ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/વાસણ — રવીન્દ્ર પારેખ
રવીન્દ્ર પારેખ
આ તાંબાનો લોટો
અશોક વસંતરાવ કળવણીકરના સ્મરણાર્થે
ઘરમાં આવેલો.
ઍલ્યુમિનિયમની ડોલ પર નામ છે
બાપુશેઠ ધોંડુશેઠ સોનારનું.
નામ કોતરનારે ધોંડુને બદલે
ઘોડું કોતરી મારેલું,
પણ નામ હતું ને કોતરાઈ ચૂક્યું હતું—
આ કૂકર બાપાની સ્મૃતિમાં વહેંચેલું.
નામ કોતરેલું મગનશેઠ ગણપતશેઠ પારેખ
પણ હાથમાંથી બે-ત્રણ વખત છટકી ગયેલું
એટલે ‘શેઠ’ છુંદાઈ ગયેલા.
કૂકરથી બહેન રિસાયેલી,
નામ આગળ સ્વર્ગસ્થ નો'તું કોતર્યું એટલે.
એ કૂકર ન લઈ ગઈ.
ઘરમાં જ રહ્યું.
પછી તો ઘણું ‘રંધાયું' એમાં!
ને નામ પણ
બાપાના સ્વભાવની જેમ જ તપતું રહ્યું છે.
કાંસાની થાળી કુસુમકાકી વખતે વહેંચેલી.
એય પડી તેવી જ તૂટી ગઈ—
કાકીની જેમ જ!
સસરાની સ્મૃતિમાં ચાંદીની થાળી આપેલી,
શાંતારામ કાવટકરને નામે.
સાસુએ એક થાળી વધારે આપેલી દોહિત્રને
ને એમ બે શાંતારામ ઘરે આવેલા.
પછી તો સાસુ પણ ગઈ
ઘરમાં ચાંદીના પવાલાનો વધારો થયેલો
સ્વ. દ્વારકાબાઈ શાંતારામ કાવટકર નામ
હજી તાજું જ છે
તે એટલા માટે કે મારી પત્ની એમાં
પાણી નથી પીવા દેતી!
ચાંદી છે, ઘસાય તો ખરી જ ને!
આ પિત્તળનો વાટકો મારા મિત્રે વહેંચેલો—
તેનો દીકરો નદીમાં ડૂબી ગયેલો તેની યાદમાં—
નામ કોતરનારે ચિ. ચિંતનના સ્મરણાર્થે
કોતરી મારેલું.
પણ થાય શું?
નામ હતું ને ચિરંજીવી કોતરાઈ ચૂક્યું હતું.
એ આપતી વખતે ભાભીનું કાળજું ચિરાયેલું.
રોજ એ વાટકો વીંછળાય છે,
પણ પેલાં આંસુ ધોવાતાં નથી.
વાસણો એટલાં વપરાયાં છે કે
હવે તો નામોયે માંડ વંચાય છે.
એમ લાગે છે જાણે મારું ઘર
ભંગારની દુકાન છે.
મારા ઘરમાં એક્કે વાસણ નામ વગરનું નથી.
જોકે એક વાસણ હજી કંસારાની દુકાનમાં છે,
મારે ત્યાં આવવાની ઉતાવળ કરતું!
ઇચ્છા તો એવી છે કે મારું નામ
એના પર જોઈને જાઉં,
નામ કોતરતા કંસારાનો હાથ
દુકાનેથી જ
મારા પર ફરતો હોય તેવા અવાજે
હું ચમકું છું!
ને એકાએક—
વાસણ થવા લાગું છું...
‘આ તાંબાનો લોટો...'
કવિ અભરાઈ પરથી કળશિયો ઉતારે છે, અને આપણને પીળેરી ઝાંયવાળો રાતો રણકાર સંભળાય છે. અશોક વસંતરાવ કળવણીકરના જીવનમાં સ્મરણીય કશું નહીં હોય, માટે તેમના સ્મરણાર્થે લોટો મોકલવો પડ્યો. તેઓ પોતાની પાછળ બે જ જણસ મૂકતા ગયા હશે — એક ફોટો અને બીજો લોટો. ‘અરે, આ તો આપણો અશોક !’ એવો કોઈ ઉમળકો કવિને થતો નથી. અશોક કોણ હતો એ કહેવા સારુ અરધી પંક્તિ પણ ફાળવી નથી. બાપુશેઠ ધોંડુશેઠ ‘સોનાર' ખરા, પણ ડોલ ઍલ્યુમિનિયમની! ‘શેઠ'ને બેવડાવીને કવિએ મૂછમાં બે વાર હસી લીધું છે. સરતચૂકથી ‘ઘોડું' કોતરાયું હશે, પણ કાવ્યમાં એનો ઉલ્લેખ સરતચૂકથી નથી થયો. પ્રસિદ્ધિના ગાજરની પાછળ દોડતા ધોંડુને કવિએ ‘ઘોડું' કહ્યો છે. દેલવાડાનાં દહેરાં રચનારનું નામ ક્યાંય વંચાતું નથી પણ પચાસ રૂપયડી દેનારનાં નામ પગથિયે પગથિયે કોતરાયાં છે. કવિને પિતા માટે વિશેષ અહોભાવ હોય એવું લાગતું નથી. પિતાનો ઉલ્લેખ ‘બાપ' તરીકે કરે છે, જે વારે વારે તપી જતા. ‘શેઠ'ની કોતરણી ઘસાઈ ગઈ હતી. (આર્થિક સ્થિતિ ઘસાઈ ગઈ હોવાનો સંકેત મળે છે.) પિતાની રમૂજ થઈ શકે તો સસરાની કેમ નહીં? રવીન્દ્રે અન્યત્ર બે શેર કહ્યા હતા:
એને ગઝલથી પ્યાર હતો, કોણ માનશે?
સસરોય સમજદાર હતો, કોણ માનશે?
એણે ગઝલમાં કામ તો ઊંડું કર્યું હતું
ઊંધો કુતુબમિનાર હતો, કોણ માનશે?
સસરાના સ્મરણાર્થે ચાંદીની બે થાળી આવી, એમ કહેવાને બદલે લખે છે, ‘બે શાંતારામ ઘરે આવ્યા.' વ્યક્તિ કહો તો વ્યક્તિ, વાસણ કહો તો વાસણ. ‘પછી તો સાસુ પણ ગઈ. ઘરમાં ચાંદીના પવાલાનો વધારો થયેલો.’ જાણે વાસણવાળીને જૂનાં વસ્ત્ર દીધાં, નવાં પવાલાં લીધા! આપણે કોઠો બનાવી શકીએ :
અશોક = તાંબું
બાપુશેઠ = ઍલ્યુમિનિયમ
કુસુમકાકી = કાંસું
મગનશેઠ = મિશ્ર ધાતુ
શાંતારામ = ચાંદી
દ્વારકાબાઈ = ચાંદી
ચિંતન = પિત્તળ
આ તે સંસાર કે કંસારાબજાર? પત્ની નથી ઇચ્છતી કે પોતાની માનું નામ સાસરિયાંમાં બગડે, એટલે એમના નામવાળા પવાલામાં પાણી પીવા દેતી નથી. પતિ પણ આખરે પતિ છે. પત્નીને પૂછી પૂછીને પાણી પીએ છે. પિયરના પવાલા પર એકાધિકાર જમાવતી પત્ની, કૂકર સારુ કંકાસ કરતી બહેન... ઘેર ઘેર માટીના ચૂલા. નદીમાં ડૂબી ગયેલા ચિંતનના નામ આગળ ‘ચિ.’ લખાઈ ગયું. ચિંતને તરવામાં ભૂલ કરી અને કંસારાએ કોતરવામાં. કેટલાક શબ્દો અતિવપરાશથી અર્થ ગુમાવી બેસે. કંકોતરીને અંતે છપાય, ‘દર્શનાભિલાષી, સ્વર્ગસ્થ...' સ્વર્ગે જવું કોને ન ગમે? પણ સદેહે? ‘ચિ. ચિંતનના સ્મરણાર્થે કોતરી મારેલું. મરેલા ચિંતનના સંદર્ભમાં ‘મારેલું' શબ્દ સુસંગત લાગે છે. વાસણો પર મરાઠી નામો કોતરાયાં હોવાનું કારણ એટલું જ કે સુરતમાં સ્થાયી થયેલા રવીન્દ્ર પારેખ જન્મે મહારાષ્ટ્રિયન છે. ‘મારા ઘરમાં એક્કે વાસણ નામ વગરનું નથી.' કવિ જાણે કહેતા ન હોય, ‘સંસારમાં એક્કે માણસ અમર નથી.' એકાએક કવિને એ વાસણ દેખાય છે જે હજી કંસારાની દુકાને ઝૂલે છે અને જે પોતાના સ્મરણાર્થે ઘેર ઘેર વહેંચાવાનું છે. નામ કોતરતા કંસારાનો હાથ કવિને પોતાની ત્વચા પર ફરતો લાગે છે. વ્યક્તિમાં અને વાસણમાં ઝાઝો ફેર નથી એવું સંકેતો વડે કાવ્યમાં કહેવાયું જ છે. તો પછી ‘હું... એકાએક વાસણ થવા લાગું છું' એવું નર્યું નિવેદન કરવાની શી જરૂર? કીમતી વાસણ જેવું કાવ્ય છેલ્લે છેલ્લે કવિના હાથમાંથી છટકી જાય છે અને તેમાં, ભલે નાનકડો તોય, ગોબો પડે છે. માણસ યાદ રહે છે તેની પાત્રતાથી અને નહીં કે તેની પાછળ વહેંચાતા પાત્રથી.
***