ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/સંશોધન-સંપાદન
છેલ્લાં દસ વરસમાં ગુજરાતનાં પ્રાચીન-મધ્યકાલીન ઇતિહાસ-પુરાતત્વ, ભાષાસાહિત્ય તથા પિંગળ, વ્યાકરણ અને લલિતકલાઓ વિશે સંશોધનપ્રવૃત્તિ કરનારા વિદ્વાનોમાં મુનિશ્રી જિનવિજયજી, પ્રૉ. રામનારાયણ પાઠક, ડૉ. ભોગીલાલ સાંડેસરા, શ્રી, મધુસૂદન મોદી, પ્રૉ. કાન્તિલાલ વ્યાસ, ડૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ મંજુલાલ મજમુંદાર, શ્રી. કેશવરામ શાસ્ત્રી ને શ્રી. ઉમાશંકર જોષી પહેલી નજરે આગળ તરી આવે છે. પ્રૉ. પાઠકકૃત 'પ્રાચીન ગુજરાતી છંદો-એક ઐતિહાસિક સમાલોચના' આ દાયકાના સંશોધન-વિવેચનના ગ્રંથોમાં અગ્રગણ્ય છે. દલપતરામ, રણછોડભાઈ અને કેશવ હર્ષદ ધ્રુવે પદ્યરચનાઓના સ્વરૂપ-બંધારણ અને લક્ષણોનું જે જ્ઞાન મેળવી આપ્યું હતું, તેમાં પ્રૉ. પાઠક અપભ્રંશકાળના દોહાથી માંડીને દયારામની દેશીઓ સુધી પ્રવર્તતા પિંગળના સક્ષ્મ નિયમોની શાસ્ત્રીય તપાસ કરી વધારો કર્યો છે. દી. બ. ધ્રુવે સમજાવેલો વૈદિક કાલથી માંડીને અપભ્રંશકાલ સુધીની પદ્યરચનાઓનો ઐતિહાસિક વિકાસક્રમ આ પુસ્તક દ્વારા અદ્યતન બને છે. મધ્યકાલીન સાહિત્યમાં વૃત્તોનો પ્રયોગ થયો જ નહોતો, એ માન્યતાને જૂઠી ઠરાવતો ગુજરાતી ભાષાના લગભગ આરંભથી માંડી દયારામ સુધીના સાહિત્યમાં થયેલી અક્ષરમેળ વૃત્તરચનાઓનો ઐતિહાસિક દૃષ્ટિએ પરિચય ડૉ. સાંડેસરાએ 'પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના' નામની પુસ્તિકામાં કરાવ્યો છે. ‘આપણા કવિઓ'-ખં. ૧ માં શ્રી. કે. કા. શાસ્ત્રીએ નરસિંહયુગ પહેલાંની પ્રાપ્ય એટલી તમામ સાહિત્યકૃતિઓને તપાસી આપણી ભાષાની વિકાસકોટિઓ, તેનું વ્યાકરણ તથા પદ્યબંધો અને સાહિત્યસ્વરૂપો વિસ્તૃત અવતરણો આપીને શાસ્ત્રીયતાથી સમજાવવાનો સમર્થ પ્રયત્ન કર્યો છે. લેખકે 'કવિચરિત'-ભા. ૨માં સં. ૧૬૨૪ થી સં. ૧૭૧૬ સુધીના નાના મોટા બધા જ ગુજરાતી કવિઓ અને તેમની કૃતિઓ વિશે સંશોધન કરી સારી માહિતી પૂરી પાડી છે. તેમના સંશોધનવિષયક લેખસંગ્રહો 'અક્ષર અને શબ્દ', 'અનુશીલન' અને ‘સંશોધનને માર્ગે’-એ ત્રણેમાં મળીને ભાષા-છંદ-વ્યાકરણના, લિપિ-જોડણીના, સાહિત્યિક-સાંસ્કૃતિક ઇતિહાસના અને પુરાતત્ત્વના કુલ ૭૬ લેખો સંઘરાયા છે. વિષયની રજૂઆત, ચર્ચા અને સ્વતંત્ર વિધાનોનાં ઉમેરણોમાં તેમના અભ્યાસની વ્યાપકતા અને તેમની પ્રગલ્ભ વિચારકતા દેખાય છે. ‘અખો-એક અધ્યયન’ની જેમ તેમના બીજા સંશોધનાત્મક ગ્રંથ ‘પુરાણોમાં ગુજરાત'માં પણ શ્રી. ઉમાશંકરનો વિષયનો ઊંડો અભિનિવેશ ધ્યાન ખેંચે છે. ‘સ્કંદપુરાણ’ અને ‘મહાભારત'ને મુખ્ય આધાર તરીકે રાખીને સંસ્કૃત, જૈન અને બૌદ્ધ ભાષાસાહિત્ય તથા પરદેશી મુસાફરોનાં વર્ણનો, પ્રાચીન શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ ઇત્યાદિની સહાય લઈને ગુજરાતની પ્રાચીન ભૌગોલિક સામગ્રીનો આ ગ્રંથ તેમણે તૈયાર કર્યો છે. એમાં દેખાતી શ્રી. ઉમાશંકરની શાસ્ત્રપૂત દૃષ્ટિ અને નિર્ણાયકશક્તિ તેમને ઉચ્ચ કોટિના સંશોધક અને પુરાતત્ત્વશૉખીન ઠરાવે છે. શ્રી. પ્રસન્ન વકીલે પીએચ. ડી.ની ડીગ્રી માટે તૈયાર કરેલો ‘પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ' વિશેનો મહાનિબંધ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓ ઉપર નરસિંહરાવથી ચાલેલી સાઠમારીનો અંત આણે છે. એમાં લેખકને તેમના સર્વ પુરોગામીઓની ચર્ચાઓ ને સંશોધનોનો લાભ મળે છે. અનેક પ્રમાણો આપીને, બંને પક્ષનાં સબળ-દુર્બળ વિધાનો યથાતથ રજૂ કરી યોગ્ય દલીલોથી તેમનું પુરસ્કરણ કે નિરસન કરી શ્રી. વકીલે પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ તારવી આપી છે. તર્કશુદ્ધિ, શાસ્ત્રીય તટસ્થતા, સુવ્યવસ્થા અને વિશદ છણાવટ આ પુસ્તકના મુખ્ય ગુણો છે. શ્રી વિજયરાય વૈદ્યકૃત 'લીલાં સૂકાં પાન' 'કૌમુદીસેવકગણ'ના ઠીંગરાયેલ સ્વપ્નના તેજરવી અવશેષરૂપ છે. નર્મદયુગનાં પ્રેરક બળો અને પ્રવાહોનો અભ્યાસ કરનારને વિરલ અને પ્રમાણભૂત સામગ્રી ઉપરાંત તે જમાનાની સિદ્ધિઓને માપવાનુ સ્થિર, નીતરેલું ધોરણ એમાં મળી રહે તેમ છે. સ્વ. મેઘાણીએ દટાઈ જતા કંઠસ્થ ચારણી સાહિત્યને પ્રકાશમાં આણવાના હેતુથી ચારણ પ્રજા અને તેણે સર્જેલા લોકસાહિત્યનો વિસ્તૃત પરિચય તેની સ્પષ્ટ મૂલવણી સહિત 'ચારણો અને ચારણી સાહિત્ય'માં કરાવ્યો છે. સ્વ. રામલાલ મોદીની 'ભાલણ, ઉદ્ધવ અને ભીમ' તથા દી. બ. કૃષ્ણલાલ ઝવેરીની 'ગુજરાતીઓએ લખેલા ફારસી ગ્રંથો,’ એ બંને પુસ્તિકાઓ તેના કર્તાઓના પ્રિય વિષયોનું મહત્વનું સંશોધન પૂરું પાડે છે. વિવિધ વાચનાઓ અને પ્રચલિત પાઠોની ઐતિહાસિક તેમજ તાત્ત્વિક તુલના દ્વારા કરેલું હસ્તપ્રતોનું શાસ્ત્રીય સંપાદન, વિસ્તૃત અભ્યાસપૂર્ણ ઉપોદ્ઘાતો અને ટિપ્પણો વગેરેથી મંડિત શ્રી. સાંડેસરાસંપાદિત 'કર્પૂરમંજરી, 'વસુદેવહિન્ડી,' ‘પંચતંત્ર' અને ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યો,' શાસ્ત્રીજી-સંપાદિત 'મહાભારત-ગ્રંથ ૪ અને ૭,' 'હંસાઉલી’ પ્રૉ.કાન્તિલાલ વ્યાસસંપાદિત ‘વસંતવિલાસ’ અને શ્રી ઉમાશંકર-સંપાદિત 'ક્લાન્ત કવિ' આ દાયકાન ગણનાપાત્ર સંપાદનો છે. એમાંથી ‘કર્પૂરમંજરી' સં. ૧૬૦૫માં મતિસાર નામના કવિએ દુહા અને ચોપાઈમાં રચેલું ૪૧૧ પંકિતનું સામાન્ય કથાકાવ્ય છે. પણ તેની ખરી ઉપયોગિતા તેમાં સચવાઈ રહેલી ગુજરાતીની બીજી ભૂમિકાના અંતિમકાળની ભાષાને લીધે છે. જૈન પુરાણકથા તથા શુદ્ધ લોકવાર્તાની ભારોભાર સામગ્રી રજૂ કરતી, તત્કાલીન સમાજ સંસ્કૃતિના અભ્યાસ માટે ઘણી માહિતી પૂરી પાડતી, અલંકારમય અને સમાસપ્રચુર વર્ણનથી ખચિત 'વસુદેવહિ'ડી-ભા. ૧'ની પદ્યધકથા આર્ય પ્રાકૃતમાં લખાયેલ જૈન કથાગ્રંથના પ્રથમ ખંડનો ગુજરાતી અનુવાદ છે. મૂળ ગ્રંથ વચ્ચે વચ્ચે તૂટક હોવાને લીધે તેમાં સંપાદકની નિર્ણાયક અનુમાનબુદ્ધિને સારી પેઠે શ્રમ લેવા પડ્યો છે. શાસ્ત્રીય પદ્ધતિએ 'પંચતંત્ર'ની સર્વ પાઠપરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ કરીને તેનું સાંગોપાંગ પ્રમાણભૂત સંસ્કરણ તૈયાર કરવાનો અને તેની સાથે મુખ્ય તેમજ વધારાની સઘળી નાની મોટી કથાઓનો શિષ્ટ અને પ્રૌઢ ગુજરાતી ભાષામાં યથાર્થ અનુવાદ આપવાનો પુરુર્ષાર્થ કરનાર સાંડેસરા પહેલા જ વિદ્વાન છે. ‘પંચતંત્ર'ની આટલી સંપૂર્ણ અને સર્વગ્રાહી સંપાદના હિંદભરમાં થઈ નથી; એટલું જ નહિ જગતભરમાં પણ ‘પંચતંત્ર'નું પુનર્ઘટન કરનાર ડૉ. એગર્ટન અને ‘તંત્રાખ્યાયિકા'ના સંપાદક ડૉ. હર્ટલના તે પ્રકારના પ્રયાસો સિવાય ભાગ્યે જ અન્ય કોઈ કૃતિ આ સંપાદનની તોલે આવી શકે. શ્રી. સાંડેસરાએ આ સમર્થ કૃતિને અંગ્રેજીને બદલે ગુજરાતીમાં ઉતારીને ગુજરાતી ભાષા અને પ્રજા ઉભયનું ગૌરવ વધાર્યું છે. ‘સત્તરમાં શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય'નું સંપાદન પણ શ્રી. સાંડેસરાએ જ કર્યું છે. આ શતક દરમિયાન રચાયેલાં વિવિધ વિષય, પ્રકાર અને શૈલીનાં આઠ ગુજરાતી કાવ્યોનો આ સંગ્રહ ‘પ્રેમપચીશી', ‘માધવાનલકથા', 'હરિલીલામૃત', 'કપિલ મુનિનું આખ્યાન' આદિ આઠ મધ્યકાલીન કૃતિઓને સમાવે છે. ઉપોદ્દઘાતમાંની વિવિધ પ્રતિઓ, કવિઓ ને કૃતિવિષયક માહિતી અને અંતે ‘શબ્દકોશ'માં આપેલ વ્યુત્પત્તિ સહિત શબ્દાર્થો કાવ્યોના અભ્યાસ પૂરતું કીમતી માર્ગદર્શન આપે છે. શ્રી. કેશવરામ શાસ્ત્રીએ મહાભારતનાં જુદાં જુદાં પર્વોને આધારે વિવિધ ગુજરાતી કવિઓએ રચેલાં પદબંધ આખ્યાનોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીને 'મહાભારત'ની ગ્રંથમાળાનો ચોથો અને સાતમો ભાગ આ દાયકામાં પ્રગટ કર્યો છે. આ પ્રકારના સંશોધન-સંપાદનકાર્ય માત્ર બે જ રીતે લાભકારી. એક તો મધ્યકાલીન કવિઓએ મહાભારતના ભવ્ય વસ્તુને ગુજરાતી ભાષામાં ઝીલતાં કેવીક કવિત્વશક્તિ બતાવી છે તેનો તુલનાત્મક તેમ સમય ખ્યાલ મળે તે અને બીજું ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ તે કેટલાક ખૂટતા અંકોડા પૂરા પાડે એ. અસાઈતના 'હંસાઉલી' કાવ્યનું સંપાદન પણ એમણે જ કર્યું છે. એને અંગે તેમના તરફથી ઉપોદ્દ્ઘાત, ટિપ્પણ આદિ સામગ્રી હજી મળવી બાકી છે. શ્રી. શાસ્ત્રીએ દલપતરામના બૃહત્ કાવ્યસંગ્રહમાંથી રસદૃષ્ટિએ ચૂંટણી કરીને એક નાનો સંગ્રહ પણ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય દ્વારા આ અરસામાં પ્રગટ કર્યો છે. સિધી જૈન ગ્રંથમાલાનાં બે સંપાદનો ‘પઉમસિરીચરિઉ' અને 'જ્ઞાનપંચમી કથા' પ્રધાન સંપાદક-સંચાલક મુનિશ્રી જિનવિજયજીની પ્રેરણાથી ભારતીય વિદ્યાભવન અંતર્ગત સિંધી જૈનશાસ્ત્રશિક્ષાપીઠ તરફથી આ દાયકે પ્રકાશન પામેલ છે. બંને ગ્રંથોને મુનિજીની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાનો લાભ મળ્યો છે. એમાંનું પહેલું કવિ ધાહિલનું રચેલું અપભ્રંશ ભાષાનું મહાકાવ્ય છે અને બીજું મહેશ્વરસૂરિકૃત પ્રકૃતભાષાનું કાવ્ય છે. ‘પઉમસિરીચરિઉ' ચાર સંધિનું, કુલ ૬૬ કડવકનું બનેલું અદ્ભુતરસિક કથાનકવાળું મહાકાવ્ય છે. એના સંપાદકો અધ્યા. મધુસૂદન મોદી અને અધ્યા. હરિવલ્લભ ભાયાણી અપભ્રંશ ભાષાના જાણકાર પંડિતો છે. તાડપત્રની ઘણી અશુદ્ધિવાળી અને લહિયાની સમકાલીન ભાષાની છાપવાળી એક જ પોથી ઉપરથી આ ગ્રંથનું સંપાદન તૈયાર થયાથી તેમાં ઘણે સ્થળે દુર્બોધતા રહી છે. પરંતુ એકંદરે સંપાદકોનો પરિશ્રમ તેમાં સફળ થયો છે. કાવ્યનું વ્યાકરણ, છંદોની શાસ્ત્રીય છણાવટ, ઉત્તમ અભ્યાસની પારાશીશીરૂપ ટિપ્પણ, ભાષા પરત્વે કેટલીક પ્રચલિત માન્યતાઓનું શાસ્ત્રીયપણે થયેલું ખંડન આ ગ્રંથના સંપાદનની વિશિષ્ટતાઓ છે. બીજું 'જ્ઞાનપંચમી કથા' જૈન ધર્મના લાક્ષણિક રંગો દાખવતી દશ કથાઓનું અધ્યા. અમૃતલાલ ગોપાણીએ ત્રણ હાથપ્રતો પરથી કરેલું સંપાદન છે. એમાં પ્રાકૃત ભાષાની લગભગ ૨૦૦૦ ગાથાઓ ગૂંથવામાં આવી છે. કાવ્ય મુખ્યત્: બોધપ્રધાન છે અને એમાં રસનું તત્ત્વ ઘણું ઓછું છે, છતાં તેના કવિને અલંકાર, નીતિશૃંગાર અને વ્યવહારચાતુરીનો સારો અભ્યાસ હોવો જોઈએ. સંપાદકની ગ્રંથારંભે મૂકેલી ૪૪ પાનાંની પ્રસ્તાવના કથાસાહિત્યના અભ્યાસ માટે અગત્યની છે. વિવિધ સંતોની પરંપરાપ્રાપ્ત વાણીને ગામેગામ ફરીને સ્વ. મેઘાણીએ લોકમુખેથી સાંભળીને તેમનાં ભજનોનો મોટો જથ્થો એકઠો કરેલ, તેમાંથી નાનામોટા પચીસેક ભજનિકોની કુલ્લે ૧૦૩ કૃતિઓને 'સોરઠી સંતવાણી'માં પ્રથમ વાર ગ્રંથસ્થ કરવામાં આવી છે. સ્વ. મેઘાણીએ પ્રત્યેક ભજનના શબ્દપાઠને ખૂબ કાળજીપૂર્વક પસંદ કરીને-મઠારીને દરેકના અર્થ બેસાડવાનો સફળ પ્રયાસ કરેલ છે. આ સાથે ભારતીય ભક્તિપ્રવાહનું અવલોકન કરીને તેમાં સોરઠી સંતોનાં આ ભજનોનું સ્થાન સમજાવતો અને સતકબીરિયા પંથના પ્રવર્તક ગણાતા ભાણસાહેબથી માંડીને 'દાસી જીવણ' તરીકે જાણીતા થએલ જીવણદાસજી પર્યંત વિસ્તરેલ સંત પરંપરાનાં જીવન અને કવન વિશે અતિ મૂલ્યવાન માહિતી આપતો પ્રવેશક જોડવામાં આવ્યો છે, જે ગુજરાતી ભજનસાહિત્યના ઇતિહાસની પુરવણીની ગરજ સારે તેમ છે. આ જ સંપાદક ૧૬૪ દુહા, દીન દરવેશના ૯ કુંડલિયા અને ‘બાજંદા'ની ૯ કડીઓ સમાવતી ‘સોરઠિયા દુહા' નામની પુસ્તિકાનું પણ સંપાદન આ અરસામાં પ્રગટ કર્યું છે. માત્ર બે જ લીટીમાં વીર, શૃંગાર ને કરુણ જેવા રસોને વેધકતાથી વહાવતા અને નીતિબોધ, વ્યવહાર-શીખ કે અનુભવવેણ સચોટતાથી રજૂ કરતા દુહાની શક્તિ વિશે ઊંચો ખ્યાલ એ વાંચતાં સહજપણે બંધાઈ જાય છે. આ ઉપરાંત સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય તરફથી 'છોટમની વાણી', 'ભક્ત સૂરદાસનાં પદો', 'ધીરા ભગતનાં પદો’, ‘ભોજા ભગતના ચાબખા', ‘નરસિંહ અને મીરાંનાં પદો', ઈ. પુસ્તિકાઓ પ્રાચીન કવિઓની વાણી સુલભ થાય અને જનભોગ્ય બને એ હેતુથી દાયકા દરમિયાન પ્રગટ થઈ છે. પ્રૉ. કાન્તિલાલ વ્યાસનું ‘વસંતવિલાસ'નું અંગ્રેજી સંપાદન તેમાંની મૂલ્યવાન પ્રસ્તાવનાએ અને ટિપ્પણોની ઉપયોગિતાએ નોંધપાત્ર છે. તેમાંની કેટલીક વાચનાઓ અશુદ્ધ અને અસંગત રહી હોવા છતાં વ્યાકરણ, ભાષા અને રસદૃષ્ટિએ તેમણે કાવ્યનું સુંદર વિવેચન કર્યું છે. સત્તરમી સદીની ગુજરાતી ચિત્રકલા ઉપર પ્રકાશ પાડતા 'દશાવતારચિત્ર' વિષયક સંશોધન-પુસ્તિકા અને ‘ગુજરાતી ભાષા-શાસ્ત્રના વિકાસની રૂપરેખા' વિશેને શાસ્ત્રીય નિબંધ પણ આ દાયકામાં જ તેમના તરફથી મળેલ છે. મધ્યકાલીન કવિતાનાં અન્ય સંપાદનોમાં કુ. ચૈતન્યબાલા દીવાનજીનું ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી', પ્રૉ. મનસુખલાલનું 'દશમસ્કંધ' અ. ૧-૨૫ 'સસ્તું સાહિત્ય' પ્રકાશિત 'નરસિંહ અને મીરાં' અને શ્રી. જેઠાલાલ ત્રિવેદીનું 'ભાલણનાં પદો' ઉલ્લેખપાત્ર છે. ‘કાન્ત'નાં કાવ્યોને પ્રકાશમાં લાવવાનું કામ જેમ પ્રૉ. પાઠકે કર્યું તેમ 'ફૂલાન્ત'નાં કાવ્યોને પ્રસિદ્ધિમાં લાવવાનું કાર્ય શ્રી. ઉમાશંકરે બજાવ્યું છે. બાલાશંકરની કેટલીક ઉત્તમ કૃતિઓ, જે ગ્રંથાકારે અપ્રાપ્ય હતી, તેનું આસ્વાદન આ પુસ્તકથી સુલભ બન્યું છે. ‘અર્ધી સદીનો દેશવટો' નામે તેને ઉપોદ્ઘાત ઉમાશંકરનો કવિ 'બાલ' પ્રત્યેનો પ્રેમાદર બતાવે છે. કાવ્યોને સમજવા સંપાદકે 'બાલનંદિની' નામે આપેલી ટીકા તેમની બુદ્ધિચાતુરી અને રસદૃષ્ટિનો ઠીક ખ્યાલ આપે છે. આ ઉપરાંત શ્રી. ચંદ્રશંકર પ્રા. શુકલ સંપાદિત 'પીરામીડની છાયામાં', છે. ઠાકોરસંપાદિત 'આપણી કવિતાસમૃદ્ધિ', પ્રૉ. રાવળ અને સ્વ. નવલરામ ત્રિવેદીસંપાદિત 'બુદ્ધિપ્રકાશ : લેખકસંગ્રહ : ભા. ૧-૨', પ્રૉ. ધીરુભાઈ ઠાકરસંપાદિત 'મણિલાલની વિચારધારા' અને 'મણિલાલના ત્રણ લેખો', ચુનીલાલ શાહ, બચુભાઈ રાવત અને કે. કા. શાસ્ત્રીસંપાદિત 'ગ્રંથ અને ગ્રંથકાર-પુ. ૯', દી. બ. ઝવેરીસંપાદિત 'ગુજરાતની ગઝલો', શ્રી. અંજારિયાસંપાદિત 'કાવ્યસૌરભ', શ્રી. ગુલાબદાસ બ્રોકરસંપાદિત ‘આપણી શ્રેષ્ઠ વાર્તાઓ,’ મધુભાઈ પટેલસંપાદિત 'ગુજરાતનાં લોકગીત', 'કવિતા' માસિકમાં પ્રગટ થયેલાં કાવ્યોમાંથી ચૂંટેલ કાવ્યસંગ્રહ 'ચયનિકા' આદિ વિવિધ દૃષ્ટિ, રુચિ અને પ્રયોજનને અવલંબીને આ દાયકે પ્રસિદ્ધ થયાં છે. ‘સાહિત્ય પરિષદ પ્રમુખોનાં ભાષણો', 'ગુ. સા. પ૦ના તેરમા સંમેલનનો અહેવાલ તથા નિબંધસંગ્રહ', 'ઇતિહાસ સંમેલનઃ નિબંધસંગ્રહ', 'રંગભૂમિ પરિષદ’, ‘રવિવંદના', 'શ્રી. હૈમ સારસ્વતસત્રનો અહેવાલ', 'શ્રી. ગુરુમુખવાણી,' વગેરે પુસ્તકો વિશિષ્ટ સમારંભ નિમિત્તે અધિકારી સંસ્થાઓ અને વ્યક્તિઓની અક્ષરપ્રવૃત્તિના હેવાલ પ્રતીકરૂપ છે એમ કહી શકાય. આ સૌમાં ‘પીરામીડની છાયામાં’ મિસરની પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યની ભરપૂર સામગ્રીએ, સંપાદકની વ્યવસ્થિત યોજના, સંકલના અને અનુવાદકલાએ તથા તેના મૂલ્યવાન વિવરણે કરીને વિશેષે શોભે છે. ‘આપણી કવિતાસમૃદ્ધિ' તેમાંના કાવ્યપસંદગીના ધોરણે નહિ તેટલી તેના ઉપોદ્ઘાત-વિવરણ અને આયોજન પરત્વે મહત્ત્વની ઠરે છે. ‘બુદ્ધિપ્રકાશ; લેખસંગ્રહ' ગુજરાતના જૂના શિષ્ટ સામયિકમાંના વિધવિધ કોટિનાં વિષય અને શૈલીના સત્ત્વશીલ લેખોને ગ્રંથસ્થ કરી આપે છે. 'મણિલાલની વિચારધારા' અને 'મણિલાલના ત્રણ લેખો' ગુજરાતના ઉપેક્ષા પામેલા એક સમર્થ ચિંતકના અભ્યાસપાત્ર છતાં અપ્રાપ્ય બનતા જતા નિબંધોને, અભ્યાસોપેયોગી માહિતી અને દૃષ્ટિ સમેત, સુલભ કરી આપે છે. આ રીતે આ દાયકાના વાઙ્મયને સંશોધન-સંપાદન વિભાગ ઠીક માતબર બન્યો છે એમ કહી શકાય.