ઓન ફ્રેંડ્ઝ, ક્લીન ઇન્ડિયા, સ્વચ્છ ભારત!
આદિ : અત્યારે સ્વચ્છ ગાર્ડન! ચલો, મમ્મીની શિખામણ ગાર્ડન સુધી ચાલી!
ગુંજન : આદિને એમ કે ડહાપણ એને એકલાને જ મળ્યું છે!
(બધા દૂર સુધી કચરો વીણીને ડસ્ટબીનમાં નાખે છે.)
ગુંજન : બધા તારી મમ્મીના ક્વોટ લાગે છે?
અનાદિ : હાસ્તો.
આદિ : મારી મમ્મી તો ઘણા સ્ટેપ આગળ છે ખબર છે?
આર્યન : શું?
આદિ: મમ્મી રોજ બાજુના ગાર્ડનમાં ચાલવા જાય. આમ તો ગાર્ડન સાફ હોય પણ તોયે કાગળ, પ્લાસ્ટિકની થેલીઓ, નાશ્તાના પેકેટના રેપર એવું ઉડતું તો હોય જ. મમ્મી ચાલતાં ચાલતાં જ્યાં કચરો જુએ કે ઉપાડીને આગળ જ્યાં ડસ્ટબીન આવે એમાં નાખી દે!
નિત્યા : ઓહ બાપ રે! પછી આંટીની કમર સીધી થાય ખરી?
આદિ : થાય ને. મમ્મી એની તબિયતનું બહુ ધ્યાન રાખે. રોજ યોગ કરે, કસરત કરે !!
અનાદિ : (હસતાં હસતાં) ને અમે એના ભાગનો આરામ કરી લઈએ!
આદિ: મમ્મીનું જોઈને ધીમે ધીમે બધાં એવું કરતાં થઈ ગયાં. કોઈ ક્યાંય કચરો જુએ તો તરત ઉપાડીને બીનમાં! હવે ગાર્ડન એકદમ ચોખ્ખો રહે છે!
(બધા એક સાથે ‘વા……ઉ’)
આર્યન : ચલો, આદિકી મમ્મી કે લિયે તાલિયાં હો જાય!
(બધા તાળીઓ પાડે છે. બીજા લોકો કુતૂહલથી જુએ છે. બધા પાછા પોતાની જગ્યાએ આવે છે.)
નવ્યા : હવે રેસ્ટ હો!
નિત્યા : હા, બહુ રમી લીધું.
નિત્યા : કોઈને ખબર પડી, આ બીવરની બબાલમાં આપણે બધું ખાવાનું પૂરું કરી ગયા!
ગુંજન: હાય લા! પાણીયે પતી ગયું..
આર્યન : થોડું ચેસ રમશું?
અનાદિ : ડાહ્યા, હમણાં આપણે શું કર્યું?
આર્યન : અમ્મમમમ એ તો જરા ડાંસિંગ સેલીબ્રેટ કરવું પડે ને!
ગુંજન : અત્યારે આપણે પિકનિકમાં છીએ. કોઈ કાયદા નહીં...
અનાદિ : હા, મન પડે એમ કરવાનું. રમવાનું, ખાવાનું, નાચવાનું, ગાવાનું ...
નવ્યા : પણ ચેસ રમવાની આવશે મજા હો!
આદિ : સહી બોલા.
ગુંજન : તારી બુકનું શું થયું?
આદિ : તે બુક કાંઈ પિત્ઝા છે. હાથમાં લીધો ને ખાઈ લીધો!
ગુંજન : એમ નહીં પણ શું વિચાર્યું?
આદિ : મને લાગે છે કે એક સરસ સ્ટોરી તો થઈ જશે. આર્યને સરસ આઇડિયા આપ્યા.
અનાદિ : આ આપણે બધાએ ભેગા મળીને બબાલો બહુ કરી, એ એમાં મસાલાની જેમ ભેળવજે. વાંચવાની મજા
નિત્યા : ને એમ કર એનું નામ રાખજે બબાલબુક!
નવ્યા : વાહ નામ તો મસ્ત છે!
(બધા સાથે જોરથી બોલે છે 'બબાલબુક')
ત્યાં ઈલા-જયેશ, નીલા-નીલેશ અચાનક આવે છે.
ઈલા : અમે તમારા છેલ્લા ડાયલોગ સાંભળ્યા!
આદિ : મમ્મી તમે અહીંયાં?
ઈલા : કેમ, ગાર્ડનમાં અમારે ન અવાય?
જયેશ : બુકનું નામ તાક્ધીનાધીન પણ રાખી શકાય. આ ગીત ગાવાની તો બધાને મજા આવે છે.
ઈલા : એવ, તું કેમ મોઢું ચડાવીને ઊભો છે?
અનાદિ : (ચિડાઈને) અમારી સી.આઈ.ડી. કરવાની જરૂર નહોતી.
જયેશ : ના બેટા, જરાય એવું નથી. આ તો અમે તમને મૂકવા આવ્યાં હતાં તો અમે એમ પ્લાન કર્યું કે પછી ગાર્ડનની બાજુમાં થિયેટર છે તો મૂવી જોઈ લઈશું ને.....
નીલેશ : ને બહાર જમી લેશું ને...…
નીલા : ને થોડું શોપિંગ કરી લેશું ને..
ઈલા : બાકી કસમ સે, અમને તમે શું કર્યું એની કાંઈ ખબર હોય તો!
જયેશ : આ બધું પતાવવામાં સાંજ પડી ગઈ’તી તે થયું, તમારે આવવું હોય તો લેતાં જઈએ.
ઈલા : ને રમવું હોય તોય નો પ્રોબ્લેમ!
અનાદિ : હું તમને સારી રીતે ઓળખું છું પપ્પા!
ઈલા : બેટા સાચું કહીએ છીએ. તમે આખો દિવસ શું કર્યું અમને કાંઈ ખબર નથી.
અનાદિ : સારું, અમે અમારી રીતે જ આવશું! તમે જઈ શકો છો!
આદિ : હા, એમ કરો, પણ આવ્યા જ છો તો લગે હાથ, ગાડીમાં આ ડબ્બાઓ ને શેતરંજી લેતાં જાવ... હા હા
નિત્યા : અમારી પ્રાઈવસી બ્રેક કરવાની પેનલ્ટી!
અનાદિ : (આદિ તરફ હાથ કરીને) આને પહેલી વાર કાંઈક ડહાપણ આવ્યું..!
ઈલા : અમને જરાય વાંધો નથી બેટા, તમે જે આપો એ લઈ જઈએ....
જયેશ : એન્ડ યુ ઓલ એન્જોય યોર ડે!
નીલા : હા, દસ વાગ્યા સુધીમાં આવી જવાનું!
ગુંજન : વાહ તો તો અમે ડોમિનોઝ પીત્ઝા ખાઈને આવશું!
નીલેશ : ડન ડન....
જયેશ : ને અમે પકવાનની થાળી!
આદિ : તો જલસાથી ગાઓ
તાક્ધીનાધીન, તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી
તાક્ધીનાધીન, તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી
તાક્ધીનાધીન, તાક્ધીનાધીન, તાક્ધીનાધીન હાજી