રચનાવલી/૬૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૩. સ્વવાચકની શોધ (રાજેન્દ્ર શુકલ)


ગુજરાતી મુશાયરાઓમાં ચિનુ મોદી, મનોજ ખંડેરિયા, મનહર મોદી જેવા આધુનિક ગઝલકારોના અવાજ વચ્ચે મંચ પરથી ઘેરો ઘૂંટાયેલો અવાજ રજૂ થાય ત્યારે એ અચૂક રાજેન્દ્ર શુક્લનો હોય છે, એમ જાણકારો જાણી જાય છે. અને જાણકારો એ ય જાણે છે કે પર્સિયન સુન્દરી જેવી ગઝલને શુદ્ધ ભારતીય સન્નારીનો માત્ર લિબાસ નહીં પણ મિજાજ બક્ષનાર પણ આ જ ગઝલકાર છે. રાજેન્દ્ર શુક્લ જૂનાગઢના છે. જૂનાગઢે ત્રણ જુદા જુદા મિજાજનો ગઝલકારો આપ્યા છે. જવાહર બક્ષીનો સત્વ ઘૂંટતો અવાજ છે. મનોજ ખંડેરિયાનો સ્વત્વ ઘૂંટતો અવાજ છે, જ્યારે રાજેન્દ્ર શુક્લનો તત્ત્વ ઘૂંટતો અવાજ છે. ત્રણેય શાયરોને ગિરનારની ધૂણી તો લાગેલી જ છે. પણ રાજેન્દ્ર શુક્લની ધૂણી ઉપનિષદકાળનાં અરણ્ય અને ગુફા સુધી પહોંચેલી છે, અને તેથી તેઓ ગઝલના ઋષિ પણ કહેવાયા છે. રાજેન્દ્ર શુક્લની ગઝલકાર ઉપરાંત એક અચ્છા કવિ તરીકેની પણ ઓળખ છે. ‘કોમલ રિષભ (૧૯૭૦)', અને ‘અંતર ગાંધાર’ (૧૯૮૧) જેવા બે કાવ્યસંગ્રહો એમણે આપ્યા છે; અને ‘સ્વવાચકની શોધ (૧૯૭૨) જેવી તદ્દન જુદા પ્રકારની ૧૪ કટકાઓથી બનેલી એક લાંબી રચના પણ એમણે પ્રકાશિત કરેલી છે. એમની ગઝલોમાં વારંવાર જૂનાગઢના નિવાસી તરીકેની ઓળખનું સુખ છલકે છે, તો ‘સ્વવાચકની શોધ' જેવી લાંબી રચનામાં જૂનાગઢ છોડીને અમદાવાદ જેવા મોટા શહેરમાં આવી પડેલાની ભુસાઈ ગયેલી ઓળખનું દુઃખ ઝળકે છે. પણ આ દુઃખ એમને એમનું એકલાનું રાખવું નથી. સમદુઃખિયાઓમાં વહેંચવું છે લોકામાં વહેંચવું છે. એને લોકોની રોજિંદી જિંદગીનાં કષ્ટો અને રોજિંદા અનુભવમાં મૂકી આપીને દુ:ખનો પણ એમને નવેસરથી પરિચય આપવો છે. અને તે એવી રીતે આપવો છે કે દુઃખ પણ સુખ બની જાય. આ માટે અમદાવાદ જેવા મહાનગરના રસ્તાઓ પર દોડતી બસને રાજેન્દ્ર શુક્લે પસંદ કરી છે. બસ તો મુસાફરીનું સાધન છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું સાધન છે, તો રાજેન્દ્ર શુક્લની ‘સ્વવાચકની શોધ’ જેવી રચનામાં એ મુસાફરીનું સાધન તો બને છે પણ એ મુસાફરી કવિના હ્રદયથી વાચકનાં હૃદય સુધીની છે. કવિના હૃદયથી વાચકના હૃદય સુધી અનુભવ પહોંચાડવામાં બસ સાધન બની છે એટલેકે રાજેન્દ્ર શુક્લે મહાનગરના અને એ મારફતે જીવનના ઊંડા અનુભવને બસ મારફતે, બસના જુદા જુદા અનુભવ મારફતે પહોંચતો કર્યો છે. ‘સ્વવાચકની શોધ’નો અર્થ જ એ છે કે કવિ પોતાની ઓળખની શોધમાં છે. અહીં કુલ ચૌદ કટકાઓ છે, એમાંથી પાંચેક કટકાઓને કવિએ ક્રમ ઉપરાંત શીર્ષક પણ આપ્યાં છે, જ્યારે બાકીના કટકાઓને માત્ર મથી જ ઓળખાવ્યા છે. અહીં દરેક કટકામાં કવિએ પોતાની વાતને રજૂ કરવા માટે બસને નવેસરથી નવા અર્થમાં ગોઠવી છે. પહેલા અને છેલ્લા કટકામાં ભગવાન બુદ્ધની સ્મૃતિ છે પણ એમાં ગંભીરતા સાથે ટીખળનો સૂર મૂક્યો છેઃ ઓછું વપરાતા બસ સ્ટેન્ડના ઘોર નિર્જન બાંકડા, પર મ્યુનિસિપાલિટીના ગુલમહોર વૃક્ષની એક ડાળ નીચે પદ્માસને બેઠેલા કવિની ધ્યાનાવસ્થા એક સૌમ્ય છીંકથી તૂટી જાય છે, એમાં આધુનિક મહાનગરના અસબાબ વચ્ચે ધર્મ કેવો લાચાર બની બેઠો છે એનો કટાક્ષ જોવાય છે. ક્યારેક ત્રણસો પંચોતેર બસથી ઘેરાયેલા નગરમાં તાળી ન પાડી શકાય પણ ચપટી તો વગાડી શકાય છે, એવું કહી મનની નપુંસકતા અને નિષ્ક્રિયતાને કવિએ પડકાર ફેંક્યો છે. નહેરુબ્રિજ થઈને લાલદરવાજા જતી બસ ખોટકાઈને અધવચ્ચે પડી છે તો એ બસમાં પોતે હોવાનો કવિને અનુભવ થાય છે. અહીં એમની ખોટવાયેલી જિંદગીનું પ્રતિબિંબ છે. મહાનગરમાં કવિએ પોતાની ઓળખ ગુમાવી દીધી છે. એ કોઈ ગોઠિયાને ગુમાવવા જેવું કવિને લાગે છે. કહે છેઃ ‘ અરે છેલ્લે પાન પણ ખાધાં હતાં સાથે/ ને બસની રાહ જોતા ઊભા હતા અમે' છેલ્લે કહે છેઃ એનો નાદ, એના સ્વરવ્યંજન, એનો અર્થ/કશું જ યાદ નથી મને કેવળ ઝાંખીપાંખી એક આકૃતિ યાદ છે/ અને યાદ છે ઝાંખપાખું કે અમારું ઘણુબધું સહિયારું હતું' વતન છોડી મહાનગરમાં આવેલા દરેક માણસે પોતાની અંદર રહેલા ગોઠિયાને ગુમાવ્યો હોય છે અને દરદની વાત કવિએ અહીં બસ મારફતે કરી છે. થોભ્યા વિના ચાલી જઈ ભોંઠા પાડતી ચિક્કાર બસનો અનુભવ કોને નથી? કવિ કહે છેઃ રક્તાંબરી કિન્નરી/ સહેજ પણ થંભ્યા વિના સડસડાટ પસાર થઈ જાય છે મહાનગરની ભીડ વચ્ચે થતો એકલતા અને ખાલીપણાનો અનુભવ કવિએ સ્ટેન્ડ, પરની ખાલી બસ, ખાલી બસને ઉપાડવા આવતા ડ્રાઈવર કંડકટરને યાદ કરીને રજૂ કર્યો છેઃ ‘ હમણાં રે ખાકી દેવદૂત આવશે હમણાં રે ખાલી દૂત બે ય આવશે/ હમણાં રે ખાલીપો ખડખડતો રૂડો હાલશે.’ કોઈવાર બસમાં ચડતાં રહી ગયેલી અને આંખમાં વસી ગયેલી સુન્દર સ્ત્રીની વાત આવે છે, તો કોઈવાર નાની સરખી બબાલ આખી બે માળની બસ ચૂકી જવાની પણ વાત આવે છે. બસના દાંડે લટકતા લોકોનો અનુભવ કવિએ કેવો ઝડપ્યો છે! કહે છેઃ ‘લિસ્સું લિસ્સું ચળકતા સળિયા સાથે નિરંતર ઘસાઈ ઘસાઈને ભવિષ્યની બધી જ રેખાઓ/ ભલે ઝાંખી ને ઝાંખી થતી જતી હોય' છેલ્લે કવિએ બસ નિમિત્તે આબાદ રીતે જીવનનાં કષ્ટ સંભાર્યાં છેઃ ચઢતાં કષ્ટ, અવતરતાં કષ્ટ/ કષ્ટ બદલતાં બમણું જવું આવવું, મોડું પડવું/ નંબરના વાચનમાં પડતી ભૂલનું ભોંઠું પડવું સ્ટેન્ડ ઉપર પણ/ લખ ચોરાસી ભ્રાંતિઓની ભીડ' અંતે, બસના જમાનામાં ‘બુદ્ધ' આવે તો બસની ભાષામાં કેવો ઉપદેશ આવે એના ટીખળ સાથે કવિએ આપણને એકદમ ગંભીર બનાવી મૂકયા છેઃ ‘માટે હે મહાજનો, ભિષ્ણુઓ, ભિકખુણીઓ/ જેનો કોઈ જ રૂટ ન હોય/ જેનાં ક્યાંય સ્ટેન્ડ કે ટર્મિનસ ન હો/ જેને કોઈ નંબર કિંવા નામની નિયતિ ન હોય જે સ્વંય બસ જ ન હો/ એવી બસની અર્થાત એવા બસની અલમ્ની ન જોવા જેવી રાહ જેવી એ જ શ્રેય છે.'... ગંભીરપણે પણ હળવા હાથે માવજત પામેલી આ દીર્ઘરચનાએ ગુજરાતી સાહિત્યમાં એક પોતીકી જગા