અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/વિજોગ

From Ekatra Wiki
Revision as of 09:27, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ, દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.

મચવે ધૂન મલ્હાર કંઠ ત્રિભંગે મોરલા,
સળકે અન્તરમાંહ્ય સાજણ! લખલખ સોણલાં.

ખીલી ફૂલબિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલ પલ પલટે છાંયડી.

ઘમકે ઘૂઘરમાળ સમદરની રણઝણ થતી,
એમાં તારી યાદ અન્તર ભરી ભરી ગાજતી.

નહિ જોવાં દિનરાત: નહિ આઘું, ઓરું કશું;
શું ભીતર કે બહાર, સાજણ! તુંહિ તુંહિ એક તું.

નેણ રડે ચોધાર તોય વિજોેગે કેમ રે?
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે?

૧-૧૦-૧૯૪૮