અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મોહિનીચંદ્ર/મથન

From Ekatra Wiki
Revision as of 07:54, 22 June 2021 by HardikSoni (talk | contribs)
Jump to navigation Jump to search

ધૂમ્રે, ધૂળે, ધરાને ઊડત રજરજે, અબ્ધિના ઉમ્બરોમાં,
પ્હાડોમાં, ગહ્‌વરોમાં, ગિરિગિરિકણને ઘેરતા પ્રાણપુંજે.
કૂપોમાં, સાયરોમાં, ઝરમર ઝરતા નિર્ઝરો ને નદોમાં,
પૃથ્વીના પથ્થરોમાં, અડીખમ ખડકે, કારમા કંટકોમાં,
ગાઢાં સૂકાં વનોમાં, તૃણફલફૂલમાં, છોડવા ઝાડવાંમાં,
કુંજે કુંજે નિકુંડે, કનકકમળનાં ડોલતાં અંતરોમાં,
સૂર્યે, ચંદ્રે, પ્રકાશે, નભભર ઝૂમતા, દીપતા તારકોમાં,
નક્ષત્રોમાં, ગ્રહોમાં, ઉપગ્રહગણમાં, વ્યોમના ગુંબજોમાં,
બ્રહ્માંડોની લટોમાં, ભુવનભુવનમાં, ચૌદ લોકોત્તરોમાં,
વિશ્વોનાં ઝૂમખાંમાં, સચરઅચરના કોટડામાં ઘુમાતાં
સૌને એકે સપાટે ઝટપટ વીંટતા વાયુના અંચળામાં,
સંગીતોના દિમાકે, જનમન ભરતા, ઝાંખતી રોશનીમાં,
હર્ષોન્માદે, વિવેકે, પ્રણય, અભય ને આશના તંતુઓમાં,
હૈયે હૈયે, અણુમાં, અવિરત ગરજે કાળનાં ઘોર ગીતો!

ઘોરે ઘોર રવે મહાપ્રલય શો અમ્ભોધિ ઉત્પાતનો —
         — કેવો મહાકાળનો!
બ્રહ્માંડો ભરી ફાળમાં પૃથિવીને ધ્રુજાવતો, ગર્વથી
ફૂંકે શંખ પ્રચંડ મૃત્યુસૂરનો માંડી ફણા નાગની
ફૂંફાડા કરી વિશ્વના અતલ પેટાળે ઘૂમી ઝેરને
રેડે ને જહીં બુદ્બુદો જગતનાં જન્મે અને ત્યાં મરે.
આપની એક ભૂજાથી સર્જો છો પ્રભુ! સૃષ્ટિઓ;
દ્વિતીયે સંહરો શાને? હેતુ એ પામવા મથું.
(મંજૂષા, ૧૯૪૨, પૃ. ૨૭)