વાર્તાનું શાસ્ત્ર/વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?

From Ekatra Wiki
Revision as of 02:09, 1 November 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રકરણ ચોથું<br>વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?}} {{Poem2Open}} લોકસાહિત્યના ભંડારમાં વાર્તાઓનો તોટો નથી; અને તે બધીય વાર્તાઓ સુંદર અને સ્વાભાવિક છે. છતાં તે બધીય વાર્તાઓ વાર્તાકથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રકરણ ચોથું
વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?

લોકસાહિત્યના ભંડારમાં વાર્તાઓનો તોટો નથી; અને તે બધીય વાર્તાઓ સુંદર અને સ્વાભાવિક છે. છતાં તે બધીય વાર્તાઓ વાર્તાકથનના કાર્ય માટે જેવા સ્વરૂપમાં આપણે માગીએ છીએ તેવા સ્વરૂપમાં આજે નથી. એકવાર જેવા સ્વરૂપમાં લોકોને વાર્તા ગમતી હતી, તેમને જોઈતી હતી અને તેમના માનને પાત્ર હતી, તેવા જ સ્વરૂપમાં રહેલી વાર્તાઓ આજે પણ આપણને ગમે અને આપણા માનને પામે, એમ માની લેવાની ભૂલ આપણે ન જ કરીએ. વાર્તાના મૂળ પ્રમાણે આંચ ન આવે એવી રીતે વાર્તાની ભાષામાં, રચનામાં અને વસ્તુમાં પ્રગતિના વહેવા સાથે ફેરફારો થયા જ કરે છે. એ ફેરફારોને લીધે જ વાર્તાઓ જૂની છતાં નવા જમાનાઓ સાથે ચાલતી આવેલી છે, અને એવા જ યોગ્ય ફેરફારો થયા કરશે એટલે ભાવિ જમાનાઓ સાથે વર્તમાન વાર્તાઓ ભવિષ્યકાળમાં પેસશે. આજે આપણે આપણી સમક્ષ પડેલી વાર્તાઓ ઉપર નજર નાખીએ તો તેમાં આપણને આપણા કાર્ય માટે કેટલાએક ફેરફારો કરી લેવાની જરૂર જણાશે. કેટલીએક વાર્તાઓ ભાષામાં સુંદર છે તો તેનું વસ્તુ અને તેની રચના ખામીવાળાં છે; કેટલીએક વાર્તાનું વસ્તુ સ્વીકાર્ય છે, તો તેની રચના અને ભાષા ત્યાજ્ય છે; કેટલીએક વાર્તાઓ વળી એવી છે કે જેની રચના ઠીક છે પણ જેની ભાષા અને વસ્તુમાં ઠેકાણું નથી. પ્રત્યેક વાર્તામાં વિશિષ્ટતા છે, પરંતુ પ્રત્યેકમાં સર્વાશે સંપૂર્ણતા નથી. વાર્તા કહેનારે એવી વાર્તાઓ પોતાની જાદુઈ પેટીમાં સંગ્રહવાની છે, કે જેઓ સર્વાંગ- સુંદર હોય. એની ભાષા સાંભળનારને અનુકૂળ છતાં લોકપ્રાણથી ભરેલી જોઈએ, એની રચના સ્વાભાવિક છતાં કલાપૂર્ણ જોઈએ, ને એનું વસ્તુ લોકપ્રિય છતાં સર્વથા નીરોગી અને ઉચ્ચ આદર્શપ્રેરક જોઈએ. આપણી પાસે જે સઘળી વાર્તાઓ છે તેમાંની કેટલીએક વાર્તાઓ કથનશ્રવણના કાર્ય માટે જ આજે જમાનાથી વપરાતી આવી છે. એ વાર્તાઓ કથનશ્રવણમાં જ વપરાતી હોવાથી એનું સ્વરૂપ, એનો આકાર, એનાં રૂપરંગ વગેરે, વાચન માટે જે વાર્તાઓ લખાયેલી છે તેનાથી જુદાં છે. કથનશ્રવણ યોગ્ય વાર્તાઓ વહેતી નદીઓ જેવી છે. એનું વસ્તુ, એની ભાષા અને એની રચના થોડે યા ઘણે અંશે લોકરુચિને અનુકૂળ થતાં જ આવ્યાં છે, જેમ નદીનો પ્રવાહ પોતે જે પ્રદેશમાંથી વહે છે તે પ્રદેશને થોડા યા વધારે અંશે અનુકૂળ વહેતો રહે છે તેમ. જે વાર્તાઓ વાચન માટે લખાયેલી છે તે વાર્તાઓને તળાવો કે સરોવરો સાથે સરખાવી શકાય. એમાં નવીનતાને, પ્રગતિને અને ફેરફારોને અવકાશ નથી. એક કાળે જે રુચિને અનુકૂળ થવા એ વાર્તાઓ લખાયેલી હતી તે જ રુચિને અનુકૂળ થવા એ વાર્તાઓ આજે પોતાનું અસ્તિત્વ ધરાવે છે; નવી રુચિનો તે સ્વીકાર કરતી નથી, નવા યુગને તે ઝીલતી નથી, નવા જીવનનો તેમાં સ્વાભાવિક ઓળો પડતો નથી. વળી જે વાર્તાઓ વહેતી નદીઓ જેવી છે, તે વાર્તાઓના કિનારા એટલા બધા પુરાણા થઈ ગયા છે કે તે પરથી ધૂળ ને રેતી પડી પડીને વાર્તાના અસ્ખલિત પ્રવાહને અનેક ઠેકાણે સ્ખલનયુક્ત કરેલ છે. વળી એ વાર્તાઓના પ્રવાહો હરહંમેશ સામાજિક રુચિના અંકુશ તળે વહેતા હોવાથી જ્યાં જ્યાં સામાજિક રુચિ પ્રાકૃત કે સ્થૂળ થઈ ગયેલ છે ત્યાં ત્યાં પ્રવાહો પ્રાકૃતપણાને પામેલા છે; જ્યાં જ્યાં સમાજરુચિ ઉપર જડતાનાં પડો બંધાઈ ગયાં છે ત્યાં ત્યાં વાર્તાની નદીમાં ક્યાંક ઊંડા ખાડા પડી ગયા છે તો કયાંક મોટા ટેકરા થઈ પડયા છે. આવી જ રીતે જૂની રુચિને દાખવતા વાર્તાના સરોવરમાં પણ લાંબે વખતે ઝાડપાનના કચરાથી અને નકામા છોડોના ઊગી જવાથી તેની નિર્મળતા ઓછી થઈ છે, અને તેથી તેની મૂળ રુચિ મલિન બનેલી છે. આવે વખતે બાળકોને સંભળાવવા યોગ્ય વાર્તાઓને પસંદ કરી તેમને કહેવા યોગ્ય બનાવી લેવાની ખાસ જરૂર પડે છે. બાળવયને પોષે, બાળવિકાસને સહાયરૂપ થાય એવી વાર્તાઓપ્રથમ તો આપણે શોધી કાઢવાની છે, ને ત્યાર પછી આપણે તેમને કહેવાયોગ્ય બનાવવાની છે. જે વાર્તાઓ કથનશ્રવણ માટે જ ચાલતી આવેલી છે તે વાર્તાઓને કહેવા યોગ્ય બનાવવાનું કામ કંઈક સહેલું છે. એવી વાર્તાઓમાં રચનાનો દોષ ઓછામાં ઓછો હોય છે. એવી વાર્તાઓમાં લોકભાષા-ખાસ કરીને મોઢેથી બોલતી ભાષાનું પ્રમાણ વધારે હોય છે ને એમાં જ એની સુંદરતા રહેલી છે. હરહંમેશ તે વાર્તાઓ કહેવા સાંભળવાની ક્રિયામાંથી પસાર થતી હોવાથી તેમાં સ્વાભાવિકતા, સાદાઈ, એકગતિ અને સીધું વહન પૂરા પ્રમાણમાં હોય છે. એ સૌને ગમી ગયેલી છે તેથી તેમાં બનાવોની પરંપરા અને લોકહૃદયનું પ્રતિબિંબ પડેલું છે. છતાં એ વાર્તાઓમાં ફેરફાર કરી લેવાની જરૂર તો છે જ. જ્યાં જ્યાં એ વાર્તાઓ કલારહિત સમાજના હાથમાં આવવાથી તેનો કલાપ્રાણ ખોઈ બેઠેલી છે ત્યાં ત્યાં તેમાં કલા પૂરવાની છે, જ્યાં રચનામાં સમતોલપણું ઓછું થઈ ગયું છે ત્યાં તે ફરી વાર સ્થાપવાનું છે, ને જ્યાં તેના વસ્તુમાં વિકૃતિ આવી ગયેલી છે ત્યાં સંસ્કાર દાખલ કરવાનો છે. આજે આપણે કાને જે જે લોકવાર્તાઓ પડે છે તે લોકવાર્તાઓ આવા દોષોમાં થોડે કે વધારે અંશે સપડાયેલી છે. આપણે તે વાર્તાઓને કહેવા યોગ્ય કરી લેવા માટે કાળજી રાખવાની છે. તેમને જેવી ને તેવી જ સંગ્રહી રાખવાનું કામ પુરાતત્ત્વવેત્તાઓનું છે; વાર્તાકથનકારોનું કામ તો તેમને કહેવા યોગ્ય બનાવી, ભૂતમાંથી વર્તમાનમાં ને ત્યાંથી ભવિષ્યકાળમાં ખેંચી જવાનું છે. જે વાર્તાઓ લખાયેલી છે તે વાર્તાઓને કહેવા યોગ્ય બનાવવામાં એક બીજો પણ પ્રશ્ન છે. આ વાર્તાઓ વાંચનને માટે જ હોવાથી તે જેવી ને તેવી કહી શકાય નહિ. વળી આ વાર્તાઓ સાધારણ રીતે વાંચનાર-વર્ગને માટે લખાયેલી હોવાથી તેની ભાષામાં ખાસ અગર ભણેલ વર્ગની ભાષાનું પ્રાધાન્ય હોય છે. આ વાર્તાઓ સાહિત્યપ્રદેશના ક્ષેત્રોની હોવાથી તેમની રચના સુંદર છતાં વિગતોથી ભરપૂર, ગૂંચવાડા ભરેલી, અને કાવ્ય તથા વર્ણનપ્રધાન હોય છે. આવી વાર્તાઓને કહેવા યોગ્ય વાર્તાઓ બનાવવાનું કામ વધારે મુશ્કેલી ભરેલું છે.

સાંભળવા યોગ્ય અને વાંચવા યોગ્ય વાર્તાઓને કહેવા યોગ્ય વાર્તાઓ કેવી રીતે બનાવી લેવી તેનો વિચાર કરીએ. કહેવા યોગ્ય વાર્તાનું પહેલું અને અતિ આવશ્યક લક્ષણ કથનશૈલી છે. જે રીતે વાર્તાઓ લખેલી હોય છે તે જ રીતે જો કહી સંભળાવવા બેસીએ તો શ્રવણમાં લેશ માત્ર રસ જામે નહિ એવો મારો અનુભવ છે. કહેવા યોગ્ય વાર્તા સંવાદથી, પ્રશ્નથી, વર્ણનથી, અલંકારયુક્ત વાકયપ્રયોગોથી શરૂ થતી નથી; એ તો એની સ્વાભાવિક સાદાઈમાં જ આપણે હોઠે અને સાંભળનારને કાને જઈને બેસે છે; કહેનાર અને સાંભળનાર વચ્ચે હૃદયેહૃદયનો તાર એકદમ સાંધી દે છે. પહેલું જ વાકય વાર્તાના પ્રાણને વ્યકત કરે છે, ને દરેક વાકયે તેનો પ્રાણ ખીલતો ચાલે છે. નથી એમાં ક્ષેપક વર્ણનો આવતાં કે નથી એમાં પાત્રોના આંતર વિચારોની શ્રેણીઓ આવતી. હવે વાંચન યોગ્ય વાર્તાને કથન યોગ્ય કેમ બનાવી શકાય તે નમૂનાથી બતાવીશું. સરસ્વતી નદીના કિનારા ઉપર એક વખત સાંજ પડતી હતી. કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો.” આ વાકય 'કુરબાનીની કથાઓ'માં મૂકેલી બ્રાહ્મણની વાર્તાનું છે. વાર્તાના પ્રમુખ પાત્ર સત્યકામ જાબાલનું નામ વાર્તાની અઢારમી લીટીએ દેખાય છે. જેવી રીતે આ વાર્તા લખવામાં આવી છે, તેવી જ રીતે તે સંભળાવવા બેસીએ તો સત્યકામ જાબાલનું નામ કહેનારના મોં ઉપર આવે તે પહેલાં તો બાળકો વાર્તાશ્રવણને છોડીને રમવા માટે ચાલ્યાં જ જાય. આમાં વાર્તાનો વાંક નથી; વાર્તાનું વસ્તુ અત્યંત મનોહર છે, ને તેથી ય મનોહર તો તેની લેખનશૈલી છે. વાંચવાના પ્રદેશમાં પહોંચેલા વિદ્યાર્થીઓને તો આવી રચના ભારે આનંદદાયક લાગે, એટલું જ નહિ પણ હવે શું આવશે, હવે શું આવશે, તેની રાહમાં ને રાહમાં તેમનો વાર્તા વાંચવાનો વેગ અને ઉત્સાહ વધતાં જ ચાલે. પણ આ જ વાર્તા કહેવી હોય તો એની ઢબ બદલવી જોઈએ. કાં તો આપણે આવી રીતે શરૂઆત કરવી જોઈએ :- "એક હતું વન. એમાં એક હતો આશ્રમ. એમાં એક ઋષિ રહે." અથવા તો આ પ્રમાણે કહેવી જોઈએ :- "એક હતો બ્રાહ્મણનો છોકરો. એનું નામ સત્યકામ જાબાલ. એ એની મા સાથે રહેતો હતો. એને એકવાર બ્રહ્મવિદ્યા ભણવાનો વિચાર થયો..." 'ડોશીમાની વાતો'માંથી 'સોનબાઈની વાર્તા' લઈએ, એને કથન યોગ્ય કરવા માટે તેમાં કેવા કેવા ફેરફાર કરવા પડે તે તપાસીએ. સ્થળસંકોચને લીધે આખી વાર્તા તો નહિ લઈએ પણ તેના થોડાએક ફકરાઓને વાચનના વસ્તુમાંથી કથનનું વસ્તુ બનાવીને મૂકીએ.

સોનબાઈ

(વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો)

સાત ભાઈઓ હતા. સાત ભાઈ વચ્ચે એક જ નાની બહેન. બહેનનું નામ સોનબાઈ. સોનબાઈ એનાં માબાપની બહુ જ માનીતી. સાત ભાઈ પણ એના ઉપર પ્રાણ પાથરે. પણ સાત ભાભીઓથી સોનબાઈના લાડ ખમાતા નહોતા. માબાપ ચાલ્યાં જાત્રા કરવા. દીકરાને બાપ કહે કે, "મારી સોનબાઈને સાચવજો હો?” દીકરા કહે, "હો." સાતે વહુઓને મા કહે કે, "મારી સોનબાઈને કોચવશો મા હો ?" સાતે વહુઓ છાનામાના દાંત ભીંસીને કહે કે, "હો !"

માબાપ ચાલ્યાં ગયાં. નાનો દીકરો સાથે ગયો. મેડી ઉપર બેઠી બેઠી સોનબાઈ ઢીંગલી શણગારતી હતી. શણગારતાં શણગારતાં એક લૂટડું નીચે પડી ગયું. મેડીએ બેઠી બેઠી સોનબાઈ કહે: "ભાભી, ભાભી ! એ લૂગડું દઈ જાઓને !" ભાભી કહે કે, "ઓહોહો, રાજકુંવરીબા ! તમારે પગે કાંઈ મેંદી નથી મેલી. નીચે ઊતરીને લઈ લોને ?" સોનબાઈની આંખમાં પાણી આવ્યાં. એને માબાપ સાંભર્યાં. બીજો દિવસ થયો. છ ભાઈ સવારે ઊઠીને કામે ગયા. ભાભી કહે, "સોનબાઈ ! બેઠાં બેઠાં રોટલા ખાવા નહિ મળે. લ્યો આ બેડું; ભરી આવો પાણી." સોનબાઈ પાણી ભરવા ગઈ. માથેથી બેડું પડી જાય, લૂંગડાં ભીંજાય, ને માર્ગે માણસો મશ્કરી કરે. માંડ માંડ સોનબાઈ બેડું ભરીને ઘેર આવી, ને ગોળામાં પાણી રેડયું. પાછી બીજું બેડું ભરવા ચાલી. ભાભીએ ગોળાને પાણો માર્યો, એટલે નીચેથી ગોળો નંદવાઈ ગયો, ને પાણી બધું ઢોળાઈ ગયું. સોનબાઈ બીજી હેલ ભરીને આવે ત્યાં તો ગોળામાં પાણી ન મળે ! બીજી હેલ રેડીને સોનબાઈ ત્રીજું બેડું ભરવા ચાલી. વળી આવીને જુએ તો ગોળામાં પાણી નહિ. નદીકાંઠે જઈને સોનબાઈ રોવા લાગી. એને રોતી સાંભળીને એક દેડકો એની પાસે આવ્યો. દેડકાએ પૂછયું: “તને શું થયું છે, નાની બહેન?' સોનબાઈ કહે : ભાભીએ ગોળો ફોડી નાખ્યો; પાણી ભરાતું નથી.’” દેડકો સોનબાઈની સાથે એને ઘેર ગયો..

                                    સોનબાઈની વાર્તા
                               (કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો) 

એક હતી સોનબાઈ. એને સાત ભાઈઓ અને સાત ભોજાઈઓ. સાત ભાઈ વચ્ચે સોનબાઈ એક જ બહેન. સોનબાઈ બહેન એટલે તો શી વાત ! સોનબાઈ તો રોજ હિંડોળે બેસે ને ઢીંગલેપોતિયે રમે. રમતાં રમતાં પોતિયું હેઠે પડી જાય તો સોનબાઈ પોતિયું લેવા હેઠે ન ઊતરે પણ ભાભીને કહે: "ભાભી, ભાભી ! મારું પોતિયું આપોને !” ભાભી પોતિયું આપે એટલે સોનબાઈ પાછાં રમવા માંડે. ભાભી મનમાં ખૂબ ખિજાય પણ કરે શું? માબાપ આડે કેમ બોલાય? સોનબાઈ તો રહ્યાં માબાપનાં માનીતાં. એકવાર સોનબાઈનાં માબાપ જાત્રાએ ચાલ્યાં; એની સાથે એના છ ભાઈઓ અને ભોજાઈઓ પણ ચાલી. જતાં જતાં સોનબાઈની માએ નાના ભાઈને કીધું : "ભાઈ, ભાઈ! આપણી સોનબાઈને જીવની ઘોડે સાચવજે." ભાઈ કહે : "હો, બા ! એમાં તે કહેવાનું હોય? સોનબાઈને તો હું મારા જીવ જેમ જાળવીશ. તમે તમારે સુખેથી જાત્રા કરી આવો. તમારે સોનબાઈના ઉચાટ જરા યે ન કરવા." સોનબાઈનાં માબાપ તો જાત્રાએ ગયાં. સોનબાઈ તો હિંડોળે બેસીને ઢગિલેપોતિયે રમે છે. ત્યાં એનું પોતિયું હેઠે પડી ગયું. સોનબાઈ ભાભીને કહે : "ભાભી, ભાભી ! મારું પોતિયું લાવોને?" ભાભી કહે : "લેને તારી મેળાએ! તારા હાથ ભાંગી ગયા છે? હું તે શાની આપું?" સોનબાઈને રોવું આવી ગયું. સોનબાઈ તો જ્યાં હેઠે ઊતરી પોતિયું લેવા જાય ત્યાં ભાભી હિંડોળે બેસી ગઈ ને સોનબાઈને કહે: "એમ ખાવાબાવા નહિ મળે; હવે તો કામ કરવું પડશે. જા, આ બેડું લઈને પાણી ભરવા. આ પાણિયારું આખું ભરી દે, પછી ખાવા માગજે. જોજે જરા ય ઊણું રહેશે તો તારી વાત તું જાણે!" સોનબાઈએ કોઈ દી પાણી ભરેલું નહિ. એણે તો બેડું માથે મૂક્યું, નદીએ ગઈ. પાણી ભર્યું ને બેડું માથે મૂકી રસ્તામાં બેડામાંથી પાણી ઢોળાતું જાય, સોનબાઈનાં લૂગડાં પલળતાં જાય ને સોનબાઈની આંખમાંથી ડળક ડળક આંસું ખરતાં જાય. થાક ખાતી ખાતી માંડ માંડ સોનબાઈ ઘેર આવી.

સોનબાઈ રોતી રોતી સાંકળ ખખડાવીને બોલી : "ભાભી, ભાભી ! બારણાં ઉઘાડોને ?", ભાભી કહે : "આવી કે રાંડ! આટલી બધી વાર કયાં થઈ? જો, રેડ તારા બેડાને પેલા મોટા ગોળામાં. જોજે, ગોળો ફોડતી નહિ.” સોનબાઈએ તો ગોળામાં પાણી રેડયું. ત્યાં તો ભાભી કહે : "લે, ઊભી રહી કાં? જા પાછી નદીએ આખું પાણિયારું ભર્યા પછી હેઠી બેસજે." સોનબાઈ તો રોતી રોતી નદીએ ચાલી. સોનબાઈ નદીએ ગઈ એટલે પાછળથી ભાભીએ ગોળાને પથરો મારીને કાણો કર્યો એટલે એમાંથી બધું ય પાણી ચાલ્યું ગયું. સોનબાઈ તો માંડ માંડ બીજું બેડું ભરીને આવી, ને જ્યાં ગોળામાં પાણી રેડવા જાય ત્યાં ગોળામાં પાણીનું એકે ય ટીપું ન મળે ! સોનબાઈ તો વિચારમાં પડી ગઈ. ત્યાં તો ભાભી ભભકી : "લે! ઊભી ઊભી જો છો શું? એમ કાંઈ એકબે બેડે તે ગોળો ભરવાનો હતો કે? એ ગોળો તો વીશ બેડાંનો છે, વીશ! એમ ઊભાં રહ્યે પાર નહિ આવે." સોનબાઈ તો રોતી રોતી વળી નદીએ ચાલી. વળી પાછું બેડું લાવીને ગોળામાં નાખ્યું; પણ ગોળો ભરાણો નહિ. સોનબાઈને ખબર પડી કે ગોળો તો ભાભીએ ફોડી નાખ્યો છે. પાછી એ તો નદીએ ચાલી. નદીએ જઈને ધ્રુશશે ધ્રુશકે રોવા મંડી. ત્યાં એક દેડકો આવ્યો. દેડકો કહે : "બેન, બેન ! રડે છે શું કામ? તારે તે શું દુ:ખ છે? તારું જે દુઃખ હોય તે કાપું. એકવાર રોતી છાની રહે.” સોનબાઈ કહે : "બાપુ ! મારાં માબાપ જાત્રાએ ગયાં છે; મારો ભાઈ દુકાને ગયો છે ને મારી ભાભી મારી આગળ પાણી ભરાવે છે. ભાભી કહે છે કે ગોળો ભરી દે તો ખાવા આપું. ગોળો તો એણે પથરો મારી કાણો કર્યો છે. એમાં પાણી નાખું છું એમ એમ એ તો નીકળી જાય છે. હવે મારે તે શું કરવું? હું તે કેટલાં બેડાં ભરું?" દેડકો કહે : "રો મા બાપુ! લે હું તારી સાથે આવું ગોળા- ના કાણામાં બેસી જઈશ એટલે ગોળામાંથી પાણી નહિ જાય." સોનબાઈ તો ખુશીખુશી થઈ ગઈ. પછી દેડકો સોનબાઈના બેડામાં બેસીને સોનબાઈને ઘેર ગયો. વળી એક બીજું દષ્ટાંત લઈએ.

                                         ટીડો જોષી
                    ['વસંત'ના સંવત ૧૯૭૫ના માર્ગશીર્ષના અંકમાંથી ઉતારો.]

(વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો) એક બ્રાહ્મણને એકનો એક પુત્ર હતો. ખોટયનું જણ્યું એટલે એનું નામ ટીડો પાડયું હતું; જમણું નસકોરું વિંધાવ્યું હતું; હાથે વળિયાં અને પગે તોડાકડલી તથા તે ઉપર બેડી નકોર સોનાનાં પેરાવતાં. કાલ્ય પ્રાતઃકાળે શું થાય એનો વિશ્વાસ નહિ એવું વિચારીને પિતાએ ટીડો બાળક હતો ત્યાં જ એને સારે ઘેર પરણાવીને લાવો લઈ લીધો; અને બન્યું પણ એમજ કે કુલવધૂનાં કુંકુમ પગલા ઘરમાં નહોતાં થયા ત્યાં તો વૃદ્ધ બ્રાહ્મણે દેહત્યાગ કર્યો. પિતાની વર્ષી વાળ્યા પછી માતાયે ટીડાને, વહુનું આણું વાળવા સાસરે જાવા આજ્ઞા કરી. ટીડો સાબદો થયો, અને દિશાશૂળ, વારશૂળ, યોગિની ઈ.ઈ. વિઘ્ન ન કરે એવી તિથિયે ખાંધે ખડિયો નાખીને પ્રયાણ કર્યું. માતાએ પુત્રને લલાટે ચાંદલો કર્યો, દુઃખડાં લીધાં, સાવધાન રેવાનો બોધ કર્યો અને હાથમાં કોરી આપીને કહ્યું કે, 'ભૂખ્યો થા એટલે આ કોરી ભાંગીને ખાજે.' શકુન સારાં થયાં; કુમારિકા અને ગાયમાતા સામાં મળ્યાં, અને ટીડાની સફળ યાત્રા વિષયે માતાના મનમાં જરાતરા સંદેહ હતો તે ભાંગ્યો. ટીડાને હાલતાં હાલતાં મધ્યાહ્ન થયો અને વીસામો ખાવાનું મન થયું. ત્યાં એક મોટી વાવ્ય આવી. વાવ્ય પાસે એક પ્રચંડ વડ હતો, તેના થડને ફરતો ઓટલો બાંધેલ હતો. વિશાળ છાયા નીચે વણજારાની પોઠય પોરો ખાતી હતી. તેઓયે ટીડાને નોતર્યો. ટીડો ત્યાં રોકાણો, અને જઠરવાસી અગ્નિદેવતાને સંતોષવા ધારે છે ત્યાં માતાના છેલ્લા શબ્દ સ્મરણમાં આવ્યા. ગૂંજામાંથી કોરી કાઢી, કાળમીન પાણકો ગોત્યો ને શિલા ઉપર કોરી ભાંગવા બેઠો. વણજારા વિસ્મય પામતા પૂછે છે કે 'આ તે તેં શું આદર્યું?' ટીડો કહે, 'મારી માયે કહ્યું છે કે ક્ષુધા લાગે એટલે કોરી ભાંગીને ખાજે.' વણજારાએ ઉત્તર દીધો, તારી માયે તો ઠીક કહ્યું પણ તું સમજ્યો નહિ. કોરી ભાંગીને ખાવી એટલે કોરીની કાંઈ વસત લઈને ખાવી. કોરી તારા પાસે ભલે રહી, અમે તને કેરી આપીએ તે ખાઈ લે,' આમ કહીને પોઠયમાંથી કેરી કાઢીને દીધી ને ટીડો ઊભો ઊભો અને ગોટલાં છોતરાં સહિત સ્વાહા કરી ગયો. ટાઢો ઢળ્યો એટલે વણજારાને પ્રણામ કરીને પાછું ચાલવા માંડયું તે દિવસ આથમ્યે સાસરાને ગામ પહોંચ્યો. રાત્રિ વેળાએ છતા થાવાનું યોગ્ય ન લાગ્યું એટલે છાનોમાનો ઓસરીમાં ઘરીને કોઠી વાંસે લપાઈ રહ્યો. અર્ધી રાત્રે જળે થંભ્યાં તે પછી ઘરચર્યા જોવા નીસર્યો. સાસરો ઓસરીમાં સૂતો હતો તેના ખાટલા નીચે ખાંડણિયો હતો; ત્યાં પહેલું ધ્યાન ગયું. ખાંડણિયામાં તેજ દિવસે સાસુયે ફરતા નાગ માટે તલવટ ખાંડયો હતો, અને તલ તથા ગોળની કણી ચારે પાસ ચોંટી હતી. ખાંડણિયાનું મોં પગતું હતું તેમાં માથું નાખીને ટીડો જીભના સપાટા મારી રસાળ પત્થરને ચાટવા માંડયો. સસરો જાગી ઊઠયો ને સાસૂને જગાડીને દિવો કરવા કહ્યું. ટીડો ભાગવા સારુ ખાંડણિયામાં માથું કાઢવા જાય છે ત્યાં તો સલવાઈ રહ્યું ને કેમે કરીને નીકળ્યું નહિ. ભગીરથ જેટલો શ્રમ કર્યો. પરમેશ્વરે લાજ રાખી. માથું નીકળ્યું ને સાસુ દીવો પ્રકટે તે પેલાં ફળિયામાં વહ્યો ગયો ને લાગ આવ્યો એટલે ડેલી ઉઘાડીને બહાર પલાયન કર્યું. રાત્ય બહાર ગામ પીંપળા ઉપર ગાળી ને સવારે સાસરે ગયો. સસરો ગામમાં લોટ ભીખવા નીકળેલ ને સાસુ રોટલા ઘડતી રાંધણિયામાં બેઠેલ. રસોડાની જાળી ઉપર ચડીને ટીડો બિરાજમાન થયો, અને ત્યાં બેઠાં બેઠાં રોટલાના ટપાકા ગણ્યા. પછી ઘરમાં ગયો. સાસુયે જમાઈને આવકાર દીધો. ખાટલી ઢાળી તે ઉપર ચાકળો પાથરી દીધો, પાણી પાયું અને કુશળ સમાચાર પૂછયા. વાતવાતમાં સાસુયે પૂછ્યું, 'કેટલું ભણ્યા છો?' ટીડો કહે, 'ચાર વેદ ભણ્યો છું.' સાસુ ચક્તિ થઈને કહે: 'ઠીક તયેં કહો જોએ કે આજ મેં રોટલા કેટલા ઘડયા? ટીડા જોષીયે સમયનો સદુપયોગ કરેલ એટલે આ પરીક્ષા એને ભારે ન પડી. ભુંગળીમાંથી ટીપણું કાઢી ઉકેલી માથું ખંજોળી તે બોલ્યો, 'પાટી, વતરણું અને જોકી લઈ આવો એટલે હું ગણિત કરીને કહું.' સાસુયે પાટી આણી તે ઉપર વીશ લીટા કર્યા ને કહ્યું કે 'તમે આટલા રોટલા ઘડયા.' સાસુનું સાનંદાશ્ચર્ય માયું નહિ, જમાઈનાં બધે બેમોહડે ગુણગાન કર્યાં. ટીડા જોષીની કીર્તિ સર્વત્ર પ્રસરી ગઈ. એવામાં પડખે કોઈ કણબીનો ઢાંઢો ખોવાણો હતો એની પટલાણી ટીડા પાસે જોષ જોવડાવવા આવી. ટીડો મૂંઝાણો પણ વિહવતા બીજાંને કળાવા ન દીધી, સ્વસ્થતાનો આડંબર રાખ્યો ને વેઢા ઉપર સિંહ કન્યાને રમાડી કરીને બોલ્યો, "હવણા ચોઘડિયું બરાબર છે નહિ, ને મુહૂર્તનો અવયોગ છે, એટલે કાલ્ય સવારે આવજો ને પ્રશ્નનું ઉત્તર લઈ જજો.” લપાટ મારીને મોહડું રાતું તો રાખ્યું પણ આખી રાત્ય નિદ્રા ન આવી. વેલો ઉઠીને નદીયે નાવા ગયો. વિચારમાં ને વિચારમાં ગામ પાસે આરો હતો તે મેલીને બીજે આરે જઈ ચડયો અને શૂન્ય ચિત્તે આમતેમ દૃષ્ટિ ફેરવી ત્યાં તો કીચડ અને કીચડમાં ખુતી ગયેલ બળદ જોયો. ગ્લાનિ તત્કાળ દૂર થઈ અને નિત્યકર્મ કરી પ્રફુલ્લવદને ગામમાં આવ્યો. પટલાણી તો સાસરે માર્ગપ્રતીક્ષા કરતી જ બેઠી હતી તેને કહ્યું કે, 'તમારો ઢાંઢો ઉપરવાસ્ય આરા પાસે કાદવમાં ખુતી ગયો છે તે જઈને લઈ આવો.' જોષીને પ્રતાપે બળદ પાછો આવ્યો સમજી પટલાણી રાજી થઈને ટીડાની વહુને કાપડું તથા આંટીવીંટી આપી ગઈ. ટીડો જોષી ભાગ્યને બળે બે વાર વિપત્તિ તરી ગયો હતો પણ મન તો આકુળ વ્યાકુળ જ હતું. રખે ને વળી કોઈ પ્રશ્ન કરે તો ભુંડા ભોગ થાય એ વાત ચિત્તમાં રમતી હતી. નિત્ય ઉઠીને જાવાનું કરે અને સાસરિયાં આગ્રહ કરીને રોકે. એવામાં એક દિવસ રાજકુમારીનો હાર ગયો અને ટીડા જોષીને રાજ્યમાંથી તેડું આવ્યું. ટીડાનો તો શ્વાસ જ ઉડી ગયો, અને રાજાના કિંકર એને યમદૂત જેવા લાગ્યા, પણ હવે કાંઈ ઉપાય નહોતો. કિંકર સંઘાતે રાજા પાસે ગયો અને યથાપૂર્વ આવતી કાલ્યનું પગથિયું મૂકીને ઘરે પાછો આવવાનું કરે છે ત્યાં તો રાજાએ એને પોતા સાથે જમવા અને ત્યાં જ સુઈ રેવાનું નિમંત્રણ કર્યું. બત્રીસ જાતનાં ભોજન અને તેત્રીસ જાતનાં શાક-વિધવિધ પક્વાન્ત થાળમાં ધર્યાં હતાં પણ ટીડાને કાંઈ ભાવ્યું નહિ. રાત્રિયે નિદ્રા તો શેની જ આવે? 'નીદરડી આવ્ય ને, નીંદરડી આવ્ય ને.' એમ જાપ કર્યો તે વ્યર્થ ગયો. પરંતુ બન્યું એમ કે હાર નીદરડી નામની ગોલીયે ચોરેલ અને તે દાસી એટલામાં જ સુતી હતી. એણે જોષીનો જાપ સાંભળ્યો. ને જોષી તો નિદ્રાનું આવાહન-આરાધન કરતો હતો પણ દાસીયે ગભરાઈને જાણ્યું આ મને બોલાવે છે ને મારો અપરાધ જાણી ગયા છે. ઝપાટાબંધ જોષી પાસે ગઈ, ને કહ્યું, "મહારાજ, ક્ષમા કરો. હાર ઊગમણા બારના ઓરડામાં ડામચિયાના ગોદડા વચ્ચે પડ્યો છે. પણ આ રંક દાસી ઉપર દયા રાખજો ને નામ લેજો મા.” ટીડો દાસીને નિર્ભય કરીને સૂઈ રહ્યો. સવારે ઉઠીને, કોઈ દિવસ નહિ ને આજ ઊના પાણીયે સ્નાન કર્યું ને સજ્જ થઈ રાજા પાસે જઈ એના પ્રશ્નનું સમાધાન કર્યું. રાજા પ્રસન્ન થયો ને ટીડાની વહુને થાળ ભરીને કનકકુસુમનો કરિયાવર કર્યો.

ટીડાનું ધૈર્ય હવે ખુટયું : સાસરે જઈ સાસરિયાંની તાણ્યનો અનાદર કરી વહુને તૈયાર થાવા કહ્યું. પણ જેવો તે વિદાય થાવાનું કહે છે ત્યાં વળી રાજાનું તેડું આવ્યું. ટીડો આવ્યો એટલે રાજાએ એને બંધ મૂઠ્ઠી દેખાડી 'ગોખે બેઠાં ગણી પુરી, 'રણવગડામાંથી ગોતી કાઢયો ધોરી; 'નીદરડી નીદરડી કરતાં લાધ્યો હાર, 'મૂકો રાજા, ટીડાનો ખાર.’ ટીડાનો આશય એટલો જ હતો કે 'ત્રણ્ય વાર કેમ કરીને છૂટયો છું તે મારું મન જાણે છે; હવે વિશેષ કષ્ટ ન આપો તો મોટી કૃપા.' પણ દૈવયોગે રાજાએ ટીડડું જ મૂઠિમાં ઝાલ્યું હતું અને તે એમ સમજ્યો કે જોષી મને ટીડડું છોડી દેવા વીનવે છે. એટલે વળી ટીડાને પોતાને ગળેથી એકાવળ હાર ઊતારીને આપ્યો. પછી ટીડો વહૂને તેડીને ઘેર આવ્યો, અને ખાધું પીધું રાજ્ય કિધું, વધ્યું એટલું કૂતરાને નાખ્યું; ગોખલામાં ગોટી, મારી વાર્તા મોટી; લિંબડે આવ્યો કોર, ને બીજી વાર્તા પોર.

                                             ટીડા જોશીની વાર્તા
             [બાળવાર્તા ભાગ ત્રીજો. પ્રકાશક :- શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર.]

(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો) એક હતો જોશી. એને જોશ જોતાં ન આવડે પણ દંભમાં રળી ખાય. એક દિવસ તે એક ગામથી બીજે ગામ જવા નીકળ્યો. રસ્તામાં તેણે બે ધોળા બળદને એક ખેતરમાં ચરતા દીઠા. તેણે એ વાત ધ્યાનમાં રાખી લીધી. જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલને ત્યાં ઉતારો કર્યો ત્યાં એક કણબી આવ્યો અને મહારાજને કહે : "જોશી મહારાજ ! મારા બે ધોળા બળદ ખોવાયા છે; કઈ દિશામાં ગયા હશે તેનું જોશ જોઈ આપોને?” જોશીએ તો હોઠ ફફડાવી એક જૂના સડી ગયેલા ટીપણામાં જોઈ કહ્યું : "તમારા બળદો આથમણી સીમમાં ફલાણાના ખેતરમાં છે, તે ત્યાંથી લઈ આવો." પટેલ તો બતાવેલ ખેતરે ગયો એટલે તેને બળદો મળ્યા. તે ઘણો ખુશી થયો અને ટીડા જોશીને રાજી કર્યાં. બીજા દિવસે રાત્રે ટીડા જોશીની પરીક્ષા કરવા ઘરઘણીએ તેને પૂછયું : "મહારાજ ! તમારું જોશ સાચું હોય તો કહો કે આજે ઘરમાં કેટલા રોટલા થયા હતા?"

ટીડા જોશીને તો કાંઈ ધંધો ન હતો, એટલે રોટલાના તાવડીમાં નાખતી વખતના ટપાકા ઉપરથી ગણેલું કે તેર રોટલા થયેલા છે. એટલે તેણે જોશ જોવાનો ડોળ કરી કહ્યું : "પટેલ ! આજે તમારા ઘરમાં તેર રોટલા થયા હતા." પટેલ તો બહુ આશ્ચર્ય પામ્યો. ઉપલા બે બનાવથી જોશી મહારાજની કીર્તિ આખા ગામમાં ફેલાઈ અને જોશી મહારાજ પાસે સૌ જોશ જોવરાવવા આવવા લાગ્યા. એટલામાં રાજાની રાણીનો નવલખો હાર ખોવાયો. રાજાએ જોશીની કીર્તિ સાંભળી હતી એટલે તેણે તેને તેડાવ્યો. રાજાએ જોશીને કહ્યું : "જુઓ, ટીડા મહારાજ ! રાણીનો હાર કયાં છે અથવા કોણ લઈ ગયું છે, તે જોશ જોઈને કહો, હાર જડશે તો તમને ઘણા રાજી કરશું.” જોશી તો મૂંઝાયા; જરા વિચારમાં પડયા. રાજાએ કહ્યું : "આજની રાત તમે અહીં રહો, અને રાત આખી વિચાર કરીને સવારે કહેજો. પણ જોજો, જો જોશ ખોટું પડશે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ." ટીડા જોશી તો વાળુ કરી પથારીમાં પડયા, પણ ઊંઘ ન આવે. જોશીના મનમાં ભય હતો કે સવારે રાજા ઘાણીએ ઘાલીને તેલ કાઢશે. ટીડા જોશીને ઊંઘ નહોતી આવતી એટલે તે ઊંઘને નીંદરડીને બોલાવવા લાગ્યા : "નીંદરડી આવ, નીંદરડી આવ." હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની દાસી રહેતી હતી અને તેણે જ રાણીનો હાર ચોર્યો હતો. "નીંદરડી આવ, નીંદરડી આવ.” એમ ટીડા જોશીને બોલતાં એણે સાંભળ્યા એટલે તે એકદમ ગભરાઈ. એને લાગ્યું કે ટીડા જોશી પોતાનું નામ જોશના બળથી જાણી ગયા છે. નીંદરડીએ બચી જવાના વિચારથી ટીડા જોશીને હાર આપી આવવાનો વિચાર કર્યો. તે જોશી પાસે ગઈ અને બોલી : મહારાજ ! લ્યો આ ખોવાયેલો હાર. મારું નામ હવે લેશો નહિ. હારનું તમે ગોઠે તેમ કરજો. ટીડા જોશી મનમાં ખુશી થયા કે આ ઠીક થયું. નીંદર ઊંઘને બોલાવતાં આ નીંદરડી આવી અને હાર આપી ગઈ. ટીડા જોશીએ નીંદરડીને કહ્યું : "જો; આ હાર રાણીના ઓરડામાં તેના પલંગ નીચે મૂકી આવ.”

સવાર પડી એટલે રાજાએ ટીડા જોશીને બોલાવ્યા. ટીડા જોશી તો ઢોંગ કરી એકબે સાચા ખોટા શ્લોકો બોલ્યા અને પછી આંગળીના વેઢા ગણી, હોઠ ફફડાવી, લાંબું ટીપણું ઉખેળી બોલ્યા : "રાજા, રાણીનો હાર કયાંઈ ખોવાયો નથી. તપાસ કરાવો; રાણીના ઓરડામાં જ તેમના પલંગ નીચે પડયો છે એમ મારા જોશમાં આવે છે.” તપાસ કરાવતાં હાર પલંગ તળેથી મળ્યો. ટીડા ઉપર રાજા બહુ ખુશી થયો અને તેને સારું ઇનામ આપ્યું. રાજાએ એકવાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક યુક્તિ રચી. ટીડા જોશીને લઈ રાજા એકવાર જંગલમાં ગયો. જોશીની નજર બીજે હતી એટલામાં રાજાએ પોતાની મૂઠીમાં એક ટીડડું પકડી લીધું, અને મૂઠી બતાવી ટીડાને કહ્યું : "કહો ટીડાજી! મારી મૂઠીમાં શું છે? જોજો, ખોટું પડશે તો માર્યા જશો.” ટીડા જોશી પૂરા ગભરાયા. તેમણે વિચાર કર્યો કે હવે ભરમ ઉઘાડો થશે. હવે જરૂર રાજા મારશે. ગભરાઈને પોતાના જોશ સંબંધેની સઘળી હકીકત રાજાને કહી દેવા અને માફી માગવા માટે તે બોલ્યા : "ટપ ટપ કરતાં તેર જ ગણ્યા, વાટે આવતાં ધોરી મળ્યા; નીંદરડીએ આપ્યો હાર, કાં રાજા ટીડાને માર?" ટીડા જોશી જ્યાં "કાં રાજા ટીડાને માર?" એમ બોલ્યા ત્યાં તો રાજાના મનમાં થયું કે જોશી મહારાજ તો ખરેખરા સાચા જોશી છે. રાજાએ પોતાના હાથમાંથી ટીડડું ઉડાડી કહ્યું : "વાહ જોશીજી! તમે તો મારા હાથમાં ટીડડું હતું તે પણ જાણી ગયા!” ટીડા જોશી મનમાં સમજી ગયા કે આ તો મરતાં મરતાં બચ્યા અને સાચા જોશી ઠર્યાં ! પછી રાજાએ જોશીને મોટું ઈનામ આપ્યું અને તેમને વિદાય કર્યા. ઉક્ત દૃષ્ટાંતોથી કથનશૈલી એટલે શું અને તેનાથી વાર્તામાં કેવો ફેર પડે છે તેનો ખ્યાલ થોડોઘણો તો આવી શકશે જ. પ્રત્યેક વાર્તા કહેવા યોગ્ય સ્વરૂપમાં ન લાવવામાં આવે ત્યાં સુધી તે વાર્તા કથનશ્રવણના કામમાં આવી શકે નહિ. ઘણી વાર કહેવા યોગ્ય વાર્તાઓ પણ કહેનારની કલાબુદ્ધિમાં ન્યૂનતા હોવાથી અથવા વાર્તા લખનારની કલાદૃષ્ટિમાં ઊણપ હોવાથી તે વાર્તાઓ છેક બગડી જાય છે, ને તેને જ પુનઃ કહેવા યોગ્ય કરવાની તસ્દી લેવી પડે છે.

આવી બગડી ગયેલી વાર્તાઓના ઘણા નમૂના આપણને ઘણી ચોપડીઓમાંથી મળી આવે છે. આપણે અહીં એવી એક વાર્તાનું દર્શન કરાવીએ.

                                  છનનન છમ મા મને વડું !
                 [ટચુકડી બીજી સો વાતો. લેખક:- હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા.]

(વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો) એક ગરીબ બ્રાહ્મણને પેટ સાત છોકરીઓ પડી હતી. તે રોજ ગામમાંથી ભીખ માગી લાવીને તેમનું પૂરૂં કરે. એક દહાડો તેને કોઈએ લોટ આપ્યો, તે લાવીને તેણે પોતાની બાઈડીને કહ્યું. મને વડાં ખાવાનું મન થયું છે, માટે આજે આ લોટનાં વડાં બનાવજે. લોટ થોડો હતો, અને બધી છોકરીઓ વડાં માગે, તો તેમને પુરાં પણ ન પડે, તેથી તેમને વહેલી ઉઘાડી દઈ તેણે વડાં તળવા માંડયાં. એક વડું કઢાઈમાં પૂર્યું, કે છમ છમ બોલવા માંડયું, તેથી એક છોકરી જાગી ઊઠી તે બોલી, કે છનનન ઝમ મા મને વડું? તે વડું ખાઈ ગયા પછી બીજું તળવા માંડયું, તો બીજી છોકરી જાગી ગઈ. તેણે વડું માંગ્યું તે તેને આપ્યું; એમ એક પછી એક સાતે છોકરીઓ જાગી ને એક એક વડું ખાઈ ગઈ. લોટ ઘણો થોડો રહ્યો, તેથી તેમાં ચૂલાની રાખ ભેળવીને થોડાં વડાં તૈયાર કર્યાં. બ્રાહ્મણ ઘેર આવીને ખાવા બેઠો, તો વડાં કચડ કચડ બોલવા લાગ્યાં. તેણે કારણ પૂછ્યું, ત્યારે બાઈડીએ રોતાં રોતાં સાચી વાત કહી દીધી. બ્રાહ્મણને બહુ ગુસ્સો ચઢયો. બીજે દહાડે તે બધી છોકરીઓને ગાડામાં ઘાલીને જંગલમાં મૂકી આવ્યો. આ વાર્તામાં બાળવાર્તાની વસ્તુ છે પણ તેમાં બાળવાર્તાની ઢબ નથી એ જ વાર્તાને કહેવા યોગ્ય વાર્તા આ પ્રમાણે બનાવી શકાય.

                                         મા! મને છમ વડું.
                   [ટચુકડી બીજી સો વાતો. લેખક:- હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા]

(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો) એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને સાત છોડીઓ.

બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય. એક દિવસે બ્રાહ્મણને વડા ખાવાનું મન થયું તેણે બ્રાહ્મણીને કહ્યું : "આજ તો વડાં ખાવાનું મન થયું છે." બ્રાહ્મણી કહે : "પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચસાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો.” બ્રાહ્મણ કહે : "ત્યારે કાંઈ નહિ; માંડી વાળો." બ્રાહ્મણી કહે : "ના, એમ નહિ, પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યાં છે; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા ઘો. પછી હું તમને પાંચ સાત પાડી આપીશ. મારે કાંઈ ખાવાં નથી એટલે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.” વાળુ કરીને છોડીઓ સૂઈ ગઈ. બ્રાહ્મણીએ હળુ હળુ ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકીને ઉપર ટીપુંક તેલ મૂકયું, પછી વડાંનું ડોઈને તે વડાં કરવા બેઠી. જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં 'છમ, છમ, છમ,' થયું 'છમ છમ' સાંભળીને એક છોડી જાગી ને કહે : " મા! મને છમ વડું.” મા કહે : "સૂઈ જા, સૂઈ જા. આ લે એક વડું. ખાઈને સૂઈ જા. જોજે બીજી જાગે નહિ.” પહેલી છોડી તો એક વડું ખાઈ પાણી પીને સૂતી. માએ તો બીજું વડું મૂકયું, ત્યાં તો પાછું 'છમ, છમ, છમ' થયું. બીજી છોડી જાગીને કહે: "મા ! મને છમ વડું.” મા કહે : "લે સૂઈ જા. સૂઈ જા. ખાઈ જા આ વડું ને પાણી પીને સૂઈ જા. જો બીજી બેન જાગશે.” બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ. બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કહે: "હશે, એ તો છોકરાં છે ને?" પછી માએ ત્રીજું વડું મુકયું. પણ ત્યાં તો પાછું 'છમ, છમ, છમ.’ 'છમ છમ' સાંભળીને એક છોડી જાગી ને કહે : "મા છમ! મને છમ વડું.” મા કહે : "લે વળી તું કયાં જાગી? લે આ વડું. ખાઈને સૂઈ જા. જોજે બીજીને જગાડતી નહિ."

ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો. બ્રાહ્મણીએ ચોથું વડું મૂકયું. વળી પાછું વડું તો 'છમ, છમ, છમ' બોલ્યું. 'છમ, છમ' સાંભળીને ચોથી છોડી જાગી ને એને ય વડું આપીને માએ સુવારી દીધી. પછી તો પાંચમી છોડી જાગીને પાંચમું વડું એને આપવું પડયું; પછી છઠ્ઠી જાગી ને છઠ્ઠું વડું એને આપવું પડયું ને છેવટે સાતમું વડું સાતમી છોડીએ ખાધું. ત્યાં તો લોટ થઈ રહ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં, ને પાણી પીને સૂઈ રહ્યાં. અલબત્ત બંને વાર્તાના વસ્તુમાં લગાર ફરક છે, પરંતુ જોઈ શકાશે કે વાચન યોગ્ય વાર્તા અને કથન યોગ્ય વાર્તાની દિશાઓ કેવા પ્રકારની છે. વાર્તાને કથન યોગ્ય બનાવવા માટે જેમ કથનશૈલીની જરૂરિયાત છે તેમ જ તેમાં બીજી કેટલીએક બાબતોનો પણ વિચાર કરવો પડે છે. આ બીજી બાબતો કથનશૈલીને મદદકર્તા છે એમાં તો શક જ નહિ. હવે આ બીજી બાબતો કઈ કઈ છે, અને તે કહેવા યોગ્ય વાર્તામાં કેવી રીતે લાવવી તે તપાસીએ. પ્રથમ દરેક વાર્તાને આપણે બારીકીથી તપાસવી જોઈએ. વાર્તા ભાષાની દૃષ્ટિએ કેવી છે, વસ્તુની દૃષ્ટિએ કેવી છે, ને રચનાની દૃષ્ટિએ કેવી છે, તે આપણે કાળજીપૂર્વક જોઈ લેવું જોઈએ. એ જુદી જુદી દૃષ્ટિઓથી તપાસતી વખતે આપણી સમક્ષ મોઢે કહેવાની વાર્તાની ભાષાનો, તેની રચનાનો અને આદર્શનો પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. આ મુખ્ય બાબત છે. સાદી ભાષાની વ્યાખ્યા તો આપી શકાય જ નહિ, પણ સાદી ભાષાથી આપણે શું સમજીએ છીએ તે વર્ણનથી જણાવી શકીએ. સાદી ભાષા એટલે પહેલાં તો અતિ અલંકાર વિનાની, રૂપકો વિનાની, અને વક્રોક્તિ વિનાની ભાષા. સાદી ભાષા તે કહેવાય કે જે સ્વાભાવિકપણે કહેનારના મોઢામાંથી સર્યે જાય અને સાંભળનારના કાનમાં સમાઈ જાય. સાદી ભાષા એનું નામ કે જેની શબ્દપરંપરા એક જ મેળની હોય, એટલે કે જેમાં ન હોય ઘડીકમાં અઘરા શબ્દોનો ઝૂમખો કે ન આવે ઘડીકમાં સાવ ગામડિયા શબ્દોનો થોકડો. સાદી ભાષાનો અર્થ એવો કરાય કે જેને સમજતાં વાર ન લાગે, જે સાંભળનારની બુદ્ધિશક્તિને અનુસરતી હોય ને જે સાંભળનારમાં વાર્તાનો રસ બરાબર જમાવી શકતી હોય. મેં ઘણી વાર જોયું છે કે વાર્તા સાદી ભાષામાં કહેતા આવડવાની ખામીને લીધે જ તેનું કથન નિષ્ફળ જાય છે. કેટલાએક એવા માણસો જોયા છે જે સાદી ભાષા વાપરી જ શકે નહિ. તેઓ ભાષાના એવા ઊંચા શિખર પર રહે છે કે ભાષાની સપાટી પર આવવું તેમને અત્યંત આકરું પડે છે. લોકભાષા સ્વાભાવિકપણે સાદી જ છે. જો આપણને લોકભાષાનો બરાબર પરિચય હોય તો તે વાર્તા માટે સાદી ભાષાની શોધમાં જવું ન પડે. શહેરની સ્ત્રી જેમ જેમ ચીપી ચીપીને બોલતી જાય છે તેમ તેમ તેને જે કહેવાનું છે તે આપણને ઓછું સમજાતું જાય છે. પણ ગામડાની ભોળી કણબણ ધડધડ બોલે છે ત્યારે નથી તેને ચીપી ચીપીને બોલવું પડતું, નથી તેને શબ્દો શોધવા જવું પડતું કે નથી તેને અચકાવું પડતું કે ડોળ કરવો પડતો. એ તો જાણે કોઈ સીધાસાદા સ્થળપ્રદેશ પર એકાદ સરલ સરિતા સરી પડતી હોય એમ આપણને લાગે છે. આટલો જ તફાવત શિષ્ટ ભાષાવાળી વાર્તામાં અને લોકભાષા ભરેલી વાર્તામાં પડે છે. અહીં એક સાદી ભાષાવાળી વાર્તાનો નમૂનો બસ થશે.

                               દલાતરવાડીની વાર્તા

[બાળવાર્તા ભાગ ત્રીજો. પ્રકાશક:- શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર.] એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું : "તરવાડી રે તરવાડી !" તરવાડી કહે : "શું કહો છો, ભટ્ટાણી?" ભટ્ટાણી કહે. "રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને રીંગણાં !" તરવાડી કહે : "ઠીક." તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચુકઠચુક કરતા ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા, પણ વાડીએ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો : "હવે કરવું શું? વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવાં?" છેવટે તરવાડીએ ઠરાવ્યું : "વાડીનો ધણી નથી તો વાડી તો છેને ! ચાલો વાડીને પૂછીએ.” દલો કહે : "વાડી રે બાઈ, વાડી !” વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું : "શું કહો છો, દલા તરવાડી?" દલો કહે : "રીંગણાં લઉં બેચાર?" ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે : "લેને ભાઈ, દસબાર." દલા તરવાડીએ તો રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરીને ખાધો. ભટ્ટાણીને રીંગણાંનો લાગ્યો સ્વાદ, એટલે તરવાડી રોજ વાડીએ આવે અને ચોરી કરે. વાડીમાં રીંગણાં ઓછાં થવા લાગ્યાં. વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ; તેને પકડવો જોઈએ.

એક દિવસ સાંજે વાડીનો ધણી એક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા : "વાડી રે બાઈ, વાડી!" વાડીને બદલે દલો કહે: "શું કહો છો, દલા તરવાડી?" દલો કહે : "રીંગણાં લઉ બેચાર?" વાડીને બદલે વળી દલો કહે : "લેને દસબાર." દલા તરવાડીએ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં અને જ્યાં ચાલવા જાય છે ત્યાં વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો અને કહે : "ઊભા રહો, ડોસા ! રીંગણાં કોને પૂછીને લીધાં?” દલો કહે : "કોને પૂછીને કેમ ? વાડીને પૂછીને લીધાં!" ધણી કહે : "પણ વાડી કાંઈ બોલે છે?" દલો કહે : "વાડી નથી બોલતી પણ હું બોલું છું ના? માલિક ઘણો ગુસ્સે થયો ને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઊતાર્યો. પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો : "કૂવા રે ભાઈ, કૂવા!” કૂવાને બદલે વશરામ ભૂવો કહે "ડબકાં ખવરાવું બેચાર?" પાછો કૂવાને બદલે વળી વશરામ બોલ્યો : "ખવરાવને ભાઈ, દસબાર." પછી તો દલા તરવાડીના નાકમાં, અને મોંમાં પાણી પેસી ગયું તેથી દલા તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યા : "ભાઈ સાહેબ ! આ એક વખત જવા દે, તારી ગાય છું. હવે કોઈ દી ચોરી નહિ કરું." પછી તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો. ભાષાની દૃષ્ટિએ કેટલીક વાર્તાઓ એવી તો સાદી છે કે એમાં શણગાર કરવાની કદી પણ જરૂર પડતી જ નથી. એવી વાર્તાઓ અકબંધ આજે જમાનાઓથી આપણામાં ઊતરી આવેલી છે ને છતાં એવી ને એવી જોરદાર અને મીઠાશ ભરેલી છે. એની ખૂબી એની સાદાઈમાં છે; એ જ એનો ભેદ છે. 'જૂની વાર્તા', 'જૂબાઈની વાર્તા', 'કાગડા-કાબરની વાર્તા', 'પોપટ-કાગડાની વાર્તા', ચકી-ચકાની વાર્તા', 'આનંદી કાગડાની વાર્તા', વગેરે જાતની વાર્તાઓ સાદાઈના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. વાર્તાઓ ગમે તે શ્રેણીની હોય પણ સાદાઈ તો તેનું આવશ્યક લક્ષણ છે જ.

વાર્તાની સાદાઈ સંબંધે આટલું કહ્યા પછી આપણે વાર્તાની રચનાનો વિચાર કરીએ. રચના એટલે વસ્તુસંકલના. અંગ્રેજી 'પ્લોટ' શબ્દથી આપણે એનો ભાવ જણાવી શકીએ. કોઈ પણ વાર્તામાં વસ્તુસંકલના આવશ્યક છે, પણ મોઢેથી કહેવામાં વાર્તામાં તો એ વાત ખાસ અગત્યની છે. મોઢેથી કહેવાની વાર્તાનો ઉદ્દેશ માણસને વાર્તા કહીને આનંદ આપવાનો છે. આ આનંદ વાર્તામાં એકાદ સ્થળે રહેલ ભાવની પરકાપ્ટામાં છુપાયેલો છે. યથાક્રમે યથાગતિએ ભાવના દ્વારા ઉચ્ચ શિખર સુધી માણસને લઈ જઈ ભાવની મૂર્તિની ત્વરિત ઝાંખી કરાવી તેનાથી ઊપજેલો આનંદ તેનામાં ભરી દઈ પુનઃ માણસને ક્રમે ક્રમે અને યોગ્ય ગતિએ ભાવને શિખરેથી ઉતારી પોતાને રસ્તે જતો કરવાનો ઉદ્દેશ વાર્તાકથનનો છે. જો વાર્તાનો ભાવ એકવાર પણ માણસને તીર જેમ લાગી ન જાય અને માણસ ઘાયલ થઈને ન પડે તો વાર્તા કહેવાનો અર્થ શો? પણ સાંભળનારને આમ ઘાયલ કરવાની શક્તિ વાર્તાની વસ્તુસંકલનામાં છે. આખી વાર્તાના મંકોડા એટલા તો સપ્રમાણ અને એવી સરસ રીતે એકબીજા સાથે સંકળાયેલા હોવા જોઈએ કે વાર્તા એની મેળે સાઈકલની સાંકળ જેમ ફર્યે જાય. પ્રત્યેક વાર્તામાં એકાદ પ્રધાન રસ હોય છે, પ્રત્યેક વાર્તામાં એકાદ પાત્રની વિશેષતા હોય છે, પ્રત્યેક વાર્તામાં એકાદ ખાસ હેતુ પાર પાડવાનો હોય છે. જે જે બાબતો આ મૂળ વસ્તુઓને આડે આવે છે તે તે બાબતો વાર્તાના વેગને નબળો પાડે છે, વાર્તાના રસમાં ભંગ કરે છે, વાર્તાના પાત્રને ઝાંખું બનાવે છે ને વાર્તાનો ઉદેશ પાર પાડવા દેતી નથી. દરેક વાર્તામાં એકાદ પ્રસ્થાનસ્થાન હોય છે, દરેક વાર્તાને એકાદ નિશાન પાડવાનું હોય છે ને દરેક વાર્તાનો પ્રસ્થાન અને નિશાન વચ્ચે ચોક્કસ માર્ગ આંકેલો હોય છે. મર્યાદા બહારની, પ્રસ્થાન વિનાની ને નિશાન વિનાની વાર્તાનો ગોળીબાર નકામો જાય છે. જે વાર્તાની શરૂઆત અને અંત નિશ્ચિત નથી, જે વાર્તાનો આત્મા કયાં છે તે જણાતું નથી, તે વાર્તામાં વસ્તુસંકલના હોવાનો સંભવ હોવાપણું નથી એમ મારું માનવું છે. વાર્તાનો મુખ્ય ઉદ્દેશ લક્ષમાં રાખીને જ તેને પાર પાડવા માટે વાર્તામાં જે સફળ ગૂંથણી કરવામાં આવે છે તે ગૂંથણીને વસ્તુસંકલના એવું નામ આપી શકાય. રચનાની દૃષ્ટિએ તે વાર્તા સંપુર્ણ છે કે જેમાં સપ્રમાણતા છે, જેમાં સમતોલપણું છે ને જેમાં એકતાનતાનું સળંગ સૂત્ર વ્યાપક છે. જે જે વાર્તાઓમાં રચનાના આ દોષો હોય તે તે વાર્તાઓને આ દોષોમાંથી મુક્ત કરવી જ જોઈએ. આપણે ઘણી વાર એવી વાર્તાઓ વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ કે જેમાં વારે વારે વાર્તાના ફાંટાઓ ફાટે છે અથવા એક તાગડામાંથી ચારપાંચ તાગડાઓ ઊડે છે. વારે વારે વાર્તા કહેનાર આપણને એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કુશળતાથી લઈ જવાનો કે ઊડેલા તંતૂઓ સાથે મૂળ સૂત્રને જોડી દેવાનો પ્રયત્ન કરે છે. અને આપણી સ્મરણશક્તિ અને ધીરજની પૂરેપૂરી કસોટી કરે છે. આવાં ડાળાં-ડાળીવાળી વાર્તાઓને કહેવા યોગ્ય વાર્તાઓમાં આપણે સ્વીકારી શકીએ નહિ. એક તો કહેવા યોગ્ય વાર્તાને એક જ લક્ષ તાકવાનું છે અને તેની સફળતા પણ બરાબર એ લક્ષને વીંધી નાખવામાં છે; એટલે કહેવા યોગ્ય વાર્તાનો પ્રવાહ આડોઅવળો ન વહેતાં સીધેસીધો વહેવો જોઈએ. વિષયાન્તરોથી, એક વાર્તામાં બીજી વાર્તા ચલાવવાથી, વાર્તાની મુખ્ય મુખ્ય બાબતોની સાથે જોડાયેલી ગૌણ બાબતોની વધારે કાળજી કરવાથી મૂળ રસને હાનિ પહોંચે છે એમાં શંકા નથી. આથી કહેવા યોગ્ય વાર્તાની રચના અને વાંચવા યોગ્ય વાર્તાની રચનામાં આટલો તફાવત સ્વીકારવો જોઈએ. બેશક, સાંભળનારની સ્મરણશક્તિ અને ધારણશક્તિ વધતાં જાય તેમ તેમ વાર્તા વધારે ફાલેલીફૂલેલી કહેવામાં આવે તો હરકત નહિ. વસ્તુસંકલનાના વિચારમાં વાર્તા કેટલી લાંબી કે કેટલી ટુંકી હોવી જોઈએ તેનો વિચાર આવી જાય છે. વાર્તાને કહેવા યોગ્ય કરતી વખતે આપણે સાંભળનારનો વિચાર કરવો જ પડે. એકની એક વાર્તા તેની વસ્તુની સુંદરતાને કારણે આપણે છેક નાનાં બાળકોથી માંડી વૃદ્ધ જનો સુધીની વ્યક્તિઓને કહી શકીએ; પણ વૃદ્ધ જનો પાસે વાર્તાનો જેટલો વિસ્તાર ધરી શકીએ તેટલો વિસ્તાર બાળકો પાસે ન જ ધરી શકીએ. બાળકોની ગ્રહણશક્તિને ધ્યાનમાં લઈને જેમ બીજી બાબતોના વિસ્તાર સંકોચનો નિર્ણય કરીએ છીએ તેમ જ વાર્તાની બાબતમાં પણ કરવું જોઈએ. રામાયણ અને મહાભારતની વાર્તાઓ બાળકોને કહેવી હોય તો આપણે એમને છેક ટુંકાવીને કહેવી જોઈએ. એ સાગર જેટલી ગંભીર અને આકાશ જેટલી વિશાળ વાર્તાઓમાં વચ્ચે વચ્ચે આવતી અનેક રસભરી કથાઓને છોડી દેવી જોઈએ, અને મોહક અને આકર્ષક ચિત્રો તથા વર્ણનોને જતાં કરવાં જોઈએ. રામાયણમાં રામને બાળકો સામે સતત ધરી રાખીને વાર્તાનો પ્રવાહ ચલાવ્યે જવો જોઈએ, આદિ, મધ્ય અને અંતમાં સર્વત્ર રામ દેખાવા જોઈએ; કથાની બધી ગૂંથણી રામની આસપાસ થવી જોઈએ. એવી જ રીતે મહાભારતની કથામાં પાંડવો અને કૌરવોના કિનારા ઉપર જ ચાલી ચાલીને એ મહાનદની પ્રદક્ષિણા કરવી જોઈએ. એની આજુબાજુએ આવતાં તીર્થસ્થાનો છોડી દેવાં જોઈએ. લઘુરામાયણ અને લઘુમહાભારત આ વિચારને અનુસરીને લખાયેલાં છે. બાલકાદમ્બરીની યોજનાની પાછળ પણ આ જ વિચાર છે. છેક નાનાં બાળકોને કહેવા યોગ્ય રામાયણ પણ બનાવી શકાય. એવી ટૂંકાવેલી રામકથાનો એક સાદો નમૂનો અહીં આપું છું, આ નાની કથા પણ બાળકોના પ્રમાણમાં એક મોટું રામાયણ જ છે, અને તે એટલું જ રસદાયક નીવડયું છે.

                                                   રામાયણ

દશરથ નામે રાજા હતા. તેને ત્રણ રાણીઓ હતી. એકનું નામ કૌશલ્યા, બીજીનું નામ સુમિત્રા, ને ત્રીજીનું નામ કૈકેયી. રામ કૌશલ્યાના પુત્ર, લક્ષ્મણ ને શત્રુઘ્ન સુમિત્રાના ને ભરત કૈકેયીના.

રામ સૌથી મોટા હતા; તેમનાથી નાના લક્ષ્મણ, તેનાથી નાના ભરત ને સૌથી નાના શત્રુધ્ન.

રામને ઘણી વિદ્યા આવડતી. તેમને તીર ફેંકતા સારું આવડતું. તે ભલા પણ હતા. તે રોજ માબાપનું કહ્યું કરતા. રામની રાણીનું નામ સીતા હતું. રાજા ઘરડા થયા. તેમણે રામને ગાદીએ બેસાડવાનો વિચાર કર્યો. કૈકેયીને આ વાતની ખબર પડી. તેને રામની અદેખાઈ આવી. તે કહે : 'રામ ગાદીએ બેસે ને મારો ભરત નહિ?" રાણી રાજાથી રીસાઈ; રાજાએ તેને ખૂબ મનાવી, પણ તે રીઝી નહિ. રાણી કહે : "તમે મને બે વચન આપ્યાં છે. આજે હું એ વચન માગું છું. રામને વનવાસ મોકલો ને ભરતને ગાદી આપો.” રાજાને આ ગમ્યું નહિ. પણ વચન આપેલું એટલે શું કરે? રામ વનવાસ ગયા. સીતાદેવી તેની સાથે ગયાં. ભાઈ લક્ષ્મણ પણ સાથે જ ગયા. રામ, લક્ષ્મણ ને જાનકી વનમાં ઝૂંપડી બાંધીને રહ્યાં. ઝૂંપડી પાસે એક સુંદર સોનેરી ચામડીવાળું હરણ આવ્યું. સીતાજીને તે બહું ગમી ગયું. રામને સીતા કહે : ‘એ હરણ મારીને લાવો તો હા નીકર ના.’ રામ તો તીર લઈને ઊપડયા. પાછળથી લક્ષ્મણ પણ ગયા. સીતાજી મઢીમાં એકલા રહ્યાં. ત્યાં લંકાનો રાજા રાવણ આવ્યો. બાવાનો એણે વેશ પહેર્યો હતો; હાથમાં ઝોળી હતી ને પગમાં ચાખડી હતી.

રાવણ કહે : "સીતાજી! ભિક્ષા આપો." સીતાજી જ્યાં ભિક્ષા આપવા જાય ત્યાં રાવણે તેમને ઊંચકી લીધાં. રાવણ સીતાજીને લઈને લંકા ગયો. હરણ મારીને રામલક્ષ્મણ પાછા આવ્યા. મઢીમાં આવીને જુએ તો કોઈ ન મળે ! બેઉ ભાઈ સીતાજીની શોધમાં ચાલ્યા. નદી જોઈ, નાળાં જોયાં, જંગલ જોયાં ને ડુંગરા પણ જોયા; પણ સીતાજી કયાંઈ ન મળે. ગોતતાં ગોતતાં બેઉ ભાઈ વાંદરા ને રીંછના દેશમાં આવ્યા. ત્યાં તેમને ખબર પડી કે સીતાજીને તો રાવણ હરી ગયો છે. રામ, લક્ષ્મણ ને વાંદરા લંકા ભણી ચાલ્યા. લંકાનગરી દરિયાની વચ્ચોવચ્ચ હતી. વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? સીતાજીની તપાસ કરવા ત્યાં કેવી રીતે જવાય? વાંદરામાં એક વાંદરો બહુ બળવાન હતો; તેનુ નામ હતું હનુમાન. હનુમાન કહે : 'એ મારું કામ." હનુમાને રામનું નામ લઈને એવો તો એક કૂદકો માર્યો કે એક જ કૂદકે આ કાંઠેથી પેલે કાંઠે! હનુમાનજી અશોકવાડીમાં ગયા. ત્યાં એક ઝાડ નીચે સીતાજી બેઠાં હતાં. તેમની ફરતી કાળી કાળી મોટા દાંતવાળી રાક્ષસીઓ હતી. હનુમાનજીએ સીતાજીને રામની વીંટી આપી. સીતાજીને હનુમાનજી વાતો કરતાં હતાં ત્યાં રાક્ષસો આવ્યા. તેઓ કહે: "પકડો આ રામના દૂતને. એને બાંધો ને સળગાવો.”

હનુમાનજીને પૂંછડે ગોદડાંના ગાભા બાંધ્યા, ઉપર તેલ છાંટ્યું ને પછી સળગાવ્યું. હનુમાનજી તો હૂપ હૂપ કરતા જાય અને ગામનાં છાપરાં સળગાવતાં જાય. આખી લંકા ભડભડ બળવા લાગી. હનુમાનજી પાછા દરિયામાં પડી સામે કાંઠે ગયા. રામ લશ્કર લઈ રાવણની સાથે લડવા આવ્યા. પછી રામરાવણની જંગી લડાઈ થઈ. રામે રાક્ષસોને મારી નાખ્યા. રાવણનાં દસ માથાં ને વીશ હાથ રામલક્ષ્મણે કાપી નાપ્યાં. પછી રામ, લક્ષ્મણ ને સીતાજી ત્રણે જણાં વિમાનમાં બેસી પોતાને ઘેર આવ્યાં. રામનો વનવાસ પૂરો થયો એટલે એ ગાદીએ બેઠા ને ખાધું, પીધું ને રાજ્ય કર્યું. આવી રીતે વાર્તા ટૂંકાવવામાં કળા વાપરવાની જરૂર પડે છે. વાર્તા ટૂંકાવનારે પ્રથમ નક્કી કરવું પડે છે કે વાર્તામાં કયા બનાવો એવા છે કે જેને લીધા વિના તો ચાલે જ નહિ. વાર્તા ટૂંકાવનારે એ પણ નક્કી કરવાનું છે કે વાર્તા કયાં કયાં ટૂંકાવી શકાય તેવી છે ને કયાં કયાં તેનો પ્રવાહ અત્યંત ક્ષીણ હોવાથી તેને એમ ને એમ રહેવા દેવા જેવો છે. પછી કેવી રીતે ટૂંકાવવી તેનો વિચાર પણ તેને કરવાનો રહે છે. વાર્તા ટુંકાવવાની રીતો હું સ્વ. બ્રાયન્ટના શબ્દોમાં મૂકું તો વાર્તાકથનના કામમાં કુશળતા ધરાવનાર એ સ્વર્ગસ્થ બાનુનું યર્થાથ શ્રાદ્ધ થાય. "When two or more steps can be covered in a single stride, one makes the stride. When a necessary explanation is unduly long, or is woven into the story in too many strands, one disposes of it in an introductory statement, or perhaps in a side remark. If there are two or more threads of narrative, one chooses among them, and holds strictly to the one chosen, eliminating details which concern the others." લાંબી વાર્તાને ટૂંકાવવાની જરૂર છે એમ જ ટૂંકી વાર્તાને લંબાવવાની જરૂર છે. જેમ જેમ લોકોની રુચિ ઊંચી થતી જાય છે અને એમની સાહિત્યવિષયક સંસ્કૃતિ વિશુદ્ધ થતી જાય છે તેમ તેમ એમની વાર્તાઓ ટૂંકી થતી જાય છે; એવી જ રીતે જે લોકોને દિવસોના દિવસો અને રાત્રિની રાત્રિઓ ગરમ હવામાં ઉદ્યમ વિના કાઢવાની હોય છે તેમની વાર્તાઓ ખૂબ લાંબી હોય છે, જ્યારે જેમને વખત ગુમાવવાનો બિલકુલ અવકાશ નથી એવા ઉદ્યોગપરાયણ લોકોની ટૂંકી હોય છે. કોઈ પ્રસંગે વાર્તાને લંબાવીને કે લડાવીને કહેવામાં રસ જામે છે તો કોઈ પ્રસંગે વાર્તાને ટૂંકી પણ ભારવાહી ભાષામાં કહેવામાં ખૂબી આવે છે. એમાં ઘણી વાર્તા સાંભળનાર અને કહેનાર બન્નેની સમાન કક્ષાનો પ્રશ્ન હોય છે. અફીણી ગરાસિયાઓને લાંબી વાર્તામાં જ રસ પડવાનો. વિદ્વાન લોકોને વાર્તાના અર્કમાં જ મજા આવવાની. કલ્પનાપ્રધાન માણસોને વાર્તા જેમ લાંબી તેમ ઠીક પડે, ત્યારે વાસ્તવિકતાપ્રધાન લોકોને વાર્તાનો અંત જલદી આણવો ગમે છે. ઘણા લોકોને વાર્તા પુરી થઈ જાય એ ગમે જ નહિ ત્યારે ઘણા લોકોને એકાદ વાર્તા સાંભળતા સાંભળતાં ઊંઘ આવી જાય. વાર્તા સાંભળતા થાકે જ નહિ એવા એક રાજાની વાર્તા આપણા વાર્તાના ભંડારમાં છે પણ ખરી. આવી જાતના લોકોને ધ્યાનમાં રાખીને જ ભિન્ન ભિન્ન કાળે લાંબી અને ટૂંકી વાર્તાઓ દેશ દેશમાં રચાઈ છે. આપણાં ઉપનિષદોમાં રહેલી વાર્તાઓ ટૂંકીને ટચ છે, પરંતુ એની ગંભીરતા બહુ ભારે છે. આપણી પૌરાણિક વાર્તાઓ જોઈએ તેટલી લાંબી છે. ઘણા લોકોને પુરાણો લાંબી લાંબી વાર્તાઓ છે તેથી જ ગમતાં નથી જ્યારે ઘણા લોકોને ઉપનિષદોની ટૂંકી આખ્યાયિકાઓમાં કશી લહેજત આવતી નથી. સામાન્ય રીતે બાળકોની ઉંમર જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ તેઓને લાંબી ને લાંબી વાતો ગમતી જાય છે. એવું પણ મેં જોયું છે કે એકવાર એમને લાંબી વાર્તાનો સ્વાદ ચખાડયો તો પછીથી તેઓ જ્યાં સુધી ઊંચી રુચિને કેળવી શકે નહિ ત્યાં સુધી લાંબી વાર્તાઓ જ માગ્યા કરે છે. વિનયમંદિરના વિદ્યાર્થીઓને એકવાર 'ધર્માત્માઓનાં ચરિત્રો'ની લાંબી લાંબી વાર્તાઓ કહી સંભળાવ્યા પછી તેમને ટૂંકી ટૂંકી આપ્યાયિકાઓ સંભળાવવાની અમને ભારે મુશ્કેલી પડેલી. આખ્યાયિકાઓ તેમને એકાએક ટૂંકી ને ટચ ને તેથી સાવ નીરસ લાગેલી. જરૂર પડે ત્યાં આપણે ટૂંકી વાર્તાને લાંબી વાર્તા બનાવી દેવાની કળા શીખી લેવી જોઈએ. જે માણસમાં કલ્પનાશક્તિનું પરિબળ હોય છે તે માણસ આ કામ સુંદર રીતે કરી શકે છે. ટૂંકી વાર્તાનાં ક્યાં કયાં અંગો ને ઉપાંગોને કેવી રીતે વિકસાવવાથી વાર્તા સળંગ રહેવા છતાં લાંબી થાય તેની સમજણ કલ્પનાના બળમાંથી આવે છે. ટૂંકી વાર્તાની પંક્તિઓ વચ્ચે કઈ પંક્તિઓ રહેલી છે કે જે મૂળ પંક્તિઓને શોભારૂપ છે ને જેના ગુપ્ત છતાં સબળ આધારને લઈ મૂળ પંક્તિઓ બળવાન છે. તે શોધી કાઢવાનું કામ કલ્પનાશક્તિનું છે. મૂળે તો વાર્તા કહેનારમાં જ કલ્પનાશક્તિનું જોર હોવું જોઈએ. પણ તેથીય વધારે જોર તો આ કામ કરનાર વ્યક્તિમાં અવશ્ય હોવું જોઈએ. વાર્તાની કલાને જે સમજી શકે છે, વાર્તાની વસ્તુસંકલના જે પી જઈ શકે છે, વાર્તાનો આત્મા જેના હાથમાં ભૂતની ચોટલી જેમ રહે છે તે જ માણસ વાર્તામાં સાચા રંગો પૂરી શકે છે. બીજી રીતે બોલીએ તો જેમ એક રૂપચિત્રકાર રેખાલેખન ઉપરથી આખું ચિત્ર સુઘટિત રંગો પૂરીને ઉપજાવી શકે છે તેમ જ ટૂંકી વાર્તાના રેખાલેખનને રંગોની મીલાવટથી ભરી દઈ યોગ્ય વિસ્તારવાળી કરવાનું કામ વાર્તાચિત્રકારનું છે. ટૂંકી વાર્તાને લાંબી બનાવ્યાનું એક દૃષ્ટાંત અહીં આપું છું.

                                     દયાળુ ડોશી

[મોટીબહેન. પ્રકાશન :- નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.]

(ટૂંકી વાર્તાનો નમૂનો) વરસાદ વરસતો હતો. મધરાત થઈ હતી. ઝાંપો વાસીને ડોશીમા સૂતાં હતાં. તેવામાં કોઈએ સાદ પાડયો : "ટાઢે ઠરી જાઉ છું, માબાપ ! ઘરમાં રહેવા દેશો ?” ડોશીને દયા આવી. "આવ, દીકરા! અહીં સૂઈ રહે.” "ડોશીમા! ભગવાન તમારું ભલું કરજો.”

                                                                                    દયાળુ ડોશી
                                                            (ટૂંકીમાંથી લાંબી બનાવેલી વાર્તાનો નમૂનો)

એક હતી ડોશી. એ બહુ દયાળુ હતી. ડોશી તરસ્યાંને પાણી પાય, ભૂખ્યાંને રોટલો આપે ને ભૂલાં પડેલને મારગ બતાવે. આડોશીપાડોશી કોઈ માંદુ પડે તો ડોશીમાનો જીવ એવો કે રાત ને દી એના ખાટલા આગળથી ખસે જ નહિ. ડોશી એવાં ભલાં કે મરતાંને પણ મર ન કહે. કોઈ રાંકભીક જે આવ્યું તે એને ઘેરથી પાછું તો જાય જ નહિ. ગજાસંપત જે હોય તે ડોશીમા એને આપે ને એની આંતરડી ઠારે. ભર ચોમાસું ચાલ્યું જતું હતું.

અરધી રાતે એકવાર વરસાદ તૂટી પડયો. નેવામાં પાણી તો કયાંઈ માય નહિ. વીજળી તો સબાક સબાક થાય, ને કડાકા તો એવા કે આકાશ જાણે હમણાં જ તૂટી પડશે. એમાં વળી પવનનો ઝપાટો કહે મારું કામ. કોઈના ભાર નહિ કે આવી રાતે બહાર નીકળી શકે. એક છોકરો પોતાના ગામનો મારગ ભૂલેલો. કયારનો બિચારો મારગ ગોતે પણ અંધારી રાત ને બધું પાણી પાણી થઈ ગયેલું, એમાં મારગ સૂઝે નહિ. બિચારો આખે ડિલે તરબોળ થઈ ગયેલો. કયારનો પલળતો હતો એટલે આખે ડિલે ટાઢ ચડી ગઈ હતી; દાઢી ડગડગતી હતી ને દાંત કડકડતા હતા. બિચારો મનમાં ને મનમાં રોવા લાગ્યો ને કહે: "હવે હું કયાં જાઉ?" એટલામાં એણે એક ઝૂંપડી જોઈ. ઝૂંપડી જોઈને મનમાં ને મનમાં કહે : "હાશ ! હવે કંઈક રસ્તો સૂઝશે.” ઝૂંપડી તો પેલી દયાળુ માજીની હતી. ધ્રૂજતો ધ્રૂજતો છોકરો ઝૂંપડી પાસે ગયો ને હળુક દઈને બોલ્યો : "અરે બાપુ ! કોઈ ઝૂંપડીમાં છે? કોઈ ઝૂંપડીનું બારણું ઉઘાડોને? કયારનો હું ટાઢે મરું છું. આ રાતની રાત પડી રહેવા દેશો તો પ્રભુ તમારું સારું કરશે. અત્યારે હું વરસાદમાં કયાં જઈશ? હું ભૂલો પડી ગયો છું, બાપુ!" દયાળુ ડોશી ઝડપ દઈને ઊઠયાં. બારણાની ભોગળ એકદમ કાઢી નાખી અને ઝૂંપડીનું બારણું ઉઘાડયું. છોકરાને જોઈ માજી કહે: "બાપુ, દીકરા! આવ. આ તારું જ ઘર છેના. ભગવાને મને આવી રૂપાળી ઝૂંપડી આપી છે તે કોને માટે? આવ બાપા! અહીં બેસ." છોકરો તો હાશ કરીને હેઠે બેઠો. માજીએ તો એને એકાદ જૂનું પાનું ફાળિયું આપ્યું ને એનાં લૂગડાં બદલાવ્યાં. પછી તો એણે ઝટઝટ દેવતા પાડયો ને ચીંદરડીએ થોડાંક તીખાં ને સૂંઠ બાંધ્યાં હતાં તે કાઢીને રૂપાળો ગરમાગરમ કાવો બનાવ્યો.

ચલાણું આખું કાવો ભરીને ડોશી છોકરાને કહે : "લે, બાપા, આ ઊનો ઊનો કાવો પી જા. હમણાં તારી ટાઢ ઊડી જશે." છોકરાને કાવો એવો તો મીઠો લાગ્યો કે બસ! પછી ડોશી કહે : "લે બેટા! આ મારી ગોદડી ઓઢીને ખાટલામાં સૂઈ જા. હું તો રીઢું માણસ છું એટલે મારે તો આ પછેડીએ ચાલશે." છોકરો તો રાત આખી હૂંફાળી ગોદડીમાં ઊધ્યો. સવાર પડી એટલે છોકરે ડોશીની રજા માગી. ડોશી કહે : "દીકરા! સાચવીને જજે ને દેહનાં જતન કરજે." છોકરાની આંખમાં આંસું આવી ગયાં. ડોશીની આંખ પણ ભીની થઈ. છોકરો મનમાં ને મનમાં બોલતો ગયો : " હે ભગવાન ! આ ડોશીમાનું ભલું કરજો.” વસ્તુસંકલના વિષે આટલું કહ્યા પછી વસ્તુ સંબંધે થોડુંએક કહીએ. 'વાર્તાની પસંદગી' અને 'વાર્તાનો ક્રમ' એ પ્રકરણોમાં આડકતરી રીતે વાર્તાનું વસ્તુ કેવું હોવું જોઈએ તે સંબંધે થોડુંઘણું તો કહેવાઈ ગયું છે; છતાં વાર્તાને કહેવા યોગ્ય બનાવવા માટે વસ્તુનો થોડોએક વિચાર આવશ્યક છે. કહેવા યોગ્ય વાર્તા બનાવવા માટે જેમ આપણે વાર્તાની ભાષામાં અને રચનમાં ફેર કરીએ છીએ, તેમજ આપણે વાર્તાના વસ્તુમાં ફેરફાર કરી લેવાનો છે. વાર્તાની વસ્તુ શ્રેણીને માટે યોગ્ય હોય છતાં તેમાં ગૂંથેલો આદર્શ ઘણી વાર અવ્યવહાર્ય અથવા અનિષ્ટ હોય છે. એક જમાનાએ પોતાની વાર્તાઓમાં જે આદર્શ સ્વીકાર્યો હોય તે જ આદર્શ બીજા જમાનાએ સ્વીકારવો એવી આપણી હઠ ન હોવી જોઈએ. એક જમાનાએ એમ માન્યું કે શિક્ષા અને ભય વિના નીતિ શકય નથી તેથી તે જમાનાએ પોતાની વાતોમાં સ્વર્ગ અને નર્કની કલ્પનાઓ કરી, ને સારા માણસને સ્વર્ગ આપ્યું અને નઠારા માણસને નર્ક આપ્યું. જે જમાનાએ મનના ધર્મની ખોટી કલ્પના કરી શિક્ષણની ચાવી ઇનામમાં મૂકી તે જમાનાએ પોતાની વાતોમાં ઇનામને યાને બદલાને મહત્ત્વ આપ્યું. જે જમાનાએ પોતાની મિલ્કતમાં વધારો કરવો અને બીજાની મિલ્કતની ઉચાપત કરી જવી એમાં બહાદુરી માની તે જમાનાએ લૂંટારાની બહાદુરીની કથાઓ પ્રેમથી કરી. જે જમાનામાં પતિ પાછળ બળી મરવું એ જ સ્ત્રીનો પરમ ધર્મ ગણાતો હતો તે જમાનાએ સતીઓના મહિમાની મોટી મોટી કથાઓ રચી. જે જમાનાએ ભોગવિલાસ આદર્શ માન્યો હતો તે જમાનાએ પોતાની વાતોમાં શૃંગારને સ્થળે સ્થળે ભર્યો હતો. જો આપણને શંકરાચાર્યના જમાનાની વાર્તાઓ મળે તો તેમાં એકેશ્વરવાદ અને મિથ્યાવાદની મહત્તા નજરે પડે. બુદ્ધનાં જાતકોમાં અહિંસાવાદ વધારે નજરે પડે છે. શ્રીકૃષ્ણના જમાનાની વાતો પ્રેમકથાઓનો ભંડાર છે. ક્રાઈસ્ટના જમાનાની વાતોમાં પ્રેમ ને ક્ષમા સ્થળે સ્થળે દેખાય છે. સહજાનંદ સ્વામીનાં 'વચનામૃતો'માં આચાર ઉપર વધારે ભાર મૂકેલો છે. આપણે આપણી વાતોમાં આ જમાનાના અને આગામી જમાનાના આદર્શો ઘડવાની જરૂર છે. વાર્તાઓનું વસ્તુ એનું એ જ રાખી દૃષ્ટિબિંદુને વાર્તાનો કહેનાર ચાલાકીથી ફેરવી શકે છે. એ દૃષ્ટિબિંદુના ફેરવવાની સાથે વાર્તાના આદર્શની દિશા સહેલાઈથી બદલાય છે. વાર્તાનું પ્રમુખ પાત્ર જે વાર્તામાં હજારોનાં માથાં ઉડાડી સાંભળનારની વાહવાહ હાંસલ કરે છે, તે જ પ્રમુખ પાત્રે નવી વાતોમાં હજારોના જીવો બચાવીને એટલી જ વાહવાહ હાંસલ કરવાની છે. જૂની વાર્તાના પ્રેમશૂરો જુવાન કોઈ એક રાજાની કુંવરીને હરી લાવીને પોતાનું પરાક્રમ બતાવે છે, તેને બદલે નવી વાર્તાનો પ્રેમશૂરો એકાદ અબળાને કોઈ અત્યાચારીઓના સપાટામાંથી અભયદાન આપવામાં બમણા સાહસને ખેડે છે. જૂની વાર્તામાં જ્યાં યુવાનયુવતી મળે ત્યાં પતિપત્ની થઈ જવા પ્રેરાય છે, તેને બદલે નવી વાર્તામાં યુવાન અને યુવતી સ્નેહી મિત્રો થઈ જાય એ પણ નવા જમાના પાસે ધરવા જેવો આદર્શ છે. આગલી વાર્તામાં લોહીથી ખરડાયેલી તલવાર શૂરાતનની નિશાની ગણાય તો નવી વાર્તામાં તે જ મારતી તલવાર ખેતરનું ઘાસ કાપવાનું સુંદર દાતરડું બની જાય એ કલ્પના પુરાણજૂની છતાં નવા યુગને ઝીલનારી થઈ પડે. જૂના તહેવારોના ખોખામાં નવો પ્રાણ પુરાય છે, જૂના ધર્મગ્રન્થોની જડમાં નવું રહસ્ય ઉકેલાય છે, એમ જ જૂની વાર્તાઓના આદર્શોમાં નવું ચેતન, નવો પ્રાણ ભરવાની આવશ્યકતા ઊભી જ છે. આપણે વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી તે વિચાર્યું. પણ સાથે સાથે આપણે જાણવું જોઈએ કે વાર્તા એટલે શું? વાર્તાની વ્યાખ્યા તો ન જ આપી શકાય. આપણે બધા મનથી તો સમજીએ છીએ કે વાર્તા એટલે શું? છતાં આપણા ધ્યાનમાં એટલું તો રહેવું જ જોઈએ કે જે કાંઈ આપણે બીજાને કહીએ કે સંભળાવીએ તે હંમેશ વાર્તા નથી હોતી. વાર્તાનો એક ગુણ કહેવા-સંભળાવવાનો છે ખરો; પણ તે એક જ ગુણમાં વાર્તાની પૂર્ણતા નથી થતી. દરેક જોડકણાને આપણે કાવ્ય નથી ગણતા તેમ દરેક હકીકતના જથ્થાને આપણે વાર્તા ન જ કહી શકીએ, વાર્તામાં કહેવાની યોગ્યતા તો હોવી જ જોઈએ. પણ તે ઉપરાંત બીજાં કેટલાંએક તત્ત્વોની તેમાં અપેક્ષા છે. પાત્ર, પ્રબંધ, વસ્તુસંકલના, રસ, દૃષ્ટિબિંદુ, પ્રવાહ, કલાયુક્ત ગોઠવણ, સ્વાભાવિકતા અને સરળતા, વગેરે લક્ષણો સંપૂર્ણ વાર્તાનાં આવશ્યક લક્ષણો છે. કોઈ કવિતામાં કવિત્વ છે કે નહિ તે આપણે જેમ અનુભવથી જાણી શકીએ છીએ, તેમ કોઈ વાર્તા વાર્તા છે કે નહિ તે આપણે થોડા અનુભવથી પણ સમજી શકીએ છીએ. વાર્તાને કહેવા યોગ્ય બનાવવાનો શ્રમ ઉઠાવતાં પહેલાં વાર્તા-અવાર્તાનો ભેદ જાણી લેવો જોઈએ. ટુચકાઓ વાર્તા નથી એવી જ રીતે ઓઠાંઓ પણ વાર્તા નથી; એ જ રીતે 'એકાદ ચોરને ઘરનાં બધાં માણસો જાગી ઊઠયાં તેથી નાસી જવું પડયું' એ વાત કાંઈ વાર્તા નથી; એમ જ 'એક છોકરો કજિયા કરતો હતો તેના મોઢામાં વીંછી પેસી ગયો.' એ હકીકત કાંઈ વાર્તા ન કહેવાય. બાળસદ્બોધ વાર્તાશતક, બાળકોની વાતો, નવરંગી બાળકો, ને એવાં બીજા બાળવાર્તાના કેટલાંએક પુસ્તકોમાં જે વાર્તાઓ આપી છે તે વાર્તાઓ જ નથી; દેશ દેશની રસમય વાતો અને દેશ દેશની માર્મિક વાતો પણ વાર્તાઓ નથી; એ જ પ્રમાણે ટચુકડી સો વાતોનાં સંગ્રહોમાં એવી ઘણી વાતો છે કે જેને આપણે વાર્તાઓ ન કહી શકીએ. એ વાતો ભલે ગણાય પણ વાર્તાઓ તો નથી જ. જો કે એ સંગ્રહોમાંની ઘણી વાતો વાર્તાઓ પણ છે.

'ટચુકડી બીજી સો વાતો'માંથી બે નમૂના આપું છું.

                                                           રાણી ખેલાવે મોર 
                  [ટચુકડી બીજી સો વાતો. લેખક:- હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા]
                                                  સમશ્યા.

આઠ કાઠની પૂતળી, બાંધ્યા નવસેં દોર, રાજા ચાલ્યા ચાકરી, (તો) રાણી ખેલાવે મોર. આ સમશ્યાનો અર્થ રેંટિયો થાય છે, કેમકે તેને લાકડાનાં આઠ પાટીઆં હોય છે, તે પાટીઆંને દોરી વડે બાંધેલાં હોય છે. રાજા ચાકરીએ ગયા, ત્યારે રાણીએ એ મોર-રેંટીઓ ચલાવવા માંડયો. પહેલાં રાજાની રાણીઓથી માંડીને સર્વ સ્થિતિની બાઈડીઓ રેંટીઓ કાંતતી; તેમાં કોઈ નાનમ સમજતું નહિ. જેને કાંતતાં ન આવડે તેની નિંદા થતી હતી. ગરીબ લોકોને તે ગુજરાનનું સાધન હતું, ને ધનવાનને નવરા બેસી રહેવાને બદલે એક જાતનો ધંધો કરવાનું તેથી મળતું. વળી એક બીજી સમશ્યા ચાલે છે :- ભમે ભમે પણ ભમરો નહિ, કોટે જનોઈ પણ બ્રાહ્મણ નહિ. આનો અર્થ પણ રેંટિયો થાય છે, કેમકે તે ફર્યા કરે છે છતાં ભમરો નથી, તેમ કોટે જનોઈ (માળા) છતાં તે બ્રાહ્મણ પણ નથી. મીઆભાઈ ચાકરી કરવા પરદેશ જવા નીકળતા હોય, તો તેને બુ કહેશે, કે "મેરા બના ગામ ના જઈઓ, ગામ ના જઈઓ; મેં ચરખા પૂણી કાંત ખિલાઉગી.” પરદેશ જવાથી બંને જુદાં પડે તેના કરતાં રેંટીઓ કાંતીને ગુજરો કરે અને ભેગાં રહે તે વધારે સારૂં. તાજીઆના દિવસમાં દુલા દુલા કરીને ફરનારા ગાય છે, કે "તમે કાંતો રે હો બીબીઆં.” બીબી ઉત્તર આપે છે, કે "મેં કયા કાંતુ, મેરે ચરખા નહિ, મેરે પૂણીઆં નહિ.” ત્યારે પેલો કહે, કે "આ ચરખા લો, આ પૂણીઆં લો, તમે કાંતો રે હો બીબીઆં.'


                          જમના માએ ચોરને નસાડયો
         [ટચુકડી બીજી સો વાતો. લેખક:- હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા]

એકવાર મારાં ભાભી વેગળાં બેઠેલાં હોવાથી ઘરના પાછલા ખંડમાં સુતાં હતાં. મારાં માતુશ્રી વચલા ખંડમાં ને અમે સૌ આગલા ખંડમાં હતાં. મધ્યરાત વીત્યા પછી વાડા તરફના પાછલા બારણાનું ચણિયારું ઉતારી એક ચોર અંદર પેઠો, અને મારા ભાભીને પગે કલ્લાં હતાં તે કાઢવા માટે બે હાથે પહોળા કરવા લાગ્યો; એવામાં મારાં ભાભી જાગી ગયાં, ને ચોર, ચોર, એવી બૂમો પાડવા લાગ્યાં. તેમની બૂમો સાંભળતાં જ મારાં માતુશ્રી ઊભાં થયાં, ને ઊભો રહે મારા રડયા તારો ઓસલો કૂટું, એમ કહેતાંકને તેમણે વચલું બારણું ઝટ લઈને ઉઘાડયું. એથી ચોર ગભરાયો ને પાછલે બારણેથી નીકળી નાઠો. જમનામા એટલેથી સંતોષ ન પામ્યાં. તે તો ચોરની પાછળ વાડામાં દોડયાં. ચોર વાડ કૂદાવીને ભાગી ગયો. તેમણે ઘરમાં પાછાં આવીને અમને સૌને જગાડયા. રાત અજવાળી હોવાથી મારા ભાઈ પગેરૂં જોતા તલાવ ભણી ચાલ્યા, પણ તલાવ નજીકથી પગલાં આગળ દેખાયાં નહિ, તેથી તે પાછા આવ્યા. મારા ભાઈએ કહ્યું, મા, ચોરની બૂમ પડી ત્યારે તેં અમને કેમ ઉઠાડયા નહિ? એકલી જોઈને તેણે કદી તને મારી હોત તો? તેમણે જવાબ આપ્યો, કે તમને ઉઠાડવા જતાં ચોર કલ્લાં લઈને નાસી જાત. મને કંઈ ચોરની બીક લાગી જ નહોતી ! બૈરાં બહુ કરીને સ્વભાવે બીકણ હોય છે. ચોરનું નામ સાંભળીને જે ડરી મરે, તે ચોરની પાછળ ધાવાની હિમ્મત કેમ કરી શકે? "હિમ્મતે મરદા, તો મદદે ખુદા" આવી ચઢે. બાળસદ્બોધ વાર્તાશતકમાંથી અહીં એક બીજો નમૂનો વાંચનાર પાસે મૂકું છું.

                                                 ખૂંટ 
                 [બાળસદ્બોધ વાર્તાશતક. લેખક :- ખંડુભાઈ મકનજી ઉમરવાડિયા.]


અમુલખ નામનો એક પાટીદાર હતો. તે એક સુશોભિત બંગલામાં રહેતો હતો. બંગલાની આસપાસ બગીચો બનાવ્યો હતો; અને તેની અંદર તરેહ તરેહનાં ફળનાં ઝાડ રોપ્યાં હતાં. અમુલખ બહુ લુચ્ચો માણસ હતો. તેણે પોતાના પાડોશીનું બીડ પોતાના બંગલા પાસે આવેલું હતું, તેમાંની જમીન પોતાના બગીચામાં દબાવી લેવા સારૂં, જે ખૂંટ હતું તે રાત્રે ચોરીથી ઘણે છેટે સુધી ખસેડી નાંખ્યું. આ પછી કેટલાક દિવસ વિત્યા કેડે, અમુલખ એક ઝાડ પર નીસરણી ટેકવીને કમર પર તોડવા ચઢયો. દૈવ જોગે નીસરણી લપસી ગઈ, અને અમુલખ પીઠભેર જે ખૂંટ તેણે ખસેડયું હતું, તે પર પડયો; અને તેની ગરદન તૂટી ગઈ. જો તેણે એ ખૂંટ નહિ ખસેડયું હોત, તો તે ખાસાં નરમ ઘાસમાં પડત, અને તેથી તેને ઘણું જ થોડું વાગત. પણ ઈશ્વર અહિંઆનો અહિંઆં જ છે. પોતે નિશાનનો પથ્થર દગાથી ખેસડયો. તે જ પથ્થરથી પોતાની ગરદન તૂટી ને કેટલાક મહિના સુધી ખાટલો ભોગવી આખરે મરણ પામ્યો. કહેવત છે કે, "કરે તેવું પામે." આટલું લખ્યા પછી સાધારણ રીતે આ વાર્તાથી સાવધ રહેવા જેટલી કાળજી તો વાર્તા કહેનારમાં આવી જવી જોઈએ. હવે એકબે બીજી વાતો લખી નાખું. જેમ આપણે સ્વભાષામાં લખાયેલી વાર્તાઓને કહેવા યોગ્ય બનાવી લેવાની છે તેમ જ પરભાષાની વાર્તાઓને પણ કહેવા યોગ્ય કરવાની કળા કેળવવાની છે. વિવિધતા ખાતર અને વિપુલતા ખાતર પરભાષાની વાર્તાઓ આપણે આપણી ભાષામાં ઉતારવી જોઈએ. આપણી ભાષામાં અંગ્રેજી ભાષાની ઘણી વાર્તાઓનાં ભાષાંતરો થઈ ચૂક્યાં છે પણ તે ભાષાંતરો જુદી જ દૃષ્ટિથી થયેલાં છે. અંગ્રેજીમાં કહેવા યોગ્ય વાર્તાઓનો જે સમૂહ છે તે સમૂહમાંથી થોડી જ વાર્તાઓ હજી આપણી ભાષામાં ઊતરી છે, અને તે પણ આપણે જેવી રીતે જોઈએ છે તેવી રીતે તો નહિ જ. અંગ્રેજી ભાષામાંથી વાર્તાઓ ઉતારતી વખતે ખૂબ કાળજી રાખવાની છે. ભાષા ફેરવવાથી આપણા ખવાસને રુચે ને બંધ બેસે તેવી વાર્તા બની જતી નથી. મડમને ગુજરાતી સ્ત્રીનાં કપડાં પહેરાવવાથી તે થોડી જ ગરવી ગુજરાતણ બને છે ? ભાષાનાં વસ્ત્રોનો ફેરબદલો કરવાની સાથે જ તેના રૂપમાં, રંગમાં અને પ્રાણમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. બીજી ભાષાની વાર્તાઓમાંથી આપણને વસ્તુની દિશા મળે છે. એ વસ્તુને આપણા ઢાળામાં કેવી રીતે ગોઠવવું કે જેથી તે આબાદ સ્વદેશી થઈ જાય. તેટલી કુશળતા આપણામાં હોવી જોઈએ. મૂળ વસ્તુ એક વિચારરૂપ કે આધારરૂપ રહે ત્યાં સુધી કાંઈ હરકત જેવું નથી. ટૂંકમાં કહીએ તો કીડામાંથી જેમ ભમરી બની જાય છે તેમ પરદેશી વસ્તુએ સ્વદેશી બની જવું જોઈએ. એક અંગ્રેજી વાર્તાનો ફેરફાર પ્રયત્નરૂપે અહીં મૂકું છું. મૂળ વાર્તા આ પ્રમાણે છે :-

                                 The Bird of Shadows and the Sun Bird
                                         [My Days with the Fairies.]

Little Agatha lived in the days when castles were as common in the land as cottages are now, and when there were plenty of magicians always ready to help people out of difficulties. One of the castles was Agatha's home. I stood on a hill and was surrounded by a dark wood. Agatha was a lonely little girl; she had no sisters of brothers to play with. She used to stand at the narrow window in the castle-tower and look out into the wood, and long to run about with other little girls. If you had seen her you would have thought her a very funny figure in her long gown reaching nearly to the ground, and a close cap over her curls. In the evening Agatha could see very little when she stood at the window, but still she stood there and looked at the dark. It was then that the nightingale, the Bird of Shadows, sang to her; and this was that she liked better than anything else. She thought the nightingale's voice was lovely to her, and she wondered why it was so sad. Evening after evening the lonely little girl looked out through the tower-window listening to the nightingale, till she felt that he was her friend. Sometimes she spoke to him. "How much I should like to fly out of the window and be a nightingale too !" she said. "Then we would play to-gether in the wood, and I should have a voice like yours-ever so sweet and ever so sad." Sometimes she tried to sing, but she found her voice was not in the least like the nightingale's. Every day she became more anxious to be a nightingale, until at last she thought about it always, and yet seemed no nearer to her wish. She hoped sometimes that her curls might turn to feathers; but after several weeks of wishing she saw that the curls were still made of yellow hair. She began to be afraid she would never be anything but a little girl.' One day she heard some of the maids talking together. They were speaking of the Wise Man, the magician, who lived in the dark cave on the side of the hill, and could do the most wonderful things. In fact they said, there was hardly anything he couldn't do; you had only to tell him what you wanted most and he could manage it for you. "Perhaps be could turn me into a nightingale," thought Agatha. "I'll go and ask him, anyway." So while the maids were still talking she slipped out of the castle, and through the wood, and down the hill till she came to the dark cave. Her long frock caught on the brambles as she went, and her hands were a good deal scratched, and once she tripped and fell. But of course she did not mind anything of that kind, because she was thinking all the time about the nightingale. Agatha walked into the cave without knocking and found the magician at home. I dare say you know that all good Magicians have kind faces and long white beards. This one was a good Magician, so he had a kind face and a long white beard. Agatha was not in the least afraid of him. She told him at once why she had come. "Please," she said, "I want to be a nightingale." "A nightingale, my dear?" said the Wise Man. "That is a very strange thing for you to want to be C Don't you know that the nightingale is the Bird of Shadows, who sings by night and is very sad?" "I shouldn't mind that a bit," Said Agatha, "If I could only fly about and sing with a beautiful voice."

"Well, then." Said the Wise Man, "If you don't mind being sad, this is what you must do. Every day you must come here to see me, and each time you must bring me one of the pearls from your necklace." Agatha clasped her hands tightly round her neck, as if to save her pearls. She wore them in a chain, and the chain was so long that it passed twice round her neck and them fell in a loop that reached nearly to her waist. "Oh, must it be my pearls?" she asked eagerly. "Would nothing else do instead? I have some very nice things at home-really nice things. I have some lovely toys, and a gold chain, and a pony, and-oh, lots of things. Wouldn't you like some of those?" "No," said the Wise Man. "I must have the pearls if you want to fly about and sing with a beautiful voice. Nothing else will do. For every pearl you bring me I will give you a feather from the nightingale, the Bird of Shadows." Agatha went home slowly, still clasping her pearls tightly in her hands. She liked them better than anything she had. She liked to watch the soft lights and shades on them, and to think of the wonderful sea they came from. She did not feel sure that it was worth while to give them up even for the sake of being a bird and learning to sing. But in the evening, when she stood by the tower window as usual, and listened to the nightingale, she had no longer any doubts as to what she should do. To be able to sing like the nightingale was more important than anything else, she felt. And besides, if she were going to be turned into a bird the pearls would not be of much use to her in any case. She was pretty sure that nightingales never wore pearl necklaces. The next day she slipped one of the pearls off her chain, and then she ran out of the castle and through the wood and down the hill, till she came to the dark cave. The Wise Man smiled when he saw her. "Here is" She began, and then could say no more, because of the lump in her throat. The Wise Man looked rather sorry for her but he took the pearl without speaking. Then he gave her the feather he had promised her, and she went away again. As she climbed the hill, and ran back through the wood to the castle, she tried to feel glad that she had the feather instead the pearl. For a long, long time the same thing happened every day. Every day Agatha slipped a pearl off her chain and then ran out of the castle and through the wood and down the hill, till she came to the dark cave; and every day she brought home a little feather instead of her pearl. The long loop of the chain grew shorter and shorter. The time came when it was not a long loop at all, but fitted closely round Agath's neck as the other loops did. By-and-by the time came when the chain would only pass twice round her throat; then be time came when it would only go round her throat once; then it grew too short to reach round her throat at all, and she was obliged to turn it into a bracelet. Then it became too short for her wrist, and she made it into a ring. And all the time her store of feathers was growing larger and larger till it seemed to her that there were enough to make at least ten nightingales; but this was because she did not know how many feathers a nightin- gale likes to have. When there were only two pearls left, the Wise Man said to her. :- "When you bring me the last pearl you must bring me the feathers too; and after that you will be able to sing with a beautiful voice and to fly wherever you like." So when Agatha left the gloomy old castle for the last time the was not able to run through the wood, because she was carrying a big bag of feathers as well as the pearl. She was feeling very much excited when she gave the bag of feathers to the Wise man. He put the last pearl carefully away with the others. And then he took the bag of feath- ers and emptied it over Agatha's head. As he did so he said some of the strange long words that Wise Menace. And then - Agatha was there no longer. There was nothing to be seen of her except a little heap of yellow curls, which the Wise Man kept to give to the next person who asked him for gold. But out of the leave there flew a happy bird. It flew far, far up into the sky, singing with a beautiful voice. It flew higher up into the sky than any nightingale ever flew. For the Wise Man had done more than he had promised. The bird's beautiful voice was not the voice of the nightingale, the Bird of Shadows, but the voice of the lark, the Sun Bird, who is never sad. ઉક્ત મૂળ વાર્તા ઉપરથી ગુજરાતીમાં બનાવેલી વાર્તા આ પ્રમાણે છે :-

                                     બુલબુલ અને કમળા

એક મોટું એવું જંગલ હતું. એમાં એક ઊંચો ઊંચો કિલ્લો હતો. કિલ્લામાં એક સુંદર મહેલ હતો. મહેલમાં એક છોકરી રહે. એનું નામ હતું કમળા. કમળ જેવી જ એની રૂપાળી આંખો. કમળાને ગાવાનું મન ઘણું થાય પણ ગાતાં ના આવડે. આકાશમાં ઊડવાનું તો એને બહુ જ ગમે, પણ પાંખો વિના એ શી રીતે ઊડે ? રોજ સાંજે કમળા એ કિલ્લાની બારીએ બેસે ને બુલબુલની રાહ જુએ. ચાંદો ઊગે એટલે બુલબુલ આવે. કિલ્લાને કાંગરે બેસે ને ચાંદનીનું ગીત ગાય.

કમળા એની સામે જોયા જ કરે, ને એનું મીઠું મીઠું ગીત સાંભળ્યા જ કરે. સાંભળવામાં કમળા ખાવું ય ભૂલી જાય ને પીવું ય ભૂલી જાય. પણ પછી ઊંઘ આવે એટલે આંખોનાં પોપચાં બિડાય ને કમળાને જઈને પથારીમાં પડવું પડે. કમળા રોજ બુલબુલનું ગીત સાંભળે ને લાંબા લાંબા ને ઊના ઊના નિસાસા મૂકે. મનમાં ને મનમાં કહે : "હે ભગવાન! તેં મને બુલબુલ જેવું સુંદર ગીત ગાતાં કેમ ન શીખવ્યું? હે ભગવાન ! તેં મને બુલબુલનાં પીંછાં જેવાં સુંદર પીંછાં આપ્યાં હોત તો કેવું સારું થાત? હે પ્રભુ ! મને પાંખો આપી હોત તો કેવી મજા આવત? હું તો દિવસ ને રાત ઊડયા જ કરત. ઝાડ ઉપર બેસવા પણ ઊતરત નહિ." પૂનમની રાત હતી. ચાંદનીનું ગીત ગાતું ગાતું બુલબુલ આવ્યું ને કમળાની પાસે જ બેઠું. એનું ગીત એવું તો મીઠું હતું કે બસ ! પણ કમળાનું હૈયું તો બળવા લાગ્યું. એણે એક લાંબો નિસાસો મૂકયો; બુલબુલે તે સાંભળ્યો. બુલબુલ વિચારમાં પડી ગયું; એનું ગીત બંધ પડી ગયું. ધીમેથી એણે કમળાને પૂછ્યુંઃ "બેન ! આમ નિસાસા કેમ નાખે છે? આજ આમ બેચેન કેમ છે, બાપુ !"

કમળા કહે : "બાપુ ! મારું દુઃખ કહ્યું જાય તેમ નથી. મારું દુઃખ કાંઈ જેવું તેવું નથી. મારા જેવું દુ:ખ કોઈને નહિ હોય.” બુલબુલ કહે : "બાપુ ! એવું તે કેવું દુઃખ છે? એકવાર તું મને કહે તો ખરી? હું તારું દુઃખ મટાડવા જરૂર મહેનત કરીશ." કમળા કહે : "ભાઈ ! જોને, મને તારા જેવું ગાતાં નથી આવડતું. મારા ગળામાંથી એકે ય ગીત નથી નીકળતું. આકાશમાં ઊડવાની મને ઘણી હોંશ થાય છે, પણ શું કરું ? મારે પાંખો નથી. આ હાથ ને આ પગ કરતાં મને પાંખો આપી હોત તો હું કેટલી બધી સુખી થઈ જાત ! અને આ તારાં રંગબેરંગી ને સુંદર પીંછાં મને બહુ જ ગમે છે. મારા આ સોનેરી વાળના ગુચ્છા એની આગળ કશા ય હિસાબમાં નથી." બુલબુલ કહે : "પણ બેન ! એમાં આટલી બધી દિલગીર શા માટે થાય છે? અમે પક્ષી એટલે અમને પાંખો હોય જ ના? સુંદર પીંછાં તો અમારી શોભા છે. પરમેશ્વરે અમને પક્ષી બનાવીને આટલું એક સુંદર ગળું ન આપ્યું હોત તો અમારું દુઃખ કેટલું બધું વધી પડત તેનો ખ્યાલ તને કયાંથી આવે?" કમળા કહે : "પણ ભાઈ! મને તો પક્ષી થવું બહું ગમે છે. મારે તો આ માણસનું શરીર નથી જોઈતું. જે શરીરથી ઉડાય નહિ, જે ગળામાંથી બુલબુલ જેવું ગીત ન નીકળે ને જે ડિલે રંગબેરંગી પીંછાં ન હોય, તે શરીર તે કોને ગમે?”

બુલબુલ કહે : "ત્યારે શું તારે પક્ષી થવું છે?" કમળા કહે : "હા ભાઈ! એમ જ છે. પંખી થાઉ તો ચાંદા ને સૂરજ સુધી ઊડી ઊડીને જાઉં. આખું આકાશ તો આંખના પલકારામાં ફરી આવું. એકેએક તારાનું ઘર જોઈને પાછી વળું. મોટા મોટા પર્વતની ટોચે જઈને બેસું, ને ત્યાંથી ધરતીને નિહાળું. મોટી મોટી નદીઓ જમીન ઉપર દોડે ને હું પાણીના પ્રવાહ સાથે હવામાં દોડું. માછલાં નદીમાં નાહ્યા કરે તો હું હવામાં જ નાહ્યા કરું; ને ગીતો ગાવાની તો વાત જ શી કરું! મારું ગળું દુઃખી જાય તોપણ હું તો ગાયા જ કરું. તું તો બાપુ ! રાતે જ ગાય છે; હું તો દિવસ ને રાત જંપીને બેસું જ નહિ. મારું દિલરુબા તો વાગ્યા જ કરે. ચાંદનીનું ગીત આખી રાત ગાઉ; સૂરજના તેજનું ગીત લલકારું; વાદળનું ને પવનનું ગીત ગાયા કરું. ને મારાં રંગબેરંગી પીંછાંનું હું શું કરું. કહું? મારા જેવાં પીંછાં વિનાનાં નાનાં બાળકોના હાથમાં એક એક પીંછું મૂકી આવું, ને તેમને રાજી રાજી કરી દઉં. બાપુ! કાંઈ રસ્તો હોય તો મહેરબાની કરીને બતાવ કે હું તારા જેવી જ બની જાઉ.” બુલબુલ કહે : "ઠીક બેન ! ત્યારે જો બુલબુલ થવું હોય તો હું કહું એમ કર. અહીંથી દૂર દૂર એક ટેકરી છે. એમાં એક ગુફા છે. એમાં એક ઘરડા જાદુગર રહે છે. એની પાસે જજે. એ ઘણા ભલા છે. એને છોકરાં ગમે છે. એને માણસમાંથી પક્ષીઓ અને પક્ષીઓમાંથી માણસ બનાવતાં આવડે છે. જઈને પગે પડજે અને કહેજે કે 'બાવાજી, બાવાજી ! મને બુલબુલ બનાવો. હું તમને જે માગશો તે આપીશ." કમળા તો ખુશી ખુશી થઈ ગઈ. તેને થયું : "કયારે સવાર પડે ને બાવાજી પાસે જાઉ?" વિચારમાં ને વિચારમાં અરધી રાત સુધી તેને ઊંઘ ન જ આવી; મળસ્કે ઊંઘ આવી. પણ તેમાં તો કમળાને બુલબુલનાં જ સ્વપ્નાં આવ્યાં. સ્વપ્નમાં પોતે બુલબુલ બની ગઈ ને આકાશમાં ઊડવા લાગી. તારા ને સૂરજ-ચાંદાનાં દેશમાં જઈ આવી, ને પવનની સાથે રમતો રમી આવી. સવાર પડી; સૂરજ ભગવાન ઊગ્યા; દુનિયા સોનાની થઈ ગઈ. કમળા ઊઠી. ઝટપટ નાહીધોઈ લીધું. દૂધ જેવી ધોળી ઘાઘરી ને ફૂલ જેવું હળવું પોલકું પહેર્યું. ગળામાં પોતાની વહાલી મોતીની માળા પહેરી. એકલી એકલી જંગલમાં ચાલી. રસ્તામાં ખાડાટેકરા આવે અને પડી જાય, પણ વળી પાછી ઊભી થાય ને ચાલવા માંડે. જાળાં ઝાંખરાંમાં ઘાઘરી ભરાય ને ફાટી જાય, પણ જરા ય રડે નહિ. એકવાર તો નદીમાં લપસી પડી. પણ પછી ઊભી થઈને ઘાઘરી સૂકવીને આગળ ચાલી. એમ કરતાં કરતાં કમળા ગુફા પાસે આવી. તડકો થઈ ગયો હતો; સૂરજ ભગવાન આકાશ વચ્ચોવચ્ચ આવ્યા હતા. કમળાને ખૂબ ભૂખ લાગી હતી. પણ ગુફા પાસે આવી એટલે થાક, તડકો ને ભૂખ બધાં ય ઊડી ગયાં; ગુફા જોઈને તે તો રાજીના રેડ થઈ ગઈ.

ગુફાના મોં આડી એક મોટી શિલા હતી. કમળાએ હળવેથી તેને કોરે કરી. અંદર જુએ છે તો એક મોટું ભોંયરું. એમાં એક ઝાંખો દીવો બળે. કમળા તો અંદર ચાલી. જરાયે બીતી ન હતી; તેની છાતી થડકી નહિ ને પગ પણ ઢીલા થયા નહિ. જરાક ઊંડે ગઈ ત્યાં બે દીવા બળે. દીવા પાસે પેલો જાદુગર બેઠેલો. ધોળી ધોળી રૂ જેવી એની દાઢી. આંખ ઉપર જૂનાં અને ભાંગેલાં ચશ્માં પહેર્યાં હતાં. ચશ્માંની એક દાંડલી તૂટી ગઈ હતી, તેને બદલે દોરો બાંધ્યો હતો. હાથમાં પીળા પારાની માળા હતી ને ડાબે પડખે પીંછાંનો મોટો ઢગલો પડયો હતો. એ પીંછા બુલબુલના હતાં. કમળાને જોઈને બાવાજી કહે : "કોણ એ અત્યારે મારી એકાંત ગુફામાં?” કમળા કહે : "બાવાજી ! એ તો હું છું, તમારી દીકરી કમળા." કમળા બાવાજીને પગે લાગી. બાવાજીએ આશીર્વાદ આપ્યોઃ "બેટા તારું ભલું થશે." પછી કમળાએ બાવાજીને કહ્યું : "બાવાજી ! મારે બુલબુલ થવું છે. મારે આકાશમાં ઊડવું છે ને મીઠાં મીઠાં ગીતો ગાવાં છે.” બાવાજી કહે : "હેં હેં, કમળા ! માણસ મટીને તારે પક્ષી થવું છે? એ તે તને શું સૂઝયું? એમાં તે શો લાભ છે?" કમળા કહે : "બાવાજી ! મારે તો બુલબુલ થવું છે. મને ગાવું ને ઊડવું બહુ ગમે છે. હવે તો હું કિલ્લામાં ને મહેલમાં બેસીને થાકી ગઈ છું. મારે તો હવે આવડા મોટા આકાશમાં ઊડયા જ કરવું છે.” બાવાજી કહે : "ઠીક ત્યારે. મને તારી આ મોતીની માળા આપી દેજે. રોજ એક એક મોતી લાવજે ને તેને બદલે આમાંથી એક એક પીછું લઈ જજે. તું બધાં ય મોતી આપી દઈશ ત્યારે હું તને બુલબુલ બનાવી દઈશ." કમળા વિચારમાં પડી ગઈ. બાવાજી કહે : "એમ મોતીનો લોભ કરીશ તો બુલબુલ નહિ બનાય." કમળા કહે : "બાવાજી ! મોતીનો રંગ તો મને ગમે છે, પણ તેથી ય વધારે વહાલાં મને બુલબુલનાં પીંછાં લાગે છે. મારે હવે મોતીનું કામ નથી.” કમળા ઘેર આવી. એના હૈયામાં હરખ તો માય નહિ. હવે તો પોતે બુલબુલ થવાની હતી.

પછી તો રોજ કમળા બાવાજીની ગુફાએ જાય; એક મોતી બાવાજીને આપે અને એક પીંછું લઈ આવે. એમ કરતાં કરતાં છેલ્લો દિવસ આવ્યો. કમળા બાવાજી પાસે પીંછાંનો ઢગલો લઈને ચાલી. મનમાં ને મનમાં બોલતી જાય : "હાશ, આજે તો હવે જરૂર બુલબુલ થવાશે !” કમળા બાવાજી પાસે પહોંચી. બાવાજી કહે : "કેમ, શો વિચાર છે? પક્ષી થઈ જવું છે?" કમળા કહે : "હા જી, મારે તો પક્ષી થવું જ છે." બાવાજીએ કમળાને કહ્યું : "ધ્યાન ધર." કમળા ધ્યાન ધરવા બેઠી. ત્યાં તો બાવાજીએ પીંછાનો ઢગલો કમળાના માથા ઉપર નાખ્યો ને પછી "એક, બે ને ત્રણ !" કહ્યું ત્યાં તો કમળામાંથી એક પક્ષી બની ગયું. એ પક્ષી બુલબુલ ન હતું; એ તો હતું ચંડોળ. બાવાજી કહે : "કમળા ! મેં તને ચંડોળ બનાવ્યું છે. બુલબુલ તો રાતે જ ગાય, ને ચંડોળ તો દિવસે ય ગાય ને રાતે ય ગાય. બુલબુલનો રાગ મીઠો છે, પણ ચંડોળનો રાગ તેથી ય મીઠો છે. બુલબુલનાં પીંછાં સુંદર છે પણ ચંડોળનાં પીંછાં એથી ય સુંદર છે. તું મને બહુ ગમે છે, તેથી મેં તને ચંડોળ બનાવી છે.” ઊડતું ઊડતું ચંડોળ બુલબુલ પાસે આવ્યું. બુલબુલ દોડીને કમળાને ભેટયું; કહે : "આવ આવ, મારી વહાલી બેન કમળા !” કમળા કહે : "છટ્ ! અરે હું તે હવે કમળા કયાં છું? જો તો ખરું, હું તો હવે સુંદર ચંડોળ બની ગઈ છું." ચંડોળ દિવસે ગાય ને રાતે ઊંઘે; ને બુલબુલ રાતે ગાય ને દિવસે ઊંધે. પણ સવારસાંજ બંને ભેગાં થાય ને મીઠી મીઠી વાતો કરે. રોજ બંને પક્ષીઓ ભેગાં થાય ને કિલ્લાની બારીએ ને કાંગરે બેસે ને ગીતો ગાય. તમારે એમને જોવાં હોય તો કમળાના કિલ્લા પાસે જવું ને બારી સામે જોવું. વળી પંજાબી, મરાઠી, બંગાળીને એવી સ્વદેશી ભાષાઓમાં રહેલી વાર્તાઓને ગુજરાતી ભાષામાં ઉતારવાનું કામ પણ કરવાનું છે. "પંજાબી વાતો" નામના વાર્તાના અંગ્રેજી સંગ્રહમાં એક વાર્તા નીચે પ્રમાણે છે. :-

                      The Death and Burial of Poor Hen-sparrow
      [Tales of the Punjab by. F.A. Steel. Fine feathers make fine birds, we all know]


Once upon a time there lived a cocksparrow and his wife, who were both growing old. But despite his years the cock-sparrow was a gay, festive old bird, who plumed himself upon his appearance, and was quite a ladies' man. So he cast his eyes on a lively young hen, and determined to marry her, for he was tired of his sober old wife. The wedding was a mighty grand affair and everybody was as jolly and merry as could be, except of course the poor old wife, who crept Away from all the noise and fun to sit disconsolately on a quiet branch just under a crow's nest, where she could be as melancholy as she liked without anybody poking fun at her. Now while she sat there it began to rain, and after a while the drops, soaking through the crow's nest, came drip-dripping on to her feathers; she, however, was far too miserable to care, and sat there all huddled up and poppy till the shower was over. Now it so happened that the crow had used some scraps of dyed cloth in lining its nest, and as these became wet the colors ran, and dripping down on to the poor old hen-sparrow beneath, dyed her feathers until she was as gay as a peacock. and she really looked quite spruce; so much so, that when she flew home, the new wife nearly burst with envy and asked her at once where she had found such a lovely dress. "Easily enough," replied the old wife; "I just went into the dyer's vat." The bride instantly determined to go there also. She could not endure the notion to the old thing being better dressed than she was, so she flew off at once to the dyer's and being in a great hurry, went pop into the middle of the vat, without waiting to see if it was hot or cold. It turned out to be just scalding; consequently the poor thing was half boiled before she managed to scramble out. Meanwhile, the gay old cock, not finding his bride at home, flew about distractedly in search of her, and you may imagine what bitter tears he wept when he found her, half drowned and half boiled, with her feathers all away, lying by the dyer's vat. "What has happened?" quote he. But the poor bedraggled thing could only gasp out feebly. :- "The old wife was dyed – The nasty old cat ! And I, the gay bride,

Fell into the vat !"

Whereupon the cock-sparrow took her up tenderly in his bill and flew away home with his precious burden. Now, just as he was crossing the big river in front of his house, the old hen-sparrow, in her gay dress, looked out of the window, and when she saw her old husband bringing home his young bride in such a sorry plight she burst out laughing shrilly, and called aloud. "That is right! Right! Remember what the song says -

"Old Wives must scramble

through water and mud,
But young wives are carried

day-shod o'er the flood." This allusion so enraged her husband that he could not contain himself, but cried out, "Hold your tongue, you shameless old cat !" Of course when he opened his mouth to speak, the poor draggled bride fell out and going plump into the river, was drowned. Whereupon the cock-sparrow was so distracted with grief that he picked off all his feathers until he was a bare as a ploughed field. Then going to a pipal tree, he sat all naked and forlom on the branches, sobbing and sighing. "What has happened?" cried the pipal tree, aghast at the sight. "Don't ask me !" wailed the cock-sparrow; "it isn't manners to ask questions when a body is in deep mourning." But the pipal would not be satisfied without an answer, so at last poor bereaved cock-sparrow replied: - "The ugly hen painted.

By jealousy tainted. 

The pretty hen died.

Lamenting his bride, 

The cock, bald and bare, Sobs loud in despair !" On hearing this sad tale, the pipal became overwhelmed with grief, and declaring it must mourn also, shed all its leaves on the spot. By and by a buffalo, coming in the heat of the day to rest in the shade of the pipal tree, was astonished to find nothing but bare twigs.

"What has happened?" cried the buffalo; "you were green as possible yesterday?"

"Don't ask me!" whimpered the pipal. "Where are your manners ? Don't you know it isn't decent to ask questions when people are in mourning?"

But the buffalo insisted on having an answer, so at last, with many sobs and sighs, the pipal replied :- "The ugly hen painted. By jealousy tainted.

The pretty hen died. 

Bewailing his bride, The cock, bald and bare

Sobs loud in despair; 

The pipal tree grieves By shedding its leaves !" "Oh dear me!" cried the buffalo, "How very sad! I really must mourn too! "So she immediately cast her horns, and began to weep and wail. After a while, becoming thirsty, she went to drink at the riverside. "Goodness gracious!" cried the river, "what is the matter? And what have you done with your horns ?" "How rude you are!" wept the buffalo. "Can't you see I am in deep mourning? And it isn't polite to ask questions." But the river persisted, until the buffalo, with many groans, replied :- "The ugly hen painted.

By jealousy tainted. 

The pretty hen died. Lamenting his bride,

The cock, bald and bare,
Sobs loud in despair; 

The pipal tree grieves

By shedding its leaves; 

The buffalo mourns

By casting her Horns !"

"Dreadful!" cried the river, and wept so fast that its water became quite salt.

By and by a cuckoo, coming to bathe in the stream, called out, "Why, river ! What has happened? You are as salt as tears?" "Don't ask Me!" mourned the stream, "it is too dreadful for words !" Nevertheless, when the cuckoo would take no denial, the river replied :- "The ugly hen painted.

By jealousy tainted. 

The pretty hen died. Lamenting his bride, The cock, bald and bare,

Sobs loud in despair; 

The pipal tree grieves By shedding its leaves; The buffalo mourns

By casting her Horns 

The stream weeping fast,

Grows briny at last!"

"Oh dear! Oh dear me!" cried the cuckoo, "how very very sad! I must mourn too!" So it plucked out an eye, and going to a corn- merchant's shop, sat on the doorstep and wept. "Why, little cuckoo! What's the matter?" cried Bhagtu the shopkeeper. "You are gener- ally the prettiest of birds, and today you are as dull as ditch-water!" "Don't ask me!" snivelled the cuckoo. "It is such terrible grief! Such dreadfull sorrow! Such-such horrible pain!" However, when Bhagtu persisted, the cuckoo wiping its one eye on its wing replied :- "The ugly hen painted.

By jealousy tainted. 

The pretty hen died. Lamenting his bride,

The cock, bald and bare, 

Sobs loud in despair; The pipal tree grieves

By shedding its leaves; 

The buffalo mourns By casting her Horns The stream weeping fast, Grows briny at last;

The cuckoo with sighs 

Blinds one of its eyes !" "Bless my heart!" cries Bhagtu, "But that is simply the most heart-rendering tale I ever heard in my life ! I must really mourn likewise !" Whereupon he wept, and wailed, and beat his breast until he went completely out of his mind; and when the Queen's maidservant came to buy of him, he gave her pepper instead of turmeric, onion instead of garlic and wheat insetted of pulse. "Dear me, friend Bhagtu!" quote the maid- servant, "your wits are wool-gathering! What's the matter?" "don't please don't!" cried Bhagtu, "I wish you wouldn't ask me, for I am trying to forget all about it. It is too dreadful-too, too terrible!" At last, however, yielding to the maid's entreaties, he replied, with many sobs and tears :- "The ugly hen painted. By jealousy tainted. The pretty hen died. Lamenting his bride, The cock, bald and bare, Sobs loud in despair; The pipal tree grieves By shedding its leaves; The buffalo mourns By casting her Horns The stream weeping fast,

Grows briny at last; 

The cuckoo with sighs

Blinds one of its eyes 

Bhagtu's grief so intense is, He loses his senses!" "How very sad!" exclaimed the maid- servant. "I don't wonder at your distress; but it is always so in this miserable world! -every- thing goes wrong!" Whereupon she fell to railing at everybody and everything in the world, until the Queen said to her, "What is the matter, my child? What distresses you?" "Oh!" replied the maid-servant. "The old story! Every one is miserable, and I most of all! Such dreadful news! :- "The ugly hen painted. By jealousy tainted.

The pretty hen died.

Lamenting his bride, The cock, bald and bare,

Sobs loud in despair; 

The pipal tree grieves

By shedding its leaves; 

The buffalo mourns

By casting her Horns 

The stream weeping fast,

Grows briny at last;
The cuckoo with sighs
Blinds one of its eyes
Bhagtu's grief so intense is,
He loses his senses; 

The maid-servant wailing Has taken to railing!" "Too true!" wept the Queen, "too true! The world is a vale of tears! There is nothing for it but to try and forget!" Where upon she sat to work dancing away as hard as she could. By and by in came the Prince, who, seeing her twirling about, said, "Why, mother! What is the matter?" The Queen, without stopping, gasped out- "The ugly hen painted. By jealousy tainted. The pretty hen died. Lamenting his bride, The cock, bald and bare, Sobs loud in despair; The pipal tree grieves By shedding its leaves;

The buffalo mourns 

By casting her Horns The stream weeping fast,

Grows briny at last; 

The cuckoo with sighs

Blinds one of its eyes
Bhagtu's grief so intense is, 

He loses his senses; The maid-servant wailing Has taken to railing; The Queen, joy enhancing,

Takes refuge in dancing!"

"If that is your mourning, I'll mourn too!" cried the Prince, and seizing his tambourine, he began to thump on it with a will. Hearing the noise, King came in, and asked what was the matter. "This is the matter!" cried Prince, drum- ming away with all his might:- "The ugly hen painted. By jealousy tainted.

The pretty hen died.
Lamenting his bride, 

The cock, bald and bare,

Sobs loud in despair;
The pipal tree grieves 

By shedding its leaves;

The buffalo mourns 

By casting her Horns The stream weeping fast, Grows briny at last; The cuckoo with sighs

Blinds one of its eyes
Bhagtu's grief so intense is,
He loses his senses;
The maid-servant wailing
Has taken to railing; 

The Queen, joy enhancing,

Takes refuge in dancing; 

To aid the mirth coming The Prince begins drumming !" "Capital! Capital!" cried the King. "That's the way to do it!" So, seizing his zither, he tostrum away like one possessed. And as they danced, the King, the Queen, the Prince and the maid-servant sang :- "The ugly hen painted.

By jealousy tainted. 

The pretty hen died.

Lamenting his bride, 

The cock, bald and bare,

Sobs loud in despair; 

The pipal tree grieves

By shedding its leaves;
The buffalo mourns 

By casting her Horns The stream weeping fast, Grows briny at last;

The cuckoo with sighs
Blinds one of its eyes

Bhagtu's grief so intense is,

He loses his senses; 

The maid-servant wailing Has taken to railing; The Queen,

joy enhancing, Takes refuge in dancing; 

To aid the mirth coming The Prince begins drumming; To join in it with her The King strums the zither!" So they danced and sang till they were tired, and that was how every one mourned poor cock- sparrow's pretty bride. આ ઉપરથી ગુજરાતીમાં ઉતારેલી વાર્તા અહીં આપું છું.

                                                                          કૂકડીની વાર્તા 

એક ઘરડો કૂકડો એકવાર એક જુવાન કૂકડીને પરણ્યો. આથી ઘરડી કૂકડી ખૂબ ખિજાઈ અને એક લીમડાના ઝાડની ડાળ પર રિસાઈને બેઠી. એટલામાં વરસાદ આવ્યો. કૂકડી બેઠી હતી તે ડાળની ઉપર એક કાગડાનો માળો હતો; તેમાં રંગબેરંગી ચીંથરાં હતાં. વરસાદ આવ્યો એટલે ચીંથરાંના રંગવાળુ પાણી કૂકડી ઉપર પડયું; એથી એનાં પીંછાં સુંદર રંગેલાં થયાં. ઘરડી કૂકડી પછી જુવાન જેવી દેખાવા લાગી, એટલે તે હરખાતી હરખાતી નવી પરણેલી કૂકડી પાસે આવી. નવી પરણેલી કૂકડી ઘરડીને કહે : "બેન ! તમે આવાં સુંદર પીંછાં શી રીતે કર્યા?” ઘરડી કૂકડીને ખીજ હતી એટલે તે કહે: "રંગારાના રંગના કૂંડમાં હું તો પડી, એટલે મારાં પીંછાં આવાં સુંદર થયાં. તારે એવાં કરવાં હોય તો રંગના કૂંડામાં જઈને પડ." નવી કૂકડી તો ઊડીને રંગારાની દુકાન પાસે રંગનું કૂંડું હતું તેમાં પડી, અને મરી ગઈ. કૂકડો બીચારો ઘરભંગ થયો એટલે નિમાણો થઈને એક પીંપળાના ઝાડ પર બેઠો. પીંપળો કહે : "કૂકડાભાઈ, કૂકડાભાઈ ! આજે નિમાણા થઈને કેમ બેઠા છો?" કૂકડો કહે : "કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં.” પીંપળો કહે: "અરે ! એ તો બહુ દુઃખની વાત. એ દુઃખથી હું મારાં પાંદડાં ખેરી નાખું છું." એમ કહી પીંપળે પોતાનાં પાન ખેરી નાખ્યાં.

થોડી વાર થઈ ત્યાં પીંપળા નીચે એક ભેંશ આવી. ભેંશ કહે : "પીંપળાભાઈ, પીંપળાભાઈ! આજે આમ કેમ ? કાલે તો તમારા પર બહુ સુંદર પાંદડાં હતાં અને આજે એકે ય કેમ નથી?" પીંપળો કહે : "બેન! કાંઈ કહેવાની વાત નથી.” ભેંશ કહે : "ભાઈ કહો તો ખરા; છે શું?" પીંપળો કહે : "કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં અને પીંપળપાન ખર્યાં.” ભેંશ કહે : "અરે ! આ તો બહુ દિલગીર થવા જેવું! હું પણ મારાં શીંગડાં પાડી નાખીશ.” એમ કહી ભેંશે પોતાનાં શીંગડાં પાડી નાખ્યાં. પછી ભેંશ નદીએ પાણી પીવા ગઈ. નદી કહે : "ભેંશબાઈ ! ભેંશબાઈ ! શીંગડાં ક્યાં ગયાં?" ભેંશ કહે : "અરે બેન ! કાંઈ કહેવાની વાત નથી." નદી કહે : "કહે તો બેન, એવું તે શું છે?" ભેંશ કહે : "કૂકડી પડી રંગમાં,

કૂકડો શોકઢંગમાં, 

પીંપળપાન ખર્યા અને ભેંશશીંગ પડયાં.” નદી કહે : "અરે! આથી મને બહુ શોક થાય છે. હું યે હવે સુકાઈ જઈશ.” એમ કહી નદી સુકાઈ ગઈ. ત્યાં એક કોયલ નદીએ પાણી પીવા આવી. કોયલ કહે : "નદીબાઈ, નદીબાઈ! આ શું? કાલે તો રૂપાળાં બે કાંઠામાં વહેતાં હતાં, અને આજ પાણીનું ટીપું ય નહીં?" નદી કહે: "અરે બાઈ! કાંઈ કીધાની વાત નથી; ગજબ થઈ ગયો છે.” કોયલ કહે : કહો તો ખરાં બેન! શું દુઃખ આવી પડયું છે? નદી કહે : "કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં, પીંપળપાન ખર્યાં

ભેંશશીંગ પડયાં 

અને નદી નપાણી,” કોયલ કહે : "ત્યારે હવે તો મારે ય શોક કરવો જોઈએ. મને તો એવું લાગી આવે છે કે હું હવે રોઈ રોઈને આંખ જ ફોડું.” આમ કહીને કોયલ એવી તો રોવા માંડી કે એની એક આંખ જ ફૂટી ગઈ. કાણી કોયલ ત્યાંથી ઊડતી ઊડતી એક વાણિયાની દુકાને આવીને બેઠી. વાણિયો કહે : "અલી કોયલ! તું કાણી કેમ થઈ?” કોયલ કહે : "શેઠ! કાંઈ કીધાની વાત નથી; બહુ ભૂંડું થઈ ગયું છે!” વાણિયો કહે : "કહે તો ખરી, એવું તે બધું શું છે?" કોયલ કહે : "કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં, પીંપળપાન ખર્યા ભેંશશીંગ પડયાં નદી નપાણી અને કોયલ કાણી.” વાણિયો એટલો બધો દિલગીર થઈ ગયો કે શોકમાં ને શોકમાં ગાંડો થઈ ગયો. ત્યાં એક રાજાની રાણીનો ગોલીનો વર ગોલો, વાણિયાની દુકાને કાંઈ ચીજ લેવા આવ્યો. વાણિયો ગાંડા જેવો બેઠો હતો તે જોઈ તેણે તેને પૂછયું : "વાણિયાભાઈ ! ગાંડા જેવા કેમ દેખાઓ છો? શરીર તો સારું છે ને?" વાણિયો કહે : "અરે ભાઈ! મોટું દુઃખ આવી પડયું છે!” ગોલો કહે : "એવું તે શું દુઃખ છે? કહો તો ખરા?" વાણિયો કહે : "કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં, પીંપળપાન ખર્યા

ભેંશશીંગ પડયાં 

નદી નપાણી કોયલ કાણી અને વાણિયો દીવાનો.” ગોલો તો એટલો બધો મૂંઝાયો કે ઘેર જઈને લમણે હાથ દઈને બેઠો. ત્યાં ગોલી આવી. ગોલી કહે: "ગોલારાણા! આમ મૂંઝવણમાં કેમ બેઠા છો?" ગોલો કહે : "કીધાની વાત નથી; જુલમ થઈ ગયો છે!” ગોલી કહે : "કહો તો ખરા! કાંઈ કીધા વિના ખબર શી પડે?" ગોલો કહે : "કૂકડી પડી રંગમાં,

કૂકડો શોકઢંગમાં, 

પીંપળપાન ખર્યા

ભેંશશીંગ પડયાં 

નદી નપાણી

કોયલ કાણી 

વાણિયો દીવાનો અને ગોલો મૂંઝાણો.” ગોલી તો ગોલાની દશા જોઈ રોતી રોતી રાણી પાસે ગઈ. રાણી ગોલીને જોઈને કહે: "ગોલી! તું રોતી રોતી કેમ આવી? ઘરમાં શું થયું?" ગોલી કહે : "અરે બા! કીધાની વાત નથી; ભૂંડું થયું છે!” રાણી કહે : "શું છે? કહે તો ખરી ઝટ, કંઈ ઉપાય તો થાય?" ગોલી કહે : "કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં, પીંપળપાન ખર્યાં ભેંશશીંગ પડયાં નદી નપાણી કોયલ કાણી વાણિયો દીવાનો ગોલો મૂંઝાણો, અને ગોલી રોતી.” રાણી કહે : "આ તો ગજબ થયો! હવે આ બધું દુઃખ ભૂલવા માટે હું તો નાચવા માંડીશ. નાચવામાં બધું દુઃખ વિસારે પડશે.” એમ કહી રાણી નાચવા લાગી.

ત્યાં કુંવર આવ્યો. કુંવર કહે : "મા, મા! આ શું કરો છો? તમને આ શું થયું છે?" રાણી કહે : 'ભાઈ! ભારે દુઃખ પડયું છે, તે ભૂલી જવા માટે નાચું છું." કુંવર કહે: "માડી! કહો તો ખરાં? તમને શું દુઃખ હોય?" રાણી કહે : કૂકડી પડી રંગમાં,

કૂકડો શોકઢંગમાં, 

પીંપળપાન ખર્યા ભેંશશીંગ પડયાં

નદી નપાણી 

કોયલ કાણી વાણિયો દીવાનો ગોલો મૂંઝાણો,

ગોલી રોતી 

અને રાણી નાચતી.” કુંવર કહે : "ત્યારે લ્યોને હું હવે ઢોલકું વગાડું, એટલે નાચ સારો થાય!" એમ કહી કુંવર ઢોલકું વગાડવા લાગ્યો. એટલામાં રાજાને ખબર પડી એટલે રાજા આવ્યો અને બધી વાત જાણી એટલે પોતે તાળી ટીપવા લાગ્યો. પછી તો સૌ સાથે ગાવા લાગ્યા :- કૂકડી પડી રંગમાં,

કૂકડો શોકઢંગમાં, 

પીંપળપાન ખર્યાં ભેંશશીંગ પડયાં નદી નપાણી

કોયલ કાણી 

વાણિયો દીવાનો

ગોલો મૂંઝાણો, ગોલી રોતી રાણી નાચતી,

કુંવર ઢોલ ઢીબે અને રાજા તાળી ટીપે.” વાંચનારાઓ જોઈ શકશે કે અંગ્રેજી ભાષામાંથી વાર્તા ઉતારવાના કામ કરતાં સ્વદેશી ભાષામાંથી વાર્તા ઉતારવાનું કામ સહેલું છે. 'ડોશીમાની વાતો' માંની ઘણી વાતો બંગાળીમાંથી ઉતારેલી છે. એ પ્રયત્ન ઘણો ફતેહમંદ નીવડયો છે. હવે આ વિષય પૂરો કરું છું. અહીં એટલું જણાવવાની રજા લઉ છું કે જે જે ગ્રન્થોમાંથી અવતરણો લેવામાં આવેલાં છે, તે તે ગ્રન્થોના લખનારા ઉપર કોઈપણ જાતનો અંગત આક્ષેપ કરવાનો કે કોઈ પણ જાતની સ્તુતિ કરવાનો આશય નથી; તેમ જ એ અવતરણો ઉપર જે કંઈ લખવામાં આવ્યું છે તે કોઈ પણ જાતની ટીકા કે સમાલોચનારૂપે લખવામાં આવ્યું નથી. મારા ઉક્ત પ્રકરણમાં એને વિષે મારે જે લખવું ઘટ્યું છે તે લખ્યું છે; અને તે શુદ્ધ ભાવે લખ્યું છે એમ મારું માનવું છે. એ બધા ગ્રન્થકારોની બાળકો માટેની સેવા ઓછી છે એમ કોઈથી કહેવાય એમ નથી