અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/અમે અંધારું શણગાર્યું
Revision as of 17:11, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આજ અમે અંધારું શણગાર્યું, {{space}}હે જી અમે શ્યામલને સોહાવ્યું. હો આ...")
આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું. હો આજ.
ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને
ધરતીએ મેલીને દીવા,
ફૂલોએ ફોરમને આલી આલીને એનું
અંગેઅંગ મહેકાવ્યું! હો આજ.
પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા
ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ
અંધારાનેયે નચાવ્યું! હો આજ.
વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ,
આસમાન ખીલી ઊઠ્યું :
ઊડે આનંદરંગ ચોમેર અમારો એમાં
અંધારું આજે રંગાયું! હો આજ.
થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને
ચાંદાનાંયે વ્રત થાતાં,
આનંદઘેલા હૈયે અમારા આજ
અંધારાનેયે અપનાવ્યું! હો આજ.
(બારી બહાર, પાંચમી આ. ૧૯૬૯, પૃ. ૭૬)