અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/અહો ગગનચારિ!
Revision as of 12:34, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજ...")
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,
ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને
ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને.
ભલે ત્વચ તૂટો, ફૂટો હૃદય, માંસમજ્જા બધું
બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જ્વલ,
કશું ન વસમું જ એ, વસમું માત્ર આ જીવવું
ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી આ કીટનું.
મહાઉદર તાહરે રુધિર માંસ મજ્જા થશે
તવાંશ, ગગનો ઘૂમંતી તવ ઊર્મિ થૈ ઘૂમશે;
નથી અધિક સિદ્ધિ એથી — તવ હસ્તના મૃત્યુથી.
અહો ગગનનાથ! સાવ પવનોની પાંખે ચડી,
ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી.
(યાત્રા, સંવર્ધિત આવૃત્તિ, ૧૯૮૫, પૃ. ૪)