નારીસંપદાઃ નાટક/જેણે લાહોર નથી જોયું

From Ekatra Wiki
Revision as of 03:58, 5 November 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
જેણે લાહૌર નથી જોયું એ જન્મ્યો જ નથી


(ઉર્દૂ નાટકનો ગુજરાતી અનુવાદ)


લેખક
અસગર વજાહત

અનુવાદક
શરીફા વીજળીવાળા


પાર્શ્વ પબ્લિકેશન : અમદાવાદ

JENE LAHOR NATHI JOYUN E JANMYO J NATHI
A Drama by Asgar Wajahat
Gujarati Translation by
Sharifa Vijliwala


અનુવાદના (C) શરીફા વીજળીવાળા


પ્રકાશક
બાબુભાઈ એચ. શાહ
પાર્શ્વ પબ્લિકેશન
નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ,
અમદાવાદ-૩૮૦૦૦૧
(ફોન : ૦૭૯-૨૫૩૫૬૯૦૯)

પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૧
પ્રત : ૫૦૦
મૂલ્ય : ૧૦૦-૦૦

લેસર ટાઇપસેટિંગ
અભિષેક ગ્રાફિક્સ
બી-૯/૧, લવકુશ કોમ્પ્લેક્ષ, સુખરામનગર ચાર રસ્તા,
ગોમતીપુર,, અમદાવાદ-૩૮૦ ૦૨૧
(મો. : ૯૭૨૫૬૪૦૮૫૭)

મુદ્રક
શ્રી સ્વામિનારાયણ મુદ્રણ મંદિર
૧૨, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૪,

રંગભૂમિના જાણતલ
મિત્ર
બકુલ ટેલરને  


લેખિકાનાં અન્ય પુસ્તકો

વિવેચન :
૧. ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર (ગુ. સા. પરિષદનું પારિતોષિક)
૨. વાર્તાસંદર્ભ (ગુ. સા. અકાદમીનું પારિતોષિક)
૩. સંપ્રત્યય (ગુ. સા. અકાદમીનું પારિતોષિક)
૪. નવલવિશ્વ

અનુવાદ :
૧. ત્રણ કથા : સ્ટીફન ત્સ્વાઈકની ત્રણ લાંબી વાર્તાઓનો અનુવાદ
૨. અનન્યા : ૧૫ વિદેશી વાર્તાઓનો અનુવાદ (ગુ. સા. અકાદમીનું પારિતોષિક)
૩. અનુસંગ : ૧૦ વિદેશી વાર્તાઓનો અનુવાદ
૪. મન્ટોની વાર્તાઓ : મંટોની ૨૨ ઉર્દૂ વાર્તાઓનો અનુવાદ (ગુ. સા. અકાદમીનું પારિતોષિક) (દ. ગુ. યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક)
૫. વિભાજનની વાર્તાઓ : ભારતના ભાગલાને વિષય બનાવતી વિવિધ ભારતીય ભાષાઓની વાર્તાઓના અનુવાદ (ભાવનગર યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક)
૬. ઈંતિઝાર હુસૈનની વાર્તાઓ : ઈંતિઝાર હુસૈનની ૧૮ ઉર્દૂ વાર્તાઓનો ગુજરાતી અનુવાદ
૭. અજાણીનું અંતર : ‘ત્રણ કથા’ની નવી આવૃત્તિ

સંપાદન :
૧. બાની વાતું : લોકવાર્તાઓનું સંપાદન (ગુ. સા. અકાદમીનું પારિતોષિક)
૨. બકુલેશની વાર્તાઓ : ગુ. સા. અકાદમી માટે કરેલું સંપાદન
૩. ૨૦૦૦ની વાર્તાઓ : ગુ. સા. પરિષદ માટે કરેલું સંપાદન
૪. શતરૂપા : ગુજરાતી નારીકેન્દ્રી વાર્તાઓનું સંપાદન
૫. જયંત ખત્રીની ગદ્યસૃષ્ટિ : ગુ. સા. અકાદમી માટે કરેલું સંપાદન
૬. જયંત ખત્રીનો વાર્તાવૈભવ : ખત્રીની ઉત્તમ વાર્તાઓનું સંપાદન
૭. હરીશ નાગ્રેચાની શ્રેષ્ઠ વાર્તાઓનું સંપાદન


બે વાત

આજ સુધી અનુવાદ તો મેં ઘણા કર્યા હતા પણ નાટકનો અનુવાદ પહેલી વાર હાથ પર લીધો. ડર તો લાગતો જ હતો કારણ, નાટક માત્ર વાંચવાની વસ્તુ નથી. એ મંચનની કળા છે. એટલે બોલાતી ભાષાનો રણકો ખોવાઈ ન જાય એ બાબતે સાવચેત રહેવાનું હતું. વળી નાટકમાં લખનવી ઉર્દૂ અને લાહૌરી પંજાબી બોલતાં પાત્રો છે. ૧૯૪૭ના લાહૌરનો પરિવેશ ઊભો કરવામાં બેઉ ભાષા અનિવાર્ય બની રહે. બેઉં ભાષાનો સ્પર્શ જળવાઈ રહે, લાહૌરનો માહોલ ઊભો થઈ શકે અને છતાં ગુજરાતી વાચક સમજી શકે એટલા માટે સાવ સહેલા ઉર્દૂ અને પંજાબી શબ્દો જેમના તેમ રહેવા દીધા છે. જરૂર લાગી ત્યાં નીચે અર્થ આપીને મૂળ શબ્દને સાચવી લીધા છે. વળી નાટકના દરેક દૃશ્યના અંતે શાયર નાસિર કાઝમીની નઝમ છે. અને આ નાટકની સમગ્ર પ્રભાવકતામાં આ નઝમોનો ફાળો ઘણો મોટો છે એવું તો અસગર વજાહતે પોતે પણ સ્વીકારેલ છે. આ નઝમોને અક્ષરશઃ ગુજરાતીમાં લાવી મારે એના મૂળ સત્ત્વને ખતમ નો’તું કરી દેવું. તો સમાંતરે ગુજરાતી ભાવક માત્ર માથું ખજવાળે એ પણ કેમ ચાલે? એટલે મેં વચલો રસ્તો પસંદ કર્યો. અઘરા શબ્દોના અર્થો આપી મૂળ નઝમને જેમની તેમ જ રહેવા દીધી. અનુવાદ એટલે માત્ર શબ્દોના પર્યાય આપવા એવો અર્થ હરગિઝ નથી થતો. અનુવાદકે સમગ્ર પરિવેશ-સમય-સ્થળ, માહોલ, પાત્રો, ઉંમર........ ઘણું બધું ધ્યાનમાં રાખવું પડે. ને એટલે જ મેં નાટકના પ્રારંભે આવતી નારાબાજી જેમની તેમ જ રહેવા દીધેલ છે. કસ્ટોડીયન અને એલોટમેન્ટ જેવા શબ્દો વિભાજનના માહોલમાં અનિવાર્ય બની રહે. એના અર્થ આપવાની મને જરૂર ન લાગી. હંમેશની જેમ નીનાબહેન સાથે બેસી અનુવાદ મઠાર્યો. પણ નાટકની ભાષા, માહોલ તથા પાત્ર અનુસાર ભાષાસ્તર માટે મિત્ર બકુલ ટેલર સળંગ ત્રણ કલાક બેઠા........ આવા મિત્રો છે એટલે અનુવાદ કરવાની હામ જળવાઈ રહે છે. અનુવાદ દરમ્યાન પંજાબી ભાષાએ મને ખાસી મથાવી. પણ બેન હરપ્રીત કૌર મદદે આવી. નાસિર કાઝમીની નઝમો માટે હંમેશની જેમ મિત્ર મુનિર વ્હોરા મદદે આવ્યા. એમની વ્યસ્તતાને કારણે જે બાકી રહ્યું તે પ્રો. બોમ્બેવાલાએ કરી આપ્યું. આ બેઉ વડીલોનો હું આભાર માનું છું. આમ તો છેલ્લાં પાંચેક વર્ષથી આ નાટકને ગુજરાતીમાં લાવવાની મારી ઇચ્છા હતી. પણ સમય પરવાનગી જ નો’તો આપતો..... ૨૯-૦૩-૨૦૧૦ના રોજ જામિઆ મિલીયા યુનિવર્સિટીના હિંદી વિભાગમાં અસગર વજાહતને દોઢેક કલાક માટે મળવાનું થયું. કોઈ જાતની ઔપચારિકતા વગર એમણે અનુવાદ માટે પરવાનગી આપી અને દિલ્હીથી આવીને તમામ કામ બાજુ પર હડસેલાઈ ગયાં..... રહ્યું માત્ર લાહૌર..... ચર્ચા, અનુવાદ, ટાઇટલ, પ્રૂફ..... કોઈ ને કોઈ તબક્કે સાથ આપનારા મિત્રો મીનળ દવે, નીના ભાવનગરી, બકુલ ટેલર, જવાહર પટેલ તથા મારા ભાઈ ડૉ. આઈ. કે. વીજળીવાળાનો શેં આભાર માનવો? ટાઇટલ માટે શેખસાહેબે મદદ કરી. પરંતુ ટાઇટલને અંતિમરૂપ આપ્યું મારા વિદ્યાર્થી ઇમરાન સૂરતી તથા વૈભવ કદમે. હા, પાર્થ પ્રકાશનના બાબુભાઈએ આ નાટક છાપવાની હિંમત કરી એ બદલ એમનો આભાર માનવો જ રહ્યો. આજના માહોલમાં અતિપ્રસ્તુત એવું આ નાટક ગુજરાતી પ્રજા સુધી પહોંચાડવા બદલ બાબુભાઈ, ગુજરાત તમારું ઋણી રહેશે.....

૬-૫-૨૦૧૧, અખાત્રીજ
શરીફા વીજળીવાળા
 

નાટક વિશે

ભારત વિભાજનને વિષય બનાવીને ભારતીય સાહિત્યમાં અનેક વાર્તા, નવલકથા, કવિતા વગેરે લખાયાં પણ નાટક ભાગ્યે જ લખાયાં. આઝાદી પછી બરાબર ૪૩ વર્ષે લખાયેલું અસગર વજાહતનું ‘જિસ લાહૌર નઈ દેખ્યા ઓ જમ્યાઈ નઈ’ નાટક આ વિષયવસ્તુને આગવી રીતે સ્પર્શે છે. ૧૯૯૦માં ‘નવરંગ’માં છપાયેલ આ નાટક ભારતમાં સૌ પ્રથમ હબીબ તન્વીર દ્વારા ભજવાયું. પછીથી તો દેશ વિદેશમાં વિવિધ ભાષાઓમાં એના ૫૦૦ ઉપરાંત શો થયા છે. લખનવી ઉર્દૂ તથા પંજાબી ભાષાનું સંમિશ્રણ ધરાવતા આ નાટકની જેટલી ચર્ચા થઈ, એના જેટલા પ્રયોગો થયા એટલા છેલ્લાં વીસ વર્ષમાં ભાગ્યે જ કોઈ નાટકના થયા હશે. લાહૌર અહીં કોઈ શહેરનું નામ નહીં રહેતાં મૂળ વતનનું પ્રતીક બની જાય છે. દરેક વ્યક્તિને પોતાનું વતન દુનિયામાં સૌથી ખૂબસૂરત લાગવાનું એ વાત અહીં કલાત્મક ઢબે કહેવાઈ છે. ભારોભાર નાટ્યાત્મકતા ધરાવતા આ નાટકમાં બધે જ માનવતાનો સ્પર્શ જોઈ શકાય છે. આજે ચોતરફ જ્યાં તોડવાની વાતો થાય છે ત્યાં આ નાટક જોડવાની વાતો કરે છે. અસગર વજાહતે અહીં ધર્મનું સાચું રૂપ દેખાડ્યું છે. દુનિયાનો કોઈ ધર્મ હિંસાને, અસહિષ્ણુતાને ટેકો નથી આપતો એ અહીં મૌલવીના મોઢે પ્રભાવક ઢબે કહેવાયું છે. હકીકતે ધર્મની દુહાઈ દેનારાઓને ભાગ્યે જ ધર્મ સાથે ન્હાવા-નિચોવવાનો સંબંધ હોય છે. કોમી દંગાફસાદમાં આવાં તત્ત્વોના વ્યક્તિગત સ્વાર્થ છુપાયેલા હોય છે. ધર્મના ઓઠા તળે પોતાના સ્વાર્થ સાધવા તત્પર આ સમાજવિરોધી તત્ત્વોના પહેલવાન અને એના સાગરીતો પ્રતીક બની રહે છે. સ્વાર્થ ખાતર આવાં તત્ત્વો કોઈ પણ હદે જઈ શકે........ પોતાના હમવતનીને લૂંટી/મારી શકે, પોતાના ધર્મગુરુની કતલ પણ કરી શકે........ આ લોકો કંઈ પણ કરી શકે..... કંઈ પણ.....

વાર્તા સાવ સીધીસાદી છે. હિન્દુસ્તાન બે ટુકડાઓમાં વિભાજિત થઈ જવાને કારણે સદીઓથી અહીં રહેનારાઓને ત્યાં જવું પડ્યું ને ત્યાં રહેનારાઓને અહીં આવવું પડ્યું. લખનૌને દિલોજાનથી ચાહનારા સઈદ મિર્ઝાનું કુટુંબ લાહૌરની રાહત છાવણીમાં પડ્યું છે. શાયર નાસીર કાઝમી અંબાલા છોડી લાહૌર આવ્યા છે. આ બધાના દિલમાં પોતપોતાના શહેર પ્રત્યે ગજબની મમતા છે ને તે છતાં ના છૂટકે એમને બેવતન થવું પડ્યું છે. મિર્ઝાસાહેબના કુટુંબને રતન ઝવેરીની ૨૨ ઓરડાવાળી વિશાળ હવેલી રહેવા માટે એલોટ થાય છે. હવેલીના એકાદ ખૂણે રતનની વૃદ્ધ મા છુપાઈ રહેલી. એના પરિવારનો પત્તો નથી, હવેલી લૂંટાઈ ગઈ છે પણ આ વૃદ્ધા વતનનો મોહ છોડી નથી શકતી. એ સ્પષ્ટ શબ્દોમાં ‘લાહૌર છોડીને ક્યાંય નહીં જઉં’ એવું કહી દે છે. કાયદાકીય રીતે એમને કાઢી પણ ન શકાય અને નિરાશ્રિતોની છાવણીમાં રહીને થાકેલા મિર્ઝા માંડ મળેલી હવેલીને કોઈ રીતે છોડી શકે એમ નથી. મિર્ઝા લાલપીળા થાય છે. વૃદ્ધાને ખતમ કરવાની વાતે પહેલવાન સુધી પણ પહોંચે છે. પણ સમય વીતવા સાથે વૃદ્ધાના માયાળુ સ્વભાવને કારણે આ બધા વચ્ચે એવો તો ગાઢ નાતો બંધાય છે કે વૃદ્ધા સિકંદર મિર્ઝાની મા બની જાય છે અને તન્નોની દાદી. એક પણ હિન્દુ નથી એવા મહોલ્લાની ‘માઈ’ બની જાય છે. જે વૃદ્ધાને કાઢી મૂકવા મિર્ઝાએ પહેલવાનને વાત કરી હતી અને હવે પહેલવાનની સ્વાર્થી રમતથી બચાવવા મિર્ઝા રાતભર જાગે છે. ઘર ન છોડવા માટે મરવા તૈયાર હતી એ વૃદ્ધા પોતાના દીકરા જેવા બની ગયેલા મિર્ઝા અને એના પરિવાર માટે ઘર છોડીને જવા તૈયાર થઈ જાય છે. આ વૃદ્ધાને દિવાળી ઊજવવા દેનાર મિર્ઝા, ચાવાળા, પડોશી હમીદ, શાયર નાસીર વગેરે આમ આદમીની માનસિકતા પ્રગટ કરે છે. આમ આદમીને ક્યાં એકબીજા સાથે વેર હતું? માનવતાથી મોટો કોઈ ધર્મ હોઈ જ ન શકે, એવું માનનારાઓ માટે વૃદ્ધાનું મૃત્યુ પ્રશ્નો ઊભા કરે છે. એમને હિન્દુ વિધિથી જ અવલમંજિલે પહોંચાડવાં જોઈએ એવી માન્યતામાં મૌલવી પર સૂર પુરાવે છે. પણ લાહૌરમાં તો એક પણ હિન્દુ રહ્યો નથી, સ્મશાનોમાં પણ લોકો વસી ગયા છે. બધા ભારતમાં હતા ત્યારે પોતપોતાના પડોશમાં જોયેલી વિધિઓ યાદ કરે છે ને પૂરા આદર સાથે, આવડે એટલાં વિધિવિધાન સાથે રાવી નદીના કાંઠે અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરે છે. ‘રામ નામ સત હૈ’ તો બોલવું જ પડે..... ને બધા બોલે પણ છે ! પણ કોઈ પણ રીતે હવેલી પર કબજો મેળવવા માગતો પહેલવાન હવે ભુરાયો થાય છે ને એના સાગરીતો મસ્જિદ મધ્યે મૌલવીને ખતમ કરી નાખે છે.

આ નાટકમાં બેઉ સમુદાયના લોકોનાં મનને સમજવાની પ્રામાણિક કોશિશ થઈ છે. સદીઓથી સાથે રહેતા બેઉ સમુદાયના લોકોની ભાષા, સંસ્કૃતિ બધું એક જ છે. રતનની મા હિન્દુ છે પણ એની, પહેલવાનની અને મૌલવીની ભાષા પંજાબી છે. ભારતમાંથી જનારાઓની ભાષા ઉર્દૂ છે! બેઉ સમુદાય એકમેકના તહેવારો ને રીતરિવાજો પ્રત્યે પૂરો આદર ધરાવે છે એ અહીં દિવાળીની ઉજવણી નિમિત્તે તથા માઈના મૃત્યુ નિમિત્તે વ્યક્ત થયું છે. મોટાભાગે પ્રગતિવાદી લેખકો મૌલવીને રૂઢિચુસ્ત વિચારસરણીના પ્રતીક તરીકે જ રજૂ કરતા રહ્યા છે. પણ આ નાટકનો મૌલવી ધર્મના આંતરસત્ત્વને જાણે પણ છે અને બેખોફ બયાન પણ કરે છે. એનો ધર્મ કોઈ જગ્યાએ માનવતાથી મોટો નથી થઈ ગયો. આવા ઉદારમતવાદી, ઇસ્લામના સાચા જાણકાર મૌલવીની મસ્જિદ મધ્યે કરાતી હત્યા પ્રતીકાત્મક મૂલ્ય ધારણ કરે છે. ધર્મની સાચી સમજ ધરાવનારનું ઉદારમતવાદીનું સ્વાર્થી તત્ત્વો કઈ રીતે ગળું ટૂંપી નાંખે છે, ધર્મ તથા મૂલ્યોની આ તત્ત્વો કેવી અવદશા કરે છે તે વ્યક્ત કરવા માટે આ મૃત્યુ પ્રતીક બની જાય છે.

પ્રયોગશીલ બન્યા વગર, પ્રાદેશિકતાની દુહાઈ દીધા વગર આ સીધી ને સરળ વાતને ૧૬ દૃશ્યોમાં આપણી સામે મૂકી આપતા નાટ્યકાર આપણને અંદરથી હચમચાવી મૂકે છે, વિચારવા મજબૂર કરે છે. માનવીય સંબંધની મજબૂત પકડે અહીં બાકીનાં બધાં જ બંધનોને ખંખેરી નાખ્યાં છે. એક બાજુ નાસીર જેવા શાયર, અલીમ ચાવાળો અને હમીદ વગેરેનો ધર્મ તથા જીવનને જોવાનો અભિગમ........ તો બીજી બાજુ આ માનવીય અભિગમવાળાઓને સતત ડરાવતો, ધમકાવતો પહેલવાન જેવાનો સ્વાર્થ માટેનો ધાર્મિક અભિગમ. આ નાટક એકદમ સહજતાથી મૂળ મનુષ્યત્વની સામે ધર્મ-જાતિ-સંપ્રદાયના ભેદ વ્યર્થ છે એવું સ્થાપિત કરી શક્યું છે. સાથે ધર્મની જરાક પણ સમજ નહીં ધરાવનારા કઈ રીતે ધર્મના ઠેકેદાર થઈ બેસે છે એ પણ અહીં બખૂબી દર્શાવાયું છે. કટ્ટરપંથીઓને બર્બરતા સિવાયનો કોઈ ધર્મ નથી હોતો એ પણ નાટકમાંથી ઉત્ક્રાન્ત થાય છે. મૌલવીની સાચી, પારદર્શક વાતોથી એ પણ સૂચવાયું છે કે જો સ્વાર્થી નેતાઓ, ગુંડાઓ ને ધર્મના જાણકારોનો સાથ ન સાંપડે તો આમ પ્રજા ગેરમાર્ગે નથી દોરવાતી........ ને તો કદાચ કદી પણ દંગાફસાદ થાય જ નહીં, ને એટલે જ આજના વિષમય માહોલમાં આવી કૃતિઓની પ્રસ્તુતતા અનેકગણી વધી જાય છે. હવે આ નાટકને જરા નજીકથી જોઈએ. પ્રથમ દૃશ્યમાં પ્રદર્શનકારીના નારાઓ દ્વારા ભારતવિભાજન વખતનું વાતાવરણ ઊભું કરાયું છે. ‘લેકે રહેંગે પાકિસ્તાન’ના નારાઓ સંભળાય છે. પછી તરત જ પ્રકાશ-અંધકારના આયોજનથી મંચ પર શરણાર્થીઓનાં ટોળાં, લૂંટાયેલા કાફલા નજરે પડે છે અને પૃષ્ઠભૂમિમાંથી ગીત સંભળાય છે.

ઔર નતીજે મેં હિન્દોસ્તાં બંટ ગયા
યે ઝમી બંટ ગયી આસમાં બંટ ગયા

સમગ્ર નાટકમાં બધાં જ દૃશ્યોને અંતે શાયર નાસીર કાઝમી (જેમને અહીં એક પાત્ર તરીકે રજૂ કરવામાં આવ્યા છે)ની નઝમ મૂકવામાં આવી છે. લેખકે પોતે કબૂલ્યું છે કે આ નાટકની સફળતામાં નાસીર સાહેબની ગઝલોનો ફાળો બહુ મોટો છે.

બીજા દૃશ્યમાં લખનૌ છોડી લાહૌર પહોંચેલા, બે મહિના શરણાર્થી કેમ્પમાં રહેલા સિકંદર મિર્ઝા, એમની બેગમ હમીદા, દીકરી તન્નો અને એનાથી મોટો દીકરો જાવેદ મંચ પર આવે છે. ૨૨ ઓરડાવાળી વિશાળ હવેલી જોઈને દીકરો બાપને કહે છે : ‘આપણા ઘરથી આ હવેલી બહુ મોટી છે,’ ને બાપ તરત જ જવાબ આપે છે, ‘નહીં બેટે........ હમારે ઘર કી તો બાત હી કુછ ઔર થી........ આપણા ફળિયામાં મધુમાલતી હતી એ અહીં ક્યાં?’ (૧૩) લખનૌના છૂટવાની ને લાહૌરમાં વસવાની વાતો ચાલે છે ત્યાં દીકરી દોડતી આવે છે. ‘ઉપર કોઈ છે’ એ ગભરાઈને કહે છે. શુદ્ધ પંજાબીમાં બોલતી વૃદ્ધા ‘કોણ છો?’ ના જવાબમાં ખિજવાઈને કહે છે, ‘મારા જ ઘરમાં ઘૂસીને મને પૂછો છો કે હું કોણ છું. આ રતનલાલ ઝવેરીની હવેલી છે અને હું એની મા છું.’ દીકરાની વાત કરતી વૃદ્ધા રડી પડે છે. અફસોસ વ્યક્ત કરતા સિકંદર મિર્ઝા કહે છે, ‘હવે પાકિસ્તાન બની ગયું છે અને લાહૌર હવે પાકિસ્તાનમાં છે. તમારા માટે હવે આ દેશમાં કોઈ જગ્યા નથી, હું તમને શરણાર્થી કેમ્પમાં પહોંચાડી દઉં ત્યાંથી તમને હિન્દુસ્તાન લઈ જશે.....’ પણ વૃદ્ધા સ્પષ્ટ નન્નો ભણે છે, ‘હું અહીંથી કશે જવાની નથી.’ આ બધી ટપાટપી લખનવી ઉર્દૂ અને લાહૌરી પંજાબીમાં ચાલે છે. કોલસા શોધતી તન્નો એને ‘દાદી’ કહે છે. દિવસોના સન્નાટા પછી કોઈએ એને ‘દાદી’ કહી છે અને વૃદ્ધા ખુશીથી પાગલ થઈ જાય છે. આંખમાં આંસુ લૂછતી એ બધાને ખરા દિલથી આશિષ આપે છે. અકળાયેલા મિર્ઝા અને બેગમ પેંતરો બદલે છે, એ કહે છે, ‘અહીં હવે એકેય હિન્દુ બચ્યો નથી, તમે અહીં કઈ રીતે રહેશો? તમારો દેશ હવે હિન્દુસ્તાન છે. અહીં રહેનારાને જબરદસ્તી મુસલમાન બનાવશે.....’ પણ વૃદ્ધાનો જવાબ સ્પષ્ટ છે, ‘કોઈ વારંવાર નથી મરતું, હું તો મરી ચૂકી છું. દીકરો-વહુ, એનાં સંતાનો........ કોઈ બચ્યું નથી. જિંદગી અને મોત વચ્ચે મારી દૃષ્ટિએ કોઈ ભેદ નથી.’ (૨૫) ‘તું સુખેથી રહે પણ હું ક્યાંય જવાની નથી’ એવું કહી વૃદ્ધા ઉપર જતી રહે છે : ચોથા દૃશ્યને અંતે અભિનેતાઓ મંચ પર આવીને ગાય છે.

ફૂલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે,
યારોં યે કૈસી હવા હૈ અબ કે,

પાંચમા દૃશ્યમાં અલીમ ચાવાળાને ત્યાં ભેળી થતી ટોળીના સંવાદો દ્વારા સ્વાર્થી નેતાઓ અને ધર્મના થઈ બેઠેલા રખેવાળો કઈ રીતે પોતીકા સ્વાર્થ માટે તોફાનો કરે છે/કરાવે છે એ વ્યક્ત થયું છે. પહેલવાન અને એના સાગરીતોની નજર રતન ઝવેરીની હવેલી પર હતી એટલે જ એ બધાંની હત્યા થઈ, હવેલી લૂંટાઈ........ પણ હવેલી હાથ ન આવી એનો પહેલવાનને ગુસ્સો છે. બીજી બાજુ અલીમ, નાસીર, હમીદ વગેરે માનવતાની જીવતી જ્યોત જેવા છે. ઘરમાં રહેતી, દવાદારૂ ઉપરાંત કેટલાક હુન્નરની જાણકાર વૃદ્ધા એના પ્રેમાળ સ્વભાવથી ઘરના અને મહોલ્લાના લોકો સાથે હળીમળી જાય છે. તન્નોની ‘દાદી’ને મહોલ્લાવાળા ‘માઈ’ કહેતા થઈ જાય છે. લખનૌ છોડનારાઓને લાહૌર ગમતું નથી. વૃદ્ધા કહી ઊઠે છે, ‘આખા હિન્દુસ્તાનમાં લાહૌર જેવું બીજું કોઈ શહેર નથી. જેણે લાહૌર નથી જોયું એનો જન્મારો એળે ગયો એ તેં નથી સાંભળ્યું?’ (33) પણ લખનૌવાળાને ગળે આ વાત કઈ રીતે ઊતરે? એમના માટે તો લખનૌથી ચડિયાતું બીજું કોઈ શહેર હોઈ જ ના શકે. નાસીર અહીં આવીને મોરનો ટહુકાર, સરસવનાં ખેતર શોધે છે, હમીદ દેવચકલી શોધે છે, હમીદાબેગમ ભારતમાં મળતાં તે શાકભાજી અને પાન શોધે છે. મૂળ વાત આ જ હતી. જમીન, ગામ, શહેર, વતન મહત્ત્વનાં હતાં, હિન્દુ કે મુસ્લિમ ધર્મ મહત્ત્વનાં નો’તાં. માણસને જેટલી હદે જમીન, પરિવેશ બાંધે છે એટલી હદે ધર્મ નથી બાંધતો. દેશના ભાગલા પાડનારા આમ પ્રજાની આ લાગણી સમજ્યા જ નહીં. જો સમજ્યા હોત તો કદાચ આટલી મોટી ટ્રેજેડી સર્જાઈ ન હોત. આઠમા દૃશ્યમાં બધી બાજુથી નાસીપાસ થયેલ પહેલવાન મસ્જિદના મૌલવીને ભડાકવવા જાય છે. પાકિસ્તાનમાં એક હિંદુ સ્ત્રી રહી જ કેવી રીતે શકે? મુસલમાનો પર થયેલા જુલમોને શું ભૂલી જવા? બદલો ના લેવો? ધર્મના ઠેકેદારોની એ જ જૂનીપુરાણી કેસેટ પહેલવાન પણ વગાડી જુવે છે. મૌલવી પહેલવાનનાં કરતૂતોથી પરિચિત છે. ધર્મને સાચા અર્થમાં સમજતા મૌલવી પહેલવાનને સ્પષ્ટ શબ્દોમાં કહે છે, ‘પુત્તર ઝુલ્મ કો ઝુલ્મ સે ખત્મ નહીં કર સકદે.... નેકી, શરાફત, ઈમાનદારી સે જુલ્મ ખત્મ હોંદા હૈ........ ઇસ્લામ ઝુલ્મ દે ખિલાફ હૈ ..... જો ઝુલ્મ કરદે ને ઓ મુસલામન નહીં હૈ .... ઇરશાદ હૈ કિ તુમ ઝમીન વાલોં પર રહમ કરો, આસમાન વાલા તુમ પર રહમ કરેગા’. (૪૩) બદલો, કાફર, જેહાદ જેવા શબ્દોના ઓઠા તળે ઇસ્લામના નામે પાયા વગરની ઝનૂની વાતો ફેલાવનારા માટે આ નાટક સબકરૂપ છે. ધર્મની સાચી સમજ લોકો સુધી પહોંચાડનારા જો ખોટા લોકોનો હાથો બની ન જાય તો પ્રજાને ગુમરાહ નથી કરી શકાતી. નવમા દૃશ્યમાં બધેથી પાછો પડેલો પહેલવાન નાસીર કાઝમી સાથે ટપાટપ કરી બેસે છે. આ દૃશ્યમાં શાયર નસીમની ભાષાની રવાની માણવા જેવી છે. પહેલવાનની ફરિયાદ છે કે પેલી બુઢ્ઢી રાવીમાં નહાવા જાય છે, પૂજા પાઠ કરે છે. બધી સ્ત્રીઓ એની વાતો સાંભળે છે..... નાસીર ફેરવીફેરવીને પહેલવાનને પૂછે છે ‘બીજા ધર્મની વાતો સાંભળવી એ ખોટું છે?’ પહેલવાન પાસે નાસીરના કોઈ પ્રશ્નોના જવાબ નથી. કોઈ પણ ધર્મ વિશે કશું જ ન જાણનારા પહેલવાન જેવા લોકો જ ધર્મની સૌથી વધુ વાતો કરે છે, ધર્મના રખેવાળ થઈ બેસે છે. નાસીરના પ્રશ્નો સામે ગલવાઈ જતો પહેલવાન રાતોપીળો થતો એના ચમચાઓને લઈને જતો રહે છે પછી નાસીર અલીમને પૂછે છે, ‘તને ખબર છે તું કેમ મુસલમાન છે?’ અલીમ ના પાડે છે. નાસીર કહે છે, ‘સીધોસાદો અર્થ એટલો જ છે કે ન તો આપણે ધર્મની પસંદગી કરી શકીએ છીએ, ન આપણને ધર્મ પસંદ કરવા માટેની એવી કોઈ તક આપવામાં આવે છે. આપણે તો મા-બાપનો જે ધર્મ હોય તે પાળવા બંધાયેલા છીએ.’ આ વાત કરતાં કરતાં નાસીર પાયાનો સવાલ પૂછી બેસે છે, ‘યાર, જિસ બાત મેં તુમ્હારા કોઈ દખલ નહીં હૈ........ ઉસકે લિએ ખૂન બહાના કહાં તક જાયઝ હૈ?’ (૪૮) દસમા દૃશ્યમાં લાહૌરમાં પાન નથી મળતાં એ નિમિત્તે વળી લખનૌનાં વખાણ થાય છે. લાહૌર જેવું બીજું કોઈ શહેર દુનિયામાં નથી એવું માનતાં માઈ સો ટચના સોના જેવું સત્ય કહી દે છે, ‘દીકરી, પોતાનું વતન તો પોતાનું વતન છે. એની તોલે બીજું કોઈ સ્થાન આવી જ ના શકે.’ (૫૦) અહીં વાતો કરનારા મોટાભાગના ભારતથી આવ્યા છે. પણ એમને અમ્માની પંજાબી નથી સમજાતી. અમ્મા, પહેલવાન અને મૌલવી ત્રણેય પંજાબી બોલે છે. એમને ઉર્દૂ નથી આવડતી. ને આ જ વાત હિન્દુસ્તાનને બે ટુકડામાં વહેંચી દેનારાઓને નો’તી સમજાઈ. આ પ્રજા હિન્દુ કે મુસલામન ક્યાં હતી? એ તો પંજાબી, મરાઠી, બંગાળી કે સિંધી હતી. એને ધર્મના આધારે વહેંચવી એ જ સૌથી મોટી વિડંબના હતી, મશ્કરી હતી..... દિવાળી નજીક આવતાં માઈ અચકાતાં અચકાતાં મિર્ઝાને દીવા કરવા વિશે પૂછે છે અને મિર્ઝા રાજી થઈને કહે છે, ‘મને શો વાંધો હોય? તમે ખુશીથી ઊજવો દિવાળી.....’ દિવાળીના દીવા કરતાં કરતાં તન્નો માઈને પૂછે છે ‘અમ્મા આ ભારત-પાકિસ્તાન કેમ થયાં?’ માજી જવાબમાં કહે છે ‘મને શી ખબર બેટા?’ તન્નોને જંપ નથી. એ વળી પોતાની માને પૂછે છે, ‘અમ્મા અગર હમ લોગ ઔર માઈ એક હી ઘરમેં રહ સકતે હૈં તો હિન્દુસ્તાન મેં હિન્દુ ઔર મુસલમાન ક્યોં નહીં રહ સકતે થે?’ (૫૪) માનો જવાબ સ્પષ્ટ છે ‘સદીઓથી સાથે રહેતા જ હતા ને? તો પછી પાકિસ્તાન કેમ બન્યું?’ તન્નોના આ પ્રશ્નનો જવાબ ન મા પાસે છે, ન માઈ પાસે. ને એમ જુવો તો આ પ્રશ્નનો જવાબ કોની પાસે છે? ઈંતિઝાર હુસૈન સાચું જ કહે છે કે કોઈ કોઈ પ્રશ્નોના જવાબ ન તો સમય પાસે હોય છે ન જમાના પાસે. પહેલવાન લાલપીળો થઈ ગયો છે માઈના દિવાળી ઉજવવા બાબતે. નાસીર કાઝમી એની દલીલો વડે ઠંડું પાણી રેડ્યે જાય છે. પહેલવાન તાડૂકીને કહે છે ‘આજે એણે પૂજા કરી છે, કાલે મંદિર બનાવશે.... પછીના દિવસે હિન્દુ ધર્મની તાલીમ દેશે.....’ નાસીર કાઝમીનો જવાબ સ્પષ્ટ છે ‘તમારું માનવું છે કે એ હિન્દુ ધર્મની તાલીમ દેશે એ સાથે લોકો ફટાફટ હિન્દુ થઈ જશે? માફ કરજો. પણ જો એવું થઈ શકતું હોય તો પછી થઈ જ જવા દો,........’ (૫૭) ધર્માન્તરણના મુદ્દે વારંવાર કાગારોળ મચાવનારા, આ મુદ્દાને હથિયાર બનાવનારા બધા માટે આ તમાચા જેવો જવાબ છે. જો ધર્મ ખરેખર આટલી સપાટી પરની વસ્તુ હોય, ચપટી વગાડતાં જો એને બદલી શકાતો હોય, માણસના આંતરસત્ત્વ સાથે એને કોઈ લેવા દેવા જ ન હોય તો એવો ધર્મ ટકે કે ના ટકે બધું સરખું જ છે. નાસીર કાઝમીના કારણે પોતાની દાળ નહીં ગળે એવું લાગતાં અકળાયેલો પહેલવાન એના ચમચાઓ સમેત સીધો મસ્જિદમાં મૌલવી પાસે જાય છે. એની પાછળ પાછળ સિકંદર મિર્ઝા, નાસીર કાઝમી વગેરે પણ આવી ચડે છે. મૌલવી પહેલવાનની ફરિયાદના જવાબમાં કહે છે ‘બધાને ઈબાદત (પ્રાર્થના) કરવાનો અને પોતપોતાના ખુદાને યાદ કરવાનો પૂરો અધિકાર છે.’ ‘હદીસ’માં સ્પષ્ટ લખ્યું છે કે ‘તુમ દૂસરોં કે ખુદાઓં કો બૂરા ન કહો, તાકિ વહ તુમ્હારે ખુદા કો બૂરા ન કહેં, તુમ દૂસરોં કે મજબહ કો બૂરા ન કહો, તાકિ વહ તુમ્હારે મજહબ કો બૂરા ન કહેં.’ (૬૦). આ જવાબથી ટાઢોબોળ થઈ ગયેલ પહેલવાન કંઈક યાદ આવવાથી વળી દલીલ કરે છે, ‘ધારો કે કાલે ઊઠીને એ બુઢ્ઢી અહીં મંદિર બાંધશે તો?’ મૌલવીનો જવાબ સ્પષ્ટ છે, ‘મંદિરોં કો બનને ન દેના યા મંદિરોં કો તોડના ઇસ્લામ નહીં હૈ.....’ (૬૦) હવે મગજ પરથી કાબૂ ગુમાવતો પહેલવાન મૌલવીને ભાંડવા બેસી જાય છે. પોતાનાં સંતાનો ગયાં ત્યારે જેણે લાહૌર નો’તું છોડ્યું એ માઈ હવે આ પારકા છોકરાવને પહેલવાન હેરાન ન કરે એટલા માટે રાતના અંધારામાં લાહૌર છોડવા તૈયાર થઈ જાય છે. ઘણી સમજાવટ પછી નાસીર કાઝમી દર્દભર્યા અવાજે કહી ઊઠે છે : ‘માઈ, લાહૌર છોડકર મત જાઓ..... તુમ્હેં લાહૌર કહીં ઔર નહીં મિલેગા, ઉસી તરાહ જૈસે મુઝે અમ્બાલા કહીં ઔર નહીં મિલા..... હિદાયત કો લખનૌ કહીં નહીં મિલા.’ (૬૬) માઈ કહે છે : ‘એમના કહેવા પ્રમાણે મારા જવાથી લાહૌર પાક (પવિત્ર) થઈ જશે !’ નાસીર કહી ઊઠે છે : ‘તુમ અગર યહાં ન રહીં તો હમ સબ નંગે હો જાયેંગે, માઈ, નંગા આદમી નંગા હોતા હૈ, ન હિન્દુ હોતા હૈ ઔર ન મુસલમાન.’ (૬૬) ને વૃંદનું ગાયન સંભળાય છે :

ફૂલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે
યારોં યે કૈસી હવા હૈ અબ કે

માઈનું મૃત્યુ આ બધા માટે એક નવી સમસ્યા પેદા કરે છે. લાહૌરના સ્મશાનઘાટમાં મકાનો બની ગયાં છે. આખા શહેરમાં કોઈ હિન્દુ છે નહીં. કોઈને હિન્દુ રીતરિવાજ ખબર નથી. મૌલવી કહે છે કે મરેલ વ્યક્તિના અંતિમસંસ્કાર એના ધર્માનુસાર જ કરવા જોઈએ. તરત જ પહેલવાન બરાડે છે, ‘એટલે હિન્દુ બુઢિયા પાછળ શું રામ નામ સત કરીએ?’ મૌલવીનો જવાબ દરેક અંતિમવાદી વિચારસરણીવાળાએ ગાંઠે બાંધી લેવા જેવો છે : ‘પુત્તર ઇસ્લામ ખુદગર્જી નહીં સિખાતા. ઇસ્લામ દૂસરે કે મઝહબ ઔર જઝબાત કા એહતેરામ (આદર) કરના સિખાતા હૈ.....’ (૭૫) બધા પોતે ભારતમાં હતા ત્યારે જોયેલી વિધિઓ યાદ કરે છે, રામ નામ સત હૈ, યહી તુમ્હારી ગત હૈ કહેવું પડશે, ઘી, હવનની સામગ્રી..... ને મિર્ઝા દીકરા તરીકેની જવાબદારી અદા કરશે. આટલું નક્કી થતામાં પહેલવાન રાડારાડી ને ગાળાગાળી કરી ઊઠે છે. એને બે વાતે ગુસ્સો આવે છે. (૧) પાકિસ્તાનની પાક ધરતી પર એક કાફરને અપાતું માન (૨) સિકંદર મિર્ઝા એકલો બધો માલ હડપ કરી ગયો. આમાં બીજું કારણ વધુ મહત્ત્વનું છે. હવેલી પર નજર હતી એટલે તો બધું કર્યું હતું પણ થયું શું? હવેલી તો મિર્ઝાના ભાગે ગઈ. અંતિમ દૃશ્યમાં પહેલવાન અને એના સાગરીતો બુકાની બાંધીને મસ્જિદ મધ્યે મૌલવીની હત્યા કરે છે. ઇસ્લામની સાચી સમજ ધરાવનારની અંતિમવાદી, સ્વાર્થી લોકોના હાથે હત્યા થાય છે. નાટકનાં બાકીનાં પાત્રો મંચ પર આવે છે અને ઘેરા, પ્રભાવશાળી અવાજે ગાય છે :

ખાક ઉડાતે હૈં દિન રાત/મીલોં ફૈલ ગયે સહરા1[1]
પ્યાસી ધરતી જલતી હૈ/ સુખ ગયે બહતે દરિયા2[2]

શરીફા વીજળીવાળા

પાત્રસૃષ્ટિ

સિકંદર મિર્ઝા : ૫૫ વર્ષ
હમીદા બેગમ : પત્ની, ૪૫ વર્ષ
તનવીર બેગમ(તન્નો) : નાની છોકરી, ૧૧-૧૨ વર્ષ
જાવેદ : સિકંદર મિર્ઝાનો યુવાન પુત્ર, ૨૪-૨૫ વર્ષ
રતનની મા : ૬૫-૭૦ વર્ષ
પહેલવાન : મહોલ્લાનો મુસ્લિમ લીગી નેતા
અનવાર : પહેલવાનનો પંજાબી દોસ્ત, ૨૦-૨૨ વર્ષ
સિરાજ : પહેલવાનનો દોસ્ત મુહાજિર, ૨૦-૨૨ વર્ષ
રઝા : પહેલવાનનો દોસ્ત, ૨૦-૨૨ વર્ષ
હમીદ હુસૈન : સિકંદર મિર્ઝાના પડોશી, જૂના જમીનદાર મુહાજિર, ૫૦ વર્ષ
નાસિર કાઝમી : સિકંદર મિર્ઝાના પડોશી, ૩૫-૩૬ વર્ષ શાયર, મુહાજિર

મૌલવી ઈકરામુદ્દીન

: મસ્જિદના મૌલવી, ૬૫-૭૦ વર્ષ (પંજાબી)
અલીમુદ્દીન : ચા વાળો, ૪૦ વર્ષ (પંજાબી)
મુહમ્મદ શાહ : પહેલવાનનો મિત્ર
ફયાઝ : મુસ્લિમ લીગી કાર્યકર્તા
મુસ્લિમ લીગી : નેતા


જેણે લાહૌર નથી જોયું એ જન્મ્યો જ નથી
(ઉર્દૂ નાટકનો ગુજરાતી અનુવાદ)

લેખક : અસગર વજાહત
અનુવાદક : શરીફા વીજળીવાળા

દૃશ્ય : એક

(મંચ પર ઝાંખું અજવાળું છે. પાર્શ્વભૂમિમાંથી કોઈ દેખાવકારો કે સરઘસના સ્પષ્ટ અવાજો આવી રહ્યા છે. ધીમે ધીમે એ અવાજો વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય છે. દેખાવકારો નજીક આવતા હોય એવું લાગે છે, દેખાવકારો મંચ પર પ્રવેશે એ પહેલાં જે નારાઓ સ્પષ્ટપણે સંભળાઇ રહ્યા છે, તે આ છે—) “નાર-એ -તકબીર1 અલ્લાહો અકબર” “લે કે રહેંગે. પાકિસ્તાન, પાકિસ્તાન....” (સરઘસ મંચ પર આવે છે. વળી નારા લગાવે છે) “પાકિસ્તાન પાકિસ્તાન.....’’ “લેકે રહેંગે પાકિસ્તાન.’’ “મુસ્લિમ લીગ મુસ્લિમ લીગ..... જિંદાબાદ મુસ્લિમ લીગ’’ (આખું સરઘસ મંચ પર આવી જાય છે અને એક જૂથ જોરથી બૂમ પાડે છે) “સીધા પૈર જુત્તી દા’ (બીજું જૂથ જવાબ આપે છે.) “ખિઝિર પુત્તર કુત્તી દા2 “ખિઝિર પુત્તર કુત્તી દા.....” (આની આ જ પંક્તિને ફરી ફરી બોલતા કેટલાક લોકો એના તાલે નાચવા માંડે છે, અને વારેવારે “કુત્તી દા” “કુત્તી દા” કહે છે) (ટોળું વળી નારો પોકારે છે) : ખિઝિર બીજું જૂથ કહે છે..... પુત્તર પછી બધા સાથે કહે છે : “કુત્તી દા” ______________________ 1 અલ્લાહ મહાન છે એવું પોકારીને કહેવું. 2 પાકિસ્તાન બનતા પહેલાં પંજાબના મુખ્યમંત્રી ખિઝિર હયાત ખાઁ મુસ્લિમ લીગમાં ન હતા એટલે ‘ખિઝિર કૂતરીનો’ એવા નારા લગાવાય છે.

(અચાનક એક મુસ્લિમ લીગી દોડતો દોડતો મંચ પર આવે છે અને સરઘસના નેતાને કહે છે.) મુસ્લિમ લીગી : અબે ફયાઝ..... ઓય ફયાઝ જરા થોભ..... કહું છું જરા ઊભો રહે........ (નારા પોકારનારા ઊભા રહી જાય છે. ચૂપકીદી છવાઈ જાય છે. મુસ્લિમ લીગી ફયાઝને મંચના એક ખૂણામાં લઈ જાય છે.) મુસ્લિમ લીગી : (ફયાઝને) ઓયે ફયાઝ, તું આ નારા ના લગાવડાવ. ફયાઝ : કેમ ભાઈ? શું થયું? મુસ્લિમ લીગી : તને ખબર નથી ફયાઝ.... પણ ખિઝિર મુસ્લિમ લીગમાં જોડાઈ ગયો. ફયાઝ : ના હોય અલ્યા મુસ્લિમ લીગી : અરે ના હોય શું? હા..... આ મુબારક ખબર હજી હમણાં જ આવી છે. ફયાઝ : અરે યાર ! આ તો કમાલ થઈ ગઈ..... મસ્લિમ લીગી : કમાલ નહીં તો બીજું શું? હવે પાકિસ્તાન બન્યું જ સમજો........ ફયાઝ : ખિઝિરે પુરવાર કરી દીધું કે એ મુસલમાન છે. મુસ્લિમ લીગી : અરે ફયાઝ, મુસલમાનનું લોહી છે એટલે જોશ તો મારવાનું જ. જા હવે સરઘસને આગળ લઈ જા. (ફયાઝ સરઘસ પાસે જાય છે. બે-ચાર માણસો સાથે વાતચીત કરે છે. અને પછી એક જૂથ જોરથી રાડ પાડે છે.) એક જૂથ : તાઝી ખબર આઈ હૈ ..... બીજું જૂથ : (કહે છે) ખિઝિર વડ્ડા (મોટા) ભાઈ હૈ ..... (આ ને આ નારો વારે વારે પોકારવામાં આવે છે. સરઘસ એકદમ તાનમાં આવી જાય છે.) (વળી બીજા નારા પોકારાય છે અને સરઘસ ધીમે ધીમે આગળ વધે છે.)

થોડાક લોકો : પાકિસ્તાન, પાકિસ્તાન બીજું જૂથ : લેકે રહેંગે પાકિસ્તાન (મંચ પરની પ્રકાશ વ્યવસ્થા બદલાય છે. થોડોક સમય વીત્યો હોય એવો આભાસ થાય છે. સરઘસ મંચની એક બાજુથી બહાર નીકળી બીજી બાજુથી મંચ પર દાખલ થાય છે.) (“પાકિસ્તાન, પાકિસ્તાન’’ના નારા પોકારાતા રહે છે.) (અચાનક પેલો મુસ્લિમ લીગી ફરીથી દોડતો દોડતો આવે છે. અને ફયાઝનું બાવડું પકડીને એને સરઘસથી દૂર ઘસડી જાય છે.)

મુસ્લિમ લીગી : અરે ફયાઝ એ ખબર તો ખોટી હતી..... ફયાઝ : કઈ ખબર? મુસ્લિમ લીગી : ખિઝિર મુસ્લિમ લીગમાં નથી જોડાયો..... ફયાઝ : અરે ભાઈ આ શું ગોટાળો છે? મુસ્લિમ લીગી : સાચી વાત છે ફયાઝ.... એકદમ સાચી.... જા સરઘસને આગળ લઈ જા.... (ફયાઝ સરઘસ પાસે આવે છે. આઠ-દસ માણસો સાથે ગુપસુપ કરે છે. બધા એકદમ ચૂપ થઈ જાય છે. અચાનક એક જૂથ બરાડી ઉઠે છે.)

એક જૂથ : સીધા પૈર જૂત્તી દા બીજું જૂથ : ખિઝિર પુત્તર કુત્તી દા (આખું સરઘસ “ખિઝિર પુત્તર કુત્તી દા” કહેતું કહેતું ગાંડાની જેમ નાચવા લાગે છે. થોડીક વાર સુધી બધા નાચતા રહે છે. પછી પ્રકાશ અને અવાજો ધીરે ધીરે આછા થતા જાય છે. મંચ પર અંધારું છવાઈ જાય છે. થોડી વાર પછી ઝાંખું અજવાળું થાય છે અને લૂંટાઈ ગયેલા, બરબાદ થઈ ગયેલા શરણાર્થીઓનો કાફલો નજરે પડે છે. ધીરે ધીરે એ મંચ તરફ આગળ વધે છે. પાર્શ્વભૂમિમાંથી ગીત સંભળાય છે.)

અંતરાલ ગીત

ઔર નતીજે મેં હિન્દોસ્તાં બંટ ગયા યે ઝમીં બંટ ગયી આસમાં બંટ ગયા તર્ઝે તહરીર1, તર્ઝે બયાં2 બંટ ગયા શાખે ગુલ3 બંટ ગયી, આશ્યાં4 બંટ ગયા હમને દેખા થા જો ખ્વાબ હી ઔર થા અબ જો દેખા તો પંજાબ હી ઔર થા (શરણાર્થીઓનું જૂથ મંચ પરથી પસાર થાય છે.) _____________ 1 તર્જે તહરીર : લખવાની શૈલી 2 તર્ઝે બયાં : વર્ણનશૈલી 3 શાખેગુલ : ફૂલોની ડાળી 4 આશ્યાં : માળો, ઘર

  દૃશ્ય : બીજું (સિકંદર મિર્ઝા, જાવેદ, હમીદા બેગમ અને તન્નો સામાન ઉપાડીને મંચ પર આવે છે. આમ-તેમ નજર રાખે છે. કસ્ટોડિયન દ્વારા એમને એલોટ થયેલી હવેલીમાં તેઓ આવી પહોંચ્યાં છે. બધાના ચહેરા પર સંતોષ અને પ્રસન્નતાના ભાવ દેખાય છે. સિકંદર મિર્ઝા, જાવેદ તથા બેઉ સ્ત્રીઓ હાથમાં ઉપાડેલો સામાન નીચે મૂકી દે છે.)

બેગમ : (હવેલી જોઈને) યા ખુદા, શુકર ગુજાર તારો..... તારો લાખ લાખ વાર શુકર ગુજાર..... મિર્ઝા : કસ્ટોડિયન ઑફિસર ખોટું નો’તો કે’તો. ખરેખર જ હવેલી છે હવેલી ! તન્નો : અબ્બાજાન આ હવેલીમાં કેટલા ઓરડા છે? મિર્ઝા : બાવીસ. બેગમ : આંગણાની હાલત તો જુવો ! એવી તો વેરાની છવાયેલી છે કે હૈયું કાંપી ઊઠે. મિર્ઝા : મહિનાઓથી જ્યાં કોઈ રહેતું જ ન હોય ત્યાં વેરાન ન લાગે તો બીજું શું થાય? બેગમ : હું તો સૌથી પહેલાં શુક્રિયા અદા કરવા બે રકાત૧ નમાઝ પડીશ. મેં મન્નત માની હતી..... આખરે અભાગિયા કેમ્પમાંથી છુટકારો તો થયો..... (હમીદા બેગમ શેતરંજી પાથરે છે અને નમાઝ પઢવા માટે તેના પર ઊભાં રહી જાય છે.) જાવેદ : અબ્બાજાન આ ઘર કોનું છે? મિર્ઝા : હવે તો આપણું જ છે બેટા. જાવેદ : મતલબ પહેલાં કોનું હતું? મિર્ઝા : બેટા, એ બધા સાથે આપણે શી લેવાદેવા? આપણે લખનૌમાં આપણી જે માલમિલકત છોડીને આવ્યા છીએ એની અવેજીમાં સમજને કે આપણને આ હવેલી મળી છે. _______________ ૧ રકાત : નમાજનો એક ભાગ, ઊભા થવાથી માથું ટેકવવાની પ્રક્રિયા

તન્નો  : આપણા ઘર કરતાં આ હવેલી બહુ મોટી છે. મિર્ઝા : નહીં બેટા, આપણા ઘરની તો વાત જ સાવ જુદી હતી. આપણા આંગણામાં મધુમાલતીની જે વેલ હતી તે અહીં ક્યાં છે ? ઓસરી પણ એટલી પહોળી નથી. જો વરસાદની મોસમમાં અહીં ખાટલા નાખીએ તો પાંગત તો ચોક્કસ જ ભીંજાઈ જાય. તન્નો  : પણ ઓશરી છે એકદમ શાનદાર ! જાવેદ : કોઈ પૈસાદાર હિંદુનું ઘર હોય એવું લાગે છે. મિર્ઝા : કોઈ કહેતું હતું કે કોઈ મશહૂર ઝવેરીની હવેલી છે. જાવેદ : અબ્બા, આપણે ઓરડાઓ ઉઘાડીને જોઈએ તો ખરા, કદાચ કંઈક માલસામાન મળી જાય. મિર્ઝા : સારું બેટા, તું જો, હું તો હવે જરાક પગ વાળીને બેસું છું. આ હવેલી એલોટ થયા પછી માથા પરથી જાણે બહુ મોટો ભાર ઊતરી ગયો હોય એવું લાગે છે. જાવેદ : અબ્બાજાન, હું આખી હવેલી જોઈ લઉં? તન્નો : ભાઈ, હું પણ તારી સાથે આવું? મિર્ઝા : નહીં, તું જરા રસોડું સંભાળ. ભાઈ હવે ક્યાં સુધી હોટેલમાંથી મટન-રોટી આવશે? જો રસોડામાં બધી ચીજ-વસ્તુઓ હોય તો માશાલ્લાહ આછા પાતળા પરોઠા અને આમલેટ તો બનાવી જ શકાય. અને જાવેદ બેટા, તું જરાક લાઈટ ચાલુ કરીને જોઈ લે. પાણીનો નળ ખોલીને પણ જરા જોઈ લે.... ભાઈ જે કંઈ ખામીઓ હશે તે નોંધીને કસ્ટોડિયનવાળાઓને બતાવવી પડશે ને? (હમીદા બેગમ નમાજ પઢીને આવે છે) બેગમ : મારું તો કાળજું કાંપે છે. મિર્ઝા : કાળજું કાંપે છે? બેગમ : ખબર નહીં કોની હવેલી છે? કેવાં અરમાનોથી બનાવી હશે એણે આ હવેલી? મિર્ઝા : બેગમ તમે અર્થ વગરની વાતો ના કરો. આપણા પેઢી દર પેઢી જૂના ઘરમાં પણ આજે કોઈ શરણાર્થી નિરાંતે રહેતો જ હશે ને? આ જમાનો જ કંઈક એવો છે. વધારે પડતી શરમ, લાજ અને ચિંતા આપણને ક્યાંયના નહીં રહેવા દે..... મારો ને તમારો વિચાર ના કરીએ પણ તન્નો અને જાવેદના વિચારે પણ અહીં ઠરીઠામ તો થવું જ પડવાનું ને? શહેર લખનૌ છૂટ્યું તો શહેર લાહૌર મળ્યું..... બેઉમાં ‘લ’ તો એકસરખો જ છે ને? મનના તમામ વ્હેમ કાઢી નાખો અને આ ઘરને પોતાનું ઘર સમજીને બસ જામી પડો. બિસ્મિલ્લાહ..... આજે રાત્રે ઈશાંની નમાઝ પછી હું કુરાને પાક પડવા બેસીશ. (તન્નો દોડતી દોડતી આવે છે. એ ગભરાયેલી છે. હાંફી રહી છે.) બેગમ : શું થયું બેટા? શું થયું? તન્નો : આ હવેલીમાં કોઈક છે અમ્મા ! સિકંદર મિર્ઝા  : કોઈ છે? શું કહે છે તું? તન્નો : હું દાદરો ચડીને ઉપર ગઈ તો મેં જોયું કે..... સિકંદર મિર્ઝા : શું વાહિયાત વાતો કરે છે? તન્નો : નહીં અબ્બા, હું સાચું કહું છું. બેગમ : એ ડરી ગઈ છે. હું જઈને જોઉં છું. (હમીદા બેગમ મંચની જમણી તરફ જાય છે. ત્યાંથી જ એમનો અવાજ સંભળાય છે) બેગમ : અહીં તો કોઈ નથી..... તું ઉપર કઈ બાજુ ગઈ હતી? તન્નો : પેલી બાજુ જે દાદરો છે ને ત્યાં..... (બેગમ દાદરા તરફ જાય છે. તન્નો અને મિર્ઝા મંચની જમણી તરફ જાય છે. ત્યાં લોખંડના સળિયાવાળો દરવાજો બંધ હતો. બરાબર એ જ વખતે હમીદા બેગમની ચીસ સંભળાય છે.) હમીદાબેગમ : અરે આ તો કોઈ..... જુવો તો કોઈ દાદરો ઊતરી રહ્યું છે. (મિર્ઝા ઝડપભેર જમણી તરફ જાય છે. ત્યાં સુધીમાં સફેદ કપડાં પહેરેલી એક ડોશી દાદર ઊતરીને દરવાજા પાસે આવીને ઊભી રહી જાય છે.) સિકંદર મિર્ઝા  : તમે કોણ છો? રતનની મા : વાહ રે વાહ ! તારી ભલી થાય !..... હું કોણ છું? તમે બોલો તમે બધા કોણ છો જે પૂછ્યાગાછ્યા વગર મારા ઘરમાં ઘૂસી આવ્યા છો? સિકંદર મિર્ઝા : ઘૂસી આવ્યા? અરે તમે એવું કઈ રીતે કહી શકો કે અમે ઘરમાં ઘૂસી આવ્યા? મોહતરમા૧ આ ઘર અમને કસ્ટોડિયનવાળાઓએ એલોટ કર્યું છે. રતનની મા : એ તારા એલોટ-ફેલોટમાં મેં નહીં જાણદી..... હું તો એટલું જાણું છું કે આ મારું ઘર છે..... સિકંદર મિર્ઝા : એવું બની જ કેવી રીતે શકે? રતનની મા : અરે તું કોઈને પણ પૂછી લે ને..... આ રતનલાલ ઝવેરીની હવેલી છે. અને હું રતનલાલની મા છું. મિર્ઝા : રતનલાલ ઝવેરી ક્યાં છે? રતનની મા  : આ બધા દંગાફસાદ શરૂ થયા તે પહેલાં રતન કોઈ હિંદુ ડ્રાઈવરની શોધમાં ઘરેથી નીકળ્યો હતો. અમારી ગાડીનો ડ્રાઈવર તો મુસલમાન છે ને? એ તો લાહૌર છોડીને બહાર જવા તૈયાર થાય નહીં. (રડતા અવાજે : તે દાડાનો ગયેલો રતન આજ દિવસ સુધી..... (૨ડવા લાગે છે) સિકંદર મિર્ઝા : (ગભરાઈ જાય છે) જુવો, જે કંઈ થયું એનો અમને બહુ અફસોસ છે. પણ તમને એ તો ખબર જ હશે કે હવે પાકિસ્તાન બની ચૂક્યું છે. લાહૌર પાકિસ્તાનના ભાગે આવ્યું છે..... તમારા લોકો માટે હવે અહીં કોઈ જગ્યા નથી. અમે તમને શરણાર્થી કેમ્પમાં મૂકી આવીએ. કેમ્પવાળાઓ તમને હિંદુસ્તાન લઈ જશે. રતનની મા  : મૈં કિદરી નઈ જાણાં. ____________ ૧ મોહતરમા : સ્ત્રી માટે માનાર્થે વપરાતો શબ્દ.

સિકંદર મિર્ઝા : તમે આ શું કહી રહ્યાં છો?..... તમારું કહેવું છે કે મકાન..... રતનની મા : આ મકાન મારું છે. સિકંદર મિર્ઝા : જુવો..... અમારી પાસે આ મકાનને લગતાં બધાં કાગળિયાં છે. રતનની મા : કાગળિયાં તો અમારી પાસે પણ છે. સિકંદર મિર્ઝા : પણ માજી, તમે એક વાત સમજવાની કોશિશ કરો કે હવે અહીં પાકિસ્તાનમાં કોઈ હિંદુ ના રહી શકે. રતનની મા : હું તો અહીં જ રહેવાની. જ્યાં સુધી મારો રતન નહીં આવી જાય ત્યાં સુધી હું અહીંથી કશે નથી જવાની. સિકંદર મિર્ઝા : રતન.....? રતનની મા  : હા, મારો દીકરો રતનલાલ ઝવેરી. સિકંદર મિર્ઝા : જુઓ, અમે તમારા જઝબાતની કદર કરીએ છીએ. પણ હકીકત એ છે કે તમારો દીકરો રતનલાલ હવે કદી પણ પાછો નથી આવવાનો. રતનની મા : કેમ? તું કઈ ખુદા છે કે તને બધી વાતની પાક્કી ખબર હોય? હમીદા બેગમ : બેન, સેંકડો હજારો લોકોને મારી નાખ્યા..... હજારો લોકો બર્બાદ થઈ ગયા..... રતનની મા : સેંકડો-હજારો બચી પણ ગયા ને? સિકંદર મિર્ઝા : જુવો મોહતરમા..... સો વાતની એક વાત કે તમારે મકાન ખાલી તો કરવું જ પડશે..... અમને આ મકાન મળી ચૂક્યું છે..... સરકારી હુકમથી. રતનની મા : હું અહીંથી ધરાર નથી નીકળવાની..... સિકંદર મિર્ઝા : (ગુસ્સે થઈને) માફ કરજો મોહતરમા..... તમે મારા બુઝુર્ગ છો પણ જો તમે તમારી જિદ નહીં છોડો તો કદાચ..... રતનની મા : હા હા, તું તારે મને મારીને રાવીની વચ્ચે ડુબાડી આવજે. પછી હવેલી પર કબ્જો કરી લેજો..... મારા જીવતેજીવ તો તને કબજો મળી રહ્યો..... મિર્ઝા : યા ખુદા ! આ કેવી મુસીબત ઊભી થઈ? બેગમ : આજકાલ શરાફતનો તો જમાનો જ નથી રહ્યો.... તમે કસ્ટોડિયનવાળાઓને બોલાવી લાવો તો.... હમણાં જ. રતનની મા : બેટા, તને મરજી પડે એ બધાને તું બોલાવી લાવ જા. જીવથી વધારે તો કોઈ કંઈ લઈ શકવાના નથી ને? હું તો તને જીવ દેવા તૈયાર જ બેઠી છું. સિકંદર મિર્ઝા : યા ખુદા, હું શું કરું? બેગમ : અરે શું કરું શું? તમે કસ્ટોડિયનની ઓફિસે જાઓ. જે ખાલી નથી એવું મકાન આપણને આપ્યું જ શા માટે? મિર્ઝા : (જાવેદને) બેટા મારી શેરવાની લાવ તો .... તન્નો બેટા જરા એક ગ્લાસ પાણી પીવડાવી દે તો..... રતનની મા : નળમાં પાણી આવે છે. આ અઠવાડિયે જ પાણીનો સપ્લાય શરૂ થયો છે. બેટા, નળમાંથી પાણી લઈ લે જા.... મિર્ઝા : (શેરવાની પહેરતાં) જુઓ હું તમને કહી દઉં છું. જો પોલીસ તમારા પર જોરજુલમ કરશે તો અમને પણ દુ:ખ થશે. રતનની મા : બેટા, મારા પર જે કેર વર્ત્યો છે એનાથી વધુ કેર તો કોઈ હોઈ જ ના શકે. જુવાન દીકરો ના રહ્યો.... લાખોનાં ઝવેરાત લૂંટાઈ ગયાં..... સગાંસંબંધી બધાંય માર્યાં ગયાં..... બેગમ : તો બુવા આટઆટલું વીત્યા પછી હવે તો સમજો.... હિંદુસ્તાન જતાં રહો. તમારા પોતાના લોકો વચ્ચે જઈને રહો.... રતનની મા : દેવનો દીધેલો મારો દીકરો જ ના રહ્યો. પછી હું ક્યાં જવાની? (મિર્ઝા પાણી પીને ઊભો થાય છે.) મિર્ઝા : લ્યો ત્યારે બેગમ હું જાઉં છું. જાવેદ : હું પણ આવું તમારી સાથે? મિર્ઝા : ના, તું અહીં ઘરે જ રહે. એવું બને કે આ ડોશીએ બીજા લોકોને પણ ઘરમાં છુપાવી રાખ્યા હોય ! રતનની મા : રબની સોગંદ મારા સિવાય અહીં બીજું કોઈ નથી. મિર્ઝા : ના બેટા, તું અહીં જ રહે..... (મિર્ઝા જાય છે) હમીદા બેગમ : ખુદા હાફિઝ. (હમીદા બેગમ, જાવેદ અને તન્નો મંચની જમણી બાજુથી ખસી જાય છે.) મિર્ઝા : ખુદા હાફિઝ. બેગમ : તન્નો તેં રાંધણિયું જોયું? તન્નો : હા, અમ્મીજાન. બેગમ : વાસણ તો આપણી પાસે છે જ. તું જલ્દી જલ્દી રાંધી નાખ. તારા અબ્બા પાછા આવે ત્યાં સુધીમાં રંધાઈ જાય તો સારું. તન્નો : અમ્મીજાન, રાંધણિયામાં લાકડાં કે કોલસા કંઈ નથી. શાના પર રાંધું? હમીદા બેગમ : લાકડાં કોલસા કંઈ નથી? તન્નો : એક સુકાયેલ સાંઠી પણ નથી. હમીદા બેગમ : તો પછી શું રાખ રાંધીશું? રતનની મા : દીકરી, ઓસરીના ડાબા હાથ તરફની નાની ઓરડી આખી લાકડાંથી ઠાંસીને ભરી છે. કાઢી લે તારે જોઈએ એટલાં..... (હમીદા અને તન્નો બેઉ એકમેક સામે નવાઈના માર્યા ખુશખુશાલ નજરે જોઈ રહે છે.)

અંતરાલ ગીત (અભિનેતા મંચ પર આવીને ગાય છે.) દિલ મેં લહર સી ઊઠી હૈ અભી કોઈ તાઝા હવા ચલી હૈ અભી શોર બરપા1 હૈ ખાન-એ-દિલ 2 મેં કોઈ દીવાર-સી, ગિરી હૈ અભી ભરી દુનિયા મેં જી નહીં લગતા જાને કિસ ચીઝ કી કમી હૈ અભી વક્ત અચ્છા ભી આયેગા ‘નાસિર’ ગમ ન કર જિંદગી પડી હૈ અભી

¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬_____________________ 1. શોર બરપા : અવાજ થવો 2. ખાન-એ-દિલ : હૈયામાં   દૃશ્ય : ત્રણ


(કસ્ટોડિયન ઑફિસનું કાર્યાલય..... બે-ચાર ટેબલ પર કારકૂનો બેઠા છે. કાર્યાલયના બારણા પર ‘કસ્ટોડિયન ઑફિસર’નું પાટિયું લાગેલું છે. દરવાજા પાસે ચોકીદાર લાગે એવો પટાવાળો બેઠો છે. ઑફિસમાં હૈયેહૈયું દળાય એવી ગિર્દી છે. સિકંદર મિર્ઝા કોઈ કારકૂન સાથે વાતચીત કરી રહ્યા છે. અચાનક જ એ કારકૂન ખડખડાટ હસી પડે છે. બીજા કારકૂન ચોંકીને એની તરફ જોવા લાગે છે.) પહેલો કારકૂન : હા..... હા..... હા.... આ તો કમાલ થઈ ગઈ.... (બીજા કારકૂનોને) અરે યારો.... કામ તો થતું જ આવ્યું છે અને થતું જ રહેશે.... જરાક આરામ પણ કરી લો. આ ભાઈજાન બહુ મોટી મુસીબતમાં ફસાયા છે. એમની જરાક મદદ કરો. બીજો કારકૂન : બાવીસ ઓરડાની હવેલી એલોટ કરાવ્યા પછી પણ મુસીબતમાં ફસાયા છે? ત્રીજો કારકૂન : અરે એ બાવીસ ઓરડાનો ભંગાર જ નીલામ કરેને તો પણ એમની તમામ મુશ્કેલીઓ છૂ થઈ જાય. (કારકૂનો હસે છે) પહેલો કારકૂન : મિયાં, આ બિચારાનો જીવ જાય છે અને તમે બધા હસો છો? બીજો કારકૂન : અરે મિયાં જે હોય તે સ્પષ્ટ શબ્દોમાં કહો.... આમ ગોળ ગોળ વાતો કેમ કરો છો? સિકંદર મિર્ઝા : જનાબ વાત એમ છે કે.... જે હવેલી મને એલોટ થઈ છે એમાં એક ડોશી રહે છે. બીજો કારકૂન : શું કહ્યું? સિકંદર મિર્ઝા : હું કહું છું કે.... એમાં.... એટલે કે હવેલી ખાલી નથી..... જે હવેલી ખાલી છે જ નહીં એ મને કેવી રીતે એલોટ થઈ શકે? ત્રીજો કારકૂન : અમે સમજ્યા નહીં કે તમને તકલીફ શી છે? સિકંદર મિર્ઝા : અરે સાહેબ, એ હવેલીની શોભા તો એક બુઢ્ઢી વધારી રહી છે. જ્યાં સુધી એ હવેલીમાં છે ત્યાં સુધી બીજું કોઈ ત્યાં ન રહી શકે એમ તે કહે છે. મને પોલીસની મદદ આપો જેથી કરીને હું એ કમબખત પાસેથી હવેલી ખાલી કરાવી શકું. પહેલો કારકૂન : મિર્ઝા સાહેબ એક ડોશીને હવેલીમાંથી કાઢવા માટે તમારે પોલીસની મદદ જોઈએ? સિકંદર મિર્ઝા : તો પછી હું શું કરું? બીજો કારકૂન : શું કરું શું? ‘હટાવી’ દો એને. સિકંદર મિર્ઝા : એટલે? ત્રીજો કારકૂન : હવે ‘હટાવી’ દેવાનો અર્થ પણ મારે તમને સમજાવવાનો? બીજો કારકૂન : જનાબ મિર્ઝા સાહેબ, આખરે તમે શું ઇચ્છો છો? સિકંદર મિર્ઝા : એ બુઢ્ઢી હવેલીમાંથી જતી રહે બસ..... એને કેંપમાં ભરતી કરાવી દો.... અને ત્યાંથી એને હિંદુસ્તાન..... ત્રીજો કારકૂન : હિંદુસ્તાન નહીં, ભારત કહો..... ભારત.... સિકંદર મિર્ઝા : જી હા, ભારત મોકલી આપવામાં આવે. પહેલો કારકૂન : તો તમે એ બાબતની અરજી કસ્ટમ ઑફિસરને કરો ને ! સિકંદર મિર્ઝા : જનાબ, હું અરજી સાથે જ લાવ્યો છું. (ખિસ્સામાંથી અરજી કાઢે છે.) પ્રથમ કારકૂન : મિર્ઝા સાહેબ તમે જાણો છો અમારા કસ્ટોડિયન ઑફિસર જનાબ અલી મુહમ્મદ સાહેબ શું આદેશ ફરમાવશે? સિકંદર મિર્ઝા : શું? બીજો કારકૂન : એ લખશે..... તમારા નામે બીજું મકાન એલોટ કરી આપ્યું. સિકંદર મિર્ઝા : જ જ જી..... બીજું મકાન? પહેલો કારકૂન : અને એ બાવીસ ઓરડાવાળી હવેલીને પોતાના કોઈ સિંધી ઓળખીતાના ખિસ્સામાં સરકાવી દેશે. મુહાજિરોની કમી થોડી જ છે પાકિસ્તાનમાં? સિકંદર મિર્ઝા : શું કરવું? કંઈ સમજાતું નથી. બીજો કારકૂન : જનાબ તમે નસીબદાર છો. સાવ ફોગટમાં તમને લાહૌર જેવા શહેરની વચ્ચોવચ્ચ ઝવેરીના મહોલ્લામાં આટલી મોટી હવેલી મળી ગઈ. બીજો કારકૂન : જેવી તમે અરજી આપશો કે તરત જ તમે અને ડોશી બેઉ પહોંચી જશો કેમ્પમાં અને કોઈ સિંધી બાવીસ ઓરડીની હવેલીમાં એયને છાતી કાઢીને ફરતો ફરશે. સિકંદર મિર્ઝા : કંઈ સમજાતું નથી. હું શું કરું? પ્રથમ કારકૂન : અરે મૂંગા બેસી રહો. સિકંદર મિર્ઝા : અને ડોશી..... ત્રીજો કારકૂન : અરે સાહેબ, તમે તો એવી વાત કરો છો જાણે હવેલીમાં ડોશી નહીં પણ કોઈ સિંહ હોય. એ ડોશી શું તમને ખાઈ જવાની છે? શું તમને મારી નાખવાની છે? તમને હવેલીમાંથી કાઢી મૂકવાની છે? નહીં ને? તો પછી બાપા રહોને.... તમતમારે નિરાંતે..... પ્રથમ કારકૂન : શું ઉંમર કહી તમે? સિકંદર મિર્ઝા : પાંસઠની ઉપર છે. બીજો કારકૂન : અરે જનાબ તો પછી એ ડોશી કંઈ આબેહયાત1 પીને તો નહીં જ આવી હોય ને? બે-ચાર વરસમાં તો એ જહન્નમમાં સિધાવી જશે પછી તો આખી હવેલી પર તમારો કબ્જો થઈ જશે ને? પછી નિરાંતે રહેજો તમે. ખુદાની કસમ તમે વગર કારણે જ મૂંઝાઈ રહ્યા છો. સિકંદર મિર્ઝા : સાચું કહો છો તમે .... કેમ્પમાં વિતાવેલા બે મહિના યાદ આવી જાય છે ત્યારે રૂંવાડાં ઊભાં થઈ જાય છે. ખુદા ખેર કરે. હવે તો કોઈ સંજોગોમાં હું હવેલી નહીં જ છોડું. _________________ 1 આબેહયાત : અમૃત. સાદી ભાષામાં કહીએ તો અમરપટ્ટો લખાવીને તો નહીં જ આવી હોય ને?

બીજો કારકૂન : અરે મિર્ઝા સાહેબ ! એક ડોહલીને ઠેકાણે ન લાવી શકો તો પછી હદ જ થઈ ગઈ ને? સિકંદર મિર્ઝા : આવી જશે ઠેકાણે .... આવી જશે.... જરાક સમય લાગશે. પહેલો કારકૂન : અરે સાહેબ બીજું કંઈ ન સૂઝે તો યાકૂબ સાહેબ સાથે જરા વાત કરી લેજો.... યાકૂબખાં એક ઝટકામાં તમારું કામ પતાવી આપશે.... (ગર્દન પર આંગળી રાખી ગર્દન કાપવાનો ડચકારો કરે છે)

અંતરાલ ગીત (અભિનેતાઓની ટોળી મંચ પર આવીને ગાય છે) શહર સુનસાન હૈ કિધર જાયેં ખાક હોકર કહીં બિખર જાયેં. રાત કિતની ગુઝર ગયી લેકિન ઈતની હિમ્મત નહીં કી ઘર જાયેં. ઉન ઉજાલોં કી ધૂન મેં ફિરતા હૂં છબ1 દિખાતે હી જો ગુઝર જાયેં. રૈન2 અંધેરી હૈ ઔર કિનારા દૂર ચાંદ નિકલે તો પાર ઊતર જાયેં. __________________ 1 છબ : છટા, સૌન્દર્ય, છબિ 2 રૈન : રાત્રિ


  દૃશ્ય : ચાર


(સિકંદર મિર્ઝા, હમીદા બેગમ, તન્નો અને જાવેદ ચૂપચાપ બેઠાં છે. બધાં વિચારમાં છે) હમીદા બેગમ : કસ્ટોડિયનવાળા મુવાએ કહ્યું શું? સિકંદર મિર્ઝા : અરે ભાઈ, એ જ જે મેં તમને કહ્યું. એમણે કહ્યું કે આખા મામલાને તમે પોતાની રીતે ઉકેલી લો એમાં જ તમારો ફાયદો છે. કેમ કે જો તમે એની ફરિયાદ કરશો તો કસ્ટોડિયન અધિકારી તમારી પાસેથી આ મકાન છીનવી લઈ એના કોઈ ઓળખીતા સિંધીને આપી દેશે. હમીદા બેગમ : વાહ ભાઈ વાહ.... આ ખરું છે ! મારે ય ખરા અને રોવા પણ ના દે.... સિકંદર મિર્ઝા : એ બધી વાતો છોડો.... હવે એ કહો કે આ ડોશી સાથે કેવી રીતે પનારો પાડવો? હમીદા બેગમ : અરે હું એ હરામજાદી ડોશલીની ચોટી પકડીને બહાર કાઢી મૂકું છું. બસ થઈ ગઈ વાત પૂરી........ જાવેદ : તો વળી શું? આપણી પાસે બધાં કાગળિયાં છે. સિકંદર મિર્ઝા : કાગળિયાં તો એમની પાસે પણ છે જ ને? તન્નો : એમના કાગળો વધુ મહત્ત્વના છે. જાવેદ : કઈ રીતે? તન્નો : ભાઈ, જો કોઈ માણસ અહીંથી ત્યાં આવ્યો કે ગયો જ નથી તો પછી એની મિલકત કસ્ટોડિયનમાં જાય કેવી રીતે? સિકંદર મિર્ઝા : હા, માની લો કે ડોશીને આપણે કાઢી મૂકીએ અને એ પોલીસ પાસે જઈને જો ફરિયાદ લખાવે કે એ ભારત ગઈ જ નથી અને હવેલી પર કસ્ટોડિયનનો કોઈ હક્ક જ નથી તો શું થાય? હમીદા બેગમ : તો પછી શું કરીએ? સિકંદર મિર્ઝા : ડોશી જતી પણ રહે અને કકળાટ પણ ના કરે એવું કંઈક કરવું પડશે. જાવેદ મિયાં એને ચૂપચાપ લઈ જાય અને હિંદુઓ માટેના કેમ્પ પર મૂકી આવે. હમીદા બેગમ : તો બોલાવું એને? સિકંદર મિર્ઝા : ઊભા રહો. પહેલાં આખી વાત બરાબર સમજી લો. જુઓ એને એવું પણ કહી શકાય કે પાકિસ્તાનમાં હવે માત્ર મુસલમાન જ રહી શકશે. અને અહીં રહેવું હશે તો એમણે ધર્મ બદલવો પડશે..... આવું કહેવાથી બની શકે એ ભારત જવા તૈયાર થઈ જાય. હમીદા બેગમ : સમજી ગઈ.... તન્નો .... બેટા.... જા તો જરા એમને બોલાવ તો..... તન્નો : અમ્મા, હું એમને શું કહીને બોલાવું? બડીબી કહીને બોલાવું? હમીદા બેગમ : અરે દીકરી, આપણે આપણું કામ કઢાવવાનું છે. દાદી કહીને જ બૂમ પાડને.... ડોશી રાજી થઈ જશે. (તન્નો લોઢાના સળિયાવાળા દરવાજા પાસે જઈને બૂમ મારે છે.) તન્નો : દાદી .... દાદી.... સાંભળો દાદી..... (ઉપરથી ડોશીનો કાંપતો અવાજ આવે છે.) રતનની મા : કોણ છે? કોણ બોલાવે છે? તન્નો : એ તો હું છું દાદી.... તન્નો .... જરા નીચે આવો ને..... રતનની મા : આવું છું દીકરી, આવું છું. (રતનની મા દરવાજા પર આવી જાય છે) રતનની મા : આજે કેટલા દિવસો પછી હવેલીમાંથી ‘દાદી.... દાદી’ની બૂમ સંભળાઈ છે. (ધ્રૂજતા અવાજે) મારી પોતરી રાધાની યાદ આવી ગઈ. તન્નો : (ગભરાઈ જઈને) દાદી, અબ્બા અને અમ્મા તમારી સાથે કશીક વાત કરવા માગે છે. (રતનની મા બારણું ખોલીને બહાર આવે છે અને સિકંદર મિર્ઝા અને હમીદા બેગમ બેઠાં છે ત્યાં સુધી તન્નોની સાથે ચાલતાં ચાલતાં જાય છે.) સિકંદર મિર્ઝા : આદાબ અર્ઝ.... આવો, બેસો અહીં.... હમીદા બેગમ : આવો બેસો. રતનની મા : જીન્દે રહો પુત્તર જીન્દે રહો.... તારી કુડીએ આજે મને ‘દાદી’ કહીને બોલાવી. (આંખમાંથી ટપકતાં આંસુ લૂછતાં લૂછતાં તે બોલતી હતી....) સિકંદર મિર્ઝા : માફ કરજો. અમારે તમારા દિલને ઠેસ નો’તી પહોંચાડવી. અમે તમને દુઃખી કરવા નો’તા માગતા. રતનની મા : અરે ના.... ના.... મને ક્યાં દુઃખ લાગ્યું છે? એણે તો મને રાજીના રેડ કરી દીધી..... સિકંદર મિર્ઝા : જુવો, તમે અમારી મજબૂરીને સમજવાની કોશિશ કરો. અમે ત્યાંથી બધું ગુમાવીને આવ્યા છીએ. માલમિલકત બધી લૂંટાઈ ગઈ. મહિનાઓ સુધી કોઈની પણ ઓથ કે મદદ વગર અમે અહીંના કેમ્પમાં પડ્યા રહ્યા. ન ખાવાપીવાનાં ઠેકાણાં.... ન સૂવાનાં ઠેકાણાં.... હવે ખુદા ખુદા કરીને1 અમને આ મકાન એલોટ થયું છે. અમારા માટે નહીં પણ આ બાળકો માટે થઈને ય અમારે હવે લાહૌરમાં ઠરીઠામ થવું જ પડશે. લખનૌમાં મારું ચિકનનું કારખાનું હતું. જોઈએ અહીં ખુદા કઈ રીતે રોજીરોટી આપે છે ..... હમીદા બેગમ : અમ્મા, અમે બહુ તકલીફો વેઠી છે. એટલાં દુઃખ વેઠ્યાં છે કે હવે રડવા માટે આંખમાં આસું પણ નથી. રતનની મા : પુત્તર, તુસી ફિકર ના કર.... મારાથી જે કંઈ થઈ શકતું હશે તે હું કરીશ. હમીદા બેગમ : જુવો અમારી તમને એક જ વિનંતી છે કે આ હવેલી અમને એલોટ થઈ ચૂકી છે.... અને પાકિસ્તાન બની ચૂક્યું છે. તમે હિંદુ છો.... તમારું અહીં પાકિસ્તાનમાં રહેવું ઠીક પણ નથી.... તમે..... મારા કહેવાનો મતલબ છે કે.....

1 ખુદા ખુદા કરીને : માંડ માંડ

સિકંદર મિર્ઝા : મૂળિયાં વગરનું ઝાડવું ક્યાં સુધી લીલુંછમ રહી શકે? તમારાં સગાં-વહાલાં, મહોલ્લાવાળા બધા હિંદુસ્તાન જઈ ચૂક્યા છે. હવે એ જ તમારો મુલક છે. તમે ક્યાં સુધી અહીં રહેશો? હમીદા બેગમ : હજી સુધી તો ઠીક છે.... પણ સાંભળ્યું છે કે પાકિસ્તાનમાં જેટલા પણ ગેરમુસ્લિમ રહી જશે એ બધાને બળજબરીથી મુસલમાન બનાવવામાં આવશે એટલે તમે........ રતનની મા : દીકરી, કોઈ વારે વારે નથી મરતું. હું મરી ચૂકી છું. હું જાણું છું કે રતન અને એનાં બૈરી છોકરાં હવે આ દુનિયામાં નથી. જિંદગી અને મોત વચ્ચે મારા માટે હવે કોઈ ફરક રહ્યો નથી. સિકંદર મિર્ઝા : પણ........ રતનની મા : હવેલી તમારા નામે એલોટ થઈ ગઈ છે.... તો તમે રહો.... તમને રહેતાં કોણ રોકે છે? પણ જ્યાં સુધી મારો હવેલીમાંથી નીકળી જવાનો સવાલ છે તો એ બાબતે હું પહેલાં જ તમને સાફ ના પાડી ચૂકી છું. સિકંદર મિર્ઝા : (ગુસ્સામાં) જુવો તમે અમને અણગમતાં પગલાં ભરવા મજબૂર ના કરો. રતનની મા : હવે જો તમારી એવી જ સમજ હોય તો પછી તમે મરજીમાં આવે તે કરો. (રતનની મા ઊભાં થઈને દાદર તરફ જતાં રહે છે) હમીદા બેગમ : એકદમ સખતદિલ ઓરત છે, ડાકણ. તન્નો : કોઈ વાતે માનતી જ નથી. જાવેદ : અબ્બા હવે મને મારી રીતે પતાવવાની છૂટ આપો.... સિકંદર મિર્ઝા : સારું બેટા, તને જે ઠીક લાગે તે કર..... હમીદા બેગમ : પણ જોખમ ના ખેડતો બેટા..... જાવેદ : (હસીને) જોખમ?

અંતરાલ ગીત (અભિનેતા મંચ પર આવીને ગાય છે.) ફૂલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે યારોં યે કૈસી હવા હૈ અબ કે પત્તિયાં રોતી હૈં સિર પીટતી હૈં કત્લે ગુલ1 આમ હુઆ હૈ અબ કે મંઝરે2 ઝખ્મે વફા3 કિસકો દિખાયેં શહર મેં કહતે વફા હૈ અબ કે વો તો ફિર ગૈર થે લેકિન યારોં કામ અપનોં સે પડા હૈ અબ કે.

1 કત્લે ગુલ : ફૂલોની કતલ 2 મંઝર : દૃશ્ય 3 ઝખ્મે વફા : વફાના ઘા, બેવફાઈ


  દૃશ્ય : પાંચ


(ચાની દુકાન. અલીમુદ્દીન ચાવાળો, જાવેદ મિર્ઝા, પહેલવાન, અનવાર, સિરાજ, રઝા, નાસિર કાઝમી. અલીમુદ્દીન ચા બનાવી રહ્યો છે. પહેલવાન, અનવાર, સિરાજ અને રઝા ચા પી રહ્યા છે.....) પહેલવાન : અરે અલીમા, આ બાજુ કેટલાં મકાન એલોટ થઈ ગયાં? અલીમ : પહેલવાન સમજોને કે આ બાજુ તો આખી ને આખી ગલી જ એલોટ થઈ ગઈ છે. પહેલવાન : મોહિન્દર ખન્નાવાળું મકાન કોને એલોટ થયું છે? અલીમ : હવે એ બધી તો મને શું ખબર હોય પહેલવાન? આ બધા જે પેલી બાજુથી આવ્યા છે એ મને તો નથી સમજાતા ભાઈ .... વેંત વેંતના આદમી.... લસ્સીનો એક ગ્લાસ તો એમનાથી પીવાતો નથી..... પહેલવાન : અબે તું એ સબ છડ્ડ.... હું તને પૂછું છું કે મોહિન્દર ખન્નાવાળા મકાનમાં રહેવા માટે કોણ આવ્યું? અલીમ : કોઈ સાયર છે.... નાસિર કાઝમી..... પહેલવાન : તો મોહિન્દર ખન્નાનું મકાન પણ ગયું હાથથી.... અને રતનલાલ ઝવેરીની હવેલી? અલીમ : એમાં તો હજી પરમદિવસે જ કોઈ રહેવા આવ્યું છે. ઘોડાગાડીમાં સામાન-બામાન ભરીને આવ્યા..... એમનો છોકરો ગઈકાલે જ અહીંથી દૂધ લઈ ગયેલો.... પણ પહેલવાન ત્યાં કંઈ ગરબડ છે.... કંઈ સમજાતું નથી. પહેલવાન : શી ગરબડ છે? અલીમ : એ છોકરો કે’તો હતો કે રતન ઝવેરીની મા..... એ ડોશી તો હવેલીમાં જ છે. પહેલવાન : (ચોંકી જઈને) અરે હોય નહીં ! અલીમ : અરે હા રે હા.... એ છોકરો જ કે’તો હતો. બિચારો એટલો તો મૂંઝાયેલો હતો. એ કે’તો હતો.... કે’તો હતો કે માંડ માંડ છ મહિને મકાન એલોટ થયું તો એવું કે જેમાં કોઈ રહેતું હોય. પહેલવાન : તને કેવી રીતે ખબર પડી કે રતન ઝવેરીની મા છે? અલીમ : એ છોકરો કે’તો હતો ઉસ્તાદ. પહેલવાન : (ધીમેથી) એ ડોકરી બચી કેવી રીતે ગઈ? એનો મતલબ તો એ કે ડોશીએ હજી બીજું ઘણું ય દબાવી રાખ્યું છે........ અનવર : ઉસ્તાદ બાવીસ ઓરડાની હવેલી છે.... ક્યાંય પણ છુપાઈ ગઈ હશે. સિરાજ : પણ અમે તો એક એક ઓરડો જોઈ વળ્યા હતા. પહેલવાન : રઝા, તું જરા જઈ એને બોલાવી લાવ તો..... રઝા : કોને? પહેલવાન : અરે એને જેને રતન ઝવેરીની હવેલી એલોટ થઈ છે. એને બોલાવી લાવ જા..... અલીમ : પહેલવાન હવેલી તો એના બાપને એલોટ થઈ છે. પહેલવાન : અરે તું મુન્ડે કો હી બુલા .... જા.... રઝા : સારું પહેલવાન, બોલાવું છું. (રજા જાય છે.) પહેલવાન : હજી દહીંને વધુ વલોવવામાં આવશે.... હજી વધુ ઘી નીકળશે..... અનવાર : લાગે છે તો એવું જ ઉસ્તાદ..... પહેલવાન : ઓયે લાગે છે નહીં.... પક્કી ગલ્લ હૈ.... (નાસિર કાઝમી આવે છે. પહેલવાન એની તરફ શંકાશીલ નજરે જુવે છે.) અલીમ : અસ્સલામ અલૈકુમ કાઝમી સાહેબ..... નાસિર : વાલેકુમ અસ્સલામ.... શું છે ભાઈ ! કંઈ ચા-બા મળશે કે નહીં? અલીમ : હા, હા..... બેસો કાઝમી સાહેબ. બસ ભઠ્ઠી સળગી જ રહી છે. (નાસિર બેંચ પર બેસી જાય છે.) પહેલવાન : તમારી તારીફ? નાસિર : વક્ત કે સાથ હમ ભી એ નાસિર ખાર-ઓ-ખસ1 કી તરહ બહાયે ગયે.... (ચાની ચૂસ્કી લઈને પહેલવાનને પૂછે છે) તમારી તારીફ? પહેલવાન : (શેખી મારતા અવાજે) હું તો કોમનો સેવક છું. નાસિર : તો તો તમારાથી ડરવું જોઈએ. પહેલવાન : કેમ? નાસિર : સેવકોની મને બીક લાગે છે. પહેલવાન : તમે કહેવા શું માગો છો? નાસિર : ભાઈ, મૂળ વાત એમ છે કે માત્ર મુલક અને દિલ જ બદલાયાં છે એવું નથી. શબ્દોના અર્થ પણ બદલાઈ ગયા છે. સેવકનો અર્થ થઈ ગયો છે શાસક.... અને શાસકથી કોણ નથી ડરતું? અલીમ : (ખડખડાટ હસે છે) વીંધી નાખે એવી વાત તો તમારી પાસેથી જ શીખવી પડે નાસિર સાહેબ ! નાસિર : ભાઈ મીર કહી ગયા છે કે – હમકો શાયર ન કહો ‘મીર’ કે હમને સાહબ રંજોગમ2 કિતને જમા કિએ કિ દીવાન3 કિયા. એટલે ભાઈ, એ તો એવું છે ને કે જ્યારે તાર પર આંગળી પડે ત્યારે પછી ગીત આપોઆપ જ ફૂટવાનું. (રઝા જાવેદની સાથે આવે છે) પહેલવાન : અસ્સલામ અલૈકુમ..... જાવેદ : વાલેકુમ અસ્સલામ પહેલવાન : તમને લોકોને રતનલાલ ઝવેરીની હવેલી એલોટ થઈ છે? જાવેદ : જી હા, થઈ છે.... પહેલવાન : સાંભળ્યું છે કે એમાં કંઈ લોચો છે?

1 ખાર-ઓ-કસ : તણખલું 2 રંજોગમ : દુઃખ 3 દીવાન : કાવ્યસંગ્રહ

જાવેદ : તમે કોણ છો ? (પહેલવાન અટ્ટહાસી ઊઠે છે) અલમ : પહેલવાનને અહીં નાનું છોકરું પણ ઓળખે છે. આખા મહોલ્લાનાં સુખદુઃખના એ સાથીદાર છે. જે કામ કોઈથી ન થાય એ કામ પહેલવાન કરી આપે. સિરાજ : વલી શાહના અખાડાના ઉસ્તાદ (ગુરુ) છે પહેલવાન. અનવાર : અમે બધા પહેલવાનના ચેલકાઓ છીએ. પહેલવાન : ત્યાં ઝઘડો શાનો છે? જાવેદ : રતન ઝવેરીની મા હવેલીમાં રહે છે. પહેલવાન : એ કેવી રીતે બની શકે? જાવેદ : છે.... અમે એમને જોયાં છે, એની સાથે વાત કરી છે. પહેલવાન : તો પછી એનું શું વિચાર્યું છે? જાવેદ : અરે બહુ વિચિત્ર ડોશી છે.... કહે છે કે હું નહીં જાઉં. હવેલીમાં જ રહીશ.... પહેલવાન : ચોક્કસ જ દલ્લો દાટી રાખ્યો હશે.... તે પછી તમે શું કર્યું? જાવેદ : અબ્બા કસ્ટોડિયનની ઓફિસે ગયા હતા. ઑફિસવાળા કહે છે કે હવેલી ખાલી કરી દો.... તમને બીજી આપી દઈશું. પહેલવાન : તારી ભલી થાય.... બુઢી પાસે ખાલી નહીં કરાવે ને તમારી પાસે ખાલી કરાવશે? પછી? જાવેદ : પછી શું? અમે લોકો તો બહુ જ મૂંઝાયા છીએ. પહેલવાન : અરે એમાં મૂંઝાવાની તો જરાય જરૂર જ નથી. જાવેદ : તો શું કરીએ? પહેલવાન : તું કશું નહીં કરી શકે. જે કરી શકે એમ છે તે કરશે. (નાસિર ઊભા થઈને ચાલવા માંડે છે) જાવેદ : તમે કહેવા શું માગો છો? પહેલવાન : મારી વાત ધ્યાનથી સાંભળ. જ્યાં સુધી ડોશી જીવે છે ત્યાં સુધી હવેલી પર તમારો કબજો નહીં થઈ શકે. અને એ ડોશીને તમે નહીં પહોંચી વળો. એને અમે ઠેકાણે પાડી શકીએ..... પણ હા..... એય કંઈ એટલું આસાન નથી..... પહેલાં જે કામ મફતમાં થઈ જતાં હતાં તેના હવે પૈસા બેસે છે.... કંઈ સમજ પડી? જાવેદ : હા, સમજી ગયો..... પહેલવાન : તો જા, જઈને તારા અબ્બાને કહે.... બે -ચાર હજાર રૂપિયા ઢીલા કરે.... એને કહેજે કે બે-ચાર હજારની લાલચમાં ક્યાંક લાખોની હવેલીથી હાથ ન ધોવા પડે.

અંતરાલ ગીત (અભિનેતા મંચ પર આવીને ગાય છે.) શહર દર શહર ઘર જલાએ ગએ યૂઁ ભી જશ્ને તરબ1 મનાએ ગએ એક તરફ ઝૂમ કર બહાર આઈ એક તરફ આશયાઁ જલાએ ગએ. ક્યા કહૂં કિસ તરહ સરે બાઝાર અસ્મતો2 કે દિએ બુઝાએ ગએ. આહ તો ખિલવતોં કે સરમાએ3 મજમ-એ-આમ4 મેં લુટાએ ગએ. વક્ત કે સાથ હમ ભી એ નાસિર ખાર-ઓ-ખસ5 કી તરહ બહાએ ગએ. 1 તરબ : પ્રસન્નતા 2 અસ્મત : આબરુ 3 ખિલવતોં કે સરમાએ : એકાંતની મૂડી 4 મજમ –એ-આમ : વધુ લોકો ભેગા થયા હોય એવું સ્થળ, જાહેરમાં 5 ખાર-ઓ-ખસ : તણખલું


  દૃશ્ય : છ

(હમીદા બેગમ બેઠાં બેઠાં શાક સમારે છે. તન્નો આવે છે) તન્નો : અમ્મા, બેગમ હિદાયત હુસૈન કહે છે કે એમનો નોકર દુકાને કોલસા લેવા ગયો હતો. પણ ત્યાં કોલસા જ નથી. એ કહે છે કે ‘અમને એક ટોપલી કોલસા ઉછીના આપો. કાલે પાછા આપી દેશે.’ હમીદા બેગમ : અરે બેટા, જરા સમજી વિચારીને તો બોલ. બીજાઓની વસ્તુઓ ઉધાર દેવાનો આપણને શો હક્ક છે? કોલસા તો રતનની અમ્માના છે. તન્નો : અમ્મા, હિદાયત સાહેબે કેટલાક લોકોને જમવા બોલાવ્યા છે. બિચારી ભાભીજાન એકદમ મૂંઝાયેલી છે. ઘરમાં ન તો લાકડાં છે ન કોલસા..... રાંધે તો શાના પર રાંધે બિચારી? હમીદા : તો એમાં હું શું કરું કહે જોઈએ.... રતનની અમ્માને પૂછી લે.... એ જો હા પાડે તો એક શું ચાર ટોપલા દઈ દેજે.... મારું શું જાય છે? (તન્નો દાદરા તરફ જાય છે અને સાદ પાડે છે) તન્નો : દાદી.... દાદીમા.... સાંભળો તો દાદીમા..... રતનની મા : આવું છું બેટા .... આવું છું.... તું જુગ જુગ જીવે..... (આવે છે) હું જ્યારે પણ તારો સાદ સાંભળું છું ત્યારે મને લાગે છે કે હું જીવતી છું. (રતનની મા દાદરેથી ઊતરીને બારણા પાસે આવે છે અને તાળું ખોલવા લાગે છે) રતનની મા : તારી અમ્માની તબિયત કેવી છે બેટા? તન્નો : સારી છે. રતનની મા : કાલે રાતે કોઈના કાનમાં દુઃખતું હતું? તન્નો : હા, અમ્માના કાનમાં જ દુઃખતું હતું. રતનની મા : તો પછી મારી પાસેથી દવા લઈ લેવી હતીને? આવા નાના-મોટા ઇલાજ તો હું જાતે જ કરી લઉં છું. (રતનની મા ચાલતાં ચાલતાં હમીદા બેગમ બેઠાં હતાં ત્યાં આવે છે) હમીદા બેગમ : આદાબ બુવા. રતનની મા : બેટા, તું મારી પુત્તર બરાબર છે.... તું મને માજી કહીને બોલાવ..... હમીદા બેગમ : બેસો માજી. (રતનની મા બેસી જાય છે.) રતનની મા : હું કહેતી હતી કે નાની-મોટી બીમારીઓની દવા તો હું મારી પાસે જ રાખું છું. અધરાતે મધરાતે ક્યારેક જરૂર પડી જાય તો માગતાં શરમાતા નહીં. તન્નો : દાદી, પડોશના મકાનવાળા હિદાયત હુસૈન સાહેબ છે ને? રતનની મા : કયા મકાનમાં? ગજાધરવાળા મકાનમાં? તન્નો : હા, એમની બેગમને એક ટોપલી કોલસાની જરૂર છે. કાલે પાછા આપી જશે. જો તમે હા પાડો તો.... રતનની મા : (એની વાત કાપીને) લે ભલા એ તે કંઈ પૂછવાની વાત છે? એક ટોપલી નહીં બે ટોપલી દે ને તું તારે.... હમીદા બેગમ : માજી એક વાત પૂછું? અહીં લાહૌરમાં ચીભડાં નથી મળતાં? અમારા લખનૌમાં તો ચીભડાંની જ મૌસમ .... સરસવનું તેલ અને અથાણાના મસાલામાં રાંધીએ તો એટલા તો લઝીઝ1 લાગે ને ! રતનની મા : ચીભડાં? એ વળી કેવાં હોય? દીકરી મને જરાક સમજાવ.... એને પંજાબીમાં શું કહેતા હશે તે હું જાણું તો કહું ને? હમીદા બેગમ : માજી કાકડીથી થોડાંક લાંબાં.... લીલાં અને ધોળાં હોય .... ચીકણાં હોય છે.

1 લઝીઝ : સ્વાદિષ્ટ

રતનની મા : લે ભલા, નથી કેમ થતાં? ઢગલે ઢગલા થાય છે. એને અહીં પંજાબીમાં ખિરાટા કહે છે. તારા દીકરાને કહેજે કે શાક બજારમાં જાય ત્યારે રહીમની દુકાને પૂછી લે.... ત્યાંથી મળી જશે. હમીદા બેગમ : માજી અમને તો આ શહેર સમજાતું જ નથી. અહીં.... વાલામૂઈ સમનક ક્યાં મળે છે? રતનની મા : દીકરી, લાહૌર જેવું મોટું શહેર તો આખ્ખા હિંદુસ્તાનમાં બીજું એકેય નથી. પેલી કહેવત જાણીતી છે ને કે જેણે લાહૌર નથી જોયું એ જન્મ્યો જ નથી. હમીદા બેગમ : અરે પણ અમારા લખનૌની તોલે તો ન જ આવેને? રતનની મા : હું તો કદી લખનૌ ગઈ જ નથી. હા ચાલીસ વર્ષ પહેલાં એક વાર દિલ્હી જરૂર ગઈ હતી. સાવ ઉજ્જડ શહેર છે. હમીદા બેગમ : માજી અહીં લાહૌરમાં રૂ ક્યાં મળે છે? રતનની મા : રૂ? અરે રૂની અહીં બહુ મોટી બજાર છે. જો જાવેદને કહેજે કે અહીંથી નીકળી રેસિડેંસી રોડ જાય ત્યારે હરીઓમવાળી ગલીમાં વળી જાય. ત્યાં અકબરખાં ચોકમાં પહોંચશે. ત્યાં એક ડાબે અને એક જમણે એમ બે ગલીઓ દેખાશે.... એમાં એક રૂની ગલી છે. ત્યાં સેંકડો રૂની દુકાનો છે. (સિકંદર મિર્ઝા અંદર આવે છે. રતનની માને જોઈને મોઢું કટાણું કરે છે) રતનની મા : જીવતો રહે પુત્તર.... કેમ છે? સિકંદર મિર્ઝા : આપની દુવા છે અને અલ્લાહની મહેરબાની છે......... રતનની મા : (ઊભા થતાં) બેટા લાહૌરમાં બધું જ મળે છે. કંઈ ન મળે, કંઈ તકલીફ હોય તો મને પૂછી લેજે.... લાહૌરની ગલીએ ગલીથી હું વાકેફ છું. ચાલ ત્યારે જીવતી રહે.... હું જાઉં (જાય છે). સિકંદર મિર્ઝા : (ગુસ્સે થઈને) બેગમ આ શી મશ્કરી માંડી છે? હું એનાથી પીછો છોડાવવા મથી રહ્યો છું અને તમે છો તે એને ગળે વળગાડતાં ફરો છો......... હમીદા બેગમ : અરે! ખુદા ના કરે એવું.... હું શું કામ એને ગળે વળગાડું ? હિદાયત હુસૈન સાહેબને જરૂર ના હોત તો હું એ ડોશી સાથે બે વાત પણ ના કરત. સિકંદર મિર્ઝા : હિદાયત હુસૈનને શી જરૂર પડી? હમીદા બેગમ : અરે, એમના ઘરમાં ન કોલસા છે, ન લાકડાં....અને દોસ્તારોને ખાવા બોલાવી બેઠા છે. એમની બેગમ બાપડી એટલી તો મૂંઝાયેલી હતી કે વાત ના પૂછો. બળતણની દુકાન પર પણ કોલસા ન હતા. અમારી પાસે માગતી હતી. એટલે જ ડોશીને બોલાવેલી. કોલસા તો એના જ છે ને? સિકંદર મિર્ઝા : જુઓ બેગમ, આ ઘરમાં એમનું કશું જ નથી. એક સોઈ પણ એમની નથી. જે કંઈ છે તે બધું આપણું જ છે. હમીદા બેગમ : આ કેવી વાત કરો છો તમે? સિકંદર મિર્ઝા : બેગમ આપણે જો આ જ રીતે દબાતા રહીશું તો હવેલી હાથમાંથી નીકળી જશે........ (શાકભાજી સમારી રહેલી તન્નોને કહે છે).....તન્નો તું જરાક વાર માટે અહીંથી જા જોઈએ, મારે તારી અમ્મા સાથે થોડીક જરૂરી વાતો કરવી છે. (તન્નો જાય છે) સિકંદર મિર્ઝા : (રહસ્યમય અવાજમાં) જાવેદે વાત કરી લીધી છે. આ ડોશીથી પીછો છોડાવી લેવો એ જ બહેતર ઉપાય છે. કાલે આનો કોઈ સગો આવી પહોંચે તો ભારે પડી જાય. હમીદા બેગમ : પણ તમે પીછો છોડાવશો કઈ રીતે? સિકંદર મિર્ઝા : જાવેદે વાત કરી લીધી છે. હમીદા બેગમ : અરે કોની સાથે વાત કરી છે? શું વાત કરી છે? સિકંદર મિર્ઝા : એ લોકો એક હજાર રૂપિયા માગે છે. હમીદા બેગમ : કેમ? એક હજાર તો બહુ મોટી રકમ છે. સિકંદર મિર્ઝા : બુઢ્ઢીને જહન્નમાં મોકલવામાં વસૂલ થઈ જશે. હમીદા બેગમ : (ચોંકી જઈને, ગભરાઈને, ડરી જઈને) અરે નહીં ! સિકંદર મિર્ઝા : બીજો કોઈ રસ્તો જ નથી. હમીદા બેગમ : નહીં, નહીં ખુદાને વાસ્તે એવું ના કરશો. મારા જુવાન જોધ છોકરાંવ છે. હું આવડા મોટા ગુનાહની સજા મારા માથે નહીં લઈ શકું. સિકંદર મિર્ઝા : શું બકવાસ કરે છે તું? હમીદા બેગમ : નહીં.... ક્યાંક આપડા.... તમને મારા સમ.... પણ આવું ના કરો.... એણે આપણું શું બગાડ્યું છે? સિકંદર મિર્ઝા : એ તારા મનનો વહેમ છે. હમીદા બેગમ : નહીં નહીં........ તમને મારા સમ. પણ આ ન કરો. એણે આપણું શું બગાડ્યું છે કે.... સિકંદર મિર્ઝા : બેગમ આ એક કાંટો છે. જો આ કાંટો નીકળી જાય તો પછી આખી જિંદગી આરામ જ આરામ. હમીદા બેગમ : હાય મારા અલ્લા! આટલો મોટો ગુનો? જ્યારે આપણે કોઈને જિંદગી આપી નથી શકતા તો કોઈની જિંદગી ઝૂંટવી લેવાનો આપણને શો અધિકાર છે? સિકંદર મિર્ઝા : બેગમ એ તો એક કાફિર૧ ઓરત છે. હમીદા બેગમ : એનો અર્થ એવો તો હરગિઝ નથી કે એને મારી નાખવામાં આવે. હું તો એ માટે જરાક પણ તૈયાર નથી. સિકંદર મિર્ઝા : તો પછી તમે જાણો..... હમીદા બેગમ : નહીં નહીં.... તમને બેઉં છોકરાંવના સોગંદ..... પણ આવું નહીં કરાવતા........

અંતરાલ ગીત (અભિનેતા મંચ પર આવીને ગાય છે.) દિલ મેં ઈક લહર-સી ઊઠી હૈ અભી કોઈ તાઝા હવા ચલી હૈ અભી શોર બરપા હૈ ખાન-એ-દિલ1 મેં કોઈ દીવાર-સી ગિરી હૈ અભી ભરી દુનિયા મેં જી નહીં લગતા જાને કિસ ચીઝ કી કમી હૈ અભી શહર કી બે ચિરાગ2 ગલિયોં મેં ઝિંદગી તુઝકો ઢૂંઢતી હૈ અભી વક્ત અચ્છા ભી આએગા ‘નાસિર’ ગમ ન કર ઝિંદગી પડી હૈ અભી.

૧ કાફિર : વિધર્મી, જે અલ્લાહમાં નથી માનતો તે, નાસ્તિક. 1 ખાન-એ-દિલ : હૈયામાં 2 બે ચિરાગ : અંધારી, દીવા વગરની


  દૃશ્ય : સાત

(સિકંદર મિર્ઝા છાપું વાંચતા બેઠા છે. કોઈ દરવાજો ખખડાવે છે.) સિકંદર મિર્ઝા : આવો ભાઈ.... આવો (યાકૂબ પહેલવાનની સાથે અનવાર, સિરાજ, રઝા અને મુહમ્મદ શાહ અંદર આવે છે.) બધા એક સાથે : સલામ અલૈકુમ..... સિકંદર મિર્ઝા : વાલેકુમ સલામ.... આવો બેસો. (બધા બેસે છે) પહેલવાન : તારું નામ સિકંદર મિર્ઝા છે ને? સિકંદર મિર્ઝા : જી હા. પહેલવાન : ઝવેરી મહોલ્લામાં રતનલાલ ઝવેરીની હવેલી છે ને આ? સિકંદર મિર્ઝા : જી હા, બિલકુલ છે. પહેલવાન : આ મારા દોસ્ત મુહમ્મદ શાહ છે. એમને હવેલીનો ઉપરનો માળ એલોટ થયો છે. સિકંદર મિર્ઝા : (નવાઈ પામીને) શું? (જરાકવાર રહીને) આ હવેલી તો એક મહિના પહેલાં મને એલોટ થઈ ચૂકી છે. પહેલવાન : પણ એનો પહેલો માળ તો તમારા કબજામાં નથી ને? સિકંદર મિર્ઝા : એ તમને કોણે કહ્યું ભાઈ? પહેલવાન : તારો દીકરો જાવેદ કહેતો હતો કે ઉપરના માળે તો રતનલાલ ઝવેરીની મા રહે છે. પાકિસ્તાનમાં લાહૌર શહેરની વચ્ચોવચ્ચ એક કાફર રહે છે ભઈ વાહ ! સિકંદર મિર્ઝા : અચ્છા.... અચ્છા.... તમે એ લોકો છો જેની સાથે જાવેદની વાત થઈ હતી? પહેલવાન : હાજી, હાજી અમે એ જ છીએ. સિકંદર મિર્ઝા : એટલે જનાબ મુહમ્મદ શાહ, ઉપરનો માળ તમારા નામે એલોટ નથી થયો. તમે તો બસ ઉપર કબજો જમાવવા માટે..... પહેલવાન : તમે હવે બરાબર સમજ્યા..... એમાં એક કાફર રહે એના કરતાં આપણો કોઈ મુસલમાન ભાઈ રહે એ સારું ને? સિકંદર મિર્ઝા : પણ આ આખી હવેલી તો મને એલોટ થઈ છે. પહેલવાન : બરાબર છે, તને એલોટ થઈ છે પણ પહેલા માળ પર તારો કબજો તો નથી ને ? સિકંદર મિર્ઝા : તમારે એની સાથે શી લેવા દેવા? પહેલવાન : એનો અર્થ તો એ થાય કે તેં તારા ઘરમાં એક હિંદુ કાફરને છુપાવી રાખી છે. સિકંદર મિર્ઝા : તો.... તમે મને ધમકી આપો છો પહેલવાન? રઝા : અરે નહીં.... મૂળે વાત એમ છે કે..... સિકંદર મિર્ઝા : (એની વાત કાપીને) ઉપરના અગિયાર ઓરડા તમારા કબજામાં કેમ ન આવી જાય ! એ જ મતલબ છે ને તમારો? પહેલવાન : અમે અમે તો મુસલમાન બિરાદર જાણી તારી મદદ કરવા આવ્યા છીએ. પણ લાગે છે કે તને તો મુસલમાન કરતાં કાફર વધુ વહાલા છે. સિકંદર મિર્ઝા : મુહમ્મદ શાહ સાહેબ, તમે કસ્ટોડિયનવાળાઓને બોલાવી લાવો. એ લોકો તમને કબ્જો અપાવી શકે છે. આ વાતમાં વળી ઇસ્લામ અને કુફ્ર1 ને એવું બધું ક્યાંથી આવી ગયું ભલા ! પહેલવાન : મિર્ઝા સાહેબ તમે તો સમજી શકો છો. શું પાકિસ્તાન એટલે બન્યું છે કે અહીં કાફિરો રહે? સિકંદર મિર્ઝા : ભાઈ, એ તમે પાકિસ્તાન બનાવવાવાળાઓને પૂછો ને? પહેલવાન : મિર્ઝા સાહેબ, લાહૌર શહેરના ઝવેરી મહોલ્લામાં એક કાફર નિરાંતે ફરતી ફરે એ અમે સહન ના કરી શકીએ. સિકંદર મિર્ઝા : ભાઈ સાહેબ, તમે કહેવા શું માગો છો? મને તમારી વાત સમજાતી નથી........ પહેલવાન : જરા અમારો ઈશારો સમજો ..... હમણાં એક જ મિનિટમાં.....ઉપલા માળનો ફેંસલો કરી દઈશું. એ કાફિર ડોશીની જગ્યાએ મુહમ્મદ શાહ..... સિકંદર મિર્ઝા  : જુવો, હવેલી આખે આખી મારા નામે એલોટ થઈ છે. પહેલવાન  : પછી ભલેને એમાં એક કાફર રહે, નહીં? તને કહું..... સિકંદર મિર્ઝા : સલાહ બદલ શુક્રિયા. પહેલવાન : મિર્ઝા પછી એ નહીં બને જે તું ચાહે છે. કોઈ કાફરનું અહીં હોવું અમે ચલાવી નહીં લઈએ. (ઊભો થતાં બધાને કહે છે) ચાલો..... (સિકંદર મિર્ઝા નવાઈ અને ડરના માર્યા એ બધાને જોઈ રહે છે.) (એ બધા જતા રહે છે. થોડીક વાર પછી હમીદા બેગમ અંદર આવે છે) હમીદા બેગમ : મિર્ઝા સાહેબ શું છે આ બધું? કોણ હતા એ લોકો? કેમ બરાડા પાડીને બોલતા હતા? સિકંદર મિર્ઝા : આ એ જ બદમાશ હતા જેની સાથે જાવેદે વાત કરી હતી. હમીદા બેગમ : પણ..... સિકંદર મિર્ઝા : હા પણ, જાવેદે પછી એ લોકોને ના પાડી દીધેલી. સ્પષ્ટ શબ્દોમાં કહી દીધેલું કે અમે લોકો એવું કશું નથી ઇચ્છતા. પણ કમબખતોને અગિયાર ઓરડાની લાલચ અહીં સુધી ખેંચી લાવી. હમીદા બેગમ : હું કંઈ સમજી નહીં. સિકંદર મિર્ઝા : પહેલાં કહેવા લાગ્યા કે કસ્ટોડિયનવાળાઓએ ઉપરના માળના અગિયાર ઓરડા એ લોકોને એલોટ કરી દીધા છે. હમીદા બેગમ : હાય અલ્લા..... એવું કઈ રીતે..... એક મકાન બે જણાને કઈ રીતે એલોટ થઈ શકે? સિકંદ૨ મિર્ઝા  : એ બધાં ગપ્પાં છે. હમીદા : પછી? સિકંદર મિર્ઝા : પછી ઇસ્લામનો સેવક બની ગયો. કહેવા લાગ્યો કે પાકિસ્તાનના લાહૌર જેવા શહેર મધ્યે એક કાફિર ઔરત રહી જ કઈ રીતે શકે? જતાં જતાં ધમકી આપતો ગયો છે કે રતન ઝવેરીની માને મારી નાખશે. હમીદા બેગમ : હાય અલ્લા, હવે શું થશે? સિકંદર મિર્ઝા  : માણસ બદમાશ છે, મને લાગે છે કે એને રતનની માએ ‘કશુંક’ છુપાવેલું છે એવો શક છે. હકીકતે એની નજર એ ‘દમડી’ પર જ છે, હમીદા બેગમ  : હાય હાય ! તો શું એ બિચારીને મારી નાંખશે? સિકંદર મિર્ઝા : એ તો કંઈ પણ કરી શકે છે. હમીદા બેગમ : પણ એવું કંઈ થાય તો તો બહુ ખોટું થશે. સિકંદર મિર્ઝા : અરે ખોટું તો ઠીક પણ ફસાઈશું તો આપણે જશે.... એ તો મારપીટ કરી લૂંટીને ચાલ્યો જ........ ફસાઈ જઈ આપણે.... હમીદા બેગમ : હાય અલ્લા ! હું શું કરું? સિકંદર મિર્ઝા : રાતે બારીબારણાં બરાબર બંધ કરીને સૂજો. હમીદા બેગમ : સાંભળો, ‘એમને’ કહું કે ના કહું? (સિકંદર મિર્ઝા વિચારમાં પડી જાય છે.) હમીદા બેગમ : એમને જાણ કરવી એ આપણી ફરજ છે. સિકંદર મિર્ઝા : પણ ‘એ’ ક્યાંક એવું ના સમજે કે આ બધી આપણી ચાલ છે ! હમીદા બેગમ : એ લો..... તમે તો મને વધુ મૂંઝવણમાં નાખી દીધી. સિકંદર મિર્ઝા  : એવું કરો કે એમની સલામતીની બધી સગવડ એવી રીતે કરો કે એમને ખબર જ ના પડે. હમીદા બેગમ : એવું કઈ રીતે શક્ય બને? સિકંદર મિર્ઝા : એ જ તો વિચારવાનું છે. હમીદા બેગમ : હાય અલ્લા..... આ બધું શું થઈ રહ્યું છે? શું હું ફરિયાદી માતમ1 પડું? __________________ ૧ ફરિયાદી માતમ : ફરિયાદ કરતો મરસિયો.

સિકંદર મિર્ઝા : ઈમામવાડો ક્યાં છે હવે? ઘરમાં..... ઠીક છે જુવો..... એ એકલાં રહે છે. એમની સાથે કોઈ મર્દનું રહેવું..... જરૂરી... હમીદા બેગમ  : એટલે તમે..... સિકંદર મિર્ઝા : (ગભરાઈને જઈને) નહીં..... નહીં..... જાવેદ..... હમીદા બેગમ : એ જાવેદને ઉપર શા માટે સુવડાવે? અને એમ પણ હું જ જાવેદને જવા નહીં દઉં. સિકંદર મિર્ઝા : બેગમ જિદ ના કરો..... હમીદા બેગમ : તમે શું ઇચ્છો છો? મારો એકનો એક છોકરો પણ..... સિકંદર મિર્ઝા : બકવાસ ના કરો. હમીદા બેગમ : તો શું કરું હું? સિકંદર મિર્ઝા  : (ડરતાં-ડરતાં) તમે ત્યાં..... એમની સાથે સૂઈ જાઓ તો?..... હમીદા બેગમ : (ગુસ્સામાં રાતાંપીળાં થતાં) લ્યો, મરદ થઈને મને આગના મોઢામાં ધકેલી રહ્યા છો? સિકંદર મિર્ઝા : (અકળાઈ જઈને) અરે તો હું શું કરું? હું ત્યાં ઉપર સૂઈ પણ ના શકું..... હમીદા બેગમ : ઠીક છે. હું જ ઉપર જાઉં છું..... સિકંદર મિર્ઝા : ના. હમીદા બેગમ : લ્યો કરો વાત..... વળી પાછી ના? સિકંદર મિર્ઝા : સારું સારું..... જુવો એમને કહેજોકે..... હમીદા બેગમ : અરે એમને શું કહેવાનું છે..... શું નથી કહેવાનું તેની મને સમજ પડે છે.

અંતરાલ ગીત (અભિનેતા ગાય છે.) મૈં હૂઁ રાત કા એક બજા હૈ ખાલી રાસ્તા બોલ રહા હૈ આજ તો યૂં ખામોશ હૈ દુનિયા જૈસે કુછ હોને વાલા હૈ કૈસી અંધેરી રાત હૈ દેખો અપને આપસે ડર લગતા હૈ ઐસા ગ્રાહક કોન હૈ જિસને સુખ દેકર દુઃખ મોલ લિયા હૈ મૈં હૂં રાત કા એક બજા હૈ ખાલી રસ્તા બોલ રહા હૈ.



  દૃશ્ય : આઠ

(મસ્જિદમાં મૌલા ઈકરામુદ્દીન નમાઝ પઢી રહ્યા છે, પહેલવાન અને અનવાર અંદર આવે છે. મૌલાનાને નમાઝ પઢતા જોઇને જરાક દૂર ઊભા રહી જાય છે, મૌલાના નમાઝ પઢીને પાછળ જુવે છે.) પહેલવાન : અસ્સલામ આલૈકુમ મૌલવી સાહેબ......... મૌલવી  : વાલેકુમ અસ્સલામ..... (પહેલવાન અને અનવાર નજીક જઇને મૌલાના સાથે હાથ મિલાવે છે અને એમના હાથ ચૂમે છે.) મૌલવી : અલ્લાહ તારા હૈયાને એના નૂર1થી રોશન રાખે..... આવો બેસો..... (ત્રણેય મસ્જિદની ચટાઇ પર બેસી જાય છે) મૌલવી  : બોલો બધું બરાબર તો છે ને? પહેલવાન : હાજી હાજી.... બધું બરાબર છે. (આમ તેમ જુવે છે. મસ્જિદમાં જરા અંધારું છે. પ્રકાશ ઓછો છે. ગોખલામાં એક દીવો બળી રહ્યો છે.) પહેલવાન : હું એક પેટ્રોમેક્સ લઇ આવીશ. મૌલવી : ખુદાનું ઘર તો રોઝા-નમાઝથી રોશન થાય છે. પહેલવાન તુસી નમાઝ પઢન આયા કરો..... પહેલવાન : (ગભરાઈ જઈને) આ-વાંગે............ જી........આવીશ..... જરૂર આવીશ........ મૌલવી  : અત્યારે કેમનું આવવાનું થયું? પહેલવાન  : જી વાત એમ છે કે........ (અટકી જાય છે) મૌલવી : તમે અલ્લાહના ઘરમાં બેઠા છો. અલ્લાહના ઘરમાં ગભરાવું કંઈ સારું નથી લાગતું..... જે હોય તે કહો..... _____________ 1 નૂર : તેજ

પહેલવાન : જી..... વાત એમ છે કે ઈત્થે કુફ્ર1 ફૈલ રિયા સી.... મૌલવી : પુત્તર કયો કુફ્ર? પહેલવાન : અરે ભારે કુફ્ર ફેલાઈ રહ્યો છે જી. મૌલવી : પણ કર્યો અધર્મ એ તો કહે..... પહેલવાન : આપણા મહોલ્લામાં એક હિંદુ ઓરત રહી ગઈ છે. મૌલવી : રહી ગઈ છે એટલે? પહેલવાન : ભારત નથી ગઈ. મૌલવી : તો? પહેલવાન : (ગભરાઈને) તો? એ અહીં જ છુપાઈ ગઈ હતી. ભારત નથી ગઈ..... મૌલાના : તે એનું શું છે? પહેલવાન : કોઈ હિંદુ ઓરત અહીં રહી શકે ખરી? મૌલવી : (હસીને) હા, હા..... કેમ ના રહી શકે? અનવાર : કંઈ સમજાયું નહીં મુલ્લાજી. પહેલવાન : તમે જુવો તો ખરા ! અમારો દુશ્મન અમારી જ વચ્ચે છુપાઈને રહે..... અને..... મૌલવી : દુશ્મન? કોણ? પહેલવાન  : હિંદુ. મૌલવી : વાન્ને અહઝ મનઉલ મુશરકીન અસ્ત આદક ફાર્જિદા..... એટલે કે ખુદાનો હુકમ છે કે કોઈ ગેરમુસલમાન પણ જો તારી પાસે આશરો માગે તો એને આશરો આપવો. પહેલવાન : અરે અમે આપણા મુસલમાન ભાઈઓની કત્લેઆમ જોઈ છે. અમારા હૈયામાં બદલાની આગ સળગી રહી છે. ___________________ 1 કુફ્ર : અધર્મ, નાસ્તિકતા

મૌલવી : પુત્તર જુલમને જુલમથી ખતમ નથી કરી શકાતો. નેકી, શરાફત, ઈમાનદારીથી જુલમ ખતમ થઈ શકે છે. જનાવર પણ પ્રેમ જોઈને પાલતુ બની જાય છે. તમે માણસ પર જુલમ કરીને ખુદાને શું મોઢું દેખાડશો? ઇસ્લામ જુલમની ખિલાફ છે. જે જુલમ કરે છે તે મુસલમાન નથી. સમજ્યા કે?..... ફરમાવાયું છે કે તમે જમીનવાળાઓ પર રહેમ કરો..... આસમાનવાળો તમારા પર રહેમ કરશે. (પહેલવાન અને અનવાર ચૂપ થઈ જાય છે અને માથાં નમાવી લે છે) પહેલવાન : હિંદુઓએ આપણાવાળાઓ પર બહુ જુલમ કર્યા છે મૌલવી સાહેબ. અમે ભૂલી શકીએ એમ નથી. આખેઆખી ગાડીઓની ગાડીઓ કાપી કાપીને મોકલી છે. ઓરતો અને છોકરીઓને ગાજર મૂળાની જેમ કાપી નાખી છે. મૌલવી : તમે પણ એ જ કરવા માગો છો? પહેલવાન  : હા, બદલો લેવા..... મૌલવી : તો પછી તું કેવી રીતે કહી શકે કે તું મુસલમાન છે અને તારો ધરમ દયા-માયા શીખવે છે? (બેઉનાં મોં પડી જાય છે) પહેલવાન : રતનલાલની મા ભારત ચાલી જાય તો ત્યાં કોઈ મુસલમાન બિરાદર રહી શકે ને? મૌલવી : મુસલમાન બિરાદર પોતાની તાકાત પર બીજે કશે નથી રહી શકતો? એને આ ડોશીનું ઘર જ જોઈએ? (વળી બેઉનાં મોં પડી જાય છે) મૌલવી : લડવું જ હોય તો પોતાના અવગુણો સામે લડો. એ જ સૌથી મોટી જેહાદ છે..... સ્વાર્થીપણું, લાલચ, વૈભવ-વિલાસ સામે લડો..... એ બાપડી એકલી બુઢ્ઢી ઓરત સાથે લડવું એ ઇસ્લામ નથી.

અંતરાલ ગીત ઐસા ભી કોઈ સપના જાગે સાથ મેરે ઈક દુનિયા જાગે વો જાગે જિસે નીંદ ન આયે યા કોઈ મેરા જૈસા જાગે હવા ચલે તો જંગલ જાગે નાવ ચલે તો નદિયા જાગે ઐસા ભી કોઈ સપના જાગે સાથ મેરે ઈક દુનિયા જાગે



  દૃશ્ય : નવ

(સવારનો સમય છે. અલીમ એની ચાની દુકાનમાં ભઠ્ઠી સળગાવવામાં વ્યસ્ત છે. એ જ વખતે નાસિર કાઝમી અને એની પાછળ પાછળ ઘોડાગાડીવાળો હમીદ હાથમાં ચાબૂક લઈને અંદર આવે છે.) નાસિર : હમીદ મિયાં બેસો..... રોજની જેમ આજે પણ અલીમ રાત આખી ઘોરતો રહ્યો છે એટલે ભઠ્ઠી ટાઢીબોળ પડી રહી છે. અલીમ : તમે બહુ વહેલા આવી ગયા નાસિર સાહેબ.....!! નાસિર : ભાઈ, જે રાતે સૂઈ જાય છે એના માટે સવાર પડે છે ને? (ખડખડાટ હસે છે) અલીમ : શું તમે આખી રાત નથી સૂતા? નાસિર : હા મિયાં, આખી રાત અહીં તહીં રખડતો રહ્યો ને પાંચ શે’રની ગઝલ રચાઈ ગઈ. હમીદ : આમ પણ તમે સૂવો છો જ ક્યાં? નાસિર : રાતો કોઈ છાપરા હેઠળ સૂઈને બર્બાદ કરી દેવા માટે નથી હોતી. અલીમ : કેમ નાસિર સાહેબ? નાસિર : એટલા માટે કે રાતમાં જ દુનિયાનાં મહત્ત્વનાં કામો થાય છે. દા.ત. ફૂલોમાં રસ રાતે જ ભરાય છે, સમુદ્રમાં ભરતીઓટ રાતે જ આવે છે. ખુશબૂ રાત્રે જ જન્મે છે અને ફરિશ્તાઓ રાત્રે જ ધરતી પર ઊતરી આવે છે..... અલીમ : તમારી વાતો મને તો સમજાતી જ નથી. નાસિર : એનો એ અર્થ તો નથી ને કે ચા નહીં પીવડાવે? અલીમ : અરે ચોક્કસ પીવડાવીશ..... બસ બે મિનિટમાં તૈયાર થઈ જશે. (ભઠ્ઠી સળગાવવામાં લાગી જાય છે) અલીમ : નાસિર સાહેબ કંઈ નોકરી બોકરીનો મેળ પડ્યો કે નહીં? નાસિર : નોકરી? અરે ભાઈ, શાયરીથી મોટી કોઈ નોકરી છે ખરી? અલીમ : (હસીને) શાયરી નોકરી થોડી જ કહેવાય નાસિર સાહેબ ! નાસિર : ભાઈ જો, લોકો આઠ કલાકની નોકરી કરે છે. કેટલાક લોકો દસ કલાક કામ કરે છે. કેટલાક બિચારાઓ પાસે તો બાર-બાર કલાક કામ કરાવાય છે પણ અમે શાયરો તો ચોવીસ કલાકની નોકરી કરીએ છીએ. (નાસિર ખડખડાટ હસે છે. હમીદ એની સાથે હસે છે) હમીદ : આખી રાત તમે ‘પછી’ ‘પછી’ કરીને મને ટાળ્યો. હવે તો એકાદ-બે શે’ર સંભળાવો નાસિર સાહેબ..... (પહેલવાન, અનવાર, સિરાજ અને રઝા અંદર આવે છે) પહેલવાન : અબે ઓય..... ચાલ ફટાફટ ચાર ચા પીવડાવી દે..... અલીમ : તમે એકદમ બરાબર મોકાના વખતે આવ્યા પહેલવાન..... પહેલવાન : કેમ? શું થયું? અલીમ : નાસિર સાહેબ ગઝલ સંભળાવી રહ્યા છે. પહેલવાન : અરે ભાઈ, અમારે ગઝલ ફઝલ સાથે શી લેવાદેવા? ઈ ગઝલ ફઝલ બધો બકવાસ છે. નાસિર : પહેલવાન, સાચું શું છે અને ખોટું શું છે? પહેલવાન : ભાઈ, અમે ગઝલ-ફઝલ સાંભળતા જ નથી. નાસિર : સાચું સાંભળવામાં મજા નથી આવતી. ખોટું લોકો વારંવાર સાંભળવા ઇચ્છે છે. હમીદ : વાહ નાસિર સાહેબ વાહ..... શું વાત કરી? તમારી વાતો શાયરીથી જરાય ઊતરતી નથી હોતી. સિરાજ : ના ભાઈ ના..... શાયરી-બાયરી બધો બકવાસ છે. પહેલવાન : (સિરાજને) હવે તું છોડને આ બધી બેકારની વાતો..... (બબડે છે) અહીં પાકિસ્તાનમાં કુફ્ર ફેલાઈ રહ્યો છે. ને આ બેઠા બેઠા શાયરી કરી રહ્યા છે અલીમ : કઈ રીતે ઉસ્તાદ? શું થયું? પહેલવાન : અરે પેલી હિંદુ ડોશી કેવી રૂવાબથી ફરતી ફરે છે બધે..... રોજ રાવી નદીમાં નહાવા જાય છે, પૂજા કરે છે. જાણે આપણને બધાને અંગૂઠો દેખાડે છે કે આપણાથી કંઈ થઈ શકવાનું નથી. આ અધર્મ નથી ફેલાઈ રહ્યો તો બીજું શું થઈ રહ્યું છે? નાસિર : જો તમે આને અધર્મ માનતા હો તો આપની નજરે આસ્થા ઈમાનનો અર્થ રોજ રાવીમાં ન નહાવું, પૂજા ન કરવી અને કોઈને અંગૂઠો ન દેખાડવો એવો જ થાય ને? પહેલવાન : (ગરમ થઈને) તું કહેવા શું માંગે છે? નાસિર : તમને સમજાવવાની તાકાત તો કોનામાં છે? પહેલવાન : અરે જનાબ, એ બુઢ્ઢી આપણાં ઘરોમાં જાય છે, આપણી બધી ઓરતોને અને છોકરીઓને મળે છે. એમની સાથે વાતો કરે છે. એ બધીને પોતાના મઝહબની વાતો કરે છે. નાસિર : એટલે બીજા કોઈ મઝહબની વાતો સાંભળવી એ કુફ્ર છે. પહેલવાન : (ખોટું લગાડતાં.....) તો શું એ સારી વાત છે કે આપણી વહુ દીકરીઓ હિંદુ ધરમની વાતો શીખે? નાસિર : બીજા કોઈ મઝહબની વાતો જાણવામાં કુફ્ર નથી. પહેલવાન : પણ તોય એ ખરાબ તો છે જ ને? નાસિર : નહીં, એમાં કશું ખરાબ નથી. તમને તો ખબર જ હશે કે કુરાનમાં યહૂદી અને ઈસાઈ મઝહબનો ઉલ્લેખ છે. પહેલવાન : ઈસાઈ કે યહૂદી મઝહબની વાત ઠીક છે. પણ હિંદુ ધરમની વાત જુદી જ છે. એ બેઉમાં ફરક છે. નાસિર : શો ફરક છે? પહેલવાન : જી..... જી..... જી.... ફરક છે.... કંઈક ને કંઈક ફરક તો છે જ. નાસિર : પણ ફરક હોય તો બતાવોને? (પહેલવાન ચૂપ થઈ જાય છે) અનવાર  : અરે એ બુઢ્ઢી તો કોઈથી ડરતી પણ નથી. નાસિર : પણ એ કોઈથી ડરે શા માટે? શું એણે ચોરી કરી છે? કોઈને ત્યાં ધાડ પાડી છે? કોઈની કતલ કરી છે? સિરાજ : પણ અમે આ સહન નથી કરી શકતા. નાસિર : તમે શું સહન નથી કરી શકતા? કોઈ નથી ડરતું એ તમે સહન નથી કરી શકતા? એટલે કે બધા તમારાથી ડરતા ફરે? પહેલવાન : અરે સો વાતની એક વાત..... એને ભારત કેમ નથી મોકલી દેતા? નાસિર : શું તમે ઠેકો લીધો છે લોકોને અહીંથી ત્યાં મોકલી આપવાનો? આ એમની મરજી છે. એ ઇચ્છે તો અહીં રહે..... ઈચ્છે તો ભારત જાય. પહેલવાન : (એના ચેલાઓને) ચાલો અહીંથી જઈએ. (પહેલવાન ગુસ્સે થઈને નાસિરને જુવે છે) નાસિર : હૈ યહી એહલે વફા દિલ ન કિસીકા દુખા અપને ભલે કે લિએ સબકા ભલા ચાહિએ. (પહેલવાન ઊભો થઈ જાય છે. એના ચેલાઓ પણ એની સાથે જ બહાર નીકળી જાય છે.) નાસિર : યાર અલીમ એક વાત કહે…… અલીમ : પૂછો નાસિર સાહેબ..... નાસિર : તું મુસલમાન છે? અલીમ : હા, છું નાસિર સાહેબ. નાસિર : તું કેમ મુસલમાન છે? અલીમ : (વિચારમાં પડી જાય છે) એ તો કદી વિચાર્યું જ નથી નાસિર સાહેબ. નાસિર : અરે ભાઈ, તો અત્યારે વિચારી લે..... અલીમ : અત્યારે? નાસિર : હા, હા અત્યારે. જો તું એટલા માટે મુસલમાન છે કે તું જ્યારે સમજણો થયો ત્યારે તારી સામે દરેક મઝહબના ગ્રંથો મૂકવામાં આવેલા અને તને કહેવામાં આવેલું કે આમાંથી જે મઝહબ તને પસંદ હોય, તને સારો લાગતો હોય એ તું પસંદ કરી લે? અલીમ : નહીં રે નાસિર સાહેબ, હું તો બીજા મઝહબો વિશે કશું જાણતોય નથી. નાસિર : એનો અર્થ તો એ થાય છે કે તારો જે મઝહબ છે એ કાંઈ તારી મરજી પ્રમાણેની પસંદગી નથી. મઝહબ પસંદ કરવામાં તારી કોઈ મરજી ચાલતી નથી. તારાં મા-બાપનો જે મઝહબ હતો તે જ તારો છે. અલીમ : હા જી, તમારી વાત એકદમ જ બરાબર છે. નાસિર : તો પછી યાર જે વાતમાં તારું કે મારું કશું ચાલતું જ નથી. એ વાત માટે લોહી વહેવડાવવું કેટલું વાજબી છે. હમીદ : લોહી વહેવડાવવું તો બિલકુલ જ વાજબી નથી નાસિર સાહેબ. નાસિર : અરે તો પછી સમજાવોને આ પહેલવાનો ને..... લાવ દોસ્ત લાવ..... એક પ્યાલી ચાની લાવ..... સાલાએ મૂડ બગાડી દીધો.

અંતરાલ ગીત સાઝે હસ્તી૧ કી સદા૨ ગૌર સે સુન ક્યોં હૈ યે શોર બરપા૩ ગૌર સે સુન

ઈસી મંઝિલ મેં હૈ સબ હિજ્રો૪ -વિસાલ૫ રહવરે૬ આબ્લા પા૭ ગૌર સે સુન

ઈસી ગોશે૮ મેં હૈ સબ દૈર૯-ઓ-હરમ૧0 દિલ સનમ હૈ કે ખુદા ગૌર સે સુન

કાબા૧૧ સુનસાન હૈ ક્યોં એ વાયઝ૧૨ કાન હાથોં સે ઉઠા ગૌર સે સુન ૧ હસ્તી : અસ્તિત્વ, હયાતી ૨ સદા : અવાજ, ધ્વનિ ૩ શોર બરપા : અવાજ થવો ૪ હિજ્ર : વિયોગ, જુદાઈ, વિરહ ૫ વિસાલ : મિલન, સંયોગ ૬ રહવરે : મુસાફરી, યાત્રા ૭ આબ્લા પા : જેના પગમાં છાલાં પડી ગયા હોય તે ૮ ગોશે : ખૂણામાં ૯ દૈર : મંદિર ૧૦ હરમ : ખુદાનું ઘર, કાબા શરીફ ૧૧ કાબા : કાબા શરીફ ૧૨. વાયઝ : ધાર્મિક પ્રવચન કરનાર, ઉપદેશક



  દૃશ્ય : દસ

(હમીદા બેગમના ઘરમાં પડોશની ઓરતોની મહેફિલ જામેલી છે. રતનની મા જમીન પર બેસીને કંઈક ગૂંથી રહ્યાં છે. એમની બરાબર સામે તન્નો બેઠી છે. તન્નોની બાજુમાં એક ૧૮-૧૯ વર્ષની છોકરી સાજિદા બેઠી છે. સામે હમીદા બેગમ બેઠાં છે. એમની સામે પાનપેટી ખૂલી પડી છે. હમીદા બેગમની બાજુમાં બેગમ હિદાયત હુસૈન બેઠાં છે) હમીદા બેગમ : (બેગમ હિદાયત હુસૈનને) અરે બેન, અહીં તો આંખમાં આંજવા જેટલાં પાન પણ નથી મળતાં. અને પાન વગર કાથા-ચૂનામાં કંઈ મજા નથી આવતી. બેગમ હિદાયત : અરે બાઈ, આ પાન અહીં કેમ નહીં થતાં હોય? રતનની મા : પુત્તર પાન તો કાયમ એ બાજુથી જ આવતાં..... આ જ્યારથી ભાગલા થયા ત્યારથી મૂવા પાનનાં સાંસાં પડી ગયાં છે. હમીદા બેગમ : માઈ, અમને તો આ શહેર સમજાતું જ નથી. રતનની મા : પુત્તર એવું ના કહે..... લાહૌર જેવું શહેર તો આખી દુનિયામાં બીજું છે જ નહીં. હમીદા બેગમ : પણ લખનૌમાં જે વાત છે તે લાહૌરમાં ક્યાં? ક્યાં લખનૌ ને ક્યાં લાહૌર? રતનની મા : પુત્તર પોતાનું વતન એ તો પોતાનું વતન જ હોય. એનો કોઈ જોટો જ ના જડે. તન્નો : દાદી તમે અમને જે ઊલટા ટાંકા શીખવાડેલા..... એમાં દોરાને બે વાર આંટી મારવાની કે ત્રણ વાર? રતનની મા : જો દીકરી..... ફરી એક વાર જોઈ લે..... પહેલાં આ રીતે આંટી નાખ..... પછી આ રીતે ઘુમાવીને આમ લઈ જા. ફિર દો ફંદે ઔર પા દે. સાજિદા : દાદી તમારી પંજાબી અમને તો જરાય નથી સમજાતી. રતનની મા : પુત્તર હવે આ ઉંમરે હું થોડી જ બીજી કોઈ જબાન શીખવાની હતી? હા મારા દીકરા રતનને ઉર્દૂ આવડતી હતી. (આંખોમાં આવેલાં આંસુ લૂછે છે) હમીદા બેગમ : માઈ એવું બની શકે ને કે તમારો દીકરો અને એનાં બાલ-બચ્ચાં ભારતમાં સાજાંનરવાં હોય? રતનની મા : પુત્તર આટલો વખત વીતી ગયો. જો એ જીવતાં હોત તો એ લોકો મારી તપાસ જરૂર કરાવત. બેગમ હિદાયત : માઈ એવું પણ બની શકે ને કે એ લોકોએ એવું વિચાર્યું હોય કે તમે લાહૌરમાં નહીં હો..... (હમીદા બેગમને) બેન, તમે સાંભળ્યું? સિરાજ સાહેબના ભાઈ જીવતા છે અને કરાચીમાં રહે છે. સિરાજ સાહેબના ઘરના તો એ બાપડા પર રોઈ-ધોઈને બેઠા હતા. હમીદા બેગમ : હા, અલ્લાની રહેમતથી બધું જ થઈ શકે છે. રતનની મા : કેટલીયે વાર રેડિયો પર જાહેર કરાવ્યું છે. પણ રતનનો કશે પત્તો નથી લાગ્યો. બેગમ હિદાયત : માઈ અલ્લા પર ભરોસો રાખો. એ જ બધાની દેખભાળ કરવાવાળો છે. રતનની મા : એ તો છે જ (આંસુ લૂછતાં) બેટા, તને ટાંકા નાખતાં આવડી ગયા ને? તન્નો : હા માઈ, આ જુવો ને જરા..... રતનની મા : અરે શાબાશ..... તું તો બહુ જલ્દી શીખી ગઈ પુત્તર. બેગમ હિદાયત : ચાલો ત્યારે, હું રજા લઉં. રતનની મા : બેટી તને જ્યારે પણ રજાઈ કે ગાદલામાં ટાંકા લેવા હોય ત્યારે મેનું જરા બુલા લેણા..... હું તને ટાંકા લઈ આપીશ. બેગમ હિદાયત : સારું માઈ, શુક્રિયા..... હું ચોક્કસ જ તમને હેરાન કરીશ. અને માઈ તમે ઉધરસની જે દવા બનાવી આપેલીને એનાથી મારી દીકરીને એકદમ જ સારું છે. પણ હવે દવા ખલાસ થઈ ગઈ છે. રતનની મા : તે એમાં શી મોટી વાત છે? ફરીથી બનાવી દઈશ. તું છેને જેઠીમધ, કાળા મરી, મધ અને સૂંઠ મંગાવી રાખજે. બસ........ હમીદા બેગમ : આવજો બાઈ, આમ ક્યારેક ક્યારેક આવતાં રહેજો. બેગમ હિદાયત : હા હા જરૂર આવીશ પણ તમેય માઈને લઈને આવો અમારે ત્યાં. હમીદા બેગમ : (હસીને) હું માઈની સાથે જ ઘરની બહાર નીકળું છું. પણ બધાની સેવા કરવાની માઈ જેવી દાનત ક્યાંથી લાવું? માઈ તો સવારથી નીકળે છે તે છેક સાંજે પાછાં ફરે છે. રતનની મા : દીકરી જયાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી બધું થશે..... પછી કોઈ એક દિવસ તો તમારા બધા પર બોજ બનવાની જ છું. હમીદા બેગમ : માઈ, તમે કદી પણ અમારા પર બોજ નહીં બનો. અમે ખુશી ખુશી તમારી ખિદમત કરીશું. બેગમ હિદાયત : અચ્છા ત્યારે ખુદા હાફિઝ.

(બેગમ હિદાયત જાય છે)

રતનની મા : આજે મારે આફતાબ સાહેબના ઘરે જવાનું છે. એમના મોટા છોકરાને માતા નીકળ્યાં છે. એ બિચારી બહુ મૂંઝાયેલી છે. એક તો છોકરો માંદો, એમાં ઘરનાં બધાં કામકાજ કરવાનાં..... હું એના છોકરા પાસે બેસીશ તો એ બિચારી રાંધીચીંધી લેશે..... (સિકંદર મિર્ઝા આવે છે) સિકંદર મિર્ઝા : માઈ આદાબ અર્ઝ. રતનની મા : જીન્દા રહ પુત્તર. સિકંદર મિર્ઝા : માઈ આપણે રહીએ છીએ એક જ ઘરમાં પણ તમારી મુલાકાત એ રીતે થાય છે જાણે આપણે અલગ-અલગ મહોલ્લામાં ના રહેતા હોઈએ? હમીદા બેગમ : પણ માઈ ઘરમાં રહે છે જ ક્યાં? વહેલી સવારે રાવીમાં નહાવા જતાં રહે છે. એ પછી સવારે ક્યારેક અકીલ સાહેબને ત્યાં વડીઓ પાડતાં હોય તો ક્યારેક નફીસાને દવાખાને લઈ જતાં હોય, ક્યારેક બેગમ આફતાબના છોકરાની સારવાર કરે તો સાંજે વળી સકીનાને અથાણાં નાખતાં શીખવાડે. છેક રાતે દસ વાગે ઘરે આવે છે..... પછી આપણા બધા સાથે મુલાકાત થાય તો ક્યાંથી થાય? સિકંદર મિર્ઝા : જઝાકલ્લાહ?1 હમીદા બેગમ : મહોલ્લામાં બચ્ચા બચ્ચાની જબાન પર આજકાલ માઈનું નામ રહે છે. જાણે બધા રોગની દવા છે માઈ. રતનની મા : દીકરી બેઠાં બેઠાં કરવાનું શું? બધાને મળીને દિલને પણ જરા સારું લાગે છે. હાથ-પગ ચાલતા રહે છે. મારે બીજું શું જોઈએ? અચ્છા પુત્તર મારે તને એક વાત પૂછવી છે. સિકંદર મિર્ઝા : આપ તો બસ હુકમ કરો માઈ..... રતનની મા : પુત્તર દિવાળી આવી રહી છે. હંમેશાંની જેમ આ વર્ષે પણ હું દીવા સળગાવવા તથા પૂજા કરવા માગું છું. હું તને એ પૂછવા માગતી હતી કે તને કંઈ વાંધો તો નથી ને? સિકંદર મિર્ઝા : અરે માઈ, આ પણ કંઈ પૂછવાની વાત છે? તમે જે કંઈ કરતાં હતાં તે ખુશીથી કરો..... અમને કંઈ વાંધો નથી. કેમ બેગમ? હમીદા બેગમ : બેશક _______________________ 1 જઝાકલ્લાહ : શાબાશ..... અથવા ખુદા નેકીનો બદલો આપે, આભાર.

અંતરાલ ગીત કહીં ઉજડી-ઉજડી સી મન્ઝિલેં, કહીં ટૂટે ફૂટે સે બામો-દર૧ યે વહી દયાર૨ હૈ દોસ્તોં જહા લોગ ફિરતે થે રાતભર.....

મૈં ભટકતા ફિરતા હૂઁ દેર સે યૂં હી શહર-શહર નગર-નગર કહાઁ ખો ગયા મેરા કાફલા, કહાઁ રહ ગયે મેરે હમસફર

મેરી બેકસી૩ કા ન ગમ કરો મગર અપના ફાયદા સોચ લો તુમ્હેં જિસ કી છાંવ અઝીઝ૪ હૈ, મૈં ઉસી દરખ્ત૫ કા હૂં સમર૬ !

૧ બામ-વ-દર : બામ = અગાશી, દર = દરવાજો ૨ દયાર : પ્રવેશ, ઉંબરો ૩ બેકસી : તકલીફ, લાચારી ૪ અઝીઝ : પ્રિય ૫ દરખ્ત : વૃક્ષ 6 સમર : ફળ, પરિણામ


  દૃશ્ય : અગિયાર

(રતનની મા હવેલીમાં દીવા સળગાવી રહી છે. તન્તો અને જાવેદ એને મદદ કરી રહ્યાં છે. હમીદા બેગમ એક ખૂણામાં બેઠાં બેઠાં દીવા જોઈ રહ્યાં છે. જ્યારે બધી બાજુ દીવા સળગી રહે છે ત્યારે માઈ ડાબી બાજુએ પૂજા કરવાની જગ્યા પર બેસી જાય છે. તન્નો અને જાવેદ એમની મા પાસે બેસી જાય છે. રતનની મા પૂજા શરૂ કરે છે.) તન્નો : અમ્મા, આ બધું કેમ થયું? હમીદા બેગમ : શું બેટા? તન્નો : આ હિંદુસ્તાન-પાકિસ્તાન..... હમીદા બેગમ : બેટા, મને શું ખબર કેમ થયું તે........ તન્નો : આપણે લોકો પાકિસ્તાન કેમ આવી ગયા? હમીદા બેગમ : બેટા મને શી ખબર કેમ આવ્યા તે..... તન્નો : અમ્મા, જો આપણે લોકો અને માઈ એક જ ઘરમાં રહી શકીએ છીએ તો હિંદુસ્તાનમાં હિંદુ અને મુસલમાન સાથે કેમ નથી રહી શકતા? હમીદા બેગમ : નથી શું રહી શકતા?..... સદીઓથી સાથે જ રહેતા હતા ને ! તન્નો : તો પછી પાકિસ્તાન કેમ બન્યું? હમીદા બેગમ : એ તું તારા અબ્બાને પૂછજે..... (પૂજા પૂરી કરીને માઈ ઊભાં થાય છે અને થાળીમાં રાખેલી મીઠાઈ બધાની સામે ધરે છે) હમીદા બેગમ : દિવાળી મુબારક માઈ..... રતનની મા : તમને બધાને પણ દિવાળી મુબારક..... (બોલતાં અટકી જાય છે, પછી કાંપતા અવાજે) ખબર નહીં મારો રતન ક્યાં દિવાળી મનાવતો હશે? હમીદા બેગમ : માઈ, આજે તહેવારના દિવસે ના રડો. અલ્લાહની મરજી હશે તો રતન જરૂર દિલ્હીમાં હશે અને તમને જલ્દી જ મળશે. (રતનની મા આંસુ લૂછી નાખે છે.) (દરવાજો ખખડાવવાનો અવાજ આવે છે) તન્નો : કોણ છે? નાસિર : હું છું નાસિર કાઝમી. હું અને હમીદ સાહેબ માઈને દિવાળીની મુબારકબાદ આપવા આવ્યા છીએ. (તન્નો અને હમીદા બેગમ અંદર ચાલ્યાં જાય છે. મંચ પર એકલાં માઈ રહી જાય છે) રતનની મા : આવો..... આવો..... અંદર આવો..... નાસિર : માઈ, આદાબ. હમીદ : માઈ, આદાબ અર્જ. રતનની મા : જીવતા રહો..... સો વરસના થાઓ..... બેસો..... નાસિર : માઈ લાંબી ઉંમરની દુવાની સાથે એક બીજી દુવા પણ આપો. રતનની મા : કઈ દુવા પુત્તર? નાસિર : અમે પણ તમારા જેવા થઈએ એવી દુવા..... રતનની મા : અરે હટ..... મજાક કરે છે મારી? લે મીઠાઈ ખા..... (બેઉ મીઠાઈ ખાય છે) રતનની મા : મેં બહુ ધૂમધામથી દિવાળી ના મનાવી... બસ એમ જ જરાક... હમીદ : કેમ માઈ? ધૂમધામથી દિવાળી કેમ ના મનાવી? રતનની મા : વિચાર્યું કે હવે પાકિસ્તાન બની ગયું છે..... ખબર નહીં..... કોઈને..... નાસિર : માઈ ભલેને ગમે તેટલાં પાકિસ્તાન-બાકિસ્તાન બની જાય..... એમાં રહેવાના તો મારા તમારા જેવા ઇન્સાન જ ને? અને માઈ જ્યાં ઇન્સાન હશે ત્યાં સંબંધો હોવાના, લાગણીઓ હોવાની..... સરસવનાં ખેતરોની શોધમાં અહીં તહીં રખડતા પાગલ હોવાના..... શું કહો છો હમીદભાઈ? હમીદ : હવે ભાઈ, હું તમારી જેમ શાયર તો છું નહીં પણ હા, આજે જો માઇએ દિવાળી ના ઊજવી હોત તો એવું લાગત કે આપણા વજૂદનો (અસ્તિત્વનો) એક હિસ્સો ગયો છે. રતનની મા : તમારા લોકોના સહારે જ તો હું અહીં ટકી છું પુત્તર હમીદ. હમીદ : માઈ, અમે બધા તમારા સહારે અહીં છીએ. વીતેલા વખતનો જે તાંતણો અમારા હાથમાંથી છૂટી રહ્યો છે એને તમારા વડે જ તો અમે ઝાલીને બેઠા છીએ. (સિકંદર મિર્ઝા અંદર આવે છે.) સિકંદર મિર્ઝા : સલામ અલૈકુમ..... માઈ આદાબ. રતનની મા : જીવતો રહે પુત્તર. હમીદ અને નાસીર: વાલેકુમ સલામ સિકંદર મિર્ઝા : વાહ ભાઈ તમારા દીદાર થયા ને કંઈ !! નાસિર : બિછડ ગએ થે જો તુફાં કી રાત મેં ‘નાસિર’ સુના હૈ ઉનમેં સે કુછ આ મિલે કિનારે પર. સિકંદર મિર્ઝા : કાશ, હું પણ શાયર હોત ! નાસિર : તમે શાયર છો, માઈ શાયર છે અને..... રતનની મા : (વાત કાપીને) લે પુત્તર મીઠાઈ ખા. (સિકંદર મિર્ઝા મીઠાઈ ખાય છે) (કોઈ જોર જોરથી દરવાજાની સાંકળ ખખડાવતું ને સાથે ગુસ્સામાં બરાડતું હોય એવો અવાજ આવે છે) અવાજ : સિકંદર મિર્ઝા સાહેબ........................ સિકંદર મિર્ઝા..... સિકંદર મિર્ઝા : ભાઈ કોણ છે? અંદર આવો ને..... (પહેલવાન અને એના ચમચા ધડધડ કરતા અંદર ઘૂસી જાય છે. એ બધાને જોઈને માઈ અંદર ચાલ્યાં જાય છે) (પહેલવાન દીવા અને પૂજાની થાળી જુવે છે.) પહેલવાન : (અનવારને) અહીં શું થઈ રહ્યું છે એ તેં જોયું ને? ખુદાની કસમ..... મારું તો લોહી ઊકળી રહ્યું છે. નાસિર : શું વાત છે પહેલવાન સાહેબ ! બહુ ગુસ્સામાં લાગો છો પહેલવાન : ગુસ્સે દેખાઉં છું એવું નથી..... હું છું જ ગુસ્સામાં. નાસિર : અરે તો પાકિસ્તાનના વઝીરેઆઝમ૧ ને એક કાગળ લખી નાખો ને? પહેલવાન : મજાક કેમ કરો છો નાસિર સાહેબ? નાસિર : અરે ભાઈ, હું મજાક ક્યાં કરું છું? અમે શાયર લોકો તો જ્યારે બહુ ગુસ્સે થઈએ ત્યારે એવું જ કરીએ છીએ. પહેલવાન : ખુદાની કસમ..... પણ અહીં તો નર્યું અંધેર જ છે. નાસિર : પણ ભાઈ, થયું શું એ કહેશો જરા? પહેલવાન : અરે જનાબ પેલી કમબખતે હવેલીમાં દીવા સળગાવ્યા, પૂજા કરી, દિવાળી ઊજવી..... નાસિર : અચ્છા અચ્છા.... તમે માઈની વાત કરો છો? પહેલવાન : તમે એ હિંદુ કાફરને માઈ કહો છો? નાસિર : જનાબ હું તો દિવસને દિવસ અને રાતને રાત જ કહેવાનો. તમે જેને જે મન થાય તે કહો..... (પહેલવાન ખૂંખાર નજરે ઘૂરકે છે) પહેલવાન : (ચમચાઓને) હવે તો ચૂપ નથી બેસી શકાતું. મને એ નથી સમજાતું કે મિર્ઝા સાહેબે એ ડોકરીને દીવા સળગાવવાની રજા કેમની આપી? સિકંદર મિર્ઝા : રજા? તમે કેવી વાત કરો છો પહેલવાન? માઈ..... હવેલી માઈની છે..... એમણે મને હવેલીમાં રહેવાની રજા આપેલી છે અને..... પહેલવાન : પાકિસ્તાનમાં હવે એનું કશું જ નથી. મને નવાઈ તો એ લાગે છે કે આટલું ગેરઇસ્લામી કામ થયું તોય લોકોનું એક રૂવાંડુંયે ના ફરક્યું? નાસિર : ભાઈ તમે માઈના દિવાળી મનાવવાને ગેરઇસ્લામી કહી રહ્યા છો તે તમારા હિસાબે કહી રહ્યા છો. માઈ હિંદુ છે અને એમને પૂરો હક્ક છે પોતાના મઝહબ પ્રમાણે પૂજા પાઠ કરવાનો. _______________ ૧ વઝીરેઆઝમ : વડાપ્રધાન પહેલવાન  : બધા તારા જેવા થઈ જાય ને તો ઇસ્લામી શાસનની તો મા જ અણાઈ જાય.... જનાબ આજે એ પૂજા કરે છે. કાલે મંદિર બંધાવશે.... પરમ દિવસે લોકોને હિંદુ મઝહબની વાતો શીખવાડશે. નાસિર : તો એથી શું? પહેલવાન : આટલું બધું થઈ જાય તો ય તમારી નજરે તો જાણે કંઈ થયું જ નથી. નાસિર : તમારા કહેવાનો મતલબ છે કે જેવી એણે હિંદુ ધર્મની વાતો શરૂ કરી કે તરત જ લોકો ફટાફટ હિંદુ થવા માંડશે નહીં? માફ કરજો.... પણ જો એવું થઈ શકતું હોય તો પછી એવું થઈ જ જવા દો.... પહેલવાન : આ હવેલીમાં દિવાળી મનાવાઈ છે કે નહીં? સિકંદર મિર્ઝા : જી હા, મનાવાઈ છે. પહેલવાન : પૂજા પણ થઈ? સિકંદર મિર્ઝા : જી હા થઈ, પણ વાત શું છે.... પહેલવાન : આ બધું એટલા માટે થયું કે તેં એક કાફર ઓરતને આશરો આપી રાખ્યો છે. સિકંદર મિર્ઝા : જનાબ, જરા જીભ સંભાળીને વાત કરજો.... એક તો હું તમારા કોઈપણ સવાલના જવાબ આપવા બંધાયેલો નથી. અને બીજી વાત એ કે મને સવાલ કરવાનો હક્ક તમને કોણે આપ્યો? પહેલવાન : તું ગૈરઇસ્લામી કામો કરતો રહે અને અમે બેઠા બેઠા જોતા રહીએ? એવું બની જ ના શકે. અનવાર : બિલકુલ જ ના બની શકે. પહેલવાન : અને હવે અમે ચૂપ રહી શકીએ એમ નથી. નાસિર : ખેર.... ચૂપ તો તમે આમ પણ કદી ક્યાં રહ્યા છો?

અંતરાલ ગીત સાઝે હસ્તી કી સદા ગૌર સે સુન ક્યોં હૈ યે શોર બરપા ગૌર સે સુન

ચઢતે સૂરજ કી અદા કો પહચાન ડૂબતે દિન કી નિદા1 ગૌર સે સુન

ઈસી મંઝિલ મેં હૈ સબ હિજ્રો-વિસાલ રહવરે આબ્લા પા ગૌર સે સુન

ઈસી ગોશે મેં હૈ સબ દૈરો હરમ દિલ સનમ હૈ કે ખુદા ગૌર સે સુન

કાબા સુનસાન હૈ ક્યોં યે વાયઝ હાથ કાનોં સે ઉઠા ગૌર સે સુન. ____________________ 1 નિદા : પોકાર, બોલાવવું,




દૃશ્ય : બાર

(મૌલાના મસ્જિદમાં બેઠા બેઠા તસ્બી૧ પઢી રહ્યા છે. પહેલવાન એકદમ ગુસ્સામાં અંદર આવે છે. એની પાછળ અનવાર અને સિરાજ છે. એની પાછળ નાસિર કાઝમી, હમીદ હુસૈન, સિકંદર મિર્ઝા આવે છે.) પહેલવાન : (ગુસ્સામાં બરાડો પાડીને) જુવો, મૌલાના જુવો, અહીં શું થઈ રહ્યું છે? (મૌલાના કંઈ બોલતા નથી. થોડીક વાર ચૂપચાપ રહે છે. પહેલવાન ગુસ્સામાં રાતોપીળો થતો ઊભો રહે છે) મૌલાના : (ટાઢા બોળ અવાજે) પુત્તર ગુસ્સો અક્કલનો દુશ્મન છે. તારે જે વાત કહેવી હોય તે જરા શાંતિથી કહે..... પહેલવાન : (ગુસ્સામાં) હવે કહેવાનું બાકી શું રહ્યું? સિકંદર મિર્ઝા સાહેબના ઘરમાં પૂજા થઈ, બુતપરસ્તી૨ થઈ..... આ કૂફ્ર૩ નથી તો શું છે? મૌલવી : (સિકંદર મિર્ઝાને) મિર્ઝા સાહેબ વાત શી છે? પહેલવાન : અરે એ શું કહેવાના? હું જ કહું છું. મૌલવી : ભાઈ વાત તો એમના ઘરની છે ને? એ ન કહે અને તમે કહો એવું કઈ રીતે બને? પહેલવાન : એ જવાબ છુપાવશે..... પર્દો પાડી રાખશે. અને હું હકીકત જેવી છે તેવી તમારી સામે રાખી દઈશ. સિકંદર મિર્ઝા : સારું સારું..... ભાઈ તમે હકીકત કહો બસ..... હું ચૂપ બેઠો છું. પહેલવાન : હજૂર, એમના ઘરમાં બુતપરસ્તી થઈ છે. કાલે તો ખુલ્લેઆમ પૂજા કરવામાં આવેલી..... પેલું બધું પણ કરવામાં આવ્યું..... પેલું..... શું કહે છે એને? હા, હવન વગેરે પણ કર્યું. અને પછી દીવા કરવામાં આવેલા કારણ કે કાલે દિવાળી હતી. મીઠાઈ બનાવીને બધાને વહેંચવામાં આવી. ___________________ ૧ તસ્બી : માળા ૨ બુતપરસ્તી : મૂર્તિપૂજા 3 કૂફ્ર : અધર્મ, નાસ્તિકતા

મૌલાના : હવે જો તું રજા આપે તો હું મિર્ઝા સાહેબને પણ કંઈક પૂછું? (પહેલવાન કંઈ બોલતો નથી) મૌલાના : મિર્ઝા સાહેબ શું વાત છે? સિકંદર મિર્ઝા : જનાબ આપ તો જાણો જ છો કે મારી હવેલીમાં ઉપલા માળે માઈ રહે છે. આ હવેલીના અસલ માલિક રતનલાલ ઝવેરીનાં એ મા છે. એમણે મને કહ્યું કે મારો તહેવાર આવે છે મને તહેવાર ઊજવવાની રજા આપો. ભલા હું કોઈને એમનો તહેવાર ઊજવતાં શા માટે રોકું? મેં એમને કહ્યું..... જરૂર ઊજવો..... ને એ બિચારાંએ તહેવાર ઊજવ્યો. બસ વાત આટલી જ છે. પહેલવાન : ઘંટડીઓનો અવાજ મેં મારા પોતાના કાને સાંભળ્યો છે. મૌલાના : ઊભા રહો ભાઈ, મૂળમાં વાત એ છે ને કે હિંદુ ડોશીએ ઈબાદત૧ કરી અને..... પહેલવાન : ઈબાદત? એની એ પૂજા અને ઘંટડીઓ વગાડવાને તમે ઈબાદત કહો છો? મૌલાના : (હસીને) તો પછી એના માટે કોઈ યોગ્ય શબ્દ તમે જ સુઝાડોને ભાઈ! પહેલવાન  : પૂજા. મૌલાના : હા જી, પણ પૂજાનો અર્થ ઈબાદત જ થાય..... એટલે એણે ઈબાદત કરી ખરું ને? (થોડીક વાર માટે ચૂપકીદી છવાઈ જાય છે) મૌલાના : પણ એણે ઈબાદત કરી તો શું થઈ ગયું? દરેકને પોતપોતાની રીતે ઈબાદત કરવાનો અને પોતપોતાના ખુદાઓને યાદ કરવાનો અધિકાર છે. પહેલવાન : એવું કઈ રીતે મૌલાના સાહેબ? ______________________ ૧ ઈબાદત : પૂજા

મૌલાના : ભાઈ હદીસમાં તો ફરમાવ્યું છે કે તમે બીજાના ખુદાઓને ખરાબ ના કહો જેથી એ તમારા ખુદાને ખરાબ ના કહે, તમે બીજાના મઝહબને ઉતારી ના પાડો જેથી એ તમારા મઝહબને ન ભાંડે..... (પહેલવાનનું મોં પડી જાય છે. પછી અચાનક જોશમાં આવી જાય છે) પહેલવાન  : ધારી લો કે આવતીકાલે આ ડોકરી અહીં મંદિર બનાવશે તો? મૌલાના : મંદિરોને બનવા ન દેવાં કે મંદિરોને તોડવાં ઇસ્લામ નથી પુત્તર........ પહેલવાન : (ગુસ્સામાં) એમ? તો પછી ઇસ્લામ શું છે એ કહેશો જરા. મૌલાના : પોતાની જાતને અલ્લાને સોંપી દેવી તે ઇસ્લામ છે. પહેલવાન : એ બધું તો ઠીક છે મૌલવી સાહેબ, પણ એ હિંદુ ઓરત... સિકંદર મિર્ઝા : (એની વાત વચ્ચેથી કાપીને) હજૂર એ હિંદુ ઓરત વિધવા છે. મૌલાના : આપણા ધર્મમાં વિધવાનું સ્થાન તો બહુ ઊંચું છે. ફરમાવાયું છે કે વિધવા અને ગરીબ માટે દોડાદોડી કરવાવાળા એટલા જ સવાબ૧ના હક્કદાર છે જેટલો સવાબ આખા દિવસના રોજા રાખનાર અને રાતભર નમાજ પઢનારને મળે છે. (પહેલવાનનું મોઢું પડી જાય છે. પણ વળી પાછું એ માથું ઊંચકે છે.) પહેલવાન : વિધવા હિંદુ હોય કે મુસલમાન તો પણ? મૌલાના  : પુત્તર, ઇસ્લામે એવા ઘણા બધા અધિકારો દર્શાવ્યા છે જે તમામ ઈન્સાનો માટે છે..... એમાં ધર્મ, રંગ, જાતિ અને જ્ઞાતિના કોઈ ભેદભાવ કરવામાં નથી આવ્યા. સિકંદર મિર્ઝા : મૌલાના એ બિચારાં બહુ દુઃખી છે. હેરાન-પરેશાન છે. અમારા સૌની એટલી બધી ખિદમત૨ કરે છે કે શબ્દોમાં વર્ણવી ન શકાય. _______________ ૧ સવાબ : પુણ્ય ૨ ખિદમત : મદદ, સેવા

મૌલાના : પુત્તર, અલ્લા એ વ્યક્તિ પર બહુ ખુશ થાય છે જે કોઈ દુ:ખી વ્યક્તિના દુઃખમાં ભાગીદાર બને અથવા કોઈ જુલમનો ભોગ બનનારની મદદ કરે. નાસિર : હૈ યહી એહલે વફા દિલ ન કિસી કા દુઃખા અપને ભલે કે લિએ સબકા ભલા ચાહિએ..... મૌલાના : બેશક. સિકંદર મિર્ઝા  : હજૂર, માઈમાં બધાની ખિદમત કરવાની ભાવના બહુ જ છે. મૌલાના : પુત્તર, ખિદમતથી તો ખુદા ખુશ થાય છે. ખિદમત તો માણસનું ઘરેણું છે. સેવાવૃત્તિ વગરનો માણસ પશુ સમાન છે. હું એ જાણીને બહુ રાજી થયો છું કે..... પહેલવાન : (ગુસ્સામાં) મુલ્લા..... એ બધી વાતો તો ઠીક છે. પણ એ કહે કે તું એ હિંદુ ઓરતને અમારા મુસલમાનો કરતાં વધુ મહત્ત્વ આપે છે? મૌલાના : (હસીને) પુત્તર આપણે તો એના (આસમાન તરફ આંગળી ઊંચી કરીને) ગુલામ છીએ. કુરાને પાકમાં લખ્યું છે કે.... પહેલવાન : (એકદમ ગુસ્સે થઈ, આવેશમાં જઈને) : બસ..... બસ..... બહુ થઈ ગયું. એટલો ઇસ્લામ તો અમે પણ જાણીએ છીએ કે મુસલમાન હિંદુથી સારો જ હોય છે. અને જે એવું નથી માનતા તે મુસલમાનોના દુશ્મન છે..... અને મુલ્લા અમે તો તારી સાતેય પેઢીને ઓળખીએ છીએ..... આ બધા બહારથી આવેલાને તો શું ખબર હોય? તારો બાપ..... તારો બાપ બીજાઓની બકરીઓ ચરાવતો ફરતો..... બકરીઓ..... સમજયો? લોકોનાં ઊતરેલાં કપડાં પહેરતો હતો. અને તને તો મહોલ્લાવાળાઓએ ફાળો કરીને ભણાવ્યો હતો એ ભૂલી ગયો? (પહેલવાનનો ગુસ્સો વધતો જ જાય છે..... બધા લોકો હેરતથી એને જોઈ રહે છે. પહેલવાન આવેશમાં તડાતડી બોલાવ્યે જ જાય છે) તારા બાપના ઘરમાં બબ્બે દા’ડા ચૂલો નો’તો સળગતો..... મૌલાના : અલ્લાહ તને સદ્બુદ્ધિ આપે..... યાકૂબ..... અંતરાલ ગીત તૂ અસીરે બઝમ૧ હૈ હમ સુખન૨ તુઝે ઝૌકે નાલ-એ-નૈ નહીં૩ તેરા દિલ ગુદાઝ૪ હો કિસ તરહ યે તેરે મિઝાજ કી લૈ નહીં

તેરા હર કમાલ હૈ ઝાહિરી૫, તેરા હર ખ્યાલ હૈ સરસરી૬ કોઈ દિલ કી બાત કરું તો ક્યા, તેરે દિલમેં આગ તો હૈ નહીં

જિસે સુન કે રુહ મહક ઊઠે, જિસે પી કે દર્દ ચહક ઊઠે તેરે સાજ મેં વો સદા નહીં, તેરે મૈકદે મેં વો મય નહીં૭

યહી શેર હૈ મેરે સલ્તનત, ઈસી ફલ મેં હૈ મુઝે આફિયત૮ મેરે કાસ૯-એ-શબો રોઝ૧0 મેં, તેરે કામ કો કોઈ શય૧૧ નહીં.

૧ અસીરે બઝમ : મહેફિલોનો રસિયો-ટેવવાળો ૨ હમ સુખન : એકસરખા વિચારોવાળો-મિત્ર ૩ ઝૌકે નાલ-એ-નૈ : ઝૌક = ઇચ્છા કે રુચિ, નાલ = રુદન, નૈ = વાંસળી, વાંસળીનું રુદન સાંભળવાની ઇચ્છા ૪ ગુદાઝ : મુલાયમ ૫ ઝાહિરી : જાહેર ૬ સરસરી : સપાટી પરના, ઉપરછલ્લા ૭ મૈકદે મેં વો મય નહીં : તારા શરાબખાનામાં એ શરાબ નથી ૮ આફિયત : સંતુષ્ટિ, પરિતોષ, સુખ ચેન, શાંતિ ૯ કાસ : પ્યાલો ૧૦ શબો રોઝ : દિવસ રાત ૧૧ શય : સાધન


  દૃશ્ય : તેર

(અલીમની ચાની દુકાન છે. રાતનો વખત છે. દુકાન પર હમીદ અલીમની સાથે બેઠેલો છે. અલીમ સગડી સળગાવી રહ્યો છે) અલીમ : (ધુમાડાથી અકળાઈ જઈને) લાગે છે કે સાલ્લા સૂકા કોલસા પણ બધા પેલી બાજુ જતા રહ્યા..... હમીદ : વાહ અલીમા! વાહ..... તેં તો કોલસાના સુધ્ધાં ભાગલા પાડી દીધા.....! અલીમ : હવે જમાનો જ એવો આવી ગયો છે હમીદ મિયાં..... નાસિર સાહેબનો પેલો મિસરો છે ને..... ‘ફૂલ ખુશ્બુ સે જુદા હૈ અબ કે.....’ હમીદ : અરે હા, એ તો કહે કે તેં આજે નાસિર સાહેબને જોયા ખરા? આજે કોફી હાઉસમાં પણ નથી આવ્યા. અલીમ : મિયાં, નાસિર સાહેબ કદીપણ દિવસે દેખાતા જ નથી. હા, હવે એમનો આવવાનો વખત થયો છે ખરો. (નાસિર આવતા દેખાય છે.) અલીમ : લ્યો આ નાસિર સાહેબ આવ્યા..... હમીદ : અરે જનાબ સલામઅલૈકુમ..... ભાઈ આજે આખો દિવસ તમે ક્યાં હતા? નાસિર : (ગંભીરતાથી) પાંદડાંઓની મુલાકાતે ગયો હતો. હમીદ : (હેરતથી) પાંદડાંઓની મુલાકાત? નાસિર : જી હા..... પાંદડાંઓની મુલાકાત. હમીદ : પાંદડાંઓની સાથે મુલાકાત કઈ રીતે થાય નાસિર સાહેબ? નાસિર : આજકાલ પાનખર છે ને? વૃક્ષો પરથી પીળાં પાંદડાંઓને ખરતાં જોઉં છું તો ઉદાસ થઈ જાઉં છું. પાનખર જેવી અને જેટલી ઉદાસી મારા પર કદી નથી છવાતી. એટલે પાનખરમાં હું પાંદડાંઓના દુઃખમાં સામેલ થવા એની પાસે જતો રહું છું. હમીદ : હું પણ એક ચીજ શોધું છું. જ્યારથી હું લાહૌર આવ્યો છું ત્યારથી એને શોધી રહ્યો છું. આજ દિવસ સુધી નથી મળી..................... નાસિર : કઈ ચીજ? હમીદ : ભાઈ અમારી બાજુ એક ચકલી..... થતી હતી..... કાળી ચકલી..... અહીં ક્યાંય મને કાળી ચકલી નથી દેખાઈ..... નાસિર : કાળી ચકલી? હમીદ : હા, કાળી ચકલી. નાસિર : અરે હું તમને કાળી ચકલી બતાવીશ. મેં એને અહીં પણ શોધી કાઢી છે. મારા માટે એની શોધ પ્રગતિવાદી સાહિત્ય અને ઇસ્લામિક સાહિત્યથી પણ વધુ મહત્ત્વની સમસ્યા હતી. હું જ્યારે અહીં આવ્યો ત્યારે એ બધી ચીજોની શોધ કરતો રહેતો જે ચીજોને મેં દિલોજાનથી ચાહી હોય. સરસવનાં ખેતરો સાથે પણ મારે પ્રેમ છે. એટલે ભાઈ મેં તો લાહૌરમાં આવતાંની સાથે જ કેટલાય લોકોને પૂછી કાઢેલું કે શું તમારે ત્યાં પણ સરસવ એવી જ મહોરે છે જેવી હિંદુસ્તાનમાં મ્હોરતી હતી? મેં તો એ પણ પૂછી કાઢેલું કે અહીં શ્રાવણનાં ઝાપટાં પડે છે? વરસાદી સાંજ શું મોરના ટહુકારથી ગુંજી ઊઠે છે? વસંતમાં અહીં આસમાનનો રંગ કેવો હોય છે? હમીદ : ભાઈ, તમારા શાયરોની વાતો અમારી જેવા સામાન્ય લોકો શું રાખ સમજવાના? હા, તમારી વાતો સાંભળવી બહુ ગમે છે. નાસિર : હકીકતે મારા માટે એક એક પાંદડું શહેર છે, ફૂલ પણ શહેર છે. અને સૌથી મોટું શહેર છે દિલ..... એનાથી મોટું બીજું શહેર વળી કયું હોવાનું? બહાર જે બધાં શહેરો છે તે તો આ દિલની ગલીઓ છે..... હમીદ : હું માનું છું નાસિર કે શાયર અને બીજા સામાન્ય લોકોમાં બહુ મોટો ફર્ક છે. નાસિર : (એની વાત કાપીને) નહીં નહીં, એવું નથી. દરેક જગ્યાએ, જિંદગીના દરેક હિસ્સામાં શાયરી છે. એવું કંઈ જરૂરી નથી કે શાયરી કરતા હોય એ બહુ સજ્જન લોકો હોય. નાના મોટા મજૂર, ઑફિસોના કારકૂનો, પોતાના કામથી કામ રાખનારા પ્રામાણિક લોકો, જે હજારો લોકોને લાહૌરથી કરાચી અને કરાચીથી લાહૌર લઈ જાય છે તે ટ્રેનનો ડ્રાઈવર..... મને આ માણસો બહુ ગમે છે. અને એક એ માણસ જે ફાટક બંધ કરે છે. તમને ખબર છે કે ગાડી આવતી હોય ત્યારે જો એ ફાટક ખોલી નાખે તો કેવો ગજબ થઈ જાય? બસ, શાયરનું પણ આ જ કામ છે કે કયા સમયે ફાટક ખોલવાનું છે અને કયા સમયે બંધ કરવાનું છે. (હમીદ જરાક આઘે રતનનાં માને કશેક જતાં જુવે છે) હમીદ : અરે આવા કટાણે આ અહીં ક્યાંથી? નાસિર : આ તો માઈ છે !! (બેઉ માઈ પાસે પહોંચે છે) નાસિર : માઈ, નમસ્તે..... તમે અહીં? રતનની મા : જીવતા રહો..... બેઉ જીવતા રહો..... નાસિર : માઈ, ખેરિયત તો છે ને? આવા કટાણે આ સામાન લઈને તમે ક્યાં જઈ રહ્યાં છો? રતનની મા : પુત્તર હું દિલ્હી જવા માંગું છું. નાસિર : (હેરતથી) નહીં માઈ નહીં..... એવું કેવી રીતે થઈ શકે? રતનની મા : બસ પુત્તર, બહુ રહી લીધું લાહૌરમાં. હવે લાગે છે કે મારાં અહીંનાં અંજળપાણી ખૂટી ગયાં છે. હમીદ : પણ એવું કેમ માઈ? નાસિર : માઈ, કોઈ તકલીફ છે? રતનની મા : પુત્તર, તકલીફ તો એને થાય જે તકલીફને તકલીફ ગણે..... મને તો કોઈ તકલીફ નથી..... નાસિર : માઈ, તો પછી કેમ જવા માંગો છો? આખો મહોલ્લો તમને માઈ કહે છે. લોકો તમને અપાર આદર આપે છે..... અમને બધાને તમારા પર ગર્વ છે. રતનની મા : પુત્તર, તમે બધાએ તો મને એ પ્રેમ અને આદર આપ્યા છે જે પોતાના લોકો પણ ના દે....! નાસિર : માઈ, જે જેનો અધિકાર હોય છે તે એને મળતો જ હોય છે. તમે અમને એટલું આપ્યું છે માઈ કે અમે શબ્દોમાં વર્ણવી શકીએ એમ નથી. રતનની મા : તમારો એ પ્રેમ જ મને લાહૌર છોડવા મજબૂર કરી રહ્યો છે. હમીદ : માઈ, વાત શું છે? રતનની મા : મારું લાહૌરમાં રહેવું કેટલાક લોકોને પસંદ નથી. પોતાના ઘરમાંથી મને કાઢી મૂકે એ માટે મિર્ઝા સાહેબને ધમકીઓ અપાઈ રહી છે. એમને રસ્તે જતાં આવતાં ટોણાં મારે છે. એમની દીકરી તન્નો અને દીકરા જાવેદને તો એ લોકોએ નાકે દમ લાવી દીધો છે. પણ હું જતી રહું એ તો મિર્ઝાસાહેબ કોઈ પણ હાલતમાં નહીં ઇચ્છે. હમીદ : તો પછી તમે કેમ જવા માગો છો માઈ? રતનની મા : હું જો અહીં રહીશ તો મિર્ઝાસાહેબ..... નાસિર : માઈ, મિર્ઝા સાહેબનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે..... અમે બધા એમની સાથે છીએ. રતનની મા : પુત્તર, મને તમારા બધા માટે બહુ માન છે. તમને બધાને કોઈ ઝમેલામાં ફસાવવા કરતાં તો સારું છે કે હું પોતે જ ચાલી જાઉં..... તું મને દિલ્હી જાવા દે..... મારી પાસે પૈસા-ટકા છે, ઘરેણાં-ગાંઠાં છે..... હું ત્યાં જઈને બે વખતની રોટી ખાઈ લઈશ અને બાકીની જિંદગી કાઢી નાખીશ. નાસિર : (એકદમ દૃઢ અવાજે) એ તો હરગિઝ નહીં બને. એ અશક્ય છે. કદી દીકરા પોતાની માને ક્યાંક પડી રહેવા માટે એકલી છોડી દે છે ખરા? રતનની મા : મારું કહેવું માન પુત્તર..... હું તને દુવા દઈશ..... નાસિર (એકદમ દર્દભર્યા અવાજે) માઈ લાહૌર છોડીને ના જાઓ..... માઈ તમને લાહૌર ક્યાંય નહીં મળે..... જે રીતે મને અમ્બાલા ક્યાંય ના મળ્યું. હિદાયતભાઈને લખનૌ ક્યાંય ના મળ્યું. એ જ રીતે માઈ તમને લાહૌર ક્યાંય નહીં મળે..... માઈ, જીવતાને મુર્દા ન બનાવો........ લાહૌર છોડીને ના જાઓ. (રતનની મા આંખનાં આંસુ લૂછવા માંડે છે) નાસિર : તમે અમારાં મા છો. અમને તમે જે કહેશો તે અમે કરીશું. પણ એવું ના કહો કે તમે અમારાં મા રહેવા નથી માગતાં. રતનની મા : તો તું જ કહે કે મૈં કી કરાં? નાસિર : તમે પાછાં ઘરે જાઓ..... માઈ બે-ચાર બદમાશ કંઈ નહીં કરી શકે. રતનની મા : પુત્તર મેં તો મારી સગી આંખે આ બધું જોયું છે. એ વખતે પણ બધા એવું જ કહેતા હતા કે બે-ચાર બદમાશ કશું નહીં કરી શકે..... એ લોકો કહે છે કે આખા લાહૌરમાં હું એકલી જ હિંદુ છું. મારા અહીંથી ચાલ્યા જવાથી આ શહેર પાક૧ થઈ જશે. નાસિર : માઈ, તમે જો અહીં નહીં રહો ને તો અમે બધા નાગા થઈ જઈશું. અને માઈ નાગો આદમી નાગો હોય છે. એ ન તો હિંદુ હોય છે, ન મુસલમાન.

	(હમીદ માઈની સૂટકેસ ઊંચકી લે છે)

_____________________ ૧ પાક : પવિત્ર


અંતરાલ ગીત ફુલ ખુશ્બૂ સે જુદા હૈ અબ કે યારોં યે કૈસી હવા હૈ અબ કે

દોસ્ત બિછડે હૈં કઈ બાર મગર યે નયા દાગ ખિલા હૈ અબ કે

પત્તિયાઁ રોતી હૈં સર પીટતી હૈં કત્લે ગુલ આમ હુઆ હૈ અબ કે

ક્યા સુનેં શોરે બહારાઁ ‘નાસિર’ હમને કુછ ઔર સુના હૈ અબ કે.........


  દૃશ્ય : ચૌદ

(રતનની મા બેઠાં છે. એમની પાસે એ બેગ પડી છે જે આગળના દૃશ્યમાં હતી. સામે હમીદા બેગમ, તન્નો અને જાવેદ બેઠાં છે. જરાક દૂર બેસીને મિર્ઝા સાહેબ હુક્કો ગગડાવી રહ્યા છે) હમીદા બેગમ : નહીં નહીં નહીં..... હરગિઝ નહીં. માઈ, આવો વિચાર આપના મનમાં આવ્યો જ કઈ રીતે? નાસિરસાહેબ વગેરેએ તમને જોઈ ના લીધાં હોત તો તો ગજબ જ થઈ જાતને? તન્નો : શું અમારા લોકોથી કંઈ ભૂલ થઈ ગઈ માઈ? રતનની મા : દીકરી, તું ખરી ગાંડા જેવી વાત કરે છે ! પોતાના છોકરાઓથી ભલા કોઈ ભૂલ થાય ખરી?..... હું તારી દાદી છું. તારાથી ધારોકે કોઈ ભૂલ થાય તો હું તને ખિજવાવ..... બે-ચાર ઝાપટ પણ મારી શકું. મને એમ કરતાં કોણ રોકવાનું હતું? સિકંદર મિર્ઝા : બેશક તન્નો તમારી પૌત્રી છે. તમારો એના પર પૂરેપૂરો હક્ક છે. હું તો એ વિચારી પણ નથી શકતો કે તમે સાવ એકલાં જ દિલ્હી જવા નીકળી પડશો. એય પાછું અમને કોઈને કહ્યા વગર?..... અમને કેમ ના કહ્યું? રતનની મા : જો પુત્તર, મને બધી ખબર છે. એ વાત ખરી કે તમે લોકોએ મને કશું જ નથી કહ્યું..... કહો કે છુપાવ્યું છે. પણ એ હકીકત છે કે કેટલાક લોકો મારા કારણે તમને સૌને હેરાન કરી રહ્યા છે. જાવેદ : અરે માઈ..... એવી ધમકીઓ તો ન જાણે કેટલાય દેતા જ રહે છે. રતનની મા : પુત્તર, મારા કારણે જો તમારામાંથી કોઈને કંઈ થઈ જાય તો હું તો ક્યાંયની ના રહું. એ જ કારણે હું જવા માગતી હતી. સિકંદર મિર્ઝા : માઈ, જ્યારે અમારું કોઈ ઠામઠેકાણું નો’તું, જ્યારે અમે હેરાન-પરેશાન હતા, અમને ખબર પણ નો’તી કે લાહૌર કઈ ચીડિયાનું નામ છે ત્યારે તમે અમને પોતાનાં બચ્ચાંની જેમ રાખ્યાં. અમારા પર દરેક પ્રકારના અહેસાન કર્યા. અને આજે હવે જ્યારે અમે આ શહેરમાં ઠરીઠામ થઈ ચૂક્યા છીએ ત્યારે શું એ તમામ અહેસાનોને ભૂલી જઈએ? રતનની મા : પુત્તર, તું સાચું કહે છે. પણ મારીયે કોઈક ફરજ બને કે નહીં? સિકંદર મિર્ઝા : તમારી ફરજ એટલી જ કે તમે તમારા દીકરા, વહુ, પોતરા, પોતરી સાથે રહો બસ..... રતનની મા : જો પુત્તર, મને શું ફરક પડે છે? હું સાઠ ઉપરની તો થઈ ગઈ છું. હવે તો આજ મરું કે કાલે મરું..... અહીં લાહૌરમાં મરું કે ત્યાં દિલ્હીમાં મરું..... મારે મરવાનું છે એ તો પાક્કું જ છે.

તન્નો : માઈ, પહેલાં તો તમે આ મરવા-બરવાની વાત જ ના કરો..... મરે તમારા દુશ્મન. (તન્નો માઈને ગળે વળગી પડે છે. માઈ એને વહાલ કરે છે) સિકંદર મિર્ઝા : માઈ, આજે તમારે એક વાયદો કરવો પડશે. એકદમ પાક્કો વાયદો.... (જાવેદને) જાવેદ બેટા... પહેલાં તો આ પેટી ઉપર લઈ જા અને માઈના ઓરડામાં મૂકી આવ જા..... જાવેદ : જી અબ્બા..... (જાવેદ પેટી લઈને જતો રહે છે.) સિકંદર મિર્ઝા : ખુદાની કસમ……. તમે જતાં રહ્યાં હોત તો અમારા પર શી વીતત એનો અંદાજ છે આપને? શરમના માર્યા જમીનમાં સમાઈ ગયા હોત..... કોઈ સાથે નજર મેળવવા લાયક ના રહ્યા હોત..... અરે માઈ, આવું તે કંઈ થાય? બસ હવે તમે કશે જ નહીં જાવ..... (રતનની મા ચૂપ થઈ જાય છે અને માથું નમાવી દે છે) હમીદા બેગમ : સાવ સાચી વાત છે. તમારે ક્યાંય નથી જવાનું. (જાવેદ પાછો આવીને બેસી જાય છે) તન્નો : દાદી બોલોને? કેમ સતાવો છો? કહી દો ને કે તમે ક્યાંય નહીં જાઓ..... (રતનની મા ચૂપ રહે છે. જાવેદ ઊભો થઈને માઈ પાસે આવે છે. માઈના બેઉ ખભા પકડે છે. વાંકો વળીને એમની આંખમાં જુવે છે અને પછી એકદમ દૃઢ અવાજે કહે છે) જાવેદ : દાદી, તમને મારી કસમ છે, જો તમે કશે ગયાં તો..... (રતનની મા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગે છે. રડતાં રડતાં કહેતાં જાય છે........) રતનની મા : હું કશે નહીં જાઉં. કશે પણ નહીં જાઉં. તમારા લોકોને ત્યાંથી નીકળી સીધી રબને ત્યાં જ જઈશ - બસને? (તન્નો અને જાવેદને ગળે વળગાડીને માઈ રડવા લાગે છે. હમીદા બેગમ પણ પોતાની આંખો લૂછે છે. સિકંદર મિર્ઝા જોર જોરથી હુક્કો ગુડગુડાવવા લાગે છે.)

અંતરાલ ગીત નિત નયી સોચ મેં લગે રહના હમેં હર હાલ મેં ગઝલ કહેના

ઘર કે આઁગનમેં આધી-આધી રાત મિલ કે બાહમ૧ કહાનિયાઁ કહના

શહરવાલોં સે છુપ કે પિછલી રાત ચાઁદ મેં બૈઠ કર ગઝલ કહેના

ક્યા ખબર કબ કોઈ કિરન ફૂટે જાગને વાલોં જાગતે રહેના..... ______________ ૧ બાહમ : એકબીજાને, પરસ્પર


  દૃશ્ય : પંદર

(મધરાતનો વખત છે. અલીમની હોટલમાં સન્નાટો છે. એક બેંચ પર અલીમ લાંબો થઈને પડ્યો છે. નાસિર અને હમીદ આવે છે.) નાસિર : (હમીદને) લાગે છે કે આ તો સૂઈ ગયો. (જોરથી)અરે ભાઈ સૂઈ ગયો કે શું? અલીમ : અરે હમણાં જરાકવાર પહેલાં જ જરાક ઝોકું આવી ગયું..... આવો નાસિર સાહેબ.... આવો... નાસિર : અરે સૂઈ જા ભાઈ સૂઈ જા..... પણ યાર ચા પીવી હતી. હમીદ : ભઠ્ઠી તો સળગે જ છે. નાસિર : તો ઠીક છે યાર.... તું સૂતો રહે.... અમે લોકો જાતે ચા બનાવી લઈશું. કેમ હમીદ? હમીદ : નાસિર સાહેબ, એકદમ ફસ્ટક્લાસ ચા પીવડાવીશ.... નાસિર : અરે અલીમ, એકાદ કપ તું પણ પી લેજે.... અલીમ : ઊંઘ ઊડી જશે નાસિરસાહેબ..... નાસિર : અરે ભાઈ, ઊંઘ કંઈ પરી થોડી જ છે કે ઊડી જશે? ચા પીને સૂઈ જજે પાછો.... અને જો સૂવાનું મન ન થાય તો અમારી સથે ચાલવા નીકળજે..... આમેય લાહૌર સાથે મુલાકાત તો રાતમાં જ થાય છે. હમીદ : (ભઠ્ઠી પર પાણી મૂકે છે) નાસિર સાહેબ કડક ચા પીશો? નાસિર : ભાઈ હું તો કડકનો જ શોખીન છું. કડક ચા, કડક માણસ, કડક રાત, કડક શાયરી..... (નાસિર બેંચ પર બેસી જાય છે. હમીદ ચા બનાવવા લાગે છે. અલીમ પણ બેઠો થઈ જાય છે) હમીદ : નાસિર સાહેબ, કોઈ કડક શે’ર સંભળાવો. નાસિર : સાંભળો..... ગમ જિસકી મઝદૂરી હો........ હમીદ : (રાળે છે) ગમ જિસકી મઝદૂરી હો..... નાસિર : જલ્દી ગિરેગી વે દીવાર..... હમીદ : વાહ નાસિર સાહેબ વાહ..... (અલીમ બેઉની સામે ચાના કપ મૂકે છે અને પોતે પણ ચા લઈને બેસી જાય છે.....) અલીમ : નાસિર સાહેબ, પહેલવાન તમને શોધતો ફરે છે. મળ્યો કે નહીં? નાસિર : જિન મેં બૂએ વફા નહીં ‘નાસિર’ ઐસે લોગોં સે હમ નહીં મિલતે હમીદ : વાહ સાહેબ વાહ..... જિનમેં બૂએ વફા નહીં ‘નાસિર’..... નાસિર : ઐસે લોગોં સે હમ નહીં મિલતે..... હમીદ : આજકલ કહ રહે હૈં ‘નાસિર’સાહબ નાસિર : ભાઈ કહને કે લિએ હી તો હમ જિંદા હૈં વરના મૌત ક્યા બૂરી હૈ? (જાવેદનો ગભરાયેલો અવાજ આવે છે. બૂમો પાડતો પાડતો એ દાખલ થાય છે) જાવેદ : અલીમ મિયાં..... અલીમ મિયાં..... (જાવેદ બહુ ગભરાયેલો લાગતો હતો. એને જોઈને ત્રણેય ઊભા થઈ જાય છે) નાસિર : શું થયું જાવેદ? જાવેદ : માઈનો ઈન્તકાલ૧ થઈ ગયો..... નાસિર : અરે ક્યારે? કેવી રીતે? જાવેદ : સાંજે છાતીમાં દુ:ખે છે એમ કહેતાં હતાં. હું ડૉ. ફારુકને બોલાવી લાવેલો. એમણે ઇન્જેક્શન અને દવાઓ આપી હતી પણ અત્યારે અચાનક દુખાવો બહુ વધી ગયો અને........ નાસિર : હમીદમિયાં તમે જરા હિદાયતસાહેબને કહી આવો..... અને કરીમમિયાંને પણ કહી દેજો..... જાવેદ, તું કઈ બાજુ જાય છે? ______________ ૧ ઈન્તકાલ : અવસાન જાવેદ : હું તો અલીમાને જગાડવા આવ્યો હતો. અબ્બાની તો બહુ વિચિત્ર હાલત છે. અલીમ : મરહૂમા૧નાં અહીં કોઈ સગાંવહાલાં પણ નથી. નાસિર : અરે ભાઈ આપણે સૌ એમના શું થઈએ છીએ? સગાં સંબંધી જ તો છીએ. અલીમ, તું કબ્બન સાહેબ અને તકી મિયાંને બોલાવી લાવ..... (અલીમ જાય છે. એ જ વખતે હિદાયત સાહેબ, કરીમમિયાં વગેરે આવે છે) હિદાયત : પોતાના વતનમાં આ કેવું બેવતની જેવું મોત છે ! નાસિર : હિદાયત સાહેબ આપણે બધા એમના જ છીએ..... બધું થઈ રહેશે. કરીમ : અરે ભાઈ પણ તમે કરશો શું? નાસિર : શું કહેવા માગો છો તમે? કરીમ : ભાઈ રામુના બાગમાં શહેરનું જે જૂનું સ્મશાન હતું એ તો હવે રહ્યું નથી. ત્યાં તો મકાનો બની ગયાં છે. હિદાયત : આ તો મુસીબત ઊભી થઈ. (અલીમ, કબ્બન અને તકી આવે છે) કરીમ : અને શહેરમાં બીજો કોઈ હિંદુ પણ નથી જે કંઈક રસ્તો બતાવે. હિદાયત : અરે સાહેબ, આપણને લોકોને કંઈ ખબર પણ નથી ને કે હિંદુઓમાં શું કરતા હશે? (સિકંદર મિર્ઝા આવે છે. એમનો ચહેરો લાલ થઈ ગયો છે. બહુ જ દુ:ખી દેખાય છે) કરીમ : ભાઈ ખરી મુશ્કેલી તો સ્મશાનની જ છે. જ્યાં સ્મશાન જ નથી ત્યાં અંતિમવિધિ કઈ રીતે કરીશું? કબ્બન : હા, આ તો મોટી મુશ્કેલી છે. તકી : મિર્ઝા સાહેબ તમે જ કંઈક સગવડ કરો. સિકંદર મિર્ઝા : ભાઈ, મારી સમજમાં તો કશું જ નથી આવતું. તમારા લોકોની જે સલાહ હોય તે પ્રમાણે કરીએ. ______________ ૧ મરહૂમા : સ્વર્ગસ્થ હિદાયત : ભાઈ આપણે તો એટલું જ કરી શકીએ કે પૂરા માન- સન્માન સાથે મરહૂમાને દફન કરી દઈએ. એનાથી વધારે આપણે ન કશું કરી શકીએ એમ છીએ, ન આપણા હાથની વાત છે. નાસિર : પણ માઈ હિંદુ હતાં અને એમને..... હિદાયત : નાસિરભાઈ આપણે બધા જાણીએ છીએ કે માઈ હિંદુ હતાં પણ કરીએ શું? હવે જો શહેરમાં સ્મશાન જ નથી રહ્યાં તો શું કરી શકાય? તમે જ કહો શું કરી શકાય? (નાસિર ચૂપ થઈ જાય છે) તકી : હિદાયત સાહેબની વાત બરાબર છે. મારો પણ એવો જ મત છે કે માઈના દેહને પૂરાં માન-સન્માન સાથે દફન કરવામાં આવે. એમના વારસદારોનો તો કોઈ અતો પતો છે નહીં. નહીંતર એમને બોલાવત અને એમની સલાહ માગત. સિકંદર મિર્ઝા : તમને લોકોને ઠીક લાગે તે કરો..... કબ્બન : અલીમ મિયાં તમે મસ્જિદ જાઓ અને જનાજો લઈ આવો. કફનનું કાપડ..... હાજી સાહેબની દુકાન જો બંધ હોયને તો પાછળના ભાગે ગલીમાં જ એમનું ઘર છે..... એ અંદર જઈને કાપડ કાઢી આપશે..... (અલીમ અને જાવેદ જાય છે) તકી : માઈમાં કેટલી ખૂબીઓ હતી? મારા છોકરાને જ્યારે શીતળા નીકળ્યા ત્યારે આખી આખી રાત માઈ એના ઓશિકે બેસી રહેતાં. હિદાયત : અરે ભાઈ, માઈ જેવાં મદદગાર અને સેવાભાવી માણસ મેં તો આજ સુધી નથી જોયા. આટલી ભલી બાઈ ! કમાલ કહેવી પડે સાહેબ ! કબ્બન : અરે મારી ઘરવાળીએ જ્યારથી એમના મરવાના સમાચાર સાંભળ્યા છે ત્યારથી એ તો બસ રોયે જ જાય છે. એમની માયા એવી હશે ત્યારે જ એ રોતી હશે ને? નાસિર : જિંદગી જિને કે તસવ્વર સે જિલા પાતી થી હાય ક્યા લોગ થે જો દામે અજલ મેં આએ..... (અલીમ આવે છે) કબ્બન : મૌલવીસાહેબ શું કહેતા હતા? અલીમ : કહેતા હતા કે હમણાં કંઈ જ ના કરતા. એ પોતે જ આવે છે. તકી : મરહૂમાના જીવનની એક એક પળ બીજાઓ માટે જ હતી. એમણે કદી પોતાના માટે કશું જ ન માગ્યું. (પહેલવાન આવે છે) પહેલવાન : ભાઈ એને શી જરૂર હતી બીજા પાસેથી કશું પણ માગવાની? એની પાસે દલ્લો ક્યાં ઓછો હતો? (બધા પાછળ ફરીને પહેલવાનને જુવે છે. કોઈ કંઈ જવાબ નથી દેતા. બરાબર એ જ ઘડીએ મૌલવી સાહેબ આવે છે. જે લોકો બેઠા હતા એ બધા ઊભા થઈ જાય છે.) મૌલાના : સલામ આલૈકુમ બધા : વાલેકુમ સલામ મૌલાના : રતનની માનો ઈન્તકાલ થઈ ગયો? હિદાયત : હા જી. મૌલાના : તમે લોકોએ શું નક્કી કર્યું છે? હિદાયત : હજુર, રામુના બાગવાળું જૂનું સ્મશાન તો હવે રહ્યું નથી અને અમને કોઈને હિંદુઓના તોર તરીકા૧ તો ખબર નથી. શહેરમાં એકેય હિંદુ નથી કે જેને કંઈ પૂછી શકાય. હવે આવી પરિસ્થિતિમાં અમને એ જ યોગ્ય લાગ્યું કે મરહૂમાને પૂરા માન પાન સાથે દફનાવી દેવામાં આવે.

મૌલાના : શું મરહૂમા મરતાં પહેલાં મુસલમાન થઈ ગયાં હતાં? સિકંદર મિર્ઝા : જી નહીં. મૌલાના : તો પછી તમે એમને દફન કેવી રીતે કરી શકો? પહેલવાન : (ગુસ્સામાં) તો બીજું શું કરવાના? ____________________ ૧ તોર તરીકા : વિધિવિધાન મૌલાના : એ હું તમને બધાને પૂછું છું. સિકંદર મિર્ઝા : જનાબ અમારી સમજમાં તો કંઈ નથી આવતું. મૌલાના : જુવો એ નેક ઓરત મરી ચૂકી છે. મરતી વખતે એ હિંદુ હતી. તો પછી એની અંતિમવિધિ હિંદુ રીતરિવાજથી જ થવી જોઈએ. પહેલવાન : (ચિડાઈ જઈને) વાહ રે વાહ ! આ ખરું શીખવાડી રહ્યા છો તમે......... મૌલાના : (એને જવાબ નથી દેતા) જુવો એ મરી ચૂક્યાં છે. એમના મય્યત (મૃતદેહ) સાથે તમારે જેવો વ્યવહાર કરવો હોય તમે કરી શકો છો. એને ચાહો તો દફન કરો..... ચાહો તો ટુકડા ટુકડા કરી નાખો. ચાહો તો પાણીમાં ડુબાડી દો..... તમે જે કરો તેની એમના પર હવે કોઈ અસર થવાની નથી. એમના ઈમાન પર કોઈ આંચ નથી આવવાની. પણ તમે એમના મય્યત સાથે શું કરો છો એનાથી તમારા ઈમાન પર ચોક્કસ જ ફરક પડવાનો..... (બધા મૂંગા થઈ જાય છે) મડદું ચાહે કોઈ પણ મઝહબનું હોય,..... એનું માન જાળવવું આપણી ફરજ છે. અને આપણે જ્યારે કોઈનો આદર કરીએ છીએ ત્યારે એનાં આસ્થા અને એના મઝહબનો અનાદર નથી કરતાને? નાસિર : તમે સાવ સાચી વાત કહો છો મૌલાના……… પહેલવાન : ઇસ્લામ એવું કહે છે? ઇસ્લામ શું એવું શીખવાડે છે કે એક હિંદુ બુઢ્ઢી પાછળ આપણે બધા રામ નામ સત કરીએ? મૌલાના : પુત્તર, ઇસ્લામ કદી સ્વાર્થી બનવાનું નથી શીખવાડતો..... ઇસ્લામ બીજાના મઝહબ અને લાગણીનો આદર કરવાનું શીખવાડે છે. જો તમે સાચા મુસલમાન હો તો એ કરી દેખાડો. બેઈમાનો અને નાસ્તિકોની સાથે પણ વાયદો પૂરો કરવો એ નેક માણસની નિશાની છે. પહેલવાન : (ગુસ્સામાં) એ ખોટી વાત છે, કુફ્ર છે. મૌલાના : પુત્તર ગુસ્સો અને અક્કલ કદી એક સાથે નથી હોતાં. (જરા વાર રહીને) તમારામાંથી એવા કેટલા લોકો છે જે એમ કહી શકે કે રતનના માએ તમારું કોઈ કામ નથી કર્યું કે તમારા પર એમના કોઈ ઉપકાર નથી? કે એમણે તમારી ખિદમત નથી કરી? (કોઈ કશું નથી બોલતા) મૌલાના : જેણે તમારા બધા પર અનેક અહેસાન કર્યા, તમને બધાને પોતાનાં બાળકો ગણ્યાં એ ઓરત મરી ચૂકી છે, મોતની સોડમાં સૂઈ ગઈ છે ત્યારે તમે એને તમારી મા માનવાનો ઇન્કાર કરી દેશો? અને જો એ તમારી મા છે તો પછી એનો જે મઝહબ હતો તેનો આદર કરવો એ તમારા બધાની જ ફરજ બને છે. સિકંદર મિર્ઝા : તમે સાવ સાચું કહો છો મૌલાના..... આપણે મરહૂમાના ધાર્મિક રીતરિવાજ પ્રમાણે જ એનાં કફન-દફન (અંતિમ સંસ્કાર) કરવા જોઈએ. બીજા થોડાક લોકો : હા..... હા..... એમ કરવું જ બરાબર છે. મૌલાના : ફજ્ર૧ની નમાજનો સમય થઈ ગયો છે હું મસ્જિદ જઈ રહ્યો છું. તમે લોકો પણ નમાઝ પડી લો..... નમાઝ પછી હું મિર્ઝાસાહેબના ઘરે આવીશ. સિકંદર મિર્ઝા : મૌલાના સાહેબ, સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે મરહૂમાને બાળવાં ક્યાં? કારણ કે જૂનું સ્મશાન તો હવે રહ્યું નથી. હિદાયત : અને જનાબ, એ લોકોની બીજી વિધિઓ શું હોય છે એની આપણને શી ખબર? મૌલાના : જુવો હવે જો સ્મશાન નથી રહ્યું તો કંઈ નહીં. રાવીનો કિનારો તો છે જ. આપણે મરહૂમાની લાશને રાવીના કિનારે કોઈ વેરાન જગ્યા પર આગને સોંપી જ શકીએને? (અગ્નિસંસ્કાર)

૧ ફજ્રની નમાઝ : ફજરની નમાઝ = સૂર્યોદય પહેલાંની) ઝોહર : બપોરની અસર : સાંજની, સૂર્યાસ્ત પહેલાં મગરિબ : સૂર્યાસ્ત સમયે ઈશાં : સૂર્યાસ્ત પછી (પાંચ નમાઝનાં નામ અને સમય)

કબ્બન : શું એમના મઝહબ પ્રમાણે એમ કરવું બરાબર થશે? મૌલાના : બેશક. હિંદુ એમના મુર્દાઓને નદી કિનારે બાળે છે અને પછી એની રાખ નદીમાં વહાવી દે છે. તકી : પણ બીજી કેટલીયે વિધિઓ હશે ને? હવે કફનની જ વાત લો. એ લોકો કફન કઈ રીતે સીવતા હશે? નાસિર : ભાઈ તમને લોકોને કદાચ એ બધી નહીં ખબર હોય. પણ અમ્બાલામાં મારે તો ઘણા બધા હિંદુ મિત્રો હતા. એ લોકોમાં કફન કાપવામાં કે સીવવામાં નથી આવતું પરંતુ મુર્દાને કફનમાં લપેટવામાં આવે છે. હિદાયત : એમ કર્યા પછી? તકી : ભાઈ એના પછી તો ઠાઠડી પર રાખીને સ્મશાનઘાટ લઈ જતા હશે. કબ્બન : ઠાઠડી કેવી રીતે બને? મૌલાના : ઠાઠડી? સમજી લોને કે એક પ્રકારની સીડી હોય છે જેમાં કેટલાક ડાંડા લગાડેલા હોય છે. કબ્બન : તો ઠાઠડી બનાવવાનું કામ તો થઈ જ શકે. તમે બધા મુરબ્બીઓ કહો તો હું વાંસ વગેરે લાવીને ઠાઠડી તૈયાર કરું. સિકંદર મિર્ઝા : હા-હા જરૂર કર. (કબ્બન બહાર જાય છે) તકી : રાવીના કિનારે બાળવા માટેનાં લાકડાં પહોંચાડવાની જવાબદારી હું લઈ શકું છું. મૌલાના : બિસ્મિલ્લાહ..... તો તમે રાવીના કિનારે લાકડાં પહોંચાડો..... (તકી પણ બહાર ચાલ્યો જાય છે) સિકંદર મિર્ઝા : મૌલાના મને યાદ આવે છે કે હિંદુઓ મુર્દા સાથે બીજી કેટલીક ચીજો પણ બાળે છે..... કદાચ આંબાનાં પાન? સિકંદર મિર્ઝા : (જાવેદને) જાવેદ બેટા, તું આંબાનાં પાન લઈ આવ. હિદાયત : શું હિંદુઓમાં મુર્દાને નવડાવવામાં આવે છે? મૌલાના : ભાઈ એ મને નથી ખબર હો..... નાસિર : જી હા, નવડાવે છે. હિદાયત : કઈ રીતે? નાસિર : ભાઈ એ તો મનેય નથી ખબર..... મૌલાના : ભાઈ નવડાવવાનો હેતુ એટલો જ કે મડદું પાક (પવિત્ર) થઈ જાય અને એની પર કોઈ ગંદવાડો ના રહે. સિકંદર મિર્ઝા : હાસ્તો, વળી બીજું શું કારણ હોય? મૌલાના : મિર્ઝા સાહેબ એ કામ તો ઘરમાં જ થઈ શકે. સિકંદર મિર્ઝા : જી હા ચોક્કસ..... હું બેગમને વાત કરું છું. (સિકંદર મિર્ઝા અંદર જાય છે) મૌલાના : નાસિર સાહેબ તમને બીજા કોઈ રિવાજ યાદ આવે છે? નાસિર : હા જનાબ, અસલ ઘી નાખીને મુર્દાને બાળવામાં આવે છે અને મોટો છોકરો આગ ચાંપે છે. મૌલાના : મરહૂમાનો કોઈ છોકરો તો અહીં છે નહીં. નાસિર : સિકંદર મિર્ઝા સાહેબને માઈ પોતાના દીકરા જ માનતાં હતાં. એટલે એ કામ એમણે કરવું જોઈએ. નાસિર : મૌલાના, હિંદુ મુર્દા સાથે હવનની ચીજો પણ બાળે છે. મૌલાના : હવનની ચીજોમાં શું શું હોય છે? નાસિર : નહીં જનાબ એ તો મને પણ નથી ખબર..... (સિકંદર મિર્ઝા આવે છે) મૌલાના : મિર્ઝા સાહેબ હવનમાં કઈ કઈ ચીજ વસ્તુ હોય છે એની તમને ખબર છે ખરી? સિકંદર મિર્ઝા : ના, એની તો નથી ખબર..... મૌલાના : જુવો, હવે એકાદ રસ્મ (વિધિ) રહી પણ જતી હશે ને તો એનાથી કશો ફરક નથી પડતો. (કબ્બન ઠાઠડી લઈને આવે છે. બધા ઠાઠડી જુવે છે) મૌલાના : હવનની જે ચીજવસ્તુ બાકી રહી ગઈ છે એને મિર્ઝા સાહેબ તમે મેળવી લો. ખુદાની મરજી હશે તો આપણે દસેક વાગ્યે જનાજો લઈ જઈશું. કબ્બન : મૌલાના, જનાજાની સાથે ‘રામ નામ સત હૈ, યહી તુમ્હારી ગત હૈ’ એવું કહેતાં કહેતાં જવું પડશે. મૌલાના : હા ભાઈ, એવું તો કહે જ છે.... સારું તો હું એક કલાક પછી આવું છું. (ઊભા થાય છે) (અત્યારસુધી પોતાના ચમચાઓ સાથે પહેલવાન એક ખૂણામાં ગુસ્સાથી રાતો પીળો થતો બધું જોતો-સાંભળતો બેસી રહેલો. બધાના ચાલ્યા ગયા પછી અચાનક ઠેકડો મારીને પહેલવાન ઊભો થઈ જાય છે અને અલીમની ગર્દન પકડી લે છે.) પહેલવાન : અલીમા..... હું આ નહીં થવા દઉં......... કોઈ કિંમત પર નહીં થવા દઉં........ પછી ભલે મને ..... ભલે મને............. (ઝાપટ મારી અલીમાની ગર્દન જકડી લે છે) અલીમ : અરે પહેલવાન મારું ગળું તો છોડો. મેં તમારું શું બગાડ્યું છે? (પહેલવાન અલીમનું ગળું છોડી દે છે.) પહેલવાન : અરે અમે પણ જાણીએ છીએ એણે કંઈ ઠેકો નથી લીધો ઇસ્લામનો........ અલીમ : અરે પણ એ બધું મને શું કામ સમજાવો છો? જઈને એ લોકોને કહોને ભાઈ ! પહેલવાન : હવે કહેવા-સાંભળવા માટે બાકી શું રહ્યું છે? અલીમા મારું લોહી ઊકળી ઊઠ્યું છે..... હાથ સળવળી રહ્યા છે. કસમ ખુદાની..... આ આગ એમની એમ નથી ઠરવાની..... નથી ઠરવાની આ આગ........ (રાડ પાડી ઊઠે છે) આ મૌલવી છે.... મૌલવી? કાફિર ઓરતની પાછળ ‘રામ રામ’ કહેતો ઘૂમી રહ્યો છે. (એટલો તો ગુસ્સામાં છે કે બોલી જ નથી શકતો.....) સિરાજ : સાલ્લાઓ ગાંડા થઈ ગયા છે................. પહેલવાન : (ચીસ પાડીને) અબે સાલાઓ આ પાકિસ્તાન છે. પાકિસ્તાનની પાક (પવિત્ર) જમીન છે. એને નાપાક કરવાવાળાઓની હું પત્તર ઝીંકી દેવાનો..... છોડવાનો નથી કોઈને પણ હા..... અનવાર : સાલ્લો સિકંદર મિર્ઝા..... બધો માલ હડપ કરી ગયો..... પહેલવાન : હું..... હું..... પેટ ફાડીને માલ કાઢી લાવીશ..... તમે બસ જોતા રહો.....

અંતરાલ ગીત

ગયે દિનોં કા સુરાગ૧ લેકર કિધર સે આયા કિધર ગયા વો અજીબ માનૂસ અજનબી થા મુઝે તો હૈરાન કર ગયા વો.

બસ એક મોતી સી છબ૨ દિખાકર, બસ એક મીઠી સી ધુન સુનાકર સિતાર-એ-શામ૩ બનકે આયા બરંગે ખ્વાબે સહર ગયા વો

વો મૈકદે કો જગાનેવાલા, વો રાત કી નીંદ ઉડાનેવાલા યે ક્યા આજ ઉસકે જી મેં આઈ કે શામ હોતે હી ઘર ગયા વો

વો હિજ્ર૪ કી રાત કા સિતારા વો હમ નફસ૫, હમ સુખન૬ હમારા સદા રહે ઉસકા નામ પ્યારા, સુના હૈ કલ રાત મર ગયા વો.

૧ સુરાગ : ચિહ્ન, નિશાની, શોધ ૨ છબ : છટા, છબિ ૩ સિતાર-એ-શામ : સાંજનો તારો ૪ હિજ્ર : વિયોગ, વિરહ ૫ હમ નફસ : સાથી ૬ હમ સુખન : મિત્ર


  દૃશ્ય : સોળ (મંચ પર ઝાંખું અજવાળું છે. નાટકનાં તમામ પાત્રો (પહેલવાન તથા એના ચમચાઓને બાદ કરીને) રતનની માની અર્થી ઉપાડીને મંચ પર આવ્યાં છે. એકદમ ચૂપકીદી છવાયેલી છે. પછી ધીમેકથી કેટલાક લોકો કહે છે.)

રામ નામ સત હૈ બીજાઓ કહે છે— યહી તુમ્હારી ગત હૈ (વળી ચૂપકીદી છવાઈ જાય છે. અને જરાકવાર પછી વળી બધાં પાત્રો ‘રામ નામ સત છે, એ જ તમારી ગત છે’ બોલતાં બોલતાં ધીરે ધીરે મંચ પરથી પસાર થઈ જાય છે) (મંચ પર અંધારું થઈ જાય છે. ધીમે ધીમે અજવાળું થાય છે. રાતનો સમય છે) (મસ્જિદમાં મૌલાના નમાજ પઢી રહ્યા છે. ખૂણામાં દીવો બળે છે. એક બાજુથી બુકાની બાંધીને એક માણસ હળવે હળવે અંદર ઘૂસે છે. અને એક ખૂણામાં છુપાઈ જાય છે. મૌલાના નમાજ પઢતા રહે છે. બીજી બાજુથી બુકાની બાંધીને બીજો એક માણસ ઘૂસે છે અને નમીને દીવા સુધી જાય છે. મૌલાના નમાજ પઢી લે છે અને જેવા પાછા વળવા જાય છે કે કોઈ દીવો ઠારી નાખે છે.)

મૌલાના : કોણ છે? (કોઈ જવાબ નથી આપતું) મૌલાના : કોણ છે ભાઈ? આ દીવો કોણે ઠારી નાખ્યો? (કોઈ જવાબ નથી આપતું. મૌલાના દીવા તરફ આગળ વધે છે ત્યારે જ પાછળથી ત્રીજો માણસ આવે છે. મૌલાના દિવાસળી સળગાવે છે. એમને પોતાની ત્રણેય બાજુ બુકાની બાંધેલા ત્રણ આદમી દેખાયા..... દિવાસળી ઓલવાઈ જાય છે) મૌલાના : તમે લોકો કોણ છો? (કોઈ જવાબ નથી દેતા. ત્રણેય એક એક ડગલું આગળ વધે છે) મૌલાના : મને તમારાં નામ તો કહો. (કોઈ જવાબ નથી દેતું…) મૌલાના : તમે જે કોઈ પણ હો..... પણ છો તો મુસલમાન..... કારણ કે આખા શહેરમાં એક જ હિંદુ વૃદ્ધા હતી. જે ગઈ કાલે ગુજરી ગઈ..... તમે મુસલમાન છો ને? (ત્રણેય વળી એક એક ડગલું આગળ માંડે છે) મૌલાના : આ ખુદાનું ઘર છે. અહીં બુકાની બાંધવાની શી જરૂર છે? ખુદા તો બધું જોઈ જ રહ્યો છે..... (ત્રણેય ઝડપભેર આગળ આવે છે) મૌલાના : મેં તમારું શું બગાડ્યું છે કે..... (પહેલવાન ચાકૂ કાઢે છે. સિરાજ અને અનવાર મૌલાનાને જકડી લે છે) મૌલાના : બચાવો..... બચાવો..... બચાવો..... (સિરાજ એમનું મોં દબાવી દે છે..... પહેલવાન મૌલાના પર કેટલી બધી વાર ચાકૂના વાર કરે છે..... મૌલાના ઢળી પડે છે. એમના જ કપડાથી પહેલવાન ચાકૂ સાફ કરે છે. અને ત્રણેય ઝડપભેર બહાર નીકળી જાય છે.) (થોડીક વાર પછી મંચની બેઉ બાજુથી માથું નમાવીને નાટકનાં પાત્રો મંચ પર આવે છે. ધીમે ધીમે એ બધાં મૌલાનાની લાશ પાસે આવે છે અને એકદમ જ કરુણ, ગંભીર અને પ્રભાવશાળી અવાજે ગીત ગવાય છે) ખાક ઉડાતે હૈં દિન રાત મીલોં ફૈલ ગયે સહરા૧ પ્યાસી ધરતી જલતી હૈ સૂખ ગયે બહતે દરિયા૨ (ગીતના કરુણ અવાજની સમાંતરે પૃષ્ઠભૂમિમાંથી સ્ત્રીઓના રડવાનો અવાજ ગીતમાં સામેલ થતો જાય છે. રડવાનો અવાજ વધતો જાય છે. ધીમે ધીમે તમામ અવાજો શાંત થઈ જાય છે. મંચ પર અંધારું છવાઈ જાય છે.) ______________ ૧ સહરા : રણ ૨ દરિયા : નદી

***

  1. 1 સહરા : રણ
  2. 2 દરિયા : નદી