ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/નચિકેતાનું વરદાન — સિતાંશુ યશશ્ચંદ્ર

From Ekatra Wiki
Revision as of 01:54, 3 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નચિકેતાનું વરદાન

સિતાંશુ યશશ્ચંદ્ર

પૃથ્વી
જવાન આફ્રિકન ભેંશનું રૂપ ધરીને
પોતાનું ટીપેલા તાંબાનું બનેલું શીંગડું, સહેજે ડર્યા વિના,
રમતિયાળપણે,
હજી તો જેની પીઠ પરથી યમરાજા પૂરા ઊતર્યાયે નથી એવા
માતેલા પાડાના પડખામાં અથડાવે છે.
‘નચિકેતા આવી ગયો હશે’ એવું ઝડપથી બોલતા ધર્મદેવ
પોતાના પાશને જનોઈ જેમ ખભે નાખી
મહેલનાં પગથિયાં સડસડાટ ચઢી જાય છે.
ઉપર
અંધારાના ભરપૂર શરીરની વિશ્વાસ જગાડતી ભીંસમાં
અમાસની રાત ઉત્તેજિત થઈ જાય છે ને પોતાની ફળદ્રુપ કંદરામાં
વીર્ય જેવા સફેદ ચંદ્રરસને આવકારે છે.
એનાં ભર્યાભર્યાં સ્તનોના ગોળાવ પર પરસેવે ઊપસી આવેલા
ઝગમગતા તારાઓનાં ખારાં ખારાં ટીપાંથી
અંધકારપુરુષ પોતાનાં હોઠ, મૂછ અને દાઢી ભીનાં ભીનાં કરી લે છે.
પિંગળી સિંહણો, રાતી વીંછણો
અને માટીની કરાડો જેવી કાળી હાથણોનાં શરીરોની દુનિયામાં
આત્માને દુર્લભ આકારો મળે છે.
તપોભ્રષ્ટ ઋષિનું કોપેલું વીર્ય, પડિયો ભરીને પી જાય છે
કલબલતી નિર્ભય પંખિણીઓ.
ભોંઠપ અનુભવતા યમરાજની ઝંખવાયેલી નજર જેના પર પડી નહીં
એવો નચિકેતા
યમસદનના પહોળા પગથિયા પર બેઠો બેઠો
માંદલી ગાયો વિશેના વિચારો છોડી દે છે
ને પોતાના મૂળ પ્રશ્નનો જવાબ પામી જાય છે.
બીજું કોઈ વરદાન માગ્યા વિના
લાંબી મુસાફરીથી તરસ્યો ને રજોટાયેલો
એ રાતોરાત પોતાના ગામના કૂવાકાંઠે પાછો આવે છે
ને માટીનો નવો ઘડો લઈ ત્યાં આવનારીની
વાટ જુએ છે.

નચિકેતાને વરદાન જોઈતું નથી (નચિકેતાના પિતાએ સર્વસ્વ આપી દેવા યજ્ઞ કર્યો, પણ એ દાન તો માંદલી ગાયોનું જ કરતા હતા. નચિકેતાએ કહ્યું, પિતાજી, તમારે પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ. હું તમને પ્રિય છું, મારું પણ દાન કરો. ગુસ્સે થયેલા પિતાએ નચિકેતાનું દાન કર્યું યમને. યમસદનને પગથિયે નચિકેતાએ ત્રણ દિવસ રાહ જોઈ. બાળકને પ્રતીક્ષા કરાવડાવ્યાનો યમને ક્ષોભ થયો. તેણે નચિકેતાને વરદાન માગવાનું કહ્યું. નચિકેતા બોલ્યો, મૃત્યુ પછી શું થાય એનું જ્ઞાન આપો.-કઠોપનિષદમાંથી) આ કાવ્યને આપણે સાથે વાંચીએ? પૃથ્વીએ જવાન આફ્રિકન ભેંશનું રૂપ ધારણ કર્યું છે. ‘જવાન’—કેમ કે બ્રહ્માંડનું આયુષ્ય જોતાં પૃથ્વી હજી જવાન કહેવાય. ‘આફ્રિકન’–કેમ કે પ્રાણીસૃષ્ટિનો પ્રારંભ ત્યાંથી થયો. ‘ભેંશ’—જે કામોત્તેજક અને આક્રમક હોય. ભેંશરૂપિણી પૃથ્વી રમતે ચડી છે યમના પાડા સાથે. કહો કે જિંદગી અને મૃત્યુનું સંવનન ચાલે છે. પાડો પણ કેવો? જેની પીઠ પરથી યમ પૂરેપૂરા ઊતર્યા નથી એવો. આપણે તો બૉસ, પ્રણયમત્ત રહેવું. મન મસ્ત હુઆ, ફિર ક્યા કિસીસે? યમ આપણે માથેથી પૂરા ઊતર્યા ન હોય, તો પૂરા આરૂઢ પણ ક્યાં થયા છે? યમ પોતાના પાશને જનોઈની જેમ પહેરે છે. યમનો પાશ યજ્ઞોપવીતથી ઓછો પવિત્ર નથી. યજ્ઞોપવીત જીવનનો પૂર્વસંસ્કાર હોય તો મરવું ઉત્તરસંસ્કાર છે. યજ્ઞોપવીત પહેર્યાથી મનુષ્યનો બીજો જન્મ થાય, યમનો પાશ પહેર્યાંથી ત્રીજો. શ્રાદ્ધ કરતી વેળા જનોઈને જમણે ખભે ખસેડવી પડે, જેને ‘અપસવ્ય’ કહેવાય યમનો પાશ એ બીજું કાંઈ નથી, અપસવ્ય કરેલું યજ્ઞોપવીત છે. અંધકારપુરુષની ભીંસથી ઉત્તેજિત થયેલી અમાસરાત્રિના સ્તનગોળાવો પર તારલાનાં પ્રસ્વેદબિંદુ ઝગમગે છે. (અમાસની રાત ચંદ્રરસને આવકારે એમાં સહેજ વિસંગતિ લાગે) પૃથ્વી સ્નેહસિક્ત છે, આકાશ પણ સ્નેહસિક્ત છે. સિંહણ, વીંછણ અને આંખો ચમકાવતી હરણી, પૃથ્વી પર હોય અને આકાશમાં પણ. આ સિંહણો, વીંછણો અને હરણીઓનાં શરીર વગર ક્યાંથી મળતે આકાર બાપડા આત્માને? ઋષિઓનું વીર્યહરણ કરી જાય છે કલબલતી નિર્ભય પંખિણીઓ. શુકદેવજીની કથા અમસ્તી નથી આવી. ‘ભોંઠપ અનુભવતા યમરાજ’—જીવનની ઉદંડતા સામે ભોઠું પડે છે મરણ. નચિકેતાને હવે યમ પાસેથી કોઈ વરદાન જોઈતું નથી, કોઈ ઉત્તર જોઈતો નથી. શરીર પોતે જ એક શાસ્ત્ર છે. કઠોપનિષદનાં બે પૂઠાં વચ્ચે ન મળે એ સત્ય મળે છે બે કાન વચ્ચે, બે જંઘા વચ્ચે. વૉલ્ટ વ્હીટમૅન કહે છે ‘મારી બગલની સુગંધ પ્રાર્થનાથી વધુ મધુર છે.’ ‘માંદલી ગાયો વિશેના વિચારો’—કવિનો સંકેત છે કે આધ્યાત્મિક વિચારો માંદલા હતા. ‘બીજું કોઈ વરદાન’—પહેલું વરદાન તો નચિકેતાને વગર માગ્યે મળી ગયું છે. રજોટાયેલો અને તરસ્યો નચિકેતા યમસદનથી પાછો ફરે છે પોતાના ગામને કૂવાકાંઠે, અને પ્રતીક્ષા કરે છે ઘાટીલો ઘડૂલિયો લઈને આવનારી પનિહારીની. નચિકેતા જળસ્નાન અને જળપાન કરવા ઇચ્છે છે. મૂળ કથામાં યમ નચિકેતાને જ્ઞાન આપે છે. આ કાવ્યમાં યમ—નચિકેતા વચ્ચે સંવાદ જ થતો નથી. યમસદનને પગથિયેથી સૃષ્ટિ નીરખતો નચિકેતા જ્ઞાન પોતે જ મેળવી લે છે. સિતાંશુ યશશ્ચંદ્રનું આ આગવું દર્શન છે.

***