અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/રહ્યાં વર્ષો તેમાં —
Revision as of 13:28, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું ભલા પી લે; વીલે મુખ ફર...")
રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી `દુષ્ટ' દુનિયા.
— અહો નાનારંગી અજબ દુનિયા! શેં સમજવી?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી!
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી. —
મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શિશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે-હ્રાસે પરમ ઋતલીલા અભિરમે.
—બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું :
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.
(સમગ્ર કવિતા, પૃ. ૫૭૬)