કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/સાચો પ્રચાર છે

From Ekatra Wiki
Revision as of 14:11, 14 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦. સાચો પ્રચાર છે

દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે,
જાણી ગયા બધા કે મને તુજથી પ્યાર છે.
શોધો પ્રસંગને એ તમારા ઉપર રહ્યું,
આખું જીવન અમારું હવે આવકાર છે.
મળવા જો એને ચાહું તો હમણાં મળી શકું,
એ વાત છે જુદી કે મને ઇન્તિજાર છે.
આંખોમાં મારી આજ સફેદી છવાઈ ગઈ,
ઓ વિરહ રાત, તારી અનોખી સવાર છે.
શું સંકલન શું એકતા છે વાહ, વાહ, વાહ,
એ પણ શરાબ છે, જે નશાનો ઉતાર છે.
શું એમાં દર્દ છે તે અમુક જાણતા હશે,
છે હાથ મારા તંગ અને દિલ ઉદાર છે.
એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’,
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.
(આગમન, પૃ. ૨૦)