ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/પૃથ્વીની સુંદરતા — પ્રબોધ પરીખ

From Ekatra Wiki
Revision as of 02:08, 5 October 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
પૃથ્વીની સુંદરતા અને જીવનની સ-રસતાને ઉજવતું કાવ્ય

પ્રબોધ પરીખ

કવિ-વાર્તાકાર-ચિત્રકાર પ્રબોધ પરીખ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અધ્યાપક હતા. તેઓ દેશવિદેશના સાહિત્યના અઠંગ અભ્યાસી છે. 'કૌંસમાં' એ તેમનો કાવ્યસંગ્રહ. પૃથ્વીની સુંદરતા અને જીવનની સ-રસતાને ઉજવતા તેમના એક કાવ્યનો અંશ જોઈએ.

“આજ સુધી કેટકેટલી જગાએ આ પૃથ્વીને રસમય થતી જોઈ છે!
ટેકરીના ઢોળાવ પરથી ઊતરતાં,
ન્યુ મેક્સિકોના ખુલ્લા આકાશ નીચે
એકાએક ખીણમાં ઝળહળી ઊઠેલા
આલ્બેકર્કી શહેરના રત્નજડિત રોમાંચમાં
કે કોઈક સાંજે, મેદાનમાંથી પાછા વળતાં,
મરીન લાઈન્સ સ્ટેશન પાસેના ફાટક ઓળંગતાં,
અચાનક પસાર થઈ જતી ઇલેક્ટ્રિક ટ્રેઇન
કે અરબી સમુદ્ર પરના આકાશના રંગોમાં ભળતાં...”

અવનવી જગાઓ જોવાનો આનંદ લેવો, એ માનવીના રંગસૂત્રમાં (જીન્સમાં) છે. ન્યુ મેક્સિકોના આકાશ તળે ઝળહળતા આલ્બેકર્કી શહેરને કવિ રત્નજડિત નથી કહેતા,પણ રોમાંચને રત્નજડિત કહે છે.આવી નવતર શબ્દગોઠવણીથી આપણને પણ રોમાંચ થાય છે. સ્મરણોમાં વિહાર કરતાં કવિ મેક્સિકોથી પહોંચી જાય છે મરીન લાઈન્સ, અને અરબી સમુદ્ર પરના આકાશના રંગોથી અભિભૂત થાય છે.

“કે મોટી નાતનો જમણવાર હોય ચંપાવાડીમાં
અને પતરાળામાં પીરસાતું જતું હોય રસાદાર શાક,
મમરી, પડિયામાંથી ઢળી પડતી દાળ
અને ઘેર પાછા વળતાં સ્વજનોની વાતચીતોનો રણકાર,
ક્યાંક તેમાં વહાલથી કોઈકનું કહેવું: આયો ભઈ!
તાંબાના લોટામાંથી છલકાઈ આવતું પાણી-બરાબર મોટીબાનો મંત્ર જ જાણે, હૂંફાળી રજાઈ બની આવરી લેતો”

પહેલાં કવિએ મેક્સિકોથી મરીન લાઈન્સનો સ્થળપ્રવાસ કર્યો, હવે કાળપ્રવાસ કરતાં, તે પહોંચી જાય છે બાળપણમાં. ચંપાવાડીમાં નાતનો જમણવાર ચાલી રહ્યો છે.(ઘણા ગુજરાતીઓનું જીવન રસમય થતું હોય છે, બટાકાના રસાદાર શાક વડે.) સ્વાદનો આનંદ લેવામાં ખોટું કશું નથી, ખાસ કરીને જ્યારે એ લેવાતો હોય પારકે પૈસે, નાતની પંગતમાં! માનવી કેવળ દાળભાતથી ન જીવી શકે, એને લાગણીઓ પણ જોઈએ, રસાદાર. કવિને સંભળાય છે સ્વજનોની વાતચીતનો વહાલભર્યો રણકાર.મંત્ર ઉચ્ચારતાં મોટીબા તુલસીક્યારે જળ રેડતાં હતાં,એ પણ યાદ આવે છે.

“પૃથ્વીના કેટકેટલા ખૂણાઓમાં જાગી જવાયું છે
...ન્યુ યોર્કની જેઝ ક્લબોમાં,
કાળી ચામડીને આરપાર વીંધી
ફરી વળતા પિપૂડીઓના આરોહઅવરોહની
લીલાથી રસાયેલા પ્રાણને પુલકિત કરતા
કે ઢોલનગારાના તાલે નાચી ઊઠતા માનવીઓના મેળાની વચ્ચોવચ
મંજીરાની ધૂનમાંથી વહી આવતા પડઘાઓમાં ભળી જતા
અભંગ વાણીના સૂરે”

કવિથી ‘જાગી જવાયું છે'- આંખો ખૂલી છે, અસ્તિત્વ પણ ખૂલ્યું છે. પિપૂડીના-ટ્રમ્પેટના- સૂર તીણા હોય, મનને વીંધી નાખે. પિપુડીની તાનમાં ગુલતાન થનારને સાનભાન ન રહે કે બજાવનારની ચામડી પીળી છે કે કાળી? કવિની ચેતના ન્યુ યોર્કની જેઝ ક્લબથી, કાઠિયાવાડના માનવમેળામાં થઈને, પંઢરપુર જતી વારકરી-મંડળીઓમાં ફરી વળે છે. તુકારામના અભંગ ગાતી વાણી પોતે પણ અ-ભંગ (કદી ન ભાંગનારી) છે.

“પૃથ્વીમાંથી અગ્નિ થઈ, અગ્નિમાંથી સ્મૃ તિ થઈ, વેદના થઈ
કાળમીંઢ પથ્થરોની નસોમાં ઘુંટાઈ જઈ, સમુદ્રમાં વહી જતા
...સંવેદનો યથાર્થ હશે ક્યાંક તો”

માણસનો અગ્નિદાહ થાય, પછી રાખ સમુદ્રમાં વહી જાય, થોડી પથ્થરોમાં રહી જાય. માટે કવિ કહે છે:

“હશે, ક્યાંક તો
આવતી કાલની પૃથ્વીમાં
મારું પણ આવવું-જવું”

‘આજ'થી શરૂ થતું કાવ્ય ‘આવતી કાલ' પર પૂરું થાય છે.

***