અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/ધ્રૂજતી પ્યાલી
Revision as of 09:09, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; જીભ ના ઊપડી છતાં મરતા સુધી. રૂપ પણ શું...")
વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી;
જીભ ના ઊપડી છતાં મરતા સુધી.
રૂપ પણ શું પ્રેમને ઝંખી રહ્યું,
ન્હોતું નિશ્ચિત અશ્રુઓ ખરતાં સુધી.
ધ્રૂજતી પ્યાલી હતી મુજ હાથમાં;
તૌબા તૌબા મુખ ઉપર ધરતાં સુધી.
કાળી રાતો જોકે ઝગમગતી હતી;
ક્યાં સુધી? બસ, તારલા ખરતાં સુધી?
કંટકોએ છોડને પૂછી લીધું;
પુષ્પ શું હસતાં હતાં ખરતાં સુધી?
માળીડાએ એકદમ લૂંટી લીધી,
ના ટકી વાસન્તી પાંગરતાં સુધી.
ચિત્ર અધૂરું, આંખડી વિલાઈ ગઈ;
રંગ એ તસવીરમાં ભરતાં સુધી.
(ધ્રૂજતી પ્યાલી, ૧૯૯૮, પૃ. ૬૬)