અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/ગામની વિદાય
Revision as of 17:12, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> હે જી મારા નાનપણાના ગામ! મારા બાળપણાના ધામ! તને કરું રે પરણામ, તને...")
હે જી મારા નાનપણાના ગામ! મારા બાળપણાના ધામ!
તને કરું રે પરણામ, તને કરું રે પરણામ.
તારી આ માટી, તારું પાણી, હે ગામ મારા!
તારી આ ઝાડવાંની છાયા;
એની લાગી છે મને માયાઃ
છોડવાં નો’તાં એને છોડવાં આજે:
જાણે હૈયાનાં ખેંચાયે છે ચામ. મારાo
ના રે કળાયા કદી, નેહના વેલા એવા
ભોંયે આ તારી પથરાયા:
જાવા ઉપાડું મારા પાયને, ત્યાં તો એમાં,
ડગલે ને પગલે એ અટવાયા:
ક્યારે બાધી લીધો’તો મને આમ? મારાo
તારા ડુંગરને તારા વોંકળા, હે ગામ મારા!
તારાં આંસુ ને તારાં હાસ:
હૈયાને મારા એણે બાંધી લીધી છે જાણે
કોઈ અદીઠ એવી રાશ:
ખેંચી ઊભાં છે આજ એ તમામ! મારાo