અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/રાજસ્થાનમાં પસાર થતાં —
બારી બહાર છૂટી ધસી દૃષ્ટિ.
અહો મોકળાશ!
…ભાઈ, બેસો જગા છે, ગાડી છે બધાની.
હાશ!
ગડડ ગડડ! ગડડ ગડડ! ગડે ગાડી.
દૃષ્ટિ મારી બારી બ્હાર નાસી છૂટી ધસી.
મનડું આ અખૂટ વેરાન બની જાય.
સંકલ્પવિકલ્પ બધા છૂટાં ઘેટાં સમા
હેઠા શ્વાસે ધરતીનાં હો-ન-હો તે તૃણ
ખેંચી કાઢે, ચર્યાં કરે.
ઓહો! પેલો દૂર ડોકાયો ડુંગર.
ચિત્ત અઢેલીને એને થયું જીવ-ભર.
ધારે ધારે ચઢી જઈ ઊંચેરા શિખર પર
મંદિર-ધ્વજાએ થરકી રહ્યું ફરફર
ફરકી રહ્યું થરથર.
… પાણી ઢળ્યું? લઈ લો સામાન ઊંચો.
ડળી ગયો કાચો કૂજો!
રણમાં પાણીનાં ભલા દર્શન કરાવી ગયો.
ગડડ ગડડ! ગડડ ગડડ! ગડે ગાડી.
પાણી? પાણી તો અહીં પાતાળકૂવે, અથવા તો
ઓ પણે અંકાશે, જ્યાં
કાળમીંઢ ખડકોની ભીંતો
માથે ગઢ, જાણે
ઉગામેલી મુક્કી આ ભેંકાર ધરાએ.
પાણીની અચૂક દીપે એ એંધાણી.
જો જો પેલા બુરજે
સન્ધ્યાની રંગીન ચિતાએ
ઝળાંઝળાં ઊભી કો પદ્મિનીઓ
ઝાંકી રહી શાશ્વતીના હૈયાની સિંદૂર-જ્વાલા.
સન્ધ્યાયે શમી, અંધકાર-રણે
ચેતનના રેલા સમી રેલ લંબાયે આ જતી —
જાણે પળ પછી પળ
ઊંટ ખેંચે હળ:
ચાસે ચાસે ધરતી આ પડખું બદલી રહી.
આવી રાત, વેરતી મુઠ્ઠી ભરી તારા;
પ્રભુની ફસલ, હવે જોઈએ, કેવીક હશે
ગડડ ગડડ! ગડડ ગડડ! — ગડે ગાડી.
અમદાવાદ-દિલ્હી ગાડીમાં, ૨૪-૯-૧૯૬૩