અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/સદ્ગત મોટાભાઈ
૧
અરધીપરધી મ્હોરી હતી આયુષ્યવેલડી,
પડ્યું હિમ અચિંત્યું ને નિશ્ચેતન ઢળી પડી.
હજી તો જામતા’તા જ્યાં હૈયે કોડ જીવ્યા તણા,
ઢોળાયું જિંદગી કેરું પાત્ર ને કૈં ન ર્હૈ મણા.
વિતાવ્યું બાલ્ય લથડી, પડતાં ઊઠંતાં,
કોડે કિશોરવય સ્વપ્ન રૂડાં રચંતાં,
ને યૌવને કંઈ ભગીરથ કીધ યત્ન;
આશા થતી ફલવતી ક્ષણ તો જણાઈ.
આયુષ્યની હતી વસંતબહાર મીઠી,
ઉલ્લાસથી મઘમઘંત હતું જ હૈયું,
ને તોય રે સભર જીવનથાળ ઠેલી
કાં ક્રૂરતાથી મુખ ફેરવી લીધ આડું?
આ સૃષ્ટિની અજબસુંદર લોકલીલા
આશા, હુલાસ, રસ, ઊર્મિ, ગિરા પ્રસન્ન, —
એ સર્વ એક ક્ષણમાં જ તજી સદાનાં
જાનારની મૂંઝવણો લહીશું અમે શે?
૨
અમારે તો રહ્યાં રોણાં; રુદનોથીય ક્રૂર તે
રહ્યું મૃત્યુમીઢું મૌન તમારાં પગલાં જતે.
ના અહીંના પદાર્થોની તમે છો ગણના કરી,
અમારે તો તમારી ર્હૈ રટણા જ ફરી ફરી.
ન્હોતી જગન્નયન આંજતી રૂપશોભા,
ન્હોતી સભાજયિની વાક્પ્રતિભા યશસ્વી,
લોકોત્તર પ્રકૃતિદત્ત હતી જ શક્તિ,
સત્તાપ્રમત્ત વિભવો વળી પદ્મજાના.
એ સર્વ તો અહીં નિરર્ગળ છે ભરેલ,
ને તોય આ પ્રકૃતિનું — વસુધાનું — પાત્ર
જાતાં તમે બની ગયું રસશૂન્ય રંક,
નિઃસત્ત્વશાં થઈ ગયાં સહુ સૃષ્ટિતત્ત્વ!
શોભા ભલે જગની કૈં રચતા પદાર્થ,
શોભા ભલે જગની ના મુજ હો પદાર્થ,
એ મારું તો કિમપિ દ્રવ્ય, અકલ્પ્ય શોભા,
ક્યાં એ હવે અલભ દ્રવ્ય અધન્યનું રે!
૩
આષાઢી આભનો ભેદે વીજળી ઘનમંડપ,
બળતી જળતી તેવી ચિત્તમાં સ્મૃતિવિદ્યુત.
શ્વાસે શ્વાસે રહે જાગી ડંખ અંતરછેદના,
પલકે પલકે ઊંડી ટપકે ગૂઢ વેદના.
ક્યાં મૂર્તિ એ નીરખવી ફરી કાર્યશીલ
એકાગ્ર જે નિયતિદત્ત પ્રવાહધર્મે?
સંતોષી એ મુખની આકૃતિ સુપ્રસન્ન,
ઘૂંટેલ અશ્રુકણશી વળી આંખ આર્દ્ર?
વ્હેતા અબોલ મુખડે અપશબ્દ કોના,
વ્હેતા પ્રસન્નમન સર્વ કુટુમ્બભાર,
સ્હેતા અબોલ હૃદયે અપકાર્ય કોનાં.
વ્હેવું સહેવું બસ એક હતી જ ધૂન.
સંસારની વહી ધુરા પડી કાંધ, વેઠી.
હોમ્યાં સુખો નિજ કરી નિત અન્યચિંતા.
સ્વીકારી આતુર ઉરે વડીલે દીધેલ
સાધ્યો સુકોમલ વયે પટુ કર્મયોગ.
૪
કાળને તે કહીએ શું? જરીકે નવ ચૂકિયો,
પાંચ આંગળીઓમાંથી અંગૂઠે વાઢ મૂકિયો.
પાંડુના પાંચ પુત્રોએ હેમાળે હાડ ગાળિયાં,
રહ્યા’તા ધર્મ છેવાડે, તમે આગળ શે થયા?
છે મૃત્યુ તો પ્રકૃતિ જીવિતમાત્રની, એ
સત્યે ઠરે મન ઘણું; પણ જો વસંતે
પર્ણો ખરે શિશિરમાં ખરવાનું જેને,
તો સત્ય ક્યાં, ઋત કહીં, પ્રકૃતિક્રમો ક્યાં?
ઉલ્લંઘિયા શું મનુજે પ્રકૃતિકર્મો એ?
કે કોઈ દી પ્રકૃતિએય વિલોપી માઝા?
ક્યાંથી અરે મનુજ પે ઊતરે અકસ્માત્?
શાને, કશી વરણી ત્યાં, વળી શા જ ન્યાય?
કોડેથી જીવનલતા મૃદુ સીંચવી કાં,
આકસ્મિક પ્રલય જો નિરમેલ એનો?
કે અંધ શું નિયતિને શિર નામી ર્હેવું.
જ્યાંથી સ્રવે અકલ શક્તિ ભર્યાં અકસ્માત્?
૫
નિયતિ, નિયતિ, એક ઋત તું, વર સત્ય તું,
વિશ્વે જે છે નથી તે કૈં, હું ન, છે એકમાત્ર તું
કાળમીંઢ અંધ ભિત્તિ, નિયતિ ઊભજે ભલે!
અફાળી શિર સિંચાવું રક્તથી મનુજે ભલે!
છે મૃત્યુ જો અફર સત્ય, વૃથાશ્રુ શાને?
શાને વિલાપ, કકળાટ, અરણ્યરોણાં?
જે કૈં પડે, નિયતિને શિર નામી સ્હેવું,
રે તોય ક્યાંયથી અનર્ગળ અશ્રુ વ્હેતાં.
ના અન્યથા હતું બની શકવાનું કાંઈ,
તો અન્યથા ચહી વૃથા વખ ઘોળવાં કાં?
ને તોય તે અગનથી કકળી જ ઊઠી
આ આયખાભરની આંતરડી અમારે.
ભેટીશું અન્ય ભવમાં, વધુ રમ્ય લોકે —
એ ઇન્દ્રજાળ મહીં તત્ત્વની કૈં ન શ્રદ્ધા.
આયુષ્ય અલ્પ હતું, સ્નેહ ન અલ્પ ભાઈ!
આયુષ્ય અલ્પની ગયા મૂકી એ કમાઈ.
કમાઈ એ ગયા મૂકી: ઉરની મૂક ભાવના,
શતકંઠે બજી ઊઠી જે મૃત્યુ તણી મીંડમાં.
મુંબઈ, માર્ચ ૧૯૩૮