અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/આંધળી માનો કાગળ
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઈ ગામે;
ગીગુભાઈ નાગજી નામે.
લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી, ભાઈ!
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દહાડા?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દહાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ!
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઈ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ.
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.