અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નાથાલાલ દવે/ધરતીના સાદ
Revision as of 06:29, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરु! ગામડે. ભીની માટીની ગંધ આવે યા...")
એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરु! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે… હાલો ભેરु! ગામડે.
બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ,
ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે... હાલો ભેરु!
ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરવરની પાળે… હાલો ભેરु!
ગાઓ રે બંધવા! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો ભેરु!
ખૂંદવાને સીમ ભાઈ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવાં વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે… હાલો ભેરु!
(જાહ્નવી, ૧૯૬૨, પૃ. ૪૦)