રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પ્રકીર્ણ સાહિત્યલેખન
‘પ્રસ્થાન’ધર્મી પાઠકસાહેબ :
પ્રકીર્ણ સાહિત્યલેખન, અનુવાદ અને સંપાદનકર્મ
પ્રકીર્ણ સાહિત્યલેખન :
રામનારાયણની સાહિત્યિક પ્રતિભા કેવળ લલિત સાહિત્યના સર્જનવિવેચનમાં રમમાણ રહી નથી. એ પ્રતિભાને લલિતેતર સાહિત્યમાંયે વિહરવું ગમ્યું છે. રામનારાયણે ‘લૉજિક’ અને ‘ફિલોસોફી’ સાથે બી. એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરેલી. એમને તત્ત્વ અને તર્ક પ્રત્યે અભિરુચિ ને એનું યત્કિંચિત્ અધ્યયન પણ હતું. એમની તત્ત્વનિષ્ઠા તત્ત્વવિચાર ને તત્ત્વાભિવ્યક્તિ સુધી ન વિસ્તરે તો જ નવાઈ. એમને તત્ત્વનિષ્ઠ અભિવ્યક્તિના અનુસંધાનમાં ભાષાના તાર્કિક બંધારણમાં રસ પડે એ સમજી શકાય એવું છે. વળી રામનારાયણ ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રસેવાના – રાષ્ટ્રીય કેળવણીની કાર્યમાં જોડાયા તે એક મિશનરીના ઉત્સાહથી. જે વિષયનું અધ્યાપન થાય તેની બરોબર તૈયારી, તે વિષયની પરિભાષા આદિની ચોકસાઈ — આ બધુંયે સ્વાભાવિક ધર્મબુદ્ધિથી જ અપેક્ષિત હતું. રામનારાયણની અધ્યાપક તરીકેની કર્તવ્યનિષ્ઠાનાં અનેક રમણીય ફળો વ્યાપક અર્થમાં સાહિત્યના ક્ષેત્રે પ્રાપ્ત થયાં. તેમાંનું એક તે ‘પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા’. આ એમને સૌથી પહેલો ગ્રંથ છે. એ તેઓ લખે છે તેમ ‘રાષ્ટ્રીય કેળવણીની પ્રવૃત્તિનું એક નાનુંસૂનું પરિણામ’[1] છે. રામનારાયણ માને છે કે ‘જે જે શાસ્ત્રો આપણા દેશમાં વિકાસ પામેલાં હોય તે શાસ્ત્રોનો અભ્યાસ આપણી પ્રણાલિકાએ અને આપણી ભાષા દ્વારા જ પ્રથમ કરવો જોઈએ; અને તેમાં પશ્ચિમે કરેલી વિશિષ્ટ પ્રગતિનો આપણાં શાસ્ત્રો સાથે સમન્વય કરવો જોઈએ.’[2] આ પુસ્તક એ મંતવ્યથી પ્રેરાઈને લખાયેલું છે તે સ્પષ્ટ છે. તેઓ તત્ત્વજ્ઞાન, કાવ્યશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર જેવા વિષયોમાં ભારતીય વિચારકોની જે મહાન દેણગી છે તેને પૂરો લાભ કેળવણી દ્વારા ઉઠાવાય એને ઇષ્ટ લેખે છે. આ સંદર્ભમાં તેમણે અધ્યાપનની કારકિર્દીના આરંભે માતૃભાષા ગુજરાતીમાં પ્રમાણશાસ્ત્રનો ગ્રંથ વિદ્યાર્થીઓને ખ્યાલમાં રાખીને રચ્યો. તેમાં એમની કેળવણીસેવા સાથે રાષ્ટ્રસેવાયે અનુસ્યૂત છે જ. આ ગ્રંથ લખવા માટે રામનારાયણે શિલરનું ‘ફૉર્મલ લૉજિક’, વિલ્હેલ્મ- (Wilhelm)નું ‘ધ પ્રિન્સિપલ્સ ઑફ લૉજિક’, બોઝાંકેવટનું ‘એસેન્શ્યલ્સ ઑફ લૉજિક’, જ્હોનસનનું ‘લૉજિક’, ફાઉલરનું ‘ઇન્ડક્ટિવ લૉજિક’, વેન(Venna)-નું ‘એમ્પિરિકલ લૉજિક’, વેસ્ટવે(Westway)નું ‘સાયન્ટિફિક મૅથડ’, ક્લીટન-(Cieighton)નું ‘એલિમેન્ટ્સ ઑફ લૉજિક’, મિન્ટોનું ‘લૉજિક’ વગેરે પાશ્ચાત્ય ગ્રંથો તથા ‘તર્કભાષા’, ‘તર્કસંગ્રહ’, ‘ન્યાયસૂત્ર’, ‘પ્રમાણનયતત્ત્વાવ-લોકાલંકાર’ જેવા ભારતીય ગ્રંથોનો પણ ઉપયોગ કર્યો છે. તેમણે ‘પૂર્વસૂરિ’ એવા મણિલાલ નભુભાઈના ન્યાયશાસ્ત્રને તેમ અન્ય મરાઠી ગ્રંથોને કામમાં લીધા છે. આ રામનારાયણે ૨૪ પ્રકરણ(+ ઉપસંહાર)માં પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ – એ ત્રણ પ્રમાણોની ચર્ચાવિચારણા કરી છે. વિષયનિર્દેશ પછી, પદ, વાક્ય ઇત્યાદિનાં સ્વરૂપ અને પ્રકારોની; પ્રમાણના પ્રકારોની; પ્રત્યક્ષ અનુમાન તર્ક આદિ વ્યાપારોની; વાદનીતિનીયે સુગમ રીતે, વિદ્યાર્થીઓને અનુકૂળ એવી ભાષારીતિમાં ચર્ચા કરી છે. તેમણે સાહિત્ય, જ્યોતિષ, ખગેળ, સંપત્તિશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ઐતિહાસિક શોધખોળો આદિ અનેક ક્ષેત્રોમાંથી રોચક ઉદાહરણો લઈ વિષયચર્ચાને જીવંત – રસમય બનાવી છે. તેમનો આ ગ્રંથ વસ્તુતઃ તો ગૂજરાત મહાવિદ્યાલયમાં આપેલાં વ્યાખ્યાનો જ છે. એમાં ઉદ્બોધનાત્મક સૂર, શિવલક્ષિતાયે દેખાય છે. ઉપસંહારવાળા પ્રકરણમાં સમાપનના પરિચ્છેદમાં તેઓ આ પ્રમાણશાસ્ત્રના અભ્યાસનું સાર્થક્ય બતાવતાં લખે છે :
“જેમ દરેક જ્ઞાનનું સાર્થક્ય પ્રત્યક્ષ જ્ઞાનમાં છે તેમ આ નિયમો પણ તમે માત્ર બુદ્ધિથી સમજો એમાં તમારા પ્રમાણશાસ્ત્રના જ્ઞાનનું સાર્થક્ય નથી પણ વારંવાર ઉત્સાહથી અને સત્યાગ્રહ બુદ્ધિથી સત્યનું અન્વેષણ કરવામાં એ નિયમોનો ઉપયોગ કરે તેમાં છે. ત્યારે જ એ નિયમોનું ખરું જ્ઞાન તમને થવાનું. એમ નહિ કરે ત્યાં સુધી એ ‘ક્રિયા વિનાનું જ્ઞાન ભારરૂપ છે.’ પ્રમાણશાસ્ત્રથી બુદ્ધિ એકાગ્ર, અલિપ્ત, ક્ષમાશીલ, નિષ્પક્ષપાતી થઈ શકે છે અને એ જ એ વિષયની મહત્તા છે.”
(પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા, પૃ. ૩૨૧-૩૨૨)
રામનારાયણે ગૂજરાત વિદ્યાપીઠમાં થોડોક સમય ગૃહપતિની કામગીરી કરેલી. સંસ્કારી જીવન વિશેના એમના કેટલાક ખ્યાલો નાગર કુલવારસાને લઈ, ગાંધીપ્રભાવને લઈને તેમ સ્વકીય પરિસ્થિતિગત તથા અનુભવગત ચિંતનને લઈને બંધાયા ને વિકસ્યા હોય એ સ્વાભાવિક છે. રામનારાયણને એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ-કિશોરોના જીવનઘડતરમાં સાચો રસ હતો જ અને તદ્નુષંગે જ્યારે જ્યારે એમને અવકાશ કે તક મળ્યાં ત્યારે કંઈક રચનાત્મક પ્રદાન કરવાનો પ્રયત્ન કર્યો જ હતો. ‘નિત્યનો આચાર’ની લેખમાળા પાછળનું એક અગત્યનું કારણ ‘કિશોર’ સામયિક હતું. એ ‘કિશોર’ માટે થઈને આરંભેલી લેખમાળા એમણે પૂરી કરી ગ્રંથાકારે ઈ. સ. ૧૯૪૫માં છપાવી; ૧૯૫૩માં એમણે એની સુધારેલી બીજી આવૃત્તિ કરી.
રામનારાયણને ‘આચાર’ વિશેનો ખ્યાલ રીતભાત (‘મૅનર્સ’) અને શિષ્ટાચાર(‘ઍટિકેટ’)નેય કેટલીક રીતે સ્પર્શે છે. આમ છતાં એ ખ્યાલના કેન્દ્રમાં સમુદાર દૃષ્ટિની ધાર્મિક ભાવના રહેલી છે. ધર્મ-વિષયક ‘વિશ્વાભિમુખ દૃષ્ટિ’[3] –સર્વોદયની દૃષ્ટિએ એમને કિશોરનો ‘નિત્યનો આચાર’ કેવો હોવો ઘટે એ વિશે વિચાર કરવા પ્રેર્યા અને તેનું સુંદર પરિણામ તે આ પુસ્તક. અહીં વ્યક્તિનો સમગ્ર આચાર નહીં, પણ વિકાસની કેડીએ કદમ માંડતા ‘લગભગ બાર અને તેથી વધારે ઉંમરના કિશોરો’ અને યુવાનોને દૈનંદિનીય આચારની ધર્મપૂત વ્યાવહારિક દૃષ્ટિએ સમાયોજના વિચારી છે. આ એવા પ્રકારની વિચારણા છે કે જેમાં કિશોરો-યુવાનના વાલીઓ કે માતાપિતાઓને પણ રસ પડે. આ એ રીતે ‘શિષ્ટાચાર-પોથી’, શિષ્ટાચાર માર્ગદર્શિકા કે અનંતરાય રાવળ કહે છે તેમ ‘સંસ્કારશિક્ષિકા’ છે.
આપણે ત્યાં અંગ્રેજોના આગમન બાદ જે સાંસ્કૃતિક સંઘટ્ટન શરૂ થયું એમાં દેખીતી રીતે અત્રત્ય ને પાશ્ચાત્ય જીવનમૂલ્યોના ફેરવિચાર, સમન્વય ને સંસ્કરણનો પ્રશ્ન મહત્ત્વનો થઈ પડ્યો. એવે તબક્કે આ પ્રકારની સાહિત્યસામગ્રી અત્યંત સમયસરનીને કિંકર્તવ્યમૂઢ થઈ જતાં બાળકો અને એમના વાલીઓને પથદીપિકા તરીકેય યત્કિંચિત્ કામ આવી શકે. આ પુસ્તકમાં લેખકે માનવીય પ્રકૃતિનો—એના અનન્ય એવા વ્યક્તિત્વનો ખ્યાલ પણ દૃષ્ટિ સામે રાખીને સવિવેક કેટલાંક સીધાં જ આચારસૂચન કર્યાં છે. શરૂઆતમાં ધર્મપૂત આચારનિષ્ઠા પ્રત્યેની સજગતા ને સાંસ્કૃતિક આવશ્યકતા સમજાવી બાળકના ઊઠવાથી તે શૌચ, સ્નાન, ભોજન, પહેરવેશ, સ્વચ્છતા, વ્યવસ્થા, શણગાર આદિને લગતી કામગીરી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપ્યું છે. એ પછી જાહેરવર્તાવ કેવો હોવો જોઈએ, યજમાનો–મહેમાનો સાથે કેવી રીતે વર્તાવ કરવો જોઈએ તેનો રામનારાયણે ખ્યાલ આપ્યો છે. રામનારાયણે છેવટે વાતચીતની કળાની પણ છણાવટ કરી છે. તેમણે આ પુસ્તક કિશોરો-યુવાનો પ્રત્યેના ઊંડા સમભાવથી પ્રેરાઈને સરળ ને રોચક શૈલીમાં લખ્યું છે. ઉપદેશકનું મુરબ્બીપણું કે જ્ઞાનીપણું ક્યાંય બાધારૂપ થતું નથી. તેમણે કિશોરો અને યુવાનોને ચમકીલા ઉદાત્ત વિચારોથી આંજવાનો પ્રયત્ન નહીં કરતાં, એ વિચારોને વ્યંજિત કરતા સરળ, વિનમ્ર આચાર-વ્યવહારની જ સ્નેહપૂર્વક હિમાયત કરી છે. એમની આ હિમાયતમાં ઋજુતા, નિખાલસતા, સચ્ચાઈ, સ્પષ્ટતા ને પ્રસન્નતાયે દેખાય છે. કિશોરો ને યુવાનોમાંનો એમનો વિશ્વાસ સુદૃઢ હોઈને, એમના માટે થઈને આવી આચારસંહિતા તૈયાર કરવાનું એમણે પસંદ કર્યું. રામનારાયણના પૂરા વ્યક્તિત્વનો અંદાજ ‘કાવ્યની શક્તિ’ સાથે આવાં પુસ્તકો તૈયાર કરવા પાછળની એમની જે ‘આચારની શક્તિ’ તેનોય ખ્યાલ કરવાથી જ આવી શકશે. તેમણે આ પુસ્તકના અંતમાં વિચારપ્રેરક વાત રજૂ કરતાં લખ્યું છે : “આપણો જમાનો મહાન ફેરફારોનો છે. જૂના રિવાજો તૂટે છે અને નવા તરત રૂઢ થઈ શકતા નથી. સમાજની જૂની એકતા અને વ્યવસ્થા છિન્નભિન્ન થતી જાય છે, અને નવી એકતા અને વ્યવસ્થા હજી અસ્તિત્વમાં આવી નથી, એવા સમયમાં દરેક વિચારકને માથે શિષ્ટ આચારો કલ્પવા, રચવા અને રૂઢ કરવાની ફરજ આવે છે, અને તે સાથે, વિરુદ્ધ અને અનુચિત આચારો કોઈનામાં હોય તો તેના તરફ તિરસ્કાર કે ટીકાની દૃષ્ટિથી ન જોવાની પણ સાથે સાથે ફરજ આવે છે.” (નિત્યનો આચાર, પૃ. ૧૦૨) રામનારાયણ ઉપર્યુક્ત ફરજના ભાનથી પ્રેરાઈને લખેલી આ પુસ્તિકાનું તેમની સમગ્ર કામગીરીમાં મહત્ત્વનું સ્થાન હોય એ સ્વાભાવિક છે. રામનારાયણે નિત્યના આચારની વાત કરતાં એ આચાર પાછળનું રહસ્ય તો ‘માનવજાતિ માટે ભ્રાતૃભાવ, એકતા, અને સમાજ આખાની સ્વસ્થતા સાચવવી એ જ છે’[4] એ ગ્રથાંતે સ્પષ્ટ કર્યું જ છે. રામનારાયણે આ ઉપરાંત ઇન્ડિયન નૅશનલ થિયેટરના એક પ્રકાશન ‘રાસ અને ગરબા’(૧૯૫૪)માંયે આરંભના એક લેખ ‘રાસ અને ગરબા’ (પૃ ૭-૧૪) પૂરતું ગોવર્ધન પંચાલ સાથે લેખક તરીકે રહેલ છે. એમાં એમના ‘રાસ અને ગરબા’ વિષયક જે અભિપ્રાયો છે તેનો કંઈક અણસાર આ પૂર્વેની એમની સાહિત્યપ્રકારની ચર્ચામાં આવી જાય છે. તેઓ કાવ્ય, ગાન અને નર્તન — આ ત્રિવિધ રીતે એ સાહિત્યપ્રકારનું અધ્યયન કરી, તેનું સવિવેક ધ્વનિમુદ્રણ કરી લેવામાં આવે એમ ઇચ્છે છે.[5] જોકે ‘રાસ અને ગરબા’ ગ્રંથમાં મુખ્ય કર્તૃત્વ ગોવર્ધન પંચાલનું લાગે તો નવાઈ નથી. રામનારાયણે એવા કેટલાક લેખો લખ્યા છે જે હજુ ગ્રંથોમાં લેવાયા ન હોય. જેમ કે ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૯૫૬ની સાલના અંકોમાં પ્રસિદ્ધ થયેલી, રામનારાયણે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને અધ્યાપકની હેસિયતથી લખેલી નોંધરૂપ ‘કાવ્યશાસ્ત્ર’ અને ‘આનંદમીમાંસા’ વિષયક બે લેખમાળાઓ ખાસ નિર્દેશવી જોઈએ. એવા બીજાયે લેખો ‘ગુજરાતી નાટ્ય’, ‘યુગધર્મ’ વગેરેમાં છે. વળી તેમણે ‘પુરાતત્ત્વ’માંયે ચાણક્યના અર્થશાસ્ત્ર વિષયક કેટલુંક ઉપયોગી લખાણ આપ્યું છે. ‘આર્યવિદ્યા વ્યાખ્યાનમાળા’-(૧૯૨૨)માં રામનારાયણે ચાણક્ય કૌટિલ્ય પર એક દીર્ઘ વ્યાખ્યાનલેખ (પૃ. ૪૧-૧૦૫) આપ્યો છે, જે કાવ્યેતર વિષયોમાંની એમની રસવૃત્તિ ને વિચારગતિને રમણીય પરિચય આપી રહે છે. આ પ્રકારના લેખો પાછળ રામનારાયણની ભારત પ્રત્યેની ઊંડી સંસ્કૃતિપ્રીતિ જ દૃષ્ટિગોચર થાય છે. ‘દરેક પ્રજાને ભૂતકાળનો અવાજ સાંભળવાને સુકર્ણ જોઈએ જ’[6]ને રામનારાયણે પ્રસંગ આવ્યે એવું સુકર્ણ-કર્મ પણ પૂરી જવાબદારીથી અદા કર્યું જણાય છે. તેમણે ચાણક્યના જીવન-કાર્યને ઉચિત સંસ્કૃતિસંદર્ભ આપીને સમજવા-સમજાવવાનો સ્તુત્ય પુરુષાર્થ કર્યો છે. તેમણે એ માટે ભારતીય તેમ ગ્રીક વગેરે ઇતિહાસોમાંથીયે ઉપલબ્ધ પ્રમાણોનો રસપ્રદ રીતે વિનિયોગ કર્યો છે. ખાસ કરીને ચાણક્યની અર્થશાસ્ત્ર-વિચારણાની તેની પરિભાષામાં જ વિગતે સમીક્ષા કરી, મૅકિયાવેલીથી ચાણક્યને તેઓ ઊંચું સ્થાન નિઃસંકોચ આપે છે. તેની પ્રગતિશીલતા, દૂરદર્શિતા તથા ધર્મપરાયણતાને નીતિનિષ્ઠાયે બરોબર બતાવે છે.