ભારતીય કાવ્યસિદ્ધાંત/રસની પરિભાષા

From Ekatra Wiki
Revision as of 14:02, 26 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રસની પરિભાષા

ભાવ અને રસ :

કાવ્યાનુભવ વખતે આપણે વિશિષ્ટ પ્રકારની માનસિક અવસ્થા પ્રાપ્ત કરીએ છીએ; એટલે કે કાવ્યાનુભવ એ માનસિક અનુભવ છે. પુષ્પની કોમળ પાંદડીનો અંગુલિને સ્પર્સ થતાં આનંદ થાય છે; આકાશમાં મેઘધનુની રંગલીલા નિહાળીને આંખો ઠરે છે; કોકિલનો ટહુકાર સાંભળીને કાનને તૃપ્તિ થાય છે; પણ આ બધા કેવળ ઈન્દ્રિયાનુભવો છે અને એમાં ઈન્દ્રિયસુખ રહેલું છે. કાવ્યમાં ઈન્દ્રિયગમ્યતા હોય છે પણ અંતે એ ચૈતસિક આનંદાનુભૂતિ કરાવે છે. મનની અવસ્થાઓ તો ભિન્ન ભિન્ન પ્રસંગે, અનેકવિધ જ નહિ, અનન્ત હોઈ શકે. છતાં વ્યાપક દૃષ્ટિએ એ ભિન્ન ભિન્ન અવસ્થાઓને આપણે ભિન્ન ભિન્ન સંજ્ઞાઓથી ઓળખી શકીએ – ઓળખતા હોઈએ પણ છીએ. સુખ, દુઃખ, શોક, પ્રીતિ, વૈર, દ્વેષ, ઉત્સાહ આદિ માનસિક અવસ્થાઓ છે, જેમને ચિત્તવૃત્તિ કે ભાવ પણ કહે છે. એટલે એમ કહી શકાય કે ભિન્ન ભિન્ન પ્રસંગે આપણું મન ભિન્નભિન્ન ભાવો અનુભવે છે. કાવ્યના આસ્વાદમાં પણ આ જાતની ભાવાનુભવ ઉપાદાનરૂપ હોય છે. પણ લૌકિક જીવનમાં કેટલાક ભાવોનો અનુભવ દુઃખપ્રદ હોય છે, જેમ કે શોકભાવનો અનુભવ. કાવ્યમાં પણ આપણે શોકનો ભાવ અનુભવીએ છીએ ખરા, પરંતુ તે દુઃખરૂપ નહિ લાગતાં આનંદપ્રદ, આસ્વાદ્ય લાગે છે. કાવ્યમાં ‘કાવ્ય’ના ભાવનું કોઈક એવું ચમત્કારક રૂપાન્તર થયું હોય છે કે લૌકિક જીવનના અનુભવથી કાવ્યાનુભવ જુદો જ લાગે છે અને તેથી આપણે એને કરુણ રસ એવું નામ આપીએ છીએ. ભાવના આસ્વાદમાં જે ફેર પડે છે તેનું કારણ શું, એ આપણે પછી વિચારીશું; અત્યારે તો એટલું નોંધવું બસ છે કે કાવ્યમાં મન વિવિધ ભાવદશા પ્રાપ્ત કરે છે. આ ભાવો લૌકિક સ્થૂળતાથી મૂક્ત હોય છે, હમેશા આસ્વાદ્ય હોય છે. આમ, કાવ્યજગતના સંપર્કે ભાવનું વિશિષ્ટ પ્રકારનું આસ્વાદન એ જ રસ. શ્રી જ્યોતીન્દ્ર દવે લૌકિક જીવનના ભાવાનુભવ (કાવ્યગત મૂળ પાત્રો કે નટો જાતે તો લૌકિક જીવન જ જીવે છે, અથવા એનો અભિનય કરે છે) અને કાવ્યના રસાસ્વાદનો ભેદ આ રીતે સમજાવે છે : ‘કાવ્યાગત પાત્રો કે નટોના ભાવ હંમેશા ક્રિયા દ્વારા વ્યક્ત થાય છે... એ બધા ભાવો ઇન્દ્રિયભોગ્ય છે, અમુક વિષય કે વિશિષ્ટ વ્યક્તિને અનુલક્ષીને જ થયેલા હોય છે. ભાવની સંતૃપ્તિ – consummation – એનું ઉદ્દિષ્ટ હોય છે.. રતિનો અનુભવ કરનાર દુષ્યન્ત શકુન્તલા પ્રત્યે પોતાનો પ્રેમ ઉક્તિ, ઇંગિત, ચેષ્ટા આદિ દ્વારા વ્યક્ત કરવા મથે છે અને શકુન્તલાને પ્રાપ્ત કરીને સંતોષ અનુભવે છે. પરંતુ શૃંગારના રસાનંદની અનુભૂતિ કરનાર પ્રેક્ષકોને જે ભાવ થાય છે તે ઈન્દ્રિયભોગ્ય નહિ, પણ કલ્પનાભોગ્ય છે; એને ભાવપ્રદર્શન માટે ઉક્તિ, ઈંગિત, ચેષ્ટા આદિનો આધાર લેવો નથી પડતો.. એને કાવ્યાનંદ સિવાય બીજો કોઈ ઉદ્દેશ હોતો નથી.’૧[1] કાવ્યમાં ભાવો આસ્વાદ્યતા પ્રાપ્ત કરે છે એ વાત બરાબર સમજી લેવી જોઈએ. શોક, ક્રોધ, ભય આદિના આસ્વાદની વાત તો ઠીક, પણ જુગુપ્સાના આસ્વાદની વાત કેટલાકને ગળે ન ઊતરે એ સંભવિત છે.૨[2] જે વસ્તુ પ્રત્યે આપણને જુગુપ્સાનો ભાવ ઉત્પન્ન થાય, તેનાથી આપણે મોં ફેરવી જઈએ છીએ. પણ કાવ્યમાં એ સ્થિતિ ઈષ્ટ નથી. આ અંગે બે મુદ્દા નોંધવા જેવા છે. એક તો એ કે એવા અણગમતા (repulsive) ભાવો ઉત્પન્ન કરનાર દૃશ્યો શબ્દમાં મુકાતાં જ કેટલીક સ્થૂળતા ગુમાવી બેસે છે. પછી તો એ કવિશક્તિની વાત છે કે એ ‘ભાવ’ની ‘રસ’માં પરિણતિ કરાવી શકે છે કે નહિ. જુગુપ્સાનો ભાવ થાય, છતાં સહૃદયને મોં ફેરવવું ન પડે, શોકનો ભાવ થાય છતાં આઘાત ન લાગે, રતિનો ભાવ અનુભવાય છતાં સંસ્કારી વ્યક્તિને શરમ અનુભવવી પડે એવી સ્થૂળ અસર ન થાય એ જ ‘રસ’નું રહસ્ય છે અને એમાં જ કવિકૌશલની કસોટી છે.


  1. ૧. શ્રી વિષ્ણુપદ ભટ્ટાચાર્યકૃત ‘સાહિત્યમીમાંસા’માં શ્રી જ્યોતીન્દ્ર દવેનો ‘રસમીમાંસાની પરિભાષા’ એ લેખ : પૃ.૨૬.
  2. ૨. ‘વીરરસના વર્ણન તરીકે જ્યારે રણનદીનાં વર્ણનો વાંચું છું ત્યારે એમાંથી જુગુપ્સા વગર બીજી વૃત્તિ છૂટતી જ નથી.. માણસને થાંભલા સાથે બાંધી, એને કોલટારનો અભિષેક કરાવી, એને સળગાવી મૂકનાર અને એની પ્રાણાન્તિક ચીસો સાંભળી સંતુષ્ટ થનાર બાદશાહ નીરોની ન્યાતમાં આપણાથી કેમ ભળાય?’ —કાકા કાલેલકર : ‘જીવનભારતી’ : પૃ.૪૫