અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ભલે શૃંગો ઊંચાં
Revision as of 13:27, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌનશિખરો, ધસે ધારો ઊંચી, તુહિન તહીં ટોચ...")
મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌનશિખરો,
ધસે ધારો ઊંચી, તુહિન તહીં ટોચે તગતગે,
શુચિ પ્રજ્ઞાશીનું સ્મિત કુમુદપુંજો સમ ઝગે;
વહી ર્હેતો ત્યાંથી ખળળ ચિર શાતા જળ-ઝરો.
ઢળી પીતો શૃંગસ્તનથી તડકો શાન્તિ-અમૃત;
મુખે એને કેવું વિમલ શુભ એ દૂધ સુહતું!
હસે નીલું ઊંડું નભ, હૃદય આશિષ્ વરસતું.
રસી શીતસ્પર્શે દિશ દિશ, ભમે મત્ત મરુત.
ગમે શૃંગો, કિન્તુ જનરવભરી ખીણ મુજ હો!
તળેટીએ વીથી સહજ નિરમી શાલતરુની,
રમે ત્યાં છાયાઓ; ઉટજ ઉટજે સૌમ્ય ગૃહિણી
રચે સન્ધ્યાદીપ; સ્તિમિત-દૃગ ખેલે શિશુકુલો;
સ્ફુરે ખીલે વીલે હૃદય હૃદયે ભાવમુકુલો;—
ભલે શૃંગો ઊંચાં, અવનિતલ વાસો મુજ રહો!
અમદાવાદ, 28-10-1953