અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/એક કિલ્લાને તોડી પડાતો જોઈને

Revision as of 12:33, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|'''(૧)'''}} અહીં નથી મુહૂર્ત, મંગલપ્રદીપ ના, ધૂપ ના, ન કુંકુમ, ન પુષ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

(૧)


અહીં નથી મુહૂર્ત, મંગલપ્રદીપ ના, ધૂપ ના,
ન કુંકુમ, ન પુષ્પ, સ્વસ્તિક નથી, નથી અર્ચના,
પુરોહિત ન મૌલવી, ન અહીં મંગલપ્રાર્થી કો,
ન શિલ્પગુરુ કો, નથી અગણ સંઘ તજ્જ્ઞો તણો,
નહીં બૃહદ યોજના, ઢગ નહીં સરંજામના.
અહો બદનસીબ કોટ! તુજ આજ ઉત્ખાતને
સમે અહીં નથી જ કોઈ કશું જે હતું હ્યાં તદા
યદા પ્રથમ તારી ઈંટ અહીંયાં મુકાઈ મુદા.

મજૂર અહીં સોપચાસ ઘણ કોશ કોદાળી લૈ
મથે, પરમ જીર્ણ તોય હજી વક્ષ તારે દૃઢે
ઝીંકે સતત ઘા ઉસાસભર ખિન્ન અંગાંગમાં.
જરા ખણણ, ધૂળગોટ, ગબડે તૂટેલી ઈંટો,
અને ઢગ બની ઢળે યુગયુગો ઊભેલી કથા;
પસાર સહુ થાય હ્યાંથી, નહિ આજ કોને વ્યથા!

(૨)


વ્યથા અહીં નથી, તથા તવ નથી હવાં કોઈને :
પુરાતન સમે ભલે તવ પ્રશસ્ત કાયા પરે
ઠર્યાં અયુત નેણ ને અયુત અંતરોની દુવા,
નિહાળી તુજ દુર્ગ-રૂપ જન શ્વસ્ત સૌ પોઢતાં.
પુરાતન સમે ભલે અચળ દીર્ઘ દુર્ઘર્ષ તું
ખડો અરિદળોની સંમુખ અભેદ્ય, ઉત્તુંગ તું,
બની કમઠ-ઢાલ વજ્જર વિદારી પાછાં કર્યા,
પ્રરક્ષક તું ચંડ આ નગરશ્રી તણો દિગ્ગજ!

હવાં નથી તું, દુર્ગ! દુર્ગમ, અભેદ્ય, ઉત્તુંગ ના;
તને ટપી જતાં અહીં ત્રણ બદામનાં મ્હેલડાં,
ઝટોઝટ ઊંચાં ઊંચાં શિર કરી વિહાસે તને,
ખણે શુકર શ્વાન ગર્દભ લલાટ તારું ખરે.

શી ચંચલ દશા! કશી ન’તી કરામતોની કમી,
કૃતાંત તણી કૂચને પણ શકી ન એકે ક્રમી.

(૩)


અતિક્રમી શક્યું નહીં કદમ કાળનાં કોઈ, સૌ
અનુક્રમી રહ્યું કૃતાંત-પગલી, પૃથુ પંથ પે
ધરા-રથ ધસે, હવાં બૃહદ ઉચ્ચ અભ્રંકષ
બને ક્ષણ પછી લઘુ અવચ ને ધરાશાયી તે.

અહો સફર શી અપૂર્વ, અતિકાય હે દુર્ગ, તેં
નિહાળી નજરે મનુષ્ય લઘુકાયની, વામણો
ધરા ઉપર શું ટગુમગુ પળંત જંતુ સમો
ધસે ગગન આંબતો ગરુડ, માતરિશ્વા શું વા!

હવે અચળ દુર્ગના દિન ગયા, ગતા તે દિનો
ચઢી બુરજગોખ ધૂમ ઘમસાણના ખેલના,
ગયા ભુજબળો તણા, પ્રખર દ્વંદ્વના, ટેકના.
હવે અસિ ન, અશ્વ, ચાપ, નહિ તોપ બંદૂક, ના
કશુંય અહીં કામયાબ, તહીં જીર્ણ ને વૃદ્ધ હે,
તને નહિ નભાવશે જગ જિગીષણા-ક્ષુબ્ધ આ!

(૪)


જિગીષુ જગ ક્ષુબ્ધ આજ, નહિ પાજ એકે ક્યહીં,
અફાટ મદ-ક્ષોભ-સાગર વિશે ન નૌકા ક્યહીં,
યુગોયુગ ટકી તું અંતર ટકાવી રાખ્યે ગયો,
હવે તુંય તૂટે, પછી કશું જ એવું જે ના તૂટે?

મથી મથી મનુષ્યજાત રચી દુર્ગ તું શા શકી,
ખરે પણ ત્યહીં ન આશ ટકવાની ના ના ટકી.
થતા સુગમ દુર્ગ, દુર્ગ-રચના હવે ક્યાં હવી?
જળો મહીં, હવા મહીં, ગગન માંહી, અંત્રિક્ષમાં?

અહો ધસમસે મનુષ્ય-ઉરની જિગીષા-ક્ષુધા,
રચે અશનિ-શસ્ત્ર-અસ્ત્ર દુરજેય અન્યોન્યથી.
પ્રચંડ પણ હાથ હેઠ પડતા, ઉરો થંભતાં,
અજેય કંઈ આજ તે અતિ સુજેય કાલે થતું.
જયાજય તણાં અહા વિકૃત ઘોર આ દંગલો,
બધા જય પરાજયો, સકલ મંગલો જંગલો.

(૫)


બધા જય પરાજયો? સકલ મંગલો જંગલ?
નહીં. જહીં લગી હજી પરમ સત્ય ના જીતશે,
તહીં લગ અહીં અઘોર ઘમસાણ ર્‌હેશે મચી,
અને ધરતી હા, સદા રુધિર-પંક ર્‌હેશે પચી.

તુંયે અડગ દુર્ગ આજ ડગતો, ડગાવે તને
કયું પરમ સત્ય? શું, અચળ દુર્ગ તો તે જ જે
રચાય મનુ-અંતરે વિમલ સત્ય-સંધાનનો
સમસ્ત જગને અમોઘ પ્રણયેથી સંરક્ષતો?

સુદૂર અહ સ્વપ્ન! રમ્ય અભિરામ માંગલ્ય-શું!
ઊડે ઊડતી ધૂળમાં મધુર ઝાંય એ ભાવિની.
તું આ ખરતી કાંકરી મહીં હરે નિરાશા બધી,
અને ચડતી આશ ઊર્ધ્વ ગગને સુદુર્ગા બની.

ભલે અહીં ન ધૂપ દીપ ફૂલમાળ, ના અર્ચના,
છતાં અહીં ધુળેટીમાં નવવસંત-આરાધના.

(યાત્રા, પૃ. ૭૧-૭૩)