અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/બોલે બુલબુલ
Revision as of 13:15, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> બોલે બુલબુલ, વ્હેલે પ્હરોડિયે બોલે બુલબુલ … આ રે ગુલાબી મારી ની...")
બોલે બુલબુલ,
વ્હેલે પ્હરોડિયે બોલે બુલબુલ …
આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ?
બોલે બુલબુલ …
ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ
આવી છંટાય મારી પાંપણે અમૂલ.
બોલે બુલબુલ …
રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગુલ!
બોલે બુલબુલ …
અરધુંપરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચ્ચે સૂર તણો પુલ!
બોલે બુલબુલ …
(વસંતવર્ષા)