અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિશ્ચંદ્ર ભટ્ટ/નિર્દોષ ને નિર્મળ આંખ તારી
Revision as of 09:01, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> નિર્દોષ ને નિર્મળ આંખ તારી હતી હજી યૌવનથી અજાણ, કીધો હજી સાસરવાસ...")
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો!
કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ!
સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં!
છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી!
(સ્વપ્નપ્રયાણ, સંપા. ઉમાશંકર જોશી, ૧૯૫૯, પૃ. ૨)